જિંદગીના છેલ્લા દિવસોમાં શું શું યાદ રહેવાનું છે : સૌરભ શાહ

(લાઉડ માઉથ : ‘સંદેશ’, ‘અર્ધસાપ્તાહિક’ પૂર્તિ, બુધવાર, 26 જુલાઈ 2023)

આપણું પોતાનું જે છે એને વેડફી નાખીને બીજાનું ઉછીનું લેવાની ટેવ વ્યક્તિને, સમાજને, એક આખી સંસ્કૃતિને ગ્રસી ગઈ છે.

અંગ્રેજીના આ બે શબ્દ અત્યારે ખૂબ કામ લાગે એવા છે: અન્વાઈન્ડ અને રિવાઈન્ડ. પ્રથમ શબ્દ આરામના અર્થમાં વપરાય છે. અન્વાઈન્ડ થવું એટલે આખું અઠવાડિયું ચાવી ભરેલા રમકડાની જેમ જાતજાતના ઊંધાચત્તા ખેલ કર્યા પછી વધેલી ચાવીને છૂટી કરી દઈને રિલેક્સ થઈ જવું. રિવાઈન્ડનો અર્થ એક જમાનામાં કૅસેટ પ્લેયર વાપરનારાઓ માટે નવો નથી. પણ આપણને અહીં જે અર્થ અભિપ્રેત છે તેને ઈલેક્ટ્રિકલ મોટરના રિ-વાઈન્ડિંગના અર્થ સાથે વધારે નિસબત છે. આ બેઉ ટર્મ્સ લેખ પૂરો થયા સુધી યાદ રાખવી.

નાનપણથી શું ભરાવી દેવામાં આવ્યું છે મગજમાં? સૌ પ્રથમ તો શહેરીજીવનની અનિવાર્યતા. ગામમાં જન્મીને ત્યાં જ ઊછરેલી વ્યક્તિની આંખમાં પણ શહેરનાં સપનાં આંજવામાં આવે છે. શહેરો વિના દેશનો ઉદ્ધાર નથી થવાનો અને ગામડાઓ પછાત વર્ગની વસાહતો છે અને તે રાષ્ટ્રના નકશા પર ફૂટી નીકળેલાં ગૂમડાં છે એવો વાહિયાત અને બેબુનિયાદ ખ્યાલ પહેલેથી જ રોપવામાં આવે છે.

આ ખ્યાલના ઉછેર માટે શિક્ષણનો વાંક સૌથી મોટો. આદર્શ ગામના બેચાર પાઠ સિવાય આધુનિક શિક્ષણનો સમસ્ત ઝોક ઔદ્યોગિકીકરણ, વિપુલ ઉત્પાદન, શ્રમ વિભાજન પ્રત્યેનો છે. ઍસેમ્બલી લાઈન પ્રોડકશન માટેના ઉત્તમ મજૂરો અને મૅનેજરો આ શિક્ષણ પેદા કરી શકશે પણ સવાલ એ છે કે દરેક બાબતમાં દરેક ચીજના ઉત્પાદનમાં અને દરેક ક્ષેત્રમાં ઍસેમ્બલી લાઈન પ્રોડક્શનની જરૂર શું છે? અને જ્યાં જરૂર હોય તો કેટલી જરૂર છે? એને જેટલી મહત્તા અને જેટલું પ્રાધાન્ય આપવામાં આવે છે તે વાજબી છે?

કન્ઝ્યુમર ગુડ્સના રૂપાળા નામથી જેને ઓળખવામાં આવે છે તે ટૂથપેસ્ટથી માંડીને વૉશિંગ મશીન (કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ) સુધીની ચીજવસ્તુઓનું ઉત્પાદન દેશના અર્થતંત્રને મજબૂત બનાવે છે એવું આપણને કહેવામાં આવ્યું. શહેરીકરણ અને ઔદ્યોગિકીકરણ સાથે પ્રવેશતાં દૂષણો અને પ્રદૂષણો ચલાવી લેવાના હોય એવું પણ કહેવામાં આવ્યું. પ્રગતિ જોઈતી હોય તો એની સાથે સંકળાયેલી બુરાઈઓને પણ નિભાવી લેવી પડશે એવું સ્વીકારવામાં જાણે કોઈનેય વાંધો નથી રહ્યો.

પરંપરાને આદર આપનારાઓ અવૈજ્ઞાનિક મિજાજ ધરાવે છે અને જૂનવાણી વિચારસરણીને અનુસરે છે એવું પણ દલીલ કર્યા વિના આપણે સ્વીકારી લીધું. કન્ઝ્યુમર કલ્ચરનું તારણ એ નીકળ્યું કે જેની પાસે વધુમાં વધુ સગવડો હોય એ જ વધારે સુખી. ઔદ્યોગિકીકરણ પછીની મનોદશા એ ઊભી થઈ કે ટોળામાં દાખલ થાય એ જ માણસ સમાજમાં રહેવાને લાયક છે. જેઓ એક વિરાટ યંત્રના નાનકડા પુરજા નથી બની શકતા અથવા નથી બનવા માગતા તેઓ સમાજની બહારના ગણાયા, ચોરગુંડાઓ સાથે તેઓ પણ અ-સામાજિક તત્ત્વો ગણાયા. જે વ્યક્તિ પોતાનું વ્યક્તિત્વ મિટાવીને બીબાંઢાળ વિચારોને અનુમોદન આપી શકે એ જ સમાજમાં રહેવાને લાયક, બાકીનાઓ ના-લાયક. વૈચારિક તેમ જ ભૌતિક ગુલામીમાંથી મુક્ત થવાનો પ્રયાસ કરનારા આ જ વિશેષણથી ઓળખાવાના.

કન્ઝયુમર ગુડ્સના માર્કેટિંગની બોલબાલાના યુગમાં તમે પોતાની રીતે સુખી થવા માગતા હો તો એમને એ મંજૂર નથી કારણ કે તેઓ તમને પોતાની શરતે સુખી બનાવવા માગે છે. તેઓ એટલે ઉત્પાદકો અને એમની શરત કઈ? જે ઈચ્છાઓ નથી જન્મી એને જન્મ આપો. આ ઈચ્છાઓ તમારામાં ન જન્મે તો તેઓ તમને વાંઝિયા કહેશે. પછી ઈચ્છાઓની પૂર્તિ માટે વધુ કમાણી કરો. એક ચોક્કસ અને વિશિષ્ટ રહેણીકરણી અપનાવો જે જીવનશૈલી વાસ્તવમાં પોલ્ટ્રી ફાર્મમાં ઊછરતાં મરઘાં કરતાં જુદી નથી. એ પછી વર મરો, કન્યા મરો, મલ્ટિનેશનલ કંપનીઓનાં તરભાણાં ભરો.

આધુનિકતા અને પ્રગતિની વિકૃત વ્યાખ્યાઓએ ગરીબી તથા સમૃદ્ધિનાં સમીકરણો બદલી નાખ્યાં છે. ગ્રામીણ પ્રજાનું પ્રાધાન્ય હોય એવો દેશ ગરીબ છે એવું માની લેવામાં આવ્યું છે. ગામડે ગામડે ટીવી હોય, દરેક ગામમાં શૅમ્પુ મળતું થઈ જાય એટલે અર્થતંત્ર સમૃદ્ધ બની ગયેલું ગણાય એવું કહેવામાં આવ્યું. હકીકતમાં ગામડે-ગામડે પાણીની છૂટ હોય એ દેશ સમૃદ્ધ છે. કાચા રસ્તા પર ચાલતી ઍરકંડિશન્ડ મોટરો સમૃદ્ધિની નિશાની નથી. ગામની પાકી સડક પર દોડી જતી સાઇકલો સમૃદ્ધિની નિશાની છે. જે દેશનો મજૂર રોજના પાંચસો રૂપિયા કમાઈને સો રૂપિયાની બચત કરી શકે એ સમૃદ્ધ છે. પણ પેલા લોકો એને રોજના સાતસો રૂપિયાની મજૂરી આપીને એની પાસે હજાર રૂપિયાનો ખર્ચ કરાવીને એને ત્રણસો રૂપિયાનો દેવાદાર બનાવવા માગે છે. દળી દળીને ઢાંકણીમાં વાળું કલ્ચર પોષતી આપણી અત્યાર સુધીની વિચારસરણી ગઈ કાલ સુધી ગાયને દોહીને કૂતરીને દૂધ પિવડાવી રહી હતી.

હવે વખત આવી ગયો છે અન્વાઈન્ડિંગનો અને રિ-વાઈન્ડિંગનો.

સમાજમાં તમારું સ્ટેટસ છે કે સોશિયલ મોભો છે અને ઓળખીતા પાળખીતાઓમાં તમારો વટ પડે છે એવા ભ્રમમાં તમે હો તો ભૂલી જજો. તમારી પાસે માંડ બચી ગયેલા અંતરાત્મા સિવાય બીજું કશું નથી અને અંતરાત્માની કોઈ સ્ટેટસ વેલ્યુ નથી.

એક જમાનો હતો જ્યારે હિંદી ફિલ્મોમાં બે સગા ભાઈઓ ઝઘડા કરતા ત્યારે મોટોભાઈ નાનાને સંભળાવતો કે પોતાની પાસે સ્ટેટસ સિમ્બોલ કહેવાય એવી કઈ કઈ જણસો છે. આખી યાદી સાંભળી લીધા પછી નાનો ભાઈ મેરે પાસ માં હૈ કહીને મોટાએ ગણાવેલી યાદી પર પાણી ફેરવી દેતો. પણ હવેના સ્ટેટસ સિમ્બોલની યાદીમાં ક્યાંય મા નથી, બાપ નથી, દીકરો નથી, જીવનસાથી નથી. સામાજિક મોભાને જ સર્વસ્વ માનનારા લોકોને આ સામે કોઈ વાંધો હોતો નથી. જિંદગી આખી વપરાઈ જાય છે આ સ્ટેટસ સિમ્બોલ્સ ભેગાં કરવામાં.

જરા કલ્પના કરો. આજે નહીં ને આવતી કાલે મારા શ્ર્વાસ ખૂટી જવાના. મરણપથારીએ હોઈશ ત્યારે મને શું શુ યાદ આવશે? મેં કઈ કઈ ફાઈવ સ્ટાર્સમાં ભોજન કર્યું હતું, કેવા કેવા દારૂ પીધા હતા, કેવાં કપડાં પહેર્યાં, કેવું ફર્નિચર ખરીદ્યું, ક્યા દેશમાં શું શૉપિંગ કર્યું અને કઈ કઈ ગાડીઓ ફેરવી તે? કે પછી હું કોની સાથે કેવી રીતે વર્ત્યો, મેં જિંદગીમાં શું શું કામ કર્યાં, વિપરીત સંજોગોમાં પણ મેં કેવી રીતે મારી પ્રસન્નતા અકબંધ રાખી અને મર્યા પછી લોકો-સ્વજનો મારી કઈ કઈ વાતો યાદ રાખવાના છે તે?

બીજાની આંખોમાં તમે ઊંચા, સારા દેખાઓ એ માટે તમને જેની જરૂર પડે છે એ ખરીદવા માટે જિંદગી ખર્ચી નાખવાનું પોસાય તમને? એના કરતાં તમારી જાત આગળ તમે જેવા છો એવા દેખાઓ એ વધારે સારો અને સસ્તો અને સહેલો સોદો છે. સ્ટેટસ સિમ્બોલ્સ પાછળની દોટ જ જિંદગીને રૅટ રેસ બનાવે છે. એક વખત, સહેજ નફ્ફટ બનીને, તમે તમારા જૂના ફોન, જૂની ખખડધજ કાર અને રફુ કરેલા શર્ટને ચાહતા થઈ જાઓ છો પછી તમારે સામાજિક મોભા માટે કમાણી કરતાં રહેવાની જરૂર પડતી નથી. અને જ્યારે તમે બીજાઓ માટે કમાવાનું છોડી દો છો ત્યારે તમે તમારું ધાર્યું કામ કરી શકો છો. મરણપથારીએ મારે જિંદગી સારી રીતે, મારી રીતે, જીવ્યાનો સંતોષ જોઈતો હશે તો મારે આજથી જ નક્કી કરવું પડશે કે મારું ધાર્યું કામ હું કરી શકું એ માટે મારે બીજું શું શું કરવું, બીજું શું શું ન કરવું.

સાયલન્સ પ્લીઝ

જેનામાં પોતાની જાત માટે ભરપૂર શ્રદ્ધા હોય એના મનમાં ઈર્ષ્યા માટે જગ્યા બચતી નથી. જ્યારે તમને જાણ હોય કે તમે ખરેખર કોણ છો પછી બીજાના માટેનો ધિક્કાર ક્યાંથી જન્મે?

-અજ્ઞાત્

• • •

તાજા કલમ: તમને આમાં મઝા પડી રહી છે? તો કમેન્ટ બોક્સમાં તમારી લાગણી કેમ નથી લખતા! તમારા હોંકારા વગર અંધારામાં તીર ચલાવવા જેવું લાગે છે!
—સૌ.શા.

• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

10 COMMENTS

  1. Theoretically સરસ લેખ લાગે
    but actually ,on reality…
    With Whom do you respect, attract,like to be with ,..that is matter.
    Suttrfeni જેવી વાતો છે , મોટી મોટી સરસ લાગે પણ પેટ ના ભરાય.
    लेख mast છે , પણ वास्तविकता थी દૂર. ..

  2. ફિલ્મ ના સ્ક્રીન પર અનેક દૃશ્યો દેખાય છે, લોકો તેની સાથે ઈન્વોલ પણ થાય છે, પરંતુ ફિલ્મ પૂરી થયા બાદ એક સફેદ પરદો જ રહે છે….આ જ જીવન છે.

  3. Hello Sir, I am big admirer of your writing. Today I could not stop my self from adding comment.
    E ketlu sachu che ke loko bijane dekhadwa mate potane kharchi nakhe che. Pahela na jamana ma home levu hoy to pahela paisa jodta and pachi buy karta, have loan Mali jay and ena emi bharta bharta life manwani kshano jati rahe.

  4. સરસ વિચારો છે જીવનોપયોગી.
    પ્રિય સૌરભભાઈ મણિપુર ઘટના અને દુષ્ટ મમતા,રાજસ્થાન chattisgd
    આ ઘટનાઓ શરમનાક છે.
    આ રાક્ષસ ફાલતુ રાજકારણીઓ માટે કંઈક તો લખો. મોદીને બદનામ કરવા આ થઈ રહ્યું છે તેમ કહી બચી ન શકાય. મેઈતી અને કુકી આ બન્ને પ્રજા નું શું છે te પ્રકાશમાં લાવો.તે માટે આ પ્લેટફોર્મ નથી તેમ ન કહેશો.

  5. Suuuuuuuper se upar …
    અભિનંદન. વંદન, આભાર … આ લેખ માટે
    આજ ના સમય ની વરવી વાસ્તવિકતા ને , માનસિકતા ને સચોટ અને અસરકારક રીતે લખવા માટે

  6. I fully agree with views of Saurabh bhai. That’s why Ramdev baba used to say , “ ye multinational wale 1 sabun ki litti ke badle me kisan ka 1 kg sabhi le lete he “. This it results of consumerism

  7. Saurabh sir,AJ ni paristhi ma tamaro article yad ave chhe jema tame lakhyu hatu,2024 na election sudhi vipaksh Desh ma arajkta jagavse,sarkar ne nichi padva tofan,commy hinsa jagavse.rest all. I request you to repeat same article or more.dil thi .

  8. , મોટેભાગે તમારા લેખો વાંચું છું. ગમેછે. ગિરીશભાઇ અને શ્રીમતી હંસાબેન રાવલ નાં જય ભગવાન.વડોદરા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here