‘શું કરવું’ છે એના કરતાં વધુ અગત્યનું છે ‘કેવી રીતે’ કરવું છે

તડકભડક : સૌરભ શાહ

(‘સંદેશ’,’સંસ્કાર’ પૂર્તિ, રવિવાર, ૧૦ નવેમ્બર ૨૦૧૯)

કોઈ આપણને પૂછે કે લાઈફમાં તમારો ગોલ શું છે, અંતિમ ધ્યેય શું છે? જીવનમાં તમે શું કરવા/મેળવવા માગો છો? તો શું જવાબ આપીશું?

મારે ખૂબ પૈસા બનાવવા છે. મારે ખૂબ ફેમસ થવું છે. મારે સુખ મેળવવું છે. મારે શાંતિ પ્રાપ્ત કરવી છે. મારે લાંબુ જીવવું છે. મારે તંદુરસ્ત રહેવું છે. મારે માબાપનું ઋણ અદા કરવું છે. મારે સમાજ માટે/દેશ માટે/માનવ જાત માટે ઉપયોગી બનવું છે. મારે આ સમસ્ત વિશ્વનું કલ્યાણ કરવું છે.

આ કે આવા બીજા અનેક જવાબો આપણી પાસે તૈયાર હોવાના. આપણે માની લીધું છે કે આ જવાબ આપણી લાઈફના ગોલ માટે ક્‌લેરિટી છે. આપણે એકદમ સ્પષ્ટ છીએ કે આપણને જિંદગી પાસે શું જોઈએ છે.

આમ છતાં આપણને આપણું ધાર્યું મળતું કેમ નથી? ગોલ તો સેટ કરી લીધો. રોજ કામ પણ કરીએ છીએ. વર્ષોથી મંડી પડ્યા છીએ. છતાં લક્ષ્યની જરાક નજીક પણ આવ્યા નથી. આવું કેમ થતું હોય છે?

મને લાગે છે કે ધ્યેયને જે શબ્દોમાં આપણે મૂકીએ છીએ એમાં આપણી ભૂલ છે. મારે પૈસાદાર બનવું છે પણ કેવી રીતે? આ ‘કેવી રીતે’ શબ્દો અતિ મહત્વના છે. મારે પ્રસિધ્ધ બનવું છે પણ કેવી રીતે? મારે સુખી થવું છે પણ કેવી રીતે?

આ ‘કેવી રીતે’નો જે જવાબ મળે તે તમારો રિયલ ગોલ છે. મારે પૈસાદાર બનવા માટે લાસ વેગાસ જઈને ત્યાંના કસિનોમાંથી કમાણી કરવી છે કારણ કે જુગાર રમવામાં હું એક્‌સપર્ટ છું. તો મારો ગોલ થયો લાસ વેગાસના કસિનોમાં જવાનો. આટલી સ્પષ્ટતા હોય એ પછી હું આગળ વિચારી શકું. પૈસા બનાવવા માટે મારે પાનની દુકાન ખોલવી છે કારણ કે મારા જેવું પાન આ દુનિયામાં બીજું કોઈ નથી બનાવી શકતું એવું ગામ આખું કહે છે. તો હવે મારે મારી પોતાની માલિકીની દુકાન કરવી છે. પછી એ દુકાનના નામની ફ્રેન્ચાઈઝ આપીને ડબલ કમાણી કરવી છે. આવતાં ત્રણ વર્ષમાં ગુજરાતભરમાં મારે સો ફ્રેન્ચાઈઝ આપવી છે.

માત્ર ‘પૈસાદાર બનવું છે’ એ કંઈ ગોલ ન થયો. ‘કેવી રીતે’ પૈસાદાર બનવું છે એની સ્પષ્ટતા હોવી જોઈએ. મારે સુખી થવું છે એ કંઈ ગોલ ન થયો. ‘કેવી રીતે’ સુખી થવું છે એનો જવાબ મેળવવો જોઈએ અને પછી એ રસ્તે આગળ વધવું જોઈએ.

જિંદગીમાં મૂંઝવણો, અસ્પષ્ટતાઓ અને ગેરસમજો સર્જાયા કરવાનું કારણ શું? આપણને આપણી જાતને પ્રશ્નો પૂછતાં નથી આવડતું. પ્રશ્નો પૂછ્યા હશે તો એના જવાબો મળશે, વિકલ્પો મળશે. એ વિકલ્પોમાંથી કોઈ એકને પસંદ કરીને આગળ વધવાનો માર્ગ સૂઝશે.

ઈચ્છાઓ અને સપનાંઓ સૌ કોઈને હોય. પણ એને પૂરાં કરવા માટેની કોઈ સ્પષ્ટતા ન હોય, બધું ધુમ્મસમય દેખાતું હોય ત્યારે જાતને પ્રશ્નો પૂછવા પડે. તમને જિંદગીમાં પ્રેમ જોઈએ છે? પહેલી વાત તો એ કે તમારી દૃષ્ટિએ પ્રેમ એટલે શું? લિસ્ટ બનાવો. પછી નક્કી કરો કે આ લિસ્ટમાં જેટલી આયટમો છે એ બધું તમારા પોતાનામાં છે? જો ન હોય તો તમે કેવી રીતે આશા રાખી શકો કે બીજા કોઈમાં એ જે છે તે તમને આપી દે? તે તમને એ નહીં આપી બીજી કોઈ વ્યક્તિ જેનામાં એ છે તેને આપશે, અને બદલામાં એવું જ મેળવશે. સમજ્યા? તમને પ્રેમમાં વફાદારી જોઈએ છે, દાખલા તરીકે તમારા પોતાનામાં એ ગુણ હન્ડ્રેડ પર્સેન્ટ છે? તો તમે એવા ગુણ ધરાવતી વ્યક્તિ પાસેથી વફાદારીની આશા રાખો એ વાજબી છે. પણ તમે પોતે જ જો પચાસ લફરાં કરતાં હો, જ્યાં ત્યાં હાથ મારતા હો, સતત ચાન્સ શોધતા રહેતા હો તો પછી સામેની વ્યક્તિ પોતાની વફાદારી તમને શું કામ આપે? એવી વ્યક્તિને ન આપે જેનામાં એણે એ ગુણ જોયો હોય?

પ્રેમની તો એક વાત છે. પૈસો, પ્રસિધ્ધિ, સુખ, શાંતિ વગેરે જે કંઈ જોઈતું હોય તે કેવી રીતે પ્રાપ્ત કરવું છે એની સ્પષ્ટતા ન હોય તો તમારું જીવન હેતુવિહીન છે એવું માનવું. ભટકી જવાય હેતુવિહીન જિંદગી જીવીને. ભટકી જવાય સતત આપણાં જીવનલક્ષ્યો બદલતા રહીએ તો.

કોઈનું નુકસાન ન કરે એવો કોઈ પણ ગોલ આદરણીય છે. આવું લક્ષ્ય સેટ થઈ ગયા પછી જિંદગી જીવવાની મઝા દ્વિગુણિત થઈ જતી હોય છે. અને હવે આપણને ખબર છે કે જિંદગીમાં ગોલ સેટ કરવાનો મતલબ છે ‘કેવી રીતે’ એ લક્ષ્ય સુધી પહોંચવું છે એનો જવાબ મેળવવાની મથામણ કરવી. આ મથામણના અંતે ઘણી ભ્રમણાઓ દૂર થઈ જવાની અને એના અંતે જે કંઈ બચવાનું છે તે આપણે ક્યા માર્ગે ચાલવાનું છે એનો નકશો છે, આજે આવતીકાલે અને પાંચ વર્ષ પછી કે દસ-પંદર-પચ્ચીસ વર્ષ પછી આપણે શું કરતા હોઈશું એનું ટ્રેલર છે.

પાન બનાર્સવાલા

તમારું ઓજાર કાટ ખાઈને નકામું થઈ જાય એને બદલે ઘસાઈને નકામું થઈ જાય તે લાખ દરજ્જે સારું.

_અજ્ઞાત.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here