જિંદગી તમે સ્વીકારેલા વિકલ્પોનો સરવાળો છેઃ સૌરભ શાહ

(તડકભડક : ‘સંદેશ’, સંસ્કાર પૂર્તિ, રવિવાર, ૨૪ ઑક્ટોબર ૨૦૨૧)

મારાં લગ્ન પછી મારા પતિએ મારી નોકરી છોડાવી દીધી અને હું ઘરગૃહસ્થીમાં અટવાઈ ગઈ, નહીં તો અત્યારે મેનેજરના લેવલ પર પહોંચી ગઈ હોત.

મારાં માબાપને હું જે છોકરીના પ્રેમમાં હતો તે ગમતી નહોતી એટલે મારે એમની પસંદગી મુજબ લગ્ન કરવાં પડ્યાં જેને લીધે આજે હું જિંદગીમાં કંઈ કરી શકતો નથી.

મારા પપ્પાએ મને ઘરમાંથી અને વારસામાંથી કાઢી મૂકવાની ધમકી આપી એટલે હું ન્યુઝ ચેનલમાં જોડાઈને ટીવી રિપોર્ટર બનવાને બદલે ફેમિલીનો ઇલેક્ટ્રોનિક્સનો શો રૂમ સંભાળતો થઈ ગયો બાકી આજે આખા દેશમાં લોકો મને ઓળખતા હોત.

પતિ જ્યારે તમને નોકરી કરવાની ના પાડે છે ત્યારે તમારી પાસે ઘણા વિકલ્પો છેઃ પતિને સમજાવો, એમની શંકાઓ દૂર કરો, એમને ધરપત આપો, ઝાઝી જીદ કર્યા વિના કમ સે કમ છબાર મહિનાનો અખતરો કરવાની મહેતલ માગો અને છેવટનો ઉપાય એ છે કે પતિને છોડીને તમે તમારા ધ્યેય તરફ આગળ વધો. તમે જો પતિને ન સમજાવી શક્યા હો તો એનાં પણ કંઈક કારણો હશે. તમારી બીહેવિયર, તમારો ભૂતકાળ, તમારો સ્વભાવ એમને ખબર હશે. તમને કામ નહીં કરવા દેવા પાછળ એમની પણ કોઈક મજબૂરીઓ હશે. અનેક કારણો હોઈ શકે. ફાઇનલી તમે જ્યારે તમારો સંસાર છિન્નભિન્ન કરવાને બદલે નોકરી કરવાની જીદ છોડો છો ત્યારે તમે તે વખતે તમને જે વધારે ગમતું હતું, વધારે અનુકૂળ હતું તે જીવન પસંદ કર્યું. જે માર્ગ વધારે કઠિન લાગ્યો તે રસ્તે તમે ન ગયા. તો પછી અત્યારે શેની હાયવોય કરવાની? અત્યારે તમારે શું કામ કોઈનો વાંક કાઢવાનો?

કોઈની પણ જિંદગીમાં હસવું ને લોટ ફાકવો-બેઉ કામ સાથે તો ન જ થઈ શકે. ચિત ભી મેરી ઔર પટ ભી મેરી એવું કંઈ થઈ શકે ક્યારેય?

તમને એ વખતે તમારા પતિને છોડી દેવાને બદલે નોકરી કરવાની જીદને છોડી દેવામાં શાણપણ લાગ્યું તો તમે એ રસ્તો અપનાવ્યો. એ વખતે તમે જો એવા નિર્ણય પર આવ્યા હોત કે આવા પતિને બદલે તો નોકરી કરવી સારી તો તમે એવું કર્યું હોત. તમે કહેશો કે એ વખતે મારામાં હિંમત નહોતી, મારા સંજોગો એવા નહોતા, નાનું બાળક હતું વગેરે. તો એનો અર્થ એ થયો કે નોકરી કરવા કરતાં તમને બાળક વધારે વહાલું હતું. સ્વતંત્ર કમાણી કરવા કરતાં ત્યાગમૂર્તિ કહેવડાવવામાં તમને વધારે ગૌરવ લાગ્યું હતું. હિંમત ન હોય તો કોઈ શું કરી શકે? દરેક વ્યક્તિએ પોતાની માનસિક અને શારીરિક ક્ષમતા અનુસાર આગળ વધવાનું હોય. મારામાં એવરેસ્ટની ટોચ પર પહોંચવાની શારીરિક ક્ષમતા ન હોય એમાં કોઈનો વાંક શું કામ કાઢવાનો? મારામાં આઇન્સ્ટાઇન જેવી બુદ્ધિપ્રતિભા કે સરદાર પટેલ જેવી વિચક્ષણતા કે શહીદ ભગતસિંહ જેવી હિંમત ન હોય તો કોઈ શું કરે? મારે સંજોગોને આધીન થઈ જવું છે કે સંજોગોએ ઊભા કરેલા પડકારો મને અનુકૂળ થાય એવાં કઠિન કાર્યો કરીને આગળ વધવું છે એનો નિર્ણય લેવાનું કામ મારા હાથમાં છે અને એવા નિર્ણયો લેવાયા પછી ભવિષ્યમાં મારે એ માટે બીજા કોઈના માથે દોષનો ટોપલો ઢોળવાનો ન હોય.

તમને જે છોકરી ગમતી હતી એને તમારે છોડી દેવી પડી એમાં વાંક કોનો? તમે માબાપને છોડી શક્યા હોત. પણ તમને ઘરની સલામતી વધારે પ્યારી હતી. અથવા તો ક્યાંક ઊંડે ઊંડે દહેશત હતી કે જે છોકરી ગમે છે એ જેની કઝિન તરીકે ઓળખાણ કરાવે છે એ વાસ્તવમાં એનો પિતરાઈ કે માસિયાઈભાઈ નથી પણ બૉયફ્રેન્ડ છે. અથવા તો તમે જાણતા હતા કે બાપા ઘરમાંથી કાઢી મૂકશે તો તમારામાં એટલી ત્રેવડ નથી કે તમે પોતે તમારો સ્વતંત્ર સંસાર ચલાવી શકો.

ન્યુઝ એન્કર કે રિપોર્ટર બનવાને કારણે પિતાના વારસામાંથી બેદખલ થઈ જવાનું જોખમ લેવાનું તમને પસંદ નહોતું એટલે તમે ઇલેક્ટ્રોનિક્સના શોરૂમના કૌટુંબિક ધંધામાં જોડાઈ ગયા.

આ બધા જ કિસ્સાઓમાં તમે જે કંઈ કર્યું તે એ વખતની તમારી સમજણ અનુસાર તમને તમારા માટે જે શ્રેષ્ઠ લાગ્યું તે કર્યું. જિંદગી તમે પસંદ કરેલા વિકલ્પોનો સરવાળો છે. એક તરફ ખાઈ અને બીજી તરફ વાઘ જેવી પરિસ્થિતિમાં પણ તમે જે વિકલ્પ પસંદ કરો છો તે તમારી જિંદગીને સારી-ખરાબ બનાવી શકે છે. તમને આશા હોય કે વાઘથી બચવા ખાઈમાં કૂદી પડશો તો શક્ય છે કે કોઈ ઝાડીઝાંખરામાં તમે અટવાઈ જાઓ અને બચી જાઓ. ખાઈમાં પડીને જીવ ગુમાવી દેવાને બદલે વાઘની પસંદગી કરતી વખતે એવી આશા હોઈ શકે કે વાઘ ભૂખ્યો નહીં હોય તો તમને જીવતા છોડી દેશે અથવા તમારાથી ડરીને વાઘ પોતે રસ્તો બદલી નાખશે.

તમે કોઈ એક વિકલ્પ તમારી પોતાની મરજીથી પસંદ કર્યો છે એવું માનતા હો કે પછી તમારે પરાણે એ વિકલ્પ પસંદ કર્યો હોય એવું તમે માનતા હો — છેવટે પરિણામ તો સરખું જ આવે છે જેના માટે તમારાથી અન્ય કોઈનો વાંક કાઢી ના શકાય.

વિકલ્પોની પસંદગી કરતી વખતે તમને કોઈને કોઈ મજબૂરી હોઈ શકે છે. પસંદગી કર્યા પછી એની જવાબદારી બીજાના પર ઢોળવી કે પછી જાતે સ્વીકારવી એ વિશે કોઈ મજબૂરી નથી હોતી. આમ છતાં તમે એ પસંદગી માટે બીજાને જવાબદાર ઠેરવતા રહો છો ત્યારે તમે ભવિષ્યમાં એવી કોઈ ભૂલ નહીં કરવાના, જૂનામાંથી શીખીને આગળ વધવાના, રસ્તા બંધ કરી દેતા હો છો. પસંદ કરેલા વિકલ્પોની સંપૂર્ણ જવાબદારી મારી જ હતી અને મારી જ રહેશે એવું સમજતા-સ્વીકારતા લોકો જ પોતાને જે માર્ગે જવું છે એ માર્ગ પરના વિઘ્નોને ઓળંગીને આગળ વધતા રહે છે.

પાન બનાર્સવાલા

તક તમારા દરવાજા પર ટકોરા ન મારતી હોય તો બે શક્યતા છેઃ તમે તમારી દીવાલ ચણી લીધી છે અને એમાં દરવાજો બનાવવાનું ભૂલી ગયો છો અથવા તમારો દરવાજો ઉઘાડો જ છે – તકના ટકોરાની રાહ જોવાની જરૂર જ નથી.

— અજ્ઞાત

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here