‘સફળતાના રસ્તા પરનાં જોખમો ક્યાં?’: ગુરુદેવનો ઉત્તર છેઃ ‘ઠેર ઠેર પ્રલોભનોનાં પાર્કિંગ છે.’

ગુડ મૉર્નિંગ એક્સક્લુઝિવઃ સૌરભ શાહ

શુક્રવાર, ૧૨ ઑક્ટોબર ૨૦૧૮

‘જીવનની સૌથી મોટી દુર્ઘટના કઈ?’ અનેક મહાપુરુષો પોતપોતાની રીતે ચિંતન કરીને આ પ્રશ્નનો ઉત્તર આપી શકે. આપણે પણ આપણી મર્યાદિત સમજ મુજબ એનો જવાબ શોધી શકીએ. પણ આચાર્ય વિજય રત્નસુંદરસૂરિ મહારાજ સાહેબની મૌલિક દિવ્ય દ્રષ્ટિ કંઈક જુદું જ જુએ છે જે આપણે જોઈ શકતા નથી. દેખીતી રીતે આપણને જે સફળતા લાગતી હોય એ બાબતોને આપણે જીવનની દુર્ઘટના તરીકે કેવી રીતે જોઈ શકીએ? પણ મહારાજ સાહેબ જોઈ શકે છે. ‘જીવનની સૌથી મોટી દુર્ઘટના કઈ’ એ સવાલનો એમનો ઉત્તર છેઃ ‘ગલત કાર્યોમાં મળતી સફળતા.’

લોકો તો માત્ર સફળતાને જ જોવાના છે. કેવા કાર્યોમાં એને આ સફળતા મળી છે તે જોવાતું જ નથી. દામનામ કમાઈ લીધાં એટલે જયજયકાર થઈ ગયો. કેવી રીતે એ બધું કમાવાયું છે, કેવાં કર્મો કરીને, તે પૂછવા કોઈ જવાનું નથી. કેટલાક તો જાણવા છતાં ચૂપ રહેશે. ગલત કાર્યો દ્વારા મળતી સફળતાની આરતી ઉતારવામાં આવે છે ત્યારે સમાજમાં ખોટાં માપદંડ સર્જાય છે. અને સૌથી મોટી હાનિ તો વ્યક્તિને પોતાને થાય છે. ખોટા કામમાં સફળતા મળી ગયા પછી એ સાચું કામ કરવા માટે શું કામ પ્રેરાય? એક સફળતા મેળવ્યા પછી બીજી મેળવવા માટે એ બીજું ગલત કાર્ય કરશે. એને ખોટાં કાર્યો કરવાની ટેવ પડી જશે. જિંદગી આખી એ ખોટાં કામ કરતો થઈ જશે. એ માની લેશે કે સફળતા મેળવવી હોય તો ગલત કાર્યો કર્યા વિના છૂટકો નથી. એક નાનકડા ખોટા કામને મળતી સફળતા જીવનમાં મોટી દુર્ઘટનાઓ સર્જી શકે છે. સમજુ માણસે તો ઈશ્વરને પ્રાર્થના કરતાં રહેવું જોઈએ કે હે પ્રભુ, હું જો ભૂલેચૂકેય કોઈ ગલત કામ કરું તો મને એમાં સફળ નહીં બનાવતો.

બીજો એક પ્રશ્ન છેઃ ‘એવી કઈ જગ્યા છે જ્યાં ભીડ જોવા જ ન મળે?’
ઉત્તર છેઃ ‘શ્રેષ્ઠ બનવાનો રસ્તો કે જ્યાં એકલદોકલ વ્યક્તિ જ મળે.’

ગુરુદેવ અહીં શ્રેષ્ઠ બનવા માગતી વ્યક્તિને ગજબનો ઉત્સાહ આપે છે. જેઓ ગાડરિયા પ્રવાહમાં જોડાવા નથી માગતા એ લોકોએ પોતે એકલા પડી ગયા છે એવું માનીને જાતને કોસવાની નથી. મિડિયોક્રિટી ટોળાં વચ્ચે ફૂલેફાલે, શ્રેષ્ઠતા તો એકાંતમાં જ મ્હોરે.

મોટાભાગના લોકો પોતાની પ્રતિભાની ધાર કાઢવાને બદલે, રોજ કલાકોનો રિયાઝ કરવાને બદલે જે કામ હાથમાં આવ્યું તે લઈને રાતોરાત નામદામ કમાઈ લેવાની રેસમાં જોડાઈ જતા હોય છે. જો તેઓ સંગીતના ક્ષેત્રમાં હોય તો રોજ કલાકોનો રિયાઝ કરીને પંડિત ભીમસેન જોષી કે પછી લતા મંગેશકર બનવાને બદલે શોર્ટકટ લઈને લગ્નના સમારંભોમાં, ઑરકેસ્ટ્રામાં, નવરાત્રિમાં કે બર્થડે પાર્ટીઓમાં ગાવાના અસાઈન્મેન્ટ લઈ લેતા હોય છે. એમને શ્રેષ્ઠ બનવા માટેના અગ્નિમાં જાતને તપાવાની કોઈ પડી નથી. મોટાભાગના લોકો આવી અગ્નિપરીક્ષાઓથી દૂર જ રહેતા હોય છે જેને કારણે તેઓ કનિષ્ઠ કે મિડિયોકર રહી જાય છે, શ્રેષ્ઠ બનવાનું એમના નસીબમાં હોતું નથી.

આ જ સંદર્ભમાં એક ઔર પ્રશ્ન છેઃ ‘સફળતાના રસ્તા પરનાં જોખમો?’ જવાબ છેઃ ‘ઠેર ઠેર પ્રલોભનોનાં પાર્કિંગ છે.’

ટોચની સફળતા મેળવનારાઓ આ દુનિયામાં કેટલા? દરેક ક્ષેત્રમાં એવા લોકો આંગળીના વેઢે ગણાય એટલા જ હોવાના. હિન્દી ફિલ્મ ક્ષેત્રે અનુરાગ કશ્યપ આવું જ એક હોનહાર નામ છે. ડિરેક્ટર છે. મુંબઈ આવીને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સંઘર્ષ કરતાં કરતાં એમને ટીવી સિરિયલમાં દર મહિને અમુક લાખ રૂપિયા મળતા થઈ જાય એવું કામ મળ્યું. લઈ લીધું. ટીવી ક્ષેત્રે નહીં પણ ફિલ્મ ક્ષેત્રે આગળ વધવું હતું છતાં આટલી મોટી રકમનું પ્રલોભન ટાળી શક્યા નહીં. પણ બીજા જ મહિને એક ટૅલેન્ટેડ ફિલ્મ દિગ્દર્શકે પોતાની આગામી ફિલ્મ માટે વાર્તા લખવાનું કહીને પ્લૉટ ડિસ્કસ કર્યો. મહિને માત્ર દસ હજાર રૂપિયાનું મહેનતાણું અને તે પણ માત્ર દસ મહિના સુધી જ. ફિલ્મને કોણ ફાઈનાન્સ કરશે, એમાં કોણ કોણ કામ કરવાનું છે એ બધું તો હજુ અનિશ્ચિત હતું. પણ અનુરાગ કશ્યપનો હેતુ ફિલ્મોમાં જોડાવાનો હતો. એમણે ટીવીની લાખો રૂપિયાની આવકને ઠોકર મારીને, પ્રલોભનના પાર્કિંગમાંથી પોતાની ગાડી બહાર કાઢી લીધી. એ વખતે એમને ખાતરી નહોતી કે પોતે જે લખવા જઈ રહ્યા છે તે ફિલ્મ બનશે કે નહીં અને બનશે તો કેવી બનશે. છેક ત્રણ વર્ષે એ ફિલ્મ બની અને રિલીઝ થયા પછી આજની તારીખે હિન્દી સિનેમાની ટોચની શ્રેષ્ઠ ફિલ્મોમાં એની ગણના થાય છે. રામ ગોપાલ વર્માની ‘સત્યા’, જેના લેખક છે અનુરાગ કશ્યપ. અનુરાગે એ પછી ‘બ્લેક ફ્રાઈડે’થી માંડીને ‘ગૅંગ્સ ઑફ વાસેપુર’ જેવી ફિલ્મો બનાવીને પુરવાર કર્યું કે ટીવીની લાખો રૂપિયાની આવક ઠુકરાવીને એમણે સાચો નિર્ણય કર્યો હતો.

ક્યારેક આપણો નિર્ણય ખોટો પણ પુરવાર થાય તો ઠીક છે. પણ મોટી સફળતાનો ધ્યેય રાખ્યો હશે તો માર્ગમાં આવતાં પ્રલોભનો જોઈને રોકાઈ જવું ઠીક નહીં.

પ્રશ્ન છેઃ ‘સફળતાની અને નિષ્ફળતાની કોઈ એક જ ચાવી?’
ઉત્તર છેઃ ‘ઉત્સાહ એ સફળતાની ચાવી, નિરાશા એ નિષ્ફળતાની ચાવી.’

સફળતાની વાત કર્યા પછી ગુરુદેવ પ્રસન્નતાની વાત છેડે છે. પ્રશ્ન છેઃ ‘આપણે સદાય કોને પ્રસન્ન રાખવા જોઈએ?’ કોઈ કહેશે પ્રભુને, કોઈ કહેશે માબાપને, કોઈ કહેશે ગુરુને, કોઈ સંતોનો કે કોઈ પરિવારને પ્રસન્ન રાખવાની વાત કરશે. સાહેબજી કહે છેઃ ‘એને કે જેને આપણે દર્પણમાં રોજ જોઈએ છીએ.’

પોતાની જાતને પ્રસન્ન રાખી હશે તો જ બીજાઓને પ્રસન્ન રાખી શકીશું. આપણામાં જ જો ક્લેશ, કલહ, કજિયો અને કંકાસ હશે તો એના કોહવાટની દુર્ગંધ બીજાઓને પણ આવશે. પ્રસન્ન હોઈશું તો એની મહેકથી બીજાઓ પણ પ્રસન્નતા અનુભવશે. જાતને પ્રસન્ન રાખવાની આપણી પ્રથમ ફરજ છે એમાં સ્વાર્થી કે સ્વકેન્દ્રી બની જવાની વાત નથી. પણ આપણું કોડિયું પ્રગટેલું હશે તો જ બીજાઓનો અંધકાર આપણે દૂર કરી શકીશું એ વાત સમજવાની છે.

આજકાલ ફૅમિલીમાં વધુ પડતી છૂટછાટો આપવાનો ચાલ વધવા લાગ્યો છે. જેને જે કરવું હોય તે કરવાની છૂટ છે એવું કહીને આપણે બ્રોડ માઈન્ડેડ હોવાનો સંતોષ લેતા હોઈએ છીએ, મૉડર્ન જમાનના હોવાનો સંતોષ મેળવતા હોઈએ છીએ. સ્વતંત્રતાનો હક્ક સૌ કોઈને છે. સંતાનને, પત્નીને, પતિને- સૌ કોઈને. આ જન્મસિદ્ધ હક્ક છે એટલે કોઈને હું સ્વતંત્રતા આપું છું એવું કહેવાની પણ જરૂર નથી. પણ ‘સ્વતંત્રતા એટલે શું?’ આ સવાલના જવાબમાં સાહેબજી જે કંઈ કહે છે તે સમજી લઈએ તો ઘણી મોટી આપદામાંથી આપણે ઉગરી જઈએ અને બીજાઓને પણ આપત્તિમાંથી બચાવી લઈ શકીએ. સાહેબજી કહે છેઃ ‘સ્વતંત્રતા એટલે જેમાં ખોટા હોવાની છૂટ, પણ ખોટું કરવાની છૂટ નહીં એ.’

ખોટું કરવાની છૂટ માગવી એને કંઈ સ્વતંત્રતા માગવી ન કહેવાય. ખોટું છે તે ખોટું જ છે. એવું કરવાની છૂટ ન તો કુટુંબ આપી શકે, ન સમાજ, ન કાયદો, ન સરકાર. હા, જે કરવું હોય તે કર્યા પછી જો ખોટા પુરવાર થઈએ તો સૌ કોઈ ચલાવી લેશે અને ફરીવાર પ્રયત્ન કરવાની તક પણ આપશે. ધંધો કરીને એમાં ખોટ ખાવાની છૂટ છે પણ ગેરકાયદેસર ધંધો કરવાની છૂટ નથી. દેશપ્રેમીઓ સાથે જોડાઈને કરેલાં કાર્યમાં નિષ્ફળતા મળે તો ભલે પણ એને કારણે આતંકવાદીઓ સાથે જોડાઈ જવાની સ્વતંત્રતા ન હોઈ શકે.

આપણને અફસોસ હોય છે કે આપણા કામની કદર થતી નથી. કોઈ આપણી પ્રશંસા કરતું નથી. વખાણ સાંભળવા માટે આપણા કાન તરસી જાય છે ત્યારે આપણે યેનકેનપ્રકારેણ આપણા પોતાના જ સન્માન સમારંભો ગોઠવતાં થઈ જઈએ છીએ, ઈનામ અકરામો અને પુરસ્કારો મેળવવાના કાવાદાવા કરતાં થઈ જઈએ છીએ. જીવતેજીવ મળતાં વખાણોથી ક્યારેય કોઈનું પેટ ભરાતું નથી અને મર્યા પછી થતી પ્રશંસાથી મરનારનું કશું ભલું થવાનું નથી. માટે જ પ્રશંસા થાય એવી અપેક્ષા ખોટી અને પ્રશંસા વરસતી હોય ત્યારે એમાં નહાઈ લેવાની લાલચ પણ ખોટી. પ્રશંસાના બેચાર છાંટા પૂરતા છે. એથી વધુ પ્રશંસા થતી હોય તો એને રોકી દેવી. કોઈ તમારા મોઢે તમારાં ભરપેટ વખાણ કરવા માંડે તો તમારી ફરજ બને છે કે વાતને આડે પાટે લઈ જવી. પ્રશંસા સાંભળીને પેટ ભરનારા લોકોથી પણ દૂર રહેવું. કીર્તિભૂખ્યા લોકોથી સાવચેત રહેવું. જ્યાં સારું કામ થયું હોય તેની કદર જરૂર કરીએ પણ વિશેષણોના પહાડ પર વ્યક્તિને બેસાડી દેવાની ભૂલ ન કરીએ.

‘આપણાં વખાણ જ વખાણ સાંભળવા હોય તો શું કરવું?’ એવા સવાલના જવાબમાં મહારાજ સાહેબે કહ્યું છેઃ ‘પ્રાર્થનાસભા સુધી રાહ જોવી.’

વધુ આવતી કાલે.

આજનો વિચાર

પ્ર.ઃ ‘આજના લોકો સલાહ કેમ સાંભળતા નથી?’
ઉ.ઃ ‘ચેતવણી નથી સાંભળતા, સલાહ શેં સાંભળવાના?’

_આચાર્ય વિજય રત્નસુંદરસૂરિ
(‘વન મિનિટ, પ્લીઝ’માં)

4 COMMENTS

  1. Thanks Saurabhnhai.
    for such an wonderful life changing article.
    Will get this edition for our family.

  2. સૌરભભાઈ,
    આચાર્ય વિજય રત્નસુંદર સુરી ની લેખમાળા અદભુત છે, દરેક કુટુંબો માં ઇંગ્લિશ માધ્યમ માં ભણેલા આગળ તમારા લેખોનું પઠન કરવું જોઈએ, આજનો લેખ ચરિત્ર ઘડતર માટે ઉત્તમ છે

  3. રાત્રે સૂતી વખતે બોલવા શબ્દ આપ્યા છે સાહેબે હુ ભૂલેચૂકે ગલત કામ કરૂ તો એમા સફળ નહિ બનાવતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here