( તડકભડક: ‘સંદેશ’, ‘સંસ્કાર’ પૂર્તિ, રવિવાર, 24 મે 2026)
આપણી અંગત વ્યક્તિ સાથે તીવ્ર મતભેદ થાય ત્યારે જે કટોકટીભરી પરિસ્થિતિ સર્જાય છે એને ડીલ કરતાં આપણને આવડે છે? ઈતિહાસમાં નજર કરીએ તો ખબર પડે કે અંગત વ્યક્તિ સાથે કોઈ ઈશ્યૂ પર સામસામા છેડાના મતાગ્રહ બંધાઈ જાય ત્યારે કેવી સ્ફોટક પરિસ્થિતિ સર્જાતી હોય છે.
ગાંધીજી અને એમના પર્સનલ સચિવ મહાદેવભાઈ દેસાઈ જાણે એકબીજા માટે જ જન્મ્યા હતા. મહાદેવભાઈ વિના ગાંધીજીનું જાહેરજીવન અસ્તવ્યસ્ત હોત અને ગાંધીજી વિના મહાદેવભાઈની જિંદગી કોઈક જુદી જ દિશાએ આગળ વધી હોત એ આપણને સૌને ખબર છે.
મહાદેવભાઈ ૧૯૪૨માં ૫૦ વર્ષની ઉંમરે અકાળે અવસાન પામ્યા એનાં ચાર વર્ષ પહેલાં આ ઘટના બની ગઈ. ૧૯૩૮માં ગાંધી સેવા સંઘનું સંમેલન ડેલાંગ ગામે ભરાયેલું. ઓરિસ્સાનું આ ગામ પુરી જિલ્લામાં જગન્નાથપુરીની નજીક આવ્યું છે. જગન્નાથપુરીના વિખ્યાત મંદિરની નજીકના સ્થળે સંમેલન થાય છે એમ જાણીને કસ્તુરબા અને મહાદેવભાઈના પત્ની દુર્ગાબહેન પણ અન્ય સન્માનનીય સ્ત્રીઓ સાથે આ સંમેલનમાં જોડાયાં હતાં. સંમેલનના દિવસો દરમિયાન ખાદી ગ્રામોદ્યોગ પ્રદર્શનના ઉદ્ઘાટન પ્રસંગે ગાંધીજીએ જાહેરાત કરી કે ભગવાન જગન્નાથનું આ વિખ્યાત મંદિર હરિજનો માટે બંધ રહેશે ત્યાં સુધી પોતે એમાં નહીં પ્રવેશે.
ગાંધીજીએ કહ્યું: ‘જગન્નાથનું મંદિર તો ભારતવર્ષમાં સૌથી વધારે ખ્યાતિ પામેલું છે, કેમ કે ત્યાં માણસ-માણસ વચ્ચેના માનવીએ સર્જેલા ભેદ ભૂંસાઈ જતા મનાય છે અને બ્રાહ્મણો અને હરિજનો એકબીજાની હારોહાર ઊભા રહીને ભગવાનનાં દર્શન કરે છે, એટલું જ નહીં પણ એકબીજાના હાથમાંથી એનો પ્રસાદ પણ લઈને ખાય છે. પણ હવે એની એ પ્રતિષ્ઠા હવે રહી નથી. ને એ વર્ણન પણ ખોટું પડ્યું છે, કેમ કે હરિજનોને એ મહામંદિરમાં પેસવા દેવામાં આવતા નથી. મેં મનમાં વિચાર કર્યો કે જ્યાં સુધી જગન્નાથની નજર આગળ ભેદો ચાલે છે ત્યાં સુધી એ જગન્નાથ મારો નાથ નથી, એ તો એના નામનો ગેરલાભ ઉઠાવનારાઓને જે હરિજનોને બહિષ્કૃત રાખનારાઓનો નાથ છે, પણ જગતનો નાથ તો નથી જ. એ મંદિરની જૂની પ્રતિષ્ઠા પાછી ખરેખર સજીવન કરવી એ મારા મનની ઝંખના છે, ને એ પૂરી કરવામાં તમારે મને મદદ કરવાની છે. જગન્નાથનાં મંદિરનાં દ્વાર જ્યાં સુધી હરિજનો માટે બંધ છે ત્યાં સુધી તે મારે માટે પણ બંધ છે.’
જગન્નાથપુરીના મંદિરમાં પ્રવેશ વિશેનો ગાંધીજીનો અભિગમ સ્પષ્ટ થઈ ગયો.
પણ આ બાજુ કંઈક બીજું જ બન્યું જેને કારણે ગાંધીજી અને મહાદેવભાઈ વચ્ચે અંટસ પડી. શું બન્યું એની કલ્પના તમે કરી શકો છો પણ એના કરતાં મહત્ત્વનું છે કે કેવી રીતે એ બન્યું. એ જાણવા ખુદ મહાદેવભાઈના શબ્દો ટાંકવા પડે. ‘હરિજનબંધુ’ના ૧૦ એપ્રિલ, ૧૯૩૮ના અંકના અગ્રલેખમાં મહાદેવભાઈએ જે લખ્યું તેનો સાર છે:
‘કથા કરુણ છે અને અંગત છે. ગાંધી સેવા સંઘની વાર્ષિક બેઠક માટે મારી પત્ની ભાગ્યે જ જાય છે. આ વેળાએ પુરી જવાના હેતુથી આવી એમ મને ખબર પડી. ગાંધીજીએ મને પહેલે જ દિવસે કહ્યું કે મારે એને પુરી મોકલવાની વ્યવસ્થા કરવી જોઈએ. બીજાં પણ જનારાં તો હતાં જ. મને પોતાને પુરીની સૂગ રહી, એટલે હું કાંઈક ઉદાસીન હતો. પણ ગાંધીજીએ ફરી પાછું મને પૂછ્યું, ત્રીજીવાર પૂછ્યું, એટલે મેં વ્યવસ્થા કરી. પુરી જઈને મંદિરમાં જવું કે ન જવું એની ચર્ચા કરવી જોઈતી હતી, પણ એની ખાસ ચર્ચા ન થઈ.’
આ બાજુ પ્રવચનમાં ગાંધીજીએ કહી દીધું કે આ મંદિર જ્યાં સુધી હરિજનો માટે ખુલ્લું ન મુકાય ત્યાં સુધી જગન્નાથ જગતના નાથ નથી પણ મંદિરની છાયામાં પેટ ભરતા પંડાઓના નાથ છે. ગાંધીજીના આ જાહેર પ્રવચન પછી મહાદેવભાઈએ માની લીધું કે પુરી જનારાઓને હવે આપણા તરફથી કોઈ સલાહ આપવાની જરૂર નથી, કારણ કે ગાંધીજીએ ખૂબ સ્પષ્ટ શબ્દોમાં પોતાનો મત જાહેર કરી દીધો છે.
આમ છતાં, મહાદેવભાઈને મનમાં ક્યાંક દહેશત હતી ખરી કે દુર્ગાબહેન કદાચ મંદિરે જશે. મહાદેવભાઈ જાણતા હતા કે પત્નીએ પણ હંમેશાં આભડછેટનો વિરોધ જ કર્યો છે, એટલું જ નહીં હરિજનોની યથાશક્તિ સેવા પણ કરી છે, અને દસ વર્ષથી હરિજનોનો ઘરમાં પ્રવેશ પણ કરાવ્યો છે. આમ ગાંધીજીના આ વિષય પરના વિચારોનું દુર્ગાબહેન દ્વારા પૂરેપૂરું સ્વૈચ્છિક પાલન થતું આવ્યું હતું. મહાદેવભાઈએ એવું પણ વિચાર્યું કે, ‘મંદિર પ્રવેશમાં એને શ્રદ્ધા હોય તો એ શ્રદ્ધાને હું કેમ હલાવું?’ આમ વિચારીને મહાદેવભાઈએ દુર્ગાબહેનને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું નહીં કે તમારે જગન્નાથપુરીના મંદિરમાં પ્રવેશ કરવો નહીં.
મહાદેવભાઈએ આ વિશે એમ પણ વિચાર્યું કે, ‘ગાંધીજીએ ફરીફરીને બધાંને પુરી મોકલવાની વ્યવસ્થા કરવાનું કહ્યું એટલે… ગાંધીજી પોતાની અપાર અહિંસામાંથી ઉદ્ભવતી ઉદારતાથી એમ સૂચવી રહ્યા છે કે જેને મંદિરમાં જવું હોય એ ભલે જાય…’ અહીં મહાદેવભાઈ કેટલાક જૂના દાખલા ટાંકે છે: ‘એ જ ગાંધીજીએ આફ્રિકામાં ઝૂલુ બળવામાં ગોરા લશ્કરને સગે હાથે દારૂ આપ્યો હતો ને? (અને) એ જ ગાંધીજીએ પોતાના ટેબલ પર, જમવા આવનાર ગોરાઓને માંસ પીરસ્યું હતું ને?’
મહાદેવભાઈએ સ્વીકારી લીધું કે ગાંધીજીના પુત્ર મણિલાલ પુરી જનારાઓની સાથે છે એટલે મંદિરમાં ન જ જવાનો નિશ્ર્ચય સૌ માનશે. મહાદેવભાઈ ધારતા હતા કે કસ્તુરબા તો નહીં જ જાય એટલે એમને અનુસરીને બીજી બહેનો પણ મંદિરમાં પ્રવેશ નહીં કરે. બીજી તરફ દુર્ગાબહેનના મનમાં ગાંધીજીની ઉદારતા રમ્યા કરે. એટલે તેઓ મંદિરમાં ગયા, બીજાં એક-બે બહેન પણ ગયાં અને કસ્તુરબા પણ ગયાં. મણિલાલ માંદા હતા એટલે જઈ શક્યા નહીં.
સોમવારે સાંજે પુરીએ ગયેલો સંઘ પાછો ફરે છે અને ગાંધી વિરુદ્ધ દેસાઈનું, પરાકાષ્ઠા પહેલાનું દૃશ્ય શરૂ થાય છે.
ગાંધીજીને ખબર પડી કે કોણ કોણ જગન્નાથપુરીના મંદિરમાં પ્રવેશ કરી આવ્યું અને એમાં પહેલ કોણે કરી હતી. ગાંધીજીએ પ્રથમ તો આ આખીય બીનાને હળવાશથી લેવાનો પ્રયત્ન કરતાં કહ્યું: ‘મહાદેવ, આપણે ત્રણેયે તો છેડા ફાડી નાખવા પડશે.’
મહાદેવ સમજતા હતા કે એ હાસ્ય ગાંધીજીની તીવ્ર વેદના ઢાંકવા માટેનું હતું. ગાંધીજીની વેદના વધતી ગઈ. રાત્રે તેઓ સૂઈ શક્યા નહીં. સવારે એમનું બ્લડપ્રેશર એટલું ઊંચું હતું કે માપીને સૌને ગભરામણ થઈ. ગાંધીજીએ મહાદેવને બોલાવ્યા, દુર્ગાબહેન અને કસ્તુરબાને પણ બોલાવ્યા. ગાંધીજીની વ્યથા જાણીને મહાદેવભાઈએ થોડાક શબ્દોમાં આછો પાતળો ખુલાસો કરવાનો પ્રયત્ન કર્યો પણ ગાંધીજીના હૃદયનો ઉકળાટ શમ્યો નહીં, એટલું જ નહીં, ઊલટાનું એ ઉકળાટ વધ્યો.
ગાંધીજીએ કહ્યું: ‘આ પ્રકરણ દુ:ખદ થઈ પડ્યું છે, મહાદેવ. તમે ત્યારે ગફલત બતાવી. તમે તમને પોતાને અન્યાય કર્યો, મને અન્યાય કર્યો, દુર્ગાને અન્યાય કર્યો. તમારો ધર્મ હતો કે એ લોકોને ફરી પાછો બધો ઈતિહાસ સમજાવવો જોઈતો હતો. પુરીમાં મારા શા હાલ થયા હતા તે સમજાવવું જોઈતું હતું, સનાતનીઓ મારા શા હાલ કરવા માગતા હતા તે પણ કહેવું જોઈતું હતું. મંદિર હરિજનો માટે ન ખૂલે ત્યાં સુધી એનો ત્યાગ કરવાની મારી પ્રતિજ્ઞા અને સુધારક વર્ગને મેં આપેલી સલાહ સંભાળવવી હતી. એ સાંભળ્યા છતાં દુર્ગા જવા માગત તો મારી પાસે લાવવી જોઈતી હતી. મારું ન માનત તો એને જવા દેત. બળાત્કારની તો વાત જ ન હતી.’
ગાંધીજીને સાંભળીને મહાદેવભાઈની હાલત કાપો તોય લોહી ન નીકળે એવી થઈ ગઈ. મહાદેવભાઈએ વિચાર્યું કે બાપુની આ તબિયતે પોતે જો લાંબી દલીલ કરશે તો એમને વધારે ઉદ્વેગ થશે.
બીજે દિવસે સવારે પ્રાર્થના વખતે મહાદેવભાઈએ સંઘના સભ્યો આગળ પોતાની વેદના વ્યક્ત કરી, પોતાની શરમ જણાવી. એ પછી સાંજે ગાંધીજીએ આ મુદ્દા વિશે પોતાનો મત પ્રાર્થનાસભામાં જાહેર કર્યો: ‘… મેં પોકારી-પોકારીને કહ્યું કે જે મંદિરોમાં હરિજનોને પ્રવેશ ન હોય તેમાં આપણાથી ન જવાય. હવે આમ છતાં એવા મંદિરમાં મારી પત્ની અને જેને મેં દીકરી માની છે એવી બહેનો ચાલી જાય એ મારાથી કેમ સહન થાય? … મને જે આઘાત પહોંચ્યો તેથી મગજની એક નસ તૂટી જાય તો નવાઈ નહીં… હું નિસ્તેજ બન્યો. બા મંદિરમાં ન ગઈ હોત તો હું પાંચ ગજ ઊંચો ચડત. તેને બદલે નીચો પડ્યો. જે શક્તિથી મારું કામ ચાલી રહ્યું હતું તેનો હ્રાસ થઈ ગયો હોય એમ મને લાગ્યું…’
આના જવાબમાં મહાદેવભાઈએ લખ્યું: ‘હું આ ભાષણથી ટાઢો પડવાને બદલે ઊકળ્યો. મને થયું, અસ્પૃશ્યતા જેવા પ્રશ્ર્નમાં મારી આવી ગંભીર ગેરસમજ થઈ હોય તો હું ગાંધીજીના વિચારને સમજાવનાર કોણ? હું જ આટલો ત્રાસ, ભલેને અજાણ્યે, આપું તો બીજાને રોકનાર હું કોણ? બીજી તરફથી મને એમ પણ થયું કે ગાંધીજીનો કલેશ વધારે પડતો છે. એઓ શા સારું પોતાને નિસ્તેજ બનેલા માને? સૂરજની આસપાસ વાદળાં ફરી વળે તેથી કાંઈ તે નિસ્તેજ થતો હશે? ગમે તેમ હો, પણ મને થયું કે ‘નીકળ જીવ, તારું સ્થાન બાપુ પાસે નથી.’ મેં રાત જાગતાં ગાળી, પ્રભાતે ચિઠ્ઠી લખીને મને વિદાય દેવાને ગાંધીજીને વિનવ્યા…’
ગાંધીજીની વિદાય માગતી મહાદેવભાઈની ચિઠ્ઠીથી ગાંધીજીને વધારે દુ:ખ થયું. ગાંધીજીએ જવાબ લખ્યો:
‘સવારના પહોરમાં શી ભેદ? પણ એક ભૂલ પણ તરત ન સુધારાય ત્યાં લગી ઉપરાઉપર બીજી થયા જ કરે. આમ છતાં હજારો ભૂલો સહન કરીશ પણ મારાથી તમારો ત્યાગ થનાર નથી. ભક્તોને હાથે મરવું ભલું, અભક્તને હાથ તરવું ય મરવા સમાન છે. એટલે તમારે જવાપણું તો નથી જ… ભૂલ થઈ હોય તો તે સુધારો. ભૂલ ન લાગે તો મારી પાસેથી સમજો. મારી ભૂલ જણાય તો મને સુધારો. આ નથી રડવાનો સમય, નથી અપવાસનો. તમે વાચન ઓછું કરો, વિચાર વિશેષ કરો. અહીં જે જે થયું છે તે ઊંડા ઊતરીને જુઓ….’
મહાદેવભાઈએ ગાંધીજીને છૂટા થવાની રજા માગતી ચિઠ્ઠી આપી પછી દુર્ગાબહેન અને પુત્ર નારાયણ સાથે પણ આ અંગે વાત કરી. નારાયણને કહ્યું, ‘બાબા, આપણે દિહેણ જઈશું. હું ખેતી કરીશ ને તને ભણાવીશ.’ પુત્રે ઘસીને ના પાડી, ‘તમારે જવું હોય તો જજો, હું તો નથી જવાનો.’ દુર્ગાબહેને પણ ગાંધીજીનો સાથ છોડવાના વિચારને ટેકો ન આપ્યો.
પર્સનલ સંબંધો ધરાવતી બે વ્યક્તિ વચ્ચે તીવ્ર મતભેદ થાય ત્યારે કોઈકે તો જીદ છોડવી પડે અને કોઈકને એની નજીકનાંઓએ મનાવવા પડે. મહાદેવભાઈએ વાતનું વતેસર થઈ જાય અને રજનો ગજ થઈ જાય એ પહેલાં પોતાની જાતને સંભાળી લીધી અને તરત જ સ્વસ્થ થઈને પૂર્વવત્ બાપુની સેવામાં કાર્યરત થઈ ગયા. આપણે સૌ જાણીએ છીએ કે મહાદેવભાઈ કેવું ભવ્ય મૃત્યુ પામ્યા. ૧૯૪૨ની ૧૫મી ઑગસ્ટે યરવડા જેલમાં ગાંધીજીના ખોળામાં એમનું માથું હતું અને પ્રાણ ત્યાગ્યો.
પાન બનારસવાલા
ત્રણ જ શબ્દમાં હું જિંદગી વિશે જે કંઈ શીખ્યો છું એનું વર્ણન કરી શકું એમ છું – ચાલ્યા કરે છે. ઈટ ગોઝ ઑન.
— રોબર્ટ ફ્રોસ્ટ
• • •
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ
મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.
‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.
જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.
દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.
‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.
‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.
આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)
તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:
BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis
Net Banking / NEFT / RTGS-
Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings
A/c No. : 33520100000251
IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)
Branch Pin Code : 400076
તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.
આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.
તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.
જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.
સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).
• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો












