યહૂદી મેનુહિન બનવું કે લક્ષ્મીકાન્ત-પ્યારેલાલ

ગુડ મોર્નિંગ

સૌરભ શાહ

‘મારે તો યહૂદી મેનુહિન બનવું હતું. પણ પૈસાની તંગીને કારણે વિયેના જઈને વાયોલિનવાદનમાં આગળ ભણી ન શક્યો.’

મુંબઈની વરસાદી સાંજ. બાન્દ્રાના પાલિહિલમાં માઉન્ટ મેરી રોડના સર્પાકાર વળાંકો પરનું મકાન. વર્ષોથી પ્યારેલાલજી અહીં રહે છે. એમનો ફલૅટ ત્રીજા માળે છે. મકાનનો ચોકીદાર લિફ્ટમાં અમને એમના ફલૅટ સુધી વળાવવા આવે છે. અમિતાભ બચ્ચન અહીં આવે ત્યારે લિફ્ટમાં જવાને બદલે ત્રણ માળના પગથિયાં ચડતા હોય છે. ‘આ પ્યારેલાલજીનું ઘર નથી, મંદિર છે’, બચ્ચનજીના શબ્દો છે.

કલ્યાણજીભાઈના અવસાન પછી એમની સ્મૃતિઓ વાગોળવા અમે આ મંદિરમાં પ્યારેલાલજીને મળ્યા હતા. લગભગ દોઢ-પોણા બે દાયકા પછી ફરી એકવાર એમની સાથે બે કલાક વાતો કરી. હા, માત્ર વાતો જ કરી, ગપ્પાં જ માર્યા. વિધિસરનો ઈન્ટરવ્યુ કે મુલાકાત તો લઈશું ત્યારે લઈશું.

કેવું કહેવાય, નહીં? હિંદી ફિલ્મ સંગીતની દુનિયામાં પ્રવેશેલા કે પ્રવેશવા માગતા અગણિત સંગીતકારો લક્ષ્મીકાન્ત-પ્યારેલાલ બનવા માગતા હોય છે અને પ્યારેલાલજી પોતે જગવિખ્યાત વાયોલિનવાદક અને ઑરકેસ્ટ્રા ક્ધડકટર યહૂદી મેનુહિન બનવા માગતા હતા. નૉટ ધૅટ કે પ્યારેલાલજી પોતાને મળેલી સિદ્ધિઓથી ખુશ નથી. ઑન ધ કૉન્ટરરી. ખૂબ સંતોષ છે એમને પોતાની જિંદગીથી. ૬૦૦થી વધુ (ટુ બી પ્રિસાઈસ ૬૩૫) ફિલ્મો કરી. આટલી ફિલ્મો કોઈ સંગીતકારે નથી કરી. લતા મંગેશકર, આશા ભોસલે, મોહમ્મદ રફી અને કિશોરકુમાર. આ મહાન ગાયકોએ સૌથી વધુ ગીતો કયા સંગીતકાર માટે ગાયાં? લક્ષ્મીકાન્ત પ્યારેલાલ માટે.

એમણે સંગીતબદ્ધ કરેલાં ગીતોની લોકપ્રિયતા એવી કે બિનાકા ગીતમાલામાં કેટલીય વખત અડધોઅડધ ગીતો એમના જ વાગતાં હોય. સાવ નાનપણમાં વિવિધભારતી પર સાંભળેલા શબ્દોમાં જે યાદ રહી ગયા છે તે ઝુમરી તલૈયા, લક્ષ્મીકાન્ત – પ્યારેલાલ અને આનંદ બક્ષી. બક્ષીસા’બે પણ સૌથી વધુ ગીતો એમના માટે જ લખ્યાં અને લક્ષ્મીકાન્ત પ્યારેલાલને જે સાત ફિલ્મફેર અવૉર્ડ મળ્યા તેમાંના પ્રથમને બાદ કરતા બાકીના તમામ અવૉર્ડ વિન ગીતો આનંદ બક્ષીએ જ લખેલાં.

પ્યારેલાલજીના અંગત ખંડમાં એમના પિયાનોની સામે બેઠાં બેઠાં એક તરફ આ ૭ ફિલ્મફેર ટ્રોફીઓને જોઉં અને બીજી બાજુ સાક્ષાત્ એમને જોઉં અને વિચારોમાં ખોવાઈ જઉં કે ચાહુંગા મૈં તુઝે સાંઝ સવેરે, બિંદિયા ચમકેગી, મેરે દિલ મેં આજ ક્યા હૈ, માય નેમ ઈઝ એન્થની ગોન્સાલ્વીસથી માંડીને તૂ મુઝે કુબૂલ જેવાં સેંકડો લોકપ્રિય ગીતોની સંગીતકાર જોડીમાંના પ્યારેલાજી સદેહે, સાક્ષાત્ અહીં જ છે, એમની બાજુમાં બેસવાનો દુર્લભ લ્હાવો આપણને મળી રહ્યો છે.

‘દોસ્તી’ (૧૯૬૫), ‘મિલન’ (૧૯૬૮), ‘જિને કી રાહ’ (૧૯૭૦), ‘અમર, અકબર, એન્થની’ (૧૯૭૮), ‘સત્યમ શિવમ સુન્દરમ્’ (૧૯૭૯), ‘સરગમ’ (૧૯૮૦) અને ‘કર્ઝ’ (૧૯૮૧) માટે મળેલી કુલ ૭ ફિલ્મફેર ટ્રોફિઝમાંની એક ઊંચકી જોઈ. એકદમ ભારેખમ. બે હાથમાં બે ટ્રોફીઓ ઉપાડીને રોજ કસરત કરી હોય તો છ મહિનામાં બાવડાં એક જમાનાના સંજય દત્ત જેવાં બની જાય.

લક્ષ્મીકાન્તજીને યાદ કરતાં પ્યારેલાલજીએ ઘણી વાતો કહી. પ્રોડયુસર પાસેથી પૈસા આવ્યા હોય ત્યારે લક્ષ્મીકાન્તજી પાંચ થપ્પી તારી ને પાંચ થપ્પી મારી એમ કહીને નહોતા વહેંચતા. દરેક થપ્પીની પિનને અડધેથી મચેડીને ફિફટી-ફિફટી કરે અને આ રીતે મહેનત કરીને સરખા હિસ્સા કરે. એમને આવું કરવામાં મઝા આવતી. લક્ષ્મીકાન્તજીનો બંગલો ‘પારસમણિ’ અત્યારે બચ્ચનજીનો ‘પ્રતીક્ષા’ બંગલો છે તે જ માર્ગ પર છેક છેવાડે. (હવે ત્યાં બંગલો તોડીને એ જ નામનું ઊંચું બિલ્ડિંગ છે: પારસમણિ એપાર્ટમેન્ટ્સ). પ્યારેલાલજી કહે છે કે લક્ષ્મીકાન્તજીએ ક્યારેય એમના ઘરની બહાર પોતાના નામનું પાટિયું નહોતું મુકાવ્યું. કારણ? જો મુકાવે તો બંનેના નામ છૂટાં પડી જાય. પછી હસીને પ્યારેલાલજી ઉમેરે છે: ‘મારા લગ્ન થયા ત્યારે પણ લોકો કહેતા કે લક્ષ્મીકાન્ત – પ્યારેલાલના લગ્ન છે!’

લક્ષ્મી-પ્યારેની જોડીને જેટલા ફિલ્મફેર એવૉર્ડ મળ્યા એના કરતાં અનેકગણા નૉમિનેશન મળ્યા. ક્યારેક તો કોઈ વર્ષે પાંચમાંની (બે-ત્રણ ફિલ્મો એમની જ હોય. જેને અવૉર્ડ નથી મળ્યા એ ફિલ્મોના ગીતોને લાખો-કરોડો ચાહકોએ પોતાના દિલમાં વસાવીને અવૉર્ડ આપી દીધા: ‘દો રાસ્તે’ (૧૯૭૧), ‘શોર’ (૧૯૭૩), ‘બૉબી’ (૧૯૭૪), ‘દાગ’ (૧૯૭૪), ‘રોટી, કપડા ઔર મકાન’ (૧૯૭૫), ‘એક દુજે કે લિયે’ (૧૯૮૨), ‘હિરો’ (૧૯૮૪), ‘તેઝાબ’ (૧૯૮૯), ‘રામલખન’ (૧૯૯૦), ‘સૌદાગર’ (૧૯૯૨), ‘ખલનાયક’ (૧૯૯૪) અને બીજી અનેક ફિલ્મોનાં ગીતો આજેય ચાહકોને યાદ છે.

પૈસાની જોગવાઈ કરીને પ્યારેલાલજી વિયેના પહોંચી ગયા હોત તો આજે યહૂદી મેનુહિનની હરોળમાં ઊભું રહે એવું એક ભારતીય નામ આંતરરાષ્ટ્રીય સ્તરે જરૂર ઊભર્યું હોત. પણ હિંદી ફિલ્મ સંગીતમાં કશુંક ખૂટતું હોત. કશુંક નહીં, ઘણું બધું.

આજનો વિચાર

મેં રહસ્યોની હાટ ખોલી’તી
લઈ ગયા એકબે ઘરાક બધું,
જે સફર આદરી શક્યો જ નથી
એને છે ભૂખ, પ્યાસ, થાક બધું
કોઈ પાસેથી એ મળ્યું જ નહીં
મેં તો માગ્યું હતું જરાક બધું

– હર્ષ બ્રહ્મભટ્ટ

એક મિનિટ!

માર્ટિન લ્યુથર કિંગ: ઊડી ન શકો તો દોડો, દોડાય નહીં તો ચાલો, ચલાય નહીં તો…

બકો: એક મિનિટ, લુથરાસા’બ… પણ પહેલાં એ તો કહો કે જવાનું ક્યાં છે?

11 COMMENTS

  1. પ્યારેલાલની રૂબરૂ હોવાનો એહસાસ કરાવ્યો. રાજકીય વિષ્લેષણ જેટલું જ આવકારદાઈ લાગ્યુ ફિલ્મી સેલીબ્રીટીની રસપ્રદ મૂલાકાતનુ આલેખન. તમે આમ હાથ અજમાવતા રહેશો તો અમે આંખો અજમાવીશુ. આભાર….

  2. અદ્ભુત આર્ટિકલ! વાંચીને ૨૫-૩૦ વરસ જુના ગીતો યાદ આવી ગયા. શું વાતો કરી તે પણ શેર કરો તો મજા આવશે.

  3. Very nive to have a look at the pic of shri. Pyarelalji with yourself. Eagerly waiting now for the full Interview.

  4. વાહ, છેલ્લે એક વાક્યમાં જે નિચોડ આપ્યો, તે જ- શું જોવું, વાંચવું કે સાંભળવું; તેનું પ્રિસ્ક્રીપ્શન તો જાતે જ લખવું પડે..આ વાંચ્યા પછી !!
    ..શું ખાવું ,એ માટે તો ડોક્ટર કે વૈધ મળી રહે..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here