મુસ્કુરાને કે કર્ઝ ઉતારને હોંગે

આર. ડી. બર્મન પર સહેલાઈથી પીએચ.ડી.ની પાંચ-સાત થીસિસ લખી શકે એવા ભારતના હિંદી ફિલ્મ સંગીતના રિસર્ચર એવા ગુજરાતી અજય શેઠનું કહેવું છે કે પંચમ માટે ૧૯૭૫નું નહીં પણ ૧૯૮૧નું વર્ષ શ્રેષ્ઠ હતું. કવૉલિટી તેમ જ કવૉન્ટિટી બેઉ દૃષ્ટિએ. પંચોતેરમાં ૧૧ ફિલ્મો એમણે કરી એની સામે એકયાશીમાં ૨૧ કરી. ૧૯૮૧માં આ ટોટલ ૨૧ ફિલ્મોમાં ૧૮૦ ગીતો આપ્યાં અર્થાત દર ત્રીજે દિવસે એક ગીત રેકોર્ડ થયું. આ ઉપરાંત બૅકગ્રાઉન્ડ મ્યુઝિક જુદું. ‘બરસાત કી એક રાત’, ‘સત્તે પે સત્તા’, ‘કાલિયા’, ‘હરજાઈ’, ‘દૌલત અને અંગૂર’ વગેરે ઉપરાંત એક બંગાળી ફિલ્મ પણ ખરી જેમાં ‘અયરી પવન’ની ઓરિજિનલ ધૂન હતી.

૧૯૮૧માં ‘ઉમરાવજાન’ રિલીઝ થઈ જેમાં ખય્યામસા’બનું ઉત્કૃષ્ટ મ્યુઝિક હતું એટલે એ વર્ષનો ફિલ્મફેર અવૉર્ડ ખય્યામને મળ્યો પણ આ ભૂલ સુધારી લેવા અથવા તો ૧૯૮૧માં પંચમદાના કૉન્ટ્રિબ્યૂશનને રૅક્ગ્નાઈઝ કરવા એમને ૧૯૮૨માં ‘સનમ તેરી કસમ’ માટે ‘ફિલ્મફેર’થી નવાજવામાં આવ્યા એવું અજય શેઠનું માનવું છે. ‘સનમ તેરી કસમ’માં હિટ ગીતો હોવા છતાં એ કંઈ આર. ડી.ની મ્યુઝિકવાઈઝ ઉત્કૃષ્ટ ફિલ્મ ન ગણાય.

૧૯૮૧માં ‘યાદ આ રહી હૈ માટે’ અમિત કુમારને અને ‘હમેં તુમ સે પ્યાર કિતના માટે’ પરવીન સુલતાનાને બેસ્ટ પ્લેબેક સિંગર્સનો ‘ફિલ્મફેર’ અવૉર્ડ મળ્યા પણ એ ગીતોના સંગીતના સર્જનહાર એવા આર. ડી. ૧૯૮૧માં અવૉર્ડથી વંચિત રહ્યા એ માહિતી પણ અજય શેઠ આપે છે. પંચમદા માટે ૧૯૭૫નું નહીં પરંતુ ૧૯૮૧નું વર્ષ શ્રેષ્ઠ પુરવાર થયું એવું રિસર્ચર અજય શેઠ કહેતા હોય તો મારે એ વાત માનવી જ પડે કારણ કે પંચમદાના સંગીત વિશે એમની એટલી બધી જાણકારી છે કે આર. ડી. હયાત હોત તો ખુદ એમણે પણ પોતાની સંગીતયાત્રા વિશેનો અજય શેઠનો અભિપ્રાય અંતિમ માન્યો હોત!

૧૯૮૨માં ‘સનમ તેરી કસમ’ માટે ‘ફિલ્મફેર’ મળ્યા પછી આર. ડી. બર્મનને એ પછીના જ વર્ષ, ૧૯૮૩માં ગુલઝારે લખેલી પટકથા પરથી શેખર કપૂરે બનાવેલી ‘માસૂમ’ માટે પણ ‘ફિલ્મફેર’ મળ્યો. આર. ડી. બર્મને સંગીતબદ્ધ કરેલાં ગુલઝારનાં બધાં ગીત યાદગાર. ‘લકડી કી કાઠી…’, ‘હઝુર ઈસ કદર…’ અને ‘દો નૈના ઔર એક કહાની’ ઉપરાંત અનુપ ઘોષલ તથા લતા મંગેશકર – બે જુદા જુદા વર્ઝનમાં ગવાયેલું આ ગીત કોણ ભૂલી શકે:

તુઝ સે નારાઝ નહીં ઝિંદગી, હૈરાન હૂં મૈં
તેરે માસૂમ સવાલોં સે પરેશાન હૂં મૈં
જીને કે લિયે સોચાહી નહીં, દર્દ સંભાલને હોંગે
મુસ્કુરાયે તો, મુસ્કરાને કે કર્ઝ ઉતારને હોંગે
મુસ્કુરાઉં કભી તો લગતા હૈ, જૈસે હોંઠો પે કર્ઝ રખા હૈ
ઝિંદગી તેરે ગમ ને હમેં રિશ્તે નયે સમજાયે
મિલે જો હમેં, ધૂપ મેં મિલે છાંવ કે ઠંડે સાયે
આજ અગર ભર આઈ હૈં, બૂંદે તરસ જાયેગી
કલ ક્યા પતા ઈન કે લિયે, આંખે તરસ જાયેગી
જાને કબ ગુમ હુઆ, કહાં ખોયા, એક આંસૂં છુપા રખા હૈ

૧૯૮૩માં ‘માસૂમ’ પછી ૧૯૮૪માં આવીને ભુલાઈ ગયેલી સંજય દત્ત – મંદાકિનીની ફિલ્મ ‘જીવા’નું ‘રોઝ રોઝ આંખોં તલે…’ ગીત સાંભળીને તમને થાય કે તમને તમારું કામ કરવા મળે છે એટલું પૂરતું છે, માહોલ ગમે તે હોય. ભવિષ્યમાં એ માહોલ પબ્લિકની મેમરીમાંથી ભૂંસાઈ જશે, માત્ર તમારું કામ યાદ રહેશે.

૧૯૮૫માં રિલીઝ થયેલી રમેશ સિપ્પીની ‘સાગર’ ટુકડાઓમાં બધી જ રીતે મઝાની ફિલ્મ હતી પણ એ ટુકડાઓ જિગ્ઝો પઝલમાં બરાબર ગોઠવાયા નહીં ને ફિલ્મ ચાલી નહીં. આર. ડી. બર્મન વિશે તમે જ્યારે પણ વાત કરો ત્યારે જે કેટલીક ફિલ્મો વિના એ વાત અધૂરી રહે તેમાંની એક ‘સાગર’ ‘યૂં હી ગાતે રહો…’, ‘સચ મેરે યાર હૈ…’થી માંડીને ‘સાગર કિનારે…’, ‘ચહેરા હૈ યા…’, ‘ઓ મારિયા…’ અને ‘જાને દો ના….’ સુધીનાં ગીતોની રેન્જ જુઓ, આ ગીતોનું ઓરકેસ્ટ્રાઈઝેશન બારીકીથી સાંભળો, તે વખતે લિમિટેડ સાધનોથી આર. ડી.એ વાપરેલી રેકૉર્ડિંગ ટેક્નિક માર્ક કરો, દિલ ‘સાગર’મય થઈ જશે. ગુલઝારે કહ્યું હતું કે, ‘આર. ડી. જેટલા મોટા કલાકાર (આર્ટિસ્ટ) હતા એટલા જ મોટા કસબી (ક્રાફ્ટ્સમૅન) પણ હતાં.

આ કૉમ્બિનેશન બહુ ઓછા સર્જકોમાં હોય છે. કેટલાક ક્રાફ્ટ્સમૅન પોતાને કલાકારમાં ખપાવી દેતા હોય છે તો કેટલાક આર્ટિસ્ટમાં પોતાની કળાને લગતો કસબનો અભાવ હોવાથી અચ્છા સર્જક હોવા છતાં તેઓ ટેક્નિકલ બાબતોમાં માર ખાઈ જતા હોય છે.

‘સાગર’ના બે વર્ષ પછી, ૧૯૮૭માં ‘ઈજાઝત’ રિલીઝ થાય છે. અગેઈન, ‘ઈજાઝત’ વિના આર.ડી.ની વાત અધૂરી રહે. ‘છોટી સી કહાની સે…’, ‘ખાલી હાથ શામ આયી હૈ…’ અને ‘કતરા કતરા’ ઉપરાંત એ યાદગાર ગીત: ‘મેરા કુછ સામાન’ જેના વિશેની અનેક કથાઓ, દંતકથાઓ પ્રચલિત છે. ઘણું લખાઈ ચૂકયું છે, મેં પણ આર.ડી. વિશેના અગાઉના લેખોમાં લખ્યું છે. ઈન ફેક્ટ, આ સિરીઝમાં જો તમને આર.ડી. વિશેની કોઈ વાત ખૂટતી લાગે તો છેલ્લાં ચાર વર્ષમાં મેં એમના વિશે લખેલા લેખો ગૂગલ સર્ચ કરીને વાંચી લેશો, એમાંથી જડી જશે કારણ કે પંચમદા વિશે લખતી વખતે પાંચ-દસ ટકા જેટલી પાયાની વાતો સિવાય હું ક્યારેય એકની એક વાતનું પુનરાવર્તન નથી કરતો. દરેક વખતે મને એમના વિશે લખવા માટે અલગ અલગ એન્ગલ મળી જ રહે છે. ઈન્શાઅલ્લાહ, ભવિષ્યમાં પણ મળતા જ રહેશે.

‘ઈજાઝત’ના બે વર્ષ પછીના ‘પરિન્દા’ વિધુ વિનોદ ચોપરા અને આર. ડી. બર્મનના એસોસિયેશન માટે એક બહુ મહત્ત્વની ફિલ્મ પુરવાર થઈ. ‘તુમસે મિલ કે…’ અને ‘પ્યાર કે મોડ પે…’ જેવાં રત્નોથી શોભતી આ સુંદર ફિલ્મ પછી વિધુ વિનોદ ચોપડા એમની નેક્સ્ટ ફિલ્મનું પ્લાનિંગ કરી રહ્યા હતા ત્યારે એક અસાઈન્મેન્ટ માટે એમની એક કરતાં વધારે વાર નિરાંતની મુલાકાતો લીધી હતી. વિનોદ ચોપરા બે બાબતે મક્કમ હતા. એક, નેક્સ્ટ ફિલ્મ મ્યુઝિકલ હશે અને બે, એમાં આર.ડી. બર્મનનું જ મ્યુઝિક હશે.

એ ગાળો આર.ડી. બર્મનની કરિયરનો સૌથી ખરાબ ગાળો હતો. મ્યુઝિક કંપનીઓ પંચમદાના મ્યુઝિકવાળી ફિલ્મોના રાઈટ્સ લેવા તૈયાર નહોતી. આર.ડી. પોતે પણ હાલાત સામે લડી લડીને થાકી ગયા હતા. એમની સાથે કામ કરીને મોટા થયેલા પ્રોડ્યુસરો, ડાયરેક્ટરો અને હીરો પણ હવે એમને કામ નહોતા આપતા. દરેક જીનિયસ અને મૌલિક સર્જનહારની જિંદગીમાં આવો ફેઝ આવતો જ હોય છે. વિનોદ ચોપરાની જીદ અને મક્કામતાને લીધે અને પંચમદાની ક્રિયેટિવિટી માટેના એમના અડગ વિશ્ર્વાસને લીધે તેમ જ આર.ડી. બર્મન માટેના એમના, કહો કે પૂજયભાવને લીધે, જે સંગીત સર્જાયું તે ‘નાઈન્ટીન ફોર્ટી ટુ: અ લવ સ્ટોરી’ જેવી મિડિયોકર ફિલ્મો પણ મહાન બનાવી ગયું. ‘યે સફર…’, ‘રૂઠ ના જાના…’, ‘રિમઝિમ રિમઝિમ…’, ‘પ્યાર હુઆ ચૂપકે સે…’, ‘કુછ ના કહો…’ અને અફકોર્સ ફિલ્મની સિગ્નેચર ટ્યુન જેવું, જાવેદ અખ્તર સા’બની કલમનું વન ઓફ ધ બેસ્ટ નજરાણું:

એક લડકી કો દેખા તો ઐસા લગા
જૈસે ખિલતા ગુલાબ
જૈસે શાયર કા ખ્યાબ
જૈસી ઉજલી કિરને
જૈસે બન મેં હિરન
જૈસે ચાંદની રાત
જૈસે નર્મી કી બાત
જૈસે મંદિર મેં હો એક જલતા દિયા
એક લડકી કો દેખા તો ઐસા લગા
જૈસે સુબહ કા રૂપ
જૈસે સર્દી કી ધૂપ
જૈસે બીના કી તાન
જૈસે રંગોં કી જાન
જૈસે બલ ખાયે બેલ
જૈસે લહરોં કા ખેલ
જૈસે ખુશબૂ લિયે આયે ઠંડી હવા
એક લડકી કો દેખા તો ઐસા લગા
જૈસે નાચતા મોર
જૈસે રેશમ કી ડોર
જૈસે પરિયોં કા રાગ,
જૈસે સંદલ કી આગ
જૈસે સોલા સિંગાર
જૈસે રસ કી પુહાર
જૈસે આહિસ્તા આહિસ્તા બઢતા નશા

ચંદનવનમાં આગ લાગે ત્યારે જે સુગંધનું સામ્રાજય છવાય એ રીતે આર.ડી. બર્મન આ દુનિયામાંથી જતાં જતાં આપણા સૌના દિલ અને દિમાગ પર છવાઈ ગયા.

ગુલઝારે એમને અંજલિ આપતા ડબલ આલ્બમના બીજા ભાગની શરૂઆત કરતાં ગુલઝાર કહે છે:

‘કિતને કમ લોગોં કો યે બાત સમઝ મે આતી હૈ કિ ધૂન બના લેને સે હી ગાના નહીં હો જાતા. તુમ્હારે અપને લબ્ઝો મેં ઉસે નરિશ કરના પડતા હૈ, ઉસ કી પરવરિશ કરની પડતી હૈ. ઘંટોં ઔર પ્રહરોં નહીં બલ્કિ કઈ દિનોં તક ગાતે રહના પડતા હૈ… તબ જા કર ઉસકી ચમક નીકલતી હૈ…’

‘લિબાસ’ના લતા મંગેશકરે ગાયેલા ‘સિલિ હવા છૂ ગઈ’ પછી ગુલઝાર વાત આગળ લંબાવે છે:

‘બહોત સે ગાને ઈસી તરહ કિયે તુમ્હારે સાથ એક મ્યુઝિકલ ફ્રેઝ કો ઈલોબરેટ કરતે કરતે ઉસ પર તુમ પૂરા નગ્મા તૈયાર કર લેતે થે. ઔર કિસી એક સિચ્યુએશન પર અગર એક મિસરા, યા એક ખયાલ તુમ્હેં અચ્છા લગ જાયે તો ઉસે પાલપોસ કર પૂરા ગાના બના લેતે થે… ઔર કભી કભી તો પૂરી કહાની બન જાતી થી.’

(‘કિનારા’ (૧૯૭૭)નું ભૂપિન્દર સિંહે ગાયેલું ‘એક હી ખ્વાબ કઈ બાર દેખા હૈ મૈં ને…’

ગુલઝાર: ‘ગાના બનાતે હુએ તુમ ઝુબાન સે ઝયાદા સાઉન્ડ કા ખયાલ રખતે થે. લબ્ઝો કી સાઉન્ડ અચ્છી હો તો ફૌરન ઉન્હેં હોંઠો પર લે લિયા કરતે થે. માની (અર્થ)? તુમ કહા કરતે થે – લોગ પૂછ લેંગે! જૈસે તુમને ઈસ ગાને મેં પૂછા થા મુઝ સે – યે નશેમન કૌન સા શહર હૈ યાર!’

(‘આંધી’ (૧૯૭૫) ‘ઈસ મોડ સે જા તૈ હૈ…’)

ગુલઝાર: ‘યે ગલત હૈ કિ વક્ત ગુઝર જાતા હૈ. વકત કાયમી હૈ, ઈટર્નલ હૈ, પરમેનન્ટ હૈ. વક્ત કભી નહીં ગુઝરતા. જો ગુઝર જાતા હૈ વો હમ ઔર તુમ હૈ.

(આર.ડી.ના અવાજમાં રાહ પે રહતે હૈ… અને પછી કિશોર કુમારે ગાયેલું ‘નમકીન’ (૧૯૮૧)નું એ જ ગીત.)

(ગુલઝાર – આર.ડી.ના નૉન ફિલ્મી અર્થાત્ પ્રાઈવેટ આલબમ ‘દિલ પડોસી હૈ’નું ‘કોઈ દિયા જલે કહીં’ની ધૂન પંચમદાના અવાજમાં અને પછી ગુલઝારના શબ્દો આશાજીના અવાજમાં.)

ગુલઝાર: ‘કુછ નહીં ઠહરતા ના, પંચમ, કભી ભી, કહીં ભી. ન તુમ ઠહરે, ન મૈં હી રૂકુંગા. મૈં ક્યા બતાઉં કિ બહતા દર્યા, (નદી) જબ આ રહા થા, તો જા રહા થા!’

(‘ગોલમાલ’ (૧૯૭૯)નું ‘આને વાલા પલ, જાને વાલા હૈ…’ કિશોરદાના અવાજમાં.)

ગુલઝાર: ‘યાદ હૈ પંચમ, જબ ભી કોઈ નઈ ધૂન બનાકર ભેજતે થે તો સાથ કહ દિયા કરતે થે…

(આર.ડી.નો અવાજ: ધ બૉલ ઈઝ ઈન યૉર ફોર્ટ…)

ગુલઝાર: ‘યે કૌન સા બૉલ મેરે કોર્ટ મેં છોડ ગયે હો, પંચમ! ઝિંદગી કા યે ખેલ અકેલે નહીં ખેલા જાતા. હમારી તો ટીમ હૈ. આ જાઓ, યા બુલા લો…’

ઉદાસીનો આ માહોલ પૂરો કરીને ‘તુઝ સે નારાઝ નહીં ઝિંદગી’થી આંખમાં આંસુ સાથે આલબમ પૂરું થાય છે.

અને આ શ્રેણી પણ.

આજનો વિચાર

માનનીય મોદીજી, જો તમે પ્રેગનન્ટ મહિલાને રૂ. ૬,૦૦૦ આપો છો તો પુરુષને પણ રૂ. ૩,૦૦૦ આપો. કારણ કે તાળી એક હાથે ના વાગે.

– વૉટ્સએપ પર વાંચેલું.

એક મિનિટ!

મુંબઈમાં મસ્ત ઠંડીનો ચમકારો થયો અને આજે સવારે, ગયા વર્ષે ગડી વાળીને મૂકી રાખેલું જાકીટ પહેર્યું તો હાલત બગડી ગઈ…

… ગરમાટો મેળવવા ખિસ્સામાં હાથ નાખ્યો ત્યારે પરસેવો વળી ગયો. ખિસ્સામાંથી ૧,૦૦૦ની ચાર નોટ નીકળી!

( મુંબઇ સમાચાર : સોમવાર, 9 જાન્યુઆરી 2017)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here