લાઉડમાઉથ : સૌરભ શાહ
(‘સંદેશ’, ’અર્ધસાપ્તાહિક’ પૂર્તિ, બુધવાર, ૨૯ જાન્યુઆરી ૨૦૨૦)
ન જાણ્યું જાનકીનાથે, સવારે શું થવાનું છે. જાનકીના પતિ એવા સાક્ષાત્ ભગવાન રામને પણ જો આવતી કાલે બનનારી ઘટનાઓનો અંદેશો ન હોય આપણે તે વળી કઈ વાડીના મૂળા?
આમ છતાં, આવતી કાલની ઘટનાઓની જાણકારી ન હોવાની બાબતને સહજતાથી સ્વીકારી લેવાને બદલે સતત ફફડતાં રહીએ છીએ આપણે. કાલે શું થશે ને શું નહીં થાય એની કલ્પનાને લીધે આપણી આજ અસલામતીની આગમાં ભસ્મ થઈ જતી હોય છે. ભવિષ્ય વિશેનો ભય સતત પજવતો રહે છે કે આજે જે છે તે આવતી કાલે જતું રહેશે તો? જે જોઈએ છે તે નહીં મળે તો? અને આ ભય દરેક ચીજને વળગી રહેવાની વૃત્તિને જન્મ આપે છે. પૈસાને વળગી રહેવાની વૃત્તિમાંથી પૈસાની બચત થતી હશે અને વખત જતાં એમાં વૃધ્ધિ પણ થતી હશે. પણ બધી બાબતોમાં એવું નથી બનતું. ભવિષ્ય માટેના ભયને કારણે માણસ પોતાની જાતને સીમિત બનાવી દે છે, કશું પણ નવું કરતાં અચકાય છે. ડગલે ને પગલે વધુ પડતી કાળજી લીધા કરવાની ટેવ સાહસવૃત્તિને સદંતર કચડી નાખે છે.
મનની આ અસલામતીને દૂર કરવા એને સતત પંપાળવું પડે છે. પોતાની જ જાત આગળ પોતાને ઢાંકવી પડે છે. જાત આગળ જુઠ્ઠું બોલતાં રહેવું પડે છે. આવું કરવાથી મનને હૈયાધારણ મળતી હશે, થોડુંઘણું સાંત્વન પણ મળી જતું હશે. બધા મારી દરકાર કરે છે એવી ઉપરછલ્લી ઉષ્મા પણ અનુભવાતી હશે. પણ આ રમત બહુ ચાલતી નથી. એક દિવસ મન પોતાની જાત પાસે મોકળું થઈને અંદરની બધી જ વાત કબૂલ કરી લે છે. બહારથી મળ્યા કરતો સલામતીના અહેસાસનો વરખ દૂર થઈ ગયા પછી મન જેવું છે એવું જ જાત સમક્ષ ઊઘડે છે. સુષુપ્તાવસ્થાનો એ કામચલાઉ ગાળો પૂરો થઈ ગયા પછી તમને ખ્યાલ આવે છે કે તમારી ક્યાં ભૂલ થઈ હતી, કેવી રીતે ભૂલ થઈ હતી.
ભૂલ થઈ હતી સલામતી મેળવવાની ખરાબ ટેવને લીધે. આવતી કાલે શું થવાનું છે એ વિશે કંઈ જ ખબર ન હોય તે છતાં મન સલામતી અનુભવી અનુભવી શકે છે એ વાતની બહુ ઓછાને ખબર છે. એક રૂઢિગત અને પરંપરાગત વિચારસરણીને કારણે આપણે માની લીધું હોય છે કે સલામતીના અહેસાસ માટે જીવનમાં બનનારી દરેક ઘટનાનાં પરિણામો વિશે આગોતરી જાણકારી હોવી જોઈએ. નોકરી છૂટી ગયાની ઘટના પછી બીજી નોકરી કઈ મળશે એ વિશેની જાણકારી નથી હોતી ત્યાં સુધી અસલામતી અનુભવ્યા કરવી જોઈએ એવું આપણે માની લીધું છે. ખોટું માન્યું છે. ધંધામાં ખોટ આવ્યા પછી કે સંબંધોમાં ઓટ આવ્યા પછી જ્યાં સુધી ખાતરી ન થાય કે નવા ધંધામાં કે નવા સંબંધમાં સેટ થઈ ગયા છીએ ત્યાં સુધી મનને અસલામત રહેવાની ટેવ પડી ગઈ છે.
માણસ પોતાની દૃષ્ટિનું ફલક વિસ્તારે, દિમાગનાં બારીબારણાં ખુલ્લાં મૂકીને મનમાં હિલ સ્ટેશન જેવી તાજી હવાની અવરજવર થવા દે તો ખબર પડે કે ‘હવે શું થશે?’ એ પ્રશ્ન જિંદગીનો સૌથી ટોચનો પ્રશ્ન નથી, જિંદગીની સૌથી મોટી સમસ્યા ભવિષ્ય વિશેની અ-જાણકારી નથી. આવતી કાલે શું થશે એ વિશે તદ્દન બેખબર હોવા છતાં આજે ભરપૂર સલામતી, ભરપૂર નિશ્ચિંતતા અનુભવી શકાતી હોય છે અને આ વાત આજે વારંવાર, ભારપૂર્વક તથા દરેક શબ્દ નીચે અંડરલાઈન કરીને કહેવી છે. કોઈ તમને પૂછે કે ‘તમે શું જાણો છો – અત્યારે તમે જે કંઈ કરી રહ્યા છો એનાં પરિણામો ભવિષ્યમાં કેવાં આવશે એ વિશે તમે શું જાણો છો?’ આવા સવાલના ઉત્તરમાં એક જ વાત હોય અને તે પણ બોલ્યા વિના કહેવાતી હોય, ચૂપચાપ સમજાવી દેવાતી હોયઃ ‘કશી જ જાણકારી નથી મને. અને જાણવાની દરકાર પણ નથી.’
હકીકત એ છે કે પ્રશ્ન પૂછનારને પણ જાણકારી નથી હોતી. એમનું અજ્ઞાન તમારા જેટલું જ, કદાચ વધારે ગાઢ છે. પણ એમની પાસે થોડાંક ચબરાકિયાં હોય છેઃ ‘આગમાં હાથ નાખવાથી દાઝી જવાય’, ઝેરનાં તે કંઈ પારખાં હોય?’, વગેરે – પણ એમને કોણ સમજાવે કે તમે જેને અગ્નિ કે વિષ માની બેઠા છો એ તમારી દૃષ્ટિની ખામી છે, તમારી સમજની કચાશ છે. ભવિષ્યની ખબર નથી અને જાણવાની દરકાર પણ નથી એવી સમજ આવી ગયા પછી જિંદગીનો પ્રવાહ ખૂબ સરળતાથી વહેવા માંડે છે. ખળખળ. માણસ પોતાની રીતે જીવવાનું શરૂ ન કરી શકે ત્યાં સુધી એણે અન્યોની રમતોના પ્યાદા તરીકે ભોગ આપતાં રહેવું પડે છે. ક્યારેક તો આ રમત બંધ કરવી પડવાની. રમત બંધ થાય કે ના થાય, આપણે તો એમાંથી દૂર થઈ જ જવું પડશે. ભવિષ્ય માટેની આપણી અસલામતીનો ફાયદો ઉઠાવીને ગભરાવતા લોકોથી દૂર થઈ જવું પડશે. એક એવી આજ રચીએ જેમાં જેમાં ભવિષ્ય વિશેની જાણકારી ન હોવા છતાં આ પળની હૂંફાળી રજાઈ હોય, નિશ્ચિંતતાના ઓશીકે માથું ટેકવેલું હોય અને નિંરાતનો પવન વાતો હોય.
સાયલન્સ પ્લીઝ
ધનુષ્ય પર બાણ ચડાવીને નિશાન તરફ છોડતાં પહેલાં બાણને પહેલાં થોડું પાછળ લેવું પડે. જિંદગીમાં બે ડગલાં પીછેહઠ કરવી પડે ત્યારે આ વાત યાદ રાખવાની.
_અજ્ઞાત
Sir, I have both the books with me in my personal Library , namely ‘Ayudhya thi Godhra’ and ‘Emergency’.
Translation of Emergency book is excellent I.e. of the category of Resp. Mulshankar MO. Bhatt….After a long long time I have come across such a nice translation…
In recent past only I have The News Premi
આજના સાયલન્સ પ્લીઝ નું અવતરણ સ્વામી વિવેકાનંદનું છે. ધનુષ્ય બાણ વાળું.
Good morning sir ?
સરળ અને સહજ રીતે આપે આપણી જીંદગી અને ભવિષ્યનો ડર બતાવનારા પ્રત્યે ધ્યાન ન આપતાં હાલની સલામત જીંદગી હોય તો ચિંતા કર્યા વિના જીવન જીવવાની સલાહ બિલકુલ યોગ્ય જ છે. અભિનંદન