મારા સ્કૂલના દિવસો— ભાગ બીજો : સૌરભ શાહ

( ગુડ મૉર્નિંગ એક્સક્લુઝિવ : બુધવાર, ૧૦ ઑગસ્ટ ૨૦૨૨)

‘અણુશક્તિ અભિશાપ કે આશીર્વાદ’ એવા વિષય પર ઠક્કરસરે ટેન્થના વર્ષમાં મારી પાસે એક વક્તવ્ય તૈયાર કરાવ્યું. મેં ઘરે પપ્પાની મદદથી લખ્યું. આઇન્સ્ટાઇનને ક્વોટ કર્યોઃ ‘મને ખબર નથી કે ત્રીજું વિશ્વયુદ્ધ શેનાથી લડાશે પણ ચોથું વિશ્વયુદ્ધ થશે તો જરૂર પથરાથી લડાશે.’ આવું ક્વોટ આજે કોઈની પાસેથી સાંભળું તો મને એ વ્યક્તિની વેવલાઈ, ચાંપલાઈ અને વાયડાઈ પર ગુસ્સો આવે. પણ સવાચાર દાયકા પહેલાં મારા માટે એ ટ્રમ્પ કાર્ડ હતું.

ઇન્ટરસ્કૂલ ઇલોક્યુશન કોમ્પિટિશન આવી રહી હતી. ઠક્કરસરે મારા ક્લાસમાંથી મને અને રાજેશને પસંદ કરીને ટ્રેનિંગ આપવા માંડી. મને હજુય આશ્ચર્ય થાય છે કે ઇલેવન્થના જે ક્લાસના એ ક્લાસટીચર હતા એમાંથી નહીં, ટેન્થના બીજા કોઈ ક્લાસમાંથી નહીં, આખી સ્કૂલના બીજા કોઈ વર્ગમાંથી નહીં, પણ અમારા ટેન્થ–સીમાંથી જ બબ્બે જણને પસંદ કરવાનું કારણ શું હશે.

ઠક્કરસરે મને અને રાજેશને અમારા ક્લાસમાં જ જાણે સાચેસાચી વક્તૃત્વસ્પર્ધામાં બોલતા હોઇએ એ રીતે બોલવાનું કહ્યું. આપણી જ પ્રજા એટલે કૉન્ફિડન્સથી બોલી ગયા. પછીના અઠવાડિયે સર અમને ઇલેવન્થના એમના ક્લાસમાં લઈ ગયાઃ ‘અહીં બોલો’. ધ્રૂજતાં-અટકતાં બોલી નાખ્યું. શાબાશ, સર પાનો ચડાવતા. પછી એક દિવસ શનિવારની સભામાં માઇક પર બોલવાનું હતું. એસેમ્બલીમાં સાતમાથી અગિયારમા ધોરણ સુધીના વિદ્યાર્થીઓ. દોઢ-બે હજારનું ક્રાઉડ હોય. માઇક પર આવતાં રીતસરના ટાંટિયા ધ્રૂજે, ગળું સુકાય. માંડ-માંડ પૂરું કર્યું. બહુ સરસ કર્યું, સરે ઔર પાનો ચડાવ્યો.

પછી આંતરશાળા વક્તૃત્વ સ્પર્ધાનો દિવસ આવ્યો. સ્પર્ધા કેન્સલ થવાની કલ્પનાથી માંડીને મુંબઈમાં ધરતીકંપ આવે તો સારું સુધીના કંઈ કેટલાય વિચારો મનમાં દોડી ગયા. અંધેરીની પ્રતિષ્ઠિત એમ.એ. હાઈસ્કૂલમાં સ્પર્ધા હતી. તમામ જાણીતી તેમ જ નામ પણ ન સાંભળ્યું હોય એવીય શાળાઓમાંથી આવેલા બબ્બે વિદ્યાર્થીઓ વારાફરતી બોલે અને પોતપોતાની સ્કૂલનું નામ રોશન કર્યું હોવાના સંતોષ સાથે બેસી જાય. બધા જ બહુ સરસ વાક્છટા ધરાવતા અને શિવાજી પાર્કની જાહેરસભાઓ ગજવતા હશે એવા કૉન્ફિડન્સ સાથે બોલતા. ખાખી પેન્ટ અને સફેદ શર્ટના યુનિફૉર્મમાં આવેલા રાજેશ અને હું એકબીજાની સામે જોઈને મૂંઝાયા કરીએ. અમારો વારો આવ્યો. પપ્પાએ મને એક ખાનગી ટિપ આપી હતી. જાહેરમાં બોલતી વખતે સામે જે ઑડિયન્સ બેઠું હોય એ બેવકૂફ છે અને એમને કંઈ સમજ પડતી નથી એવા આત્મવિશ્વાસથી બોલવાનું, અબૂધ બાળકોને સમજાવતા હો એવી રીતે એક પછી એક દલીલો પેશ કરવાની. મેં એ જ કર્યું. રાજેશને પણ એના પપ્પાએ કદાચ એવી જ સલાહ આપી હશે. રિઝલ્ટ અનાઉન્સ થયું. ઇનામ વિજેતા સ્કૂલનું નામઃ ખારની એમ.એમ. પ્યુપિલ્સ ઓન સ્કૂલ!

આટલી ખુશી ભવિષ્યમાં મને ભારતરત્ન કે નોબેલ મળે તોય નહીં થાય.

પુરસ્કારરૂપે સર્ટિફિકેટ, રોકડ રકમ અને મસમોટું રોટેટિંગ શીલ્ડ જેને ઊંચકીને અમે બેઉ સૌથી પહેલાં નજીકના ફોટો સ્ટુડિયોમાં પહોંચી ગયા. ફોટો હજુય સાચવ્યો છે. હાથવગો હશે તો આ લેખ સાથે છાપવા માટે આપીશ, નહીં તો જ્યારે મળશે ત્યારે મારા એફબી પેજ પર શેર કરીશ. એ વખતના હું અને રાજેશ સાવ ચંબુ જેવા દેખાતા. છતાં ધારી-ધારીને જુઓ તો ઠક્કરસરે જે રીતની મહેનત અમને ચળકાવવા માટે કરેલી એ મહેનતનો અણસાર જરૂર તમને ફોટોમાં દેખાય. ડૉ. રાજેશ કામદાર અત્યારે મુંબઈનો ખૂબ મોટો અને જાણીતો ઑર્થોડેન્ટિસ્ટ છે. મારાં છોકરાં ટીનેજર હતાં ત્યારે એમનાં વાંકાચૂંકા દાંત એણે જ સીધા કરેલા અને એની ડેન્ટિસ્ટ પત્ની ડૉ. સ્તિમિતા કામદારે મારાં દાંત-દાઢની ખૂબ કાળજી લીધી.

વાંચતાં પણ મને પ્યુપિલ્સે શીખવ્યું. 1969માં ગાંધી જન્મશતાબ્દીની ઉજવણી વખતે સ્કૂલમાં એક પુસ્તકપ્રદર્શન ભરાયું હતું. બુક ફેર કે પુસ્તકમેળાનું આ પહેલવહેલું એક્સપોઝર. નવેક વર્ષની ઉંમર. ચોથા ધોરણમાં હોઈશ —સુમતિબેનના ક્લાસમાં. પુસ્તકો ખુલ્લાં મૂક્યાં હોય, જે પુસ્તક ગમે એને હાથમાં લઈને પાનાં ફેરવવાની છૂટ. ન ખરીદવું હોય કે ન પરવડે એમ હોય અને પાછું મૂકી દો તો કોઈની ઠપકાભરી નજરનો ડર નહીં. વર્ષો પછી ભાવનગરના મારા મિત્ર ગોપાલ મેઘાણી અને એમના મહાન પિતા મહેન્દ્ર મેઘાણી સાથે ઘરોબો થયો ત્યારે સ્મૃતિના સરવાળા કર્યા પછી ખબર પડી કે ખુદ મહેન્દ્રકાકા એમની સંસ્થા ‘લોકમિલાપ’ વતી આ બુક એક્ઝિબિશન લઈને પ્યુપિલ્સમાં આવ્યા હતા. ગાંધી શતાબ્દી દરમિયાન એમણે દેશમાં અને પરદેશમાં આવા સંખ્યાબંધ પુસ્તકમેળાઓ કર્યા હતા.

નાઇન્થમાં હતો ત્યારે સ્કૂલમાં એક ઇન્ટરેક્ટ ક્લબ ખૂલી હતી. રોટરી ક્લબે કિશોર ઉંમરનાં બાળકો માટે શરૂ કરેલી. ગ્રાઉન્ડ ફ્લોર પર એન્ટ્રન્સ પાસે બાળમંદિરના જે વર્ગો હતા એમાંના જ એકમાં અઠવાડિયાના અમુક દિવસે ચોક્કસ સમયે ઇન્ટરેક્ટ ક્લબની પ્રવૃત્તિઓ થાય જેમાંની એક એક્ટિવિટી હતી લાઇબ્રેરીની. મોટું કબાટ ભરીને નવાં-નવાં પુસ્તકો ક્લબે વસાવેલાં. સભ્ય-ફી ભરીને જે વિદ્યાર્થીઓ મેમ્બર બને એમને જ આ પુસ્તકો વાંચવા મળે. ઘરેથી ફી ભરવાના પૈસા આપવાની ના કહેવામાં આવીઃ ભણવામાં ધ્યાન આપો.

આ મારા માટે સ્ટાન્ડર્ડ ઠપકો. જ્યારે રિઝલ્ટ આવે ત્યારે ઘરેથી એક જ વાત કહેવામાં આવેઃ આખો દિવસ રખડી ખાય છે, સહેજ ભણવામાં ધ્યાન આપે તો પહેલો નંબર આવે.

સ્કૂલમાં કોઈ પણ વરસે ક્યારેય કોઈ પરીક્ષામાં મારો પહેલો નંબર આવ્યો નથી. એક વખત દસમાની સત્રાંત પરીક્ષામાં બીજો નંબર આવ્યો હતો. બાકી મોટેભાગે પાંચમો-સાતમો આવે. ક્યારેક એકથી પાંચમાં આવ્યો હશે, પણ એ અપવાદ. રિઝલ્ટ આવે એટલે અચૂક સાંભળવાનું : ‘સંદીપને જો, કેટલી મહેનત કરે છે. દર વખતે પહેલો નંબર લાવે છે.’

સંદીપ. સ્કૂલના દિવસોમાં અમે શિવાજી પાર્ક વિસ્તાર નજીકના લેડી જમશેદજી રોડ પર રહેતા. સિટીલાઇટ સિનેમાની સામે દીનાથવાડીના ‘એ’ બિલ્ડિંગમાં અમે રહીએ, ‘ઈ’ બિલ્ડિંગમાં સંદીપ, જે મારો ખાસ મિત્ર. સ્કૂલમાં પણ સાથે જ, માત્ર ડિવિઝન જુદું. પાછળથી ખબર પડી ત્યારે નવાઈ લાગી હતી કે અમારા બન્નેનું વતન પણ એક જ—દેવગઢ બારિયા!

દીનાથવાડીથી પ્યુપિલ્સની બસમાં એક જમાનામાં સવારની શિફ્ટવાળાં પંદરેક છોકરા-છોકરી ચડે. બપોરની શિફ્ટમાં ટ્રેનમાં જનારા એટલી જ સંખ્યાના વિદ્યાર્થીઓ અલગ.

સંદીપની સાથે મારી સરખામણી કરીને મારા ઘરવાળા હંમેશાં મને ઉતારી પાડે. સંદીપ જશવંતભાઈ શાહે ભણીગણીને સરસ કરીઅર બનાવી. એના પિતાની જેમ એ પણ સી.એ. બન્યો. વચ્ચે અચાનક કોઈ કાર્યક્રમમાં અમે મળી ગયા ત્યારે ખબર પડી કે એના બે દીકરાઓ સાથે કેમિકલ્સનો મોટો કારોબાર કરે છે અને દીનાથવાડીમાં જ્યાં રહે છે એ ફ્લોર પરના આજુબાજુના ફ્લેટ્સ પણ એણે ખરીદી લીધા છે. આજે પણ એ મારાથી આગળ છે એવું મારાં સ્વર્ગસ્થ મા-બાપને લાગતું હશે— હું પવઈમાં ભાડાની જગ્યામાં રહું છું.

ઇન્ટરેક્ટ ક્લબની લાઇબ્રેરીનાં પુસ્તકો વાંચવા માટે મેં મારી સાથે ભણતી મારા ક્લાસની બે-ત્રણ બહેનપણીઓને રિક્વેસ્ટ કરી. દર અઠવાડિયે મને એમની પસંદગીનાં પુસ્તકો લાવીને વાંચવા આપતી. ‘મધુ, પેપ્પી, પૂતળી’ કે એવું કોઈ શીર્ષક ધરાવતું પુસ્તક પણ આ જ રીતે મેં વાંચ્યું હતું.

પણ દસમામાં આવ્યા પછી આવી કોઈ મોહતાજી રહી નહીં. એકાએક મારી કિસ્મત ખૂલી ગઈ. સ્કૂલે લાયબ્રેરીનો પિરિયડ કમ્પલસરી કરી નાખ્યો. એ વખતે પહેલા માળે લાયબ્રેરી હતી. તે વેળાની પ્રિન્સિપાલની ઑફિસેથી જ્યાં બેલ લટકે છે એ તરફની લોબીમાં જઇએ તો ઘંટ વટાવ્યા પછી લાયબ્રેરી આવે. બે ક્લાસરૂમ ભેગા કરીને લાંબી ગોઠવણ કરેલી.

લાયબ્રેરીનો પિરિયડ ફરજિયાત ભરવાનો એટલું જ નહીં, અઠવાડિયે એક પુસ્તક પસંદ કરીને તમારા નામે લખાવવાનું. વિદ્યાર્થીઓમાં વાચનની ટેવ પડે એ માટે પ્રિન્સિપાલે એવી વ્યવસ્થા કરી હતી કે દરેક વિદ્યાર્થીએ અઠવાડિયા દરમિયાન જે પુસ્તક વાંચ્યું હોય એના વિશે નાનકડી નોંધ લખીને આવવાનું.

ક્લાસનાં મોટાભાગનાં છોકરા-છોકરીઓ વાંચવાનાં ચોર હોવાનાં. પાઠ્યપુસ્તકો પણ જખ મારીને વાંચવાં પડે એટલે વાંચે ત્યાં આ નવો બોજ કેવી રીતે સહન થાય. મારા માટે આ જબરો મોકો હતો. લાયબ્રેરીના પિરિયડમાં હું મારા ક્લાસનાં આવાં છોકરા-છોકરીઓને શોધીને મને ગમતાં પુસ્તકો એમના નામે ઇશ્યુ કરાવું. દરેક પુસ્તક વાંચીને એના વિશેની નોંધ એમને લખાવી દઉં. એમનું પણ કામ થઈ જાય અને આપણને તો જલસા જ જલસા. વર્ષ દરમિયાન ધીમે-ધીમે મારા આ ધંધામાં મેં ખૂબ વિકાસ સાધ્યો. એક વરસમાં લગભગ આખી લાયબ્રેરી વંચાઈ ગઈ.

મધુસૂદનભાઈની નિવૃત્તિ પછી નવા આવેલા પ્રિન્સિપાલ બિહારીભાઈ જોષી

સાતમા-આઠમા ધોરણથી લખવાનું શરૂ કરી દીધું હતું. જોડકણા જેવી કવિતાઓ વગેરે. આઠમામાં કલ્યાણીબેન ગુજરાતી ભણાવે. એકવાર એમને સત્રાંત પરીક્ષામાં લખેલો વર્ષાઋતુ પરનો મારો નિબંધ ખૂબ ગમી ગયો અને આખા ક્લાસ વચ્ચે મારી પાસે બોલાવડાવ્યો. એ વખતની મારી સૂઝસમજ જોતાં લાગે છે કે મેં જરૂર એમાં ‘ધરતીએ લીલી લીલી ચૂંદડી ઓઢી હોય’ એવા ચાંપલા શબ્દપ્રયોગો કર્યા હશે.

એ વખતે કવિતા કરવાની બાબતે હું જરા વધારે પડતો ઉત્સાહી હતો. પાઠ્યપુસ્તકમાંની કવિતાઓને હું મારી રીતે ઇન્ટરપ્રીટ કરતો થઈ ગયેલો. સુરેશ દલાલે એમના પિતા વિશેના સોનેટમાં જે અંતિમ પંક્તિ લખી હતી એનો સાર હતો કે ‘તમારું મૃત્યુ તમારા જન્મદિવસે જ થયું.’ મેં એમાં એક ડગલું આગળ વધીને વિશ્લેષણ કર્યું કે કવિને જાણે એમ લાગે છે કે પિતાનો જન્મ થયો ને બહુ જલદી તેમનું અવસાન થઈ ગયું એટલે કવિ અતિશયોક્તિ અલંકાર વાપરીને જન્મદિવસે જ મૃત્યુ થયું હોવાનું લખે છે. આવું દોઢ ડહાપણ પાછું મેં કલ્યાણીબેનને પ્રાઇવેટલી કહ્યું પણ હતું. પછી જ્યારે સુરેશભાઈએ એમના ‘કવિતા’ દ્વૈમાસિકમાં મને છાપવા માંડ્યો ત્યારે ખબર પડી કે એમના મનમાં તો આવું કોઈ અર્થઘટન હતું જ નહીં.

એઇટ્થમાં મેં એક કવિતા લખી હતી જેમાં ‘કોઈને કોઈની પડી નથી’ એવા શબ્દોના ભાવવાળી પંક્તિ આવતી હતી. કલ્યાણીબેનને એ કવિતા ગમી અને એમણે મઠારી આપીઃ ‘નથી કોઈને કોઈની તમા.’ હવે ‘તમા’ જેવો વજનદાર શબ્દ તો આજની તારીખેય મારી વૉકેબ્યુલરીમાં નથી. આઠમા-નવમામાં તો ક્યાંથી હોવાનો. (‘તમા’ એટલે ચિંતા, ફૉર યૉર કાઇન્ડ ઇન્ફર્મેશન). પણ મેં કોઈ વિરોધ કરેલો નહીં.

અઢારેક વર્ષની ઉંમર સુધી મેં કવિતાઓ લખી. મુશાયરા અને કવિસંમેલનો પણ કર્યાં. મોટી ઉંમરે મારા ગાઢ મિત્ર-વડીલ બનેલા મારા પ્રિય કવિ રાજેશ વ્યાસ ‘મિસ્કિન’ મને યાદ કરાવી-કરાવીને થાકી ગયા કે એ ગાળામાં મેં રાજેન્દ્ર શાહ, ચિનુ મોદી વગેરે દિગ્ગજ કવિઓ સાથે ગાંધીનગરના મોટા સભાગૃહમાં કોઈ કવિ સંમેલનમાં ભાગ લીધો હતો ને ત્યાં મારી અને ‘મિસ્કિન’ની પહેલવહેલી ઓળખાણ થયેલી. પણ મને હજુય યાદ નથી આવતું. કદાચ સ્મૃતિપટલ પરથી મારા તમામ કવિતાવેડા મેં પ્રયત્નપૂર્વક ભૂંસી નાખ્યા હશે. અઢાર વર્ષની ઉંમરે મને સમજાઈ ગયું કે હું ઊંધે માથે પટકાઉં તોય સાત જન્મમાં રમેશ પારેખ, મનોજ ખંડેરિયા, સુરેશ જોષી, લાભશંકર ઠાકર, રાજેન્દ્ર શુક્લ કે સિતાંશુ યશશ્ચંદ્ર જેવી કવિતા લખી શકવાનો નથી. અને મેં કવિતા લખવાનું બંધ કર્યું. છેલ્લા ચાર દાયકામાં મેં ખૂબ કવિતાઓ માણી, ખૂબ કવિમિત્રો બનાવ્યા; પણ કવિતા લખવાનો ચાળો પાછો ક્યારેય કર્યો નથી.

પ્રિન્સિપાલ મધુસૂદન ચુનીલાલ વૈદ્ય અમને દર અઠવાડિયે પ્રાર્થનાના (અર્થાત્‌ એસેમ્બ્લીના) પિરિયડમાં ધારાવાહિક વાર્તા કહેતા. ચાર્લ્સ ડિકન્સની ‘ગ્રેટ એક્સ્પેક્ટેશન્સ’ એમના મોઢે એમ લોકોએ સાંભળેલી. દર અઠવાડિયે શાળાના ઑડિટોરિયમમાં પગમાં કરડે એવા કંતાનવાળા પાથરણા પર અડધી ચડ્ડીમાં બેસીને અમે આતુરતાપૂર્વક પ્રાર્થનાઓ અને ધૂન પૂરી થવાની રાહ જોઈએ. રોજ છેક કલ્યાણથી ખાર અપડાઉન કરતા સંગીત શિક્ષક સ્નેહીસર તેમ જ તે જમાનાના વિખ્યાત સંગીતકાર ઇન્દુકુમાર પારેખના સંગીતમાં બધી ઔપચારિકતા પૂરી થાય એટલે એકદમ સફેદ, કાંજી કડક ધોતિયા-ઝભ્ભા અને તીક્ષ્ણ, ધારદાર ગાંધીટોપીમાં સજ્જ એક ઊંચી કાયા માઇક પર આવે. મધુસૂદનભાઈનું વ્યક્તિત્વ વિરાટ હતું. શિસ્તના અતિ આગ્રહી અને ખૂબ પ્રેમાળ. સ્કૂલ ખરેખર સંસ્કાર રેડવાની પરબ છે એ રીતે શાળા ચલાવે. સર નવલકથાનો કોઈ પ્રસંગ કહેતા હોય ત્યારે તમારી આંખ સામે એ દ્રશ્ય દેખાય. કિશોર વયનો પિપ અને એનું કુટુંબ અને એના મિત્રોશત્રુઓ— જાણે એક આખું વિશ્વ ખારના એ હૉલમાં આવી ચડે. આજે પણ ‘ગ્રેટ એક્સ્પેક્ટેશન્સ’ જ નહીં, ચાર્લ્સ ડિકન્સનું કોઈ પણ પુસ્તક હાથમાં લઉં તો સૌથી પહેલાં મધુસૂદનભાઈ યાદ આવે. પ્રિન્સિપાલના અંગ્રેજી ઇનિશ્યલ્સ એમ.સી. વૈદ્ય. એમના ભાઈ પી. સી. વૈદ્ય પાસે મારા પપ્પા વલ્લભ વિદ્યાનગરની એન્જિનિયરિંગ કૉલેજમાં ગણિતશાસ્ત્ર શીખેલા. પ્રહલાદ ચુનીલાલ વૈદ્ય પપ્પાના પ્રોફેસર હતા એ વાતનો ઉલ્લેખ મેં એમનો (પી.સી. સાહેબનો) ઇન્ટરવ્યુ ‘સંવાદ’ નામના ઇટીવી પરના મારા ટૉક-શો માટે લીધો તે વખતે ગ્રીન રૂમમાં કર્યો ત્યારે અમે બેઉએ મધુસૂદનભાઈને ભાવથી યાદ કર્યા હતા.

મધુસૂદનભાઈ ‘ગ્રેટ એક્સ્પેક્ટેશન્સ’નો કોઈ એપિસોડ કહેતા હોય અને પિરિયડ પૂરો થવાનો બેલ પડે ત્યારે ઘણી વખત બે-પાંચ મિનિટ વધારે લઈને એપિસોડ પૂરો કરતા અને અમે દોઢ-બે હજાર જેટલા વિદ્યાર્થીઓ એમને પિન ડ્રૉપ સાયલન્સમાં સાંભળતા. ક્યારેક વળી બેલ વાગવાને હજુ બેએક મિનિટની વાર હોય અને એમની વાર્તામાં ‘વધુ આવતા અંકે’ની જાહેરાત થાય ત્યારે અમે લોકો ‘સર, હજુ’, ‘સર, હજુ’ના નારા લગાવીએ અને સર લોકલાગણીને માન આપતા. મારા નવલકથાકાર બનવામાં અનેક ગુજરાતી-અંગ્રેજી-હિન્દી નવલકથાકારોની ઉત્કૃષ્ટ કૃતિઓના વાચનનો ફાળો છે. નવલકથા-શ્રવણથી મારી જે રુચિ ઘડાઈ એ બાબતે એકમાત્ર ફાળો મધુસૂદનભાઈનો. ટેન્થમાં પાસ થઈને મેં સ્કૂલ છોડી અને મધુસૂદનભાઈ પણ એ જ વર્ષે નિવૃત્ત થયા. એમની જગ્યાએ બિહારીભાઈ જોષી આવ્યા.

( વધુ આવતી કાલે)

You can join Saurabh Shah’s WhatsApp group to get regular updates on the articles posted on newspremi.com

Send ‘Hi’ to 90040 99112 to join the group.

• • •

તાજા કલમ: તમને આમાં મઝા પડી રહી છે? તો કમેન્ટ બોક્સમાં તમારી લાગણી કેમ નથી લખતા! તમારા હોંકારા વગર અંધારામાં તીર ચલાવવા જેવું લાગે છે!
—સૌ.શા.

• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

19 COMMENTS

  1. ખુબજ સુંદર યાદો થી હૃદય માં આનંદ થયો. શાળા અને શિક્ષકો ની યાદ સોનેરી ક્ષણો હોય છે. આવા સુંદર દિવસો જીવન માં ફરી કયારે આવશે ?
    ભરત ધડા ૧૯૬૫.

  2. My name is Lavanya’Sharma’ Shah. I am daughter of famous poet – Pandit Narendra Sharma. I remember our wonderful school M.M. Pupils Own High School. Your article brought back all the memories flooding back. Please listen to this link-
    Do please watch this 🌸🙏🌸
    https://fb.watch/bKh-7zFuw2/

  3. Hi Saurab read your article about M.M.Pupils it was heart warming and I started remembering you ke apade tara City light cinema ne same tu rehe to rehto hato tayare regularly malta hat . I used to come to your house regularly. 🙏🙏👍👍👍Hi this Mayank J. Shah. From Banadra . If you remember😔😔😔😔😔

  4. હું આપના કરતાં બે વર્ષ મોટો. એ સમય ની મુંબઇ ની શાળાઓ નું વાતાવરણ અને પદ્ધતિઓ લગભગ સરખી જ. એટલે આપના આ સ્મરણો મને પણ મારા શાળા ના દિવસો યાદ અપાવી દે છે. ખૂબ સુંદર.

  5. વાહ ખુબ સરસ. ચાલીસ વર્ષ પહેલાં ની યાદો તાજી થઈ.

  6. સ્કૂલ અને બાળપણ ની વાત તાજી કરાવવા બદલ આભાર.

  7. Aflatoon presentation. Vaktrutva spardha vishe to tame ek suspens thriller jevu presentation aapi didhu…zabardast 💐💐💐💐💐

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here