વારંવાર આવવું પડે એવું વારાણસી : સૌરભ શાહ

( ગુડ મૉર્નિંગ ક્લાસિક્સ: રવિવાર, 31 મે 2020)

વારાણસી માટે એવું કહેવાય છે કે એક વખત તમે અહીં આવો ત્યારે તમારા આત્માના એક અંશને અહીં છોડીને જતા હો છો જેને કારણે તમારે અહીં વારંવાર આવવાનું થાય છે— તમારા એ અંશને મળવા માટે.

અમારે પણ અમારા આત્માના એ અંશને મળવા ફરી એક વાર વારાણસી આવવાનું અનાયાસે જ ગોઠવાયું. અયોધ્યામાં મોરારીબાપુના સાંનિધ્યમાં ‘માનસ:ગણિકા’નું પાન કરીને અને રામજન્મભૂમિનાં દર્શન કરીને ધન્ય થઇને અમે થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરની ઉજવણી કરી. નવા વર્ષના નવપ્રભાતને વારાણસીમાં ગંગાજીનાં દર્શન સાથે આવકારવાનું હતું.

રામજન્મભૂમિની તીર્થયાત્રાને વાગોળતાં વાગોળતાં અમે અયોધ્યા છોડ્યું. અયોધ્યાથી વારાણસીનું અંતર બસોએક કિલોમીટર જેટલું . સાડા ચાર કલાકમાં પહોંચી જાઓ પણ પૂરા છ કલાક લાગ્યા.

નવા વર્ષના પહેલા દિવસના પ્રભાતે ગંગાજીની આરતીનાં દર્શન થાય એથી મોટું સૌભાગ્ય બીજું કયું?

અયોધ્યા-વારાણસી રૂટ પર ફોર લેન હાઇવે બની રહ્યો છે એટલે જે નાનકડો હિસ્સો તૈયાર થઇ ગયો છે તે ચકાચક છે પણ બાકીનો આખોય રસ્તો એકદમ ઉબડખાબડ. વરસમાં તૈયાર થઇ જશે પછી પોણા ચાર-ચાર કલાકમાં રસ્તો કપાઇ જશે.

અયોધ્યા છોડીને ફૈઝાબાદ વટાવીને સુલતાનપુર અને જૌનપુર થઇને વારાણસી પહોંચાય. મજરૂહ સુલતાનપુરીને કારણે સુલતાનપુર વિશ્વવિખ્યાત છે. મુંબઇમાં રહેનારા કોઇપણ મુંબઇકરને પૂછશો તો તેઓ જૌનપુર જિલ્લામાં વતન ધરાવતા કોઇને કોઈ હિન્દીભાષીને ઓળખતા હશે. અમે પણ ઓળખીએ છીએ. પહેલી જાન્યુઆરીએ પ્રગટ થયેલો ‘પહેલું સુખ તે જાતે નર્યા, બીજું સુખ તે જલસા કર્યા’ લેખ અમે સુલતાનપુર અને જૌનપુર વચ્ચેનો રસ્તો કાપતાં કાપતાં લખ્યો.

મોડી રાત્રે વારાણસી પહોંચીને બીજે દિવસે બ્રાહ્મમુહૂર્તમાં સુબહ-એ-બનારસ જોવા ગંગાકિનારે અસ્સી ઘાટ પહોંચી ગયા. તાપમાન ૮ ડિગ્રી સેલ્સિયસ.

અસ્સીઘાટ, વારાણસી પર સૂર્યોદય પહેલાંની ઘડીઓ.

બે વર્ષ પહેલાંની બનારસ મુલાકાત વખતે લખેલી વારાણસી ડાયરીના પાંચ હપ્તામાં વિગતે આ બધા જ અનુભવો વર્ણવ્યા છે. ફર્સ્ટ જાન્યુઆરી ઊજવવાનો આ અમારો અનોખો અંદાજ હતો. ઇસુના નવા વર્ષના પહેલા દિવસના પ્રભાતે ગંગાજીની આરતીનાં દર્શન થાય એથી મોટું સૌભાગ્ય બીજું કયું?

આ વખતની ઝડપી બનારસ મુલાકાત દરમ્યાન ઝાઝી દોડાદોડી કરવાને બદલે અમારા મિત્રના ગંગાદર્શન કરાવતા ફ્લેટમાં આરામ કરવાનો અને કોઇક ખાવાપીવાની જગ્યાઓએ ફરી આંટો મારી આવવાનો ઉપક્રમ હતો. બે-અઢી દિવસની મુલાકાતમાં ક્યાં ઝાઝી દોડાદોડી કરવી. ‘સુબહ-એ-બનારસ’નો લહાવો લઇને લક્ષ્મી ટી સ્ટૉલ પર ચા સાથે મલાઇ-ટોસ્ટનો બ્રેકફાસ્ટ. બહાર નીકળીને જોયું તો મલૈય્યો મળતી હતી.

દૂધમાંથી બનતી આ મીઠી વાનગી વિશે બહુ સાંભળ્યું હતું. ચૉકલેટ મૂસ જેવી ક્ન્સીસ્ટન્સી. વાદળ કે રૂના ગાભા જેવી. શિયાળામાં જ બને કારણ કે દૂધને આખી રાત ખુલ્લામાં રાખીને ઝાકળ સાથે એનો સંસર્ગ થવા દેવો પડે. પછી એને ફેંટવામાં આવે, સાકર અને કેસર સાથે. જે ફીણ જેવું બને તેને મલૈય્યો કહે. પ્યારું નામ છે. ખાવામાં તો ઓર પ્યારી છે. મલાઇ ટોસ્ટ ઉપરાંત મખ્ખન ટોસ્ટ (ઘરનું સફેદ માખણ) સાથે ગ્લાસ ભરીને ગરમ દૂધનો બ્રેકફાસ્ટ કરી લીધો હતો એટલે પેટ તડીમતુંબ હતું છતાં મલૈય્યોની લાલચ રોકી શક્યા નહીં.

શરીરમાં હવે બગાસું ખાવા જેટલીય જગ્યા રહી નહીં પણ ઉતારે આવતાં લંકા ચાર રસ્તા પર કેશવ તામ્બૂલ ભંડાર જોયો. બનારસી પાન. સવારના હજુ આઠ જ વાગ્યા હતા પણ બનારસી પાન ખાધા વિના બનારસનો બ્રેકફાસ્ટ પૂરો કેવી રીતે થાય. બે ગલોફામાં બે પાન જમાવી દીધાં. બનારસી પાનમાં પાનની જાત કરતાં વધુ અગત્યની છે એ પાન બનાવવાની રીત. એકદમ મિનિમાલિસ્ટિક. સોપારીનો પણ એક જ ટુકડો. ગુલકંદ-ખજૂર જો જોઇએ તો બીજા પાંદડા પર વધારાના ચૂના કાથા સાથે આપે. મુંબઇ આવતી વખતે બે ડઝન પાન અહીંના મિત્રો માટે બંધાવી લીધા.

એક આખી બપોર ગંગાકિનારે એક પછી એક ઘાટ પર પગપાળા ચાલીને વિતાવી. નૌકાના માઝીઓ હડતાળ પર છે, સરકારે શરૂ કરેલી ક્રૂઝના વિરોધમાં. સેંકડો નૌકાઓ ગંગાજીમાં વિહરવાને બદલે કિનારે લાંગરેલી છે. બહુ ઉદાસ દૃશ્ય છે. પાંચ-છ દિવસથી હડતાળ ચાલુ છે. સેંકડો માઝી-મલ્લાહોનાં કુટુંબોમાં શું રાંધીને ખાતા હશે ખબર નથી. આ ઇશ્યુમાં ઊંડા ઊતરવાની જરૂર નથી. અમારું હૈયું કેવટના આ વારસદારોની તરફદારી કરે છે.

અસ્સી ઘાટથી શરૂ કરીને તુલસી ઘાટ, અહલ્યા ઘાટ, હરિશ્ચંદ્ર ઘાટ વગેરે ઘાટ વટાવીને અમે દસઅશ્વમેધ ઘાટ પરથી બહાર નીકળી જઇએ છીએ. આગળ મણિકર્ણિકા ઘાટ સુધી નથી જવું. થાક છે. આજનું લખવાનું પણ બાકી છે. ગયા વખતે ઘાટ પર બેસીને જ લેખ લખ્યો હતો. આ વખતે ભીડને કારણે ગંગાકિનારે જે નીરવ શાંતિ માણતાં લખવું હતું તે મોકો મળ્યો નહીં. હૉટેલ તાજ ગેન્જીસની કૉફી શૉપમાં ગયા. ચા મગાવી. પણ અહીંય શોરબકોર હતો. જોયું તો બાર ખુલ્લો હતો અને મોડી બપોરનો સમય હતો એટલે સાવ ખાલી હતો. પૂછ્યું તો હા પાડી. ચા પણ મોકલી આપી.

દારૂના બારમાં અર્લ ગ્રે ટી પીતાં પીતાં લેખ લખીને ઇમેલ કરી દીધો. સાંજનું ભોજન દીના ચાટમાં. ટમાટર, ચૂરા મટર, ટિકી ચાટ, દહીં વડા અને છેલ્લે ગુલાબ જાંબુ.

એક દિવસ પહેલવાનની લસ્સી પણ પીધી. જોકે, એને પીવાય નહીં, ચમચીથી ખાવી પડે. રસ્તાની બેઉ બાજુ પહેલવાન લસ્સીની દુકાનો છે. એક તરફ ત્રણ દુકાનો છે, સામેની બાજુ સિંગલ મોટી દુકાન છે. અમે સામેની મોટી દુકાને ગયા હતા. બાકી યાદ ન રહે તો જોવાનું કે ભીડ ક્યાં વધારે છે, ત્યાં ઘૂસી જવાનું.

સંકટમોચન હનુમાનનાં દર્શન કર્યાં વિના વારાણસી છોડવાનું મન ન થાય. મિત્રો માટે પ્રસાદ, હનુમાન ચાલીસાની તથા સુંદરકાંડની ચોપડીઓ લઇને અમે બનારસ છોડ્યું. શિયાળામાં ધુમ્મસને લીધે સાંજે સાત વાગ્યે ઊપડતી ફ્લાઇટ પાંચ વાગ્યે રિશેડ્યુલ્ડ થતી હોય છે. અમે પ્રાર્થના કરતા રહ્યા કે ફ્લાઇટ ડિલે ન થાય અને કેન્સલ તો બિલકુલ ન થાય એવું કરજે, પ્રભુ. કારણ કે એ દિવસે ત્રીજી જાન્યુઆરી હતી. અમારે કોઇપણ ભોગે મુંબઇ પહોંચી જવું અનિવાર્ય હતું. બીજે દિવસે, ચોથી જાન્યુઆરીએ, અમારા માટે રામજી અને હનુમાનજી અને શ્રીનાથજી જેવા જ આરાધ્ય દેવ પંચમની ૨૫મી પુણ્યતિથિ નિમિત્તે પુણેમાં એક વિશેષ કાર્યક્રમ હતો. પુણેની સદાશિવ પેઠમાં આવેલા તિલક સ્મારક મંદિરમાં યોજાયેલી આર.ડી.બર્મનની સ્મૃતિસંધ્યા અમારે મિસ કરવી નહોતી. આજનો આ લેખ મુંબઇ-પુણે હાઇવે પરની રોડ જર્ની દરમ્યાન આર.ડી.બર્મનનાં ગીતો સાંભળતાં સાંભળતાં જ લખાઇ રહ્યો છે. આજે બસ, આટલું.

7 COMMENTS

  1. સાથે સાથે બનારસ ફરતા હોઈએ એવું લાગતું હતું

  2. સાહેબ
    બનારસ લેખ વાંચી મઝા આવી જાણે હું બનારસ માં ફરતો હૂતો એવી લાગણી થઈ.
    આવી રિતે દરેક શહેર ને ઓળખ આપો તો નવે સર થી આપણો ઇતિહાસ લખી શકે. જે lefisto and કૉંગેસ ભણલે તે દૂર કરીયે

  3. સૌરભભાઈ. તમારા લેખો વાંચવાનું ચાલુ કર્યું ખૂબ જ મઝા આવે છે. મને કેમ તમારી મુલાકાત મોદી થઈ. જગ્યા ત્યારથી શરૂઆત . લોકડાવન માં
    વખત જતો નાટો તે વખત મળ્યું હોટ મઝા આવતે. આવા સરસ લેખ લખવા માટે કૉંગ્રેચૂલાશન.

  4. સૌરભભાઈ, પ્રણામ લેખ વાચી ને હવે તો નક્કીજ થઇ ગયુ કે આ લોક ડાઉન ખુલે અને બધુજ જો બરાબર હોય તો વારાણસી જવુંજ છે.
    સાહેબ ખરેખર બહુજ સરસ લેખ અને જાણકારી આપી. આભાર

  5. નમસ્કાર સૌરભભાઈ
    તમારો આજનોલેખ વાંચી આનંદ થયો.મનને આશા બંધાઈકે ફરી બનારસ જવાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here