( ગુડ મૉર્નિંગ ક્લાસિક્સ: ન્યુઝપ્રેમી ડૉટ કૉમ, શુક્રવાર, ૨૬ જાન્યુઆરી ૨૦૨૪)
છવ્વીસમી જાન્યુઆરી અમારા માટે ગાંધી નિર્વાણદિન છે. ત્રીસમી જાન્યુઆરીએ રાષ્ટ્રપિતા ગયા, ૧૯૯૯ની છવ્વીસમી જાન્યુઆરીએ ગુજરાતી પત્રકારત્વના ભીષ્મ પિતામહ હસમુખ ગાંધીએ વિદાય લીધી.
અઢી દાયકા થયા એમના ગયાને પણ હજુ સુધી એ સ્લૉટ ખાલી જ છે. એમનો જ નહીં, એ જ સમયગાળાના દોઢબે વર્ષમાં ગુજરી ગયેલા હરકિસન મહેતા, હરીન્દ્ર દવે, હરસુખ સાંઘાણી અને યશવંત દોશીના સ્લૉટ પણ ખાલી જ છે.
છેલ્લા અઢી દાયકામાં ગુજરાતી પત્રકારત્વમાં અનેક ટેલન્ટેડ પત્રકારો ઊભર્યા, આવતા દાયકાઓમાં હજુ બીજા અનેક પ્રતિભાશાળી પત્રકારો ગુજરાતીમાં આવવાના પણ હસમુખ ગાંધી જેવી નિષ્ઠા, એમના જેટલું બૅકગ્રાઉન્ડ, એમના જેવી અભિવ્યક્તિ અને સૌથી વધારે તો એમના જેવી નિ:સ્પૃહતા, પ્રામાણિકતા ક્યાંથી લાવશો? કોઈ લાલચ નહીં, કોઈનેય વહાલા થવાની દરકાર નહીં, ન નામ – ન દામ માટેનું વળગણ, દુનિયાનું બીજું કશું જ વહાલું નહીં – ચોવીસે કલાક બસ જર્નલિઝમ જ જર્નલિઝમ. આવી જ વ્યક્તિ કોઈની સાડીબારી રાખ્યા વગર દિવસરાત પત્રકારત્વ કરી શકે.
પત્રકારત્વના એ ‘ગાંધીયુગ’માં જીવનારા તમામ ગુજરાતી પત્રકારો આજે પોતાને સદભાગી ગણે છે પણ ગાંધીભાઈ હયાત હતા ત્યારે ભાગ્યે જ આમાંના કોઈની હિંમત ચાલતી ગાંધીભાઈનાં જાહેરમાં વખાણ કરવાની. જાહેરમાં વખાણની વાત જવા દો પર્સનલ વાતચીતમાં પણ પાંચ જણાની હાજરીમાં બહુ ગાર્ડેડ રહીને વખાણ થતાં. શું કારણ? કારણ એ કે જો તમે ‘ગાંધીવાદી’ ગણાઈ જાઓ તો બીજા એસ્ટાબ્લિશ્ડ સિનિયર પત્રકારો તમને પર્સોના નૉન ગ્રાટા ગણીને ફેંકી દે, તમારી ફૅવર ન કરે, ન તમને નોકરી આપે, ન ફ્રીલાન્સર તરીકે અસાઈન્મેન્ટ કે કૉલમ મળે.
હસમુખ ગાંધી જે રીતે જીવ્યા તે રીતે આજે જીવવું કપરું છે પણ અશક્ય નથી. કપરું તો તે વખતે પણ હતું. એમણે પણ આખી જિંદગી ઝઝૂમવું પડ્યું હતું. પણ શિયર ટેલેન્ટના જોરે અને સખત પરિશ્રમના દમ પર ગાંધીભાઈ ટકી રહ્યા; ટકી રહ્યા એટલું જ નહીં, એમના સમકાલીનો કરતાં જોજનો આગળ નીકળી ગયા. ગુજરાતી જર્નલિઝમમાં ગાંધીભાઈએ જે લૅન્ડમાર્ક્સ ઊભાં કર્યાં તેના દસ ટકા સુધી પહોંચવા માટેની સજ્જનતા પણ જો આપણે કેળવી શકીએ તો ગુજરાતી પત્રકારત્વ ક્યાંનું ક્યાં પહોંચી જાય. પણ ગુજરાતી વાચકોના એવા નસીબ ક્યાં? આજે તો સૂંઠનો ગાંગડોય ગજવામાં ન હોય ને સૌને ગાંધી બની જવું છે.
ભલે.
હસમુખ ગાંધી જીવતા હોત તો ૯૨ વર્ષના હોત. ગુજરાતી પત્રકારત્વમાં આજે પણ એમને ચાહનારા અનેક પત્રકારો છે. એમનાં લખાણોને યાદ કરનારા અસંખ્ય ગુજરાતી ચાહકો આજે પણ છે. બરાબર ૨૫ વર્ષ પહેલાં, ગાંધીભાઈ ૫૬ વર્ષના હતા ત્યારે, મેં એમનો ઈન્ટરવ્યૂ લીધો હતો. જેનું પેટામથાળું હતું: ‘શરમને નેવે મૂકીને લીધેલી મુલાકાત.’
દસ હજાર ફટાકડાની દસ-દસ લૂમ એકસાથે ફૂટતી હોય એવા સવાલજવાબની તડાફડી પહેલાં નાનકડી પ્રસ્તાવનારૂપે એક ભૂમિકા બાંધી હતી. હસમુખ ગાંધીના જીવન અને કારકિર્દી વિશે પ્રથમવાર આટલી વિગતો પ્રગટ થઈ હતી. એમાં મેં લખ્યું હતું:
મુંબઈમાં ઘાટકોપરની રામજી આસર શાળામાં આઠમા-નવમા ધોરણમાં ગુજરાતી ભણાવતા માસ્તર ત્રણ દાયકા પછી ભલભલાનાં કપડાં ઉતારી નાખતા તંત્રીલેખો લખે ત્યારે તમને નવાઈ લાગે?
જેમના હાથે ગુજરાતી પત્રકારત્વના ઈતિહાસનું એક નવું પ્રકરણ સર્જાયું એ માણસે જિંદગીનાં પહેલાં સોળ વર્ષ સુધી કોઈ છાપું વાંચ્યું તો શું, જોયું પણ નહોતું એ જાણીને તમને નવાઈ લાગે?
ના લાગે. જો તમને ખબર હોય કે આ માણસ હસમુખ ગાંધી છે તો નવાઈ ના લાગે. કારણ કે હસમુખ ગાંધી અસ્વાભાવિકતાઓના, અશકયતાઓના અને અસાધારણતાઓના માણસ છે. ગુજરાતી પત્રકારત્વમાં એમને ખરા દિલથી ધિક્કારનારા પત્રકારનો તોટો નથી. એમનાં લખાણનાં વખાણ કરનારા પત્રકારો માઈનોરિટીમાં છે (સરકાર એમને પ્રોટેકશન આપે). એમના સદ્નસીબે ગુજરાતી વાચકોમાં એમના માટેના ગમા-અણગમાનો રેશિયો આના કરતાં ઊલટો છે.
રામનાથ ગોએન્કાના ઈન્ડિયન એક્સપ્રેસ ગ્રુપના મુંબઈથી પ્રગટ થતા દૈનિક ‘સમકાલીન’ ઉપરાંત અમદાવાદ, વડોદરા અને રાજકોટથી પ્રગટ થતાં દૈનિકો ‘લોકસત્તા – જનસત્તા’ના તંત્રી તરીકેની જવાબદારી સંભાળતા હસમુખ ગાંધીનો જન્મ ૧૯૩૨ના ફેબ્રુઆરીની ૧૯મી તારીખે વડોદરા શહેરના એક નાનકડા મંદિરમાં થયો. પિતા ચીમનલાલ સરકારી શિક્ષક એટલે વારંવાર બદલી થતી. અમદાવાદ નજીક દેહગામ, બારડોલી પાસેનું ગંગાધરા, ખેરાળુ, પાદરા અને ભાવનગરમાં કિશોરાવસ્થા વીતાવ્યા પછી કોલેજનું ભણવા મુંબઈ આવ્યા. માટુંગાની રૂઈયા કોલેજમાં ભણ્યા. ગુજરાતી સાથે એમ.એ. થયા. કૉલેજમાં લેક્ચરર થવું હતું પણ નસીબે ગુજરાતી માધ્યમની શાળાના શિક્ષક બનાવ્યા. પાંચેક વરસની માસ્તરગીરીથી કંટાળ્યા એટલે ૧૯૫૮-૫૯ના અરસામાં સૌરાષ્ટ્ર ટ્રસ્ટ, મુંબઈના સાંજના દૈનિક ‘જન્મભૂમિ’માં જોડાયા. ઉપતંત્રી તરીકે રોજના સમાચારોનો અનુવાદ કરવાનું કામ. પાકી ટ્રેનિંગ આ જ સંસ્થામાં. ૧૯૭૨ સુધી અહીં જ રહ્યા. વચ્ચે ૧૯૬૮-૬૯ દરમિયાન સૌરાષ્ટ્ર ટ્રસ્ટે સુરતના ‘પ્રતાપ’માં ગોઠવ્યા પણ છએક મહિનામાં જ પાછા આવી ગયા.
૧૯૭૨માં હસમુખ ગાંધીની કારકિર્દીમાં મોટો વળાંક આવ્યો. અમદાવાદના ‘લોકસત્તા’ની મુંબઈ આવૃત્તિ પ્રગટ કરવાનો પ્લાન હતો. એકસપ્રેસ ગ્રુપે હસમુખ ગાંધીને આ આવૃત્તિના નિવાસી તંત્રી તરીકે અપોઈન્ટમેન્ટ લેટર આપ્યો. ‘જન્મભૂમિ’ છોડીને તેઓ એક્સપ્રેસ ગ્રુપમાં આવી ગયા. પણ છાપું શરૂ ન થયું. થોડીક બેકારી પછી આઠેક મહિના ‘પરિચય પુસ્તિકા’ પ્રગટ કરતી સંસ્થા ‘પરિચય ટ્રસ્ટ’માં સમય પસાર કર્યો. કારકિર્દીનો આ સંધિકાળ પૂરો થયો અને ૧૯૭૩માં ‘ફ્રી પ્રેસ જર્નલ’ ગ્રુપના ગુજરાતી દૈનિક ‘જનશક્તિ’માં મદદનીશ તંત્રી તરીકે જોડાયા. તંત્રી હરીન્દ્ર દવે હતા. ‘જનશક્તિ’ બંધ પડયા પછી ૧૯૭૯થી ૧૯૮૩ સુધી ‘જન્મભૂમિ પ્રવાસી’ દૈનિકના મદદનીશ તંત્રીની કામગીરી સંભાળી. અહીં પણ તંત્રી હરીન્દ્રભાઈ.
૧૯૭૩-૮૩ના દાયકા દરમિયાન હસમુખ ગાંધી એક સામાન્ય ગુજરાતી પત્રકાર કરતાં કંઈક વિશેષ પ્રતિભા સાથેના પત્રકાર તરીકે પ્રગટ થયા. એમના વિચારો અને એમની અભિવ્યક્તિને આ દાયકા દરમિયાન એક ચોક્કસ દિશા મળી.
પણ હસમુખ ગાંધીની કારકિર્દીનો મધ્યાહ્ન ‘સમકાલીન’થી શરૂ થયો. ૧૪ જાન્યુઆરી ૧૯૮૪. મુંબઈમાં ‘સમકાલીન’ દૈનિકનો પ્રથમ અંક પ્રગટ થયો. ગુજરાતી પત્રકારત્વમાં ભૂતકાળમાં જે જે થતું આવ્યું છે તે ધરાર નથી જ કરવું એવી જીદ સાથે પ્રવેશેલા ‘સમકાલીને’ ગુજરાતી પત્રકારત્વના ઈતિહાસમાં એક આખું નવું પ્રકરણ સર્જ્યું. બેધડક અભિપ્રાયો, ધારદાર રજૂઆત, નવી શૈલી, ટિપ્પણસભર મથાળાં, ઉઝરડા પાડીને કુમાશથી હાથ ફેરવી લેતી ભાષા, અને એક્સપ્રેસ ગ્રુપના સમાચારોનું તથા વિતરણ વ્યવસ્થાનું નેટવર્ક. ‘સમકાલીન’માં જેટલી ખૂબીઓ તેટલી જ ખામીઓ પણ ખરી. પોતાના રિપોર્ટરો પાસે ભાગ્યે જ કરાવાતું રિપોર્ટિંગ, નિખાલસતામાં પ્રવેશી જતો કડવાશ, આખી દુનિયા માત્ર બ્લેક અને વાઈટમાં જ વહેંચાયેલી છે, વચ્ચે કોઈ ગ્રે શેડ્સ છે જ નહીં, એવા અંતિમવાદી વિચારો, સનસનાટીની સપાટી સુધી આવી જતી સંપાદકીય શૈલી (સુરેશ જોષીએ સાહિત્ય અકાદમીનું ઈનામ સૈદ્ધાંતિક કારણોસર પાછું ઠેલ્યું ત્યારે ‘સમકાલીને’ પહેલે પાને મથાળું બાંધ્યું હતું: ‘સુરેશ જોષીને રોકડા નથી ખપતા’) અને જે હાથમાં આવ્યું તેની ખબર લઈ નાખવાની વૃત્તિ. ‘સમકાલીન’ના કઝિન અખબાર હિન્દી ‘જનસત્તા’નું સૂત્ર છે: સબ કો ખબર દે, સબ કી ખબર લે.
***
આ ભૂમિકા ૧૯૮૮માં લખાઈ. આજે નથી ગાંધીભાઈ, નથી ‘સમકાલીન’ અને નથી હસમુખ ગાંધીના પત્રકારત્વની એ જાહોજલાલી. માત્ર ૬૬ વર્ષની ઉંમરે, ૨૬ જાન્યુઆરી ૧૯૯૯ના રોજ ગાંધીભાઈ ગયા. બે-ત્રણ દાયકા વધુ રહ્યા હોત તો પત્રકારત્વમાં ઘણું નવું નવું ઉમેર્યું હોત એમણે. આવો, એમને યાદ કરીને પેલા તડાફડીવાળા ઈન્ટરવ્યૂના થોડાક તડાકાભડાકા માણીએ.
***
‘અતિશયોક્તિ હશે તો તે સત્યની જ હશે’ : હસમુખ ગાંધીનો ૧૯૮૮માં સૌરભ શાહે લીધેલો ઇન્ટરવ્યુ
આજથી ૩૫ વરસ પહેલાંનો સમય. 1988ની એક બપોર. અને હસમુખ ગાંધી સાથેની મારી આ તડાફડી જે મારા ‘ઉત્સવ’ નામના મેગેઝિનના પ્રથમ અંકમાં પ્રગટ કરી.
સવાલઃ રાજીવ ગાંધીથી માંડીને અમૃતલાલ યાજ્ઞિક સુધીની સૌ વ્યક્તિની ખોડ, તમામનાં માઈનસ પૉઈન્ટ્સ તમે તાકી તાકીને બતાવ્યાં છે ક્યારેક તો માણસની મામૂલી ખામીઓને તમે બિલોરી કાચની નીચે મૂકીને પણ તમે બતાવી છે. તમારા વિશે એવી ટીકા કરતો લેખ કોઈ લખે તો તો તમે કેવા પ્રત્યાઘાત આપો?
હસમુખ ગાંધીઃ મને ગમશે. કોઈ જ દુખ નહીં થાય મારા વિશે સાચું તો શું ખોટું પણ લખાય તોય મને વાંધો નથી. હું તો એવું માનું છે કે જેને જે લખવું હોય તે લખે, જેના વિશે લખવું હોય તે લખે. મારે તો, શું થાય છે કે, આજુબાજુનાં જર્નલિસ્ટિક ધોરણો સાચવવા માટે બે સારાં વાક્યો પણ ખોટેખોટાં લખવાં પડતાં હોય છે. હું હજુય મારા જૂના સીનિયરોની અસર હેઠળ છું એટલે મારે કોઇને લેખમાં દસ વાર લાકડી ફટકારવી હોય તો એમાં નેવું સારાં વાકયો પણ લખવાં પડે છે. હકીકતમાં એ નેવું વાકયોમાં દંભ હોય છે, પેલાં દસ જ સાચાં હોય છે (હસી પડે છે).
સવાલઃ તમારા વિશેનું ટીકાત્મક લખાણ છપાય તો એ તમને ગમે ન ગમે એ વાત જુદી થઈ પણ તમે ડિસ્ટર્બ તો થઈ જ જાઓ, માનસિક રીતે ત્રાસ થાય ખરો…
હસમુખ ગાંધીઃ હા, કદાચ ન ગમે, ડિસ્ટર્બ થઈ જવાય.
સવાલઃ તો એ જ રીતે તમારાં ટીકાત્મક લખાણો વાંચીને એ લોકો ડિસ્ટર્બ નહીં થતા હોય?
હસમુખ ગાંધીઃ થતા હશે, પણ હવે શું થાય એનું? પત્રકારનો તો એ ધંધો છે. રાજીવ ગાંધીએ ડિસ્ટર્બ થવાનું કોઈ કારણ નથી કારણ કે એ ‘સમકાલીન’ વાંચે પણ નહીં… યાજ્ઞિકસાહેબનો દાખલો લઇએ તો એમના અમૃત મહોત્સવ વખતે મેં જે ટીકાત્મક પીસ લખ્યો તે વાંચીને એમનો તો મારા પર પત્ર આવ્યો કે તમે મારી ક્ષતિઓ પ્રત્યે ધ્યાન ખેંચ્યું તે મને ઘણું ગમ્યું… છતાં જો કોઈ ખરેખર ડિસ્ટર્બ થતું હોય અને આપણે ન લખવું જોઇએ એવું કોઈ કહેતું હોય તો એ ચાલે જ નહીં. એટલું ખરું કે જે કંઈ ટીકા કરીએ તે અંગત દ્વેષથી ન કરીએ. શ્રદ્ધાંજલિ આપતી વખતે પણ ટીકા કરવા જેવું લાગે તો કરવી જોઇએ. બહુ કડક ભાષા ન વાપરીએ એટલું જ. નહીં તો શ્રદ્ધાંજલિ માત્ર પ્રશસ્તિ બની જાય.
સવાલઃ તમારા વિશે એક એવી છાપ છે કે તમે બધા જ ગુજરાતી પત્રકારોને ગાળો આપતા ફરો છો…
હસમુખ ગાંધીઃ ગાળો…. તમે ભૂલ કરો છો. ગાળો નથી આપતો. પણ એમના વિશે મને બહુ જ ખરાબ છાપ છે એ સાચું. હું માનું છું કે સોમાંથી નવ્વાણું ગુજરાતી પત્રકારો જર્નાલિસ્ટની કામગીરી માટે નાલાયક છે. એટલે ગુસ્સામાં કો’કવાર હું ‘બેવકૂફ’ શબ્દ વાપરતો હોઇશ. આમાંના પચાસ ટકા લોકો ભ્રષ્ટાચારી હોય છે, જાતજાતના કાવાદાવામાં રાચતા હોય છે એટલે હું એમના માટે ‘બદમાશ’ શબ્દ પણ વાપરતો હોઇશ… તમે પોતે જુદાં જુદાં ગુજરાતી છાપાંના પાંચસો અંક અને જુદાં જુદાં ગુજરાતી સામયિકોના પાંચસો અંક લઈ આખેઆખા જોઈ જાઓ. એમાંથી પોઇન્ટ ઝીરો ઝીરો ઝીરો ઝીરો વન ટકા જેટલું લખાણ જ સહન થઈ શકે એવું લાગશે. બાકીનું બધું જ કચરો હશે, ભંગાર હશે. હવે આ વાતમાં મારી સાથે સહમત થવામાં તમને વાંધો શું આવે છે અને કઈ બાબતમાં આવે છે તે કહો?
સવાલઃ ગાંધીભાઈ, તમે શું એમ માનો છો કે ગુજરાતીમાં તમારા સિવાય કોઈ સારા પત્રકારો છે જ નહીં?
હસમુખ ગાંધીઃ ના, એવું નથી. હું જ્યારે જ્યારે ગુજરાતી પત્રકારત્વની ટીકા કરું છું ત્યારે એમાં મારો અને ‘સમકાલીન’નો સમાવેશ કરતો જ હોંઉ છું. એટલે એ તો સવાલ નથી. હું તો હંમેશાં કહું છું કે બીજાં ગુજરાતી પેપરો ચીંથરું છે અને ‘સમકાલીન’ પણ ચીંથરું જ છે. કોઈ લીલા રંગનું ચીંથરું છે, કોઈ લાલ રંગનું ચીંથરું છે… એ વાતને હું હજુય વળગી રહું છું.
સવાલઃ પત્રકારોની જૂની પેઢી અને નવી પેઢીમાં કોઈ ફરક જુઓ છો તમે?
હસમુખ ગાંધીઃ પત્રકારોના સ્તરમાં કોઈ ફરક નથી પડયો. મને ખબર છે કે નવ્વાણું ટકા પત્રકારો મારી આ વાત સાથે સહમત નહીં થાય. પણ પત્રકારોનું ધોરણ ત્યારે જેટચું નીચું હતું એટલું જ નીચું અત્યારે પણ છે. એટલું ખરું કે ત્યારના પત્રકારોની ભાષામાં વ્યાકરણની અને જોડણીની ભૂલો ઓછી આવતી અને નિષ્ઠાની બાબતમાં જૂના પત્રકારો વધુ સારા હતા. અત્યારે તો ગુજરાતીમાં એવા એવા લોકો આવી ગયા છે જેમને પત્રકારત્વમાં ચલાવી જ ન લેવાય. એવા તો કેટલાય છે. હું નામ એટલા માટે નથી આપતો કારણ કે પછી ખોટેખોટા વિવાદ થતા હોય છે. મોટી મોટી કેબિનોમાં બેસતા ઍસિસ્ટન્ટ એડિટર્સ કે ઍસોસિયેટ એડિટર કે ન્યુસ એડિટર… જેને નાક સાફ કરતાંય ન આવડતું હોય અને બે પગ પર ઊભા રહેતાંય ન આવડતું હોય એવા લોકો મોટા હોદ્દાઓ પર ગોઠવાઈ જાય છે.
સવાલઃ તમારા મનગમતા બિનગુજરાતી પત્રકારો ક્યા ક્યા?
હસમુખ ગાંધીઃ (સ્મિત) આ સવાલનો એક અર્થ હું એવો કરું કે મનગમતો એકેય ગુજરાતી પત્રકાર છે જ નહીં! તમે પણ એ જ જાણવા માગતા હો તો તમને કહું કે હા, એ વાત સાચી છે. મારી દૃઢ માન્યતા છે કે જેને સો ટકા પત્રકાર કહી શકો એવો એકેય માણસ ગુજરાતી પત્રકારત્વમાં છે જ નહીં અને એમાં મારો પણ સમાવેશ કરી દઉં જેથી વિવાદ લાંબો ચાલે નહીં… અંગ્રેજી પત્રકારોમાં, સેમી-સીરિયસ અથવા તો ક્રિએટિવ અને મઝા પડે એવું લખનારા પત્રકારોમાં ખુશવંત સિંહ હજુય શ્રેષ્ઠ છે. આટલાં વર્ષ સુધી સતત સારું, લોકોને મઝા પડે એવું લખતા રહેવું એ એક કળા છે ત્યાર પછી, જેમના મત સાથે હું મોટે ભાગે સહમત નથી થતો પણ જેમનાં લખાણો મને ગમે છે તે ગિરિલાલ જૈન. વિનોદ મહેતામાં ગિરિલાલ જૈન જેટલું બૅકગ્રાઉન્ડ, જનરલ નૉલેજ, ઊંડાણ કે એટલા તર્કબદ્ધ વિચારો નથી છતાં એમના લેખો કશુંક વિચારવાનો ધક્કો આપે એવા અને રસ પડે એવા તો હોય છે જ. એમ. જે. અકબર મને કયારેય નથી ગમ્યો કારણ કે એનામાં બહારનો જેટલો દેખાડો છે એટલું ઊંડાણ નથી. એ માણસ ફરે છે બહુ, ઍક્ટિવ બહુ એ બધું બરાબર પણ જ્યારથી રાજીવ તરફી થઈ ગયો છે ત્યારથી બહુ ઓછા લોકો એને વાંચે છે.
સવાલઃ તમારા માટે ગુજરાતી પત્રકારો નકામા છે, કટારલેખકો નકામા છે, રાજકારણીઓ નકામા છે, ટૅકસીવાળા નકામા છે, વેપારીઓ નકામા છે, નોકરિયાતો નકામા છે… તો કામનું કોણ છે?
હસમુખ ગાંધીઃ નકામા છે એટલે એમના વ્યવસાય માટે કામના નથી… પત્રકારોનું પત્રકારત્વ તો કંગાળ છે જ… રાજકારણીઓ વિશે મારો જે અભિપ્રાય છે એની સાથે કેટલા ભણેલાગણેલા લોકો અસહમત થશે? ટૅક્સીવાળાઓ નકામા છે એવું નથી પણ મુંબઇના ટેક્સીવાળાઓ તો એકદમ તોછડા હોય છે… વેપારીઓ અને ઉદ્યોગપતિઓ કોઇક જગ્યાએ લુચ્ચાઈ કે અપ્રામાણિકતા નથી દેખાડતા? નોકરિયાતોમાં, મોટાભાગના નોકરિયાતોમાં, પોતાના કામ માટેના નિષ્ઠા જોઈ છે કોઈ દિવસ? હું જે લખું છું તેમાં કદાચ અતિશયોક્તિ હશે પણ એ સત્યની જ અતિશયોક્તિ હશે.
સવાલઃ તમને પ્રશંસા કરવાનું ગમે એવા કેટલાક વિષયો કહેશો જેના વિશે હું તમને થોડા પ્રશ્નો પૂછી શકું!
હસમુખ ગાંધીઃ (સહેજ વિચારે છે, પછી સ્મિત સાથે) તરત તો યાદ આવે એવું લાગતું નથી. ઘણા એવા મુદ્દા છે જેના વિશે મેં પ્રશંસા કરી હોય.., પણ મારાં લખાણોની જેમ તમારા આ નિરીક્ષણમાં પણ અતિશ્યોક્તિ છે કે મને પ્રશંસા કરવી ગમે એવા કોઈ વિષયો જ નથી!
સવાલઃ એક છેલ્લો સવાલ. તમારી દૃષ્ટિએ આ ત્રણનું ભાવિ કેવુઃ એક, તમારું પોતાનું. બીજું, ‘સમકાલીન’નું અને ત્રીજું, ગુજરાતી પત્રકારત્વનું. ત્રણેયના અલગ અલગ જવાબ આપવા હોય તો એ રીતે…
હસમુખ ગાંધીઃ ના, ત્રણેયનો ભેગો જવાબ આપી શકાય એમ છે. કોઇનુંય ભાવિ ઉજજવળ નથી!
***
સવા ત્રણ દાયકા પહેલાંની, ગાંધીભાઇએ વર્ણવેલી પરિસ્થિતિમાં અને આજની પરિસ્થિતિમાં ક્યાં કેટલો ફરક આવ્યો છે, ફરક આવ્યો છે કે નહીં, એ તમે નક્કી કરો.
અમે માત્ર એટલું જ જાણીએ છીએ કે જ્યારે જ્યારે જાડી ફાઉન્ટન પેનનું ઢાંકણ ઉઘાડીને, ક્લિપ બોર્ડમાં કાગળની થપ્પી ભરાવીને લખવા બેસીએ છીએ ત્યારે ત્યારે ગાંધીભાઇને મિસ કરીએ છીએ. એ હતા ત્યારે મનના પાછલા ખૂણે સતત એક સવાલ ઝબૂકયા કરતોઃ ગાંધીભાઈ આ લખાણ ઍપ્રૂવ કરશે? એમની ગેરહયાતિમાં પણ લખતી વખતે એ જ સવાલ ઝબૂકતો રહે છેઃ ગાંધીભાઈ હોત તો આ વાંચીને એમના રિએકશન શું હોત.
***
( ગાંધીભાઈનો ઇન્ટરવ્યુ ગમ્યો હોય તો ૧૯૯૧માં ‘મારા તંત્રીઓ’ શીર્ષક ધરાવતા લેખમાં મેં યશવંત દોશી, હરકિસન મહેતા અને હસમુખ ગાંધી વિશે લખ્યું તેમાંથ આ એક પીસ જરૂર વાંચો.)
હસમુખ ગાંધીએ પૂછ્યું કે કચ્છના જિલ્લા કેટલા : સૌરભ શાહ
‘બોલો જોઉં, કચ્છના જિલ્લા કેટલા ?’
બપોરનું ‘જન્મભૂમિ’ છપાઈને આવી ગયું એટલે એનું એડિટ પેજ ખોલીને ‘જન્મભૂમિ’ના જ રૂમમાં ખૂણા પર બેસતા ‘પ્રવાસી’ના સ્ટાફમાં હસમુખ ગાંધી ફરી વળ્યા. એડિટ પેજ પર તોતિંગ હેડિંગ હતું : ‘કચ્છના તમામ અગિયાર જિલ્લામાં ભીષણ દુકાળની પરિસ્થિતિ.’
કોઈ કહે પંદર જિલ્લા, કોઈ કહે ૧૪ તો કોઈ કહે એકવીસ. પાંચ મિનિટના સસ્પેન્સ પછી ગાંધીભાઈએ મૌન તોડ્યું: ‘મિત્રો , કચ્છ પોતે જ એક જિલ્લો છે, એને તાલુકા હોય, જિલ્લા નહીં.’
એ દિવસે ‘જન્મભૂમિ’ની બ્લન્ડર સેલિબ્રેટ કરવા ‘પ્રવાસી’ના તમામ પત્રકારોએ કેન્ટીનમાંથી ચા અને તીખા ગાંઠિયા મગાવીને ઉજવણી કરી.
૧૯૭૯ની સાલમાં ‘જનશક્તિ’માં આગ લાગી અને છાપું બંધ પડ્યું. સારું છાપું હતું. હસમુખ ગાંધી ‘જનશક્તિ’ના મદદનીશ તંત્રી હતા પણ તંત્રી હરીન્દ્ર દવેનું નામ મોટું એટલે સારું છાપું કાઢવાનો યશ, હરીન્દ્રભાઈની ઈચ્છા ન હોવા છતાં , હરીન્દ્રભાઈને જ મળતો. ‘જનશક્તિ’ બંધ પડ્યું અને આખી ટીમ સાગમટે ‘જન્મભૂમિ’ ગ્રુપમાં જોડાઈ, સવારનું દૈનિક ‘પ્રવાસી’ શરૂ કરવા.
‘જન્મભૂમિ’ના વર્ષોથી જામી પડેલા કેટલાક બેઠાડુ સ્ટાફની આંખમાં, નવી વહુના દીકરા જેવા આ ‘પ્રવાસી’વાળાઓ, કણાની જેમ ખૂંચતા. હરીન્દ્ર દવેના તંત્રીપદે અને હસમુખ ગાંધીના મદદનીશ તંત્રીપદે ‘પ્રવાસી’ પણ સારું નીકળ્યું. એનો યશ પણ રાબેતા મુજબ, હરીન્દ્રભાઈની ઇચ્છા ન હોવા છતાં, હરીન્દ્રભાઈને જ મળ્યો.
‘જનશક્તિ’માં હસમુખ ગાંધી એડિટોરિયલ(તંત્રીલેખ/અગ્રલેખ), પ્રાસંગિક લેખો અને રાજકીય સમીક્ષાથી માંડીને નાટકના રિવ્યુ પણ લખતા. ‘પ્રવાસી’માં પણ આ બધું જ લખતા, નાટકના રિવ્યુ સિવાય. પણ એ વખતે હસમુખ ગાંધીની બાયલાઈન ઓછી જાણીતી. વાચકોમાં તો એમના નામનું ગ્લેમર નહોતું જ ; પત્રકારોમાં પણ, મુંબઈના મુઠ્ઠીભર પત્રકારોને બાદ કરતાં, ગુજરાતના ભાગ્યે જ કોઇ પત્રકારને ખબર કે હસમુખ ગાંધી નામે કોઇ પત્રકાર છે. આનું કારણ એ હોઈ શકે કે કોઈ પણ છાપું એક જ નામ સાથે સંકળાયેલું હોય એવી ઇમેજ વાચકોના મનમાં અનાયાસે ઊભી થઈ જતી હોય છે. હસમુખ ગાંધીએ ‘જનશક્તિ’ અને ‘પ્રવાસી’ બંનેમાં હાઇપ્રોફાઈલ ધરાવતા તંત્રી હરીન્દ્ર દવેની છાયામાં કામ કર્યું.
૧૯૭૯માં ‘પ્રવાસી’ શરૂ થયું એના બેએક મહિનામાં જ એના તંત્રી ખાતામાં જુનિયરમોસ્ટ સબએડિટર તરીકે જોડાયો ત્યારે હરીન્દ્ર દવે અને હસમુખ ગાંધી જે છાપામાં કામ કરે છે એ જ છાપામાં આપણને પણ નોકરી કરવા મળે એ વાત પગાર ઉપરાંતના જથ્થાબંધ ભથ્થા જેવી લાગતી.
હસમુખ ગાંધીએ ૧૪ એપ્રિલ,૧૯૮૩ના રોજ એક્સપ્રેસ ગ્રુપમાં જોડાઈને ૧૪ જન્યુઆરી, ૧૯૮૪થી ‘સમકાલીન’ શરૂ કર્યું ત્યારે તંત્રી અને પત્રકાર તરીકેની એમની તમામ ખાસિયતો પૂર્ણરૂપે બહાર આવી અને આમવાચકો સુધી પહોંચતી થઈ. મુંબઈના જ નહીં, ગુજરાતના ગામેગામના પત્રકારો એમને આદર્શ પત્રકારની ઉપમા આપવા ઉતાવળા થઈ ગયા. અત્યાર સુધી ગાંધીવાદી ખાદી જેવું એમનું નામ વાચકોમાં એકાએક ગ્લેમરસ ગણાતું થઈ ગયું. ‘સમકાલીન’માં દોઢ વર્ષ સુધી મેં ગાંધીભાઈની આંખ નીચે અને એમની ધાક નીચે કામ કર્યું. ‘પ્રવાસી’ અને ‘સમકાલીન’ની વચ્ચેના ગાળામાં ‘નિખાલસ’ શરૂ કર્યું ત્યારે એમણે બહુ ઉમળકાભેર ‘નિખાલસ’ નામના મારા સાપ્તાહિક માટે ’રાજકીય અક્ષાંશ રેખાંશ’ નામની નિયમિત કૉલમ લખી.
શીખતાં તો રહીએ છીએ આપણે સતત, આપણી આસપાસની વ્યક્તિઓ પાસેથી. પણ હસમુખ ગાંધી પાસેથી કંઇક વિશેષ શીખવાનું મળ્યું. પત્રકારત્વનું ક્ષેત્ર એવું નથી જેમાં તમારી આંગળી પકડીને તમને એકડો ઘૂંટતા શીખવાડી શકે. એકલવ્યની જેમ શીખતા રહેવું પડે તમારે. શું શીખ્યા એમની પાસે ? ભાષાની સજ્જતા અને માહિતીની તારવણી. પત્રકાર પાસે બે સૌથી મહત્વનાં ઓજાર હોય તો તે આ જ : ભાષા અને માહિતી. હસમુખ ગાંધીનાં આ બંને ઓજાર ધારદાર. માહિતીની બાબતમાં અન્ય પત્રકારોની સરખામણીએ એ અનેકગણા અપટુડેટ. એ વાંચે એટલાં છાપાં, મૅગેઝિનો અને પુસ્તકોમાંના રાજકીય સમાચારો કે લેખો, બીજા કોઈ તંત્રી વાંચતા નહોતા. ગાંધીભાઈની ભાષા. ગુજરાતી ભાષામાં છુપાઇને પડી રહેલું શબ્દનું રૌદ્ર સ્વરૂપ બહાર લાવવાની એમનામાં જબરજસ્ત ફાવટ. કોઈ નીતિ, વ્યક્તિ કે ઘટના, વિચારની સાથે તેઓ સહમત ન થતા હોય ત્યારે એમની ભાષા સત્તરે કળાએ ખીલી ઊઠે, સત્તરમી કળા પેપરવેઈટ છુટ્ટાં ઉછળવાની.
અંગ્રેજી શબ્દોનું એમને ભારે વળગણ (ઓબ્સેશન). આ વળગણ ન હોત તો પણ એમની ભાષામાં આટલી જ તાજગી હોત, કદાચ વધારે. એક દિવસ કોઈ પત્રકાર વિદેશી મૅગેઝિનમાંથી તફડાવેલો લેખ પોતાના નામે છપાવવા આપી ગયા. એમના ગયા પછી ગાંધીભાઈ કહે, ‘આ માણસના લેખોમાં ક્યારેય મૌલિક વાત હોતી નથી. તરજૂમામાં ભૂલ કરે એ જ એની મૌલિકતા.’
હસમુખ ગાંધીની ભાષા અને એમનાં મથાળાંની સ્ટાઈલની આડેધડ નકલ થાય છે. એમના હાથ નીચે કામ કરી ગયેલા પત્રકારો મોરનાં ઇંડાં ગણાય છે. બીજે જાય ત્યારે એમને બે પૈસા વધારે મળે. પરંતુ હસમુખ ગાંધીની શૈલીનું નાદાનીપૂર્વક અનુકરણ કરે ત્યારે આ પત્રકારો કમનસીબે, મોરનાં ઇંડાંની આમલેટ જેવા લાગે.
હસમુખ ગાંધી અંગત વાતચીતથી માંડીને જાહેર લખાણો અને તંત્રીલેખોમાં પણ અતિશયોક્તિ કરવા માટે જાણીતા. એક પ્રકાશિત મુલાકાતમાં મેં એમને આ વિશે સવાલ કર્યો ત્યારે એમની દલીલ હતી કે અતિશયોક્તિ થતી હશે તો તે સત્યની જ અતિશયોક્તિ હશે. હસમુખ ગાંધીને જોખી તોળીને બોલતાં ન ફાવે. આનો એક સીધો ફાયદો એ કે બીજા તંત્રીઓની સરખામણીએ એમનું વ્યક્તિત્વ વધુ પારદર્શક દેખાય. પણ ગેરફાયદો એ કે ગઈકાલે જો એમણે તમને ‘સોનાના માણસ’ કહીને નવાજ્યા હોય તો આજે એમનો અભિપ્રાય આવો પણ હોઈ શકે : ‘એ ગમારને નાક સાફ કરતાં પણ આવડતું નથી અને પોતાને પત્રકાર કહેવડાવે છે.’ એમનું ચાલે તો પત્રકારત્વના અભ્યાસક્રમમાં એક આખું પેપર, નાસિકા પ્રક્ષાલન વિશેનું દાખલ કરે. ગાંધીભાઈએ ‘સમકાલીન’માં ઓછામાં ઓછી ડઝન વાર આખું પાનું ભરીને એડિટોરિયલ લખ્યા છે. તો કોઈક દિવસ એવું પણ બન્યું છે કે છાપામાં એમણે લખેલી કોઈ કૉલમ હોય પણ અગ્રલેખ ક્યાંય ન હોય.
ગાંધીભાઈના હાથ નીચે દોઢ વર્ષ ‘પ્રવાસી’ માં અને દોઢ વર્ષ ‘સમકાલીન’માં કામ કર્યા પછી અને એમની સાથે ૧૯૭૯થી શરૂ થયેલા સંબંધ પછી હું બે નિર્ણય પર આવ્યો છું : એક, કોઈ પણ ગુજરાતી પત્રકારે પોતાની કારકિર્દીને તેજસ્વી મોડ આપવો હોય તો એણે હસમુખ ગાંધી સાથે ઓછામાં ઓછું એક વર્ષ કામ કરવું. અને બે, કોઈ પણ ગુજરાતી પત્રકારે પોતાની કારકિર્દીને તેજસ્વી મોડ આપવો હોય તો એણે હસમુખ ગાંધી સાથે વધુમાં વધુ એક વર્ષ કામ કરવું.
***
છેલ્લી સલામ:
હસમુખ ગાંધી સહિતના મારા તંત્રીઓ વિશેનો આ લેખ લખાયો કોઈક અન્ય પ્રસંગે અને ગાધીભાઈએ લેખના છેલ્લા વાક્ય સહિત ‘સમકાલીન’માં પ્રગટ થવા દીધો. ૧૯૯૯ની ૨૬ જાન્યુઆરીએ ૬૬ વર્ષની, હજુ ઘણું જીવી શક્યા હોત એવી, ઉંમરે એમણે પાર્લા,મુંબઈની હૉસ્પિટલમાં મારી હાજરીમાં છેલ્લો શ્વાસ લીધો. એમના અવસાનના ૨૪ દિવસ પછી, ૧૯ ફેબ્રુઆરીએ ગાંધીભાઈએ ૬૭મો જન્મદિવસ ઉજવ્યો હોત જે એમની ગેરહયાતિમાં અમે ઉજવ્યો. અમે એટલે ગુણવંત શાહ, મધુ રાય, નગીનદાસ સંઘવી, કાન્તિ મડિયા, અરવિંદ જોષી, દર્શન જરીવાલા, મનોજ જોષી, દીપક દવે, અવિનાશ પારેખ અને અન્ય.સમગ્ર કાર્યક્રમનું દિગ્દર્શન લતેશ શાહે અને આયોજન તથા સંચાલન મેં કર્યું. કોઈ પણ ગુજરાતી પત્રકારને મરવાનું મન થઈ જાય એવી આ સ્મુતિસભા હતી જેમાં પ્રવચન-સંસ્મરણો ઉપરાંત ગાંધીભાઈના યાદગાર તંત્રીલેખોનું પઠન થયું અને એમને પ્રિય શમશાદ બેગમનાં ગીતોની ઝલક અને એમના પોતાના અવાજની દુર્લભ ઝાંખી પણ રજૂ થઈ. એની સીડી ગુમ થઈ ગઈ છે. મળી જશે તો તમારી સાથે શેર કરીશ.
***
ગાંધીભાઈએ ‘સમકાલીન’માંથી વિદાય લીધી ત્યારે મેં મારી દૈનિક કૉલમનો છેલ્લા પીસમાં એમના પત્રકારત્વની ઘણી બધી સ્મૃતિ યાદ કરીને કુન્દન શાહની ફિલ્મના એક જાણીતા ગીતની આ પંક્તિ ટાંકી હતી.
બંસી કો લકડી સદા સમઝા કિયે તુમ,
પર ઉસકે નગ્મોં કી ધૂન કહાં સુન સકે તુમ;
દિયે કી માટી દેખી, દેખી ન ઉસકી જ્યોતિ,
સદા તુમને ઐબ દેખી, હુનર કો ન દેખાય.
વો તો હૈ અલબેલા, હઝારોં મેં અકેલા…
••• ••• •••
( સૌરભ શાહના આવા સેંકડો લેખો વાંચવા Newspremi.comના આર્કાઇવ્ઝનો લાભ લો. સૌરભ શાહના રોજેરોજ લખાતા લેખોની જાણકારી મેળવવા વૉટ્સઍપ નંબર 90040 99112 પર તમારું નામ મોકલીને સૌરભ શાહના ગ્રુપમાં જોડાઈ જાઓ.)
• • •
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ
નવા કૅલેન્ડર વર્ષનો આરંભ થઈ ગયો છે. આપ સૌનું 2024નું વર્ષ શુભદાયી અને સુખદાયી નીવડે. આ વર્ષે બે દિવાળી આવે છે તે યાદ રાખશો. આસોની અમાસે તો ખરી જ, 22 જાન્યુઆરીએ પણ દીપોત્સવ છે જે 500 વર્ષ રાહ જોયા પછી ઉજવાશે.
મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.
‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.
જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.
દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.
‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.
‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.
આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)
તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:
BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis
Paytm-
90040 99112
Net Banking / NEFT / RTGS-
Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings
A/c No. : 33520100000251
IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)
Branch Pin Code : 400076
હવે તમે તમારું કૉન્ટ્રિબ્યુશન આ QR કોડ સ્કેન કરીને પણ મોકલી શકો છો.
તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.
આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.
તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.
જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.
સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).
• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો
અફલાતૂન
ગાંધી ભાઈને યાદ કરવા બદલ અભિનંદન.એમની અમલ અલગ કોલમોના પુસ્તકો થવા જોઈએ.
To be precise , જેમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમા વીશાલ ભારદ્વાજ, અનુરાગ કશ્યપ, સુજીત સરકાર, શ્રીરામ રાઘવન જેવા director નવી તાજગી અને બદલાવ લાવ્યા, હસમુખભાઇ ગાંધી એ જમાનામા આપણા ગુજરાતી અખબાર ક્ષેત્રે freshness લાવેલા.
સમકાલીન પાછું ખૂબ યાદ આવ્યું
Aakho lekh superb chhe pan last line mane khub j gami chhe , me pote emni saathe direct lamdline par vaat kari chhe e maru sadbhaagya maanu chhu. Ek pan divas samkaleen vaachvanu chukyo noto,etle Gandhi bhai ne aaje hu pan miss kari rahyo chhu.
મારા પિતા રે રોડ ની બ્રાલકો મેટલ ઇન્ડસ્ટ્રીઝ માં સતત તેત્રીસ વર્ષ કામ કર્યું. જ્યાર થી સમકાલીન શરૂ થયું ત્યાર થી રોજ સાંજ ના અમારા ઘરે વાસી પેપર મારા પિતા કંપની માં થી લઇ આવતા. હું પણ સાંજે પોદાર કૉલેજ અટેન્ડ કરી ચા પીતા પીતા જેવા મારા પિતા ઘર માં એન્ટર થતાં સાથે જ ઘડી વાડેલુ છાપું હું લઇ લેતો અને સેન્ટર પેજ ખોલી ને editorial વાંચતો. કોઈક વખત ખુશનસીબ હોય તો નૌતમલાલ પણ વાંચવા મળતા. એમના editorial વાંચવાની એટલી મજા પડતી જે મારે કોઈક વાર બીજી વાર પણ વાંચતા. અમારી કારકિર્દી બનાવવા માં કદાચ અદ્ર્શ્યપણે પણ હસમુખ ગાંધી ના વિચારો નો પ્રભાવ હશે. કોઈક દિવસ એમની columnn ના લખાઈ હોય તો અમને એમ લાગતું જાણે આજે ઉપવાસ કર્યો છે વિચારો નો. તમારો આ અને એની પેહલા ના ૩ એપિસોડ વાળો લેખ વાંચી ને એ સમય માં થોડી સહેલ કરી હોય એવું લાગે છે.
હદયપૂર્વક એમના આત્મા ને શ્રદ્ધાંજલિ.
એમણે જે પણ ખોળિયું ધારણ કર્યું હશે, ક્યાંક ને ક્યાંક તો જૈસે થે વાળા ઓ નો ખો વાળતા જ હશે એ નક્કી છે.
🙏🏻🙏🏻