સેક્યુલરવાદીઓ શા માટે સેક્યુલરવાદી હોય છે : સૌરભ શાહ

‘અયોધ્યાથી ગોધરા’ બજારમાં આવે તે પહેલાં તમને આ પુસ્તક ખરીદીને વાંચવાનું મન થાય એટલે એમાંથી સોનાની લગડી જેવો એક લેખ અહીં મૂક્યો છે.

‘સેક્યુલરવાદીઓ શા માટે સેક્યુલરવાદી હોય છે’ શીર્ષકવાળા આ લેખમાં મેં ૧૨ પ્રકારના સેક્યુલરવાદીઓનાં અપલક્ષણો બતાવ્યાં છે. આજે પણ આ તમામ પ્રકારના સેક્યુલરવાદીઓ આપણી આસપાસ બણબણે છે—ફરક એટલો પડ્યો છે કે ૨૦૧૪ પછી અને હવે ૨૨મી જાન્યુઆરી પછી કેટલાક સેક્યુલર બિલાડાઓ અને કેટલીક સેક્યુલર બિલ્લીઓ શત મૂષકના ભોજન બાદ ટીલાંટપકાં કરીને, હમ ભી ડિચના નારા લગાવતાં જાતરાએ નીકળી પડ્યાં છે. આ લેખ ૨૦૦૨ની દિવાળીની આસપાસ લખાયો. તે વખતે હું ‘મિડ-ડે’નો તંત્રી મટી ગયો હતો. ( ગોધરા હિંદુ હત્યાકાંડવાળા મારા ફ્રન્ટ પેજ તંત્રીલેખે ‘મિડ-ડે’માં જ નહીં, સમગ્ર સેક્યુલર ઈકો સિસ્ટમમાં કેવો ભૂકંપ સર્જ્યો હતો તે વિશેની વિગતવાર વાતો ‘અયોધ્યાથી ગોધરા’માં પરિશિષ્ટરૂપે પ્રગટ કરવામાં આવેલા ઇન્ટરવ્યુમાં કરી છે. વિક્રમ વકીલે ‘હૉટલાઇન’ સાપ્તાહિક માટે મારી આ મુલાકાત લીધી હતી. )

સેક્યુલરવાદીઓના ૧૨ પ્રકારવાળો લેખ તે વખતે ‘ગુજરાત સમાચાર’માં છપાતી મારી ડેલી કૉલમ ‘અવારનવાર’માં પ્રગટ થયો. લેખ ઘણો લાંબો હતો. નૉર્મલ કરતાં બમણી સાઇઝનો. મને ડર હતો કે એડિટોરિયલ ડિપાર્ટમેન્ટમાં કોઈ આના બે ટુકડા કરીને ૬ પ્રકારો આજે અને ૬ પ્રકારો બીજે દિવસે છાપી નાખશે. લેખ ફૅક્સ કરીને મેં શ્રેયાંસભાઈને ફોન કરીને કહ્યું કે કાલની એડિશનમાં જગ્યા ન હોય તો પછી છાપજો પણ આખેઆખો એક જ દિવસે છાપજો, તો રિયલ ઇમ્પેક્ટ આવશે, બે ટુકડા નહીં કરતા. બીજે દિવસે ‘ગુજરાત સમાચાર’ની બધી આવૃત્તિમાં ત્રણ આખી કૉલમો ભરીને સંપૂર્ણ લેખ પ્રગટ થયો. એક ફોન તલગાજરડાથી પૂ. મોરારીબાપુનો પણ આવ્યો. ખૂબ પ્રસન્નતા વ્યક્ત કરી. પછી તો આ લેખ ખૂબ વંચાયો, ખૂબ વખણાયો. આજની ભાષામાં કહીએ તો જબરજસ્ત વાઈરલ થયો.

પ્રસ્તુત છે આ ઐતિહાસિક લેખ જેમાં પ્રકાશ ન. શાહ સહિતના સેક્યુલરવાદીઓના ઉલ્લેખો છે. એમના તંત્રીપદે પ્રગટ થતા ‘નિરીક્ષક’ નામના ગટરપત્રમાં લખતા એમનાં બગલબચ્ચાંઓ તો આ લેખ સુંઘીને જ કૉમામાં ચાલ્યા ગયા હતા અને આજ દિન સુધી આ ચિંગુમિંગુઓની ટોળકી વેન્ટિલેટર પર છે.)

(લેખ વાંચતી વખતે ધ્યાન રહે કે ૨૦૦૨માં, આજથી ૨૧/૨૨ વરસ પહેલાં લખાયેલા આ લેખમાંની ઘણી વાતો જે આજે તમને ખબર છે, તે વખતે બહુ ઓછા લોકો જાણતા હતા.)

સેક્યુલરવાદીઓ શા માટે સેક્યુલરવાદી હોય છે : સૌરભ શાહ

હમ ભી સેક્યુલર કહીને ચાલતી ગાડીએ ચઢી બેઠા પછી એ ભોળાઓને ખ્યાલ આવ્યો કે આ ટ્રેન મક્કામદીના જવાવાળી છે.

સેક્યુલર શબ્દને ધર્મ કરતાં વધારે સંબંધ રાજકારણ સાથે છે. સેક્યુલરનો મૂળભૂત અર્થ જોકે, આ બેઉ ક્ષેત્રો સાથે પણ સંકળાયેલો નથી.

સેક્યુલર એટલે દુન્યવી અથવા ભૌતિક. આ અર્થના સામેના છેડે જઈને કહેવાય કે સેક્યુલર એટલે ધાર્મિક કે આધ્યાત્મિક ન હોય એવું. સેક્યુલરનો વિશાળ અર્થ બન્યો – ચર્ચ(અર્થાત્ ધર્મસત્તા)ને આધીન ન હોય એવું. પાંચ સદી પહેલાંના યુરોપમાં ખ્રિસ્તી ધર્મગુરુઓ રાજ્યશાસનમાં ખૂબ ચંચુપાત કરતા. એમનો સખત વિરોધ થયો. એ પછી ચર્ચે રાજ્ય પરની અર્થાત્ સરકાર પરની પકડ ઓછી કરવાની શરૂઆત કરી અને એ પ્રક્રિયા સેક્યુલરિઝમ ઑફ સ્ટેટ (અર્થાત્ ગવર્નમેન્ટ કે શાસન) તરીકે ઓળખાઈ.

તમને જાણીને આશ્ચર્ય થશે કે ભારતના બંધારણમાં ક્યાંય સેક્યુલર શબ્દનો ઉપયોગ થયો નથી. અત્યારે માત્ર તમને બંધારણના આમુખમાં (પ્રીએમ્બલમાં) આ શબ્દ વાંચવા મળે છે જે 1950ની 26 જાન્યુઆરીએ ભારત પ્રજાસત્તાક બન્યું ત્યારે બંધારણમાં નહોતો. બરાબર છવ્વીસ વર્ષ પછી, છેક 1976માં કૉંગ્રેસે સંસદમાં બંધારણીય સુધારાનો ખરડો પસાર કરીને પ્રીએમ્બલમાં સેક્યુલર શબ્દ ઘુસાડી દીધો.

1976માં ઇન્દિરા ગાંધીએ લાદેલી ઇમરજન્સીને કારણે ભારતનો આખો વિરોધ પક્ષ સંસદની બહાર હતો – જેલમાં હતો. મોરારજી દેસાઈ અને અટલ બિહારી વાજપેયીથી માંડી લાલકૃષ્ણ અડવાણી અને જ્યોર્જ ફર્નાન્ડીસ સહિતના તમામ ઇમરજન્સીવિરોધી પ્રમુખ નેતાઓને ઇન્દિરા ગાંધીએ જેલ ભેગા કરી દીધા હતા. વિપક્ષની સંસદીય ગેરહાજરીનો લાભ લઈને કૉંગ્રેસે અનેક બદમાશીભર્યા બંધારણીય સુધારા કરી નાખ્યા જેમાંનો એક સુધારો પ્રીએમ્બલમાં સેક્યુલર શબ્દ ઘુસાડવાનો હતો.

ભવિષ્યમાં વખત આવ્યે, તક મળ્યે આ સુધારો રદ કરતો ખરડો સંસદમાં પસાર થશે તો સેક્યુલરવાદીઓ બૂમાબૂમ કરશે. તે વખતે સેક્યુલર શબ્દના બંધારણીય સ્થાનનો આ તોફાની ઇતિહાસ એમને યાદ કરાવવો.

ભારતના બંધારણમાં ભલે સેક્યુલર શબ્દ વપરાયો નહોતો પણ આપણું બંધારણ કોઈ એક ચોક્કસ ધર્મની તરફેણ કરતું નથી કે કોઈ એક ચોક્કસ ધર્મની ખિલાફ જતું નથી. સર્વ ધર્મો પ્રત્યે ભારતની સરકાર સમભાવ રાખશે એવી ભાવના બંધારણમાં વ્યક્ત થઈ છે અને એવી જ ભાવના હોવી જોઈએ. ભારતના તમામ નાગરિકો પોતે પોતાની રીતે પોતાનો ધર્મ પાળે અને જેને કોઈ ધર્મ ન પાળવો હોય તે કોઈપણ ધર્મ ન પાળે એમાં સરકારને કોઈ પ્રકારે કશો જ વાંધો ન હોવો જોઈએ.

કમનસીબે સર્વ ધર્મ સમભાવની ઉમદા વિચારધારા બંધારણ પૂરતી જ સીમિત રહી. ભારતની આઝાદી પછી તરત જ સરકારે પંડિત નેહરુની કૉંગ્રેસી સરકારે, હિંદુ ધર્મના ભોગે ઇસ્લામને ફર્સ્ટ અમંગ ઇકવલ્સનું લાડકવાયું સ્થાન આપ્યું. સોમનાથ મંદિરના જીર્ણોદ્ધાર પ્રસંગે સરદાર પટેલ અને રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ સાથે તડાફડી કરનાર પંડિત નેહરુએ લઘુમતી શૈક્ષણિક સંસ્થાઓને (મદરેસાઓને એમ વાંચો) વિશેષાધિકારો આપ્યા, વક્ફ બૉર્ડ સ્થાપ્યાં, હજયાત્રા માટે સબસિડીઓ આપી, મુસ્લિમ પર્સનલ લૉ અન્વયે મુસલમાનોને કાયદાકીય વિશેષાધિકારો આપ્યા અને લઘુમતીઓ માટે અનામત પ્રથાની પ્રગટ તથા પ્રચ્છન્ન સગવડો ઊભી કરી.

આ બધું હિંદુઓના ભોગે અને તોતિંગ સરકારી ખર્ચે થયું. ધર્મથી નિરપેક્ષ રહેવું અથવા સાંપ્રદાયિક ન બનવું એવા રૂપાળા વરખ હેઠળ મુસ્લિમ તુષ્ટિકરણનો ખૂબ મોટો જુવાળ શરૂ થયો અને સેક્યુલર શબ્દ અભડાઈ ગયો. આજે આ શબ્દ એટલો ગંદો બની ગયો છે કે સ્યુડો સેક્યુલર અથવા દંભી સેક્યુલરવાદીઓ માટે તમારે સ્યુડો કે દંભી વિશેષણો વાપરવાની જરૂર જ નથી રહી. જે સેક્યુલરવાદી હોય તે સ્યુડો કે દંભી હોવાનો જ એવી છાપ ઊભી થઈ છે જે બિલકુલ ખોટી નથી.

પોતાને સેક્યુલરવાદી કહેવડાવતો કોઈ માણસ ખરા અર્થમાં ધર્મનિરપેક્ષ કે બિનસાંપ્રદાયિક હોતો નથી અને દરેક સેક્યુલરવાદી મુસ્લિમતરફી હોય છે. એટલું જ નહીં, હિંદુદ્વેષી પણ હોય છે.

સવાલ એ છે કે આ સેક્યુલરવાદીઓ શા માટે સેક્યુલર હોય છે કે શા માટે એવા બની જતા હોય છે. જેમ તમામ શરાબીઓ માત્ર એક કારણસર દારૂ પીતા નથી અને દરેકની પાસે દારૂ પીવાના જુદાં જુદાં કારણ હોઈ શકે છે. આમ છતાં છેવટે તેઓ બધા જ `દારૂડિયા’ના લેબલથી ઓળખાય છે. એ જ રીતે તમામ સેક્યુલરવાદીઓ કોઈ એક ચોક્કસ કારણસર સેક્યુલરવાદી નથી બન્યા હોતા. દરેકની પાસે સેક્યુલરવાદી હોવાના જુદાં જુદાં કારણો હોઈ શકે છે. આમ છતાં તેઓ બધા જ `સેક્યુલરિયા’ના લેબલથી ઓળખાય છે.

સેક્યુલરવાદીઓના બાર પ્રકાર છે:

(1) સૌપ્રથમ વારો આવે મુસ્લિમોનો. મુસ્લિમોને તમે ત્રણ ખાનાંમાં વહેંચી શકો. જેઓ પોતાને લિબરલ કે ઉદારમતવાદી કહેવડાવે છે એવા મુસ્લિમો. તેઓ ઉપરછલ્લી રીતે ઇસ્લામની કેટલીક રૂઢિવાદી પદ્ધતિઓનો જાહેર વિરોધ કરીને પોતે સુધારાવાદી હોવાની છાપ ઊભી કરી લે છે. હકીકતમાં તેઓ ક્યારેય નામ દઈને કે ફોડ પાડીને મૌલવીઓ-મૌલાનાઓ અને મદરેસાઓની રાષ્ટ્રવિરોધી, સમાજવિરોધી કે ઇસ્લામવિરોધી પ્રવૃત્તિઓ વિશે લખતા કે બોલતા નથી. એવું કરવાની તેઓની દાનત પણ હોતી નથી. આ પ્રકારના `ઉદારમતવાદી મુસ્લિમો’ માટે સેક્યુલરવાદી બનવું એટલે બેઉ હાથમાં લાડવો મળી જવા જેવું. એક બાજુ તેઓ પોતાના સમાજમાં પોતાના વિરોધીઓ દ્વારા થતા ગણગણાટને ચૂપ કરી શકે અને બીજી બાજુ તેઓ પોતાના હિંદુદ્વેષને છુપાવી શકે. એક ત્રીજો ફાયદો પણ એમને થતો હોય છે અને તે એ કે મુસ્લિમ હોવાને કારણે એમને સરકાર તરફથી સંખ્યાબંધ લાભો, ઇનામો તથા સન્માનો મળી જાય છે. તેઓનો હિંદુદ્વેષ આ વિષય પર તેઓ દિલ ખોલીને ચર્ચા કરે ત્યારે તરત ગંધાવા માંડે છે. ફિલ્મકવિ જાવેદ અખ્તર અને પ્રો. જે. એસ. બંદૂકવાલાથી માંડીને જેમના નામ આગળ સ્કૉલરનું વિશેષણ અમસ્તું જ લાગી ગયું છે તે રફીક ઝકરિયા તથા મૌલાના વહિદુદ્દીન સુધીના સેંકડો `ઉદારમતવાદી’ ગણાતા મુસ્લિમો આ કૅટેગરીમાં આવે.

(2) બીજો વારો આવે મુસ્લિમ કટ્ટરવાદીઓનો. જેઓ વિચારથી કટ્ટરપંથી છે એવા મુસ્લિમોથી માંડીને જેઓના વ્યવહાર અને તમામ આચાર કટ્ટરપંથી કે આતંકવાદી કે અંતિમવાદી છે એવા મુસ્લિમો પણ તમને કહેશે કે અમે સૌ સેક્યુલરવાદી છીએ. પોતાનું ઝનૂન છુપાવવા માટે એમની પાસે સૌથી કામિયાબ શસ્ત્ર સેક્યુલરવાદનું હોય છે. ભારત એક સેક્યુલર દેશ છે એવું કહીને તેઓ હિંદુ વિચારધારામાં માનનારાઓને અંતિમવાદી ઠેરવવાનો પ્રયાસ કરતા હોય છે. સૈયદ શાહબુદ્દીનથી માંડીને શાહી ઇમામ સુધીના અંતિમવાદી વિચારસરણી ધરાવતા મુસ્લિમો પોતાને સેક્યુલરવાદી ગણાવીને કટ્ટરપંથી પ્રવૃત્તિઓને સરકારની તથા લોકોની નજરથી બચાવી લે છે.

(3) ત્રીજો પ્રકાર છે ઉપરના બેમાંથી એકેય અંતિમ તરફ ન ઢળી શકતા આમ મુસ્લિમ વર્ગનો. આમાં ધંધોરોજગાર કરતાં મુસ્લિમોથી માંડીને શિક્ષિત મુસ્લિમો અને બેકારથી માંડીને અશિક્ષિત મુસ્લિમો પણ આવી જાય. તેઓને પોતાના ધર્મ માટે આદર છે અને વિધર્મીઓ માટે અત્યાર સુધી દ્વેષ નહોતો. પરંતુ મૌલવીઓ, રાજકારણીઓ તથા સામાજિક અગ્રણીઓની ચડામણી પછી એમની માનસિક પરિસ્થિતિ બદલાવા માંડી. હિંદુત્વનું અસ્તિત્વ ઇસ્લામ માટે ખતરો ઊભો કરશે એવી માન્યતાને કારણે તેઓ વિધર્મી પ્રત્યે છૂપો રોષ રાખતા થઈ ગયા. હિંદુત્વનો સમાનાર્થી શબ્દ ગુંડાગીરી છે એવું એમના મનમાં ઉપરના બે પ્રકારના સેક્યુલરવાદીઓએ ઠસાવી દીધું હોય છે. આ નવાસવા સેક્યુલરવાદીઓ માટે પણ પોતાને સેક્યુલર કહેવડાવવાના બે લાભ હોય છે: એક, મુસ્લિમ લઘુમતી તરીકે મળતા તમામ સરકારી લાભ યથાવત્ રહે અને બે, હિંદુત્વના કાલ્પનિક આક્રમણ સામે જો જરૂર પડે તો ઉપરોક્ત બે પ્રકારના તેમ જ બાકીના સેક્યુલરવાદીઓનો ઝનૂની સાથ મળે જેને કારણે પોતાના ધર્મના અસ્તિત્વ પરનો કાલ્પનિક ખતરો ટળી જાય.

(4) ચોથા પ્રકારમાં મુસ્લિમો ન હોય એવા સેક્યુલરવાદીઓનો સમાવેશ થાય છે. તેઓ ભારતીય પણ નથી હોતા. તેઓ બ્રિટિશ, અમેરિકન ગમે તે પ્રજા હોઈ શકે. ભારતના વર્તમાન સંદર્ભમાં વાત કરતી કે લખતી વખતે તેઓ સેક્યુલરવાદી મિજાજ ધારણ કરતા હોય છે. અંગ્રેજી છાપાં-ટીવી ચૅનલો ધોળું ચામડું જોઈને પ્રભાવિત થઈ જાય છે. હકીકતમાં આ વિદેશીઓ કોઈ પણ ભોગે ભારતને વિદેશમાં બદનામ કરવા માગતા હોય છે. ભાજપને મિલિટન્ટ્સની પાર્ટી કે ફંડામેન્ટલિસ્ટ રાજકીય પક્ષ કહેનારા વિદેશીઓના મનમાં હિંદુદ્વેષ કરતાં ભારતદ્વેષ વધારે હોય છે. ધારો કે જો તેઓને એમ લાગે કે પોતાનો ભારતદ્વેષ હિંદુઓને ફટકારવાને બદલે મુસ્લિમોને ફટકારવાથી વધુ સારી રીતે વ્યક્ત થઈ શકશે તો તેઓ સેક્યુલરવાદી મટીને મુસ્લિમવિરોધી તરીકે પ્રગટ થતા હોત.

વાસ્તવમાં આ ગોરાઓ મુસ્લિમોના અને ઇસ્લામ ધર્મના કટ્ટર વિરોધી હોય છે, કારણ કે એમના ખ્રિસ્તી ધર્મગુરુઓએ એમને એ જ શીખવાડ્યું હોય છે. પોતાને પ્રગતિશીલ મનાતા આ ગોરાઓને અંદરખાનેથી ભારોભાર રંગભેદવાદી, ગરીબ તથા નિ :સહાય પ્રજાના શોષકો તથા મિથ્યા ગુરુતાગ્રંથિ રાખનારા હોય છે. ભારતમાં કામ કરતા લગભગ તમામ ગોરા પત્રકારો આ કેટેગરીના હોય છે. ફ્રાન્સના જાણીતા દૈનિક `લ ફિગેરો’ના ભારતીય સંવાદદાતા ફ્રાન્ઝવા ગોતિયે આમાં એક સુખદ અપવાદ છે. ગોતિયેને ગોધરાકાંડ પછી હિંદુત્વતરફી લેખો લખવા બદલ એમના અખબારે નોકરીમાંથી કાઢી મૂક્યા હતા. ગોતિયેએ કોર્ટકેસ કર્યો જેમાં એમની જીત થઈ અને અખબારે વીસ-બાવીસ લાખ રૂપિયા(45,000 યુરો)ની નુકસાની ચૂકવી ગોતિયેને પાછા નોકરીએ રાખવા પડ્યા. ગોતિયે ફરી એક વાર પોતાના મિજાજ પ્રમાણેના લેખો લખતા થઈ ગયા છે. તાજેતરમાં એમના પ્રમુખપદે પત્રકારોનું એક આંતરરાષ્ટ્રીય ઍસોસિયેશન સ્થપાયું છે જેના પંદર સ્થાપકસભ્યોમાં આ લખનારનો સમાવેશ થાય છે. સંગઠનમાં એકમેક સાથે પાયાના સિદ્ધાંતોમાં વૈચારિક સામ્યતા ધરાવનારા સક્રિય લેખકો-પત્રકારોને મર્યાદિત સંખ્યામાં પ્રવેશ છે.
ફ્રાન્ઝવા ગોતિયે જેવા ગણ્યાગાઠ્યા અપવાદોને બાદ કરીએ તો વિદેશી અખબારો-સામયિકો-ફોટો એજન્સીઓ કે સમાચારસંસ્થાઓ માટે ભારતમાં કામ કરતા દેશી-પરદેશી પત્રકારો પાક્કા સેક્યુલરવાદી બનીને આપણી કાળી ચામડીની સંસ્કૃતિની સતત હાંસી ઉડાવતા રહે છે. ભારતની આર્થિક પ્રગતિ અને ભારત પાસેનો અણુબૉમ્બ કે કૉમ્પ્યૂટર ક્ષેત્રે ભારતીયોની બોલબાલા તેમનાથી જીરવતા નથી. તેઓની નજર અન્ન સહિતની અનેક બાબતોમાં ભારતે સાધેલી આત્મનિર્ભરતા તરફ જવાને બદલે ભારતની ઝૂંપડપટ્ટીઓ, ભારતનાં ગંદાં રેલવે સ્ટેશનો તથા ભારતના ઉકરડાઓ તરફ જ જાય છે. એમના પોતાના દેશોમાં વધતો જતો ગુનાખોરીનો દર, સેક્સને લગતા ગુનાઓનો દર તેમ જ રંગભેદ તથા ભૌતિકવાદનાં માઠાં પરિણામોથી ખદબદતો એમનો સમાજ – આ તમામ વાતોની નિખાલસ ચર્ચાઓ માટે તેઓ તૈયાર નથી હોતા. સમજ્યા-જાણ્યા વગર તેઓ ભારતના હિંદુત્વને કટ્ટરતાનો રંગ ચડાવીને પોતાની સેક્યુલરવાદી જુબાનમાં પેશ કરતા રહે છે.

(5) હવે આવે છે ભારતના એવા સેક્યુલરવાદીઓનો વારો જેમનાં માબાપ હિંદુ હોય છે (અથવા તો એવી એમને જાણ કરવામાં આવી હોય છે). આમાંના સૌથી અગ્રણી એટલે અંગ્રેજી માધ્યમમાં ભણીને ભારતના ઇતિહાસ વિશેનો તદ્દન ખોટો ખ્યાલ બાંધીને બેઠેલા ભણેશરીઓ. હિંદુત્વ જાણે કોઈ કુષ્ઠ રોગનું નામ હોય એ રીતે એ શબ્દના ઉલ્લેખમાત્રથી તેઓ ભડકી ઊઠે છે. એમની પાસે હિંદુ સંસ્કૃતિની પૂરતી જાણકારી નથી હોતી અને જે કંઈ અધકચરી જાણકારી હોય છે તે કૉન્વેન્ટ સ્કૂલોમાં ભણાવતા પાદરીઓ પાસેથી કે એવી સ્કૂલમાં ભણી ગયેલાઓ પાસેથી પ્રાપ્ત થયેલી હોય છે.

સતિપ્રથા, બાળવિધવાઓ, અસ્પૃશ્યતા અને બ્રાહ્મણોની જોહુકમીના ઇતિહાસને તેઓ દસ હજાર વર્ષ જૂની હિંદુ સંસ્કૃતિનો સાર માનીને બેઠા હોય છે. વેદો, ઉપનિષદો, ભગવદ્ગીતા, ઉત્તમ રાજ્યકર્તાઓ, અદ્ભુત વિચારકો, પવિત્ર સંતો તથા આર્થિક-વૈજ્ઞાનિક-આયુર્વેદિક તથા ગાણિતિક સંશોધનોની આ સંસ્કૃતિ વિશે તેઓ બિલકુલ બેખબર હોય છે. અંધશ્રદ્ધા અને ચમત્કારો એટલે જ હિંદુત્વ તથા ત્રિશૂળ અને તલવાર એ જ હિંદુત્વ એવું માની બેસનારા આ ભોળાઓ જેમના માટે હિન્દી ભાષામાં ત્રિઅક્ષરી શબ્દ પ્રચલિત છે તેઓને પોતાના હિંદુવિરોધી વિચારો વ્યક્ત કરવા માટે સેક્યુલરવાદનું પ્લૅટફૉર્મ તૈયાર મળી જતું હોય છે.

સામ્યવાદી વિચારધારા જે નાસ્તિકોની નીપજ છે તેમાં વહીને ખૂબ સ્માર્ટ દલીલો કરતાં શીખી ગયેલા આ સેક્યુલરવાદીઓનું એકમાત્ર જમાપાસું હોય છે એમનું ફાંકડું અંગ્રેજી. ભારત જેવા દેશમાં એમના અંગ્રેજીથી પ્રભાવિત થનારાઓને ખબર હોવી જોઈએ કે ગયા મહિને રશિયાના પ્રમુખ વ્લાદિમિર પુતિન આવ્યા ત્યારે આવડા મોટા રાજપુરુષ પોતાની માતૃભાષામાં બોલતા હતા જેનો અંગ્રેજી તરજુમો કરવામાં આવતો હતો. ફ્રાન્સ, ચીન, જર્મની અને જાપાનમાં ટોચના અભ્યાસક્રમો છેવટના વર્ષ સુધી સ્થાનિક પ્રજાની માતૃભાષામાં ભણાવવામાં આવે છે. ખેર, હિંદુત્વ વિશેની સચ્ચાઈની જેમને ખબર નથી અને એ વિશે જાણવાની નિષ્ઠા ક્યારેય જેમણે દેખાડી નથી તેઓ ઝડપથી હિંદુત્વ વિશે ખોટા ખ્યાલો સ્વીકારીને હિંદુદ્વેષી બની જાય છે. માબાપ હિંદુ હોવાને કારણે તેઓ ઇસ્લામ ધર્મ પાળતા નથી એટલું જ. બાકી હિંદુ હોવા છતાં સવાયા મુસલમાનો ન કરે એવી હિંદુવિરોધી વાતો આ કૅટેગરીના સેક્યુલરિસ્ટો કરતા હોય છે. રાજદ્વીપ, બરખા અને એવી આખીય જમાત આ કૅટેગરીમાં આવે. ઉપરાંત પશ્ચિમ બંગાળના કહેવાતા બુદ્ધિજીવી સામ્યવાદીઓ તથા એમની અસર હેઠળ દિલ્હીની જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી(જેએનયુ)માં અધ્યાપનકાર્ય કરાવતા તથાકથિત બુદ્ધિવાદીઓ પણ આ કૅટેગરીમાં આવે.

(6) છઠ્ઠા પ્રકારના સેક્યુલરવાદીઓ એકબીજાની દેખાદેખીથી સર્જાતા હોય છે. વીતેલા દસ મહિનામાં અનેક લોકોએ જોયું કે અંગ્રેજી મીડિયામાં સેક્યુલરવાદીઓને માનપાન મળે છે અને હિંદુત્વની વાતો કરનારા રાક્ષસ તરીકે ચીતરાય છે. આને કારણે કેટલાક ભોળાઓ હમ ભી ડિચ કહીને હમ ભી સેક્યુલરવાળી ગાડીમાં ચડી બેઠા. ગાડીમાં ચડ્યા પછી એમને ખ્યાલ આવ્યો કે આ ટ્રેન તો મક્કા-મદીના જવાવાળી છે જ્યારે પોતે તો કાશી-મથુરા જવાવાળા છે. પણ વાઘની સવારી જેવો સેક્યુલરવાદ હવે તેઓ છોડી શકતા નથી. હિંદુ ટીવી ચૅનલો પર યુપીના ભૈયા કે બિહારી જેવી જુબાનમાં બોલનારા સમાચારવાચકો તથા સંવાદદાતાઓ આ કૅટેગરીના છે. તેઓએ પોતાના ઇષ્ટદેવનું સ્મરણ કરતી વખતે પણ ગુનાહિત લાગણી અનુભવવી પડે એવું એમના કાર્યક્ષેત્રનું વાતાવરણ હોય છે. સેક્યુલરવાદી મટી જઈશું તો અત્યારે જેમની સાથે ઊઠબેસનો તથાકથિત લહાવો મળે છે તે છીનવાઈ જશે એવો ભય એમને સતાવતો રહે છે.

(7) સેક્યુલરવાદીઓનો સાતમો પ્રકાર તે ગાંધીવાદીઓ, સર્વોદયવાદીઓ અને જયપ્રકાશ નારાયણવાદીઓનો. ઈશ્વરઅલ્લા તેરો નામ સબ કો સન્મતિ દે ભગવાન ગાઈને જેમણે જીવન ગુજાર્યું છે તેઓ કલ્પના નથી કરી શકતા કે ગાંધીજી ગાતા હતા તે એમનું પોતાનું પણ આ પ્રિય ભજન માત્ર હિંદુઓ જ ગાય છે, મુસ્લિમો ક્યારેય ઈશ્વર-અલ્લાને એક નથી માનતા. એટલું જ નહીં, મુસ્લિમો તો ઈશ્વરના અસ્તિત્વને જ નકારે છે. કુર્રાનને પવિત્ર ગ્રંથ ગણીને એમાંથી આયાતોનું પઠન કરતાં શીખી ગયેલા આ હિંદુઓ કોઈ દિવસ એમના મુસ્લિમ મિત્રોને પૂછવાની દરકાર રાખતા નથી કે તમને ગીતાના કેટલા શ્લોક મોઢે છે. ગાંધીજીના, વિનોબા ભાવેના તથા જયપ્રકાશ નારાયણના વિચારો ભારત માટે ચોવીસ કૅરેટના સોના જેવા છે, પણ આ વિચારોને વાદમાં પલટી નાખનારા વાદીઓએ મૂળ વિચારતત્ત્વને રગદોળીને પોતાનો તકવાદ આગળ કર્યો છે. તકવાદ ઉપરાંત હળાહળ દંભ માટે જાણીતા આ `સેવકો’ પોતાની બે-મોઢાળી જુબાન માટે સમાજમાં પંકાઈ ગયા છે. ઇમરજન્સી વખતે ઇન્દિરા ગાંધીનો વિરોધ કરનારા આ વાદીઓ ગુજરાતની ચૂંટણી વખતે સોનિયા ગાંધીના ઇટાલિયન ચરણોમાં આળોટીને કૉંગ્રેસને મત આપવાની અપીલ કરતા હતા. સમાજસેવાના બહાને તેઓ માત્ર મુસ્લિમોની સેવા કરતા હતા અને પકડાઈ ન જવાય એ માટે સેક્યુલરવાદનું મહોરું પહેરી લેતા હતા.

ગાંધીજીના હિંદુત્વના વિચારોનું પુસ્તક `હિંદુત્વનું હાર્દ’ આ લોકોએ ક્યારેય વાંચ્યું નહીં હોય એવી શંકા જાય, કારણ કે જો વાંચ્યું હોત તો આ લોકો ક્યારેય કહેતા ન હોત કે અમને હિંદુ હોવાની શરમ આવે છે. આદર્શની પછેડી ઓઢીને અંદરખાને હિંદુઓને ખૂબ ભૂંડી રીતે વગોવતા ગાંધીવાદીઓ, સર્વોદયવાદીઓ તથા જયપ્રકાશ નારાયણવાદીઓ સહેજ પણ ધીરજ કે સહિષ્ણુતા ધરાવતા નથી હોતા. હિટલર અને ખૌમેની અને જનરલ ડાયર (જલિયાંવાલા બાગ ફેમ) અને ભિંદરાંવાલે જેવા આતંકવાદી સાથે નરેન્દ્ર મોદીની, પ્રવીણ તોગડિયાની અને અન્ય હિંદુવાદીઓની તુલના કરનારા આ લોકોના અગ્રણીઓમાં પ્રકાશ ન. શાહથી માંડીને ચુનીભાઈ વૈદ્ય તથા મહેન્દ્રભાઈ મેઘાણી અને બીજા અનેક લોકોમાં આ કૅટેગરીનું એક યા બીજું લક્ષણ તમને જોવા મળશે.

કેટલાય ગુજરાતી સાહિત્યકારો પણ આ જમાતમાં ભળેલા છે. તેઓ ક્યારેય `ટેલીગ્રાફ’ જેવા હલકટ છાપામાં ગોવર્ધનરામ ત્રિપાઠી, ઝવેરચંદ મેઘાણી કે ઉમાશંકર જોશીની બદનામી થતી હોય ત્યારે સામી છાતીએ તંત્રીને ખાનગી પત્ર લખવાની પણ હિંમત નહીં કરે, જાહેરમાં વિરોધનો લેખ લખવાની વાત તો બાજુએ રહી. આની સામે તેઓ મંજુબહેન ઝવેરી કે પ્રબોધ પરીખની જેમ પોતાની સંસ્થાના મુખપત્રનો ઉપયોગ સેક્યુલરવાદી ઝનૂન ફેલાવવા માટે કરશે અથવા સંજય શ્રીપાદ ભાવેની જેમ હિંદુવાદી વિચારકોને ભાંડવા માટે પોતાની કલમનો ઉપયોગ કરશે.

(8) આઠમો પ્રકાર પોલિટિકલી કરેક્ટ રહેવા માંગનારાઓનો છે. આ શબ્દપ્રયોગ એવા લોકો માટે વપરાય છે જેઓ વર્તમાન વૈચારિક ફૅશન મુજબ પોતાના વિચારો ઘડતા હોય. પર્યાવરણની તરફેણ કરવી પોલિટિકલી કરેક્ટ ગણાય. નારીવાદનું સમર્થન કરવું કે માનવ અધિકારની વાતો કરવી કે ગરીબોની સેવા માટે સંસ્થાઓ ખોલવી. આ પોલિટિકલી કરેક્ટ ગણાય. પછી ભલેને તમે નર્મદાવિરોધી બનીને ગુજરાતના વિકાસની આડે આવો કે રૂપાં દેઉલ બજાજ જેવી સ્ત્રીઓને કેપીએસ ગિલ જેવા પંજાબમાં આતંકવાદનું નામોનિશાન મિટાવી દેનારા સુપરકોપ વિરુદ્ધ ચડાવો કે પછી ગુનેગારો છૂટી જાય એ હદ સુધી એમના તથાકથિત માનવ અધિકારોની સુરક્ષા કરવાની પોલીસને ફરજ પાડો કે પછી ફાઇવસ્ટાર હોટેલોમાં લાખો રૂપિયાના સમારંભો યોજીને બાકી બચતા કેટલાંક હજાર રૂપિયામાંથી ગરીબો માટે નાનીમોટી સુવિધા ઊભી કરી તેનાં મોટાં બૅનરો ચીતરાવીને અંગ્રેજી મીડિયા પાસે કરોડ રૂપિયાની ફોગટ પબ્લિસિટી મેળવો.

આવા પોલિટિકલી કરેક્ટ માણસો એક કરતાં વધારે સંસ્થા ચલાવતા હોય છે, પીઆર યાને કિ પબ્લિક રિલેશન્સના કામમાં તેઓ એક્કા હોય છે અને ટૂંકમાં કહીને તો નવટાંકનો પીને પાશેરની ધમાલ કરનારા તિકડમબાજ હોય છે આ લોકો. એમના માટે છાતી પરના અનેક બિલ્લાઓની ભેગાભેગ સેક્યુલરવાદનો બિલ્લો પણ પોતાના ટૂંકા સ્વાર્થો સિદ્ધ કરવાનો રાજમાર્ગ પુરવાર થતો હોય છે.

(9) સેક્યુલરવાદીઓનો નવમો પ્રકાર છે ડરપોક હિંદુઓનો. તેઓ ઘરની ચાર દીવાલ વચ્ચે નરેન્દ્ર મોદીની જીતના ટીવી સમાચારો ઊછળી ઊછળીને જોતા હોય છે પણ જેવા ઘરની બહાર નીકળે અને બગીચામાં, મંદિરમાં, ટ્રેનમાં, બસમાં, ટીચર્સ રૂમમાં, ઑફિસમાં, સમારંભમાં કે દારૂના પીઠામાં કોઈની સાથે આ વિષય પર વાત નીકળે કે તરત જ મોઢું ગંભીર રાખીને કહેતા હોય છે, `હું જોઈ રહ્યો છું કે આ દેશ હિંદુત્વના ઝનૂનમાં ખલાસ થઈ જવાનો છે. ધર્મનિરપેક્ષતા સિવાય ભારતનું કોઈ ભાવિ જ નથી.’ આવા ડરપોક હિંદુત્વવાદીઓએ વહેલાસર કોઈ સારા સેકસોલૉજિસ્ટને મળીને પોતાના પુરુષાતન અંગે નિદાન કરાવી લેવું જોઈએ.

(10) દસમો પ્રકાર તળિયા વિનાના લોટાઓનો છે. ગંગા ગયે ગંગાદાસ અને જમુના ગયે જમુનાદાસ જેવા આ લોકો સેક્યુલરવાદી છે કે હિંદુવાદી એની જ તમને ખબર નહીં પડે. કોઈક બેઠકમાં તેઓ માથે કેસરી સાફો બાંધ્યો હોય એ રીતે વાત કરશે તો ક્યારેક તેઓ મુલ્લાટોપી પહેરીને તમને ઉપદેશ આપશે. એમનાં લખાણોની શરૂઆત હિંદુવાદથી થાય અને રસ્તામાં એકાએક યુ-ટર્ન લઈને તેઓ મુસ્લિમોની તરફેણ કરવા માંડે અને ફરી પાછા ક્યાંક ફંટાઈને બેઉને ગાળો આપવા માંડે. પોતે જ એકલા મહાન છે અને તમામ રાજકારણીઓ, સામાજિક અગ્રણીઓ કે વિવિધ ક્ષેત્રના નેતાઓ અમારી શિખામણ પ્રમાણે કેમ ચાલતા નથી એવો સૂર એમની વાતોનો હોય છે. અમારા જેવો સાચો સેક્યુલરવાદી બીજો કોઈ નથી અને થશે પણ નહીં એવું માનનારા આ લોકો પીઠ પર લીલો અને છાતી પર ભગવો રંગ લગાડેલું ખમીસ પહેરીને સતત ગુલાંટ મારતા રહે છે. તમે એમને કઈ ક્ષણે જુઓ છો એના પર તમારા એમના માટેના અભિપ્રાયનો આધાર છે. એમના માટે સાચું સેક્યુલરિઝમ આ જ છે.

(11) અગિયારમો પ્રકાર બહુ જ સરળ છે. આ કૅટેગરીમાં મુલ્લા મુલાયમ સિંહ જેવા કે જોકર જેવા દેખાતા અમર સિંહ જેવા કે મિયાં વિશ્વનાથ પ્રતાપ સિંહ જેવા રાજકારણીઓ આવે. લાલુ પ્રસાદ અને શંકરસિંહ વાઘેલાને પણ તમે આમાં મૂકી શકો. આ કે આવા અનેક રાષ્ટ્રીય, રાજ્ય, જિલ્લા, તાલુકા કે સ્થાનિક કક્ષાના નેતાઓ જિસ કે તડ્ડ મેં લડ્ડુ ઉસ કે તડ મેં હમની ફિલસૂફીમાં માનનારા હોય છે. તેઓને ભાજપમાં કોઈ સંઘરવાનું નથી એવી ખાતરી હોવાથી તેઓ ભાજપના વિરોધી બનતા હોય છે. બાકી આ જ લોકોનો ભાજપ ન કરે નારાયણ અને માનપાનથી સ્વીકાર કરી લે તો તેઓ પોતાની જાતને મોદી-તોગડિયા કરતાં સવાયા હિંદુઓ માનવા માંડે. આ સગવડિયા અને તકવાદી સેક્યુલરિસ્ટો અગાઉના તમામ પ્રકારના સેક્યુલરિસ્ટોના ખભા પર બંદૂક મૂકીને ફોડતા રહે છે. હિંદુ મરો, મુસલમાન મરો અને સેક્યુલરિસ્ટોનું તરભાણું ભરો એ એમનો જીવનમંત્ર હોય છે.

(12)સેક્યુલરિઝમનો છેલ્લો પ્રકાર છે એલિસ ઇન ધ વન્ડરલૅન્ડ. ખરેખર ભોળા હોય એવા અનેક હિંદુઓ વિસ્મયચકિત બનીને જોતાં રહે છે કે આ હિંદુવાદ અને સેક્યુલરવાદ વચ્ચે શેની લડાઈ થાય છે. એમને આ બેમાંની એકેય વિચારધારા વિશે જરાસરખી માહિતી હોતી નથી. પેલીએ વાળની લટને કલર કર્યો એટલે હું પણ કરું અને પેલાએ પાટલૂન પર પટ્ટો પહેરવાને બદલે નાડું બાંધ્યું એટલે હું પણ બાંધું એવી કૉલેજિયન મેન્ટાલિટી ધરાવનારા શહેરી યુવાન-યુવતીઓ આ છેલ્લા પ્રકારના સેક્યુલરિસ્ટોમાં આવે. મીડિયામાં હિંદુત્વનો વિકૃત બનાવેલો ચહેરો જોઈને એમને ડર હોય છે કે જો હું સેક્યુલરિસ્ટ નહીં દેખાઉં તો મારી આસપાસના મિત્રો-પ્રોફેસરો મને સાલા હિંદુડા કહીને વિખૂટો પાડી દેશે. બિચારો એ ભોળિયો પણ સેક્યુલર બ્રિગેડમાં જોડાઈ જાય છે.

તમારી આસપાસના સેક્યુલરવાદીઓ વિશે પૃથક્કરણ કરીને નક્કી કરો કે ઉપરના બારમાંનો કયો પ્રકાર એમને લાગુ પડે છે. જો આ બાર વિભાગોમાં સમજ ન પડે તો કોઈ હિંદુ જ્યોતિષીને બતાવી જુઓ કે આ બારમાંનો તમને નડતો સેક્યુલરિસ્ટ કયો છે? પછી એ નડતર દૂર કરવા દર શુક્રવારે કયા મંત્રનો જાપ કરવો એ અમે તમને શિખવાડીશું.

***

( સૌરભ શાહના આવા સેંકડો લેખો વાંચવા Newspremi.comના આર્કાઇવ્ઝનો લાભ લો. સૌરભ શાહના રોજેરોજ લખાતા લેખોની જાણકારી મેળવવા વૉટ્સઍપ નંબર 90040 99112 પર તમારું નામ મોકલીને સૌરભ શાહના ગ્રુપમાં જોડાઈ જાઓ.)

• • •

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ

નવા કૅલેન્ડર વર્ષનો આરંભ થઈ ગયો છે. આપ સૌનું 2024નું વર્ષ શુભદાયી અને સુખદાયી નીવડે. આ વર્ષે બે દિવાળી આવે છે તે યાદ રાખશો. આસોની અમાસે તો ખરી જ, 22 જાન્યુઆરીએ પણ દીપોત્સવ છે જે 500 વર્ષ રાહ જોયા પછી ઉજવાશે.

મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.

‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.

જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.

દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.

‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.

આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)

તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:

BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis

Paytm-
90040 99112

Net Banking / NEFT / RTGS-

Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings

A/c No. : 33520100000251

IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)

Branch Pin Code : 400076

હવે તમે તમારું કૉન્ટ્રિબ્યુશન આ QR કોડ સ્કેન કરીને પણ મોકલી શકો છો.

તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.

આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.

તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.

જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.

સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).

HiSaurabhShah@gmail.com

Twitter.com/hisaurabhshah

Facebook.com/saurabh.a.shah

• • •

ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here