મોરારીબાપુનાં સંઘર્ષ, સિદ્ધિ અને સેવા : સૌરભ શાહ

મોરારીબાપુનાં સંઘર્ષ, સિદ્ધિ અને સેવા : સૌરભ શાહ

( ગુડ મૉર્નિંગ ક્લાસિક્સ: શનિવાર, 30 મે 2020)

( મોરારીબાપુએ સનાતન ધર્મનો યજ્ઞ પ્રજ્વલિત રાખવા માટે આપેલી ‘આહુતિ’ઓ – ભાગ 6)

માણસની પ્રવૃત્તિઓ ત્રણ તબક્કામાંથી પસાર થતી હોય છે.

આરંભનો સમય સંઘર્ષનો હોય છે. કાંકરામાંથી હીરા છૂટા પાડવાનો એ સમય હોય છે. કઈ પ્રવૃત્તિઓમાં તમારે ડૂબી જવું છે અને કઈ ત્યજી દેવી છે તે નક્કી કરીને તમારો સમય, તમારી શક્તિ તથા તમારાં સાધનોને નિશ્ચિત દિશા આપવાનો આ સમય છે. આપણા જેવા માટે એને સંઘર્ષનો કાળ કહીએ, પૂજ્ય મોરારીબાપુ જેવી હસ્તીઓ માટે એ સાધનાનો ગાળો છે.

સંઘર્ષ કે સાધનાનો તબક્કો વીતી ગયા પછી તમારી પ્રવૃત્તિઓની ધાર નીકળે છે. તમે તમારી પ્રવૃત્તિઓને કારણે ઓળખાતા થાઓ છો. આ પ્રવૃત્તિઓને એની શ્રેષ્ઠતમ ઊંચાઈએ પહોંચાડીને તમે તમને જે કંઈ જોઈએ છે તે મેળવી શકવાને સમર્થ બની જાઓ છો. આ તબક્કો સિદ્ધિનો તબક્કો છે. કાંકરામાંથી છૂટા પાડેલા હીરાને તોલવાનો સમય છે. તમારી પાસેનો હીરો એક કેરેટનો છે, બે કેરેટનો છે, ત્રણ કેરેટનો છે કે કેટલા કેરેટનો છે તે અને એ હીરો કઈ ક્વૉલિટીનો છે તે નક્કી થાય છે.

સેવા શબ્દને માંજીને ફરીથી ચકચકિત કરવો હોય તો કહી શકાય કે જ્યાં અંગત તમામ સ્વાર્થો ઓગળી ગયા હોય એ તબક્કો.

ત્રીજો તબક્કો હર કોઈની જિંદગીમાં નથી આવતો. મોટા ભાગની વ્યક્તિઓ સિદ્ધિના તબક્કે આવીને સંતોષ પામી જાય છે. કારણ કે સિદ્ધિ જ એમના જીવનનું લક્ષ્ય હોય છે. સિદ્ધિથી આગળ કોઈ શિખર છે એની એમને જાણ નથી હોતી. પણ જેમને ખબર હોય છે તેઓ નરી આંખે ન દેખાતા એ લક્ષ્ય તરફ આગળ વધે છે અને સેવાના તબક્કામાં પ્રવેશે છે. આ એ તબક્કો છે જ્યારે તમારી પાસેના હીરાને આગવી ઓળખ મળે છે. તમારો હીરો ‘કોહિનૂર’ છે, ‘સ્ટાર ઑફ આફ્રિકા’ છે કે ‘હોપ ડાયમન્ડ’ છે તે નક્કી થાય છે. આ સેવાનો તબક્કો એટલે ચાલુચીલા અર્થમાં સેવા શબ્દ જે રીતે વપરાય છે તે રીતની સેવા નહીં. સેવા શબ્દને માંજીને ફરીથી ચકચકિત કરવો હોય તો કહી શકાય કે જ્યાં અંગત તમામ સ્વાર્થો ઓગળી ગયા હોય એ તબક્કો. તમારી સિદ્ધિના તબક્કે પુરવાર થઈ ગયું હોય કે તમે ધારો તે ભૌતિક સુખસગવડોની પ્રાપ્તિ કરી શકો છો, તમામ ઐશ્વર્યના માલિક બની શકો એમ છો. છતાં તમે એવું કરતા નથી. એવું નથી કે તમે આ સંસાર ત્યજીને, સંસારની મોહમાયા છોડીને હિમાલય ભેગા થઈ ગયા છો. સંસારમાં જ રહીને, એની તમામ મોહમાયા વચ્ચે રહીને પણ તમે તમારા માટેની ઈચ્છાઓને છોડીને બીજાઓ માટે જીવવાનું શરૂ કરી દો છો. સંઘર્ષ કે સાધનાના તબક્કા પછી સિદ્ધિના શિખરે આવીને જેઓ આ ભાવ સાથે આગળ વધતા રહે છે તેઓ જગતની ખરી સેવા કરે છે અને એ સેવાને કારણે, એમની પાસેના હીરાને નામ મળે છે – ‘કોહિનૂર’ વગેરે.

બાપુ વર્ષોથી સેવા કરી રહ્યા છે એમની અનેકવિધિ પ્રવૃત્તિઓ દ્વારા. ‘અસ્મિતા પર્વ’ હોય, હનુમંત એવૉર્ડ હોય કે પછી અનેક અલગ અલગ ક્ષેત્રોના શિક્ષકોને, વિદ્વાનોને કલાકારોને, સારસ્વતોને પોંખવા માટે અપાતા ડઝનબંધ એવૉર્ડસ હોય. આ તમામ પુરસ્કારો આપીને બાપુ જે તે વ્યક્તિઓએ કરેલી સાધનાને બિરદાવે છે, એમની સિદ્ધિને બિરદાવે છે અને એમાંના જે જે લોકો સેવાના તબક્કે પહોંચી ગયા હોય એમની સેવાને બિરદાવે છે.

મદદ કરતાંય વધુ મહત્ત્વની છે એ મદદ પાછળની બાપુની ભાવના. બાપુ પોતાના નામની તકતીઓ લગાવડાવવા માટે લોકોને મદદ નથી કરતા.

હરિશ્ચંદ્ર જોશી અને વિનોદ જોશી સંપાદિત ગ્રંથ ‘આહુતિ’માં રાજકોટના પ્રતિષ્ઠિત દૈનિક ‘ફૂલછાબ’ના તંત્રી
કૌશિક મહેતા જણાવે છે, ‘કારગિલ યુદ્ધમાં શહીદ થયેલા અને ઘાયલ સૈનિકોના પરિવારો માટે ફાળો હોય…ઉત્તરાખંડમાં પૂરહોનારતમાં થયેલી વ્યાપક નુકસાનીમાંથી લોકોને ફરી બેઠા કરવાનું અભિયાન હોય કે પછી સૌરાષ્ટ્ર, ગુજરાત કે દેશમાં જ્યારે જ્યારે કુદરતી આપત્તિ સર્જાતી હોય ત્યારે બાપુનો અદૃશ્ય હાથ અસરગ્રસ્ત પરિવારો સુધી આપોઆપ લંબાઈ જતો હોય છે.’

મદદ કરતાંય વધુ મહત્ત્વની છે એ મદદ પાછળની બાપુની ભાવના. બાપુ પોતાના નામની તકતીઓ લગાવડાવવા માટે લોકોને મદદ નથી કરતા. મોટાભાગની આર્થિક મદદ જમણો હાથ આપતો હોય ત્યારે ડાબાને ય ખબર ન પડે તે પ્રકારની હોય છે. પ્રવૃત્તિઓમાં સહકાર આપવાની વાત આવે ત્યારે કોઈ શરત વિના સહકાર આપે. અપેક્ષિત સહકાર ન આપી શકે એમ હોય ત્યારે કોઈની દાઢીમાં હાથ નાખવાને બદલે યથાશક્તિ જે કંઈ થઈ શકતું હોય તે કરે અને તમારા માટે હનુમંતજીને પ્રાર્થના કરીશ એમ કહે અને ખરેખર એકાંતમાં એમના માટે પ્રાર્થના કરે પણ ખરા. એવી પ્રાર્થનાનું ફળ પણ અચૂક મળતું હોય છે.

બાપુ માટેનો આદર દરેક વ્યક્તિ પોતપોતાની રીતે વ્યકત કરે છે. સ્થિતિપાત્ર લોકો ‘રામકથા’ના નવ દીવસીય પારાયણનું આયોજન કરીને એમના માટેનો આદર વ્યકત કરતા હોય છે અને સામાન્યજનો હજારોની સંખ્યામાં આ ‘રામકથા’માં હાજરી આપીને તથા કરોડોની સંખ્યામાં ટીવી પર એનું જીવંત પ્રસારણ નિહાળીને આદર વ્યકત કરતા હોય છે. એવા અનેક સુખી લોકો મોઢું બંધ રાખીને અને પોતાની તિજોરીનું બારણું ખુલ્લું રાખીને બાપુ માટેનો આદર વ્યકત કરતા હોય છે. બાપુ પાસે દરેક વ્યક્તિને આપવા જેવું ઘણું ઘણું છે. રામકથામાં બોલાતો દરેક શબ્દ શ્રોતાને અપાતા આશીર્વાદ જ છે.

ટાઈમ મૅનેજમેન્ટ જેવી જાર્ગનમાં પડ્યા વગર બાપુ જે રીતે એક કંજૂસ જેમ પોતાની એક એક પાઈ વાપરે તે રીતે પોતાની એકએક સેકંડ વાપરે છે.

છેલ્લી વાત. નરેશ વાવડિયા અને નીલેશ વાવડિયાએ રંગીન તસવીરોથી સમૃદ્ધ કરેલો અને ગોપાલ પટેલ તથા મિતેશ પટેલે એનું આભિજાત્યપૂર્ણ મુદ્રણ કરીને બાપુની પ્રવૃત્તિઓનો ૫૦ કરતાં વધુ વર્ષોનો આલેખ ‘આહુતિ’રૂપે જો આપણા સુધી ન પહોંચાડ્યો હોત તો મોટાભાગના લોકો માટે બાપુ એટલે રામકથાકાર એટલી જ સમજ રહી હોત. મને અંગત રીતે આ માહિતીનો ખજાનો જોઈને ખૂબ પ્રોત્સાહન મળ્યું. જો બાપુ પોતે આટલા વ્યસ્ત હોવા છતાં પોતાના અસ્તિત્વની એકએક પળ સેવા માટે વાપરી શકે તો મારા જેવા નવરા લોકો સેવા ન કરે તો કંઈ નહીં પણ પોતાના સમયનો સદુપયોગ કરતાં તો શીખી જ શકે.

ટાઈમ મૅનેજમેન્ટ જેવી જાર્ગનમાં પડ્યા વગર બાપુ જે રીતે એક કંજૂસ જેમ પોતાની એક એક પાઈ વાપરે તે રીતે પોતાની એકએક સેકંડ વાપરે છે. એક બાજુ તેઓ સમય સહેજ પણ વેડફતા નથી અને બીજી બાજુ એમના વ્યક્તિત્વમાં તમને ક્યાંય દોડધામ, હડબડી, ઉતાવળ કે ઉચાટ જોવા મળતાં નથી. વ્યક્તિનું અંગત જીવન નામશેષ થઈ જાય અને જાહેર જીવન જ સર્વસ્વ બની જાય ત્યારે એના આયુષ્યમાં એકવાક્યતા સર્જાતી હોય છે. જુઓને, બાપુને કથા કરતાં કરતાં જાહેરમાં આંખમાંથી આંસુ સરી પડે તો કોઈ સંકોચ નથી અને ખડખડાટ હસી પડતાં પણ કોઈ ક્ષોભ થતો નથી. પોતાની મનોભાવનાઓને તેઓ સ્પષ્ટ રીતે જાહેરમાં વ્યકત કરી શકે છે. હું આવું બોલીશ તો લોકો મારા વિશે શું વિચારશે છે એવી ચિંતા કર્યા વિના બાપુ પોતાના અંગત મતાગ્રહોને જાહેરમાં વ્યકત કરતા રહ્યા છે. એમણે સૌ પ્રથમવાર જ્યારે વ્યાસપીઠ પરથી ‘માનસ: ગણિકા’ કરવાનો વિચાર વહેતો મૂકયો ત્યારે કેટલાક લોકોને ક્ષોભ થયો હતો, કેટલાકે ટીકા પણ કરી. બાપુએ એક કરતાં વધારે વાર વ્યાસપીઠ પરથી ગણિકાને કેન્દ્રમાં રાખીને રામકથા કરવાનો મનોરથ વ્યકત કર્યો અને કહ્યું પણ ખરું કે તુલસીદાસે કેટલીવાર ‘રામચરિત માનસ’માં ગણિકાનો ઉલ્લેખ કર્યો છે. ભગવાન રામચંદ્રનું સ્વાગત કરનારાઓના સમૂહમાં ગણિકાઓ પણ હતી તે વિશેની ચોપાઈ ટાંકીને બીજા અનેક છુટક સંદર્ભોની નોંધ લઈને બાપુએ આ દુનિયાને ‘માનસ: ગણિકા’ માટે તૈયાર કર્યા. 2016માં ‘માનસ: કિન્નર’ કરીને બાપુએ જે ક્રાંતિકારી પગલું ભર્યું તે પછીનું એક વિરાટ પગલું ‘માનસ: ગણિકા’ હોવાનું એમાં કોઈ શંકા નથી.

આ નિર્ભીકતા, આ સ્પષ્ટતા અને આ નિષ્ઠાને કારણે બાપુ, બાપુ છે.

( ‘ન્યુઝપ્રેમી’માં  ટૂંક સમયમાં જ શરૂ થાય છે: 2018માં અયોધ્યા જઈને પૂ. મોરારીબાપુના કંઠે માણેલી ‘માનસ : ગણિકા’નો નવ દિવસનો લાઇવ રિપોર્તાજ …પણ તે પહેલાં આવતી કાલથી એક નાનકડી ઝલક 2016માં  થાણે-મુંબઈમાં યોજાયેલી રામ કથા ‘માનસ : કિન્નર’ની.)

3 COMMENTS

  1. Jay Siya Ram Bapu Saurabh Bhai and all news Premi
    મને લાગે છે કે મહુવા ના આગળ કેવળ રામ નો રા લગાડવાની જરૂર છે એટલે રામ હુવા.
    બાપુ ની રામકથા ગાવાની રીત એકદમ શ્રેષ્ઠ અને સ રળ છે જે દરેક ને સમજાય.
    ટુંક માં કહું તો મને ન ચાલે બા, બાપા, અને બાપુ, વગર
    હું તેમને ૧૯૮૩ છું સાંભળું છું પ્રતેક કથા નવીન હોય છે
    ફરી એક વખત તેમને , પરિવાર, અને સદગુરુ ને વંદન. જય સિયા રામ જય જલારામ બાપા.

  2. વાહ સૌરભ ભાઈ.. બાપુ જેવી અનુક્પાં ને કરુણા ને સૌ..સૌ સલામ…આટલી મૌન સેવા ની ધૂણી ધખાવવી સાહેબ..નતમસ્તક વંદનનીય.. ?પ્રણામ આપ ના લેખ ને… ને પ્રણામ મોરારીબાપુ ને ?આપનો વાચક મિત્ર.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here