મૈત્રીનો સુવર્ણકાળ કયો?- સૌરભ શાહ

( તડકભડક: ‘સંદેશ’, ‘સંસ્કાર’ પૂર્તિ, રવિવાર, 6 ઑગસ્ટ 2023)

મિત્રોમાં અને ઓળખીતાઓમાં ફરક છે. મિત્રો અને પરિચિતો વચ્ચે તો ઘણો મોટો ફરક છે. અને ફેસબુક જેમને ‘ફ્રેન્ડ’ ગણાવે છે તેઓ ‘ફ્રેન્ડ’ હોતા જ નથી, માત્ર સોશિયલ મીડિયાનું એક પ્લેટફોર્મ તમે એમની સાથે શેર કરો છો એટલું જ—જેમ ટ્વીટર પરના તમારા ફોલોઅર્સ કંઈ તમારા ‘અનુયાયી’ઓ કે તમને ફોલો કરનારા નથી હોતા એમ જ.

મારા માટે મિત્ર કે ફ્રેન્ડ કે દોસ્ત બહુ મોટો શબ્દ છે. જેના ને તેના માટે હું આવી અભિવ્યક્તિ કરી શકતો નથી. અને અંગત મિત્ર તો એથીય ઘણી મોટી અભિવ્યક્તિ છે.

તમને ઓળખનારાઓ અનેક હોઈ શકે. તમે જેમને ઓળખતા હો એવા લોકો પણ અનેક હોઈ શકે. તમે જેમના પરિચયમાં આવ્યા હો કે તમારા પરિચયમાં જેઓ આવ્યા હોય એવા પણ અગણિત લોકો હોવાના. આ બધા જ આદરણીય છે, સામાજિક જીવન માટે જરૂરી છે અને અંગત જીવન માટે ક્યારેક ઉપયોગી પણ ખરા, પરંતુ તેઓ તમારા ‘ઓળખીતાઓ’ છે, ‘પરિચિતો’ છે, ‘મિત્રો’ નથી.

મિત્રો નથી એવું કહું છું ત્યારે એનો અર્થ એવો નથી થતો કે તેઓ તમારા દુશ્મન છે. કોઈને મિત્ર બનાવવા માટે કે કોઈના મિત્ર બનવા માટે માત્ર ઓળખાણ કે પરિચય પૂરતાં નથી હોતાં. તો શું હોવું જોઈએ મિત્રમાં? વધુમાં વધુ કેટલા મિત્રો હોઈ શકે જીવન દરમિયાન? અને ઓછામાં ઓછા કેટલા મિત્રો હોવા જોઈએ?

આવું કોઈ ચોક્કસ ગણિત નથી અને શાસ્ત્રોમાં ક્યાંય એ વિશે લખ્યું નથી. તો ચાલો આપણે લખીએ અને એક નવું મિત્રશાસ્ત્ર રચીએ.

જિંદગીનો પ્રથમ પચ્ચીસ વર્ષનો ગાળો બ્રહ્મચર્યાશ્રમ. મારે હિસાબે આ ગાળો મુગ્ધાશ્રમ અથવા કૌતુકાશ્રમ તરીકે ઓળખાવો જોઈએ. ગધાપચીસી સુધી ચાલતા આ પચીસ વર્ષના ગાળામાં જીવનનો પાયો નખાય છે અને આ પાયો નખાતો હોય છે ત્યારે પાંચ તબક્કે પાંચ પ્રકારના મિત્રો જીવનમાં પ્રવેશે છે.

જન્મ્યા પછી બાળક માતાને ઓળખે છે, પિતાને ઓળખે છે, નજીકનાં કુટુંબીજનોને ઓળખતું થાય છે. ચાલવાનું શીખ્યા પછી બીજાં બાળકો સાથે રમતું થાય છે. પોતાના ઘરની આસપાસ રહેતાં બાળકો, સગાંસંબંધીઓ અને માતા-પિતાના મિત્રોનાં બાળકો સાથે હળતુંમળતું થાય છે. પ્લેગ્રૂપ, નર્સરી કે કિન્ડર ગાર્ટનમાં કે બાળમંદિરમાં બીજાં બાળકો સાથે પરિચયમાં આવે છે. જિંદગીનાં પ્રથમ ચાર-પાંચ વર્ષ સુધી બાળક માટે સૌ કોઈ પોતાના મિત્રો છે. આ ઉંમરમાં એના મિત્રોની સંખ્યા એના પરિચિતો અને ઓળખીતાઓ જેટલી હોય છે. આમાંથી આગળ જતાં કોણ એના અંગત મિત્રવર્તુળનો એક હિસ્સો બની જશે, એની કોઈનેય ખબર નથી હોતી, એને પોતાને પણ નહીં.

પાંચથી દસ વર્ષની ઉંમર દરમિયાન બાળકની પસંદગી આકાર પામતી જાય છે. એને અમુક વસ્તુઓ ગમે છે, અમુક નથી ગમતી. અમુક પ્રવૃત્તિઓ વધારે ગમે છે, અમુક બિલકુલ નથી ગમતી. પોતાના પરિચયમાં આવતાં બીજાં બાળકોમાંથી અમુકની સાથે એ વધારે કમ્ફર્ટેબલ ફીલ કરે છે, અમુકની સાથે ઓછું. જેમની સાથે રમવાની મજા આવે એવા મિત્રો બને છે. જેમની સાથે સંગીત/પેઈન્ટિંગ વગેરેના ક્લાસમાં એક્ટિવિટી કરવાની મજા આવે એવા મિત્રો બને છે. જેમની સાથે ભણવાની મજા આવે એવા મિત્રો બને છે. જેમની સાથે ધીંગામસ્તી અને નિર્દોષ તોફાનો કરવાની મજા આવે એવા મિત્રો બને છે. જેમની સાથે મમ્મી-પપ્પાની જોડે વેકેશનમાં ફરવાની મજા આવે એવા મિત્રો બને છે. આ બધા મિત્રોમાંથી જેમની સાથે એક કરતાં વધુ પ્રવૃત્તિઓ કરવાની મજા આવે તેઓ ભવિષ્યમાં બાળકના અંગત મિત્રો બને એવી ઘણી મોટી શક્યતા હોય છે.

ઉંમરનો દસથી પંદર વર્ષનો ગાળો એટલે પ્રી-ટીન્સ અને ટીન એજનો ગાળો. વિજાતીય મિત્રો બનાવવામાં રસ પડે છે. આ દુનિયામાં પોતે એક સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે એવો અહેસાસ શરૂ થઈ જાય છે. મિત્રોની પસંદગીમાં આ અહેસાસ રિફ્લેક્ટ થાય છે. કોની સાથે પોતાને વધારે ફાવે છે એની તો ખબર પડે જ છે, કોની સાથે નથી ફાવે એમ એની ચોઈસ પણ ઊઘડતી જાય છે. સ્કૂલનાં પાછલાં વર્ષોમાં અમુક મિત્રો સાથે સ્ટ્રોન્ગ બૉન્ડ બંધાય છે. હોસ્ટેલલાઈફ હોય તો વધારે મજબૂત દોસ્તો બને છે, પણ આગળ જતાં કોણ નજીક રહે છે કોણ દૂર જતું રહેશે એની કોઈનેય ખબર નથી હોતી.

પંદરથી વીસ વર્ષની ઉંમરમાં વિજાતીય વ્યક્તિ માટેના આકર્ષણને લાગણીના સંબંધો સાથે સાંકળી લેવામાં આવે છે. શારીરિક અને માનસિક આકર્ષણની ભેળસેળ થઈ જાય છે. તંગ દોરડા પર ચાલવાનો ખેલ છે પણ બેલેન્સ જાળવવા માટે હાથમાં લાકડી નથી હોતી. કોઈ અનુભવી આવી લાકડી તમને આપવાની કોશિશ કરે ત્યારે મનમાં ખુમારી હોય છે કે મારી સમતુલા હું મારી રીતે જાળવી લઈશ. આ ગાળામાં દરેક વ્યક્તિ કમ સે કમ એક વાર તો વિજાતીય મૈત્રી કરીને પેલા તંગ દોરડા પરથી ભોંયભેગી થાય છે જ. શીખવા મળે છે.

પંદરથી વીસ વર્ષની ઉંમરમાં થયેલી મૈત્રી જો આજીવન ટકે તો એના જેવું જીવનનું સૌભાગ્ય બીજું એકેય નહીં. તમારી જિંદગીનાં બધાં પાનાં જેમની આગળ ખુલ્લાં કરી શકો એવી આ મૈત્રી હોય છે.

અને આ જ એ ગાળો છે જેમાં છોકરો બીજા છોકરાઓ સાથે ગાળો આપીને નજીક આવે છે, પહેલી સિગરેટ-પહેલી વારનો શરાબ કે પહેલી વારનું બીજું કંઈક સાથે કરીને તેઓ એકબીજાના જીવન માટે અનિવાર્ય બનતા જાય છે. છોકરીઓની બાબતમાં પણ આવું બનતું હશે. પણ આગળ જતાં કરિયરને કારણે, લગ્નજીવનને કારણે બહેનપણીઓ એકમેકથી દૂર થઈ જાય એવી શક્યતાઓ ઘણી રહેવાની.

પંદરથી વીસ વર્ષની ઉંમરમાં થયેલી મૈત્રી જો આજીવન ટકે તો એના જેવું જીવનનું સૌભાગ્ય બીજું એકેય નહીં. તમારી જિંદગીનાં બધાં પાનાં જેમની આગળ ખુલ્લાં કરી શકો એવી આ મૈત્રી હોય છે. જેમની સાથે ભૌતિક રીતે કશું લેવા-આપવાનો વ્યવહાર નથી છતાં લાગણીના સંબંધો બંધાય અને સતત માનસિક નિકટતા બંધાય એવો આ મૈત્રીનો સુવર્ણકાળ છે જે પાંચ-સાત દાયકા સુધી લંબાઈ શકે છે. ન પણ લંબાય.

વીસથી પચ્સીસ વર્ષનો ગાળો વધુ ભણતરનો કે કારકિર્દીના આરંભનો ગાળો છે. લગ્ન માટે ઉતાવળ કરવાનો ગાળો છે. મારો બેસ્ટ ફ્રેન્ડ કોણ છે કે મારી બેસ્ટ ફ્રેન્ડ કોણ છે એવું જાહેર કરવાનો ગાળો છે. બેસ્ટ ફ્રેન્ડ સાથે જ પરણવું જરૂરી નથી એવી અક્કલ કેળવવાનો પણ આ ગાળો છે. જે ફ્રેન્ડ તરીકે બેસ્ટ છે તે લગ્ન પછી સ્પાઉઝ તરીકે-પતિ કે પત્ની તરીકે- પણ બેસ્ટ જ પુરવાર થશે એવા ભ્રમમાં રહેવાનો આ ગાળો છે. ભણવામાં કે નોકરી-ધંધામાં આગળ વધવા માટે કોણ વધારે કામ લાગશે એની નિકટ જઈને એની સાથે મૈત્રી કરવાની લાલચ થાય છે અને આ સાથે જ નિર્દોષ મૈત્રીનો જિંદગીનો તબક્કો પૂરો થાય છે.

પચ્ચીસથી પચાસ વર્ષના ગાળાને શાસ્ત્રો ગૃહસ્થાશ્રમ તરીકે ઓળખે છે. હું એને આસક્તાશ્રમ તરીકે ઓળખું છું. આસક્તિથી ભરપૂર આ અઢી દાયકામાં જિંદગીની દરેકે દરેક વસ્તુ મેળવવાની આસક્તિ થવાની અને એના માટે ભરપૂર કોશિશો થવાની. પૈસા, સેક્સ, પ્રસિદ્ધિ, ગૃહસ્થી, સંબંધો- આ તમામ માટેની આસક્તિ આ પચ્ચીસ વર્ષના ગાળામાં પરાકાષ્ઠાએ પહોંચી જવાની છે. આ તમામ વસ્તુઓ મેળવવા માટે ચાર પ્રકારના નવા મિત્રો જીવનમાં ઉમેરાય છે. એક, જે મિત્રો તમને કરિયર આગળ વધારવામાં કામ લાગે. બીજા, જે મિત્રો તમારા જાતીય જીવનનો એક હિસ્સો બની જાય. ત્રીજા, જે મિત્રો સાથે તમે અંગત મૂંઝવણો, અંગત સપનાંઓ અને અંગત ખુશીઓની આપ-લે કરી શકો. અને ચોથા, જે મિત્રો તમને તમારા સામાજિક જીવનમાં મોભો વધારવા કામ લાગે.

બ્રહ્મચર્યાશ્રમનાં પચ્ચીસ વર્ષ દરમિયાન દર પાંચ વર્ષે મિત્રોના પ્રકાર બદલાતા જાય અને કુલ પાંચ પ્રકારના મિત્રો બને. 25થી 50ના ગૃહસ્થાશ્રમમાં જે ચાર પ્રકારના મિત્રો ગણાવ્યા તે વારાફરતી જીવનમાં નથી આવતા- કયારેક એકસાથે આવી જાય છે તો ક્યારેક ક્રમ બદલાવીને જીવનમાં પ્રવેશે છે.

હજુ તો સંસારના બે જ આશ્રમો પૂરા થયા. પચાસ વર્ષની ઉંમર પછી બીજાં પચાસ વર્ષ સુધી મિત્રો-મૈત્રિણીઓ સાથે જલસા કરતાં કરતાં તમારે શતાયુ થવાનું છે. લેખનો પૂર્વાર્ધ અહીં સમાપ્ત થયો. આવતા સપ્તાહે ઉત્તરાર્ધ.

પાન બનારસવાલા

લેખકોએ સમજાવવા કરતાં વધુ સમય સમજવામાં ગાળવો જોઈએ.

—વાસ્લવ હાવલ ( લેખક અને ચેકેસ્લોવેકિયાના ભૂતપૂર્વ પ્રેસિડન્ટ)

• • •

તાજા કલમ: તમને આમાં મઝા પડી રહી છે? તો કમેન્ટ બોક્સમાં તમારી લાગણી કેમ નથી લખતા! તમારા હોંકારા વગર અંધારામાં તીર ચલાવવા જેવું લાગે છે!
—સૌ.શા.

• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

1 COMMENT

  1. મિત્ર શાસ્ત્ર માં જીવન નાં દરેક પડાવ પર બનતા મિત્રો, બાબત
    ખૂબ સરસ વિશ્લેષણ..આપના દરેક લેંખ વાંચવા ની, મઝા આવે છે.ધન્યવાદ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here