ઉસ મોડ સે શરુ કરેં : સૌરભ શાહ

જગજિત સિંહ સાથે એમના પેડર રોડ પાસેના ઘરમાં બેસીને એમના અતીતની યાત્રા કરવી છે. અહીંથી થોડેક જ દૂર કલ્યાણજીભાઈ અને આણંદજીભાઈ ‘દેવ આશિષ’માં ઉપર-નીચેના ફ્લેટમાં રહે છે અને ત્યાંથી થોડાં ડગલાં ચાલીએ એટલે ‘પ્રભુકુંજ’. સાક્ષાત્ મા સરસ્વતીનું મંદિર—લતા મંગેશકરનું ઘર. દસેક મિનિટ ચાલીને તમે આખી સંગીતની દુનિયાની પ્રદક્ષિણા કરી લો.

જગજિત સિંહનો જાહેર ચહેરો એમના કંઠ દ્વારા તમારા માટે આત્મીય બની ગયો છે, પણ એમનું અંગત જીવન અજાણ્યું છે તમારાથી. ખૂબ પરિચિત હોય છતાં અંગતપણે અજાણી એવી વ્યક્તિને મળતી વખતે વાતની શરૂઆત કેવી રીતે કરવી? ઉકેલ આ શબ્દોમાંથી મળશે કદાચ:

ઉસ મોડ સે શુરુ કરેં ફિર યે ઝિંદગી
હર શય જહાં હસીન થી,
હમ તુમ થે અજનબી
રહતે થે હમ હસીન ખયાલોં કી ભીડ મેં
ઉલઝે હુએ હૈં આજ સવાલોં કી ભીડ મેં
આને લગી હૈ યાદ વો ફૂર્સત કી હર ઘડી
ઉસ મોડ સે શુરુ કરેં… … …

મુંબઈના વૉર્ડન રોડ અને પેડર રોડની સાંકળતી એક સાંકડી ગલીના મોડ પર જગજિત સિંહનું મકાન છે – ‘પુષ્પમિલન’. ૧૯૪૧ની આઠમી ફેબ્રુઆરીએ જન્મેલા આ ગઝલગાયકે અહીં પહોંચતા સુધીમાં અનુભવોના અનેક શેડ્સને ઓળખ્યા છે. અગિયાર વર્ષની ઉંમરે જગજિતને પોતાને અને એમનાં માબાપને પણ લાગ્યું કે છોકરો સારું ગાય છે. જગજિત સિંહ અમારી તરફ જોઈને કહે છે, ‘દરેક માણસ, દરેક બાળક ગાઈ શકે છે. માત્ર એની પ્રતિભાને શિસ્તમાં ઢાળવાની જરૂર છે. એને તાલીમ આપવાની જરૂર છે. દસ-અગિયાર વર્ષની ઉંમરે મારા પિતાએ મારા માટે એક સંગીતશિક્ષક રોક્યા હતા. પછી મારું રીતસરનું કોચિંગ શરૂ થયું. શાસ્ત્રીય સંગીત શિખતો ગયો. ઉસ્તાદ જમાલખાંસાહેબ પાસે પણ શીખ્યો. અચ્છા અચ્છા કળાકારોને સાંભળવાનું ગાંડપણ રહેતું. અમીરખાંસાહેબ, બડે ગુલામ અલી ખાં. એમને સાંભળીને શીખતો રહ્યો અને શીખવાની વાત હજુ પણ ક્યાં પૂરી થઈ છે. અભ્યાસને કદી અંત નથી હોતો… ડી. એલ. કૉલેજ, જલંધરથી બી.એ. અને કુરુક્ષેત્ર યુનિવર્સિટીમાંથી એમ.એ. કર્યું. એ અરસામાં તો કૉલેજિયન તરીકે જ મને ગાવામાંથી ઈન્કમ મળવા લાગી હતી. મારા માટે ભણવાનું, પુસ્તકો તેમ જ કૅન્ટીનનો ખર્ચ-બધું વિનામૂલ્યે હતું. કૉલેજે અને યુનિવર્સિટીએ આ બધો ખર્ચ આપીને મને કળાકાર તરીકે પ્રોત્સાહન આપ્યું હતું. ૧૯૬૫ની સાલ. મારે હવે નિર્ણય લેવાનો હતો. જિંદગીમાં શું બનવું છે, શું કરવું છે. આજીવિકા માટે કશુંક તો કરવાનું જ હતું. ઈન્ડિયન સિવિલ સર્વિસીઝમાં જોડાવાનો વિકલ્પ પણ ખુલ્લો હતો. જિંદગીના આવા તબક્કે પોતાની શક્તિઓનું માપ કાઢવું બહુ જરૂરી બની જતું હોય છે. કોઈ કદાચ તમારી એકાદ ખાસ બાજુનાં વખાણ કર્યા કરે એને કારણે એવું માની ન લેવાય કે તમારામાં એ શક્તિઓ છે. તમારી ટેલેન્ટને તમારે એ ક્ષેત્રમાંની તે વખતની અન્ય પ્રતિભાઓની સાથે સરખાવવી જોઈએ. મેં નક્કી કર્યું કે હું વ્યવસાયી ગાયક બનીશ, પ્રોફેશનલ. તે વખતે મારા ક્ષેત્રમાં મારે મોહમ્મદ રફી, મન્નાડે, તલત મહેમૂદ, લતા મંગેશકર, આશાજી – આ બધાંની સાથે સ્પર્ધા કરવાની હતી. પ્લેબેક સિંગર અને સંગીતકાર બનવા માટે હું મુંબઈ આવી ગયો. ખૂબ સંઘર્ષ કર્યો પણ ફિલ્મલાઈનમાં મને પ્રવેશ ન મળ્યો. એ વખતે હું બીજા સ્ટ્રગલર્સ સાથે તળ મુંબઈના એક મકાનમાં નાની ખોલી રાખીને રહેતો હતો.’

જગજિત સિંહ બોલતા હોય ત્યારે તમે એમને ધ્યાનમગ્ન સાંભળતા જ રહો છો. જગજિત સિંહ પાસે આજે શહેરના વૈભવશાળી વિસ્તારના ‘પુષ્પમિલન’ એપાર્ટમેન્ટ્સમાં ત્રણ વિશાળ ફ્લેટ્સ છે, ગાડીઓ છે, ચિક્કાર પૈસો છે અને વિશ્વભરમાં શોહરત છે. અમે નક્કી કર્યું હતું કે ૧૯૯૦ની ૨૮મી જુલાઈની રાત્રે ૧૮ વર્ષની ઉંમરે એક કરુણ કાર અકસ્માતમાં એમનું એકમાત્ર સંતાન-પુત્ર વિવેક-ભરયુવાન વયે મૃત્યુ પામ્યો એ વિશે એક પણ પ્રશ્ન એમને નહીં કરીએ. વિવેક એ રાત્રે ઘરેથી નીકળ્યો ત્યારે એનો રૂમ જે સ્થિતિમાં હતો એ જ સ્થિતિમાં પિતા જગજિતે એને રાખ્યો છે. જાણે ગમે તે ઘડીએ દીકરો પાછો આવશે.

અમે એ પણ નક્કી કર્યું હતું કે વિવેકની હયાતિ સુધી દામ્પત્યજીવન ટકાવી રાખનારાં જગજિત સિંહ અને ચિત્રાજી હવે શા માટે એકબીજાથી દૂર, ખૂબ દૂર નીકળી ગયાં છે એ અંગે પણ કશું નહીં પૂછીએ. એ બધું કામ ફિલ્મ મેગેઝિનોના ગૉસિપ રિપોર્ટરોનું છે. જગજિત સિંહના કહ્યા વિના એમના શબ્દોમાંથી એમનાં જીવનનાં દર્દો ટપકતાં રહ્યાં આ અઢી કલાકની મુલાકાત દરમિયાન.

યે દૌલત ભી લે લો, યે શોહરત ભી લે લો
ભલે છિન લો મુઝ સે મેરી જવાની
મગર મુઝ કો લૌટા દો બચપન કા સાવન
વો કાગઝ કી કશ્તી, વો બારિશ કા પાની
ન દુનિયા કા ગમ થા, ન રિશ્તોં કે બંધન
બડી ખૂબસૂરત થી વો ઝિંદગાની

અમે નક્કી કરી નાખ્યું હતું કે આ મુલાકાતને બે સતહ પર વહેવા દેવાની. ઉપરના સ્તર પર જગજિત સિંહ સાથે વાતો થતી રહે અને ઊંડાણના સ્તરે એમની વણકહી લાગણીઓ એમણે જ ગાળેલા શબ્દો દ્વારા વ્યક્ત થઈને વાચકો સુધી પહોંચતી રહે. શક્ય છે કે એમની ન કહેલી વાતોમાં તમારી પોતાની લાગણીઓ પ્રગટ થઈ જાય. અહીં તમારી એટલે તમારી જ, અમારી નહીં. અમારી લાગણીઓને અમે બંધ ડબ્બામાં પૂરી રાખી છે કારણ કે ગાલિબના આ શેર સાથે અમે પૂરી રીતે સહમત છીએ.

કાસિદ કે આતે આતે ખત એક ઔર લિખ રખું
મૈં જાનતા હૂં જો વો લિખેંગે જવાબ મેં

ગુલઝારની સિરિયલ ‘મિર્ઝા ગાલિબ’નું સંગીત જગજિત સિંહનું હતું. ગાલિબની કેટલીક ઉત્તમોત્તમ ગઝલ જગજિત સિંહે ગાઈ અને એનું ડબલ કૅસેટ આલ્બમ રજૂ થયું. જગજિતના ઘણા ચાહકો પાસે આ બે કૅસેટ નથી કારણ કે જગજિત મહદ્અંશે ‘સમજ પડે એવી’ ઉર્દૂ ગઝલો ગાવા માટે જાણીતા છે, જ્યારે ગાલિબની ગઝલમાં તરત ન સમજાય એવા અનેક ઉર્દૂ લબ્ઝ છે. જગજિતના અને ગાલિબના ચાહકોએ અલી સરદાર જાફરી દ્વારા સંપાદિત ‘દીવાન-એ-ગાલિબ’ (રાજકમલ પ્રકાશન, ૧-બી નેતાજી સુભાષ માર્ગ, નવી દિલ્હી-૧૧૦ ૦૦૨, ૧૯૯૦ની આવૃત્તિની કિંમત: રૂ. ૨૫/-) સામે રાખીને પણ આ ગઝલો સાંભળવી. (હવે તો આની ઘણી નવી આવૃત્તિઓ પ્રગટ થઈ ગઈ અને ત્રીસ વરસમાં કિંમત પણ દસગણી થઈ ગઈ હશે. એમેઝોન પર ઘેરબેઠાં મળી જશે). ગાલિબની ગઝલના દરેકેદરેક અઘરા શબ્દના સંદર્ભ સહિતના અર્થ એના મૂળ પાઠના પરિશિષ્ટરૂપે વ્યવસ્થિત આપેલા છે.

જગજિત સિંહના કંઠે ગાલિબની ગઝલ સાંભળવી એ આ વિશ્વ બહારથી આવેલો લહાવો છે. ‘આહ કો ચાહિયે એક ઉમ્ર અસર હોને તક’ થી લઈને ‘ન થા કુછ તો ખુદા થા, કુછ ન હોતા તો ખુદા હોતા’ સુધીના બે કલાકના આલ્બમમાં તમે એક આખી ભાવયાત્રા પૂરી કરીને આવી જશો. ગાલિબ સિરિયલના સંગીત વિશે પૂછતાં જગજિત સિંહે કહ્યું, ‘આ તમામ ગઝલો મારે એક ગાયકના નહીં, શાયરના અંદાજમાં રજૂ કરવી એવું મેં નક્કી કર્યું હતું. તમે જોશો કે ઓછામાં ઓછા ઑર્કેસ્ટ્રાઈઝેશન સાથે ગાલિબની તમામ રચનાઓ મેં ગાઈ છે, જાણે ગાલિબ પોતે ગાતા હોય એ રીતે.’

જગજિત સિંહ કારકિર્દીના આરંભે હિંદી ફિલ્મોના પાર્શ્ર્વગાયક ન બની શક્યા એ એક છૂપો આશીર્વાદ છે. એમના પોતાના માટે, ગઝલના ચાહકો માટે.

જગજિત સિંહ સાથેની આ મુલાકાત થોડા દિવસ ચાલુ રહેશે. ૧૯૯૬માં લીધેલો આ અમૂલ્ય ઈન્ટરવ્યૂ વર્ષો પહેલાં મારી બેદરકારીથી ક્યાંક ખોવાઈ ગયો હતો. ગયા મહિને જ છેક સોમનાથથી પવઈ આવ્યો. કેવી રીતે? કહું છું. પણ પહેલાં જગજિતજી.

હમ જિસે ગુનગુના નહીં સકતે વક્તને ઐસા ગીત કયોં ગાયા

ફિલ્મોમાં ન જામ્યું એટલે જગજિત સિંહે નાના મોટા કાર્યક્રમોમાં ભજન, ગઝલ અને શાસ્ત્રીય સંગીત ગાઈને સંઘર્ષ ચાલુ રાખ્યો. પેડર રોડના ઘરમાં અમારી સાથે વાતચીતનો દૌર લંબાવતા જગજિતજી કહે છે: ‘તે વખતે મારો ઉદ્દેશ માત્ર ગઝલ જ ગાવી છે એવો નહોતો. હું સારી કવિતા ગાવા માગતો હતો. ચાહે એ ગઝલ હો યા ગીત-નઝમ હો, એના શબ્દો કાબિલે દાદ હોવા જોઈએ. કારણ કે કાનને સાંભળવી ગમે એવી રચના માત્ર સૂરોથી નથી બનતી. એમાં શબ્દનું ઘણું મોટું પ્રદાન હોય છે. ગઝલમાં શબ્દપ્રધાન ગાયકી હોય છે. શાસ્ત્રીય સંગીતમાં શબ્દનું નહીં, ગળાની કસરતનું વધારે મહત્ત્વ હોય છે. ગઝલ ગાતી વખતે શબ્દને આગળ રાખીને તમારી પોતાની ગાયનપ્રતિભાને એના પર સવાર ન થવા દેવાની તકેદારી રાખવાની હોય. ગુલામ અલીની ગણના હું શ્રેષ્ઠ ગઝલગાયકોમાં કરું છું. પણ એમની સાથે તકલીફ એ થાય છે કે એમની ગાયકી શબ્દો પર હાવી થઈ જાય છે, શબ્દોની પરવા નથી એવું ક્યારેક તમને લાગે. શબ્દને પ્રાધાન્ય આપવા માટે સૌથી પહેલાં તો હું દરેક શબ્દને બરાબર સમજી લઉં છું. એનો અર્થ અને ગૂઢ અર્થ પણ વિચારી લઉં છું. ભાવોની અભિવ્યક્તિ અને એનો રજૂઆતની શૈલીમાં નવીનતા હોય એવી રચનાઓ પસંદ કરું. સાંભળનાર જેના વિશે વિચારી શકે એવી થૉટ પ્રોવોકિંગ ગઝલો-નઝમોની હું સતત શોધમાં રહું છું. નવા નવા કાવ્યસંગ્રહો વાંચું છું. અનેક કવિઓ-શાયરો પોતાની રચનાઓ સામેથી મને મોકલે છે, તેનો હું શાંતિથી અભ્યાસ કરી જઉં છું. પછી એને ક્યા રાગમાં સ્વરબદ્ધ કરવી છે તેનો નિર્ણય કરું, તાલ નક્કી કરું.’

જગજિત સિંહ કહે, ‘ગાતી વખતે ઉચ્ચારણ એકદમ શુદ્ધ જોઈએ. ઉર્દૂમાં જેને તલફ્ફુઝ કહે છે એનું મહત્ત્વ ગાતી વખતે ઘણું મોટું હોય છે. જેમ કે, તાલ્લુક શબ્દ હોય તો એના ‘તા’ અને ‘ક’નું ઉચ્ચારણ અમુક શાસ્ત્રીય ઢબે જ થવું જોઈએ. એટલે હું કમ્પોઝિશન એવું બનાવું કે આ શબ્દ ગાતી વખતે આસાની રહે. આમેય મારું સંગીત નિયોજન મોટેભાગે ઘણું સરળ હોય છે. એમાં વધારે તાનપલટા નથી હોતા. એવું કરવું હોય તો ક્લાસિકલનું ક્ષેત્ર છે જ.’

જગજિત સિંહના ‘ક’, ‘ખ’, ‘ગ’ અને ‘અ’ ઈત્યાદિ ઉચ્ચારોની ખૂબી એમના ચાહકોમાં માનીતી છે. કાળજીપૂર્વક દરેક શબ્દને એના અંદરના ભાવ વડે નવડાવતા હોય એવું તમને લાગે.

આજ ફિર દિલને એક તમન્ના કી
આજ ફિર દિલ કો હમને
સમઝાયા

તુમ ચલે જાઓગે તો સોચેંગે
હમને કયા ખોયા, હમને કયા પાયા

હમ જિસે ગુનગુના નહીં સકતે
વક્તને ઐસા ગીત કયોં ગાયા

તુમ કો દેખા તો એ ખયાલ આયા
ઝિંદગી ધૂપ તુમ ઘના સાયા

ધીમે ધીમે પરિચિત બનતા જતા અજાણ્યા સાથી સાથેની સફર આગળ વધે છે. ૧૯૮૨માં રિલીઝ થયેલી ‘સાથ સાથ’ ફિલ્મ માટે ૧૯૮૧ના અરસામાં આ ગઝલ જાવેદ અખ્તરે લખી ત્યારે ‘સિલસિલા’ હજુ રિલીઝ નહોતું થયું અને જાવેદસા’બ માત્ર સ્ક્રિપ્ટ રાઈટર તરીકે જાણીતા હતા. ‘સાગર’, ‘એકદોતીન’થી માંડીને ‘એક લડકી કો દેખા તો’ના મુકામ આવવાને ઘણી વાર હતી. જગજિત સિંહે પોતાના મિત્ર કુલદીપ સિંહના સંગીતમાં ગાયેલી આ યાદગાર ગઝલ ઉપરાંત ‘સાથ સાથ’ની તમામ રચનાઓ લોકજીભે ચડી. જગજિત સિંહ જે ન બની શક્યા અને પાછળથી જે બનવાની એમને જરૂર પણ ન રહી એવા પાર્શ્ર્વગાયક તરીકે પણ એ પ્રભાવશાળી રહ્યા. જાવેદ અખ્તરે ‘સાથ સાથ’ (દીપ્તિ નવલ, ફારુખ શેખ) માટે શું શું લખ્યું: પ્યાર મુઝ સે જો કિયા તુમને કયા પાઓગી, મેરે હાલાત કી આંધી મેં બિખર જાઓગી… યે તેરા ઘર યે મેરા ઘર, કિસી કો દેખના હો અગર, તો પહલે આ કે માંગ લે, મેરી નઝર તેરી નઝર… યૂં ઝિંદગી કી રાહ મેં મજબૂર હો ગયે, કિતને હુએ કરીબ કે હમ દૂર હો ગયે… યે બતા દે મુઝે ઝિંદગી પ્યાર કી રાહ કે હમસફર કિસ તરહ બન ગયે અજનબી… આ તમામ રચનાઓ ખૂબ લોકપ્રિય થઈ.

પાર્શ્ર્વગાયક તરીકે જગજિત એટલા જ સફળ થયા હોત જેટલા ગઝલગાયક તરીકે થયા. આ વાતનો પુરાવો ‘સાથ સાથ’ના આલ્બમે આપ્યો. પાર્શ્ર્વગાયક તરીકે સ્ટુડિયોમાં ગાવામાં, કેસેટ-સીડીના પ્રાઈવેટ આલ્બમ માટે ગાવામાં તથા શ્રોતાઓ સામે બેઠા હોય ત્યારે કોન્સર્ટમાં ગાવામાં શો ભેદ હોય છે? અમે પૂછ્યું કે તરત જ જગજિત બોલ્યા, ‘ફિલ્મની ગાયકીમાં તમારે ફિલ્મના પડદા પરના કલાકારને, એના પાત્રાલેખનને ધ્યાનમાં રાખીને ગાવાનું હોય છે. ગીતની સિચ્યુએશનને મગજમાં રાખવી પડે છે. પ્રાઈવેટ આલ્બમો માટે જે ગઝલ-નઝમ પસંદ કરીએ તે રચનાના મૂડ પ્રમાણે ગાવાનું હોય છે. અને લાઈવ કોન્સર્ટમાં પોએટ્રીના મૂડ ઉપરાંત પબ્લિકના મૂડને પણ ધ્યાનમાં રાખવાનો હોય છે.’

પ્રાઈવેટ બેઠકમાં એક વખત જગજિત યજમાનો પર ગુસ્સે થઈ ગયા હતા. આ બાજુ ગાયક પોતાની વર્ષોની સાધના પછી મળેલી ગાયકીની કુશળતા દેખાડતો હોય અને બીજી બાજુ લોકો કોઈ ચાલુ ઓરકેસ્ટ્રા સાંભળતા હોય એમ ખાણી-‘પીણી’ અને ગપ્પાંગોષ્ઠિમાં મશગૂલ હોય એવું વાતાવરણ જગજિતજી ચલાવી નથી લેતા. સાચી વાત? અમે એક સાંભળેલા કિસ્સાને એમની સમક્ષ બયાન કર્યો. ‘બિલકુલ સાચી વાત. એક વાર નહીં, ઘણી વાર આવું થતું હોય છે. કાં તો તમે પીઓ અને ખાઓ કાં તો શાંતિથી સાંભળો. સંગીત માટે, કળાકાર પ્રત્યે જરા રિસ્પેક્ટ તો હોવું જોઈએને. હવે તો જોકે, પ્રાઈવેટ બેઠકો ઓછી કરું છું, પણ જ્યારે કરું ત્યારે આયોજકને ચોખ્ખે ચોખ્ખું કહી દઉં છું કે મારા ગાવાની જગ્યા અલગ હશે, તમારી ખાવા-પીવાની જગ્યા અલગ હશે અને બને ત્યાં સુધી બેઉના ટાઈમિંગ પણ અલગ હશે.

જગજિત સિંહ સાથેનો આ ઈન્ટરવ્યૂ ચાલતો રહેશે.૧૯૯૬/૯૭માં ‘નેટવર્ક’ નામના તે વખતના સાપ્તાહિકના દિવાળી અંકમાં આ મુલાકાત પ્રગટ થઈ. વર્ષોથી હું શોધતો પણ ક્યાંય પત્તો નહોતો. જગજિત સિંહના અવસાન વખતે આ મુલાકાત ખૂબ યાદ આવી હતી. મારી આ લાગણી મારા યુવાન પત્રકારમિત્ર તેજસ વૈદ્ય આગળ પણ ઠાલવી હતી. થોડા વખત પછી તેજસે એના સોમનાથના ઘરમાંથી જૂનું, જર્જરિત ‘નેટવર્ક’ શોધીને મારા હાથમાં મૂક્યું. આવી સુંદર અને અમૂલ્ય ભેટ બીજી કોઈ નથી મળી. આ યાદગાર મુલાકાત ગોઠવી આપનાર મિત્ર વિરાફ ચીનીવાલાથી માંડીને આ મુલાકાતના તસવીરકાર કિરણ પાલાણીએ પાડેલા ઓરિજિનલ ફોટોગ્રાફસ સાચવનારા પત્રકારમિત્ર કિન્નર આચાર્ય સુધીના સૌ કોઈ સ્મૃતિમાં સચવાયેલા છે.

( ઇન્ટરવ્યુનો બીજો હપતો આવતી કાલે)

• • •

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ

નવા કૅલેન્ડર વર્ષનો આરંભ થઈ ગયો છે. આપ સૌનું 2024નું વર્ષ શુભદાયી અને સુખદાયી નીવડે. આ વર્ષે બે દિવાળી આવે છે તે યાદ રાખશો. આસોની અમાસે તો ખરી જ, 22 જાન્યુઆરીએ પણ દીપોત્સવ છે જે 500 વર્ષ રાહ જોયા પછી ઉજવાશે.

મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.

‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.

જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.

દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.

‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.

આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)

તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:

BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis

Paytm-
90040 99112

Net Banking / NEFT / RTGS-

Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings

A/c No. : 33520100000251

IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)

Branch Pin Code : 400076

તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.

આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.

તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.

જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.

સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).

HiSaurabhShah@gmail.com

Twitter.com/hisaurabhshah

Facebook.com/saurabh.a.shah

• • •

( સૌરભ શાહના આવા સેંકડો લેખો વાંચવા Newspremi.comના આર્કાઇવ્ઝનો લાભ લો. સૌરભ શાહના રોજેરોજ લખાતા લેખોની જાણકારી મેળવવા વૉટ્સઍપ નંબર ⁨090040 99112⁩ પર તમારું નામ મોકલીને સૌરભ શાહના ગ્રુપમાં જોડાઈ જાઓ.)

• • •

ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here