બુદ્ધિશાળીઓ દુર્લભ વસ્તુની કામના નથી કરતા- વિદુરજી: સૌરભ શાહ

(ગુડ મૉર્નિંગ એક્‌સક્લુઝિવ: મંગળવાર, ૧૪ એપ્રિલ ૨૦૨૦)

વિદુરનીતિ વિશે વિગતે જાણવામાં તમારા સૌના ઈન્ટરેસ્ટને જોતાં નક્કી કર્યું છે કે આ વિષય પર હજુ વધારે લખવું જોઈએ. આ વિશે મારા એક લેખ ઉપરાંત સ્વામી સચ્ચિદાનંદના પુસ્તક ‘વિદુરનીતિ’ને ટાંકીને લખાયેલા કુલ ત્રણ લેખો તમે ‘ગુડ મોર્નિંગ ક્‌લાસિક’માં વાંચ્યા. હવે આ ખાસ લખાયેલા લેખો ‘ગુડ મોર્નિંગ એક્‌સક્લુઝિવ’માં વાંચો – માત્ર ‘ન્યુઝપ્રેમી’ પર.

‘સસ્તું સાહિત્ય’ તરફથી પ્રગટ થયેલા ‘મહાભારત’ના મોટી સાઈઝનાં પાનાંઓ ધરાવતા ૭ દળદાર ગ્રંથો અત્યાર સુધી ગુજરાતીમાં ‘મહાભારત’ની બાબતમાં અલ્ટીમેટ ગણાતા. પણ ૨૦૦૯ પછી આ મૉનોપોલી તૂટી છે. ‘મહાભારત’નું વધુ વિસ્તૃત અને એકદમ ઑથેન્ટિક વર્ઝન પ્રવીણ પ્રકાશન, રાજકોટ તરફથી પ્રગટ થયું છે. આ જ પ્રકાશન સંસ્થાએ ૧૯૮૦ના દાયકામાં ભગવદ્‌ ગોમંડળ કોશનું પુનઃપ્રકાશન કર્યું હતું. પૂણેની વિશ્વવિખ્યાત ભાંડારકર ઑરિએન્ટલ ઈન્સ્ટિટ્‌યુટ દ્વારા સંશોધિત આવૃત્તિના મૂળ પાઠ સાથે શ્લોકનો સંપૂર્ણ ગુજરાતી અનુવાદ કરીને પાંચસો-પાંચસો પાનાંના કુલ ૨૦ ભાગ પ્રગટ કરવાનું ભગીરથ કામ પ્રવીણ પ્રકાશનના માલિક ગોપાલભાઈ પટેલે વિખ્યાત સાહિત્યકાર દિનકર જોષીના નેજા હેઠળ કર્યું. દિનકર જોષીના માર્ગદર્શન હેઠળ ગુજરાતના સંસ્કૃતના છ પ્રખર પંડિતોએ અનુવાદકાર્ય કર્યું: (૧) ડૉ. વસંત પરીખ, (૨) ડૉ. તપસ્વી નાન્દી, (૩) ડૉ. મનસુખ સાવલિયા, (૪) ડૉ. જે.કે. ભટ્ટ, (૫) ડૉ. શાન્તિકુમાર પંડ્યા અને (૬) પ્રો. આર.ડી. શુકલ. આ સૌને તથા આ જંગી પ્રોજેક્‌ટમાં સહભાગી થનારા તમામ શ્રીમંતો તથા શ્રેષ્ઠીઓને અને ટાઈપ સેટિંગ, પ્રૂફ રીડિંગ ઇત્યાદિ કામ કરનારા પ્રોફેશનલ્સને વંદન. ગુજરાતી ભાષા માટે ઘણું મોટું કામ થયું. ‘મહાભારત’ ઘરમાં ન વસાવાય એવી ઉપજાવી કાઢેલી માન્યતા તમારા બુદ્ધિવાદી દિમાગમાં ઉતરતી ન હોય અને લક્ષ્મીદેવીની તમાર ઘર પર કૃપા હોય તો રૂ. ૧૧,૦૦૦ (રૂપિયા અગિયાર હજાર)નો આ ૨૦ ગ્રંથોનો સેટ તમારે વસાવી લેવો જોઈએ. પ્રવીણ પ્રકાશનનું મેઈલ આઈડી છેઃ pravinprakashan@yahoo.com અને લૉકડાઉન દરમ્યાન આ ફોન નંબર પર વાત થશે કે નહીં ખબર નથી છતાં નોંધી રાખજો: (0281) 2232460/2234602. આદરણીય દિનકર જોષીની ઉંમર ૮૦ પ્લસની છે. કડેધડે છે. સવાસો વર્ષ જીવવાના છે. પણ અમસ્તાં અમસ્તાં એમને ડિસ્ટર્બ નહીં કરતા. ખરેખર કંઈક નવી વાત કરવી હોય તો એમનો જે લૅન્ડલાઈન નંબર આ ગ્રંથોના ઈમ્પ્રિન્ટ પાના પર પ્રગટ થયો છે તે આપું છું. 022-29673289. ઇમેઈલઃ gujsahitya@rediffmail.com.

‘મહાભારત’ વિશેની કેટલીક વાતો તમને ‘સંદેશ’માં આવતી કાલની બુધવારની પૂર્તિ ‘અર્ધસાપ્તાહિક’માં પ્રગટ થનારા મારા લેખમાં મળશે એટલે અહીં એ રિપીટ નહીં કરતાં સીધી જ વિદુરનીતિમાં પ્રવેશ કરીએ.

‘મહાભારત’ના ઉદ્યોગ પર્વમાં અધ્યાય ૩૩ થી અધ્યાય ૪૧ સુધી વિદુરનીતિ પથરાયેલી છે. ભાંડારકર – પ્રવીણ પ્રકાશનવાળા મહાભારતના છઠ્ઠા ગ્રંથના પાના નં. ૧૭૩ થી ૨૬૫ એટલે કે લગભગ સો જેટલાં પાનાંઓમાં ધૃતરાષ્ટ્રે જ્યારે વિવિધ વિષયો પર લઘુબંધુ વિદુરની સલાહ માગી તેનું વર્ણન છે. આ ગ્રંથનું અનુવાદકાર્ય છ સંસ્કૃત પંડિતોમાંના એક એવા ડૉ. જે.કે.ભટ્ટ દ્વારા થયેલું છે.

આ ૯૨ પાનાં તમે વાંચો તો દરેક શ્લોક માંથી તમને જીવન જીવવા માટેનો મંત્ર પ્રાપ્ત થાય. ક્યારેક અફસોસ થાય કે આ જ બધી વાતો જો સ્કૂલમાં ભણાવાઈ હોત અને કૉલેજકાળમાં ઘૂંટવામાં આવી હોત તો સંસારમાં પગ મૂકતી વખતે આપણે કેટલા સુસજ્જ હોત. વિદેશોમાં મેન્યુફેક્‌ચર થતી અને ગુજરાતીમાં આડેધડ પ્રગટ થયા કરતી બે બદામની મોટિવેશનલ ચોપડીઓ ક્યાં અને ઉચ્ચત્તમ વ્યવહારોની પ્રેક્‌ટિકલ સમજ આપતું, આપણી સંસ્કૃતિને આગળ લઈ જતું, આ પારંપરિક જ્ઞાન ક્યાં. અમુક હજાર વર્ષ પહેલાનું આ જ્ઞાન છે. ઓછામાં ઓછા પાંચ હજાર વર્ષ પહેલાનું. આપણા નેહરુવાદી સામ્યવાદી શિક્ષણકારોની નીતિએ આ જ્ઞાન આપણા સુધી પહોંચવા દેવામાં જે આડશો ઊભી કરી તેની વાત કરવા બેસીશું તો કડવા થઈ જઈશું. માટે – વિદુરનીતિ.

તેંત્રીસમા અધ્યાયનો આરંભ ધીમેથી થાય છે. રાજા ધૃતરાષ્ટ્ર પોતાના દ્વારપાળને કહે છે કે, ‘હું વિદુરને મળવા ઈચ્છું છું. તેમને અહીં જલ્દી લઈ આવો.’ અહીં ‘મહાભારત’કારે ‘મહાબુદ્ધિમાન રાજા ધૃતરાષ્ટ્ર’ એવા શબ્દો પ્રયોજ્યા છે. ટીવી સિરિયલમાં ધૃતરાષ્ટ્રને ડોબા અને ડફોળ તરીકે ચીતરવામાં આવે છે. ટીવીની સિરિયલોમાં તો ‘મહાભારત’ અને ‘રામાયણ’ની ઘણી બધી બાબતોમાં મચડ-મચડ કરવામાં આવ્યું છે.

એ પછી દ્વારપાળ વિદુરને સંદેશો આપે છે. વિદુર રાજમંદિરમાં આવીને ધૃતરાષ્ટ્રને સંદેશો મોકલે છે કે હું આવી ગયો છું વગેરે. કહેવાનો મતલબ એ કે આ આખીય કથાને વાર્તારસની ચાસણીમાં ઝબોળવામાં આવી છે. એટલે આ કથામાંની ભારેમાં ભારે, ગંભીરમાં ગંભીર એવી અને ઊંચા અધ્યાત્મની વાતો વાચક કે શ્રોતા ધ્યાન દઈને વાંચે-સાંભળે છે.

ધૃતરાષ્ટ્ર વિદુર સમક્ષ પોતાની ચિંતાઓનું વર્ણન કરે છે, ચિંતાને લીધે રાત્રે ઊંઘ નથી આવતી એવું કહે છે. ધૃતરાષ્ટ્રના કહેવાથી વિદુર પોતાની વાત શરૂ કરે છે. હવે પછી આ ૯૨ પાનાંનું સેવન આપણે બાળકની જેમ કરીશું – બાળક જે રીતે ક્રીમ બિસ્કિટમાંનું ક્રીમ ક્રીમ ચાટી જાય અને શુષ્ક થઈ ગયેલું બિસ્કિટ રહેવા દે એ રીતે.

કામ ન કરવાનાં બહાનાં શોધવામાં આપણે ઉસ્તાદ હોઈએ છીએ. નાની-મોટી બાબતોનું કારણ આગળ ધરીને આપણે કામ કરવાનું બાજુએ મૂકી દઈએ છીએ. વિદુરજીની સલાહ છેઃ ‘શરદી, ગરમી, ભય, અનુરાગ, સમૃદ્ધિ અથવા તેનો અભાવ જેના કાર્યમાં વિઘ્ન નથી પહોંચાડતાં તે પંડિત છે.’

આજે તબિયત સારી નથી, એસી બગડી ગયું છે એટલે કામ કરવાનો મૂડ નથી એવાં બહાનાં આપણે ઘણીવાર સાંભળ્યાં અને બીજાઓને સંભળાવ્યાં. મનમાં કોઈક પ્રકારનો ડર પેસી ગયો હોય ત્યારે પણ કામ કરવામાંથી પાછા હટી જઈએ છીએ. કોઈ બાબતના મોહને લીધે અથવા કોઈના પ્રત્યેની આસક્તિને કારણે આપણે કામ કરતાં અટકી જઈએ છીએ. ઘરમાં ખૂબ પૈસા હોય ત્યારે અને ઘરખર્ચ માટે પરચૂરણ શોધી શોધીને જોડવું પડતું હોય ત્યારે પણ આપણું ધ્યાન કામમાં રહેતું નથી. વિદુરજી માત્ર ફિલોસોફર જ નહીં મહાન માનસશાસ્ત્રી પણ હશે. આપણા તમામ ઋષિમુનિઓ જેમણે વેદ-ઉપનિષદનું સર્જન કર્યું, જેમણે ‘રામાયણ’ અને ‘મહાભારત’ રચ્યાં તે સૌ માનવમનના અગાધ ઊંડાણને તાગવામાં નિપૂણ હતા. બેએક હજાર વર્ષ પહેલાં પુરાણો રચાયાં અને આ ઉચ્ચ સ્તર આખું ગબડીને મનોરંજનની સપાટીએ આવી ગયું. જોકે, આવું તો યુગોથી ચાલતું જ આવ્યું છે. આજે પણ એક બાજુ ઊંડાણભર્યું સદ્‌સાહિત્ય લખનારાઓ છે અને બીજી બાજુ છીછરું, શબ્દરમતની જાળમાં લોકોને ફસાવીને દાદ ઉઘરાવતું સાહિત્ય છે. ભવિષ્યમાં પણ આવું જ રહેવાનું. વાચકોએ અને શ્રોતાઓએ પોતાનામાં નીરક્ષીર વિવેક ઊભો કરવો પડે. પાણી અને દૂધને એકબીજાથી નોખાં તારવવાં પડે.

વિદુરજી કહે છે: ‘બુદ્ધિશાળી (પંડિત)નું એક બીજું પણ લક્ષણ છે કે તેઓ દુર્લભ વસ્તુની કામના નથી કરતા અને ગુમાવેલી વસ્તુનો કદી શોક નથી કરતા તથા આપત્તિઓમાં કદી મુંઝાતા નથી.’

અનુભવો પછી તમને સમજાય છે કે કોઈ તમારી ટીકા કરતું હોય તો એને સામો જવાબ આપીને તમારી શક્તિનો વ્યય ન કરવાનો હોય. ફેસબુક કે ટ્‌વિટર-વૉટ્‌સએપ પર તમારા વિરુદ્ધ એલફેલ બોલનારાઓને તમારે ઈગ્નોર કરવાના હોય, એમને મોઢે લગાડવાના ન હોય. તમારી શક્તિઓ એમને એમની ઔકાત બતાવવામાં વાપરવાની ન હોય, તમારી હેસિયત વધારવા માટે વાપરવાની હોય. અન્યથા આપણી શક્તિ ક્રમશઃ ઘટતી જશે અને સાથે હેસિયત-પાત્રતા પણ ઘટતી જશે.

વિદુરજી કહે છે એ બીજી વાત પણ ધ્યાનથી સાંભળી લો: ‘જેઓ પોતાનું સન્માન કરાતાં વધુ પડતા પ્રસન્ન થતાં નથી તથા અપમાન થતાં દુઃખી થતાં નથી, ગંગાની ધારાની જેમ જે ગંભીર રહે છે તે પંડિત કહેવાય છે.’

પ્રશંસાથી પણ દૂર રહેવું. પ્રશંસા કરવા પાછળ કોની કેવી દાનત હશે તેની તમને ખબર નથી. આમેય પ્રશંસા સાચી હોય તોય માત્ર પ્રશંસાથી કોઈનું પેટ ભરાતું નથી હોતું. ઘણી વખત તમારી ટીકા કરવા માગતા લોકો સૌપ્રથમ પ્રશંસાના બે વાક્યો કહીને તમને પોતાની સાથે વાત કરવા પ્રેરતા હોય છે અને તમને એન્ગેજ કરીને તમારી સમક્ષ જેમતેમ બોલવાનું શરૂ કરતા હોય છે જેથી પોતાની આસપાસના લોકો આગળ બડાશ હાંકી શકે કે મેં તો ફલાણાને મોઢામોઢ સંભળાવી દીધું, હું કેવો બહાદુર.

પ્રશંસાના ધોધમાં નહાવાની મઝા લૂંટવાની ન હોય. પ્રશંસાની ઝરમર વર્ષામાંથી બે-ચાર છાંટણા – બે-ચાર શીતળ શિકરનો આસ્વાદ લઈને દૂર જતા રહેવાની કળા જો કોઈની પાસેથી શીખવી હોય તો પૂજ્ય મોરારીબાપુને મળવું. એમની ગમે એટલી નિકટ અને વિશ્વાસપાત્ર વ્યક્તિ કે પછી કોઈ મહાનુભાવ કે પછી કોઈ અજાણી વ્યક્તિ – ગમે તે હોય – એમની સાથે વાતો કરતી વખતે એમનાં વખાણ કરવાનું શરૂ કરશે કે પછી એમના પ્રત્યેનો પૂજ્યભાવ દર્શાવવાનું શરૂ કરશે કે પછી એમના કોઈ કાર્યને બિરદાવવાની શરૂઆત કરશે તો બાપુ એને અટકાવીને અપમાનિત નહીં કરે પણ પૂછશે: ‘કેમ છે ઘરે બધા? મઝામાં છે ને?’ સામેવાળી વ્યક્તિએ તરત જ વાત અધૂરી મૂકીને કહેવું પડેઃ બધા મઝામાં છે. બા-બાપુજીએ ખાસ તમને જય સિયારામ કહેવડાવ્યાં છે.

વધુ હવે પછી.

છોટી સી બાત

પોલીસ દંડા મારે એની પાવતી લઈ લેવી

નહીં તો

આગળના ચાર રસ્તા પાસે ફરી દે ધનાધન.
–વૉટ્‌સએપ પર વાંચેલું

9 COMMENTS

  1. Respected sir,
    I read all your articles and find them very informative.
    Some times I feel that these teachings are specially meant for me.
    Thanks and congrats for all your articles.

  2. લોકો મીઠા ઝાડના મૂળ કાઢવામાં માહિર થઈ ગયા છે.

  3. મહાભારત ગ્રંથ ઘર માં વસાવવો નહીં એ કોઈ દકીયાનુસી વાત નથી. એ ગ્રંથ આખરે તો એક કૌટુંબિક ઝગડા નું નિરૂપણ જ કરે છે; જેમાં એના નાયક થી લઇ ને લગભગ અગત્ય ના બધા પાત્રો કાવતરાં રચતાં બતાવ્યા છે.
    એમાંથી ઘર ના કોઈ સભ્યો ભૂલેચૂકે પણ “પ્રેરણા” ના લે એટલે આવી પરંપરા ચાલી આવે છે.
    આપણે આપણા સંતાનો “ક્રાઈમ પૅટ્રોલ” જુએ એ પસંદ ન કરીએ લગભગ એના જેવી આ વાત છે.

    • It’s height of one’s ignorance when Mahabharat is compared to Crime Petrol. It’s not only showing one’s stupidity but also disrespecting our country’s invaluable heritage. Grow up.

      • The teachings of Mahabharat are capable of making a man or a woman, Mahatma (if one wants to follow Duryodhan… It’s his or her “Durbhagya”).

        Duryodhan once said… “Janami Dharmam, Nachame Pravrutti, Janami Adharmam, Nachame Nivrutti.” – I know the “Dharma”, but can’t practice – implement it; I know” Adharma, can’t leave it – retire from it.

        This is just one “bodh” (Learning) that one gets… There are thousands of other learnings that this “Maha Granth” Is capable of giving.

        It’s all about what is the size of your “patra” (Utensil) and how much “patra” (Capable) you are to “grahan” (absorb) it.

      • મહાભારત નું પારાયણ કે સપ્તાહ ક્યાંય ચાલી હોય એવું સાંભળ્યું છે?
        મહાભારતકથા નહીં બેસાડવાની પ્રથા માંજ બધું ડહાપણ આવી જાય છે.

      • મહાભારત નું પારાયણ કે સપ્તાહ ક્યાંય ચાલી હોય એવું સાંભળ્યું છે?
        મહાભારતકથા નહીં બેસાડવાની જમાનાજુની પરંપરા માં જ બધું ડહાપણ આવી જાય છે.

        • સ્વામિનારાયણના સંત શ્રી મહાભારત કથા કરે છે ટીવી પર મેં સાંભળેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here