પચાસ પ્લસનું મૅનેજમેન્ટ : સૌરભ શાહ

( તડકભડક: ‘સંદેશ’, ‘સંસ્કાર’ પૂર્તિ, રવિવાર, 10 સપ્ટેમ્બર 2023)

સેકન્ડ લાસ્ટ સ્ટેશન આવી ગયું હોય ત્યારે વિચારવા ન બેસાય કે આપણી મંજિલ કઈ છે? ૫૦ કે ૬૦ વર્ષની ઉંમરે વિચારવા ન બેસાય કે નિવૃત્તિ પછી શું કરીશું. જે કાર તમે ત્રણ વર્ષમાં બદલી નાખવા ન માગતા હો અને પૂરા દસ-પંદર વર્ષ સુધી એનો ઉપયોગ કરવા ધારતા હો એ કારની જાળવણી પહેલા જ વર્ષથી કરવી પડે. ૫૦ કે ૬૦મા વરસે તબિયતની ફિકર કરીશું તો ઘણું મોડું થઈ ગયું હશે. ૩૫-૪૦ ઈઝ ધ રાઈટ ટાઈમ, જ્યારે શરીરની તમામ ઈન્દ્રિયો અને અંગોનું પરફોર્મન્સ ટોચ પર હોય. ત્યારથી જ જો શરીરની જાળવણી કરી હશે તો જઈને ૫૦-૬૦ પછી તંદુરસ્ત રહી શકાશે, બાકી ખખડી ગયેલા હોઈશું.

મેં તો મારી પાંત્રીસ-ચાળીસની ઉંમરે જ ૫૦-૬૦ પછીનાં વર્ષો વિશે વિચારવાનું અને લખવાનું શરૂ કરી દીધું હતું. એટલે મેન્ટલી હું એ અવસ્થા માટે તૈયાર હતો. જોકે, ફિઝિકલ ફિટનેસ માટેની કૉન્શ્યસનેસ એ પછી આવી જે વાસ્તવમાં પાંત્રીસની ઉંમર પહેલાં જ આવી જવી જોઈતી હતી. આવી ગઈ હોત તો સિગારેટ-દારૂ તે જ વખતે છોડી દીધાં હોત. પણ ભલું થજો સ્વામી રામદેવનું કે એ છેલ્લા બે દાયકાથી આરોગ્ય અંગે જે જાગૃતિ ફેલાવી રહ્યા છે તેને કારણે ભારતના કરોડો લોકો પોતાની હેલ્થ માટે સભાન થયા જેમાંનો એક હું છું. સ્વામી રામદેવ અત્યારે ૫૭ વર્ષના છે અને બધી રીતે તંદુરસ્ત છે. જાહેરમાં કહે છે કે હું તો ઉંમરના સો વર્ષ સુધી આવું આરોગ્ય જાળવી રાખવાનો છું.

આપણે સૌ સો વર્ષની ઉંમર સુધી તંદુરસ્તીભર્યું જીવન જીવી શકીએ એમ છીએ. ફિઝિકલ હેલ્થ સાચવવાની વાતમાંય મોડું નથી થયું. જોકે, ૩૫-૪૦ વર્ષની આયુ એ સભાનતા માટે બેસ્ટ હતી. ફિઝિકલ કરતાંય મેન્ટલ હેલ્થ મોટી વાત છે. હવે મારે કેટલાં વર્ષ કાઢવાનાં-એવી મેન્ટાલિટી માણસને અડધો મારી નાખે. બહુ જીવ્યા, ભરપૂર સંતોષ છે, હવે મોત આવે તો વાંધો નથી-આવો ઓડકાર માણસને પૂરેપૂરો મારી નાખે. જિંદગીમાં હવે કશું કરવા જેવું રહ્યું નથી એવો સંતોષ વાસ્તવમાં નિરાશાવાદ છે. જિજીવિષા કોઈ બૂરો શબ્દ નથી. મારે મરવું નથી એવું કહેવામાં કંઈ તમારો ડર નથી પ્રગટ થતો, તમારી જીવન પ્રત્યેની નિષ્ઠા પ્રગટ થાય છે. હજુ કામ કરવું છે, નવાં નવાં કામ કરવાં છે, કમાવું છે, જીવન માણવું છે, દરેક રીતે માણવું છે-આ વાત જે પાંત્રીસ વર્ષે તમે તમારી જાતને કહી હતી તે પંચોતેરમે વર્ષે પણ કહેતાં રહેવાની છે જેથી પછીનાં પચ્ચીસ વર્ષ જીવવાની ઉત્સુકતા રહે, જીવવાનો ઉત્સાહ મંદ ના પડે.

સમાજમાં તમારી આસપાસના લોકો તમને અકાળે વૃદ્ધ બનાવી દે છે. સાઠ વર્ષના માણસને બગીચામાં રોજ સાંજે મંડળીમાં સામેલ કરવા માટે સિત્તેર-એંશી-નેવુંના સિનિયર સિટીઝનો આતુર હોય છે. સાઠ વર્ષના માણસના સમકાલીનો, એની જ ઉંમરના એના મિત્રો, કલીગ્સ, સગાંવહાલાં, વેવાઈવેવલાં-સૌ કોઈ અહેસાસ કરાવતા રહે છે કે હવે તમે વૃદ્ધ થઈ ગયા. સાઠ વરસના માણસને એનાથી નાની ઉંમરના ૪૦-૪૫ વર્ષના લોકો કાકા કહીને માન આપવાને બહાને સજેસ્ટ કરતા થઈ જાય છે કે હવે તમે સિનિયર સિટિઝન થઈ ગયા, નિવૃત્ત થઈ જાઓ અને રેલવે-ઍર ઈન્ડિયામાં કન્સેશન ભાવે ટિકિટો ખરીદીને ચારધામની જાતરા કરી આવો.

તમે જો તમારા પોતાના માટે રિલેવન્ટ રહેશો તો તમે કોઈ પણ ઉંમરે વૃદ્ધ થતા નથી. તમે જો તમારા માટે રિલેવન્ટ રહેશો તો બાકીની દુનિયા પણ તમને રિલેવન્ટ ગણશે અન્યથા આઉટ ડેટેડ ગણીને ફગાવી દેશે.

રિલેવન્ટ રહેવું એટલે શું? રિલેવન્ટ રહેવું એટલે વિસ્તરવું. ઉંમર વધવાની સાથે મોટા ભાગના લોકોનું મન સંકોચાતું જાય છે, એમના અનુભવનું વિશ્વ પણ સંકોરાતું જાય છે, કમ્ફર્ટ ઝોનમાં પડી રહેવામાં મળતી સલામતીની ઝંખના વધતી જાય છે. આવી માનસિકતા સાથે માણસ રિલેવન્ટ ના રહી શકે.

સતત ભૂતકાળના ખભા પર બેસીને કે સતત ભૂતકાળને પોતાના ખભા પર બેસાડીને ફરતા લોકો પણ રિલેવન્ટ ન રહી શકે, તરત આઉટડેટેડ થઈ જાય. ઉંમરને કારણે આવેલો અનુભવ એ તમારી મૂડી છે, પણ એ મૂડી ત્યારે જ કામની જ્યારે એમાં નીતનવા અનુભવો ઉમેરાતા રહે. જો નવા અનુભવો ન ઉમેરાયા તો જૂના અનુભવોનું મૂલ્ય આ મહિનાની ત્રીસમી પછી ઘરમાં પડી રહેલી બે હજારની નોટો જેટલું થઈ જવાનું. ઉંમર વધવાની સાથે અનુભવો પણ ઉમેરાય છે ત્યારે માણસના જીવનમાં વર્તમાનની તાજી હવાનો પ્રવેશ થાય છે. બંધિયાર થવા માગતું મન ફરી એકવાર ચેતનવંતુ થઈ જાય છે.

સાઈઠ વર્ષની ઉંમરે એ નથી વિચારવાનું હોતું કે બસ, હવે કેટલાં વર્ષ બાકી છે? એ વિચારવાનું છે કે જો વીસ વર્ષની ઉંમરે દુનિયાદારીના જગતમાં પ્રવેશીને ૪૦ વર્ષનો અનુભવ જમા કર્યો તો એ પાછલા ચાર દાયકાના અનુભવને કામે લગાડવા માટે ૬૦ વર્ષની ઉંમરે હવે તમારી પાસે બીજો એટલો જ સમય છે-પૂરાં ૪૦ વર્ષનો. અગાઉનાં ૪૦ વર્ષોમાં જે જે ભૂલો કરી હતી તેને ટાળીને આવી રહેલાં નવાં નક્કોર ૪૦ વર્ષને કેવી રીતે વાપરવાનાં છે એનો આધાર તમારા પર છે. એકવીસમા વર્ષે જેટલો અને જેવો ઉમંગ, થનગનાટ અને આશાવાદ જીવનમાં હતો એના કરતાં કંઈક ગણો વધારે ૬૧મા વર્ષમાં પ્રવેશ કરતી વખતે હોવાનો, કારણ કે હવે તમારી પાસે અગાઉના ૪૦ વર્ષનું ભાથું છે જે ર૧મા વર્ષે નહોતું.

તમારી આસપાસ જમા થયેલી બુઢ્ઢા મેન્ટાલિટીવાળા લોકોનો કાં તો તમારા જેવા થવાની પ્રેરણા આપો ને નહીં તો એમને પડતા મૂકી દો જેથી એમના ટિપિકલ ઘરડા વિચારોની ફુગ તમારા પર ના લાગે. હજુ આ વિશે વધારે અને થોડુંક વિગતે વિચારવું-લખવું જોઈએ એવું લાગે છે તમને? જોઈએ.

પાન બનારસવાલા

તમને સમજાવવામાં આવ્યું છે કે જીવન અંધકારમય છે; પણ એ થાકેલાના વિચારો છે. અને થાકની પીડામાં તમે એને સાચા માની લીધા છે.

—ખલીલ જિબ્રાન ( ‘ધ પ્રોફેટ’માં. અનુવાદ: કિશોરલાલ ઘ. મશરૂવાળા)

• • •

તાજા કલમ: તમને આમાં મઝા પડી રહી છે? તો કમેન્ટ બોક્સમાં તમારી લાગણી કેમ નથી લખતા! તમારા હોંકારા વગર અંધારામાં તીર ચલાવવા જેવું લાગે છે!
—સૌ.શા.

• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

11 COMMENTS

  1. ગાંધીજીને ૧૨૦ વરસ જીવવાની ઇચ્છા હતી. તમે કહો છો એમ આવી જિજીવિષા હોવી જ જોઈએ. તેમની તંદુરસ્તી એવી હતી કે ૧૨૦ વરસ જીવી શકત?

    • ભલા, માણસ! તંદુરસ્તી જાળવવી એવું ન વાંચ્યું તમે. એલોપથી અને ફાર્મા લૉબીની ઝાંસામાં ન આવવું એવું વાંચ્યું, ડૉક્ટરસાહેબ?

    • શ્રી સૌરભ શાહ, ગજબ લખો છો યાર,……. આવો અમૃતપાન કરાવતા રહેજો બોસ.

  2. Thank you Saurabhbhai. I am always your fan. I am. 49 years old, approaching 50 ……..at this stage I feel settled with my life agendas but your article gives motivation further . Request to pls write more on this topic. Well,I achieved what I truly wanted to achieve now at the age of 49 yrs in my career front and I look forward to another couple of decades to grow further to take it nxt level.

  3. To keep on enjoying various family occasions (birthdays/anniversaries……..), national events, festivals with positive thinking does help to live remaining life years happily. Discipline in all activities is also very important. Continuous adjustments with close ones is necessary too. Those born after 1950 should aim to witness centenary celebrations of 2047 with strong desire.

  4. Thanx a lot….we always live in past n worry abt future…..I will definitely try to change my attitude

  5. નિયમિત કોલમ વાંચું છું ખૂબ મજા આવે છે

  6. Thanks for this post, sir. મારી દીકરીને આજે હું આ જ વાત સમજાવી રહી હતી. મારા ઉંમરલાયક સાસુની મેન્ટલ હેલ્થને લઈને એ બહુ ચિંતિત રહે છે. વળી, એ સતત ભૂતકાળ ની તકલીફ આપતી યાદો અને ભવિષ્યનાં ડર વચ્ચે જ જીવતી રહે છે. તમારો આજનો આ લેખ આ બાબત પર થોડો વધુ અને સ્પષ્ટ રીતે સમજાવવામાં મને ખૂબ મદદરૂપ થશે. આભાર.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here