જેલમાં જવાનું થશે તો રોઝી છુટ્ટી થઈને ફરશે

ગુડ મૉર્નિંગસૌરભ શાહ

રાજુને ઘડીભર લાગ્યું કે પોતાની સાથે મજાક થઈ રહી છે. ડી.એસ.પી.એ એને વૉરન્ટ કાઢીને દેખાડ્યું. માર્કોએ કરેલી ફરિયાદના આધારે વૉરન્ટ કાઢવામાં આવ્યું હતું. ફોર્જરીનો આરોપ હતો. છેતરપિંડીના આશયથી બનાવટી સહી કરવાનો ગુનો. વૉરન્ટ જોઈને રાજુ ઘડીભર વિચારતો થઈ ગયો. ડી.એસ.પી. બોલ્યો, ‘તાજેતરમાં તેં કોઈ દસ્તાવેજ પર સહી કરી હતી – રોઝી વતી?’

‘હા, એ બિઝી હતી તો એના વતી મેં સહી કરી નાખી. એમાં ફોર્જરી ક્યાંથી થઈ?’

‘તેં સહી કરતી વખતે ‘રોઝી વતી’ કે ‘ફૉર રોઝી’ એવું લખ્યું હતું? આ ઘણો ગંભીર ગુનો છે. આશા રાખીએ કે તું આમાં ફસાઈ ના જાય. પણ અત્યારે તો મારે તને કસ્ટડીમાં લેવો પડશે.’

રાજુને વાતની ગંભીરતા સમજવા માંડી. એણે ધીમા સ્વરે હોઠ ફફડાવ્યા, ‘પ્લીઝ, અત્યારે કોઈ તમાશો ના થાય તો સારું. શો પૂરો થઈ જવા દે. અમે ઘરે પાછા પહોંચી જઈએ ત્યાં સુધી રોકાઈ જા.’

‘તમે બેઉ ઘરે પાછા જતાં હશો ત્યારે મારે તમારી કારમાં સાથે બેસવું પડશે. વૉરન્ટની બજવણી થયા પછી, કેસ શરૂ ન થાય ત્યાં સુધી તને જામીન મળી શકે છે. ત્યારે તને છોડી દઈશું પણ અત્યારે તો તારે મારી સાથે મૅજિસ્ટ્રેટ પાસે આવવું પડશે. જામીન આપવાની સત્તા એમની પાસે છે, મારી પાસે નહીં.’

રાજુ પાછો હૉલમાં આવ્યો. પ્રોગ્રામ પૂરો થઈ ગયો હતો. આભારવિધિ ચાલી રહી હતી. મિસ નલિની અને મિસ્ટર રાજુનો વિશેષ આભાર માનવામાં આવી રહ્યો હતો કારણ કે આ કાર્યક્રમ યોજીને આયોજકો મૅટરનિટી હૉસ્પિટલ બાંધવા માટે રૂપિયા સિત્તેર હજારની માતબર રકમ ભેગી કરી શક્યા હતા. સ્પીચ બહુ લાંબી ચાલી. એ પછી પણ ભાષણો થતાં રહ્યા. રાજુના કાનમાં જાણે ધાક પડી ગઈ હતી. એ કશું જ સાંભળતો નહોતો. એને પડી પણ નહોતી કે માઈક પરથી શું બોલાય છે. છેલ્લે પડદો પડ્યો એટલે રાજુ રોઝીને લેવા ડ્રેસિંગ રૂમમાં ગયો. રોઝી કપડાં બદલી રહી હતી. ઘણી બધી છોકરીઓ ત્યાં જમા થઈ હતી. કેટલીક રોઝીના ઑટોગ્રાફ માટે, કેટલીક બસ, આમ જ. રોઝીને નજીકથી જોવા મળે એટલે. રાજુએ કહ્યું, ‘આપણે જલ્દી કરવું પડશે.’

બહાર નીકળીને રાજુ ડી.એસ.પી. પાસે આવ્યો. જાણે કંઈ જ બન્યું નથી એવી સ્વસ્થતા ધારણ કરીને પોતાની અંદર પડેલો ધ્રાસકો છુપાવવાની એ નાકામ કોશિશ કરી રહ્યો હતો. ફ્રન્ટ રોમાં બેસનારા કેટલાય લોકો રાજુની આસપાસ ટોળે વળીને આજના કાર્યક્રમનાં વખાણ કરવા લાગ્યા. રાજુને પરવા નહોતી કે કોણ શું બોલી રહ્યું છે. રોઝી આવી ત્યાં સુધી રાજુ બનાવટી સ્મિત વેરીને માથું ધુણાવતો રહ્યો. રાજુ જાણતો હતો કે ટોળે વળેલા માણસો એની સાથે વાતો કરીને વાસ્તવમાં તો રોઝીની રાહ જોઈ રહ્યા હતા. સૌ કોઈ મિસ નલિનીને નજીકથી જોવા માગતું હતું. પ્લીમથના ડ્રાયવરે દરવાજો ખોલીને પાછલી સીટ પર રોઝી અને રાજુને બેસાડ્યાં. ડી.એસ.પી. ડ્રાયવરની બાજુમાં ગોઠવાયો. કાર શરૂ કરી. ભીડ વિખરાઈ. દૂર ઊભેલા કેટલાક પોલીસોએ કારમાંં જઈ રહેલા પોતાના સાહેબને જોઈને સલામ ઠોકી. રાજુએ ગાડીમાં રોઝીને ઓળખાણ કરાવી, ‘આ આપણા મિત્ર છે, ડિસ્ટ્રિક્ટ સુપરિન્ટેન્ડન્ટ, આપણી સાથે માલગુડી પાછા આવી રહ્યા છે.’

રોઝીને ખબર નહોતી કે ડીએસપીની પોતાની જીપ ગાડીની પાછળ પાછળ આવતી હતી. બે કલાકના વળતા પ્રવાસના આરંભે રોઝીએ કાર્યક્રમ વિશે થોડી વાતો કરી. રાજુએ ઑડિયન્સના રિસ્પોન્સ અને એના અદ્ભુત પરફોર્મન્સ વિશે વાતો કરી ઘરે પહોંચીને રોઝીએ ડીએસપીને નાનું સ્મિત આપીને ‘ગુડ નાઈટ’ કહી દીધું અને પોતે ઉપર ચાલી ગઈ. ડીએસપીએ કહ્યું, ‘ચાલો, જઈશું?’ એમણે જીપ દેખાડી. 

‘હું શું કહું છું કે મને થોડો ટાઈમ આપો. મારે રોઝીને આ બધી બાબત સમજાવવી પડશે’, રાજુએ કહ્યું. 

‘ઠીક છે. પણ મોડું નહીં કરતો. નહીં તો તકલીફમાં મુકાઈ જશું.’

રાજુ દાદરા ચડીને ઉપર ગયો. ડીએસપી એની પાછળ ચડ્યો. રાજુ રોઝીના રૂમમાં ગયો. ડી.એસ.પી. બહાર ઊભો રહ્યો. રાજુની વાત સાંભળીને રોઝી થીજી ગઈ. રાજુ રોઝીના ચક્તિ થઈ ગયેલા ચહેરાને જોઈને બધી જ વિગતો આપી રહ્યો હતો. રાજુએ વિચાર્યું કે રોઝી ભાંગી પડશે, રડવા માંડશે. પણ રોઝીએ સ્વસ્થ રહીને એટલું જ કહ્યું, ‘મને પહેલેથી જ લાગ્યા કર્યું છે કે તું જે કંઈ કરે છે તે ઠીક નથી. આ તારું તકદીર છે. એમાં આપણે શું કરી શકીએ?’ રોઝી બહાર આવી. ડી.એસ.પી.ને જોઈને બોલી, ‘સર, આમાં આપણે શું કરી શકીએ એમ છીએ? કોઈ રસ્તો નીકળે એમ છે?’

‘અત્યારે તો મારા તાબામાં કંઈ નથી, મૅડમ. નૉન બેલેબલ વૉરન્ટ છે. કાલે તમે જામીન માટે અરજી કરી શકો છો. પણ ત્યાં સુધી આપણાથી બીજું કશું જ નહીં થાય. રાજુએ આજની રાત હવાલાતમાં જ ગાળવી પડશે.’ ડી.એસ.પી.ના શબ્દો સાંભળીને રાજુ વિચારતો રહ્યો: આ માણસ હવે મારો મિત્ર મટીને સરકારી સત્તાધીશ બની ગયો છે. 

રાજુએ ત્રણેક દિવસ માટે ગુંડામવાલીઓની સોબતમાં પોલીસ કસ્ટડીમં રહેવું પડ્યું. રોઝી એને લૉકઅપમાં મળવા આવી અને રડી પડી. રાજુ એની સાથે આંખ મેળવી શકતો નહોતો. ત્રણ દિવસ પછી રૂપિયા દસ હજારના જામીન પર રાજુને છોડવામાં આવ્યો. પૈસા જમા કરવા રોઝીએ ઘણી મહેનત કરી. રાજુએ જો સેલિબ્રિટીને છાજે એવી જાહોજલાલીભરી લાઈફ રાતોરાત સર્જી ન હોત તો આટલી રકમ તો સહેલાઈથી બૅન્ક ખાતામાંથી મળી જાત. અધૂરામાં પૂરું રાજુએ કેટલીક રકમ એવા શેર્સમાં રોકી દીધી હતી જેને ગિરવી લઈને બૅન્કમાંથી લોન મળી શકે એમ નહોતું. આગામી મહિનાઓમાં યોજાનારા શોઝના ઍડવાન્સ પેટે મળેલી રકમ પણ રાજુએ મોજશોખમાં ઉડાવી દીધી હતી. એક દિવસ રાજુએ રોઝીને કહ્યું કે, ‘જેમની પાસેથી ઍડવાન્સ લીધા છે એમના શોઝ કરીને બાકીની રકમ કમાઈ લઈએ તો અત્યારની ભીડ જરા ઓછી થઈ જાય. વકીલની ફી પણ આપવાની છે.’

રોઝીએ પહેલી તારીખથી ઘરના નોકરચાકરોને છૂટા કરી દેવાનું નક્કી કર્યું. રોઝી જેમની પાસેથી ઍડવાન્સ લીધા હતા તે બધાને પૈસા પાછા આપી દેવા માગતી હતી. રોઝી કહેતી, ‘હવે હું કાર્યક્રમો કેવી રીતે કરું, કેવી રીતે લોકોને મારું મોઢું બતાવું?’

રાજુ કહેતો, ‘મારે જેલમાં જવું પડશે તો હું જેલમાં હોઈશ, તું નહીં. તારે શું કામ તારા કાર્યક્રમો બંધ કરવા જોઈએ?’

‘હું નહીં કરી શકું. બસ, એ સિવાય મારી પાસે કંઈ પણ નથી.’ 

‘તો તું ભવિષ્યમાં શું કરવા માગે છે?’

‘ખબર નથી. કદાચ પાછી એમની પાસે જતી રહીશ.’

‘તને લાગે છે કે એ તને પાછી લેશે?’

‘હા. જો હું ડાન્સિંગ છોડી દઉં તો.’

રાજુએ ભયંકર મોટું અટ્ટહાસ્ય કર્યું. 

‘એમાં હસવા જેવી શું વાત છે?’

‘એના માટે હવે સવાલ ખાલી તારા ડાન્સિંગનો જ થોડો છે?’

‘બોલ, તારે જે બોલવું હોય તે. એ મને ઘરમાં નહીં આવવા દે તો બહેતર છે કે હું એના ઉંબરા પર જ માથું પટકીને જાન આપી દઉં અથવા તો પછી આપણે બેઉ ઊંઘની ગોળીઓ ખાઈને આ દુનિયા છોડી દઈએ. રાજુ, ખરેખર. હું તૈયાર છું. પણ મને તારી ખાતરી નથી. મને લાગે છે કે હું તો ગોળીઓ લઈ લઉં તો તું છેલ્લી ઘડીએ તારો નિર્ણય બદલી નાખે.’

‘અને પછી તારી લાશ સગેવગે કરવાની જવાબદારી મારા પર આવી પડે.’ રાજુથી બોલતાં તો બોલાઈ ગયું પણ પછી ભારે અફસોસ થયો. શું કામ આવું બોલે છે તું, રાજુએ પોતે પોતાને મનોમન ઠપકો આપ્યો. શું કદાચ એટલા માટે કે એક વાત ખટકી રહી છે કે જો જેલમાં જવાનું થશે તો રોઝી તો છુટ્ટી ફરતી હશે. ગામેગામ નૃત્ય કરતી ફરશે, લોકોને મળતી રહેશે, રાજુએ વિચાર્યું. 

રોઝી બોલી રહી હતી: ‘તું આ કેસમાંથી છુટી જાય તો પણ હું પ્રોગ્રામ્સ શરૂ કરવાની નથી.’ 

બેઉની જિંદગી અત્યારે જે વળાંક પર આવીને ઊભી હતી તે બદલ બંને એકબીજાને બ્લેમ કરવા લાગ્યાં. લાંબી દલીલોના અંતે રોઝીએ કહ્યું, ‘તને બચાવવા હું મારું છેલ્લામાં છેલ્લું ઘરેણું વેચી નાખીશ. પણ એ પછી મારે મારી રીતે જીવવું છે. ભૂલી જજે મને.’

રોઝીએ પોતાના તમામ દાગીના વેચી નાખ્યા. મણિની મદદથી મદ્રાસથી એક મોટો વકીલ રોક્યો. તોતિંગ ફી હતી એની. પૈસાની તીવ્ર તંગી ઊભી થઈ. અછતને નિવારવા રોઝીએ પોતાનો સંકલ્પ તોડીને ફરીથી કાર્યક્રમો શરૂ કર્યા. આમંત્રણોની કોઈ અછત નહોતી. ઊલટાનું ડિમાન્ડ વધી ગઈ હતી. મણિ બધું સંભાળતો થઈ ગયો હતો. 

મદ્રાસનો વકીલ કાબેલ હતો. ખૂબ વ્યસ્ત હતો. એક હજાર રૂપિયા લઈને કેસ હાથમાં લીધો. દરેક તારીખે માલગુડીની કોર્ટમાં આવતો ત્યારે રૂપિયા સાડા સાતસો લઈ લેતો, ખર્ચાના અને આસિસ્ટન્ટ્સની ફીના પૈસા જુદા. વકીલે કોર્ટમાં ઘણી ઊંધીચત્તી વાતો રજુ કરી. માર્કોની ઊલટતપાસ દરમિયાન એને એક બદમાશ પતિ તરીકે ચીતરવાની કોશિશ કરી. પણ સરકારી વકીલની આકરી પૂછપરછ દરમિયાન મણિ બોલી ગયો કે રાજુ રોજ એને પૂછ્યા કરતો હતો કે ટપાલમાં કોઈ રજિસ્ટર્ડ ઈન્શ્યોર્ડ પાર્સલ આવ્યું કે નહીં. હૅન્ડ રાઈટિંગ એક્સપર્ટે પુરવાર કરી બતાવ્યું કે હસ્તાક્ષર રોઝીના નહીં પણ રાજુના હતા. 

જજે ચુકાદો આપ્યો. રાજુનો વકીલ આ ચુકાદો સાંભળીને હરખાઈને બોલી ઉઠ્યો, ‘જોઈ? મારી કમાલ જોઈ તમે? જે કેસમાં સાત વર્ષની પડે એમાં મેં બે જ વરસની સજા અપાવી.’

રાજુએ માથું કૂટ્યું. બે વરસ જેલમાં. 

આજનો વિચાર

દેખના એક દિન એપલ સે ભી બડી કંપની બનાઉંગા. નામ હોગા તડબૂચ: રાહુલ ગાંધી. 

– વૉટ્સએપ પર વાંચેલું

એક મિનિટ!

ઈન્ટરવ્યુ લેનાર: ઈટ્સ રિટન ઈન યૉર રેઝયુમી ધૅટ યુ વેન્ટ ટુ આઈઆઈટી!

બકો: હા, સર કઝિન સે મિલને ગયા થા.

( મુંબઇ સમાચાર : મંગળવાર, 9 ઓક્ટોબર 2018)

1 COMMENT

  1. આજે પદ્મભૂષણ શ્રી આર. કે. નારાયણ જી નો જન્મ દિવસ છે, તેઓ પત્રકાર ઉપરાંત ઊચ્ચ કક્ષા ના સાહિત્યકાર પણ હતા, ‘ માલગુડી’ નામના કાલ્પનિક ગામ નું તેમણે સુંદર નિરૂપણ કર્યું છે, અને આપ સાહેબ શ્રી, અત્યારે તેમની અદભુત નવલકથા ‘ ગાઈડ’ નું સુંદર રજૂઆત કરી રહ્યા છો. ડો. નારાયણ સાહેબ ને આજે સો સો સલામ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here