જે પૂર્વોત્તર ભારતમાં થયું તે સમગ્ર ભારતમાં થઈ શકે છે લેખ 4: સૌરભ શાહ

(ગુડ મૉર્નિંગ ક્લાસિક્સ: શનિવાર, ૨૫ એપ્રિલ ૨૦૨૦)

સૌપ્રથમ આઝાદી પહેલાંની પરિસ્થિતિ જોઈએ. ૧૮૮૧માં ભારતમાં ભારતીય ધર્મોના અનુયાયીઓની ટકાવારી લગભગ ૭૯ ટકા જેટલી હતી. (અમારી પાસે ૭૮ પોઈન્ટ ૯૫૮નો આંકડો છે, પરંતુ વાચનની સુગમતા ખાતર તથા પ્રૂફરીડિંગમાં સર્જાઈ શકે એવી ભૂલોને ટાળવા માટે બને ત્યાં સુધી અપૂર્ણાંકને નજીકના આંકડા સુધી ખેંચી લઈ જઈને એને પૂર્ણાંક બનાવવાની કોશિશ કરીશું). આની સામે વિધર્મીઓની ટકાવારી ૨૧ ટકા જેટલી હતી. આ આંકડા ૧૮૮૧ના છે એ યાદ રાખજો. તે વખતે પાકિસ્તાન અને બાંગ્લાદેશ બેઉ ભારતમાં હતાં. છ દાયકા પછી, ૧૯૪૧માં (સંયુક્ત) ભારતમાં ભારતીય ધર્મોના અનુયાયીઓની સંખ્યા ૭૯ ટકામાંથી ઘટીને ૭૪ ટકા થઈ જાય છે અને વિધર્મીઓની ટકાવારી ૨૧માંથી વધીને ૨૬ ટકા થઈ જાય છે. આ ૨૬ ટકામાં ૨૪ ટકા મુસ્લિમો છે વત્તા એક પોઈન્ટ નવ ટકા ખ્રિસ્તીઓ અને બાકીના પોઈન્ટ શૂન્ય એક ટકા કરતાંય ઓછામાં પારસીઓ તથા યહૂદીઓ છે.

વિધર્મીઓ ૨૧ ટકા હતા ત્યારે એ સરવાળામાં મુસલમાનોની વસ્તી વીસ ટકાની તથા ખ્રિસ્તીઓની વસ્તી પોણા ટકાની હતી. આમ આઝાદી અગાઉનાં વર્ષોમાં જ ભારતીય ધર્મોના અનુયાયીઓની વસ્તી ચાર ટકા જેટલી ઘટી ગઈ હતી અને એની સામે મુસ્લિમોની વસ્તી ચાર ટકા જેટલી વધી ગઈ હતી.

હવે આપણે આઝાદી પછીના, અર્થાત્ ભારતના ભાગલા થયા તે પછીના, ગાળાના આંકડા જોઈએ. સ્વતંત્ર ભારતમાં ૧૯૫૧માં ૮૭ ટકા જેટલા ભારતીય ધર્મોના અનુયાયીઓ હતા જે ઘટીને ૧૯૯૧માં ૮૫ ટકા થઈ જાય છે (જેમાં હિંદુઓ ૮૩ ટકા અને શીખ, જૈન, બૌદ્ધ બાકીના બે ટકા હતા). આની સામે મુસલમાનોની વસ્તી ૧૯૫૧માં સાડાદસ ટકા હતી જે ૧૯૯૧માં સાડાબાર ટકા જેટલી થઈ ગઈ. (૨૦૧૧ની વસ્તીગણતરી પ્રમાણે ભારતમાં મુસ્લિમોની ૧૪ પોઈન્ટ ત્રેવીસ ટકા વસ્તી થઈ ગઈ છે). ખ્રિસ્તીઓની ટકાવારી લગભગ એટલી જ અર્થાત્ સવા બે ટકા જેટલી રહી છે પણ ૮૪,૨૬,૦૦૦ ખ્રિસ્તીઓ વધીને ૧,૯૬,૫૧,૦૦૦ થઈ ગયા છે અર્થાત્ ૮૫ લાખમાંથી વધીને લગભગ બે કરોડ જેટલા થઈ ગયા છે, સવા બે ગણા વધારે.

આઝાદી પહેલાં અને આઝાદી પછી ભારતમાં ભારતીય ધર્મોના અનુયાયીઓની વસ્તી ઘટી ગઈ છે. ભારતના કુલ આંકડાઓમાં બે, ચાર કે છ ટકાના વધારા-ઘટાડાથી ઝાઝા પ્રભાવિત નહીં થનારાઓને વિનંતી કે આ આંકડાઓમાંથી ઉદ્ભવતા કંટાળામાં ખેંચાયા વિના, જાગ્રત રહીને આ આંકડાઓ વાંચશો. તમારી આંખો ઊઘડી જશે, ઊંઘ હરામ થઈ જશે.

૧૯૯૧ની વસ્તીગણતરી મુજબ ગુજરાતમાં ૯૦ ટકા કરતાં થોડાક વધારે ભારતીય ધર્મોના અનુયાયીઓ વસતા હતા, પોણા નવ ટકા મુસ્લિમો અને અડધા ટકા કરતાં ઓછા ખ્રિસ્તીઓ.

ગુજરાતમાં ખ્રિસ્તી વસ્તીનું સૌથી વધુ પ્રમાણ ડાંગ જિલ્લામાં છે જ્યાં મિશનરીઓની પ્રવૃત્તિઓ પુરજોશમાં ચાલે છે. આખા રાજ્યમાં માંડ અડધો ટકોની વસ્તી ધરાવતા ખ્રિસ્તીઓનું પ્રમાણ ડાંગ જેવા દોઢ લાખની વસ્તી ધરાવતા ગુજરાતની સરહદે આવેલા જિલ્લામાં ૧૯૮૧ની સાલમાં કુલ વસ્તીના સાડાપાંચ ટકા જેટલું હતું. ડાંગની નજીક આવેલા સુરત જિલ્લામાં એક ટકા જેટલા ખ્રિસ્તીઓની વસ્તી છે અને ડાંગ પછી જે વિસ્તારમાં સૌથી વધુ ધર્માંતરણો થયાં તે ખેડા જિલ્લામાં દોઢ ટકા વસ્તી ખ્રિસ્તીઓની છે. અમદાવાદ, વડોદરા અને ભરૂચમાં અડધોથી એક ટકો જેટલા ખ્રિસ્તીઓ છે. બાકીના જિલ્લાઓમાં ખ્રિસ્તીઓની વસ્તી નગણ્ય છે. મુસ્લિમોની સૌથી વધુ વસ્તી ગુજરાતના સરહદી જિલ્લા કચ્છમાં છે. જિલ્લાની સાડાઓગણીસ ટકા કરતાં વધુ પ્રજા મુસ્લિમોની છે. બીજા નંબરે ભરૂચ જિલ્લામાં સાડાસોળ ટકા કરતાં વધુ વસ્તી મુસ્લિમોની છે. ભારતીય પરંપરાવાદી મુસ્લિમોનું એક મોટું કેન્દ્ર ભરૂચ જિલ્લો છે.

વેલેન્ટાઈન્સ ડે પ્રકારના વિદેશી તહેવારોનું વધતું જતું જોર એક તરફ છે અને બીજી તરફ છે ઉત્તરાયણ, હોળી અને દિવાળી જેવા તહેવારોની પારંપરિક ઉજવણીને વખોડી નાખવા માટે થતા પ્રયાસો છે. બેસતા વરસને બદલે નાતાલ તથા એકત્રીસમી ડિસેમ્બરના દિવસોને, સેક્યુલરિઝમના રવાડે ચડેલું મીડિયા કેટલું પ્રાધાન્ય આપે છે તેનો એક દાખલો જુઓ. થોડાં વર્ષો અગાઉ એક જાણીતી ટીવી ચેનલે એકત્રીસમી ડિસેમ્બરે સાંજે અડધો કલાક સુધી, ફુલ કમેન્ટરી સાથે, લાઈવ સૂર્યાસ્ત દેખાડ્યો હતો. આવા હાસ્યાસ્પદ ન્યૂઝ કવરેજની ખૂબ ટીકા થયા બાદ એ જ ટીવી ચેનલે પલ્લું સમતોલ કરવા થોડાં વર્ષ પછી કડવા ચોથની રાત્રે લાઈવ ચંદ્રદર્શન કરાવ્યું!

ભારતીય સંસ્કૃતિને ભારતમાંથી ભૂંસી નાખવાના પ્રયત્નો આજકાલના નથી, સદીઓથી થતા આવ્યા છે. કમનસીબી એ છે કે ગુલામ ભારતમાં જે હીન પ્રવૃત્તિઓ થઈ રહી હતી તે જ આઝાદ હિન્દુસ્તાનમાં પણ થઈ રહી છે. ગુજરાતના આંકડા જોઈને જો કોઈ એમ વિચારતું હોય કે ગુજરાતમાં વળી ક્યાં ભારતીય સંસ્કૃતિ ભૂંસાઈ જવાની છે તો એમણે ભારતનાં અન્ય રાજ્યોના, વિશેષ કરીને ઈશાન રાજ્યોના આંકડા તપાસવા જોઈએ. આ નૉર્થઈસ્ટ કે પૂર્વોત્તરના ૭ રાજ્યોમાં જે બન્યું છે તે વહેલુંમોડું ભારતના પશ્ચિમ કિનારે જ નહીં, સમગ્ર ભારતમાં પણ બની શકે એમ છે.

ઈશાનમાં શું બની ગયું? પહેલો દાખલો નાગાલૅન્ડનો લઈએ. નાગાલૅન્ડ પૂર્વોત્તર ભારતનું એક ખૂબ અગત્યનું રાજ્ય છે. નાગાલૅન્ડમાં ૧૯૦૧માં ભારતીય ધર્મોના અનુયાયીઓની વસ્તી નવ્વાણું ટકા કરતાં પણ વધુ (૯૯.૨૭ ટકા) હતી અને ખ્રિસ્તીઓની વસ્તી માંડ અડધો ટકો (.૫૯ ટકા) હતી. માત્ર નેવું જ વર્ષમાં નાગાલૅન્ડમાં ખ્રિસ્તીઓની વસ્તી વધીને ૮૭ ટકા કરતાં વધુ થઈ ગઈ અને ભારતીય ધર્મોના અનુયાયીઓ ઘટીને ૧૧ ટકા કરતાં ઓછા થઈ ગયા. એક સદી કરતાંય ઓછા સમયમાં હિન્દુસ્તાનના એક આખા રાજ્યનું લગભગ સંપૂર્ણપણે ખ્રિસ્તીકરણ થઈ ગયું. યાદ રાખીએ કે ઈશાનનાં આ રાજ્યો ભારતની સરહદ પરનાં રાજ્યો છે.

નાગાલૅન્ડ પછી મિઝોરમની પરિસ્થિતિ જોઈએ. મિઝોરમમાં પણ ૧૯૦૧ના દાયકામાં ૯૯ ટકા કરતાં વધારે (૯૯.૭૦ ટકા) વસ્તી ભારતીય ધર્મોના અનુયાયીઓની હતી અને ખ્રિસ્તીઓની વસ્તી માંડ દસ હજારે પાંચની અર્થાત્ ઝીરો પોઈન્ટ ઝીરો ફાઈવ ટકા જેટલી હતી. નેવું વર્ષમાં શું થયું ત્યાં? ૧૯૯૧ની વસ્તીગણતરીના આંકડા મુજબ મિઝોરમમાં ૮૫ ટકા વસ્તી ખ્રિસ્તીઓની થઈ ગઈ અને ભારતીય ધર્મોના અનુયાયીઓ ૯૯ ટકામાંથી સડસડાટ ઘટીને ૧૩ ટકા જેટલા થઈ ગયા.

અરુણાચલ, મેઘાલય, ત્રિપુરા, મણિપુર તથા આસામની પરિસ્થિતિ વત્તેઓછે અંશે આ જ છે. છેલ્લા એક સૈકાથી ભારતના ઈશાન ખૂણે થઈ રહેલી મિશનરીઓની મતલબી ધર્માંતરણ પ્રવૃત્તિઓનો આ અંજામ છે. ભારતીય સંસ્કૃતિને આયોજનપૂર્વક ભૂંસી નાખવાનું આ સુયોજિત ષડ્યંત્ર છે જેને કેટલાક ભાન ભૂલેલા લોકો આવકારતા હોય છે. તેઓ ધર્માંતર વિરોધી કાયદાઓનો વિરોધ કરતા હોય છે અને પોતાને પ્રોગ્રેસિવ માનતા કેટલાક ચાંપલા હિન્દુઓ આ ધર્માંતરણ માટે હિન્દુઓની જ જાતિપ્રથાને જવાબદાર ઠેરવતા હોય છે. હકીકત એ છે કે આવી જાતિપ્રથા તેમ જ સામાજિક ઊંચનીચનો વહેરોઆંતરો દરેક ધર્મના લોકોમાં હોય છે. ઈસ્લામમાં તો બધા સરખા એવું કહેનારાઓને પૂછજો કે શિયાઓ અને સુન્નીઓ જેમ એકબીજાની મસ્જિદો પર બૉમ્બ ફેંકે છે એવું સ્વામિનારાયણ સંપ્રદાયવાળા અને વૈષ્ણવ સંપ્રદાયવાળા એકબીજાનાં ધર્મસ્થાનકો સાથે કરે છે? ખ્રિસ્તીઓ પણ આજના આધુનિક જમાનામાં પ્રોટેસ્ટન્ટ હોય તો કેથલિકના દેવળમાં નથી જતા તેમ જ વાઈસે વર્સા. દરેક ધર્મમાં આર્થિક – સામાજિક સ્તરે ઊંચનીચ રહેવાનાં જે ન હોવાં જોઈએ. પણ માત્ર હિન્દુઓમાં જ આવું છે એટલે મિશનરીઓને છૂટ મળી જવી જોઈએ એવું કહેવું ગલત છે. શુક્ર હૈ ખુદા કા કે ૨૦૧૪માં મોદી તખ્તનશીન થયા પછી આ મિશનરીઓ જ્યાંથી ઢગલામોઢે ડૉલરો – પાઉન્ડો અને યુરોઝ લાવતા તે એન.જી.ઓ.ના ગેરકાયદે ગોરખધંધાને દાટા લાગી ગયા અને એમાંથી તિસ્તા સેતલવાડ જેવાઓની એન.જી.ઓ.નાં કૌભાંડો જે રીતે કોર્ટમાં ચર્ચાઈ રહ્યાં છે તે જોતાં લાગે છે કે બહુ ટૂંક સમયમાં આમાંના કેટલાક ‘સેવાભાવીઓ’ જેલના સળિયા પાછળ ધકેલાઈ જવાના. વધુ આવતીકાલે.
(આ લેખ માર્ચ ૨૦૧૭માં લખાયેલી સિરીઝમાંથી અપડેટ કરીને લીધો છે.)

આજનો વિચાર

વો જો હમને જિસ કે લિયે
સારી હદેં તોડ દી ‘ફરાઝ’,
આજ ઉસને કહ દિયા
કિ અપની હદ મેં રહા કરો.
* * *
તેરી ઈસ બેવફાઈ પે ફિદા
હોતી હૈ જાન અપની ‘ફરાઝ’,
ખુદા જાને અગર તુઝમેં
વફા હોતી તો ક્યા હોતા!

– અહમદ ‘ફરાઝ’

છોટી સી બાત

આવનારી પેઢીઓને જ્યારે પૂછવામાં આવશે કે કૉન્ગ્રેસમુક્ત ભારત કોની દેણ છે?

તો હંમેશાં એ કન્ફ્યુઝન રહેશે કે મોદીજીનું નામ લેવું કે પછી રાહુલબાબાનું!

12 COMMENTS

  1. હિન્દૂ અનુયાયી ની સંખ્યા ઘટવાનાં 2 કારણ મને લગે છે..1 ગરીબી 2.જાતિવાદ માન્યું શિયા ને સુન્ની અલગ છે….વૈષ્ણવ ને સ્વામીનારાયણ અલગમત નાં છે..પરંતૂતેવો એક બીજા ને માણસ તૌ ગણે છે…હિન્દૂ ધર્મ મા એક જાતી એવી છે જે હિન્દૂ ધર્મ પાળતા હોવાં છતા તેને અસ્પૃશ્ય ગણે છે તેને અડકવા મા પણ પાપ ગણે છે…એ જાતી મોટી સંખ્યા મા છે….છેવટે એ લોકો કંટાળી ને જયાં માન સન્માન માળે તેં ધર્મ મ કનવર્ડ થાઈ જાય છે…ને આપણે આંકડા ની માયાઝાળ મા ફસાઈ જઇએ છીએ…હકીકત નો સામનો કરવાની આપણાં મા હિમ્મત નથી..

    • આપણે આપણા જાતભાઈને મદદ કરવા માગતા જ નથી આપણે મંદિરો મા કરોડોનુ દાન કરશુ જયા સુધિ આપણે આપણા ભાઈને આથિક રીતે મજબુત નહિ કરીયે તયા સુધી કઈ નહી થાય

  2. We do nothing. R s s do something but we Hindus never support RSS morally, financially or giving any kind of service.

  3. U r right but if Hindu will not waken then it would be happens
    & another thing it would be worsen in future Hindu will be minority in future .when someone slap on your face & u don’t do anything then it is fault of both parties

  4. They do there work exellently,what we do? These problems will continue with progress,untill A Hindu like Chatrapati Shivaji Maharaj minded will not lead ,even with limited Power.

  5. This information must be reached to all Hindu community and awareness campaign should be launched, so as to stop further religious conversion
    This is like “epaper “promote big time. Arnab-Pushpendra- Saurabh trio can lead this nation towards Hindu Rashtra this

  6. This information must be reached to all Hindu community and awareness campaign should be launched, so as to stop further religious conversion

    • Still data is not correct. Converted Christians from SC,ST do not mention themselves as christian as they do not want to loss the benefits for sc,st. My coligues in bank were
      aadivasi in bharuch distric . Though they are christian they mention themselves as hindu in all documents.i have travelled lot in Bharuch district. I have found many villages of aadivasi were fully converted.Missionaries provide them satta,ghee,oil etc. They help in getting loan from bank etc. Where as we do nothing for them.

  7. A detailed analysis of conversion agenda of missionaries which still continues. Found everywhere in villages where incentives r given for conversion. Missinary schools & chrches r d examples.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here