ભલાઈનો જમાનો જ નથી રહ્યો. ખરેખર? : સૌરભ શાહ

( લાઉડમાઉથ: ‘સંદેશ’, ‘અર્ધસાપ્તાહિક’ પૂર્તિ, બુધવાર, ૨૭ એપ્રિલ ૨૦૨૩)

આજના સમયમાં સિદ્ધાંતો, આદર્શો અને નીતિમૂલ્યોની વાતો કરનાર કાં તો બેવકૂફ ગણાય અથવા દંભી. જડતાવાદીઓ નીતિમૂલ્યોની વાતો કરે કે મુખવટો પહેરીને બીજાને છેતરવાના આશયથી લોકો આવી વાતો કરે ત્યારે તેઓ અનુક્રમે બેવકૂફ કે દંભી ગણાય એમાં કશું ખોટું નથી. પણ વાંસનો ઉપયોગ કોઈ લાઠી તરીકે કરે એને કારણે એમાં રહેલી વાંસળી બનવાની ક્ષમતા ભૂંસાઈ નથી જતી. જરા ધીરજ રાખીને વાંચો તો આજે સિદ્ધાંતો, આદર્શો અને નીતિમૂલ્યોનો સહારો લઈને માણસે શા માટે સારા બનવું જોઈએ એ વિશે બે-ચાર નવી, તદ્દન નવી નક્કોર વાત કહેવી છે.

સારા બનવામાં માણસનો પોતાનો સ્વાર્થ છે. બીજાના નહીં તો પોતાના ભલા માટે પણ સારા બનવું જોઈએ એવું આપણને સમજાવવામાં આવ્યું હોત તો તો સારા બનવાનો ઉત્સાહ પહેલેથી જ જીવનમાં સર્જાયો હોત.

સારા હોવું એટલે શું એની વ્યાખ્યા કરીને એક વિશાળ વિચારને બંધિયાર બનાવી દેવાની જરૂર નથી. સારો માણસ કોને કહેવાય, ખરાબ કોને કહેવાય એની તમને નાનપણથી સમજણ હોય છે જ અને એ સમજણ પુખ્તતા વધતી જાય એમ વધુ ને વધુ ફેલાતી જાય છે.

પૂર્વસૂરિઓ કહી ગયા કે કર ભલા, હોગા ભલા. છતાં કેટલાક લોકો કહેતા હોય છે કે દુન્યવી વ્યવહારોમાં અનેક દાખલાઓ એમને જોવા મળ્યા કે ભલું કરનારાઓ છેવટે પસ્તાયા છે અને બૂરું કરનારાઓને એમની બૂરાઈનો બદલો મળ્યો નથી.

અંગતપણે હું નથી માનતો કે આ દુનિયામાં ખરાબ કામ કરવાથી છેવટનું પરિણામ કોઈનાય માટે સારું આવ્યું હોય. ક્યારેક એ પરિણામ તમને ન દેખાય તો એ અલગ વાત છે. ખરાબ કામ કરનારને એનાં કર્મોનો બદલો ભગવાન અહીંનો અહીં જ, આ દુનિયામાં જ, જીવતેજીવ આપે છે એમાં કોઈ શંકા નથી. માણસ માટેનું સ્વર્ગ કે નર્ક એના જીવનમાં જ સર્જાય છે, પૂર્વજન્મનાં ફળ આ જન્મમાં ભોગવવાનાં હોય કે આ જન્મનાં પુણ્ય આવતા જન્મારે માણવા મળશે એવી વાતો ભાવુક તથા ભોળા માણસોને સન્માર્ગે વાળવા માટે થતી હોય ત્યાં સુધી ઠીક છે. બાકી, માણસ માટે જે કંઈ છે તે ગર્ભાધાનની પહેલી સેકન્ડથી શરૂ કરીને એના છેલ્લા શ્ર્વાસ સુધીની આવરદા જ છે. માણવું-ભોગવવું-સહન કરવું બધું આ એક જ જન્મ દરમિયાન કરી લેવાનું છે.

કેવી રીતે થતું હશે—સારું કરનારનું સારું અને બૂરું કરનારનું બૂરું કેવી રીતે થતું હશે? ચિત્રગુપ્તના ચોપડે આ બધું નોંધાય છે એવી કલ્પના મઝાની છે. પણ હકીકત શું હશે? ભગવાન ઉપર બેઠાં બેઠાં આ પૃથ્વી પરના આઠસો કરોડની માનવવસ્તીનાં સારાંખરાબ કામોનો હિસાબકિતાબ રાખતો હશે? પાપ-પુણ્યનાં સરવાળા-બાદબાકી કર્યા પછી માણસને એનું ફળ આપતો હશે? આટલા બધા માણસોને સજા કરવા અથવા બક્ષિસ આપવા એણે કેટલો મોટો સ્ટાફ રોક્યો હશે?

કવિકલ્પનાથી અને માન્યતાઓથી જરા દૂર જઈને અક્કલથી, તર્ક વાપરીને, વિચારીએ. તમે કોઈકનું ખરાબ થાય એવું કામ કરો છો ત્યારે બીજા કોઈનેય ખબર પડે કે નહીં, તમને પોતાને તો વહેલીમોડી ખબર પડે જ છે કે તમે શું કર્યું છે. કોઈક વાર તમે તમારી જાતને છેતરો, તમારા ખરાબ કામને તમે તમારી પોતાની જ આગળ વાજબી ઠેરવો (‘આ દેશની સરકાર સાલી મારા ઈન્કમ ટેક્સને લાયક જ નથી’) તોય અંદરથી તમે જાણો છો કે તમે ખરાબ કે ખોટું કામ કર્યું છે. ખરાબ કે ખોટું કામ કરનારને સબ-કૉન્શ્યસલી પોતાના એ કામની નિમ્નતાનો ખ્યાલ હોય છે, અન્યથા એ શા માટે જાહેરમાં કહેતો ફરતો નથી કે ‘આ વર્ષે મેં દસ કરોડ રૂપિયાની કરચોરી કરી’ કે પછી ‘મેં હલકી ક્વૉલિટીનો, ઓછા માપ/વજનનો માલ મોકલીને વર્ષોથી જે મને વિશ્વાસુ સપ્લાયર ગણે છે એની સાથે જ છેતરપિંડી કરી.’

ગરીબો માટે જમણવાર કરવાની કે ગરીબ છોકરાંઓને ભણાવવાની વાતો કરનારાઓ ક્યારેય પોતાના ધંધા – નોકરી કે સંબંધોમાં કરેલી નાની-મોટી સ્થુળસુક્ષ્મ છેતરપિંડીઓનો હિસાબ બીજાને નથી આપતા. શા માટે? કારણ કે ‘ધંધો તો આ જ રીતે થાય’ એવું કહીને પોતાના મનને ફોસલાવનારાઓ પાકે પાયે જાણે છે કે પોતે ખોટું કામ કર્યું છે, ન કરવા જેવું કંઈક કર્યું છે.

બીજાની સમક્ષ કે પોતાની સમક્ષ કબૂલેલું કે ન કબૂલેલું ખરાબ કામ માણસ કરે છે ત્યારે એનું ચિત્ત ક્ષુબ્ધ થઈ જાય છે. કોઈને દગો આપ્યા પછી, કોઈનો વિશ્વાસઘાત કર્યા પછી, કોઈના પર વગર લેવેદેવે ગુસ્સો ઠાલવી દીધા પછી, કોઈનું અહિત કર્યા પછી, માણસના દિમાગ પર છૂપી તંગદિલી સવાર થઈ જાય છે. આ ટેન્શનને લીધે એની વિચારપ્રક્રિયા વેરવિખેર થઈ જાય છે. આ ખોરવાયેલું ચિત્તતંત્ર એની પાસે ભવિષ્યમાં એવાં કામ કરાવે છે જેને કારણે એ એવા સંજોગોમાં મુકાય છે જેના પરિણામસ્વરૂપે એનું પોતાનું જ અહિત થાય એવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે અને આપણે કહીએ છીએ કે જોયું, એને એનાં કુકર્મોનો બદલો મળી ગયો.

સારું કામ કરનારાઓનો અંજામ ક્યારેય ખરાબ નથી આવતો. આ વાતમાં પણ મને દૃઢ શ્રદ્ધા છે. ક્યારેક તમને લાગે કે જિંદગી આખી પ્રામાણિકતાથી જીવનારો સજ્જન બહુ દુખી થઈને મર્યો તો જરા થોભીને એના જીવનને વધુ નજીકથી તપાસવું જોઈએ. ક્યારેક એવું બને કે બહારથી સદાચારી લાગતી વ્યક્તિ હકીકતમાં દુરાચારી હોય. ક્યારેક એવું પણ બને કે કેટલીક બાબતોમાં સદાચાર પાળનાર વ્યક્તિ અન્ય કેટલીક બાબતોમાં દુરાચારી હોય અને આ ‘અન્ય કેટલીક બાબતો’ તમારા ધ્યાનમાં ન આવી હોય અને ક્યારેક એવું પણ બને કે તમને જેનું જીવન દુખી લાગતું હોય તે જીવન એમને પોતાને ખૂબ જ સંતોષજનક અને શાંતિમય લાગતું હોય.

ક્યારેક એવું પણ બને કે સદ્ગુણોનું આચરણ કરનાર વ્યક્તિ પોતે કે એને જાણનારી વ્યક્તિઓ એવું માનતી હોય કે આ સદ્ગુણોના બદલામાં એને દુનિયા આખીનું રાજપાટ મળી જવું જોઈતું હતું પણ એવું બન્યું નહીં એટલે ‘માણસ દુખી થઈને મર્યો’, એવું કહેવાયું. સારું કામ કરીને એના પરિણામસ્વરૂપે ખૂબ મોટું સારું ફળ માણવા મળશે એવી વધારે પડતી આશા રાખનારાઓને નૉર્મલ સાઈઝનું ફળ મળે તો એને એ નાનું લાગે તે સ્વાભાવિક છે. આવા લોકોને લાગે કે સારું કામ કરનારને સારું (એટલે કે પૂરતું) ફળ નથી મળતું તો એમાં વાંક એમની સમજદારીનો, એમના અજ્ઞાનનો.

સારું કામ કર્યા પછી મનને તૃપ્તિ થતી હોય છે. ભરઉનાળામાં ચાલતા વટેમાર્ગુને પરબનું ઠંડું પાણી મળે ત્યારે જ ટાઢક થાય એવી જ હાશ માણસને સારું કામ કર્યા પછી મળતી હોય છે. આને કારણે એની વિચારશક્તિ ખીલે છે, એકાગ્રતા વધે છે. એ તાણરહિત માનસિક અવસ્થા એનામાં સર્જનાત્મક વિચારો પ્રગટાવે છે. એ વિચારોનો અમલ કરવાનો એનામાં ઉત્સાહ જન્મે છે. પરિણામે એ પોતાની આસપાસ એવા સંજોગો સર્જી શકે છે જેમાં એનો વિકાસ થાય, એની વૃદ્ધિ-પ્રગતિ થાય, ટૂંકમાં એનું ભલું થાય.

બદલો ભલાબૂરાનો અહીંનો અહીં મળે છે એવું કહેવાયું ત્યારે નક્કી આવું કહેનારે આવી જ કોઈક વિચારપ્રક્રિયાના તારણરૂપે એ કહ્યું હશે. બાળકને પાપ-પુણ્ય કે કર્મના સિદ્ધાંતવાળી બાજરા-ઘઉંની કોઠીની વાતો કરવાને બદલે આવી તર્કબદ્ધ વાતો, એની કક્ષાએ જેટલી સમજાય એવી રીતે કહીને, સમજાવીએ તો એને સદાચારી બનાવવામાં માબાપને બહુ મહેનત ન પડે. સારો માણસ છેવટે અને સમગ્રપણે સારું જ જીવન જીવે તથા ખરાબ માણસનું જીવન ઊંડેથી તપાસતાં ખરાબ જ હોવાનું એવી દૃઢ શ્રદ્ધા સાથે આ વાત પૂરી કરું છું.

સાયલન્સ પ્લીઝ

દેત લેત મન સંક ન ધરઈ,બલ અનુમાન સદા હિત કરઈ;

બિપતિ કાલ કર સતગુન નેહા,શ્રુતિ કહ સંત મિત્ર ગુન એહા.

(આપવામાં અને લેવામાં શંકા કરવી નહીં. પોતાનાં બળ તથા વિચાર વડે સદા તેનું હિત કરવું. વિપત્તિના વખતમાં તેના પર સોગણો સ્નેહ કરવો. શાસ્ત્રમાં આ પ્રમાણે સારા મિત્રનાં લક્ષણો કહ્યાં છે.)

—રામચરિત માનસમાં ગોસ્વામી તુલસીદાસ

• • •

તાજા કલમ: તમને આમાં મઝા પડી રહી છે? તો કમેન્ટ બોક્સમાં તમારી લાગણી કેમ નથી લખતા! તમારા હોંકારા વગર અંધારામાં તીર ચલાવવા જેવું લાગે છે!
—સૌ.શા.

• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

7 COMMENTS

  1. આપણા પોતાના સ્વાર્થ માટે સૌવ નુ સારું વિચારવું અને કરવું જોઈએ. આ બાબત સો ટકા તર્ક સંગત છે, આટલું સમજાઈ જાય તો જીવનની 95 % સમસ્યા સમાપ્ત થઈ જાય.
    ખુબજ સરસ લેખ.

  2. આ જ વાત રજનીશ જી એ સરસ રીતે કરેલી છે. એમનાથી લેખકનો દૃષ્ટિકોણ મેળ ખાય છે.
    ખુબજ સુંદર!

  3. સનાતન ધર્મ નો એક અકાટ્ય સિદ્ધાંત છે. જેને વિશ્વ ના દરેક ધર્મ અને સંપ્રદાય એ વહેલો મોડો સ્વીકાર્યો છે. “જૈસી કરણી વૈસી ભરણી” કર્મો કર્તા ને શોધીજ લે છે. “કોઈ લાખ કરે ચતુરાઇ” હોશિયાર એજ છે જે સારો છે. ભગવાને ગીતા માં પોતાના ભક્તો નાં લક્ષણ માં સ્પષ્ટ કહ્યું છે – દક્ષ – સારા માણસો સાવધાન હોય છે.

  4. સારાપણું ધરાવતી વ્યક્તિ સહજતાથી કામમાં આગળ વધે.
    ગીતાબોધ મેળવ્યો હોય તો કામમાં ઓતપ્રોત (કર્મયોગી) થઈ જાય, ફળની ચિંતા કર્યા વગર.
    પરંતુ દુષ્કર્મ કરનાર વ્યક્તિ પહેલાં જરુરી યોજના બનાવી આગળ વધે (રીઢાપણું આવ્યે સહજતાથી). મન વિચલિત થાય તેનો ઉકેલ નક્કી હોય . થોડી દાન – દક્ષિણા કે સત્કાર્ય . નશાનો આશ્રય. અસ્વસ્થા ભરેલું જીવન. સાચું સુખ ભાગ્યેજ.
    કર્મના સિધ્ધાંતની સારી બાજુ મદદગાર થાય તેમાં શક નથી.પરંતુ તે સિધ્ધાંત ઘણાને દયાહીન , નિષ્ઠુર પણ બનાવે . પાપ કર્યાં હશે તેથી ભોગવે છે. આપણે શું ?

  5. ખૂબ સાચી વાત,
    સારા કર્મો નું સારું ફળ,
    ખરાબ કર્મો નું ખરાબ ફળ,
    સમજાવવાની અનોખી રીત.
    વાહ ભાઈ વાહ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here