અયોધ્યા પછીના એકત્રીસ દિવસ

ગુડ મૉર્નિંગ – *સૌરભ શાહ*

( શનિવાર, 8 ડિસેમ્બર 2018)

પુરુષોત્તમ લક્ષમણ દેશપાંડે મરાઠી સાંસ્કૃતિક જગતનું ખૂબ મોટું નામ. પુ.લ.દેશપાંડે લેખક,નાટ્યકાર અને સંગીતકાર તરીકે મરાઠી માણૂસના ઘરમાં–દિલમાં વસી ગયા હતા અને ૨૦૦૦ની સાલમાં ૮૦ વર્ષનું આયુષ્ય પૂરુ કર્યા બાદ હજુ પણ રાજ કરે છે. ચોથી જાન્યુઆરી ૨૦૧૯ના દિવસે મહેશ માંજરેકરે પુ.લ. પર બનાવેલી બાયોપિક રિલીઝ થવાની છે. પુ.લ.નાં પત્ની સુનીતા દેશપાંડે. સુનીતા તાઈએ પોતાના દામ્પત્યજીવનના કડવા-મીઠા પ્રસંગો વર્ણવતી આત્મકથા લખી છે ‘આહે મનોહર તરી‘. સુરેશ દલાલે એનો ગજબનો સાહજિક અનુવાદ કર્યો છે ‘મનહર છે તો પણ…’ એક જમાનામાં મેં આ દંપતિ વિશે એક લેખ લખ્યો હતોઃ ‘પતિ દેશપાંડે, પત્ની ઉપદેશપાંડે.’

આ એ જમાનાની વાત છે. રવિવારનો દિવસ હતો. મૌજ પ્રકાશને નરીમાન પોઈન્ટ પરના યશવંતરાવ ચવ્હાણ ઑડિટોરિયમના સંકુલમાં ત્રીજા માળે આવેલા સેમિનાર હૉલમાં ‘આહે મનોહર તરી’ પુસ્તક વિશે એક ગોષ્ઠી રાખી હતી જેમાં સુનીતા દેશપાંડે અધ્યક્ષ સ્થાને હતાં. આમંત્રણ મેળવવા માટે પડાપડી હતી પણ સમહાઉ આય મેનેજ્ડ. વહેલી સવારથી લંચટાઈમ સુધી સેમિનાર ચાલ્યો. મેં પણ એક શ્રોતા તરીકે એમાં ભાગ લીધો. હું બોલવા ઊભો થયો ત્યારે પહેલા ત્રણ વાક્યો મરાઠીમાં બોલીને જણાવ્યું કે, ‘હું મુંબઈકર છું, જન્મથી મુંબઈમાં જ ઉછર્યો છું, રહ્યો છું. મરાઠી સરસ રીતે સમજી શકું છું, વાંચી શકું છું, માણી શકું છું પણ મારા કમનસીબે મને સારી રીતે મરાઠી બોલતાં નથી આવડતું એટલે હું મારી માતૃભાષા ગુજરાતીમાં જ પાંચ મિનિટ આ પુસ્તક વિશે બોલીશ.’ આટલું કહીને હું ગુજરાતીમાં બોલવાનું શરૂ કરું તે પહેલાં જ મરાઠી શ્રોતાઓએ તાળીઓના ગડગડાટથી મને વધાવી લીધો.

સેમિનાર પૂરો થયા પછી લંચ હતું જે સ્કિપ કરીને હું ત્યાંથી વૉકિંગ ડિસ્ટન્સ પર આવેલા એક્સપ્રેસ ટાવર્સના બીજા માળે ઝડપી પગલે પહોંચી ગયો. ૧૯૯૨નું વર્ષ. સેલફોન તો હતા નહીં. ડિસેમ્બરનો મહિનો. બપોરે એક વાગ્યે ગુલાબી ઠંડી હતી. તારીખ છઠ્ઠી હતી એટલે જાણવાની ચટપટી હતી કે આજે અયોધ્યામાં જે થવાનું હતું તેનું શું થયું. બીજા માળે ‘સમકાલીન’ની ઑફિસ હતી જેના સ્થાપક તંત્રી હસમુખ ગાંધીએ એપ્રિલ ૧૯૮૩માં મારા જેવા જુનિયરને એમનો નંબર ટુ નીમીને ૧૪ જાન્યુઆરી ૧૯૮૪થી ન ભૂતો, ન ભવિષ્યતિ જેવું આ પથદર્શક ગુજરાતી દૈનિક શરૂ કર્યું હતું. ૧૯૯૨ના ઘણાં વર્ષ પહેલાં હું ‘સમકાલીન’ છોડી ચૂક્યો હતો પણ ૧૯૯૧ની આસપાસ ગાંધીભાઈના કહેવાથી મેં એમાં અઠવાડિયે ત્રણ કૉલમ લખવાનું શરૂ કર્યું હતું અને એકાદબે વર્ષ પછી આ ત્રણ ઉપરાંત એક ડેઈલી કૉલમ પણ શરૂ કરી હતી.

‘સમકાલીન’ની ઑફિસમાં સન્નાટો હતો. ટી.વી પર દૂરદર્શનની ચેનલ ચાલુ હતી. બાબરી ઈમારતના ઢાંચાનો પ્રથમ ગુંબજ તોડી પાડવામાં આવ્યો હતો. થોડા જ કલાકોમાં બાકીના બે ગુંબજ સહિતની સમગ્ર ઈમારત ધ્વસ્ત કરી દેવામાં આવી. સૌ કોઈ સ્તબ્ધ થઈને જોતું રહ્યું. ઑફિસના ફોન રણકવા લાગ્યા. શહેરમાં કરફ્યુ જેવી શાંતિ હતી, લોકો ઘરની બહાર નીકળતાં અચકાતા હતા. દૂરના ઉપનગરોમાં રહેતા ‘સમકાલીન’ના સ્ટાફના કેટલાક સભ્યોએ આજે નહીં આવી શકાય એવો સંદેશો આપીને કેઝ્યુઅલ લીવ લઈ લીધી હતી. આમેય રવિવારના દિવસે દૈનિક છાપાની ઑફિસમાં સ્ટાફ વીક ડેઝ કરતાં ઓછો જ હોવાનો. પણ આજે તો સાવ ઓછો હતો. ઉપરથી આટલા મોટા સમાચાર. કામનું ભારે દબાણ. ગાંધીભાઈના કહેવાની રાહ જોયા વગર હું બાંયો ચડાવીને ડેસ્ક પર બેસી ગયોઃ ‘લાવો, ટ્રાન્સલેશનનું કામ આપતા જજો.’ ટેલિપ્રિન્ટર પર ધડાધડ ટેક્સ આવતા જતા હતા. ગાંધીભાઈ પોતે ન્યુઝ એડિટરનું કામ કરીને તારનું સોર્ટિંગ કરીને અમને કામ વહેંચતા જતા હતા. મોડી રાતે પાનાં બનાવીને ભોંયતળિયે આવેલા પ્રેસમાં નેગેટિવ-પોઝિટિવ પહોંચાડી દીધા પછી થોડીક મિનિટોમાં પ્રેસ ચાલુ થવાનો ધમધમાટ સંભળાયો એટલે અમે સૌ પોતપોતાની તાજી નકલ મેળવીને વાતોએ ચડ્યા. ચર્ચગેટથી ઉપડતી છેલ્લી ટ્રેન તો ક્યારની નીકળી ચૂકી હતી. હવે ચાર ને વીસની પહેલી લોકલ પકડવાની હતી. ટ્રેન પકડીને અમે સૌ દાદર ઊતર્યા. ગાંધીભાઈએ અમને સૌને દાદર વૅસ્ટના પ્લેટફોર્મ બહાર મળતી ફેમસ ચોકલેટી ચા પીવડાવી. ત્યાંથી જ એ દિવસનાં બીજાં કેટલાંક છાપાંઓ ખરીદ્યાં. પાછી ટ્રેન પકડીને અમે સૌ પોતપોતાને ઘરે પહોંચ્યાં.

ઘરે પહોંચીને ઊંઘ આવે એમ નહોતું. છાપાં વાંચીને મગજ ફાટફાટ થતું હતું. ‘સમકાલીન’એ જે બાબરીને હેડિંગમાં જર્જરિત ઢાંચો ગણાવ્યો હતો તેને બીજાં અંગ્રેજી-હિન્દી-મરાઠી છાપાંઓએ ‘બાબરી મસ્જિદ’ ગણાવી હતી. તે વખતે ઈન્ટરનેટ નહીં એટલે હું મદ્રાસથી ‘હિન્દુ’, કલકત્તાથી ‘ટેલિગ્રાફ’, બૅન્ગલોરથી ‘ડેક્કન હેરાલ્ડ’ અને દિલ્હીથી ‘હિન્દુસ્તાન ટાઈમ્સ’ પણ રોજ મગાવતો જે મોડેથી સવાર સુધીમાં બાય એર મુંબઈમાં ચર્ચગેટના એ.એચ.વ્હીલરના સ્ટોલ પર આવી જતાં અને બપોર પછી મારા સુધી પહોચતાં. દેશભરનાં છાપાંઓએ ‘બાબરી મસ્જિદ’ના નામે કકળાટ કરીને હિન્દુઓને અને હિન્દુત્વને હંટરે હંટરે ફટકાર્યાં હતાં. આખી રાત ઊંઘ ન આવી. મનમાંને મનમાં સમસમીને વિતાવી. બીજે દિવસે, મંગળવાર ૮મી ડિસેમ્બરે મેં ‘સમકાલીન’માં બુધવારે પ્રગટ થતી મારી કૉલમ માટે એક લેખ લખ્યો. લખી લીધા પછી લાગ્યું કે બહુ જલદ છે અને કોમી ઉશ્કેરણીની દહેશતથી કદાચ ગાંધીભાઈ નહીં છાપે. દરેક લેખ તે વખતે, મારી સાથે કામ કરનારો મારા મેનેજર જેવો મારો પ્યૂન રૂબરૂ જઈને ‘સમકાલીન’ની ઑફિસે આપી આવે. ફેક્સ આવી ગયેલા પણ મશીન મોંઘા હતા જે પોસાય એમ નહીં. એસટીડીની દુકાનેથી કરવા જઈએ તો પર પેજનો ભાવ એટલો બધો કે એના કરતાં હું ટેક્સીમાં જઈને પાછો આવું તો સસ્તું પડે.

એ લેખ આપવા હું પોતે ટ્રેનમાં ‘સમકાલીન’ની ઑફિસે ગયો. ગાંધીભાઈને આપ્યો. એમણે કહ્યું કેઃ મને શું આપો છો, ડાયરેક્ટ ટાઈપસેટિંગમાં જ આપી દો.

મેં કહ્યુંઃ તમે વાંચી જાઓ, કાલ ઊઠીને કોઈ ‘સમકાલીન’ની ઑફિસે મોર્ચો લાવીને તોડફોડ ના કરે.

ગાંધીભાઈએ હસીને મારા લેખનું મથાળું વાંચ્યું. પહેલાં પાના પર નજર ફેરવી, પાનું ઊંચકીને બીજું પાનું જોયું પછી પોતે જે લખી રહ્યા હતા તે પાનાં મારા તરફ કર્યાં અને ઘંટડી મારીને પ્યૂનને બોલાવી મારો લેખ ટાઈપસેટિંગ માટે મોકલી દીધો. મેં જોયું કે મેં જે સ્ટાન્સ લીધો હતો એના કરતાં ચાર ચાસણી ચડે એવા તેજાબથી ગાંધીભાઈએ પોતાનો તંત્રીલેખ શરૂ કર્યો હતો.

બુધવાર ૯મી ડિસેમ્બરે ‘સમકાલીન’ના પહેલા પાને ગાંધીભાઈનો તંત્રીલેખ છપાયો, અંદરના એડિટોરિયલ પેજ ઉપર મથાળેથી મારો લેખ છપાયો: ‘કોનું ઝનૂન વધારે ખતરનાક: કોમવાદનું કે દંભી બિન સાંપ્રદાયિકતાનું?’

‘સમકાલીન’એ જે છાપ્યું તે મતલબનું છાપનારા ભારતભરમાં બહુ જૂજ અખબારો હતા. બાબરી ઈમારતને મસ્જિદ નહીં પણ જર્જરિત ઢાંચો કહીને ૭મી ડિસેમ્બરે હેડ લાઈન બનાવનારા પણ બહુ જૂજ છાપાંઓ હતાં. મને યાદ છે કે બાબરી તૂટવાના થોડાક જ દિવસમાં, લગભગ તો એ જ અઠવાડિયે – કદાચ ૧૧ ડિસેમ્બર ૧૯૯૨ના રોજ ‘મુંબઈ સમાચાર’ના ફ્રન્ટ પેજ પર સેક્યુલરોની અગેઈન્સ્ટમાં અને હિન્દુ પ્રજાના માનસની તરફેણમાં એક લાંબો તંત્રીલેખ છપાયો હતો જેને બીજા ઘણા દૈનિકોએ પુનઃમુદ્રિત કર્યો હતો. ગુજરાતી વાચકોને આશ્ચર્ય થયું હતું પણ આનંદ ઘણો થયો હતો.

એ વખતે સેક્યુલર રાજકીય પંડિતો ચાન્સ મળે ત્યારે બાબરી મુદ્દે હિન્દુઓને ભાંડવાનું ચૂકતા નહીં. એમના તંત્રીલેખોમાં જ નહીં, વાચકોના પત્રોમાં સુધ્ધાં સેક્યુલરવાદનાં પૂર ઉમટતાં. આ બાજુ નગારખાનામાં પિપૂડી વગાડતાં હોય એમ થોડાક રડ્યાખડ્યા લેખકો-પત્રકારો હિન્દુત્વનું ઉપરાણું લઈને સેક્યુલરબાજોને ઉઘાડા પાડવાની કોશિશ કરતા પણ એ અવાજ ભાગ્યે જ કોઈ સાંભળતું.

મહિનો થવા આવ્યો. છઠ્ઠી જાન્યુઆરી ૧૯૯૩ નજીક આવવા લાગી. બાબરીની માસિક તિથિ. એ વખતે હું હિન્દી-મરાઠી-અંગ્રેજી અને અફકોર્સ ગુજરાતી ભાષાનાં કુલ ૧૯ દૈનિકો તથા ન્યૂઝ મૅગેઝિનો વાંચતો. કોણ શું કહે છે, કેવી રીતે કહે છે, કેવા પૂર્વગ્રહોથી કહે છે, કેવી રીતે વાચકોને ગુમરાહ કરે છે તે વાત વાચકોને પહોંચાડવાનો સમય થઈ ગયો હતો. દરેક પ્રકાશનનું નામ દઈને, દરેક મોટા માથાના સેક્યુલર તંત્રીઓને ક્વોટ કરીને ભારતના મીડિયા જગતનું મૉનિટરિંગ કરવાનો વખત થઈ ગયો હતો. ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ કહી ગયા હતા કે જ્યારે જ્યારે આ પૃથ્વી પર સેક્યુલરિયાઓના પાપનો ભાર વધી જાય ત્યારે ત્યારે હે વત્સ, તું મારા વતી મીડિયા મોનિટરિંગ કરજે.

છઠ્ઠી જાન્યુઆરીથી સળંગ દસ દિવસ સુધી મેં ‘સમકાલીન’માં તેમ જ ગુજરાતનાં કેટલાંક દૈનિકોમાં સિન્ડિકેટેડ થયેલી સિરીઝ લખીઃ ‘અયોધ્યા પછીના એકત્રીસ દિવસ.’

આ સિરીઝમાં મેં અનેક સેક્યુલરોનાં લૂગડાં ઉતારીને એમને નાગા કર્યા, એમના જ શબ્દો ક્વોટ કરીને. સેક્યુલરોની ફોજ સાથે એકલે હાથે રણમેદાનમાં ઊતરી પડ્યા પછી વાચકો મને એમના ખભે ઊંચકી લેતા રહ્યા છે અને સેક્યુલરો મને લોહીલુહાણ કરતા રહ્યા છે. હું માનું છું કે મારી અંદર બે પક્ષી(એ કોણ બોલ્યું કે બે પક્ષી જ નહીં, એક બક્ષી પણ) વસે છે. એક જટાયુ છે જે જાણે છે કે અસત્ય સામે લડવાનું છે, ઘાયલ થવાનું છે, લોહીલુહાણ થઈને મોતને ભેટવાનું છે અને છતાં લડે છે, મૃત્યુને વરે છે. કારણ કે એને ખબર છે કે એ જ એનો સ્વધર્મ છે. કારણ કે એને ખબર છે કે એની સદ્ગતિ થવાની છે. કારણ કે એને ખબર છે કે ખુદ ભગવાનના હાથે એના અંતિમ સંસ્કાર થવાના છે.

બીજું પક્ષી દેવહુમા છે જે ગ્રીક દંતકથામાં ફિનિક્સના નામે જાણીતું છે. જે બળીને ખાખ થઈ ગયા પછી પોતાની જ રાખમાંથી ફરી બેઠું થાય છે, પુનર્જીવિત થાય છે. ગ્રીકમાં એ દંતકથા હશે પણ મારા માટે એ આત્મકથા છે.

વધુ કાલે.

આજનો વિચાર

ઘર તો હતાં અનેક ને ઝાંપા હતા અનેક,
તોય આશરાના આપણે ફાંફાં હતા અનેક
એકાદ ડગની દૂર પણ કપી શકાઈ નૈં,
એકાદ ડગના માર્ગમાં ફાંટા હતા અનેક.

— અનિલ ચાવડા

એક મિનિટ

બકાના ક્લાસમાં ભણતી એક છોકરી સામે જ બકાનાં લગ્ન ગોઠવાયાં. ગોળધાણા ખાધા પછી બીજા દિવસે બકીને થિએટરમાં પિક્ચર બતાવવા લઈ ગયેલા બકાએ પૂછ્યુંઃ ‘મારામાં એવું તે શું જોયું તેં કે તું મારા પર ઓળઘોળ થઈ ગઈ?’

બકીએ પૉપકૉર્નના ટબમાંથી મુઠ્ઠી ભરતાં શરમાઈને કહ્યુંઃ ‘જ્યારે આપણે એનસીસીના કૅમ્પમાં ગયાં હતાં ત્યારે મેં તમને કપડાં ધોતાં, વાસણ માંજતાં અને કચરો વાળતાં જોયા હતા…’

10 COMMENTS

  1. જોરદાર સૌરભભાઈ
    બે પક્ષી (બક્ષી)
    આજનો વિચાર
    જય શ્રી કૃષ્ણ

  2. Very nice article Saurabhbhai. Can you please share your old article again. Would definitely like to read it .

  3. તલવાર કરતાં પણ તમારું કલમ યુદ્ધ
    અમને પોરસ ચડાવે તેવું છે. સંભવામિ
    યુગે યુગે.

  4. અદ્ભૂત સીવાય બીજા શબ્દો જડતાં નથી
    માફ કરશો

  5. Sir, once again thank you for your superb article.
    I was not able to read your old one. If possible sir, reproduce your article of 6th Jan.

  6. Dear Sir
    I can understand your sufferings by pseudo secular gang at that time. It was their prime time. Salute

  7. સૌરભભાઈ અદભુત તમારા અને ગાંધીભાઇ ના તે વખતના લગભગ દરેક આર્ટિકલસ માણ્યા છે તેમ છતાં આજે તમે જે માહોલ જમાવયો છે કે સમા બાંધ્યો છે તે આવનારા આર્ટિકલસ ની તડાફડી નો ઈનતઝાર રહેશે. આફરીન બોસ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here