રાજુએ જિંદગીમાં પહેલી વાર પૈસા અને પ્રેમ સિવાય કશું વિચાર્યું

ગુડ મૉર્નિંગસૌરભ શાહ

( મુંબઇ સમાચાર : બુધવાર, 17 ઓક્ટોબર 2018)

ગામલોકોનું વિશાળ ટોળું રાજુની સામે ગોઠવાઈ ગયુું ત્યારે ભોલાએ બે હાથ જોડીને કહ્યું, ‘સ્વામી, તમારી પ્રાર્થનાથી અમારું ગામ જરૂર બચી જવાનું. એેકે એક ગામવાસી તમારા સ્વાસ્થ્ય માટે ભગવાનને પ્રાર્થના કરશે કે તમને કંઈ ન થાય, તમે હેમખેમ આમાંથી પાર ઊતરો.’

રાજુને સમજાતું નહોતું કે ભોલા શું કહી રહ્યો હતો. ગામના ટોળામાં હવે આસપાસના પંથકના લોકો પણ ભળી રહ્યા હતા. દરેક જણ આવીને સ્વામીને પગે લાગતું હતું. રાજુ ના પાડતો અને કહેતો, ‘કોઈ પણ માણસે બીજા માણસના પગ પકડવા ન જોઈએ.’ પણ લોકોમાંથી કોઈ ઊભું થઈને કહેતું: ‘આપ માણસ નહીં, મહાત્મા છો. અમે સદ્ભાગી છીએ કે તમારા ચરણની ધૂળ પામીએ છીએ.’

‘આ શું કરો છો’ કહીને રાજુ પોતાના પગ વાળી લેતો, ઢાંકી દેતો. સ્વામીજી ઉપવાસ પર છે એવું માનીને ભોલા કશું ખાવાનું લાવ્યો નહોતો. રાજુને આટલા બધા લોકો વચ્ચે ભોલાને પૂછતાં સંકોચ થયો કે: તું બોન્ડા બનાવવાની સામગ્રી લાવ્યો છે કે નહીં. ટોળું કલાકો સુધી બેઠું રહ્યું. કોઈ ઊભા થવાનું નામ લેતું નહોતું. છેવટે રાજુની આંખો ઘેરાવા લાગી ત્યારે એણે બધાને વિદાય કર્યા. ભોલો ત્યાં જ રહ્યો. ‘તને ઊંઘ નથી આવતી?’ રાજુએ પૂછ્યું. ‘આપ આટલો મોટો ત્યાગ અમારા સૌના માટે કરી રહ્યા છો ત્યાં મારી ઊંઘની શું વિસાત છે?’

‘આટલી તો મારી ફરજ છે. જા, તું જઈને સૂઈ જા.’

‘હું સવારે જ પાછો જઈશ.’

‘ઠીક છે, તો કાલે તું પાછો આવે ત્યારે રોજની જેમ મારા માટે ખાવાનું લેતો આવજે’ રાજુ બોલ્યો. પછી ઉમેર્યું, ‘અને હા, ચોખાનો લોટ, લીલાં મરચાં ને એ બધું લાવવાનું ભૂલતો નહીં…’

રાજુનું વાક્ય પૂરું થાય એ પહેલાં જ ભોલો ઉત્સાહથી ઉછળીને બોલી પડ્યો, ‘એનો અર્થ એ થયો કે આવતી કાલે વરસાદ આવશે, સ્વામીજી?’

‘આવે પણ ખરો, ભગવાનની મરજી’ રાજુ હજુય સમજતો નહોતો કે ભોલો શું કહેવા માગે છે. આ તબક્કે ભોલાએ બધી જ વાત વિગતે કરી. ભોલાના ભાઈની સ્વામી સાથે થયેલી વાતચીત. પાછા ફરીને ગામલોકોને એણે શું કીધું તે. સ્વામીજી વરુણ દેવતાને રીઝવવા ઉપવાસ પર ઊતર્યા છે તે જાણીને સમગ્ર પંથકમાં નવી આશાનો સંચાર થયો છે તે.

ભોલો જે ભાવપૂર્વક આખી વાતનું બયાન કરી રહ્યો હતો તે સાંભળીને રાજુને ગામવાસીઓની પોતાના માટેની શ્રદ્ધા જાણી આંખમાં આંસુ ધસી આવ્યાં. એને પહેલી વખત ખ્યાલ આવ્યો કે અજાણતાં ગામલોકોએ એને કેટલા ઊંચા આસને બેસાડી દીધો છે. પોતે ક્યારેય જેની ઈચ્છા નહોતી રાખી તે માનપાન પાછળનું કારણ એને હવે સમજાઈ રહ્યું હતું. રાજુએ પોતાને 24 કલાકના એકાન્તની જરૂર છે એવું કહીને ભોલાને પાછો મોકલ્યો અને કોઈ અહીં ના આવે એવો બંદોબસ્ત કરવાની તાકીદ પણ કરી.

રાતના અંધારામાં મંદિરમાં ચામાચીડિયાંની અવરજવર ચાલુ હતી. એકાન્ત મળતાં જ રાજુએ વિચાર્યું કે મેં ભૂલ કરી ગામલોકોને એવી વાર્તા કહીને કે કોઈ સાધુએ પંદર દિવસ સુધી ઉપવાસ કર્યા અને વરસાદ આવ્યો. એના કરતાં મેં એવી વાર્તા કરી હોત કે ગામલોકોએ સળંગ પંદર દિવસ સુધી સાધુને બોન્ડા ખવડાવ્યા અને વરસાદ આવ્યો તો કેવું સારું થાત.

રાજુએ વિચાર્યું કે અહીંથી ભાગી જાઉં. બસ પકડીને નજીકના શહેરભેગો થઈ જાઉં. ભોલો અને ગામલોકો માની લેશે કે સ્વામીજી હિમાલયભેગા થઈ ગયા, અંતર્ધ્યાન થઈ ગયા.

પણ પછી બીજી જ સેક્ધડે વિચાર્યું કે અડધો કલાકમાં જ તેઓ મને શોધી કાઢશે. પછી પાછો અહીં લઈ આવશે. લોકોને છેતરવા બદલ સજા કરશે, મારશે. કાં તો પોલીસમાં સોંપી દેશે.

24 કલાક પછી ભોલો પાછો આવ્યો ત્યારે રાજુએ એને પૂછ્યું, ‘ભોલા, તું મારો મિત્ર છે. મારી એક વાત સાંભળ. તને કેમ એમ લાગ્યું કે હું વરસાદ લાવી શકીશ?’

‘મારા ભાઈએ મને કહ્યું. તમે જ તો એને કહ્યું હતું.’

‘આમ આવ. મારી નજીક આવીને બેસ. હવે સાંભળ. તારે અહીં રાત રોકાવું હોય તો રોકા જે અને તમે લોકો ચાહતા હો તો હું વરસાદ માટે ઉપવાસ કરવા પણ તૈયાર છું. ગામ લોકો માટે, આ પંથક માટે હું કંઈ પણ કરવા તૈયાર છું. પણ આવી તપશ્ર્ચર્યા જો સફળ થાય તો ત્યારે થાય જ્યારે કોઈ તપસ્વી કરે ત્યારે. હું કંઈ તપસ્વી નથી, સંત નથી. હું એક મામૂલી માણસ છું. બીજા લોકો જેટલો જ એક સામાન્ય ઈન્સાન છું. મારી જિંદગી વિશે તને કંઈ ખબર જ નથી. સાંભળ, મારા જીવનની બધી જ વાત હું તને એકડે એકથી સમજાવું. પછી તને ખબર પડશે કે હું કોણ છું.’

રાજુએ ભોલાને પેટછૂટી વાત કરી. પોતે કેવી રીતે રાજુ ગાઈડ બન્યો, કેવી રીતે રોઝી અને માર્કો એના જીવનમાં આવ્યા અને કેવી રીતે પોતે બે વર્ષ જેલની સજા કાપીને આવ્યો એ બધી જ વાતો રાજુએ ભોલાને કહી. રાજુએ વાત પૂરી કરી ત્યારે પરોઢ થઈ ચૂક્યું હતું. કૂકડાએ બાંગ પોકારી. ભોલો એકીટશે રાજુને જોઈ રહ્યો. ગામ આખું હજુ સૂતું હતું. રાજુએ વિચાર્યું કે હમણાં ભોલો બોલી ઊઠશે ‘હરામખોર, તેં અમારી સાથે છેતરપિંડી કરી. તેં લોકોને છેતર્યા છે, કોઈની પત્ની સાથે આડા સંબંધો બાંધીને એની તમામ દૌલત પડાવી લેવાનું કાવતરું કર્યું છે. પકડાઈ ગયો એટલે બબ્બે વર્ષ જેલમાં ગુંડા-મવાલીઓની સોબતમાં રહીને આવ્યો. અને બહાર નીકળીને સાધુ હોવાનો ઢોંગ કરીને હવે અમારા જેવા ભોળા લોકોને છેતરવા નીકળ્યો છો?’

પણ ભોલાની આંખોમાં રાજુ પ્રત્યેની ભક્તિ પ્રગટતી હતી. સ્વામીજી માટેની એની શ્રદ્ધા બમણી થઈ ગઈ હતી. ભોલો બોલ્યો, ‘સ્વામીજી, મને ખબર નથી કે આ બધી વાતો કહેવા માટે આપે આ નાચીજને કેમ પસંદ કર્યો? હું તો ધન્ય ધન્ય થઈ ગયો. આપ ખરેખર ત્યાગી છો, મહાન છો, સ્વામીજી’ કહીને ભોલો રાજુના પગમાં આળોટવા લાગ્યો.

સ્વામીજી ઉપવાસ પર ઊતર્યા છે એવી વાત કોઈ છાપાવાળા સુધી પહોંચી અને એક પત્રકારે પંથકના મોભીઓને મળીને એક રિપોર્ટ છાપામાં છાપ્યો. આજુબાજુના પંથકમાં પણ વાત પ્રસરી ગઈ. ઉપવાસના પાંચમા દિવસે સરકારી કચેરીમાંથી હુકમ નીકળ્યો કે બે સરકારી દાક્તરોએ સ્વામીજીના સ્વાસ્થ્યની દેખભાળ માટે સ્વામીજીની સાથે જ રહેવું અને નિયમિત ટેલિગ્રામ દ્વારા એમની તબિયતના ખબરઅંતર હેડક્વાર્ટર્સ સુધી પહોંચાડતા રહેવા.

રાજુના દર્શને આવનારાઓની ભીડ વધતી ગઈ. ધીમે ધીમે મેળા જેવું વાતાવરણ બની ગયું. નાની-મોટી દુકાનો ખૂલી ગઈ. લોકો પોતપોતાની રીતે ચૂલો સળગાવી ખાવાનું બનાવી લેતા અને ત્યાં જ પડ્યાપાથર્યા રહેતા. ખાવાની સુગંધ રાજુને અકળાવતી. ઘીમાં ચપટી કેસર નાખીને એને ભાત સાથે ચોળીને ખાવાની કેવી મઝા આવે, રાજુને વિચાર આવતો. ખાવાનું મળે એવી કોઈ શક્યતા નહોતી. રાજુએ વિચાર્યું કે જ્યારે ખાવાનું મળે એમ જ નથી તો એ વિશેના વિચારો પણ મનમાંથી કાઢી નાખવા. આવું નક્કી કર્યા પછી રાજુનું મનોબળ વધવા લાગ્યું. ‘ઉપવાસ કરવાથી જો આ વૃક્ષો પર ફરી લીલાં પાંદડાં આવવાનાં હોય, જમીન પર લીલું ઘાસ ફરી ઉગવાનું હોય તો પછી પૂરેપૂરી આસ્થાથી ઉપવાસ કેમ ન કરવા?’ એવું વિચારીને રાજુએ જિંદગીમાં પહેલી વાર પૈસા અને પ્રેમ સિવાયની કોઈ બાબતમાં રસ લેવાનું શરૂ કર્યું.

આજનો વિચાર

ભવિષ્યમાં મરણનોંધ આવી લખાશે: એ સુપ્રસિદ્ધ માણસ હતા. પોતાની પાછળ પત્ની, બે પુત્ર તથા પચાસ મી-ટૂ છોડતા ગયા છે.

– વૉટ્સએપ પર વાંચેલું.

એક મિનિટ!

બકો: આજકાલ પત્નીઓ પોતાની પડોશણ આગળ પોતાના પતિનું વાટવા માટે શું કહેતી હોય છે ખબર?

પકો: શું કહેતી હોય છે?

બકો: અમારા એમનાથી તો ઘરમાં મી-ટૂ નથી થતું તો બહાર જઈને શું ખાખ કરવાના!

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here