સ્વામી રામદેવ સાથે અણધારી મુલાકાત- હરદ્વારના યોગગ્રામમાં ત્રીજો દિવસ : સૌરભ શાહ

(ગુડ મૉર્નિંગ : ચૈત્ર સુદ બીજ, વિક્રમ સંવત ૨૦૭૮. રવિવાર, ૩ એપ્રિલ ૨૦૨૨)

હરદ્વારમાં પરમ દિવસે સવારે ગંગાકિનારે બેઠાં બેઠાં એક વિચાર આવ્યો હતો જેનું અનુસંધાન આજે પ્રભાતે સ્વામી રામદેવે ગાર્ડનમાં યોગ શીખવાડતી વખતે જે વાત કરી તે વાતની સાથે જોડાઈ ગયું.

ગંગાજીનો અસ્ખલિત પ્રવાહ નિહાળતાં હું યાદ કરતો હતો કે હજારો વર્ષથી ભારતની સંસ્કૃતિ નદીસંસ્કૃતિ ગણાઈ છે. નદીની આસપાસ ગામ વસે. નદીના પાણીથી ગામવાસીઓનું જીવન આગળ વધે. કાંપવાળી જમીનમાં ઉત્તમ ખેતી થાય. દેશની અનેક પવિત્ર નદીઓમાં ગંગાનું નામ મોખરે છે. ગંગાના બેઉ કાંઠે ભારતનાં હજારો ગામ-શહેર વસ્યાં છે. ગંગા સૌનું પોષણ કરે છે, સૌનો જીવનનિર્વાહ કરે છે.

કઈ રીતે જીવનનિર્વાહ કરે છે? શું ગંગામાં ડૂબકી મારો એટલે સોનાચાંદીના સિક્કા પ્રાપ્ત થાય છે? શું ગંગાના પ્રવાહમાં ગાંધીજીના ચિત્રવાળી ચલણી નોટો તરતી હોય છે જે લઈ લઈએ અને કરિયાણાવાળાને ત્યાંથી અનાજ ખરીદીએ કે પછી જીવન માટે જરૂરી કપડાં-ઘર-ચીજવસ્તુઓ ખરીદીએ?

ના. ગંગા તો માત્ર તમને જળ આપે છે. આ જળ ભગવાનની સૌથી મોટી કૃપા છે. તમારે આ જળનો ઉપયોગ કરીને જીવનને આગળ વધારવાનું છે. આ જળથી ખેતી કરવાની છે. આ જળને કારણે વસેલાં ગામોમાં રહીને ત્યાંના લોકો માટે માટીના ઘડા બનાવવાના છે, ઘરેણાં બનાવવાનાં છે, જથ્થાબંધ કાપડ મગાવીને એને છૂટક વેચવાનું છે, એમનાં માટે ઘર બાંધવાનાં છે અને આમ કરીને તમારા જીવનનો નિર્વાહ કરવાનો છે. આ બધો પ્રતાપ ગંગાજીના (કે કોઈ પણ નદીના) જળનો છે. કુદરત ક્યારેય તમારા હાથમાં રોકડા રૂપિયા નથી મૂકતી પણ કમાણી કરી શકીએ એવું વાતાવરણ એ બધા માટે પૂરું પાડે છે.

આજે પરોઢિયે પાંચ વાગ્યે સ્વામી રામદેવે યોગાસન શીખવાડતાં પહેલાંની વૉર્મિંગ અપ કસરત દરમ્યાન કહ્યું: ‘આપણે પુરુષાર્થ કરવામાં ક્યાંકને ક્યાંક કસર છોડી દઈએ છીએ. પછી કહીએ છીએ કે ‘મારી પ્રાર્થના ભગવાને સાંભળી જ નહીં.’ ભગવાન જો આવા આળસુઓની પ્રાર્થના સાંભળતા રહેશે તો ભગવાનની કર્મફળ વ્યવસ્થા અને ન્યાયવ્યવસ્થા ધ્વસ્ત થઈ જશે. કોઈ ખેતરમાં દાણા નાખે નહીં, ખેતીવાડી કરે નહીં અને પ્રાર્થના કરતો રહે કે ‘ભગવાન, મારી ખેતી બઢિયા કરી દો, ફસલ બઢિયા દે દો… કોઈ એક તણખલું ઉઠાવીને અહીંથી ત્યાં મૂકે નહીં અને ભગવાનને કહે કે મારો બિઝનેસ-કારોબાર સારો થાય, રાજનીતિમાં મને એમએલએ, એમપી, સીએમ, પીએમ બનાવી દો. કેટલાય લોકો આ જ ચક્કરમાં રહેતા હોય છે. ભગવાન પૂર્ણ દયાળુ છે, કૃપાળુ છે. પણ સાથે ન્યાયકારી પણ છે. આ બે વાત ઉપરછલ્લી રીતે વિરોધાભાસી લાગશે પણ એવું નથી. પુરુષાર્થ એટલે પોતાની જાત પર ભરોસો રાખો, પોતાના કર્મ પર ભરોસો રાખો અને પ્રાર્થના એટલે ભગવાનને યાચના પણ કરો, ભગવાનની શરણાગતિ સ્વીકારો. આ બે બિલકુલ વિરોધાભાસી વાત લાગતી હશે— ભગવાન જો ન્યાય કરે છે તો માગવાથી શું મળવાનું છે એવું કોઈને લાગે. પણ ભગવાન ભિખારીઓને આપતા જ નથી, અધિકારીઓને જ આપતા હોય છે. અધિકાર પ્રાપ્ત થાય છે તપથી, પુરુષાર્થથી, કર્મથી, મહેનતથી. તમને થશે કે જ્યારે ન્યાય જ કરવાનો છે તો દયા માટે કોઈ જગ્યા જ ક્યાં રહી? પણ દયાની જગ્યા છે… તમારે તમારા પુરુષાર્થમાં કોઈ કસર છોડવાની નથી. પુરુષાર્થની અનેક દિશાઓ છે. વૈયક્તિક પુરુષાર્થ. પોતાના માટે કરો છો તે વૈયક્તિક પુરુષાર્થ. પછી આવે છે પારિવારિક પુરુષાર્થ. ઘરસંસારમાં રહેતા હો તો સમગ્ર પરિવાર એ દિશામાં કામ કરે. એને પારિવારિક પુરુષાર્થ કહે. તમારી આજુબાજુના લોકોને, આખા સમાજને લઈને આગળ વધો તે સામાજિક પુરુષાર્થ. એમાં પૈસાની જરૂર હોય તો પૈસા પણ ઇન્વેસ્ટ કરો – પૈસાનું કામ તો પૈસાથી જ થવાનું છે. આ છે આર્થિક પુરુષાર્થ. દાખલા તરીકે તમને હવન કરવા માટે ઘી અને સામગ્રીની જરૂર પડવાની છે. એ લાવવા માટે તમે કોઈને લૂંટીને કે ચોરી કરીને કંઈ પૈસા લાવવાના છો? એના માટે તમારે પુરુષાર્થ કરીને પૈસા કમાવવા પડશે. તમારો પુરુષાર્થ પૂરેપૂરો કરો. વૈયક્તિક, પારિવારિક, સામાજિક, આર્થિક… અને રાજનૈતિક સ્તરે પણ તમારી સ્થિતિ એવી મજબૂત બનાવો કે રાજનેતા કાં તો તમને સાથ આપે અને સાથ ન આપે તો કંઈ નહીં, તમને નડે નહીં – એટલી તાકાત એકઠી કરો. અને એ તાકાત ઊભી થાય છે તમારા પુરુષાર્થ થકી. ધાર્મિક પુરુષાર્થ પણ હોય છે. જપ કરો, તપ કરો. પોતાના શરીર, ઇન્દ્રિય, મન પર સંયમ રાખો… પ્રાર્થનાની સાથે પુરુષાર્થ જરૂરી છે. આનો અર્થ એ થયો કે તમારે તમારું કામ તો કરવું જ પડશે. કામ કર્યા પછી પણ ઘણું બધું બાકી રહી જતું હોય છે જે તમારા વશમાં નથી હોતું, તમારા કાબૂમાં નથી હોતું. જે વાત આપણા વશમાં નથી હોતી એને શું કહે છે? એને દૈવ કહે છે, એને પ્રારબ્ધ કહે છે, ડેસ્ટિનિ કહે છે, એને ભગવાન કહે છે. એટલે જ પુરુષાર્થ કર્યા પછી પણ ભગવાનની શરણાગતિમાં જવું પડતું હોય છે. ભક્તિ પણ ઘણી મોટી શક્તિ છે. પણ એ ભક્તિ એ જ લોકોમાં શક્તિ તરીકે રૂપાંતરિત થાય છે જેઓ પોતાના કર્મથી, પોતાની મર્યાદાથી, પોતાના સ્વધર્મથી, પોતાની જવાબદારીથી છટકી જતા નથી.’

સવારે પાંચ વાગ્યે સ્વામીજી પાસે અઢી કલાક સુધી યોગ શીખવા માટે ગાર્ડનમાં આવ્યા તે પહેલાં જલનેતિ અને ચક્ષુ પ્રક્ષાલન કરી લીધું હતું. જલનેતિ એટલે હવે તમે જાણો છો – કિટલીમાં હોય એવા નાળચાવાળા પ્લાસ્ટિકના લોટા જેવા નાના પાત્રમાં સિંધવયુક્ત પાણી ભરીને આપે. તમારે માથું અમુક પોઝિશનમાં રાખીને નાળચામાંથી ધીરે ધીરે પાણી એક નસકોરામાં રેડવાનું અને આપોઆપ એ બીજા નસકોરામાંથી બહાર નીકળે. પછી બીજા નસકોરામાં નાખીને પહેલા નસકોરા વાટે બહાર કાઢવાનું. આવું પાંચેક વાર કરવાનું. વચ્ચે વચ્ચે જરૂર પડે તો નાક સાફ કરવા ટિશ્યુ પેપર લઈને સહાયકો તૈયાર જ ઊભા હોય. એ પહેલાં બે નાના આઈ કપમાં ત્રિફળાવાળું પાણી છલોછલ ભરીને નીચા વળીને બેઉ આંખો એમાં ડુબાડી દેવાની. પછી આંખ ખુલ્લી રાખીને કીકીને પાણીમાં ઉપર-નીચે, ડાબે-જમણે ફેરવવાની. આંખોને ઘણી ઠંડક મળે. એ પછી એક કવાથ પીને સ્વામીજીના યોગવર્ગમાં.

સાડા સાતે યોગાભ્યાસમાંથી પાછા આવીને ડાઇનિંગ હૉલમાં સર્વકલ્પ કવાથ પી લેવાનો અને બ્રેકફાસ્ટ પહેલાં ટ્રીટમેન્ટ સેન્ટરમાં જઈને છાતી પર અને આંખ પર મિટ્ટીપટ્ટી મૂકાવવાની. આજે સવારના નાસ્તામાં `A5, WT2, BT4′ મળવાનું હતું. A5 પાંચ બદામ (આમંડ) માટેનો કોડ છે. WT2 બે અખરોટ (વૉલનટ) માટેનો કોડ છે. બદામ અને અખરોટ બેઉ રાતભર પલાળેલાં હોય. મુંબઈમાં ઘણાં વર્ષથી અમે રાતભર પલાળેલાં બદામ-પિસ્તા-અખરોટ-જરદાલુ-કાળી કિસમિસ સવારે ઊઠીને ખાતાં જ હતાં એટલે આ નાસ્તો પરિચિત હતો. જે નવું હતું તે BT4 અર્થાત ચાર બાફેલાં ટમાટર. એક બૉલમાં આપેલાં. એમાં બીજું કશું જ નાખેલું નહીં. ચૂપચાપ ચાવીચાવીને ખાઈ લેવાનું. પહેલીવારનો અનુભવ હતો. પણ મઝા આવી. આ ઉપરાંત લસણની બે કાચી કળી અને બે મોટી મોટી ચમચી ફણગાવેલી મેથી તથા બે મોટી ચમચી મિક્સ્ડ સ્પ્રાઉટ સલાડ જેમાં ફણગાવેલાં મગ, ચણા, મસૂર તેમ જ ગાજર અને કાકડીના સાવ ઝીણા ટુકડા હતા. એ પછી KKTSG અર્થાત્ કાકડી, કારેલા, ટમાટર, સદાબહાર (બારમાસીનાં ફૂલ) અને ગિલોયનો જ્યુસ જે વર્ષોથી મુંબઈમાં પીએ જ છીએ- સ્લો જ્યુસરમાં કાઢીને. શરૂનાં વર્ષોમાં બારમાસીનાં ફૂલ ચૂંટીને લઈ આવતાં, પછી એક ફૂલવાળા પાસે રોજ એનું પડીકું મગાવતા. પણ ખબર નહીં કેમ એ કામ ખોરવાઈ ગયું. હવે એ ફૂલ વિના જ ચલાવી લઈએ છીએ.

આજે મારા માટે FBMBનો દિવસ હતો. ફુલ બોડી મડ બાથ. ગામડાંનાં ઘરોમાં નાનકડી ખુલ્લી જગ્યા હોય એવો પણ ઘણો મોટો વાડો. બધાં કપડાં ઉતારીને ડિસ્પોઝેબલ લંગોટ (કોપીન) પહેરાવી દે. એ પછી પગથી માથાના વાળ સુધી બધે માટીનો લેપ થાય. ભીની લીસી માટીમાં લીમડાનો રસ, ગૌમુત્ર વગેરે હોય. આખા શરીર પર માટીનો જાડો થર લગાડાઈ જાય પછી સવારના કુમળા તડકામાં બેસીને કે ચાલીને એ લેપ સુકવવાનો. કલાક સુધી શરીર પર રાખવાનો. પછી સ્વિમિંગ પુલમાં હોય એવા ખુલ્લા શાવર નીચે ઊભા રહીને કોઈ સાબુ કે શેમ્પુ વાપર્યા વિના ઘસી ઘસીને બધી માટી પાણી વડે કાઢી નાખવાની.ફ્રેશ ટુવાલથી શરીરે સ્નેહન કરવામાં આવે અર્થાત્ કૉપરેલ (નાળિયેરનું તેલ) ચોપડવામાં આવે. એ પછી GHT-ગ્રીન હાઉસ થર્મોલિયમ. તડકામાં સિમેન્ટની એક બેન્ચ પર સુવડાવીને આખા શરીરને પ્લાસ્ટિકની મોટી ટ્રાન્સપરેન્ટ શીટમાં વીંટાળી દે. માત્ર મોઢું જ ખુલ્લું રહે. માથે-આંખે ભીનો ટુવાલ મૂકી દે. હાથ પણ અંદર જ. તમે હલનચલન ન કરી શકો. થોડી વારમાં જ અસહ્ય ગરમી લાગવા માંડે. આમાંથી છૂટીને બહાર આવવું હોય પણ તમને વિવેકથી કહેવામાં આવે, ‘સર, હવે બે જ મિનિટ!’ પાંચ-સાત મિનિટ પછી પ્લાસ્ટિક છોડવામાં આવે ત્યારે પરસેવે રેબઝેબ હો. શરીરનો કચરો પ્રસ્વેદ વાટે બહાર નીકળી જાય. નવા ટુવાલથી શરીર લૂછીને તમે રૂમ પર પાછા આવો ત્યારે જમવાનો સમય થઈ ગયો હોય.

પાંચેક મિનિટ વિશ્રામ લઈને, નાહ્યા વિના (શરીર પર જેટલી વાર તેલ રહે એટલું સારું). ડાયનિંગ હૉલમાં જમતાં પહેલાં એપિટાઇઝર — કારેલાંનો જ્યુસ! ભોજનમાં સૂપ, બાફેલાં શાકભાજી, સલાડ. આજે રાગી વગેરેની રોટલી નહોતી. જમ્યાના થોડા સમય પછી મુઠ્ઠીભરીને રાઇ-મેથીનું ચૂર્ણ ફાકી જવાનું. જમ્યા પછી રૂમમાં સ્ટોરેજ હીટરના ગરમ પાણીથી નહાઈ લો. પતંજલિનો હલ્દી-ચંદન સાબુ આપેલો જ છે. અમે તો આ ઉપરાંત કૉમ્પ્લેક્સના મેગા સ્ટોરમાં જઈને બીજા બે જાતના નહાવાના સાબુ અને અરીઠાના શેમ્પુની બૉટલ ખરીદી લાવ્યા છીએ. બાથરૂમમાં એલોવિરાના શેમ્પુની પડીકીઓ તો છે જ.

બપોરે બે વાગ્યા ડાઇનિંગ હૉલમાં જઈને કવાથ પીને આગલા દિવસો જેવી ચારેક ટ્રીટમેન્ટ કરાવીને સાંજે રૂમ પર પાછા આવ્યા અને કપડાં બદલવાનું વિચારતા જ હતા ત્યાં રિસેપ્શનમાંથી ફોન આવ્યો, ‘તમે સ્વામીજીને મળી લીધું?’

‘ના.’

‘તો પછી પાંચેક મિનિટમાં અહીં આવી જાઓ. સ્વામીજી આવી રહ્યા છે!’

અહીં આવીને સ્વામીજીને મળવાનો હજુ પ્રયત્ન જ નહોતો કર્યો. મનમાં હતું કે પાંચ સાત દિવસ પછી સેટલ થઈને કોશિશ કરીશું. પણ આ તો અણધાર્યો લાભ થઈ ગયો.

રિસેપ્શનની બહારની લૉબીમાં અમારા જેવા બીજા બેએક ડઝન ‘હેલ્થ સીકર્સ’ હતા. અમને રિસેપ્શનની અંદર લઈ જઈને એક સોફા-ખુરશીમાં બેસાડવામાં આવ્યા અને સૂચના આપવામાં આવી કે, ‘તમારી બાજુની સોફા-ખુરશી ખાલી રાખજો સ્વામીજી ત્યાં બેસતા હોય છે.’

ધન્ય ધન્ય.

બહાર બેઠેલા લોકોને વ્યક્તિગત મળીને, એમની ઉપચાર પદ્ધતિ શું છે, બીજી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યા શું છે, એ વિશે જાણીને, સૌની સાથે ધીરજથી, ભાવથી વાત કરીને એમને સધિયારો આપીને સ્વામીજી રિસેપ્શનવાળા રૂમમાં પધાર્યા. બે વડીલો ગુજરાતથી આવ્યા હતા. સ્વામીજીના જૂના સહયોગી લાગતા હતા. એમની શિબિરોના આયોજક પણ હતા. સ્નેહથી મળ્યા. એક વયોવૃદ્ધ કપલની તબિયત વિશે જાણકારી મેળવીને પ્રિસ્ક્રિપ્શનમાં નાના મોટા ફેરફાર કરાવ્યા. હવે રિસેપ્શનમાં સ્વામીજી, એમના અંગરક્ષકો તેમ જ એમના મદદનીશ, ડૉક્ટર અનુરાગ અને અમે.

સ્વામીજીએ અમારી સામું જોયું. અમે ઊભા જ હતા. બે ડગલાં આગળ વધીને ભાવવિભોર થઈને એમનાં ચરણોમાં સાષ્ટાંગ કર્યાં. સ્વામીજીને મારું નામ કહ્યું. નામ સાંભળતાં જ એમના ચહેરા પર ઉષ્મા, સ્મિત અને આત્મીયતા છલકાયાં. ગુજરાતીમાં બોલી પડ્યાઃ ‘અરે, હું તમને જ ગોતતો’તો!’ પછી મને બેસાડીને પોતે બાજુમાં બેઠા અને કહ્યું, ‘બાપુએ મને તમારા માટે ખાસ વાત કરી હતી. એમનો બહુ પ્રેમ છે તમારા પર. ગઈ કાલે હું એમને મળ્યો ત્યારે બાપુએ તમારી વાત કાઢી અને પછી પંદર-વીસ મિનિટ સુધી તમારા વિશે બોલતા જ રહ્યા…’

મારી તો બોલતી જ બંધ થઈ ગઈ. માંડ માંડ મારા મોઢામાંથી શબ્દો નીકળ્યાઃ ‘બાપુના આશીર્વાદ છે.’

સ્વામીજી મને ધ્યાનથી જોઈને બે હાથનો વિસ્તાર કરીને બોલ્યા, ‘તમે પચાસ દિવસ અહીં રહેવાના છો! પણ તમારી હેલ્થ તો બહુ સરસ છે!’

મેં કહ્યું, ‘સ્વામીજી, ડાયાબીટીસ અને બીપી જેવી નાનીમોટી તકલીફો છે પણ એ તો મુંબઈ રહીને તમારી સૂચના મુજબના આહાર-વિહારથી કન્ટ્રોલમાં આવી જાય છે. પાંચ વર્ષ પહેલાં મેં એ જ રીતે મારી શ્યુગર પર ટોટલ કન્ટ્રોલ કર્યો હતો પણ જેવું ખાવાપીવાનું જૂનું રૂટિન શરૂ કર્યું એટલે બધું ખોરવાઈ ગયું.’

સ્વામીજીએ પ્રસન્નતા વ્યક્ત કરી કે દૂર રહીને પણ એમની સૂચનાઓનું પાલન કરીને અમે ડાયાબીટીસ ભગાડી શક્યા હતા.

મેં એમને કહ્યું, ‘સ્વામીજી હું અહીં પચાસ દિવસનું બુકિંગ કરાવીને એટલા માટે આવ્યો છું કે મેં મારા ક્ષેત્રમાં 40 વર્ષ કામ કર્યું છે અને બીજાં 40 વર્ષ આ જ રીતે મારે કામ કરવું છે… સૉર્ટ ઑફ તમારી નિશ્રામાં કાયાકલ્પ કરવા આવ્યો છું.’

‘કરી દઈશું તમારો કાયાકલ્પ!’ સ્વામીજીએ ખુશ થઈને મારા માથા પર હાથ મૂકીને આશીર્વાદ આપ્યા એટલે મેં બે હાથ જોડીને ધીમેકથી કહ્યું, ‘અને સ્વામીજી, શક્ય હોય તો કાયાકલ્પની જોડે જોડે મારો માયાકલ્પ પણ કરી નાખજો.’

સ્વામીજી ખડખડાટ હસી પડ્યા. મારા કપાળ પોતાની હથેળી મૂકી અને બોલ્યા, ‘એ પણ થઈ જશે! તમે તો છો હજુ અહીં પચાસ દિવસ, હું તમને બોલાવીશ.’

એ પછી થોડી બીજી વાતો કરી અને મને બીજે દિવસે બપોરે બે વાગ્યે એમના નિવાસસ્થાને આવવાનું નિમંત્રણ આપતાં કહ્યું, ‘બાપુની કથામાં જઈને પાછો આવી જઉં એટલે અડધો કલાક માટે મળીએ.’

એ પછી ફોટો પડાવતી વખતે હું એમનાથી સહેજ અંતર રાખીને ઊભો હતો જેથી એમને ભૂલેચૂકે મારો સ્પર્શ ન થાય. પણ એ તો મારું ટીશર્ટ ખેંચીને મને એમની સાવ નજીક લઈ આવ્યા અને મારી કમર પર હાથ મૂકીને કહ્યું, ‘હવે ફોટો પડાવીએ? મારું મોઢું તો અલમોસ્ટ લાડવા સરીખું થઈ ગયું હતું.
મારા આરાધ્ય દેવોમાંના એકને હું રૂબરૂ મળી રહ્યો હતો. ફોટો પડાવી લીધા પછી સ્વામીજી વિદાય લેતાં પહેલાં મને ભેટ્યા — જાણે એક પિતા પોતાના પુત્રને વાત્સલ્યથી મળ્યા હોય એમ. મારા માટે આ તો સાવ અણધાર્યું જ હતું. એક સન્યાસી સંસારી જીવને ભેટીને આ રીતે પોતાનો ઉમળકો પ્રગટ કરે!

એ પછી હું હવામાં અધ્ધર ઊડતો ઊડતો મારી રૂમ પર પાછો આવ્યો. રાત્રે જમવામાં શું હતું તેની પણ સુધબુધ નહોતી. પપૈયાનો બૉલ હતો અને સૂતાં પહેલાં ત્રિફળાનું ચૂર્ણ ફાકવાનું હતું એટલું જ યાદ હતું – બીજા દિવસની કઠોર ટ્રીટમેન્ટ માટે એ જરૂરી હતું.

સૂતી વખતે એક જ વિચાર મનમાં ઘૂમરાતો હતો. કેવું સદ્‌ભાગ્ય મળ્યું છે. પૂ. બાપુના આશીર્વાદ છે – છેલ્લાં ચારેક દાયકાથી. ફેબ્રુઆરી 1983માં મુંબઈની ચોપાટી પર એમની નવેનવ દિવસની કથા સાંભળી એ વાતને આડત્રીસ વર્ષ થયાં. પૂ. બાપુને કારણે સ્વામીજીના સ્નેહને પાત્ર બન્યો જિંદગીમાં આનાથી વધારે બીજું શું જોઈએ.

•••

તાજા કલમ: તમને આમાં મઝા પડી રહી છે? તો કમેન્ટ બોક્સમાં તમારી લાગણી કેમ નથી લખતા! તમારા હોંકારા વગર અંધારામાં તીર ચલાવવા જેવું લાગે છે!
—સૌ.શા.

•••

આ લેખ તમને ગમ્યો? ન્યુઝપ્રેમીને સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

38 COMMENTS

  1. Very interesting article. Specially I am very curious to know about the routine and treatment given by Patanjali doctors. Keep writing about this Thanks

  2. Saurabbhai

    Very nice. Personal meeting with Ramdevji is dream for us. Seeing Ramdevji in photograph – offering my naman to him. Thanks for sharing detailed experience. There are no words to express of your each day experience at Yoggram.

  3. Dear saurabh bhai, really we are enjoying your Shri Baba Ramdev ji , ashram experience , and want to get same experience in our life. Please inform is it possible for a common man to get same experien

  4. Dear saurabh bhai, really we are enjoying your Shri Baba Ramdev ji , ashram experience , and want to get same experience in our life. Please inform is it possible for a common man to get same experience in ashram. It would be obliged on us if you can share the process of booking for ashram with contact number and name as we are senior citizen this is will be divine life for us Kaushik Pandya

  5. 50 divas maa tamey tya aney amey ahiya….. J taazgi no anubhav karsu…. Teyj vaat vadhu romanchit kari dey chey….

  6. વાહ સૌરવભાઇ
    મારા આરાધ્ય દેવો……… પિતા પોતાના પુત્રને વાત્સલ્ય..
    વાંચી ને ખુબ જ ગદ ગદ થઇ ગયો.
    બાપૂને ….. જીંદગી માં અને થી વધારે શું જોઈએ…
    આવા તમારા સુંદર વિચારો અને દાયકાઓ ની નિષ્કામ સેવા થી જ સંતો ની ઓરા મળતી હોય
    તમારી લેખન સૈલી થી ત્યાં અમે સાથે હોઇએ તેવું લાગે છે.

  7. તમારા લેખ વાંચી ને અમે ત્યાં અમે રુબરુ હોઈએ તેના જેવું અનુભવીએ છીએ ખુબજ સરસ છે આ તમારા લેખ અને આવીજ રીતે આવનાર દિવસોમાં માં આવા લેખ નો અમને લાભ આપતાં રહેજો🙏🙏🙏

  8. ભાઇ તમારી રજૂઆત ખુશ કરી દે છે .બાપુ ના આશી્વાદ તમે મળ્યા તો એમ લાગ્યું કે હું પણ ત્યાજ છું .બાબા સાથે નજીક લઈ જવા માં તમારી લેખન સૈલી નો આભાર…..સાચું કહી એ તો
    યાર… ઇર્ષા થાય છે તમારી ……

    • શ્રી સૌરભ ભાઈ આપની કલમ માં કંઈક તો તાકાત છે જે મારા જેવા વાચક ને ગમેતેવા વ્યસ્તતા વચ્ચે પણ નજર ફેરવવાનું મન થઇ જાય . આપની સ્વામીજી સાથેનું મુલાકાત વર્ણન વાંચવાની અને આપની સારવાર ની ગતિવિધિ જાણવાની મજા પડી.. ખુબ સરસ … આપ સરસ લખતા રહો એવી શુભ ભાવના..

  9. Wow great, now I am also feeling that I must go there and take experience of yogagram. Jo faqt vachavama
    Maza avi gai to self experience will be too good.

  10. સ્વામી રામદેવના યોગાશ્રમની દૈનિક પ્રવ્રૃતિઓ વિષે વિગતે જાણવા મળ્યું. સૌરભભાઇ, આપે એવી સરસ રજૂઆત કરી છે કે જાણે અમે આપની સાથે જ ત્યાં હોઇએ એવું અનુભવીએ છીએ.

  11. સૌરભભાઇ તમારી ટ્રીટમેન્ટ નું વર્ણન વાંચતા એવું લાગે છે કે અમને પણ સાથે સાથે મડ થેરાપી થઈ રહી છે. ભાઈ લાઈવ ટેલીકાસ્ટ જેવું લાગે છે.
    સ્વામી જી ને વંદન

  12. બહુ જ સરસ લેખ આપનું સ્વાસ્થ્ય હંમેશાં સારું રહે જેથી અમને વાચકમિત્રો વધુમાં વધુ આપના લેખો નો ફાયદો લઈ શકીએ keep it up સૌરભભાઈ
    પૂજ્ય બાપુને અને સ્વામીજીને મારા પ્રણામ
    Know yoga know peace
    No yoga no peace

  13. તમે નસીબદાર છો. સરસ લેખ જાણે અમે તમારી સાથે હોઈએ… 👌

  14. સૌરભભાઈ you are getting younger day by day. રામદેવજી સાથે નો ફોટો લાજવાબ. I wont be surprised if you get offers from Hollywood-Bollywood. Eagerly Awaiting for more from haridwar chapter. ધન્યવાદ.

  15. અતિ સુંદર લેખ ખુબ ખુબ આભાર સૌરભભાઇ💐💐💐

  16. Bahuj saras lekh hato vachi ne lagu ke ame pan tya tamari sathe chiye.kahrekhar tamara lekh vachvani intezari rahe che.

  17. છેલ્લા 15 વર્ષ થી શ્રી સૌરભ ભાઈ ને વાંચું છું. કોઈ દિવસ એક પણ લેખ અધુરો છોડવા માટે કારણ નથી મળ્યું. પણ બીજા દિવસ ના લેખ માટે આટલી આતુરતા નો અનુભવ કદાચ પહેલી વખત કરી રહ્યો છું. સ્વાસ્થ્ય જીવન નું સૌથી મહત્વ નું પાસું છે જેના ઉપર થી અનેક પડ બીજા અનેક જ્ઞાન વર્ધક વાતો થી ઉજાગર કરવા માટે તમને વંદન.

  18. Both photos with article….. All express your very pleasent and euphoric mood very well…reached here so that it lift us and put in same state of mind…Thank you…

  19. એટલી બધી મઝા આવી રહી છે. આતુરતાથી રાહ જોઈએ છીએ, તમારા નવા લેખની. તમારા કામની નોંધ બહુ લાંબા સમય સુધી લેવાશે; સો વર્ષ પછી પણ ગર્વથી યાદ કરાશે. ગુજરાતી સાહિત્ય, હિન્દુ ધર્મ, દેશપ્રેમ જેવા અનેક વિષયો માટે તમારી હિંમત તમારા લખાણમાં દેખાય છે. દંભ વગર અને ડર્યા વગર રજૂ કરતા તમારા લેખો માટે ખૂબ અભિનંદન.

  20. સૌરભ શાહ જેવા દિગ્ગજ લેખક,પૂજ્ય.સ્વામી રામદેવના આશ્રમ માં જાય અને પૂજ્ય.શ્રી મોરારિ બાપૂ એકરીતે તેમનો પરિચય કરાવે તેનાથી રૂડું ભારતીય સંસ્કૃતિ માટે શું હોય?કોટી કોટી વંદન આવી લેખમાળા સર્જન કરવામાં સહભાગી થનાર સર્વેને.

  21. Dedicated Attitude with Discipline( DAD )નો મૂળ ભૂત હેતુ અને વાસ્તવિકતા નું જ્ઞાન ને ભાન આશ્રમમાં આધ્યાત્મિક વાતાવરણમાં એ પણ શારીરિક અને માનસિક તંદુરસ્તી નો ત્રિવેણી સંગમ સર્જાયો છે. આપનાં અતીવ્યસ્ત કાર્ય ક્ર્મો વચ્ચે આ બધું તમારાં ચાહકોની લાગણી ને સમય સંજોગો નું સંકલન કરીને આપી રહ્યા છો. ધન્યવાદ સૌરભ ભાઈ.

  22. આપના લેખ દ્વારા ..આપની સાથે સહભાગી યાત્રા અને અનુભવ ની અદભુત અનુભૂતિ થાય છે …વિશેષ તો ત્યાં આશ્રમ ની ગતિ વિધિ અને સારવાર પદ્ધતિ થી માહિતગાર થવાય છે ..આયોજિત સારવાર ની ચોક્કસતા જાણી પ્રભાવિત થવાય છે ….શબ્દ દેહે સહભાગી બનાવવા બદલ આભાર ..

  23. ખુબજ સરસ નિરૂપણ અમો પણ તમારી સાથે યોગાશ્રમ મા હોયીએ તેવો અનુભવ થયો બાબા અને તમારી મુલાકાત નજરે નિહાળી હોય તેવો અનુભવ સલામ તમારી કલમ ને અને તમારા શબ્દ ચિત્ર ને
    હજુ 40વર્ષ સુધી શબ્દ ચિત્ર દોરતા રહો એવી પ્રભુ ને પ્રાર્થના

  24. સૌરભભાઈ,

    આપની આજીવન તપશ્ચર્યા, સત્ય નિષ્ઠા, કર્તવ્ય પરાયણતા અને સ્પષ્ટવક્તપણાની કેવી પોઝિટિવ અસર પડે તેનું પ્રત્યક્ષ પ્રમાણ મળ્યું !

    સંત તુલસીદાસે રામ ચરિત માણસમાં કહ્યું છે કે,
    ‘ સરળ સ્વભાવ ન મન કુટીલાઈ
    યથા લાભ સંતોષ સદાઈ ‘

    સાથે સાથે પૂજ્ય સ્વામીજીનો પ્રેમાળ અને આત્મીય સ્વભાવ પણ વંદનીય છે.

    આપની આજીવન મહેનતમાં ભગવદ્દકૃપા ભળે
    ત્યારે કેવા અદભુત સ્વાનુભવો સાંપડે એનું પ્રત્યક્ષ પ્રમાણ !

    ખુબ આનંદદાયક સ્વાનુભવ અને કથામાં પણ પૂજ્ય સ્વામીજી અને પૂજ્ય બાપુની આત્મિયતાનું દર્શન સાંપડ્યું એ જોઈને મારું હૈયું પણ હરખાઈ ગયું !
    ધન્ય ઘડી ધન્યભાગ્ય ! 👏

  25. After reading about Bapu muy eyes got wet. Felt so nice about you. Though I am your fan for more than thirty years, when I realised you have not used your name , status of journalists, writer and your acquaintance with Bapu, my respect for you gone exponentially up

  26. આખી લેખમાળા અદ્ભૂત જઈ રહી છે.તમે કોઈપણ વિષય ઉપર લખો અદ્ભૂત વર્ણન કરી શકો છો,એનું કારણ સતત ચાર દાયકાનો પરિશ્રમ છે અને એટલે જ કદાચ સતત આટલા વર્ષોથી જરાપણ કંટાળાજનક તમારો કોઈ જ લેખ નથી લાગ્યો.સલામ વંદન અને આભાર🙏

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here