તમે બદલાયા કે તમારી પ્રતિક્રિયા બદલાઈ : સૌરભ શાહ

( ગુડ મૉર્નિંગ ક્લાસિક: ભાદરવા વદ છઠ, વિક્રમ સંવત ૨૦૭૭. સોમવાર, ૨૭ સપ્ટેમ્બર ૨૦૨૧ )

આજકાલ માણસને પોઝિટિવ થિન્કિંગ તરફ પ્રેરવાની ઈન્ડસ્ટ્રી પુરજોશમાં ચાલે છે. માણસે આશાવાદી બનવું જોઈએ, માણસે નિરાશા છોડી દેવી જોઈએ એવા ઉપદેશો આપતા પુસ્તકો ખૂબ લખાય છે, ખૂબ વેચાય છે. એવાં મોટિવેશનલ વેબિનાર ખૂબ યોજાય છે, નવરાઓ ઘેરબેઠાં સાંભળ્યા કરે છે.

ચિંતનનાં ચૂરણ અને પ્રેરણાની પડીકીઓ વેચવાનો સદાબહાર ધંધો ચલાવતી હાટડીઓ ગામેગામ છે.

આશાવાદી અને નિરાશાવાદી આ બેમાંનું એકેય લેબલ શું માણસને ઓળખવા માટે પૂરતું છે? એક અત્યંત ચવાયેલું ઉદાહરણ આપીને કહેવામાં આવે છે કે જેમાં અડધે સુધી પાણી હોય એવા ગ્લાસને તમે અડધો ખાલી કહો કે અડધો ભરેલો એના પરથી તમારી માનસિકતા, તમારો સ્વભાવ કે જિંદગીને જોવાની તમારી દ્રષ્ટિ નક્કી થઈ જતી હોય છે. માણસના સમગ્ર અસ્તિત્વને આટલી સહેલાઈથી કોઈ ચોક્કસ ખાનામાં મૂકી શકાતું નથી. માણસને કોઈ એક લેબલ ચીટકાડીને ઓળખી શકાય નહીં.

માણસનું મન એસેમ્બલી લાઈનમાં નથી સર્જાતું. આ રીતે તૈયાર થયેલાં ઘડિયાળ, રેફ્રિજરેટર, ટીવી, કાર કે મોબાઈલ ફોન એક સરખાં હોઈ શકે. મનની વર્તણૂક વિશે જનરલાઈઝેશન કરવું કઠિન છે.

માનસશાસ્ત્રીઓએ માનવસ્વભાવની જેટલી કેટેગરી પાડી છે એના કરતાં કંઈક ગણી વધુ વિવિધતા ધરાવતાં મન એમને પેશન્ટરૂપે મળ્યાં છે. માટે આશાવાદી અને નિરાશાવાદી એવાં ચોક્કસ ખાનાંઓમાં લોકોને વહેંચી નાખવા ખોટા. અને આ રીતની વહેંચણી જ આખી ખોટી હોય ત્યારે માણસમાં આશાવાદ પ્રેરવાની માત્ર વાતો કરવી. પોઝિટિવ થિન્કિંગની કૃત્રિમ પ્રેરણાઓ આપવી નકામી. રજનીશજી આને માનસિક ખંજવાળ મટાડવાની પ્રવૃત્તિ કહેતા. કોઈ ગુજરાતી સાહિત્યકારે ઇન્ટલેક્ચ્યુઅલ માસ્ટરબેશન સાથે એની સરખામણી કરી છે.

આશા કોઈની પાસેથી ઉછીની લઈ શકાય એવી લાગણી નથી. મારે નિરાશા છોડી દેવી છે એમ કહીને નિરાશાથી છૂટી જઈ શકાતું નથી. માણસને આશાવાદી બનાવવા માટે પ્રેરણાનાં પડીકાં વહેંચ્યાં કરવાનો કે ચિંતનનાં ચકડોળો ફેરવ્યા કરવાનો કોઈ અર્થ નથી. ચાર ઈન્જેક્શન લીધાં ને માણસ માંદગીમાંથી બેઠો થઈ જાય એમ પોઝિટિવ થિન્કિંગના પાંચ પુસ્તકો વાંચી લેવાથી તમે નિરાશાવાદીમાંથી આશાવાદી બની શક્તા નથી. શરદી દૂર કરવાના ઈલાજો વિશેનો કોઈ વૈદરાજનો લેખ છાપાંમાં વાંચી લેવાથી તમારી શરદી ગાયબ થઈ જતી નથી. પોઝિટિવ થિન્કિંગનાં પુસ્તકો વાંચીને કે પ્રવચનો સાંભળીને ‘ખૂબ શીખવા મળ્યું’ એવું કહી દેવાથી માણસનો સ્વભાવ બદલાઈ જતો નથી.

સાચું પૂછો તો સ્વભાવ ક્યારેય બદલાતો નથી. જે બદલાય છે તે કોઈ ખાસ પ્રસંગ કે ઘટના કે વ્યક્તિના વ્યવહાર માટેની તમારી પ્રતિક્રિયા બદલાય છે. અગાઉ જે પ્રકારની પરિસ્થિતિમાં તમે અકળાઈ જતા અથવા ગુસ્સે થઈ જતા અથવા નિરાશ થઈને બેસી પડતા એવી જ પરિસ્થિતિમાં હવે તમે સ્વસ્થ રહી શક્તા હો તો આસપાસના લોકોને લાગે કે હવે તમારા સ્વભાવમાં પરિવર્તન આવી ગયું છે. આ એક ભ્રમ છે. સ્વભાવ અને અંદરનું વ્યક્તિત્વ માણસ મરે ત્યાં સુધી એનાં એ જ રહે છે. કોઈ ધારે તોય બદલી શકે નહીં. પ્રતિક્રિયાઓ બદલાતી હોય છે. અને એ બદલાવ માટે પોઝિટિવ થિન્કિંગ વિશેના લેખો-પ્રવચનો નહીં પણ માણસનો પોતાનો અનુભવ કામ લાગતો હોય છે. આ અનુભવ વર્ષો વીતે ત્યારે જમા થાય. અનુભવો થયા પછી એના વિશે વિચારવું પડે, એનો એક એક તાર છૂટો પાડીને એનું વિશ્લેષણ કરવું પડે. તો જ એ અનુભવોનું મૂલ્ય છે. અન્યથા બતકની પીઠ પરથી પાણી સરી જાય અને બતક કોરુંધાકોર રહે એવું માણસના મનની બાબતમાં બને. અને આ અનુભવો એટલે? એક જાણીતા નાટયકાર કહેતા કેઃ ‘જાતે જોયું હોય એને અનુભવ ન કહેવાય, જાતે ભોગવ્યું હોય એને અનુભવ કહેવાય.’

જિંદગીમાં કોઈ એક કે એકથી વધુ પ્રસંગોએ માણસે નિરાશાવાદી વેણ ઉચ્ચાર્યા હોય કે પછી એવું વર્તન કરી નાખ્યું હોય તો જરૂરી નથી કે ભવિષ્યના દરેક અનુભવ વખતે એની માનસિકતા નિરાશાવાદી જ રહેવાની. માણસો પર આ રીતે લેબલ ચીટકાડી દેવાં એ જ ખોટું છે. આ દેશ હવે સુધરે એવું લાગતું નથી એવું કહેનારો ‘નિરાશાવાદી’ માણસ આવતી કાલે લાખો ભારતીયો માટેના ક્રાંતિકારી કાર્યનો નેતા બની શકે છે.

કશુંકમાંથી બીજું કશુંક બનવા માગતા માણસે પોતે જે છે એ જ બની રહેવું જોઈએ અને પછી પોતાની સાથે બનતા દરેક પ્રસંગનું, એ પ્રસંગે વ્યક્ત થતી પોતાની પ્રતિક્રિયાનું અને વિચારપ્રક્રિયાનું વિશ્લેષણ કરવાની ટેવ પાડવી જોઈએ. આવું કરતી વખતે ધ્યાનપૂર્વક સાંભળવું જોઈએ કે તમારું મન તમને શું કહે છે. અને તમને નવાઈ લાગશે કે દુનિયાના તમામ ઉપદેશકો કરતાં, ચિંતકો-વિચારકો કરતાં અને પ્રેરણામાં પિયૂષ પિવડાવનારાઓ કરતાં તમારું મન વધુ સચોટ અને વધુ ટકાઉ ઉકેલ આપશે. આસપાસના ચિંતકો-વિચારકોનો કોલાહલ એટલો વધી ગયો છે કે મન શું માગે છે તે સંભળાતું નથી. કેટલાકને તો એય ખબર નથી પડતી કે મન કશુંક કહેવા માગે છે.

ગઈકાલે ગુમનામ હોય કે કંગાળ હાલતમાં જીવતો હોય એવા માણનસે આજે તમે પ્રસિદ્ધિમાં મહાલતો કે શ્રીમંતાઈમાં ડોલતો જોતા હો છો ત્યારે વિચારતા હો છો કે માણસ શું હતો અને એમાંથી શું બની ગયો. ના, એવું નથી. એની અંદરનો માણસ, એનું આંતરિક વ્યક્તિત્વ અને એનો સ્વભાવ તો એનો એ જ છે. ડીએનએ તથા ફિંગરપ્રિન્ટસની જેમ આમાંનું કશું બદલાતું નથી. બદલાય છે એની પ્રતિક્રિયાઓ, બીજાઓ સાથે ડીલ કરવાની એની રીત બદલાય છે.

રાત્રે એરકન્ડિશનરનો ધીમો ગણગણાટ પણ ન હોય, ટીવી શાંત થઈ ગયું હોય અને રસ્તા પરનો ટ્રાફિક જંપી ગયો હોય ત્યારે જે સંભળાય છે તે ખામોશી નથી, એ રાતનો અવાજ છે. આ રીતે મનનો અવાજ સાંભળવાની ટેવ પડી ગયા પછી ચિંતનના ચિચૂકા કે પ્રેરણાના પાંચીકાઓથી રમવાની જરૂર રહેતી નથી. જાત જેવો ઉત્તમ ગુરુ બીજો કોઈ નથી. તમે કયા સંજોગોમાંથી, કેવા અનુભવોમાંથી અને કઈ વિચારપ્રક્રિયામાંથી પસાર થયા છો એની સોએ સો ટકા જાણ માત્ર તમારા પોતાના મનને જ હોય છે. માટે જ એ મન તમારી કંઈપણ તકલીફોનાં લક્ષણ તરત જ પારખી લે છે, નિદાન પણ એ જ કરે છે અને ઉપચાર પણ એ જ કરી શકે એમ છે.

આજનો વિચાર

માણસનું મન એસેમ્બલી લાઈનનું પ્રોડક્શન નથી એટલે દરેક માટે પોતાની પ્રતિક્રિયા હશે, પોતાનો નકશો હશે, પોતાનો માર્ગ હશે, પોતાની યાત્રા હશે અને મંઝિલ પણ એની પોતાની હશે.

– અજ્ઞાાત

6 COMMENTS

  1. PRAAN aney PRAKRUTI sathey jaay.
    Tamaro lekh tej suchave chhe.
    Prabhu sharaan no mahavaro hamesha kaink rahat aapto anubhavyo chhe.

  2. બહુજ સાચું …જજમેન્ટલ ના થવાય કોઈના પણ માટે …અને આ વ્યક્તિગત બાબત છે એના કોઈ જ નિશ્ચિત પેરામીટર નથી જ નથી

  3. લેખ મહદ્દઅંશે સાચો છે…અને એટલે જ ઘણો સારો છે.. પણ સારું વાંચન, સારું શ્રવણ….આનુ પણ (એક હદ સુધી ofcourse ) મહત્વ છે.
    દરેક નો રસ્તો દરેકે ખુદ કંડારવા નો હોય…પણ તેના માટે થોડો તોય ઉજાસ એટલે સારો માહોલ…. intellectual માસ્ટરબેશન એ શબ્દ…sorry but .. દરેક ભાષા ની કોક બીજી ભાષા ની સામે ની એક અસહાયતા વ્યકત કરે છે . લેખ બહુ સચોટ રીતે સારા વાંચન પર મનન કરવા પર ભાર આપે છે.

  4. Exactly…જાત જેવો ઉત્તમ ગુરુ કોઈ નથી… પૂર્ણપણે સહમત છું…!!! સરસ લેખ…!!!

  5. સાચી વાત કહી.

    હાર્ટફુલનેસ ધ્યાન પધ્ધતિના ગુરુ કમલેશ પટેલનું કહેવું છે કે મનમાં ઊઠતા વિચારોનું કારણ હ્રદયમાં વસેલા સંસ્કારો છે. જો કોઈ રીતે આ સંસ્કારોની છાપોને દુર કરવામાં આવે તો મન નિર્મળ બને અને હ્રદય મનને યોગ્ય દિશામાં ગાઈડ કરી શકે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here