મોદી-શાહ-ભાગવતને પડકારનારા તથાકથિત હિન્દુવાદીઓની વાત : સૌરભ શાહ

(ગુડ મૉર્નિંગ એક્સક્લુઝિવઃ આસો વદ ત્રીજ, વિક્રમ સંવત ૨૦૭૭. શનિવાર ૨૩ ઓક્ટોબર ૨૦૨૧)

આજકાલ કેટલાક લોકો પોતાને મોદી અને મોહન ભાગવત કરતાં સવાયા હિન્દુવાદી માનવા માંડ્યા છે. આવા લોકોને પાખંડી કહેવા, હરખપદૂડા કહેવા, અધકચરા કહેવા, હિન્દુવાદનું મહોરું ઓઢેલા સેક્યુલરવાદી કહેવા, તકવાદી કહેવા કે પછી અજ્ઞાની કહેવા? ખબર નથી પડતી કે કયા નામે એમને ઓળખવા. હિન્દુવાદીઓને અમુક લોકો રાઇટ વિંગના માણસો તરીકે ઓળખે છે. વામપંથીઓની લેફ્ટિસ્ટ વિચારસરણીની સામે, એટલે રાઇટ વિંગ હાલાંકિ રાઇટ વિંગ એ પણ લિબરાન્ડુઓએ ચિપકાવેલું જ લેબલ છે. આમ છતાં કેટલાક હિન્દુવાદી લોકોએ જાણી સમજીને કે પછી મજબૂરીથી આ લેબલ સ્વીકારી લીધું છે. કેટલાક, બધા જ નહીં.

સિન્સિયર ‘રાઇટ વિંગ’વાળાઓએ (અથવા તો કહો કે દૃઢ —કટ્ટર નહીં, દૃઢ) હિન્દુવાદીઓએ આ દોઢડાહ્યા હિન્દુવાદીઓ માટે ‘રાયતા વિંગ’ એવું મજાકિયું નામ આપ્યું છે. રાયતા ફૈલાના — આ હિન્દી ભાષાનો રૂઢિપ્રયોગ છે જેનો અર્થ થાયઃ 1. કોઈ કામનું અજાણતાં બગાડી નાખવું, 2. અલમોસ્ટ પૂરું થઈ જવા આવેલા કામને બગાડી નાખવું જે ફરી પૂરું કરવા માટે ઘણી મહેનત કરવી પડે, 3. ભૂલથી કોઈ એવું કામ કરી નાખવું જેને લીધે સરસ રીતે પૂર્ણતાને આરે આવેલું કામ ખોરવાઈ જાય.

હિન્દુવાદીઓમાં આ રાયતા ગૅન્ગ જ્યારથી ઍક્ટિવ થઈ છે ત્યારથી જુદા જુદા સ્વરૂપે એ દેખા દે છે. પહેલી નજરે તમે માની બેસો છો કે આ તો આપણાવાળા જ છે, એમના હૈયે હિન્દુ સંસ્કૃતિનું, પરંપરાનું, આ દેશનું હિત છે – માત્ર એમની અભિવ્યક્તિ આકરી છે એટલું જ. પરંતુ આપણને ખબર નથી હોતી કે આ રાયતા ગૅન્ગ હિન્દુવાદીઓનું, આ દેશનું કેટલું મોટું નુકસાન કરી રહી છે.

ભારતમાં રહેતા અને ભારતની બહાર રહેતા તમામ હિન્દુવાદીઓ અને ભારતપ્રેમીઓમાં આ રાયતા ગૅન્ગના સભ્યો કેટલા હશે. કુલ હિન્દુવાદીઓના એક ટકાના સોમા ભાગ જેટલા પણ નહીં હોય. પણ એમના કકળાટથી અંજાઈને એમના સમર્થક બનવા માટે તલપાપડ બની ગયેલા લોકોની સંખ્યા કૂદકે ને ભુસકે વધતી જાય છે. રાયતા ગૅન્ગની ચીકણીચૂપડી અને આવેશભરી દલીલો તેમજ ક્યારેક ફેક ન્યુઝ આધારિત માહિતીથી પ્રભાવિત થઈને સાચા હિન્દુત્વના રાહે જનારાઓ માર્ગમાં ભૂલા ન પડી જાય, ભટકી ન જાય એવા આશયથી કેટલીક વાત તમારી સાથે શેર કરું છું. ક્યાંક તમે પણ રાયતા વિંગના પ્રભાવમાં આવી ગયા હો તો જાગ્યા ત્યારથી સવાર ગણીને પાછા સાચા રસ્તે ચાલવા માંડશો એવી આશા સાથે આ લેખ લખ્યા છે.

`નરેન્દ્ર મોદીમાં હવે દમ રહ્યો નથી. હિન્દુઓનું હિત જાળવવું હશે તો યોગી આદિત્યનાથને સત્તાનું સુકાન સોંપ્યા વિના છૂટકો નથી.’ આવી વાતો કરનારા રાયતા વિંગના સભ્યોને ખબર નથી કે તેઓ વામપંથીઓના, સેક્યુલરોના, આતંકવાદીઓના અને કૉન્ગ્રેસીઓના હાથા બની રહ્યા છે. આ ચારેય પ્રકારના દેશદ્રોહીઓ હિન્દુઓમાં ભાગલા પડાવવા, ફાટફૂટ પડાવવા વર્ષોથી આવા ખેલ કરતા આવ્યા છે. વાજપેયીના જમાનામાં કહેતા કે અડવાણી બહુ ઉગ્ર છે, વાજપેયીમાં વધારે શાણપણ છે. મોદીની પ્રથમ ટર્મ વખતે કહેતા કે અડવાણી જેવા સમજુ હિન્દુવાદીનો વારસો મોદીએ રોળી નાખ્યો છે. બીજી ટર્મ મળ્યા પછી મોદી સેટલ થવા માંડ્યા ત્યારે લેફ્ટિસ્ટોએ નવી ચાલ ચાલી — રાયતા વિંગને છૂપી રીતે ઉશ્કેરી કે તમે યોગી આદિત્યનાથ જેવા કડક હાથે કામ કરનારા હિન્દુવાદીને આગળ કરો, મોદી તમારા માટે કંઈ કામના નથી. રાયતા વિંગના હરખપદૂડા સભ્યોએ હિન્દુત્વના નામે આપણને ઉશ્કેરવાનું શરૂ કરી દીધું કે મોદી-શાહમાં હવે દમ રહ્યો નથી, નેક્સ્ટ ઇલેક્શનમાં યોગી આદિત્યનાથને પીએમ બનાવો. શાહીન બાગ, ખેડૂત આંદોલન, બંગાળની હિંસાથી લઈને છેક લખીમપુરની ઘટના સુધીના કિસ્સાઓ વખતે રાયતા વિંગ મોદી-શાહ પર તૂટી પડતી અને પૂછતી કેઃ ‘આ બે જણા શું કરે છે?’ આવું પૂછનારાઓમાંથી કોઈ એકને મારે આઇડેન્ટિફાય કરવા હોય તો હું જયપુર ડાયલોગ્સવાળા સંજય દીક્ષિતનું નામ સૌથી ટોચ પર મૂકીશ. રાયતા વિંગના ઍક્ટિવ સભ્યોની મારી લાંબી યાદીમાં આ ભૂતપૂર્વ આઇએએસ ઑફિસરનું નામ ટોચ પર આવે છે. તેઓ મનફાવે ત્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતને ગાળો ભાંડતા હોય છે તો મનમાં આવે ત્યારે મોદી-શાહ વિશે એલફેલ સ્ટેટમેન્ટો ફેંકીને પોતાને સવાયા હિન્દુવાદી તરીકે ચીતરવાની કોશિશ કરતા હોય છે. એમની તેમ જ બીજા તકવાદીઓની બેબુનિયાદ, અધકચરી અને સંદર્ભવિહીન વાતોથી ઉશ્કેરાઈ જનારા ભોળા-નાદાન હિન્દુવાદીઓ ઘડીભર માની લેતા હોય છે કે આર.એસ.એસ. દ્વારા આ દેશનું બહુ મોટું નુકસાન થઈ રહ્યું છે કે પછી સ્વીકારી લેતા હોય છે કે મોદીને સુકાન સોંપીને હિન્દુવાદીઓએ ગંભીર ભૂલ કરી છે જે 2024માં સુધારી લેવી જોઈએ.

હિન્દુવાદીઓમાં ફૂટી નીકળેલી રાયતા ગૅન્ગના સભ્યોના પ્રગટ તથા પ્રચ્છન્ન ઇરાદાઓ વિશે જાણી લેવું જરૂરી છે. જેઓ આપણી વિચારધારાના વિરોધીઓ છે એમને તો આપણે ઓળખીએ જ છીએ. પણ આપણામાંના એક હોવાનો દાવો કરીને જેઓ ભ્રમ ફેલાવતા ફરતા હોય કે મોદી-શાહ-ભાગવત તો વહેંતિયા છે અને ભાજપ‐આરએસએસ તો ફાલતુ છે — હિન્દુવાદના સાચા પ્રહરી તો અમે જ છીએ ; આવા લોકોને ઓળખીને, ઉઘાડા પાડીને એમને આપણા સૈન્યમાંથી દૂર કરવા જોઈએ. એ લોકો સેક્યુલરિયાઓ કરતાં વધારે નુકસાન કરી શકે એમ છે.

નજીકના ઇતિહાસમાં આપણે જોયું છે કે યશવન્ત સિન્હા, અરુણ શૌરી, શત્રુઘ્ન સિન્હા અને સુબ્રમણ્યમ સ્વામી જેવા બીજા અનેક નાનામોટા હિન્દુવાદી નેતાઓને સત્તાથી દૂર ધકેલી દેવામાં આવ્યા એટલે તેઓ કેવી રીતે મોદીને અને મોદી સરકારની મહત્ત્વની વ્યક્તિઓને ગાળાગાળ કરતા થઈ ગયા.

રાયતા ગૅન્ગમાંના કેટલાક અગ્રણી સભ્યોને મોદીના શાસનમાં ઇચ્છિત લાભ મળ્યા નથી. મોદી જાણે છે કે કોને કેટલું મહત્ત્વ આપવાનું હોય, ક્યારે એમને નજીક આવવા દેવાના હોય, ક્યારે એમને દૂર કરી નાખવાના હોય. આ બાબતમાં મોદીના માહિતીના સ્ત્રોતો પાકા હોય છે, એમનું નેટવર્ક ગજબનું છે. સાથોસાથ એમની કોઠાસૂઝ, એમની સિક્સ્થ સેન્સ પણ ગજબની છે. સ્વાર્થી, કામચોર, ભ્રષ્ટ, અહંકારી, અવિશ્વાસુ અને ઓવર એમ્બિશ્યસ લોકોની ગંધ મોદીને હજાર ગાઉ દૂરથી આવી જતી હોય છે. મોદીનું સારું શું છે કે એમની કોઈ પણ નીતિના અમલીકરણમાં સહેજ અવ્યવસ્થા સર્જાતી દેખાય તો એની જાણ એમને તરત થઈ જતી હોય છે અને તાબડતોબ તેઓ એમાં રહી ગયેલી ખામીઓને દૂર કરવાનાં પગલાં લે છે. બીજાઓએ— પોતાના સાથીઓએ કરેલી ભૂલ પોતાની છે એવું માનીને તેઓ કોઈ સંકોચ વિના કે બહાનાં કર્યા વિના એ ભૂલોને સુધારી લેતા હોય છે. નોટબંધીના અમલીકરણ વખતે, જીએસટીના અમલીકરણ વખતે કે પછી કોરોનાની મહામારીને મૅનેજ કરવાનાં પગલાં લેતી વખતે ગ્રાસરૂટ લેવલ પર અમલમાં મૂકાતી નીતિઓમાં જ્યાં જ્યાં સુધારાવધારા કરવાની જરૂર લાગી ત્યાં ત્યાં તાત્કાલિક પગલાં એમણે લીધાં છે. એ વાત જુદી છે કે આપણામાંના કેટલાકનો સ્વભાવ જ એવો હોય છે જેઓ કોઈના લગ્નના રિસેપ્શનમાં એકસો એક રૂપિયાનું કવર આપીને સહકુટુંબ અઢી હજારની ડિશવાળું ડિનર કરીને બીજે દિવસે ફરિયાદ કરશે કે જલેબી બહુ ગરમ નહોતી. દરેક સમાજમાં પાણીમાંથી પોરા કાઢવાવાળા ચૌદસિયાઓ રહેવાના જ છે એની મોદીને ખબર છે. મોદીએ ક્યારેય લિબરાન્ડુઓને ગણકાર્યા નથી તો આ રાયતા ગૅન્ગ શું વિસાતમાં.

રાયતા વિંગના સંદર્ભે સંદીપ શેટ્ટીએ સોશ્યલ મીડિયામાં એક નાનકડી પોસ્ટમાં ઘણી મોટી વાત કહી દીધી છેઃ શિવાજી મહારાજ હિન્દવી સ્વરાજનું સપનું લઈને મુસ્લિમ આક્રમણખોરો સામે લડી રહ્યા હતા ત્યારે અફઝલ ખાને તોતિંગ સૈન્ય સાથે મરાઠા સામ્રાજ્ય પર ચડાઈ કરી. એ સમયે શિવાજી મહારાજ પાસે અફઝલ ખાનના સૈન્યનો સામનો કરી શકે એટલા સૈનિકો નહોતા કે નહોતાં પૂરતાં સાધનો. શિવાજી મહારાજે પોતાના બહાદુર, તાલીમબદ્ધ અને વફાદાર સૈનિકોને ગેરિલા યુદ્ધ માટે કેળવ્યા. દુશ્મન પર વાર કરીને ગાઢ જંગલ વચ્ચે કે ડુંગરાઓની કોતરોમાં છુપાઈ જવાનું. દુશ્મન અસાવધ જણાય ત્યારે ફરી બહાર નીકળવાનું અને એમના પર છાપો મારીને પાછા છુપાઈ જવાનું. શિવાજી મહારાજની આ વ્યવહારુ રણનીતિ હતી. એમને ખબર હતી કે પૂરતું સૈન્ય નહીં હોય ત્યાં સુધી આ જ રીતે લડીને દુશ્મનને હરાવી શકાશે.

શિવાજી મહારાજ અને એમના સેનાપતિઓ તથા સૈનિકો ભૂગર્ભમાંથી બહાર આવીને પ્રગટ થાય એ ઇરાદે અફઝલ ખાને મંદિરો પર આક્રમણ કરવાનું શરૂ કર્યું, લૂંટફાટ કરી, તોડફોડ કરી, સ્ત્રીઓને અભડાવી. અઠવાડિયાઓ સુધી આ ચાલ્યું. શિવાજી મહારાજ ડરપોક નહોતા, એમના જેટલી હિંમત ભાગ્યે જ બીજા કોઈનામાં હતી. પણ એમને ખબર હતી કે આ અફઝલ ખાનની ચાલ છે. પોતાનું સૈન્ય બહાર આવશે કે તરત અફઝલ ખાન એમના પર તૂટી પડશે અને પોતે યુદ્ધ હારી જશે. સમસમી ગયેલા શિવાજી મહારાજે ધીરજ રાખી, યોગ્ય સમયે અને લાગ આવ્યે અફઝલ ખાનને દબોચવાની સ્ટ્રેટેજી અપનાવી. શરણાગતિ અને સમાધાન કરવાનું બહાનું કરીને વાઘનખ પહેરીને અફઝલ ખાનને ભેટતી વખતે એનાં આંતરડાં શિવાજી મહારાજે કેવી રીતે ખેંચી કાઢ્યાં એ ઇતિહાસથી તમે વાકેફ છો. સંદીપ શેટ્ટી આ વાત ઘૂંટીને સમાપન કરતાં કહે છે કે એ જમાનામાં જો સોશ્યલ મીડિયા હોત તો રાયતા વિંગે પોતાની છિછરી સમજ પ્રગટ કરીને, છુપાઈ ગયેલા શિવાજી મહારાજ મંદિરોને ધ્વસ્ત થતા બચાવવા દુશ્મનોનો સામનો કરવા બહાર કેમ ન આવ્યા, એ માટે છત્રપતિને આવડી ને આવડી સંભળાવી હોત. આજે આ જ બની રહ્યું છે.

આ દેશના ખૂણે ખૂણે શું બની રહ્યું છે, શા માટે બની રહ્યું છે અને કોણ એના માટે જવાબદાર છે એની રજેરજની માહિતી વડા પ્રધાન પાસે પહોંચે છે. એ માટે એમણે મિડિયા કે સોશ્યલ મિડિયા પર આધાર રાખવાની જરૂર નથી. દેશને હેરાન કરતી, શાસન સામે વિઘ્નો ઊભાં કરતી અને પ્રજામાં વિસંવાદ સર્જતી ઘટનાઓ સામે શું પગલાં લેવાં એની સમજ પણ વડા પ્રધાનમાં છે. એમને સૂચનો આપનારા અતિ નિષ્ણાત અનુભવીઓનો ફોજ એમની પાસે છે. એમને સોશ્યલ મીડિયાના કે યુ ટ્યુબના એક્સપર્ટ્સની જરૂર નથી. ક્યારે શું પગલાં લેવાં, કેવી રીતે લેવાં એનો અનુભવ એમની પાસે છે. હિંમત છે. આવડત અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ છે. બાલાકોટની ઍર-સ્ટ્રાઇક એનું ઉત્તમ ઉદાહરણ છે. મોદીને રાયતા વિંગની સલાહની, ઉશ્કેરણીની કે એ આક્રોશની પડી નથી.

દેશમાં કંઈક અઘટિત બને એટલે રાયતા વિંગવાળા સવાયા હિન્દુવાદી બનીને મોદી-શાહને ફટકારવા માંડે છે : ‘શું કરે છે આ લોકો દિલ્હીમાં બેસીને? શું અમે આટલા માટે એમને વોટ આપ્યો હતો? યાદ રાખજો, જેમણે તમને મત આપીને વડાપ્રધાન બનાવ્યા છે એ જ લોકો તમને ઘરે બેસાડી દેવાની તાકાત રાખે છે.’ જા, ભાઈ જા. તું ઘરમાં બેસીને તારા સ્માર્ટ ફોનમાં ડાઉનલોડ કરેલી સોશિયલ મીડિયાની ઍપથી રમ્યા કર અને તારા આજુબાજુવાળાઓને રમાડ્યા કર. ખુશ થા.

રાયતા વિંગના અમુક ઍકેડેમિશ્યનોને ગ્રાસ રૂટ લેવલનો જરા સરખો અનુભવ નથી હોતો છતાં ચશ્માં ચડાવીને તેઓ સલાહ-સૂચનોની ગુણીઓ ખોલીને બેસી જતા હોય છે. જે લોકોને ખબર નથી કે દાળને સ્વાદિષ્ટ બનાવવા એમાં એવરેસ્ટનો પાંઉભાજી મસાલો નાખવાનો હોય કે બાદશાહનો ચાટ મસાલો, તેઓ નીવડેલા રસોઇયાને ટિપ્સ આપતા ફરે છે (ફૉર યૉર કાઇન્ડ ઇન્ફર્મેશન, બેમાંથી એકેય મસાલો ન નાખવાનો હોય).

નૅશનલ હેરલ્ડના કેસમાં સોનિયા-રાહુલની ધરપકડ કેમ નથી કરતા? આવું કહીને સુબ્રમણ્યમ સ્વામી મોદીને પડકારતા રહે છે. રૉબર્ટ વાડ્રાને જેલમાં પૂરી દેવો જોઈએ, ખેડૂત નેતા બની બેઠેલા ટિકૈત સામે પગલાં કેમ નથી લેવાતાં, મમતા બૅનર્જીની સરકારને બરખાસ્ત કરીને રાષ્ટ્રપતિશાસન લાદવાની હિંમત મોદીમાં નથી – આ અને આવાં અનેક બખાળાથી રાયતા વિંગ આપણને ઉશ્કેરે છે અને જતાવવાની કોશિશ કરે છે કે હિન્દુત્વના સાચા પ્રહરીઓ તો તેઓ પોતે જ છે, મોદી-શાહ ભાગવતને શું સમજ પડે હિન્દુત્વબિન્દુત્વમાં.

બેએક વર્ષ અગાઉ કે પછી એથીય પહેલાં, 1975ની ઇમરજન્સીને યાદ કરીને એક લેખ લખ્યો હતો કે ઇન્દિરા ગાંધી ઇમરજન્સી લઈ આવ્યાં એને કારણે મોદીને ખબર પડી ગઈ કે પોતે વડાપ્રધાન તરીકે વિરોધીઓ સામે શું શું ન કરવું જોઈએ. એ આખો લેખ ક્યાંક ‘ન્યુઝપ્રેમી’ પણ હશે. એ લેખનો સાર એક જ પૅરેગ્રાફમાં મેં હમણાં જ કૂમી કપૂરના પુસ્તક ‘ધ ઇમરજન્સી’નો અનુવાદ પૂરો કર્યો એ પછી લખેલી અનુવાદકની પ્રસ્તાવનામાં જે સાતેક મુદ્દા લખ્યા તેમાંના ચોથા મુદ્દા તરીકે સમાવેશ કર્યો છે: ‘ દેશવ્યાપી રેલ હડતાળ તથા બરોડા ડાયનેમાઇટ કન્સપાયરસી સહિતનાં વિરોધપ્રદર્શનો સામે જુલમી પગલાં લેવાથી કેવાં માઠાં પરિણામો આવી શકે છે તે પાઠ દેશના હાલના શાસકો શીખ્યા છે. શાહીનબાગ, ખેડૂત આંદોલન કે બંગાળમાં હિન્દુ કાર્યકર્તાઓની હત્યા જેવી ગંભીર ઘટનાઓને ડામવા માટે જુલમી પગલાં લેવાશે તો બૅકફાયર થશે એની દિલ્હીને ખબર છે. ઇમરજન્સીએ બીજા ઘણા પાઠ શીખવાડ્યા છે. જેમ કે અખબારો, ન્યુઝ ચૅનલો કે અન્ય મીડિયા સરકારની ગમે એટલી ટીકા કરે અને એ ટીકાઓ બેવજૂદ કે ફેક ન્યુઝ પર આધારિત હોય તો પણ, અખબારી સ્વાતંત્ર્ય અકબંધ રાખવું જોઈએ.’

રાયતા વિંગના દોઢડાહ્યાઓ મોદી-શાહ-ભાગવત-ભાજપ-સંઘને લલકારવાની ચેષ્ટા કરીને તમને આ નેતાઓ-સંસ્થાઓ વિરુદ્ધ ઉશ્કેરતા હોય ત્યારે એમની પોસ્ટને કે એમના ટ્વિટને લાઇકનો અંગૂઠો આપતાં પહેલાં બેવાર વિચાર કરજો. કાલ ઊઠીને આ જ લોકો તમને ડિંગો દેખાડીને વામપંથીઓમાં ભળી જશે.

8 COMMENTS

  1. Who care for these gangs. They can not brain wash Modi Supporters. I never read any articles written by them. I have stop reading TOI-Mumbai Samachar or infact all print Media.Since last two years no news papers is coming to my house. I am happy with that. I trust Modi-Shah-Yogi-Bhagvat and all supporters who writes in face book. I love reading them but any comments written against Modi I immediately blocking them so that next time I can not see their name.

    I am 100% sure we are all having good future in our beloved Prime Minister MODI JI.

  2. ખૂબ સરસ રીતે રાયતા ગેંગ વિશે સમજાવ્યું,આભાર.

  3. સૌરભ ભાઈ,
    સચોટ આકલન.

    દીક્ષિત સાહેબ વિષે
    મને DNA વાળા મુદ્દા પર ચર્ચા કરવામાં આવી ત્યારે
    આજ અનુભવ થયો હતો.
    અને સ્વીકારું છું કે ત્યાં સુધી હું પણ એમના અમુક
    પ્રસારણ ને પસંદગી આપી ચુક્યો છું.

    અસર ની ગંભીરતા સમજાવવા બદલ આભાર.

    નમસ્તે સદા વત્સલે માતૃભૂમિ.
    🙏🏻

  4. સાચી વાત છે. હું છેલ્લા કેટલાક વર્ષોથી 24×7 ન્યુઝ ચેનલો જોતો નથી એટલે યુ ટ્યુબર્સ ને જોતો થયો. શરૂઆતમાં તો જયપુર ડાયલોગ્સ થી હું પણ પ્રભાવિત થઈ ગયો હતો પણ ટૂંક સમય માજ ખ્યાલ આવી ગયો કે આ રાયતા વિંગર છે. બીજા એક સંદીપ દેવ છે. આમના વિડીયો જોતાં જોતાં જ ખ્યાલ આવી ગયો કે આમને એવું લાગે છે કે રાષ્ટ્રીય સ્વયમ સેવક સંઘના નેતાઓ અને મોદીજી આમની કોઈ સલાહ માનતા નથી. બીજી રીતે કહીયે તો સ્વયંસેવક બન્યા સિવાય જ સંઘ આમને ઘાસ નાખે એવી આમની ઈચ્છા પૂરી થતી નથી એટલે રાયતા ફેલાવે છે. જાણતા અજાણતા તેમના દ્વારાજ તેમની આ છુપી ઈચ્છા વ્યક્ત થઇ જતી હોય છે.

  5. Very timely article Sir. Thank you.
    The menace of these so-called extreme right wingers can never be under estimated.
    Few more names besides Dixit would be handy.

  6. I m never driven away by any post,,any article or any comment against Modiji and his sincere efforts .I have full faith and staunch support in Modiji .He is the best. Regarding raayta gang or anti modi gang,,i have to say nothing because they all are obstinate. Jai Hind

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here