(ગુડ મૉર્નિંગ : ચૈત્ર સુદ એકમ, ગુડી પડવો. ૨ એપ્રિલ ૨૦૨૨)
‘પરિવર્તન કે લિયે લંબે ચૌડે સમય કી આવશ્યકતા નહીં હૈ. એક ક્ષણ પર્યાપ્ત હૈ. આજ, અભી, ઇસી ક્ષણ મેં આપ અપને કો રૂપાંતરિત કર સકતે હૈં.’
સ્વામી રામદેવના આ શબ્દોને રૂબરૂ સાંભળવા માટે જ જાણે હું યોગગ્રામ આવ્યો હતો એવું લાગ્યું. ગઈ કાલે રાત્રે પહેલા દિવસનો લેખ પૂરો કરીને સૂતાંસૂતાં સાડા બાર વાગી ગયા. નક્કી કર્યું હતું કે અહીં સવારે ચાર વાગ્યે જાગી જવાનો નિયમ છે પણ હું સાડા ત્રણ વાગ્યે ઊઠી જઈશ. સાડા ત્રણનું એલાર્મ વાગતાં જ પથારીમાંથી ઊભો થઈ ગયો. યોગગ્રામમાં આ મહિનામાં બપોરે તો ભારે ગરમી હોય છે પણ બ્રાહ્મમુર્હૂતમાં એકદમ શીતળ વાતાવરણ – મુંબઈના શિયાળા કરતાં પણ શીતળ. અડધો કલાક ટહેલીને પાછો આવ્યો ત્યાં રૂમના ઇન્ટરકૉમ પર યોગગ્રામની ઑફિસમાંથી ફોન આવ્યો. જાગી જાઓ, ચાર વાગી ગયા છે!
સવારના રૂટિનમાં સૌ પ્રથમ તો આંખનું પ્રક્ષાલન કરવાનું હતું. ચિકિત્સા કક્ષમાં આઈ કપમાં ત્રિફળાના પાણીમાં આંખો ઝબોળીને ફેરવી. એ પછી જલનેતિ — સિંધવવાળું પાણી એક નસકોરમાં નાખીને બીજામાંથી બહાર કાઢવાનું. આ ક્રિયા કરતી વખતે શ્વાસ મોઢેથી લેવાનો. ચૂક થઈ જાય તો તકલીફ થાય. નવું નવું છે. શીખી જવાશે. નાસિકામાં જમા થયેલો કચરો સાફ થઈ જાય.
એ પછી કુન્જલ. ઝડપભેર પાંચેક ગ્લાસ ગરમ પાણી પીને પેટ દબાવી મોઢામાં બે આંગળી નાખીને વમન કરવાનું. ના ફાવ્યું. બેત્રણ પ્રયત્નો કરી જોયા પણ ટોટલી ફેઈલ. આવતી કાલે ફરી ટ્રાય કરીશું. મને લાગે છે કે અઠવાડિયા એકમાં પ્રેક્ટિસ થઈ જશે કરવું તો છે જ.
એ પછી બસ્તી લેવાની હતી. વાત-પિત્ત-કફ. આ ત્રણમાંથી મોટા ભાગના રોગ વાતજન્ય હોય છે અને વાતનું શમન કરવા બસ્તી, જેને અંગ્રેજીમાં એનીમા કહે છે તે અકસીર ઇલાજ છે. પણ સવા પાંચ વાગવા આવ્યા હતા અને ગાર્ડનમાં સ્વામી રામદેવનું આગમન થવામાં હતું.
ચાલતાં જવાય એટલું અંતર ઇલેક્ટ્રિક રિક્શામાં બેસીને કાપ્યું અને ગાર્ડનમાં પહોંચી ગયા. સ્વામીજી આવી ગયા હતા અને યોગાસન શીખવાડતાં શીખવાડતાં એમની પ્રજ્ઞાભરી વાણીનો પ્રવાહ સ્પીકર્સ પર સંભળાઈ રહ્યો હતો. ‘આસ્થા’ ચેનલની આઉટડોર બ્રૉડકાસ્ટિંગ (ઓ.બી.) વાન વટાવીને ગાર્ડનમાં પ્રવેશ કર્યો અને જે જગ્યા ખાલી દેખાઈ ત્યાં ગોઠવાઈ ગયા. હું તો સ્વામીજીની સૂચના પ્રમાણે યોગાસન કરવાનો પ્રયાસ પણ કર્યા વિના એમને જોઈ જ રહ્યો. છેલ્લા બે દાયકાથી ક્રમશઃ મારા જીવનમાં વણાઈ રહેલા એમના ભગીરથ કાર્યનાં પરિણામોથી પ્રભાવિત છું. પ્રત્યક્ષ દર્શન કરવાનો આ પહેલવહેલો પ્રસંગ. મારા માટે આજના ગુડી પડવાના દિવસની પવિત્રતા બમણી થઈ ગઈ મનોમન વંદન કરીને એમની અસ્ખલિત વાણીને સાંભળતો રહ્યો. સ્વામીજી બોલતાં બોલતાં સહેજ પણ રોકાયા વિના એક પછી એક આસનો શીખવાડતા જતા હતા અમે એમને જોવામાં અને સાંભળવામાં ઓતપ્રોત થઈ ગયા હતા.
ગઈ કાલે અમે તો અહીં સવારે અગિયાર વાગ્યે આવ્યા હતા. એ પહેલાં સ્વામીજી રોજની જેમ પાંચથી સાડાસાત યોગગ્રામવાસીઓને સંબોધીને, આસનોનો અભ્યાસ કરાવીને, એક અગત્યની મીટિંગ માટે દિલ્હી ગયા, દિલ્હીથી મુંબઈ અને મુંબઈથી પાછા દિલ્હી. ફ્લાઈટ મોડી હતી એટલે રાત્રે બાર વાગ્યે દિલ્હી ઊતર્યા. ત્યાંથી આજે પરોઢિયે ચાર વાગ્યે યોગગ્રામસ્થિત પોતાના નિવાસસ્થાને પહોંચ્યા. નહાઈધોઈને પાંચ વાગ્યે અમારા સૌની સમક્ષ હાજર. તમામ મહાન પુરુષો આ જ એનર્જીથી કામ કરતા હોય છે. થાક નહીં, કંટાળો નહીં. કર્મયોગીઓ છે આ સૌ.
ભારતમાં ગુડી પડવાના દિવસથી વિક્રમ સંવતનો આરંભ થાય છે. (ગુજરાતી કૅલેન્ડર મુજબ આ વર્ષની દિવાળી પછી, બેસતા વર્ષથી નવી વિક્રમ સંવત શરૂ થશે આપણે ગુજરાતીવાળું વર્ષ ફૉલો કરીએ છીએ – તિથિ તોરણ, તારીખના ડટ્ટા, પંચાગ વગેરે માં અને એટલે ‘ન્યુઝપ્રેમી’ પર પણ એ જ પ્રથા રાખી છે). ગુડી પડવા નિમિત્તે નવા વર્ષનો સંકલ્પ લેવા માટે સ્વામી રામદેવે કહ્યું : ‘ચરૈવેતિ ચરૈવેતિ.’
ઐતરેય બ્રાહ્મણનો ગ્રંથ ઋગ્વેદની ઋચાઓ પર આધારિત છે. એમાં ઇક્ષ્વાકુવંશના રાજા હરિશ્ચન્દ્ર પુત્ર રોહિતને પાંચ શ્લોક કહે છે જે દરેકના અંતિમ ચરણમાં ‘ચરૈવેતિ’ આવે છે. ત્રીજા અધ્યાયનો આ શ્લોક જાણીતો છેઃ જે મનુષ્ય બેઠો રહે છે એનું ભાગ્ય પણ બેસી રહે છે… જે ચાલતો રહે છે તેનું નસીબ ચાલતું રહે છે એટલે તમે ચાલતા રહો… ચરૈવેતિ…
‘ગ્રંથ’માં તંત્રી યશવંત દોશી દર મહિને ‘ચરૈવેતિ ચરૈવેતિ’ શીર્ષકથી કૉલમ લખતા. સ્વામી રામદેવ અર્થઘટન કર્યું કે જિંદગીમાં નવાં આરોહણ કરવાં તથા સોપાનો સર કરવા માટે ચરૈવેતિ, ચરૈવેતિ… સમ્યક મતિથી, સમ્યક ભક્તિથી, સમ્યક કૃતિથી, સમ્યક પ્રકૃત્તિથી આગળ વધતાં જવું એ જ આપણી સનાતન સંસ્કૃતિ છે અને એ જ પ્રગતિ છે’
સવારના પોણા છ થવા આવ્યા છે. અહીં આવ્યા ત્યારે અંધકાર હતો. હવે પૂર્વના આકાશમાં સુરખિ પથરાઈ રહી છે.
મુંબઈથી આવતી વખતે વડીલ પત્રકારમિત્રે જે વાત કરી હતી તેના અનુસંધાનમાં જ જાણે સ્વામીજીએ કહ્યું: ‘99.99 ટકા શક્તિ, સમય – બધું જ તમારી પોતાની જાતને કેળવવામાં વાપરવી બીજાઓની પંચાત નહીં કરવાની. પૉઈન્ટ ઝીરો વન પર્સન્ટ જમાના સાથે અપડેટ રહેવા માટે પૂરતા છે, દુનિયાદારીની જાણકારી રાખવાની, અપડેટ રહેવાનું, પણ આટલી જ શક્તિ એની પાછળ ખર્ચવાની, બાકીની બધી પોતાના માટે.’
સ્વામીજીએ વાણીના પ્રભાવ વિશે વાત કરી અને વાણીના ચાર દોષ પણ ગણાવ્યાં. કઠોર ભાષણ, મિથ્યા ભાષણ, નિંદા અને અનર્ગળ પ્રલાપ.
છ વાગતાંમાં તો ચારેકોર અજવાળું જ અજુવાળું પથરાઈ ગયું. વાત્ દોષોને કારણે અલ્ઝાઈમર, ડિમેન્શિયા, પાર્કિન્સન્સ જેવા રોગો થવાની સંભાવના છે એનો ઉલ્લેખ પણ સ્વામાજીએ કર્યો. ખુશ રહેવાથી, વહેલા ઉઠવાથી બુદ્ધિ ખીલે છે એવું પણ એમણે કહ્યું. અને નવા વર્ષના આગમનને વધાવતાં ક્હ્યું: ‘જમાનો બદલાઈ રહ્યો છે. એક જમાનાના લખનૌના નવાબના કુટુંબીઓ રિક્શા ચલાવે છે, એમની દીકરીઓ ફટેહાલ છે. અને એક ફકીર આજે દેશનો વજીર છે. જમાનો બદલાઈ રહ્યો છે!’
સાડા સાત વાગ્યે સ્વામી રામદેવે આજની સેશન પૂરી કરતાં કહ્યું કે, ‘છેલ્લા થોડા દિવસોમાં ખૂબ દોડાદોડ કરી પણ આ નવ દિવસ હું અહીં જ છું. રોજ તમને મળતો રહીશ.’
સ્વામીજીએ ચૈત્રી નવરાત્રિના નવ દિવસ માટે સૌને ઉપવાસ કરવાની પ્રેરણા આપી. અમે નક્કી કર્યું કે એટલીસ્ટ આજનો દિવસ તો નકોરડો ઉપવાસ કરીશું જ. ભોજનાલયમાં સૂચના આપવા ગયા તો પૂછવામાં આવ્યું કે રાત્રિ ભોજન તો કરશો કે નહીં? અમે વિનંતીપૂર્વક ના પાડી. તો પછી કોઈ ફ્રુટ લઈ લો. અમે એ માટે પણ વિવેકપૂર્વક ના પાડી.
સ્વામીએ આજે કહ્યું હતું કે કોઈપણ વ્યક્તિ 40 દિવસ સુધી ધારે તો માત્ર પાણી ઉપર જીવી શકે. એના શરીરની ચરબી ઓગળીને એને શક્તિ આપતી રહે…’ અમારે તો એક જ દિવસ પાણી પર જીવવું છે. લહેરથી ઉપવાસ થયો.
જીવનમાં માત્ર એક વાર આખી નવરાત્રિ દરમ્યાન નકોરડા ઉપવાસ કર્યા હતા. 2007ની આસોની નવરાત્રીના ઉપવાસ શરૂ કરતાં પહેલાં આશીર્વાદ માટે એક વડીલને ફોન કર્યો હતો. એમણે સલાહ આપી હતી કે ‘ નવ દિવસ સાવ નકોરડા ઉપવાસ કરવાને બદલે રોજ એક ગ્લાસ દૂધીનો જયુસ પીજો, શક્તિ રહેશે અને બાબા રામદેવ કહે છે એમ કોલેસ્ટ્રોલની તકલીફ હશે તો દૂર થઈ જશે.’
મેં એમનું માન રાખવા પહેલા દિવસે બપોરે નાનો અડધો કપ દૂધીનો જયુસ પીધો હતો. બાકીના તમામ દિવસ કશું જ નહીં, સિવાય કે ઉકાળેલું પાણી.
આજે સવારે આઠ વાગ્યે માટીની ચિકિત્સા લેવાની હતી. મિટ્ટી પટ્ટી. છાતી પર અને આંખ પર ભીની માટીની ઠંડી પાતળી લાદી મૂકે. જમીનની ચાર પાંચ ફૂટ અંદરથી ખોદેલી માટીને સાફ કરીને એમાં એલોવિરા, લીમડાનો અર્ક, ગૌમૂત્ર, કપૂર વગેરે ઉમેરીને તૈયાર કરવામાં આવે. માટીની ચિકિત્સા પદ્ધતિ વિશે ઝાઝી જાણકારી ફેલાઈ નથી પણ આ બહુ જૂની નેચરોપથી છે. મારી પાસે 1960માં પ્રગટ થયેલી ભૂપતરાય મો. દવે નામના નિસર્ગોપચારશાસ્ત્રી (જેમણે માટુંગામાં ‘આરોગ્યધામ’ સંસ્થા સ્થાપી હતી) લિખિત પરિચય પુસ્તકા (નં 41) છે, જેનું શીર્ષક છે ‘માટી દ્વારા તંદુરસ્તી.’ આ 32 પાનાંની પુસ્તિકામાં લખ્યું છે: ‘રોગનું મુખ્ય સ્થાન પેટ છે… પાચક અવયવો બગડવાથી ખોટી ગરમી પેદા થાય છે તેને લીધે રોગ થાય છે. આ ગરમીને દૂર કરવાના કેટલાય ઇલાજ છે પણ માટીના ઉપચારો રોગોને જડમૂળમાંથી નાબૂદ કરવા માટે અદ્ભુત કાર્ય કરે છે.’
માટીની ચિકિત્સા લીધાના એક કલાક પછી ફુલ બોડી મસાજ. સ્વામીજીની પતંજલિ પ્રોડક્ટ્સમાં એક જાણીતા તેલનું નામ કદાચ તમે સાંભળ્યું હશે-દિવ્ય મહાનારાયણ તેલ. એ તેલથી આ મસાજ થયો. શરીરના એકેએક સાંધા ફ્લેક્સિબલ થઈ ગયા હોય એવું લાગ્યું. માથા પર વર્જિન કોકોનટ ઑઇલનો મસાજ થયો. એ પછી સ્ટીમ બાથ. વરાળને કારણે ખૂબ પરસેવો થાય. ત્વચા વાટે શરીરનો કચરો બહાર આવવા માંડે. બપોરનું ભોજન સ્કિપ કરવાનું હતું. બપોર પછી ગઈકાલની જેમ જ કાંદા-લસણ-આદુની પેસ્ટનો લેપ લેવાનો હતો. એ પછી ગઈ કાલની જેમ હવન થેરપી અને યોગના વર્ગ.
આગલી રાતની ઊંઘ અધૂરી છે અને આજે કશું જ ખાધુંપીધું નથી સાદા (પાણી સિવાય). છતાં થાક નથી, સ્ફુર્તી છે.
આવતી કાલે રવિવાર છે આજથી પૂજય મોરારિબાપુની નવ દિવસીય રામકથા સ્વામી રામદેવની યોગપીઠના ઑડિટોરિયમમાં શરૂ થઈ ગઈ છે. મુંબઈથી નીકળતાં પહેલાં બાપુ સાથે ફોન પર વાત થઈ અને એમને મળવાનું નક્કી કર્યું. યોગગ્રામથી યોગપીઠનો કૉમ્પલેક્સ ઘણો દૂર છે અને યોગગ્રામમાં પ્રવેશ્યા પછી તમારો નિવાસકાળ પૂરો ન થાય ત્યાં સુધી તમે મુખ્ય દરવાજાની બહાર પગ ન મૂકી શકો એવી કડક શિસ્ત રાખવામાં આવી છે. સ્વામીજી મજાકમાં કહેતા હોય છે કે જો જવાઆવવાની છૂટ આપીએ તો લોકો પાણીપુરી ખાઈને પાછા આવે!
સ્વામીજીએ સવારે પરિવર્તનની ક્ષણની જે વાત કરી તેની રાહ જોઈ રહ્યો છું. જીવનમાં પરિવર્તન લાવવા આખા આયુષ્યની જરૂર નથી હોતી – એમણે કહ્યું હતું. વીજળીના ચમકારે પાનબાઈ મોતી પરોવી લે એટલો જ સમય જોઈએ છે જીવનમાં પરિવર્તન લાવવા.
લેટ્સ સી, આપણા જીવનમાં આ પચાસ દિવસમાં કોઈ એક પળ આવી આવે છે કે નહીં.
•••
તાજા કલમ: તમને આમાં મઝા પડી રહી છે? તો કમેન્ટ બોક્સમાં તમારી લાગણી કેમ નથી લખતા! તમારા હોંકારા વગર અંધારામાં તીર ચલાવવા જેવું લાગે છે!
—સૌ.શા.
•••
આ લેખ તમને ગમ્યો? ન્યુઝપ્રેમીને સપોર્ટ આપવા અહીં ક્લિક કરો
માનનીય સૌરભભાઈ, તમારા લેખો નું વળગણ કહો કે વ્યસન થઇ ગયું છે મને. રોજ તમારા નવા લેખ ની આતુરતા પાર્વક રાહ જોઉં છું. યોગગ્રામ ના બંને લેખ એવા છે જાણે હું પોતેજ ત્યાં હાજર હોઉં. ખરેખર લેખ દ્વારા અમૂલ્ય જાણકારી મળી.
આભાર 🙏
How can I join your whatsapp group?
Please send your request on 9004099112
યોગગ્રામ નું વર્ણન વાંચતાં વાંચતાં અમને પણ ત્યાં હોય એવો અહેસાસ થાય છે….
આભાર
તાદ્દશ વર્ણન કરતાં રહેજો…..
ૐ જય શ્રી કૃષ્ણ સરસ યોગ શિક્ષક છું તમારી જેવા સૌ આપણાં બંધુઓ લાભ લઇ તો સમૃધ્ધ ભારત નું સ્વપ્નું સાકાર થાય આપણા માટે એક કલાક સવારે કરો યોગ
દરેક વ્યક્તિ ને આ યોગાશ્રમ નો લાભ મલે તે માટે તમો પરત ફરો પછી એક લેખ અલગ થી લખશો.
Sahajtathi vahi jati saras saral lekhini..
bharpur mahiti sathe …. Anandam … Please continue
Excellent Article Very Touchy & Inspired.
યોગગ્રામ વિષે ની માહિતી માટે ખૂબ ખૂબ આભાર અને અભિનંદન સૌરભભાઇ 🙏
પ્રેરણાદાયક લેખો પ્રકાશિત થતાં રહે તે માટે ફરી એકવાર હ્રદયથી અભિનંદન 🙏
Very good article. Truly feeling moving in the Yoggram. The most important thing known from today’s article is to use energy for oneself only. Eagerly waiting for everyday’s article.
Saurabhbhai,
Your live presentation of your day to day, experiences at hardhwar, are quite moral boosting for us. We are motivated by such live kriyas.
We are all inspired by such genuine write up’s.
We wish you all the success in your 50 days mission, ofcourse an uphill task for layman like us.
Please keep it up.
Saras lekh…jane hu pote tya j che evu feel thayu..
ખૂબ સરસ , વાંચવાની મજા આવે છે. અમે ઘરે બેઠા યોગગ્રામમાં ફરતા હોઈએ એવો અનુભવ થાય છે. ખૂબ ખૂબ આભાર.. આજ સૌરભ શાહ શૈલીમાં પચાસ દિવસ અમને ફ્રીમાં ફેરવતા રહેજો.
🌸🌸🌸free…..OMG😂😂😂😂 સૌરભસરને ગુરુદક્ષિણામાં યોગદાન આપવા માટે કંઇ 🌺 નહીં તો ફુલની પાંખડી અર્પીએ એવી દરેક મિત્રો પાસેથી અપેક્ષા રાખીએ …..🪔🪔🍀🪴🌵🌴🌱🌿🍃☘️🍁🌺🌷🥀🧘🧘🧘🧘🧘🧘
બિલકુલ સાચું કહ્યું તમે.મને પણ એવી જ અનુભૂતિ થઇ
સરસ જાણકારી….
શ્રી સૌરભભાઈ આપના લખાણ દ્વારા યોગઞામ વિશે વાચીને એવું લાગે છે કે અમે પણ આપની સાથે જ છીએ, આવી જ રીતે માહિતી આપતાં રહેજો.
Superb lekh .
Interesting
માનનીય શ્રી સૌરભ ભાઈ. જે પણ અનુભવ થાય એને સાહજિકતાથી વહેંચવાથી વધશે જ અને આપના અમુલ્ય પ્રતિભાવ ચોક્કસ જણાવશો કે જેથી કરીને પતંજલિ આશ્રમ અંગે ની વાસ્તવિકતા નું જ્ઞાન ને ભાન થશે ;તથા મારી જેવાં વાડે બેઠેલાઓને કૂદવાની ખબર પડે. 🙏
Please give detail information of yogagram to common people.
Please give detail information of yogagram to common people
સર જી,
યોગગ્રામમાં કાયાકલ્પ માટે કુદરતી ઉપચાર પધ્ધતિ થી કરવામાં આવતી ટ્રીટમેન્ટ ના ખર્ચ વિશે કંઇ માહિતી આપશો…???
સામાન્ય વર્ગના લોકોને પરવડી શકે તેમ છે કે કેમ…???
આદરણીય સૌરભજી
લેખ વાંચવામાં ખુબજ આનંદ થયો.લેખ વાંચતા એવો એહસાસ થયો કે હું પણ યોગ ગ્રામ માં સ્વયં હાજર છું.
આપની યાત્રાના 50 દિવસ આપના લેખ દ્વારા આપની જોડે પસાર કરવાનો અનોખો આનંદ નો એહસાસ મારી જિંદગીમાં યાદગાર બની રહેશે.
Thank-you sirji🌸🪔🚩
જે વ્યક્તિ એ યોગ ગા્મ ની મુલાકાત ન લીઘી હોય તેમના માટે સારી પા્થમિક માહીતિ મળી આંખે દેખ્યા અહેવાલ માટે આભાર
વાહ અમને તો ખબર નહિ ક્યારે મોકો મળશે આ રીતે પ્રત્યક્ષ અનુભૂતિ નો… તમારા લેખ થકી સાક્ષાત્કાર થઈ રહ્યો છે….
આભાર આભાર આભાર
આમ જ શેર કરતા રહેજો પ્લીઝ…
શીબીર માટે વિગત કેવી રીતે મળે
સૌરભ ભાઈ સુંદર દિનચર્યા નું વર્ણન કરે છે મન ની મક્કમતા થી મોજ માણો આજ જીવનનું સાચું સુખ છે
Sir, please try kansa bowl massage done on the sole of one’s feet, it can be done ideally with pure cow ghee or any good oil, try doing this and let us know your feedback, it’s good for sound sleep n eye strain.
સૌરભભાઈ…..આપ આ જ રીતે લખતા રહેજો અમને ખુબ જાણકારી મળશે ..
આદરણીય સૌરભભાઈ,
લેખ ગમ્યો.
પરંતુ, દોઢ મહિના સુધી તમારી દિનચર્યા જાણવામાં કેટલા લોકોને રસ પડશે ? કે પછી અન્ય વિષયો પર લખશો ?
તમારા વડિલ પત્રકારમિત્રના સૂચન પ્રમાણે હાલ (વાચકોનો વિચાર કરવાના બદલે) સ્વયંમાં મગ્ન થઈ જાઓ.
Dhirenbhai, Ghana loko che jemne farak padse ane ras pan padse
જીગરભાઈ,
પતંજલિ યોગગ્રામ વિષેની (પ્રવેશ-પ્રક્રિયા, ભોજન, દિનચર્યા, ઉપચાર, ખર્ચ, મુલાકાતીઓના અનુભવો ઈત્યાદિ) વિસ્તૃત જાણકારી યુટ્યુબ પર ઉપલબ્ધ છે.
Dhiren bhai,
Reading a book or visiting a youtube page.. that would be very different than listening from someone whom we know. And his own style makes a big difference!
I understand we all are habituated to try new things and seek new things, but this series is truly an amazing for thing for me!!
🙏👌
સૌરભભાઇ તમારો ઘણો આભાર …… બધા લોકો સ્વામી રામદેવના હરિદ્વાર યોગગ્રામમાં જઈ શકવાના નથી, તેથી તમારા મારફતે લોકોને તંદુરસ્ત જીવન જીવવા માટે ની ઘણી માહિતી જાણવા મળશે, બીજા દિવસ ની દિનચર્યા થી પણ અમને ઘણું જાણવા મળ્યું …. Keep writing