સચિન તેંડુલકર : માત્ર સફળ નહીં, લેજન્ડ : સૌરભ શાહ

( લાઉડમાઉથ: ‘સંદેશ’, ‘અર્ધસાપ્તાહિક’ પૂર્તિ, બુધવાર, ૧૦ મે ૨૦૨૩ )

તમે ખરેખર મહાન ક્યારે કહેવાઓ? તમારા ક્ષેત્રમાં તમે એવું કામ કરો જ્યારે તમારા ચાહકો તમને એટલું બધું ચાહે કે તમારાં વખાણ કરતાં એમનું મન ન ધરાય. અને એ પણ બસો-પાંચસો, દસ-વીસ હજાર કે અમુક લાખ નહીં; કરોડો ચાહકો. અને એ પણ માત્ર ભારતમાં જ નહીં, દુનિયાભરમાં તમારા ચાહકો પથરાયેલા હોય. અને એ પણ તમે નિવૃત્ત થઈ ચૂક્યા હો, તમારા સુવર્ણ દિવસો પૂરા થઈ ચૂક્યા હોય ત્યારે. અને એ ઉપરાંત તમારા ક્ષેત્રના તમારા સમકાલીનો અને તમારા જુનિયરો પણ એવી ભૂરી-ભૂરી પ્રશંસા કરતા હોય, તમારા પ્રતિસ્પર્ધીઓ કે તમારા દુશ્મનો પણ તમારી હયાતીમાં તમારાં મોંફાટ વખાણ કરતા હોય. તમારા ક્ષેત્રના સિનિયરો જેમની તમારા જેવી જ નેત્રદીપક કરિયર હોય, એટલું જ નહીં અન્ય ક્ષેત્રના લેજન્ડરી મહાનુભાવો પણ તમને ખોબલે ખોબલે વધાવતા હોય. આ બધાનો સરવાળો કરીને જે જવાબ મળે ત્યારે તમે ખરેખર મહાન છો એવું કહી શકાય.

સચિન તેંડુલકર મહાન છે. આ ચાર શબ્દો તમે દુનિયાની આઠ અબજની વસતીમાંથી ગણ્યાંગાંઠ્યા લોકો માટે કહી શકો. ઉપરનો પહેલો ફકરો શતપ્રતિશત જેમને લાગુ પડે એવી ગણીગાંઠી પ્રતિભાઓમાં સચિનનું નામ પ્રથમ હરોળમાં આવે.

24 એપ્રિલ, 2023ના દિવસે સચિન તેંડુલકરે જિંદગીની અડધી સેન્ચુરી ફટકારી, બીજી અડધી હજુ બાકી. ક્રિકેટ જ નહીં, કોઈ પણ ક્ષેત્રમાં સચિન તેંડુલકર જેવી સિદ્ધિ મેળવનાર વ્યક્તિ વિરલ હોવાની. સચિને નાની ઉંમરમાં પોતાની લગન દ્વારા પોતાને કુદરત દ્વારા ભેટમાં મળેલી પ્રતિભાને નિખારી. ભગવાને તમને તમારા જન્મથી જ જે આશીર્વાદ આપ્યા હોય તેને કસવામાં, ધારદાર બનાવવામાં તમે દિવસ-રાત મહેનત કરો, પરસેવો પાડતા જ રહો ત્યારે તમને સચિન જેવી સિદ્ધિઓ પ્રાપ્ત થાય. તમારી આ ટેલેન્ટ વત્તા મહેનત રંગ લાવે એ પછી, તમારી સિદ્ધિને બીજાઓ વખાણતા થાય એ પછી, તમારો ખરો કસોટીનો ગાળો શરૂ થતો હોય છે. નાની ઉંમરે મોટી સિદ્ધિઓ પ્રાપ્ત થઈ ગયા પછી તમે પ્રસિદ્ધિના એ ઝળહળતા પ્રકાશમાં મહાલતા થઈ જાઓ છો. બે વાત બનતી હોય છે અહીં. એક, તમને લાગવા માંડે છે કે તમે જે કંઈ અચિવ કરવાનું હોય તે કરી લીધું છે, હવે આગળ કોઈ શિખર ચડવાનું નથી. બીજું, તમને થતું હોય છે કે આટલી અચિવમેન્ટ પછી, સફળતાનો સ્વાદ ચાખવાનું અત્યારે શરૂ નહીં કરું તો શું મોટી ઉંમર સુધી મારે રાહ જોવાની છે? અને તમે ક્રમશ: તમારી પ્રતિભાને હજુ વધુ મહેનતથી નિખારવાને બદલે તમને મળી રહેલાં પરિણામોને માણવામાં તમારો વધારે સમય ખર્ચતા થઈ જાઓ છો.

લેજન્ડ આ રીતે ન બનાય. સચિને અગિયાર વર્ષની ઉંમરથી ક્રિકેટની સિરિયસ ટ્રેનિંગ લેવાનું શરૂ કર્યું. સોળ વર્ષની ઉંમરે, 1989માં પાકિસ્તાન વિરુદ્ધ ટેસ્ટ મેચ રમ્યો જેમાં 187 રન બનાવ્યા. વન ડે ઈન્ટરનેશનલ ક્રિકેટ પણ એ જ ગાળામાં રમવાનું શરૂ કર્યું. ચોવીસ વર્ષની ઝળહળતી કારકિર્દી બાદ સચિને 2013માં પોતાની છેલ્લી ટેસ્ટ મેચ વેસ્ટ ઈન્ડીઝ સામે ખેલી અને એ પહેલાં છેલ્લી વન ડે ઈન્ટરનેશનલ 2012માં પાકિસ્તાન સામે ખેલી. ત્યાં સુધીમાં તો એના ચાહકો એને ગૉડ કહેતાં થઈ ગયા હતા. સચિનની અડધી કારકિર્દી હજુ બાકી હતી તે પહેલાં જ, 2002માં, ક્રિકેટજગતનાં ગીતા-બાઈબલ-કુરાન જેવા `વિઝડન’એ એને ટેસ્ટ ક્રિકેટમાં ડોન બ્રેડમેનની હરોળમાં અને વનડેમાં વિવ રિચર્ડ્સની હરોળમાં મૂકી દીધો હતો.

સુનીલ ગાવસ્કર સ્કૂલના અને કૉલેજનો દિવસોના અમારા ગૉડ હતા. ગાવસ્કરના આ શબ્દો છે: `પહેલાં સર ડોન બ્રેડમેન હતા, પછી સર ગારફિલ્ડ સોબર્સ આવ્યા અને પછી સચિન રમેશ તેંડુલકર.’

પોતાના સિનિયર લેજન્ડરી ક્રિકેટરના આ શબ્દો સચિન માટે ભારતરત્નથી કંઈ કમ નહીં હોય.

સૌરવ ગાંગુલી અને સચિન તેંડુલકર એકમેકના સમકાલીન. ઉંમરમાં સૌરવ એક વર્ષ સિનિયર. પણ ક્રિકેટર તરીકે પાંચેક વર્ષ જુનિયર. સૌરવે પહેલી ટેસ્ટ ક્રિકેટ 1996માં ઈંગ્લેન્ડ સામે ખેલી. (વનડે 1992માં, વેસ્ટ ઈન્ડીઝ સામે) અને કારકિર્દી પણ સચિન કરતાં વહેલી પૂરી કરી. છેલ્લી ટેસ્ટ 2008માં (ઓસ્ટ્રેલિયા સામે) અને છેલ્લી વનડે 2007માં (પાકિસ્તાન સાથે).

બેઉ સમકાલીન ક્રિકેટરો પોતપોતાની રીતે ગ્રેટ છે. સૌરવ ગાંગુલી કહે છે: `મેં જોયેલા ક્રિકેટરોમાં સચિન બેસ્ટ છે, ન ભૂતો ન ભવિષ્યતિ છે, ભવિષ્યમાં પણ જોવા નહીં મળે.’

રોહિત શર્મા સચિન કરતાં ઉંમરમાં પંદરેક વર્ષ જુનિયર અને વનડે અને ક્રિકેટમાં તો ઘણો જુનિયર. વનડે અને ટેસ્ટ ક્રિકેટ રમવામાંથી સચિને નિવૃત્તિ લીધી એ ગાળામાં રોહિતે પ્રવેશ કર્યો.

રોહિત શર્મા કહે છે: `સચિન તેંડુલકર મારા રોલમોડેલ અને પ્રેરણાસ્ત્રોત. મારા માટે એ બેન્ચમાર્ક હતા.’

સચિને જેમની સામે ક્રિકેટ રમી એવા પ્રતિસ્પર્ધીઓ ઓસ્ટ્રેલિયાના ડેવિડ વોર્નર કે માઈકલ ક્લાર્ક જેવા ખેલાડીઓ પણ સચિનને બેન્ચમાર્ક માને છે, સચિનનાં વખાણ કરતાં થાકતા નથી.

ભારતરત્ન લતા મંગેશકરને ભારતરત્ન સચિન તેંડુલકર પોતાની મા સમાન ગણતા. લતાજી સચિનને દીકરો જ માનતા. લતાજીનો ક્રિકેટપ્રેમ અનન્ય હતો. સચિનના કરોડો ચાહકોમાં લતાજીનું નામ મોખરે આવે. લતાજીના કરોડો ફેન્સમાં સચિન પણ અવ્વલ નંબરે આવે. સચિન લતાજીને `મા’ તરીકે સંબોધન કરે. સચિનનાં વખાણ કરતાં લતાજી કહેતાં: `એ જેમ ઑફ અ પર્સન છે. મને એનામાં જે ગુણ સૌથી વધુ ગમે છે તે એ કે એકદમ સોફ્ટ સ્પોકન છે એ, હંમેશાં એનું વર્તન હમ્બલ અને ડિગ્નિફાઈડ હોય. મેં એને ક્યારેય ઊંચા સાદે બોલતાં કે ગુસ્સો કરતાં જોયો નથી.’

લતાજી જેવાં લતાજી સચિનની નમ્રતા અને ભદ્રતાનાં વખાણ કરે ત્યારે માની લેવાનું કે આ બધાં ગુણ સચિન માટે દેખાડાસમાન નથી, એ ગુણો એનામાં છે જ છે. તમે લેજન્ડ બની જાઓ ત્યારે જ નહીં, એ દિશામાં પગલાં મૂક્તા હો ત્યારથી તમારામાંના આ ગુણો બીજાઓને દેખાવા માંડવા જોઈએ. અને એ ગુણો ઉપરથી ચીપકાવેલા ન હોવા જોઈએ. તમારામાં એનાં બીજ હોય અને તમે એને ખાતરપાણી આપીને ઉછેરો તે જરૂરી છે.

લતાજી બીજી એક ઈન્ટરેસ્ટિંગ વાત કહેતાં: `હું ટેલિવિઝન પર સચિનને ક્રિકેટ રમતાં જોઉં ત્યારે મારા આઈ-પેડ પર એના ફોટા પાડી લઉં. પછી એ તસવીરો હું જોયા કરું. મને બહુ મજા પડે. કોઈને આ બાલિશતા લાગે પણ સચિને આપણને સૌને બાળસહજ બનાવી દીધા છે. જિંદગીમાં બહુ ઓછી બાબતોમાં આવો બાળસહજ આનંદ મળતો હોય છે.’ લતાજી કહેતાં કે બેઉ પ્રોફેશન્સમાં (કળા અને ક્રિકેટમાં) તમે જાત સાથે સો ટકા પ્રામાણિક હો તો જ તમારી આગવી છબી કંડારી શકો. સચિનની ક્રિકેટ એકદમ પ્યોર છે. સફળતા માટે ક્યારેય શોર્ટકટ લેવાય નહીં અને સચિન એનું ઉત્તમ ઉદાહરણ છે.

`સચિન એટ ફિફ્ટી’ પુસ્તક હમણાં જ પ્રગટ થયું. એમાં આવી બધી ઘણી વાતો છે. સચિનની પત્ની અંજલિ, ભાઈ અજિત અને સચિનના સાથી ક્રિકેટરો સૌરવથી લઈને રોહિત સુધીના ઘણા લોકોએ એમાં લખ્યું છે.

કોચ રમાકાંત આચરેકર અને ટેનિસસ્ટાર સાનિયા મિર્ઝાના પણ લેખો છે અને ગાવસ્કર, લતાજી ઉપરાંત અમિતાભ બચ્ચન અને રાજદીપ સરદેસાઈના પણ લેખો છે. પુસ્તક તો વાંચવા જેવું છે જ પણ સચિનની આત્મકથા (જેના વિશે ગયા અઠવાડિયે લખાઈ ગયું) અને આ પુસ્તક પરથી, જે સમજવાનું છે તે એ કે તમે લેજન્ડ કંઈ અમસ્તાં અમસ્તાં નથી બનતા. તમારામાં ટેલેન્ટ હોય તે પૂરતું નથી, તમારી ટેલેન્ટને નિખારવા નિરંતર મહેનત કરવી પડે. તમારામાં ટેલેન્ટ વત્તા મહેનતની સાથે ઈ -ક્યૂ પણ જોઈએ- ઈમોશનલ ક્વોશન્ટ-લોકો સાથે ક્યારે કેવી રીતે વર્તવું એની સૂઝબૂઝ હોવી જોઈએ. સફળતાનાં પરિણામો મળવાની શરૂઆત થાય ત્યારે વધારે સાવધ થઈ જવાનું હોય. ચારેકોર તમારી બોલબોલા થતી હોય, નવું નવું રેકગ્નિશન તમને ગમતું હોય, લાઈમલાઈટમાં મહાલતા રહેવાની અદમ્ય ઈચ્છાઓ જન્મતી હોય, તમને તમારી મહેનતનું ધાર્યું પરિણામ મળી ગયું છે તો હવે લેટ્સ સેલિબ્રેટ એવા નશામાં તમારે ઘસડાઈ જવું હોય ત્યારે યાદ રાખવાનું કે આ બધું આજે છે ને કાલે નથી. તમારા કરતાં કંઈક ગણા ટેલેન્ટેડ લોકો અને તમારા કરતાં કંઈક ગણી, મહેનત કરનારા લોકો તમારામાંથી જ શીખીને તમને પછાડવા માટે તમારી પાછળ તૈયાર જ ઊભા છે લાઈન લગાવીને. તમે સહેજ તમારા કામમાં શિથિલ થયા તો સમજો કે તમને ધક્કો મારીને તેઓ તમારા કરતાં આગળ નીકળી જવાના.

સચિન મનમાં આ બધું સમજતો હશે કે નહીં ખબર નથી પણ એણે ક્યારેય પોતાના કામમાં શિથિલતા દેખાડી નહીં. સો ટકાની નિષ્ઠા અને એકસો એક ટકાની મહેનત. ન ઘમંડ, ન આછકલાઈ ન પોતે `ગૉડ’ બની ગયો છે અને હવે કોણ પોતાને આ ઊંચા સ્થાનેથી પછાડી દેવાનું છે એવી ભ્રમણા.

સચિન પાસેથી ઘણું શીખવાનું છે અને શીખીને તમારા પોતાના જીવનમાં જ નહીં, તમારી નવી પેઢીને શીખવાડવાનું છે. તમે 60ના હો તો બાકીનાં 40 વર્ષ સચિનની માફક જીવવાનું છે. તમારા કુટુંબમાં દસ-બાર પંદર વર્ષનાં બાળકો હોય તો એમને સચિનની જિંદગીમાંથી શીખેલા પાઠ જણાવવાના છે. ચાહે એ કોઈ પણ ક્ષેત્રમાં પ્રવેશે એમને આ પાઠ કામ લાગવાના જ છે. સચિન તેંડુલકરે એક્ટિવ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધાને લગભગ દસ વર્ષ થઈ ગયાં. આઈપીએલને કારણે ક્રિકેટ તો ચાલુ રહી પણ એ ઉપરાંત બીજી બધી રીતે સચિન ક્રિકેટ સાથે સીધી યા આડકતરી રીતે સંકળાયેલો રહ્યો.

વિનુ માંકડથી લઈને સુનીલ ગાવસ્કર અને સચિન તેંડુલકર સુધીના ક્રિકેટરોએ પોતાના પુત્ર અશોક, રોહન, અર્જુનને ક્રિકેટર તરીકે સફળ બનાવવાની કોશિશ કરી. પણ દરેક રાજ કપૂરના દીકરા રિશી કપૂર ન બની શકે. મોટેભાગે તો જિતેન્દ્રના દીકરા તુષાર કે અમિતાભના દીકરા અભિષેક બનીને રહી જતા હોય છે. એટલે અર્જુન તેંડુલકરની બાબતમાં સચિનને કોસવાની જરૂર નથી. સચિનના અંગત જીવનની સાદગી, નમ્રતા અને સંસ્કારિતા જોઈએ અને શીખીએ. વર્ષો સુધી, ફેમસ થયાનાં વર્ષો સુધી એ બાન્દ્રા-ઈસ્ટમાં એના પિતાએ ખરીદેલા સરકારી હાઉસિંગ બોર્ડના ફ્લેટમાં રહ્યો. એ પછી સ્પોર્ટ્સ ક્વોટામાં પોતાને મળેલા, થોડાક મોટા અને સહેજ સારા એવા પણ સરકારી હાઉસિંગ બોર્ડમાં જ એ રહ્યો. ઘણી મોટી ઉંમરે એણે બાન્દ્રાના પાલી હિલ વિસ્તારમાં (જ્યાં સલમાન-શાહરુખ વસે છે) સરસ બંગલો બનાવ્યો. બહારથી એકદમ સાદોસીધો અને અંદર કેવો છે એની સોશિયલ મીડિયા કે મીડિયામાં કોઈ ચર્ચા ન થવા દીધી. કરોડો રૂપિયા કમાવા છતાં લો પ્રોફાઈલ. વિલેપાર્લે-ઈસ્ટમાં દિનાનાથ મંગેશકર હોલની પાછળ આવેલી શર્મા ભેલપૂરી-પાણીપૂરીનો એ ચાહક. ત્યાં દીવાલ પર એના ઘરમાં યોજાતી પાર્ટીઓના ફોટા છે. એક વખત એ અહીં આવતો, હવે આ લોકોને પોતાના મહેમાનોની સરભરા કરવા ઘરે બોલાવે. શિવાજી પાર્કમાં ટીનએજર તરીકે પ્રેક્ટિસ કરીને જે વડાંપાઉં ખાતો તેનો સ્વાદ હજુ પણ તેને યાદ છે. બ્લાઈન્ડ ટેસ્ટમાં આજેય પકડી પાડે કે આ વડાંપાઉં ત્યાંનાં જ છે કે નહીં.

સચિન તેંડુલકરે ક્રિકેટના ક્ષેત્રમાં જે ઊંચાઈઓ પ્રાપ્ત કરી તેની પાછળ રહેલી નિષ્ઠા અને એણે કરેલી મહેનતની માત્ર કદર કરવાને બદલે ચાર વાતો જીવનમાં ઉતારવાની કોશિશ કરીશું તો આપણે

અત્યારે જ્યાં છીએ એના કરતાં દસ ગણા વધારે આગળ જતાં રહીશું. રિયલી. નોટ જોકિંગ.

સાયલન્સ પ્લીઝ

સચિનને જેટલી સફળતા મળી છે એના કરતાં અડધી પણ મેં નથી મેળવી.

– અમિતાભ બચ્ચન (સચિન@50’માં)

• • •

તાજા કલમ: તમને આમાં મઝા પડી રહી છે? તો કમેન્ટ બોક્સમાં તમારી લાગણી કેમ નથી લખતા! તમારા હોંકારા વગર અંધારામાં તીર ચલાવવા જેવું લાગે છે!
—સૌ.શા.

• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

3 COMMENTS

  1. ટેક ઈટ વિથ અ પિન્ચ ઓફ સોલ્ટ સૌરભ ભાઇ. માન્યું કે એના જેવો ક્રિકેટર technically કોઈ હતો નહિ અને થશે નહિ. લોકો એમ કહે છે કે એને season બોલ ફૂટબોલ જેવો દેખાય છે. પરંતુ જયારે તમે કોઈ દેશ માટે રમતા હોવ ત્યારે તમારું પ્રદર્શન અને રમત પોતા માટે નહિ પણ ટીમ ને ધ્યાન માં રાખી ને હોવું જોઈએ. આ મામલા માં ધોની અને કપિલ દેવ નો નંબર સચિન થી આગળ આવે, એવુ મારું નમ્ર પણે માનવું છે. બાકી સચિન માટે બીજી ઘણી વાતો સાંભળી છે પરંતુ એની ખરાઈ કે અફવા માટે અમારા જેવા માટે કોઈ સ્ત્રોત ઉપલબ્ધ ના હોવાથી અહીંયા એની ચર્ચા અશ્થાને છે.

    • Sachin is the one who never took part in the match fixing. Even while many of his team mates were part of it, Sachin made sure that he single handedly would turn the results and win the match for the country.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here