(લાઉડમાઉથ: ‘સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, બુધવાર, ૧૦ ઑગસ્ટ ૨૦૨૨)
ધીરજ વિના સાતત્ય શક્ય નથી. સાતત્ય વિશે વાંચતાં પહેલાં છેલ્લાં બે સપ્તાહ દરમિયાન ધીરજ વિશે લખેલા લેખો વાંચી લેવા.
કામમાં જો સાતત્ય ન હોય તો ધીરજ રાખવાનો કોઈ મતલબ નથી. સાતત્ય કામ અંગેનું છે, પરિણામનું નહીં. પરિણામના સાતત્ય માટે આશા રાખવાની હોય, જીદ નહીં. અહીં એક ક્લાસિક દાખલો સૂર્યનો લઈએ. રોજ સવારે એ નિયમિત ઊગે છે, નિયમિત આથમે છે. રોજ એને થોડું આઘુંપાછું થાય છે પણ તે નિશ્ચિત ગણતરીથી વહેલુંમોડું થાય છે, પ્લાનિંગ મુજબ. અને રોજરોજ શું સૂરજ એકસરખો પ્રકાશે છે? ના. એના ઉદયની નિયમિતતા પછી પ્રકાશ આપવાનું એની કામગીરીનું પરિણામ આખું વરસ એકસરખું નથી હોતું. કેટલાક મહિનાઓ દરમિયાન વારંવાર વાદળાંથી ઢંકાઈ જતો હોય છે તો ક્યારેક એનું ગ્રહણ પણ થઈ જતું હોય છે. કોઈ વખત પોતાની ફુલ કેપેસિટી કરતાં અડધો કે પા ભાગનો પ્રકાશ આપીને આથમી જાય તો કોઈ વખત ઉદયથી અસ્ત સુધી પ્રખર તેજથી ચમક્યા કરે.
જે સફળ લોકોનાં નામ તમારી જીભે ચડે છે એ બધાએ સાતત્યની કદર કરી છે. તેઓ સતત પોતાનું કામ કરતા રહ્યા છે. એક પણ વર્ષ કે એક પણ મહિનો તો શું એક પણ દિવસ, કલાક કે મિનિટ વેડફ્યા વિના સતત એમણે કામ કર્યું છે. આ સાતત્યના પરિણામે ક્યારેક એમણે સેન્ચ્યુરી ફટકારી છે, ક્યારેક ગોલ્ડન જ્યુબિલી હિટ્સ આપી છે તો ક્યારેક જંગી પ્રોજેક્ટ્સ બનાવ્યા છે. દર વખતે નહીં. ઘણી વખત તેઓ 99 પર કે ક્યારેક ઝીરો પર આઉટ થયા છે. ઘણી વખત બહુ આશાસ્પદ ફિલ્મ સુપરફ્લોપ ગઈ છે અને બિઝનેસના કેટલાય પ્રોજેક્ટ્સ નિષ્ફળ પણ ગયા છે. આમ છતાં આમાંના કોઈએ કામ કરવાનું છોડી દીધું નથી. પરિણામના સાતત્યની જીદ હોત તો ચાર વાર ઝીરોમાં આઉટ થઈને કે બે ફિલ્મો ફ્લૉપ જાય એટલે એ લોકોએ કામકાજ છોડી દીધું હોત. પણ એમને ખબર છે કે કામ સતત થતું રહેશે તો જ ક્યારેક ક્યારેક સફળતા આવશે. સફળતાનું પરિણામ ગેરન્ટીડ હોય તો જ હું કામ કરીશ, નહીં તો ઘરે બેઠો રહીશ એવી માનસિકતા નથી હોતી એમની.
કામનું સાતત્ય નથી હોતું ત્યારે જીવવાની રિધમ તૂટી જતી હોય છે. તદ્દન નાના પાયે તમે મન્ડે બ્લ્યુઝનો સામનો કર્યો હશે. શનિ-રવિની કે એકલા રવિવારની પણ રજા હોય તોય સોમવારે કામ પર જવાનો કંટાળો આવતો હોય છે. જો એક (કે બે) જ દિવસ નિષ્ક્રિય રહેવાથી કામ ફરી શરૂ કરવાની આળસ આવે તો વિચાર કરો કે અઠવાડિયું, મહિનો કે વરસ સુધી કામ નહીં કરીએ તો ફરીથી શરૂ કરવામાં કેટલી મહેનત પડવાની છે.
હું પોતે બહુ પછડાટ ખાઈને સાતત્યનું મહત્ત્વ સમજ્યો છું. આજથી બરાબર સાડત્રીસ વર્ષ પહેલાં મેં મુંબઈથી સુરત જઈને ત્યાંના દૈનિકમાં નોકરી શરૂ કરી ત્યારે મારી એક જવાબદારી દૈનિક કૉલમ લખવાની પણ હતી. સાપ્તાહિક કૉલમો હું અગાઉ પણ લખતો, પણ ડેઈલી કૉલમનું કામ મારા માટે નવું હતું. એ પછી વિવિધ તબક્કે વારાફરતી અડધોએક ડઝન છાપાંઓ માટે રોજની કૉલમ લખી. શરૂઆતનાં વર્ષોમાં શું થતું કે આજે લખવાનો મૂડ નથી/ કોઈ વિષય સૂઝતો નથી / બહુ મોડું થઈ ગયું છે / બહારગામથી મિત્રો આવ્યા છે… એવા અનેક બહાનાં (જે મને તે વખતે જેન્યુઈન કારણો લાગતાં, પણ હવે સમજાય છે કે બધાં કામ ન કરવાનાં બહાનાં હોય છે) હેઠળ હું એક દિવસ માટે કૉલમ લખતો નહીં , એવું વિચારીને કે આજનો દિવસ રજા, કાલે તો લખવાનું જ છે ને.
મોટેભાગે બનતું એવું કે બીજે દિવસે પણ એ જ કે બીજાં કોઈ નવાં બહાનાં મળી જાય અને ન લખું. ક્યારેક સળંગ દિવસો સુધી ન લખાય. પછી સમજાતું ગયું કે આ વિષચક્રમાં ફસાવા જેવું નથી. હવે મને એવો અનુભવ થાય છે કે આજે હું લખું તો આવતી કાલે મને વધારે જોર આવે લખવાનું. આજે ધારો કે બે લેખ લખું તો કાલે થાય કે હવે ત્રણ લેખ લખું. જેમ નિષ્ક્રિયતા પોતે નિષ્ક્રિયતાને આકર્ષે છે એમ મને લાગે છે કે કામ પોતે કામને આકર્ષે છે. સાતત્યનો મહિમા હું આ રીતે શીખ્યો.
પરિણામમાં પણ સાતત્ય હોય તો કોને ના ગમે? જો હું અભિનેતા/દિગ્દર્શક હોત તો મારી બધી જ ફિલ્મ હિટ જાય એવું મને ગમતું હોત. લખવામાં પણ એવું જ છે. આજે છપાયેલો લેખ બહુ વખણાય તો મનમાં ડર લાગે : આવતી કાલનો લેખ વાચકોને આટલો સારો નહીં લાગ્યો તો? આજનો વિષય, લેખના વિચારો કે લેખની માહિતી લોકોને ન ગમ્યાં (કહો કે લેખ ફ્લૉપ ગયો) તો મનમાં બીજા પ્રકારનો ડર પેસી જાય : બસ, હવે પરવારી ગયા? કલમનો જાદુ ઓસરી ગયો!
કામના સાતત્ય માટે આવા બંને પ્રકારના ડરનો સામનો કરવો પડે, એમને જીતવા પડે. એક ફિલ્મ ફ્લૉપ થવાથી કે એક લેખ તમારા સ્ટાન્ડર્ડનો ન લખવાથી કંઈ તમારી કરિયર પૂરી નથી થઈ જતી. બીજી ફિલ્મમાં, બીજા દિવસે તમારે વધારે મહેનત કરવાની, કામ પર વધારે ધ્યાન આપવાનું— આ પાઠ ભણાવવા માટે જ નિષ્ફળતાઓ આવતી રહેતી હોય છે.
ધીરજ અને સાતત્યની વાત પૂરી કરતી વખતે મહત્વાકાંક્ષા, વાસ્તવિકતા અને ક્ષમતાની વાત પણ ઝડપથી થઈ જવી જોઈએ. આ આખી ય કન્સેપ્ટને ટૂંકમાં સમજી લેવા માટે હરકિસન મહેતાના ઇન્ટરવ્યુનો આ એક અંશ મનમાં સ્થિર થવા દેવો પડે. વજુ કોટકે હરકિસનભાઈને જે ઉદાહરણ સાથે સમજાવ્યું તે આખી જિંદગી આપણને સૌને ધ્રુવના તારાની જેમ દિશા બતાવશે. મારા એક સવાલના ઉત્તરમાં હરકિસન મહેતાએ કહ્યું હતું :
“નાનપણથી એક વાત મનમાં ઘર કરી ગયેલી કે કોઈ પણ ક્ષેત્રમાં જઇએ ત્યાં કંઇક અસાધારણ બનીને દેખાડવું પડે છે… ( પણ)
અસાધારણ બનતાં પહેલાં મારે તો સાધારણ બનીને ટકી રહેવાનું વધારે અગત્યનું હતું…એ જ અરસામાં…1950માં વજુ કોટક મળ્યા… એ વખતે વજુભાઈ કહેતા : ‘હરકિસન, તમને એમ થાય કે સોશ્યાલિસ્ટ પાર્ટીમાં દેશનેતા થઈએ, આ થઈએ, તે થઈએ… પણ એટલું ય સાથોસાથ જોવું જોઈએ કે વાસ્તવિકતા શું છે? વાસ્તવિકતા એ છે કે જે દિશાનું કામ તમને મળે એ તમારે કરવાનું અને એમાંથી જ સંતોષ શોધવાનો…’ મહત્વાકાંક્ષા વિશે વજુભાઈ એક બિલાડીનું ઉદાહરણ આપતા… આ દ્રષ્ટાંત આજે ય મને યાદ છે. એક બિલાડી વહેલી સવારે ઊઠીને શરીર લાંબું કરી આળસ મરડે છે. સૂરજ પૂર્વમાં નીચે છે એટલે બિલાડીનો પડછાયો રસ્તો ઓળંગીને છેક સામેની દીવાલ સુધી પહોંચે છે. બિલાડીને થાય છે કે ઓહોહોહો, મારું કદ કેટલું મોટું છે! આજે તો મારે નાસ્તામાં વાઘની સાઇઝનો ઉંદર જોઇશે! બીજા નાના-મોટા ઉંદરોથી કામ નહીં ચાલે… બિલાડી બેઠાં બેઠાં આંખો મીંચીને એ જ વિચાર્યા કરે છે. થોડીવાર રહીને આંખો ઉઘાડે છે ત્યારે જુએ છે કે સૂરજ ઉપર આવ્યો છે અને પડછાયો થોડો ટૂંકો થઈ ગયો છે. બિલાડીને થાય છે કે ચાલો, વાઘ નહીં તો કંઈ નહીં, કૂતરાની સાઇઝનો ઉંદર પણ ચાલશે… એમ કરતાં કરતાં પડછાયો વધુને વધુ નાનો થતો જાય છે. બિલાડી ઉંદરની સાઈઝ પણ નાની કરતી જાય છે. છેવટે બપોરે સૂરજ માથે આવે છે અને બિલાડીને પોતાની પૂંછડી જેટલો જ પડછાયો દેખાય છે ત્યાં સુધીમાં ભૂખ એટલી કકડીને લાગી ગઈ હોય છે કે એને થાય છે, હવે તો ઉંદરની સાઇઝનો ઉંદર મળી જાય તો ય ઘણું! બિલાડી આવું વિચારીને ઉંદરની શોધમાં નીકળી પડે છે અને એને ઉંદર મળી પણ જાય છે કારણકે શિકાર માટેની એની મહત્વાકાંક્ષા ભલે વાઘની હોય, વાસ્તવિકતા તો ઉંદરની જ હતી… આ દાખલો આપીને વજુભાઈ મને કહેતા કે, ‘માણસને જે રોલ ભજવવા મળ્યો છે તે એણે વફાદારીપૂર્વક ભજવવો જોઇએ. તમારી સામે અત્યારે આ જ રોલ આવ્યો છે તો તમારે એ કરવો જોઇએ…”
આપણી ક્ષમતા કેટલી છે તેનું માપ આપણે જ કાઢવાનું હોય. ગજા કરતાં મોટું કામ કરતાં પહેલાં ક્ષમતા વધારવી પડે. વેઇટ લિફ્ટિંગ કરનારા એથ્લિટોને તમે જોયા છે? સ્પર્ધા વખતે તેઓ જેટલું વજન ઉપાડે એ તો એમનો આખરી પડાવ હોય છે. એ પહેલાં એમણે વર્ષો સુધી આના કરતાં ઓછા વજનની પ્રેક્ટિસ કરી હતી. ધીમે ધીમે તેઓ બબ્બે કિલો વજન વધારતા ગયા ત્યારે જઈને એમની ક્ષમતા વધી. ક્ષમતા કે ગજું કે ઔકાત વધારવા માટે ધીરજ અને સાતત્ય બેઉ જોઈએ. આશા છે કે અંગત અનુભવ પરથી, ઠેબાં ખાઈખાઈને જે પાઠ શીખવા મળ્યા એમાંથી લખાયેલી આ ત્રણ હપતાની શ્રેણીની કોઈ એકાદ વાત તમને જીવનમાં ઉતારવા જેવી લાગી હશે.
પૂરું.
સાયલન્સ પ્લીઝ!
સમાજમાં સાત પ્રકારનાં પાપ હોય છે :
1. કામ કર્યા વિના મળતી દૌલત
2. ખોટું કામ કરીને મળતી મઝા
3. ચારિત્ર્ય વિનાનું જ્ઞાન
4. નીતિમત્તા વિનાનો વેપાર
5. માણસાઈ વગરનું વિજ્ઞાન
6. ત્યાગ વગરની પ્રાર્થના અને
7. સિદ્ધાંતો વિનાનું રાજકારણ
– ફ્રેડરિક લેવિસ ડોનાલ્ડસન (લંડનના વેસ્ટમિન્સ્ટર એબી ચર્ચમાં 20 માર્ચ 1925ના રોજ આપેલા ધર્મોપદેશમાં આ વાત પાદરીએ કહી હતી.)
• • •
તાજા કલમ: તમને આમાં મઝા પડી રહી છે? તો કમેન્ટ બોક્સમાં તમારી લાગણી કેમ નથી લખતા! તમારા હોંકારા વગર અંધારામાં તીર ચલાવવા જેવું લાગે છે!
—સૌ.શા.
• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો
Really good. Thought process started
Nice, perfect logical 👍🙏
Hi This is Mayank J. Shah your school friend. If you remember me , your pleasure you can call me @9824013812 or give me your number I will call you .
Sure, Mayank! It will be my pleasure to talk with you.
Super
BAHU J SARAS LAKHO
CHO SAURABH BHAI
Bahu Saras