શોહરત તુુમ્હેં મિલી, સર મેરા ઘૂમ ગયા

સન્ડે મોર્નિંગસૌરભ શાહ

( મુંબઇ સમાચાર : રવિવાર, 2 ડિસેમ્બર 2018)

‘નુક્કડ’ સિરિયલથી વધુ જાણીતા થયેલા ટીવી એકટર દિલીપ ધવનના પિતા કૃષ્ણ ધવન વિશે જાવેદ અખ્તરે એક વખત શૈલેન્દ્ર વિશેના પોતાના ટીવી શોના એપિસોડમાં ભૂલથી એવી માહિતી આપી હતી કે ચલત મુસાફિરવાળા અભિનેતા કૃષ્ણ ધવન વરુણ ધવનના દાદા અને ડેવિડ ધવન (તથા અનિલ ધવન)ના પિતા થાય. જાવેદ સા’બની આ સરતચૂક હતી. મેં એક કરતાં વધુ ઑથેન્ટિક સોર્સીસમાંથી ક્ધફર્મ કર્યું છે કે આ કૃષ્ણ ધવનના પુત્ર દિલીપ ધવન છે, નહીં કે ડેવિડ-અનિલ ધવન.

ઍની વૅ. ‘ગાઈડ’ના એ સીનમાં દેવ આનંદ રોઝીને છોડીને પોતાનાં મૂળિયાં શોધતો પાછો પોતાના ઘરે આવે છે. માને લખેલા પત્ર પછી મા ક્યારે મામાને ત્યાંથી પાછી આવે અને ફરી ક્યારે એ પોતાની જૂની જિંદગી શરૂ કરે, ગાઈડ તરીકેનું કામ શરૂ કરે એની રાહ જોઈ રહ્યો છે. ત્યાં જ અભિનેતા કૃષ્ણ ધવન ઉર્ફે ગિરધારી રાજુના દરવાજે ટકોરા મારે છે. રાજુ પોતાના જૂના દોસ્તને આવકારે છે પણ ગિરધારી દોસ્ત તરીકે નહીં, પોલીસ તરીકે એની ધરપકડ કરવા આવ્યો છે.

એક ગમ્મત. ગિરધારી આવ્યો છે ત્યારે એના જમણા હાથમાં પોલીસની બૅટન (લાકડી) હોય છે. ડાબા હાથમાં વૉરન્ટનું કાગળિયું નથી પણ ધ્યાનથી જોશો તો ખબર પડશે કે એ ખિસ્સામાં હાથ નાખ્યા વિના, જાણે એ કાગળિયું પહેલેથી જ એના હાથમાં હોય તે રીતે દેવ આનંદને દેખાડે છે. જિંદગીમાં આપણે આપણી ભૂલો પ્રત્યે બેધ્યાન હોઈએ છીએ પણ ફિલ્મોમાં કે (બીજે ક્યાંય પણ) કોણ શું ભૂલ કરે છે એ કેવું ધ્યાનથી જોતા હોઈએ છીએ? ‘ગાઈડ’ની સિરીઝ લખતી વખતે અનેકવાર આ સીન જોયો હશે પણ દિગ્દર્શક વિજય આનંદે કરેલી આ ભૂલ અત્યારે જ મારા ધ્યાનમાં આવી એટલે તમારી સાથે શેર કરી. બીજાની ભૂલો લોકોની સાથે શેર કરવાની પણ કેટલી મઝા હોય છે ને.

ગિરધારી રાજુની ધરપકડ કરવા આવ્યો છે. તાત્કાલિક રાજુને પોલીસ કસ્ટડીમાં લઈ જવાનો છે. રાજુની વિનંતીને માન્ય રાખીને દોસ્તીદાવે ગિરધારી એને નલિની ઉર્ફે રોઝીને મળવા માટેનો મોકો આપે છે. (જેથી ડિરેક્ટરને બે અદ્ભુત ગીતો મૂકવાની સિચ્યુએશન મળી જાય!).

ફિલ્મનો આ જબરજસ્ત વળાંક છે. શોનો ટાઈમ થઈ ગયો છે. થિયેટર પર જઈને રાજુ રોઝીને જુએ છે. રોઝી રાજુને જુએ છે પણ ત્યાં જ રોઝીને કહેવામાં આવે છે, “મૅડમ કર્ટન ખુલ ચૂકા હૈ…

સ્ક્રિપ્ટ રાઈટરની આ ખૂબી છે. પરિસ્થિતિમાં અર્જન્સી ઉમેરવા માટે ‘મૅડમ કર્ટન ખુલ ચૂકા’ હૈ સંવાદ મૂકી દીધો જેથી જે કંઈ વાત થવાની હોય તે ગીતો પતી ગયા પછી થાય.

વાયોલિન, તબલાં, સિતાર અને ઘૂંઘરુના ઈન્ટ્રો મ્યુઝિક સાથે જોશભેર ગીત શરૂ થાય છે:

મોસે છલ કિયે જાય સૈયાં બેઈમાન

વહીદાજી આ ગીતમાં એક પ્રેમિકા તરીકેની તમામ વ્યથા ઠાલવી દે છે. જે વ્યક્તિને તમે આખી જિંદગી સોંપી દીધી હોય એ તમારી સાથે આટલી નાની રકમ માટે છેતરપિંડી કરે જ કેવી રીતે? માર્કો પાસે રોઝીનાં જે ઘરેણાં હતા તે બૅન્કના લૉકરમાં હતાં અને એ લૉકર ઉઘાડવા માટે રોઝી-માર્કો બેઉની સહીની જરૂર હતી. વકીલ દ્વારા આ કાગળિયા રાજુના હાથમાં આવે છે ત્યારે વકીલ કહે છે પણ ખરો કે માર્કો આ પચીસ-ત્રીસ હજારની કિંમતનાં ઘરેણાં રોઝીને આપી દેવા માગે છે. ૧૯૬૬ની સાલમાં આ ફિલ્મ આવી હતી. ત્યારના સોનાના ભાવ ગૂગલ સર્ચ કરશો તો મળી જશે. આજે આટલા રૂપિયામાં એક તોલા કરતાંય ઓછું સોનું આવે. એ વખતે-૧૯૬૬માં સોનાનો ભાવ માંડ સો રૂપિયે તોલા જેવો હતો. વિચ મીન્સ કે લગભગ ૩૦૦ તોલા જેટલું સોનું માર્કો પોતાનાથી સેપરેટ થઈ ગયેલી વાઈફને આપી દેવા માગતો હતો. આજના ભાવે લગભગ એક કરોડ રૂપિયાનો માલ થાય. તમે સમજી શકો છો કે માર્કો પોતાને છોડીને પરપુરુષ પાસે જતી રહેલી પત્નીને આટલી બધી સંપત્તિ આપી દેવાનો હોય તો તમે જો એ પરપુરુષ હો તો તમને શું વિચાર આવે? માર્કો પોતાની બિછડી હુઈ પત્ની વાપિસ પોતાની તરફ આકર્ષવાની કોશિશ કરી રહ્યો છે. એક્ઝેટલી. રાજુ ગાઈડના દિમાગમાં પણ આ જ વિચાર આવી ગયો. રોઝી મને છોડીને માર્કો પાસે પાછી જતી રહેશે તો? – આ ઈનસિકયોરિટીને લીધે કાગળિયા પર રોઝીની સહી લેવાને બદલે દેવસા’બ રોઝીની નકલી સહી કરીને વકીલને કાગળિયું પાછું મોકલી આપે છે. રાજુની બનાવટી સહી પકડાઈ જાય છે. રોઝી પણ કહે છે કે એ સહી મારી નથી, કોઈએ ખોટી સહી કરી છે. પિક્ચરમાં કે આર. કે. નારાયણે લખેલી નૉવેલમાં પણ ક્યાંય એવું કારણ આપવામાં નથી આવ્યું કે રોઝીએ રાજુને બચાવી લેવા માટે જુઠ્ઠું કેમ ના કહ્યું કે ‘હા, આ સહી મારી જ છે.’ રોઝીએ એવું કેમ માની લીધું કે જેણે પોતાની માને છોડી છે, દુનિયાની બદનામી વહોરી છે એ માણસ ફ્રોડ છે? રોઝીએ જો એક વખત જુઠ્ઠું બોલીને રાજુને કોર્ટ કેસના લફરામાંથી બચાવી લીધો હોત તો પણ એની પાસે એ વિકલ્પ તો હોત જ કે જો રાજુ ફ્રોડ હોય તો એને છોડી દેવાનો, પોતાની જિંદગીમાંથી દૂર કરી દેવાનો – જે માણસ પર તમે તમારી જિંદગીની તમામ કમાણીની બાબતમાં વિશ્ર્વાસ કરતા હો એ પચ્ચીસ-ત્રીસ હજારના દાગીના માટે જો તમારી સાથે છેતરપિંડી કરે તો એ વિશ્ર્વાસઘાત જ કહેવાય. એની સાથે તમે ન તો કોઈ પ્રોફેશનલ સંબંધ રાખી શકો, ન કોઈ પર્સનલ. 

પણ રાજુ હકીકતમાં એવો નથી જેવો રોઝીબહેને ધારી લીધો છે. રાજુ બિચારાને ગાંધીજીની ફિલોસોફીનો ખ્યાલ નહીં હોય કે સાધ્યની જોડે જોડે સાધનશુદ્ધિ પણ રાખવી જોઈએ જીવનમાં. લક્ષ્ય પવિત્ર હોય તે પૂરતું નથી, એ લક્ષ્ય સુધી પહોંચવા તમારા પ્રયત્નોમાં પણ ચોખ્ખાઈ, શુદ્ધતા હોવા જોઈએ. એક ગાઈડની અક્કલ ચાલી ચાલીને કેટલી ચાલે. બાકી ખોટી સહી કરવા પાછળનો એનો આશય માત્ર એટલો જ હતો કે રોઝી પોતાને છોડીને પાછી માર્કો પાસે જતી રહે એવી કોઈ શક્યતા ઊભી થવાની હોય તો તે શક્યતા જન્મે એ પહેલાં જ એને ભૂંસી દઈએ. રાજુની જગ્યાએ તમે હોત તો? કદાચ એવું જ કર્યું હોત, કારણ કે નવલકથામાં નહીં પણ ફિલ્મમાં તો રોઝી રાજુને જ્યારે જેલની સજા પડે છે ત્યારે એની મુલાકાતે જઈને કહે છે કે: રાજુ, મને જો ખબર હોત કે આવું થવાનું છે તો મેં જુઠ્ઠું બોલીને તને બચાવી લીધો હોત. 

પણ આ બધું રોઝીબહેનનું રાંડ્યા પછીનું ડહાપણ હતું. ઢોળાયેલા દૂધ પરનો અફસોસ હતો. બાજી હજુ હાથમાં હતી ત્યારે જ રોઝીએ કોર્ટમાં જઈને જાહેર કર્યું હોત તો રાજુ નિર્દોષ છૂટી જાત. 

પણ જો – તોની શક્યતાનો રિયલ લાઈફમાં જેટલી હોય છે એટલી ફિક્શનમાં પણ હોવાની. રાજુ નિર્દોષ છૂટ્યો હોત તો નવલકથા અને ફિલ્મ ત્યાં જ પૂરાં થઈ જાત. અને ખરી મઝા તો આ વાર્તાની ક્લાઈમેક્સમાં છે, જે આવવાની હજુ બાકી છે – ક્લાઈમેક્સનાં ગીતો પણ બાકી છે. 

‘મોસે છલ કિયે જા’ ગીત તમે ધ્યાનથી સાંભળશો તો એમાં કેટલેક ઠેકાણે શબ્દને બદલે ‘નિ, નિ, નિ રે રે, ગ ગ, મ મ, પ, ધ, ની સા’ જેવી સરગમ મૂકવામાં આવી છે. કવિ સહેલાઈથી ત્યાં રાજુના કૃત્યને કોસના આકરામાં આકરા શબ્દો મૂકીને ગીત લખી શક્યા હોત. ‘મન કા હૈ બૈરી કાલા’ જેવા શબ્દો મુકાયા જ છે. ‘પ્રીત મોરી પલ પલ રોયે’ જેવી વેદના પણ તીવ્રપણે વ્યક્ત થઈ છે. છતાં અમુક જગ્યાએ શબ્દો, વિશેષણો છોડીને સરગમનો સહારો લેવાયો છે. શું કામ? મને લાગે છે કે કવિ કહેવા માગે છે કે રોઝીની આ વ્યથા એટલી બધી ગહરી છે કે એને વ્યક્ત કરવા હવે કોઈ શબ્દો રહ્યા જ નથી. શૈલેન્દ્રના દિલમાં આવું કંઈક હશે કે નહીં એ તો એમનો આત્મા જ જાણે પણ શબ્દોની જગ્યાએ ‘નિ, નિ, સા, સા’ આવે છે ત્યારે આપણે કલ્પી શકીએ છીએ કે રોઝી રાજુને શું નું શું સંભળાવવા માગતી હશે પણ એવું બોલવામાં એને સંસ્કારિતા આડે આવતી હશે. બાકી, બીટવીન ધ લાઈન્સ તમે એમાં યુ સન ઑફ અ બીચ અને એના કરતાંય આકરા જાહિલ શબ્દો સાંભળી શકો છો. 

રોઝીની આ ‘ગાળાગાળી’ પૂરી થયા પછી તરત જ દેવ આનંદ શરૂ કરે છે: 

ક્યા સે ક્યા હો ગયા બેવફા તેરે પ્યાર મેં

ચાહા ક્યા, ક્યા મિલા…

આ સિચ્યુએશનમાં આમેય આપણી બધી જ સિમ્પથી દેવસા’બ જોડે છે એટલે રોઝીને એ જ્યારે ‘બેવફા’ કહે છે ત્યારે આપણે પણ મોહમ્મદ રફી સાથે ગાતાં ગાતાં આ શબ્દ વખતે કચકચાવીને ગાઈએ છીએ: બેવફા… આ… આ… આ તેરે પ્યાર મેં.

અને પછી આશ્ર્વાસન લઈએ છીએ કે: 

ચલો, સુહાના ભરમ તો ટૂટા

જાના કે હુસ્ન ક્યા હૈ…

આ પંકિત વખતે દેવ આનંદને બેકગ્રાઉન્ડમાં રાખીને ફોરગ્રાઉન્ડમાં વહીદાજી દેખાય છે તે માર્ક કરજો, એમના સ્મુધ સ્ટેપ્સમાં એ કઈ રીતે સરકી રહ્યા છે તે જો જો. જાણે સમુદ્રમાં આવેલી ભરતી હવે ધીમે ધીમે ઓટ તરફ જઈ રહી છે. 

દિલને ક્યા ના સહા, બેવફા તેરે પ્યાર મેં

‘બેવફા’ શબ્દ હવે વારંવાર આવવાનો છે, જિંદગી આખી એ શબ્દનું રટણ થવાનું છે, કારણ કે ‘તેરે મેેરે દિલ કે બીચ અબ તો સદીયોં કે ફાસલે હૈ… યકીન હોગા કિસે કિ હમતુમ એક રાહ સંગ ચલે હૈ…’ 

હવે આનાથી વધારે શું થવાનું હતું? એ મૂડમાં દેવ આનંદનું આ ગીત પૂરું થાય છે પછી બૅક સ્ટેજમાં એ રોઝીને મળે છે: રોઝી પૂછે છે કે તેં આવું કેમ કર્યું, રાજુ? પૈસાની જ જરૂર હતી તો મને કહ્યું હોત. મેં મારા દાગીના, ઘર બધું જ વેચી દીધું હોત. 

રાજુ કહે છે: સમઝતા થા, કોઈ સમઝે ના સમઝે, રોજી ઝરૂર સમજ જાયેગી. સમજ હી દેખો કિતની નાસમજ નીકલી. 

રોઝી કહે છે: સચ તો યે હૈ રાજુ, ન મૈં તુમ્હેં સમઝી ન તુમ મુઝે સમજી…

રાજુ પર ફ્રોડનો આક્ષેપ પુરવાર થાય છે અને એને ઈન્ડિયન પીનલ કોડની કલમ ૪૧૭ હેઠળ જાલી

દસ્તખત કરવાના જુર્મમાં દો સાલની સજા થાય છે. 

જેલની મુલાકાત વખતે રોઝી અફસોસ કરે છે કે તને બચાવી લેવા માટે હું એક જુઠ્ઠાણું પણ ન બોલી શકી!

દેવ આનંદના મોઢે હવે જબરજસ્ત સંવાદ મુકાય છે: દોષ મારો જ હતો, રોઝી! શોહરત તુમ્હેં મિલી સર મેરા ઘૂમ ગયા. હોશ આયા તો દેખા જેલ મેં હૈ…

રોઝીને લાગે છે કે બે વરસ જોતજોતામાં વીતી જશે પછી નવેસરથી (નવા સિરાથી, નવા છેડાથી) જિંદગી શરૂ કરીશું. પણ કુદરતે કંઈક જુદું જ લખી રાખ્યું છે રોઝીના જીવનમાં, રાજુના જીવનમાં. આપણા સૌના જીવનમાં. આવતા રવિવારે પૂરું. 

કાગળ પરના દીવા

અંદર અંદર સળવળતી એક ઘટનાથી શરૂઆત કરું તો તમને એમાં વાંધો છે કંઈ?

ઠરી ગયેલી ફૂંક ફરી પેટાવી ઝંઝાવાત કરું તો તમને એમાં વાંધો છે કંઈ? 

– સંજુ વાળા

સન્ડે હ્યુમર

પકો: તેં ડાયેટિંગ શરૂ કર્યું હતું. શું થયું, વજન ઘટ્યું. 

બકો: હું તો વજન ઘટાડવા ઈચ્છું છું પણ આ વજન છે જે ઘટવા ઈચ્છતું નથી… શું આને જ લોકો એકતરફી પ્યાર કહેતા હશે!

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here