તને સાચવે પારવતી, અખંડ સૌભાગ્યવતી

( ગુડ મૉર્નિંગ ક્લાસિક્સ: મંગળવાર, ૨૩ જૂન ૨૦૨૦)

રાખનાં રમકડાંને રામે, મારા રામે રમતાં રાખ્યાં રે ગીત કોણે લખ્યું ? ચરર ચરર મારું ચકડોળ ચાલે, કોણે ગાયું ? મીઠી યાદોમાં ખોવાઈ જવાય એવા સવાલો છે.

GFGKહવે થોડાં થોડાં થાઓ વરણાગી, ઓ ભાભી તમે….. આ ગીત કઈ ફિલ્મમાં હતું ? રાખનાં રમકડાંને રામે, મારા રામે રમતાં રાખ્યાં રે ગીત કોણે લખ્યું હતું ? ચરર ચરર મારું ચકડોળ ચાલે, કોણે ગાયું હતું ? ભૂતકાળની મીઠી યાદોમાં ખોવાઈ જવાય એવા સવાલો છે. એના જવાબરૂપે સુરતના હરીશ રઘુવંશીએ એક દળદાર સંદર્ભકોશનું સંપાદન કરી ૧૯૯૫માં પ્રગટ કર્યો હતો : ‘ગુજરાતી ફિલ્મ ગીતકોશ’. ૧૯૪૮ માં રતિભાઈ પુનાતરે એક ફિલ્મ બનાવી – ‘ગુણસુંદરી’. નિરૂપા રોય અને મનહર દેસાઈ લીડ રોલમાં હતાં અને સાથે દુલારી, સરસ્વતી, બાબુ રાજે અને છગન રોમિયો પણ હતાં. ગીતકાર અને સંગીતકાર અવિનાશ વ્યાસની કારકિર્દીની એ પાંચમી ફિલ્મ હતી. સંગીતકાર તરીકેની એમની પ્રથમ ફિલ્મ ૧૯૪૭ માં રિલીઝ થઈ – ‘હોથલ પદમણી’, ત્રીજી ફિલ્મ ‘કૃષ્ણ સુદામા’નાં ચાર ગીતો એમણે પોતે ગાયાં હતાં . ‘ગુણસુંદરી’નાં ખૂબ પ્રસિદ્ધ થયેલા ગીત ‘હવે થોડાં થોડાં થાવ વરણાગી’ પછી અવિનાશ વ્યાસની કારકિર્દી જેટ સ્પીડે આગળ વધી. ‘ગુજરાતી ફિલ્મ ગીતકોશ’ કહે છે કે ૧૯૯૪માં ઉપેન્દ્ર ત્રિવેદીએ ‘માનવીની ભવાઈ’ બનાવી ત્યાં સુધી ગુજરાતીમાં કુલ ૫૭૯ ફિલ્મો બની. જેની મૂળ પ્રિન્ટ જાન્યુઆરી, ૨૦૦૩માં પૂનાની ફિલ્મ ઈન્સ્ટિટ્યૂટના આર્કાઈવ્ઝમાં લાગેલી આગમાં બળી ગઈ. આ ૫૭૯ ફિલ્મોમાંથી અવિનાશે વ્યાસે કેટલી ફિલ્મમાં સંગીત આપ્યું ? ૧૯૫ ફિલ્મમા. એમના દીકરા ગૌરાંગ વ્યાસે ૮૧ ફિલ્મોમાં સંગીત આપ્યું. પિતાપુત્રની જોડીએ કુલ મળીને ૨૭૬ ગુજરાતી ફિલ્મોમાં સંગીત આપ્યું. અંદાજે દર બીજી ગુજરાતી ફિલ્મ (૧૯૯૪ સુધીની) માં પિતા વ્યાસ કાં તો પુત્ર વ્યાસનું મ્યુઝિક રહ્યું છે.

બે મહાન ફિલ્મગીતકોશકારો: કાનપુરના હરમંદિરસિંહ ’હમરાઝ’ જેમણે હિંદી ફિલ્મોનાં તમામ ગીતોના દાયકાવાર ગીતકોશ તૈયાર કર્યા. બીજા સુરતના હરીશ રઘુવંશી જેમણે ગુજરાતી ફિલ્મોનો તેમ જ મૂકેશનાં ગીતોનો- બે કોશ તૈયાર કર્યા.
બે મહાન ફિલ્મગીતકોશકારો: કાનપુરના હરમંદિરસિંહ ‘હમરાઝ’ જેમણે હિંદી ફિલ્મોનાં તમામ ગીતોના દાયકાવાર ગીતકોશ તૈયાર કર્યા. બીજા સુરતના હરીશ રઘુવંશી જેમણે ગુજરાતી ફિલ્મોનો તેમ જ મૂકેશનાં ગીતોનો- બે કોશ તૈયાર કર્યા. મારા અંગત પુસ્તકાલયમાં આ બંને સશોધકોના મોટાભાગના કોશ છે. મઝાની વાત એ છે કે તેઓએ આ કામ, ગૂગલ સર્ચનું સપનાંમાં પણ અસ્તિત્ત્વ નહોતું, તે જમાનામાં કર્યું.

ગુજરાતી ફિલ્મો વિશેની તમારી એક એવી છાપ છે કે મોટા ભાગે વીર માંગડાવાળો અને વીર પાઘડીવાળો જેવાં નામોની જ ફિલ્મો બને છે. ૧૯૯૪ સુધી ‘વીર’ વિશેષણ ધરાવતી કુલ કેટલી ફિલ્મો ગુજરાતીમાં બની હશે ? તમારો કોઈ પણ અંદાજ ખોટો પડશે. માત્ર સાત. ૧૯૬૧માં સૌથી પહેલાં ‘વીર રામવાળો’ બની. બીજી ફિલ્મ ‘વીર ચાંપરાજવાળો’ છેક ૧૯૭૫માં આવી. ત્રીજી ફિલ્મ ૧૯૭૬માં ફરી એક વાર ‘વીર રામવાળો’ નામે બની. એ જ સાલમાં ‘વીર એભલવાળો’ અને ‘વીર માંગડાવાળો’ બની. ૧૯૮૫માં ‘વીર ભીમસેન’ અને ૧૯૯૦માં ‘વીર બાવાવાળો’ આવી. ધેટ્સ ઓલ.

ગુજરાતી ફિલ્મો વિશેની તમારી એક એવી છાપ છે કે મોટા ભાગે વીર માંગડાવાળો અને વીર પાઘડીવાળો જેવાં નામોની જ ફિલ્મો બને છે.

૧૯૩૨ થી ૧૯૯૪ સુધી બનેલી ૫૭૯ ફિલ્મોમાંથી ૩૧૪ ફિલ્મો, અડધોઅડધ કરતાં વધુ ફિલ્મો, ૧૯૭૬ થી ૧૯૮૫ના દાયકા દરમિયાન બની. કારણ ? સરકારી સબસિડીઓ, ગ્રાન્ટ અને મનોરંજન કરમાંથી શરૂમાં સો ટકાની મુક્તિ, પાંચ વર્ષ બાદ ૭૦ ટકા મુક્તિ, પણ તમે જુઓ આ લીલા દુકાળ જેવા દાયકાની ગુજરાતી ફિલ્મોમાં જે ગીતો આવ્યાં તેમાંથી બહુ ઓછાં યાદ રહે એવાં બન્યાં છે. અગાઉ ‘ગુણસુંદરી’નાં ગીતો ઉપરાંત ‘મંગલફેરા’ માટે અવિનાશ વ્યાસે લખેલું ‘રાખનાં રમકડાં’ અને એ એ જ ફિલ્મનું બીજું એક ગીત ‘તાળીઓના તાલે ગોરી ગરબે ઘૂમી ગાય રે…’ ને લોકો હજુય યાદ કરે છે. એક આડવાત. ‘મંગલફેરા’માં સંવાદો કોણે લખ્યા હતા? વજુ કોટકે . ત્યારે હજુ એમણે ‘ચિત્રલેખા’ સાપ્તાહિક શરૂ નહોતુ કર્યું.

પન્નાલાલ પટેલની ખૂબ લોકપ્રિય બનેલી નવલકથા ‘મળેલ જીવ’ પરથી ૧૯૫૬માં એ જ નામની ફિલ્મનું દિગ્દર્શન મનહર રસકપૂરે કર્યું, જેમાં મન્ના ડેએ અવિનાશ વ્યાસના સંગીતમાં એમણે (અવિનાશ વ્યાસે) જ રચેલું આ ગીત ગાયું. : ચરર ચરર મારું ચકડોળ ચાલે. દેશી નાટક સમાજની યશસ્વી નાટ્યકૃતિ પરથી એ જ નામની ફિલ્મ બની ‘વડીલોના વાંકે’ , જેમાં મોતીબાઈએ પ્રભુલાલ દ્વિવેદીનું આ ગીત ગાયું : મીઠા લાગ્યા તે મને આજના ઉજાગરા. ૧૯૫૦માં ‘દીવાદાંડી’નાં તમામ ગીતો જાણીતાં થયાં, જેમાં સૌથી જાણીતું થયું વેણીભાઈ પુરોહિત રચિત આ ગીત : ‘તારી આંખનો અફીણી , તારા બોલનો બંધાણી,તારા રૂપની પૂનમનો પાગલ એક્લો…’ સંગીત : અજિત મર્ચન્ટ અને કંઠ : દિલીપ ધોળકિયા.

૧૯૫૦માં આશા ભોંસલેએ સૌપ્રથમ વાર ગુજરાતી ફિલ્મમાં ગાયું. ફિલ્મ હતી ‘લગ્નમંડપ’. ગઝલગાયક જગજિત સિંહે  ‘બહુરૂપી’ (૧૯૬૯)માં પહેલીવહેલી વાર ગુજરાતીમાં ગાયું, જ્યારે પ્રફુલ્લ દવેએ ૧૯૭૬ માં ‘લાખો ફુલાણી’ સાથે પાર્શ્વગાયનની દુનિયામાં પ્રવેશ કર્યો. ગીત હતું : મણિયારો તે હાલુ હાલુ થઈ રિયો રે. આ ફિલ્મથી ગૌરાંગ વ્યાસની સંગીતકાર તરીકેની કારકિર્દી શરૂ થઈ અને પત્રકાર દિગંત ઓઝાની ફિલ્મ નિર્માતા તરીકેની કારકિર્દી શરૂ તેમ જ પૂરી થઈ. ૧૯૬૦માં ‘મેંદી રંગ લાગ્યો’ ફિલમ રિલીઝ થઈ. એનાં ગીતોએ ધૂમ મચાવી : ‘મેંદી તે વાવી માળવે ને એનો રંગ ગયો ગુજરાત રે ’,‘ આ મુંબઈ છે જ્યાં ભઈ કરતાં ઝાઝી બઈ છે’, ‘પાંદડું લીલું ને રંગ રાતો.’ ગીત- સંગીત અવિનાશ વ્યાસનાં. ૧૯૬૪ માં કલ્યાણજી – આણંદજીના સંગીત અને બરકત વીરાણીનાં ગીતવાળી ફિલ્મ ‘અખંડ સૌભાગ્યવતી’ આવી : ‘નજરનાં જામ છલકાવીને ચાલ્યાં ક્યાં તમે’, ‘તને સાચવે પારવતી અખંડ સૌભાગ્યવતી…’ આશા પારેખ હીરોઈન અને મનહર રસકપૂર દિગ્દર્શક.

કાંતિલાલ રાઠોડની ‘કંકુ’ ઑફબીટ ફિલ્મ હતી. વેણીભાઈ પુરોહિતે આ ગીત એમાં લખ્યું, જે દિલિપ ધોળકિયાએ સ્વરબદ્ધ કર્યું : ‘મને અંધારાં બોલાવે, મને અજવાળાં બોલાવે…’  ૧૯૭૧ માં ઉપેન્દ્ર ત્રિવેદીની સુપરહિટ  ‘જેસલ તોરલ’નું આ ગીત જાણીતું થયું : ‘ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામની…’ વરસ પછી, ૧૯૭૨માં ઉપેન્દ્ર ત્રિવેદીએ મનુભાઈ પંચોળી ‘દર્શક’ની પ્રસિદ્ધ નવલકથા પરથી ફિલ્મ બનાવી ‘ઝેર તો પીધાં જાણી જાણી’, જેનું આ ગીત વખણાયું : ‘નથી રે પીધાં અણજાણી, ઝેર તો પીધાં જાણી જાણી…’ ગીત : અવિનાશ વ્યાસ. ‘સોનબાઈની ચૂંદડી’ (૧૯૭૬) માટે આશિત દેસાઈ અને ફોરમ દેસાઈએગાયેલું અવિનાશ વ્યાસનું આ ગીત ખૂબ લોકપ્રિય થયું : ‘કોણ હલાવે લીમડી ને કોણ ઝૂલાવે પીપળી…’

કાંતિલાલ રાઠોડની ‘કંકુ’ ઑફબીટ ફિલ્મ હતી. વેણીભાઈ પુરોહિતે આ ગીત એમાં લખ્યું, જે દિલિપ ધોળકિયાએ સ્વરબદ્ધ કર્યું : ‘મને અંધારાં બોલાવે, મને અજવાળાં બોલાવે…’

૧૯૭૯માં કાંતિ મડિયાની ‘કાશીનો દીકરો’ ફિલ્મનાં ગીતો બહુ ખૂબસુરત બન્યાં. ક્ષેમુ દિવેટિયાએ આ તમામ કવિઓની અદભૂત સાહિત્યિક કૃતિઓને બરાબર નિખારી- રમેશ પારેખ : ‘ગોરમાને પાંચે આંગળીએ પૂજ્યાં ને નાગલાં ઓછાં પડ્યાં રે લોલ / કમખે દોથો ભરીને કાંઈ ટાંક્યા ને આભલા ઓછાં પડ્યાં રે લોલ…’, બાલમુકુન્દ દવે : ‘કેવા રે મળેલા મનના મેળ, રૂદિયાના રાજા, કેવા રે મળેલા મનના મેળ…’ , રાવજી પટેલ : ‘મારી આંખે કંકુના સૂરજ આથમ્યા / મારી વેલ શણગારો વીરા, શગને સંકોરો, રે અજવાળાં પહેરીને ઊભા શ્વાસ…’ આ ઉપરાંત નિમેષ દેસાઈની ‘નસીબની બલિહારી’ (૧૯૮૨) માં રમેશ પારેખનું આ ગીત લેવાયું : ‘સાંવરિયો રે મારો સાંવરિયો , હું તો ખોબો માંગું ને દઈ દે દરિયો / જાણે અત્તર ઢોળાયું રૂમાલમાં, એવી લથપથ ભીંજાણી હું વહાલમાં…’ ગાયિકા : આશા ભોંસલે.  આ તેમજ આવાસુખદ અપવાદ જેવાં બીજાં અડધોએક ડઝન ગીતો સિવાય મોટા ભાગના ટોચનાં ગુજરાતી કવિઓએ ફિલ્મ માટે ગીતો ન લખ્યાં અથવા એમણે લખેલાં ગીતો, ગઝલોનો ઉપયોગ ફિલ્મમાં થયો નહીં. ‘મરીઝ’ અને ‘બેફામ’થી માંડીને સુરેશ દલાલ અને હરીન્દ્ર દવેનાં કેટલાંક ઉત્તમ ગીતો, ઉર્મિકાવ્યો તથા ગઝલ સુગમ સંગીતનાં કલાકારોએ ખૂબ લોકપ્રિય બનાવ્યાં પણ ગુજરાતી ફિલ્મોમાં એનો ભાગ્યે જ ઉપયોગ થયો. અવિનાશ વ્યાસ અને ગૌરાંગ વ્યાસની સામે ક્ષેમુ દિવેટિયા જેવા ભારોભાર સર્જકતા ધરાવતા સંગીતકારને કેટલી ગુજરાતી ફિલ્મોમાં સંગીત આપવા મળ્યું? એક જ : ‘કાશીનો દીકરો’. આવા જ બીજા એક સંગીતકાર દિલિપ ધોળકિયાએ કેટલી ફિલ્મોમાં સંગીત આપ્યું? માંડ એક ડઝન, પુરુષોત્તમ ઉપાધ્યાયે પણ બાવીસ ફિલ્મોમાં સંગીત આપ્યું જ્યારે મહેશકુમાર ઍન્ડ પાર્ટીવાળા મહેશ–નરેશની જોડીને બાવન ફિલ્મો મળી. ગુજરાતી ફિલ્મોના નિર્માતા–દિગ્દર્શકોએ ગીત–સંગીત માટે ગુણવત્તાને બદલે કયાં ધોરણો અપનાવ્યાં હશે , કોને ખબર ? અવિનાશ વ્યાસે અગાઉ જેનો નિર્દેશ થયો તે જાણીતાં ગીતો ઉપરાંત ‘માડી તારું કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો’ તથા ‘મારા રામ તમે સીતાજીની તોલે ન આવો’ વગેરે ખૂબ લોકપ્રિય થયેલાં ગીતો લખ્યાં, તો ક્યારેક ‘મારી વેણીમાં ચાર ચાર ફૂલ’ની પૅરડી કરીને એમણે આવું પણ લખવું પડ્યું : ‘મારી બાયડીમાં ચાર ચાર ભૂલ, હઠીલી એવી કે કરે ના એકે કબૂલ…!’  હિંદી ફિલ્મોમાં બરેલીની બજારમાં જે ઝૂમખો ગિર્યો તે અવિનાશે વ્યાસે ‘રાણકદેવી’ (૧૯૭૩) ફિલ્મમાં પણ ગિરાવ્યો : ‘ઝૂમખું ખોવાયું છે જૂનાગઢના ગામે…’ જોકે, હિંદી ફિલ્મોમાં ઓયે ઓયે કરીને કરીને વિજુ શાહ અને આંનદ બક્ષીએ તિરછી ટોપીવાલા ભોલાભાલા બાબુને પોપ્યુલર કર્યા એના પહેલાં ‘ચૂડી ચાંદલો’ (૧૯૭૯) માં અવિનાશ વ્યાસ લખી ગયા : ‘હે વાંકી ટોપીવાળા, હે મોહનભાઈ મુછાળા…’

૧૯૭૫થી ૧૯૮૫ના ગાળામાં ફિલ્મો માટે ખાસ લખાવી, સ્વરબદ્ધ કરીને ગીતને લોકપ્રિય બનાવવાનો કઠણ માર્ગ પડતો મૂકીને નિર્માતા–દિગ્દર્શકો અને સંગીતકારોએ પરંપરાથી વાગતાં આવેલાં કે લોકગીત સમાન બની ગયેલાં ગીતો અને એ જ ધૂનો પર મોટો આધાર રાખ્યો. આ તમામ ગીતો આજેય સાંભળો તો પગ થરકવા માંડે અને હોઠ ગુનગુનાવા માંડે : ‘હો રંગ રસિયા, ક્યાં રમી આવ્યા રાસ જો…’,  ‘સોના વાટકડી રે, કેસર ઘોળ્યા વાલમિયા..’ (બંને ‘ભાદર તારાં વહેતાં પાણી’ : ૧૯૭૬), ‘વાદલડી વરસી રે, સરોવર છલી વળ્યાં…’ (‘ચૂંદડીનો રંગ’ : ૧૯૭૬), ‘રંગતાળી રંગતાળી રંગતાળી રે, રંગમાં રંગતાળી…’ અને ‘વાગે છે રે, વાગે છે વનરાવન મોરલી વાગે છે…’ (બંને ‘માલવપતિ મુંજ’ : ૧૯૭૬), ‘રંગે રમે આનંદે રમે…’ (‘શામળશાનો વિવાહ’ : ૧૯૭૬) ‘ઘોર અંધારી રે, રાતલડીમાં નીસર્યા…’ (‘ભ્રષ્ટાચાર મુર્દાબાદ’ : ૧૯૭૭), ‘મુને એકલી મેલીને રમે તું રાસ…’ (‘હલામણ જેઠવો’ : ૧૯૭૭), ‘છેલાજી રે મારે હાટુ પાટણથી પટોળાં મોંઘા લાવજો…’ (‘સોન કંસારી’ : ૧૯૭૭), ‘કચ્છમાં અંજાર રૂડા શહેર છે હો જી રે…’ (‘પાતળી પરમાર’ : ૧૯૭૮).

‘કંકુ’, ‘કાશીનો દીકરો’ કે ‘હું, હુંશી, હુંશીલાલ’ જેવી ફિલ્મો ગુજરાતીમાં દાયકે માત્ર એક વાર બનતી હોય છે. ગુજરાતીમાં આર્ટ ફિલ્મો બને કે ન બને, સારી કમર્શિયલ ફિલ્મો બનવી જોઈએ. દિગ્દર્શન, અભિનય, વાર્તા અને સંગીતના વિભાગો મજબૂત હોય એવી ગુજરાતી ફિલ્મો ૫૭૯માંથી કેટલી ? ડઝન બે ડઝનથી વધુ નહીં.

ન્યુઝપ્રેમીને સપોર્ટ કરવા આ લિન્ક પર જાઓ

વાચકો માટે આ પુસ્તકમાં ટૉપ હન્ડ્રેડ ગુજરાતી ગીતો આખેઆખા આપ્યાં હોત તો જલસો પડી જાત. તમામ ગીતોની કક્કાવાર સૂચિ આપી હોત તો વાચકને મહેનત વિના ખબર પડી જાત કે આ બે લોકપ્રિય ગીતો ગુજરાતી ફિલ્મનાં છે કે સુગમ સંગીતનાં? અને ફિલ્મનાં હોય તો તે કઈ ફિલ્મનાં : ‘ઓ નીલ ગગનનાં પંખેરું, તું કાં નવ પાછો આવે…’ અને ‘પંખીડાને આ પીંજરું જૂનું જૂનું લાગે, બહુયે સમજાવ્યું તોયે પંખી નવું પીંજરું માગે…’

તાજા કલમ : ગુજરાતી નાટકો અને ફિલ્મોના મોબાઈલ એન્સાઈક્લોપીડિયા નિરંજન મહેતા સ્ટોપ પ્રેસ કરાવીને જણાવે છે કે ‘ઓ નીલ ગગનના પંખેરું…’ મુકેશે ગાયેલું, એચએમવીની પ્રાઈવેટ રેકૉર્ડ માટે અને આ ગીત લખનાર રમેશ ગુપ્તાએ ૧૯૮૦માં આ જ નામથી ફિલ્મ બનાવી , પણ રિલીઝ ન થઈ. જ્યારે ‘પંખીડાને આ પીંજરું…’ ગીત અવિનાશે વ્યાસે લખ્યું અને સ્વરબદ્ધ કર્યું. આ પણ એક બિનફિલ્મી ગીત છે.

••• ••• •••

આટલું વાંચ્યું છે તો બે મિનિટ રોકાઈને થોડું વધુ વાંચી લો.

‘ન્યુઝપ્રેમી’ને સપોર્ટ કરવા માટેની અપીલ : સૌરભ શાહ

પ્રિય વાચકો,

ગુજરાતી ભાષાના સૌથી વધુ વંચાતા, વખણાતા અને ચર્ચાતા લેખક-પત્રકારોમાંના એક સૌરભ શાહ તમને રોજ ‘ન્યુઝપ્રેમી’ દ્વારા મળે છે.

તમે જાણો છો એમ ‘ન્યુઝપ્રેમી’ કોઈપણ જાતના કૉર્પોરેટ ફન્ડિંગ વિના ચાલતું સ્વતંત્ર, તથા કોઈનીય સાડીબારી ન રાખતું ડિજિટલ મિડિયા છે અને એટલે એ ભરોસાપાત્ર છે.

‘ન્યુઝપ્રેમી’ની તમામ વાચનસામગ્રી સૌ કોઈ માટે ઓપન છે, વિના મુલ્યે ઉપલબ્ધ છે.

વધુ ને વધુ વાચકો સમજી રહ્યા છે કે મિડિયાની વિશ્વસનીયતા સામે પ્રશ્નો ઊભા થતા જાય છે એટલે કાણાને કાણો કહેવાની હિંમત રાખનારા અને સજ્જનો તથા રાષ્ટ્રપ્રેમીઓનો નિર્ભીક બનીને પક્ષ લેનારા ‘ન્યુઝપ્રેમી’ જેવા પ્લેટફૉર્મને અડીખમ રાખવા તમારા સપોર્ટની જરૂર છે.

‘ધ ક્વિન્ટ’, ‘ધ પ્રિન્ટ’, ‘ધ વાયર’, ‘સ્ક્રોલ’ કે બીજાં ડઝનેક તોતિંગ અંગ્રેજી ડિજિટલ મિડિયા કરોડો રૂપિયાનું ફંડિંગ ઉભું કરીને પોતાના એજન્ડાને— કામકાજને આગળ વધારી રહ્યા છે. ‘ન્યુઝપ્રેમી’ આવી રીતે કામકાજ કરવામાં માનતું નથી. ઇન્વેસ્ટર્સ પાસેથી કરોડો રૂપિયા ઉઘરાવ્યા પછી અમુક મિડિયા કરોડરજ્જુ વિનાનાં બની જતાં હોય છે. ઇન્વેસ્ટરોનો વેસ્ટેડ ઇન્ટરેસ્ટ રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓને ઉત્તેજન આપવાથી સચવાતો હોય ત્યારે મિડિયાએ પણ વાચકોનો દ્રોહ કરીને, વાચકોને ઊંધા રવાડે ચડાવીને એન્ટી-નેશનલ ન્યુઝ અને એન્ટી-નેશનલ વ્યુઝ આપવાની પ્રવૃત્તિમાં જોરશોરથી ભાગ લેવો પડતો હોય છે.

આ જ કારણોસર ‘ન્યુઝપ્રેમી’માં જાહેરખબરો પણ ઉઘરાવવામાં નથી આવતી. જે ઘડીએ એડવર્ટાઇઝરના વેસ્ટેડ ઇન્ટરેસ્ટ ન જળવાય એ જ ઘડીએ કાં તો તમારો હાથ આમળીને તમારી પાસે તેઓ પોતાનું ધાર્યું કરાવતા થઈ જાય અને વાચકો ગેરમાર્ગે દોરવાઈ જાય, કાં પછી તમારી નૌકાને મધદરિયે હાલકડોલક કરીને ડુબાડી દેવાની ધમકી આપવામાં આવે.

કોઈ પણ સારી પ્રવૃત્તિ ટકાવી રાખવી હોય અને એને ફેલાવવી હોય તો એ માટે બે મુખ્ય બાબતોની ખાસ આવશ્યકતા હોવાની. પરસેવો અને પૈસો. ‘ન્યુઝપ્રેમી’ને હજારો વાચકોમાંથી લાખો અને લાખોમાંથી કરોડો સુધી લઈ જવાની મહેનત વન પેન આર્મીસમા સૌરભ શાહ દ્વારા 24×7 થઈ રહી છે. ( એક વાચકે ‘ વન કેન’—one pen, one man, one can—નું બિરૂદ આપ્યું છે. કોઈ એક લેખની કમેન્ટમાં છે.)

‘ન્યુઝપ્રેમી’નું લેખન-સંપાદન તથા એની સાજસજ્જા મુંબઈમાં થાય છે. ટાઇપસેટિંગ ભાવનગર અને અમદાવાદમાં થાય છે. ‘ન્યુઝપ્રેમી’ના એડમિનિસ્ટ્રેશનની જવાબદારી પૂણેથી નિભાવવામાં આવે છે અને ‘ન્યુઝપ્રેમી’ને ટેક્નિકલ સપોર્ટ બેંગ્લોર સ્થિત ગુજરાતી ટેકનોક્રેટ આપે છે. ‘ન્યુઝપ્રેમી’ની હિન્દી આવૃત્તિ માટેનું અનુવાદકાર્ય મુંબઈ – અમદાવાદમાં થાય છે.

તમારા સપોર્ટની આશાએ ‘ન્યુઝપ્રેમી’ના દરેક આર્ટિકલમાં જાહેરખબરોની જગ્યાએ અપીલની સૂચના/લિન્ક મૂકાય છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક આર્થિક સપોર્ટથી અડીખમ રહી શકશે, વધુ વાચકો સુધી પહોંચી શકશે અને નિયમિત ધોરણે સમૃદ્ધ વાચનસામગ્રી ક્રિયેટ કરી શકશે. તમારામાંના દરેકે દરેક વાચકનો સ્વૈચ્છિક સહયોગ મળે તે આવકાર્ય છે. તમારા તરફથી મળનારી કોઈ પણ નાની કે મોટી રકમ ‘ન્યુઝપ્રેમી’ માટે ખૂબ ઉપયોગી થવાની છે.

દર એક-બે અઠવાડિયે કે મહિને-બે મહિને મળતો તમારો નિયમિત પ્રતિસાદ ‘ન્યુઝપ્રેમી’ની ઇમ્યુનિટી વધારશે અને ઝંઝાવાતો સામે ટકી રહેવાની ક્ષમતામાં ઉમેરો કરશે.

‘ન્યુઝપ્રેમી’ને તમે બેન્ક ટ્રાન્સફર દ્વારા કે પછી પેટીએમ, ગુગલ પે કે યુપીઆઈ ટ્રાન્સફર દ્વારા રકમ મોકલીને સ્ક્રીન શૉટ 9004099112 પર વૉટ્સએપ કરો અથવા HiSaurabhShah@gmail.com પર મેઇલ કરો.

‘ન્યુઝપ્રેમી’ને ઑલરેડી સપોર્ટ કરી રહેલા વાચકોનો હ્રદયપૂર્વક આભાર અને સૌ કોઈ માટે સદભાવ તથા શુભેચ્છાઓ.

‘ન્યુઝપ્રેમી’ વિશે વધુ જાણવાની ઇચ્છા થાય તો આ લિન્ક ક્લિક કરો : https://www.newspremi.com/gujarati/support-newspremi/

8 COMMENTS

  1. Thanks saurabhbhai…its very nice and informative article…though i hv seen most of gujrati films bt as u hv said..hu,hunshi n Hunshilal..i hv search in u tube bt i didnt find so plz its request…how i can see this movie on dvd or vcd..if its available…

  2. Good one સૌરભ ભાઈ…માહિતિ સભર આર્ટિકલ… આભાર સાહેબ.?વંદન સાથે આપનો વાચક મિત્ર.

  3. સૌરભભાઈ મજા આવી ગઈ. તમારી મહેનતે રંગ રાખ્યો.
    બહુ ઊમદા આર્ટિકલ!

  4. આજે તો સંગીતના રસમાં ભીંજાવાની મઝા આવી ગઈ. કેટલા બધા સુમધુર ગીતોનો ખજાનો ખોલી દીધો તમે , સર !! એમ થાય કે સાંભળતા જ રહીએ…. વાગોળતાં જ રહીએ. ધન્ય છો આપ. આવા સુંદર લેખ માટે આપનો ખૂબ ખૂબ આભાર.?

  5. ઘણો જ ઉત્તમ આર્ટીકલ… છતાં અધૂરો લાગે છે…ભ્રમ દૂર કરનારો…
    જોકે હાલમાં પણ સારી ગુજરાતી ફિલ્મો બનવા લાગી છે… છતાં ગુજરાતી ફિલ્મો માટે જૂનું એટલું સોનુ કહેવું હાલ ના તબક્કે ખૂબ જ યોગ્ય છે…ગુજરાતી ફિલ્મો ની સુવર્ણ કાળ માટે રાહ જોઈએ..

  6. વાંચીને આનંદ થયો.. મનમાં કેટલાક ગીતો ગાયા..કાશ આ સાથે ગીતોનો આખો ઓડીયો ક્લીપ હોત.. આભાર..

  7. Very good information great job congratulations again for your Gujarati films information great job

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here