”અપને મન કા હો તો અચ્છા, ન હો તો ઔર ભી અચ્છા” : સૌરભ શાહ

( જિંદગી જીવવાનાં દસ સુવર્ણ સૂત્રો: પાર્ટ ટુ )

( Newspremi.com : ગુરુવાર, 2 જુલાઈ 2020 )

અમિતાભ બચ્ચનની પડતીના એ દિવસો હતા અને ફિલ્મસિટી, ગોરેગાંવમાં મારે એમના ઈન્ટરવ્યૂ માટે પહોંચવાનું હતું. મુશીર-રિયાઝની ફિલ્મનું શૂટિંગ ચાલુ હતું. રમેશ સિપ્પી બચ્ચનજી પર એક સૉન્ગ ફિલ્માવી રહ્યા હતા. ફોક્સવેગનની ‘બીટલ’ ગાડીને સંબોધીને બચ્ચનજી સુદેશ ભોસલેના અવાજમાં ‘ચલ ચલ રે ચલ… મેરી રામપિયારી’ ગીત પર હોઠ ફફડાવી રહ્યા હતા. સલીમ-જાવેદની જોડી છૂટી પડ્યા પછી સલીમ ખાને એકલાએ ‘અકેલા’ નામની આ ફિલ્મની વાર્તા-પટકથા લખી હતી. આઈ એમ ટૉકિંગ અબાઉટ લેટ એઈટીઝ. 1989-90નું વર્ષ હશે. મુશીર-રિયાઝની જોડીએ 1970ના અરસામાં રાજેશ ખન્ના – શર્મિલા ટાગોર – ફિરોઝ ખાન વાળી સુપરહિટ ફિલ્મ ‘સફર’ પ્રોડ્યુસ કરી હતી. 1976માં રાજેશ ખન્ના – હેમા માલિનીની ‘મહેબૂબા’ અને 1982માં દિલીપકુમાર-અમિતાભ બચ્ચનવાળી ‘શક્તિ’ પ્રોડ્યુસ કરી હતી. બીજી કેટલીક ફ્લોપ ફિલ્મો પણ બનાવી હતી, પણ ‘અકેલા’નું સેટઅપ ફિલ્મ સુપરહિટ જશે એવું હતું. સલીમસા’બની સ્ટોરી, ‘શોલે’કાર રમેશ સિપ્પીનું દિગ્દર્શન અને સાક્ષાત બચ્ચનજી.

હું માનું છું કે મારો એ પ્રિવિલેજ હતો કે ૧૯૯૦ની આસપાસ એમણે પહેલવહેલીવાર મારી સાથે આ વાક્ય શેર કર્યું હતું.

ફિલ્મ સિટીમાં બે ટેકની વચ્ચે બચ્ચનજી પોતાની વાનમાં મને ટુકડે ટુકડે ઈન્ટરવ્યૂ આપતા હતા. વાત પરથી વાત નીકળતાં મેં એમને પૂછ્યું : ‘આપના બાબુજી પાસેથી સૌથી મોટી વાત જિંદગીમાં તમે કઈ શીખ્યા?’ બચ્ચનજીએ પિતા હરિવંશરાય સાથેના કેટલાક કિસ્સા યાદ કર્યા. પછી કહ્યું : ‘એમની એક વાત હું ક્યારે ભૂલી શકતો નથી, 1984માં રાજીવ ગાંધીને મદદ કરવા હું પોલિટિક્સમાં જોડાયો, એમ.પી. બન્યો. પછી રાજકારણ છોડી દીધું. મારા પર જાતજાતના આર્થિક કૌભાંડો વિશેના આક્ષેપો થવા માંડ્યા, મારા વિરૂદ્ધ કોર્ટમાં કેટલાક કેસ થયા. આ બાજુ મારી ફિલ્મો ફ્લોપ થવા માંડી. હું તૂટી રહ્યો હતો. એક દિવસ મારી વ્યથા બાબુજી આગળ ઠાલવતો હતો ત્યારે એમણે વહાલથી મને સમજાવ્યું : ‘અપને મન કા હો તો અચ્છા, ન હો તો ઔર ભી અચ્છા…’ આટલું કહીને બચ્ચનજીએ એમની એક આંગળી હવામાં અધ્ધર કરીને મારી સામે જોતાં કહ્યું : ‘સમજ્યા તમે? તમારું ધાર્યું જ્યારે ન થતું હોય ત્યારે સમજવાનું કે આ વખતે એનું ધાર્યું થઈ રહ્યું છે. તમારી જિંદગી એની મરજીથી ચાલે એથી બીજું કયું મોટું સદ્દભાગ્ય હોઈ શકે?’

બચ્ચનજી સમજાવતા હતા કે પોતાના પિતાની આ ફિલસૂફી જાણ્યા પછી એમને કેવી રીતે આ કપરા ગાળામાં સ્વસ્થતા જાળવવાની તાકાત મળી ગઈ. ‘‘અપને મન કા હો તો અચ્છા, ના હો તો ઔર ભી અચ્છા….’’ મેં ઈન્ટરવ્યૂમાં આ વાક્ય હાઈલાઈટ કર્યું. એ પછી તો એમણે ઘણી વખત આ વાત અનેક પત્રકારોને કહી છે. હું માનું છું કે મારો એ પ્રિવિલેજ હતો કે ૧૯૯૦ની આસપાસ એમણે પહેલવહેલીવાર મારી સાથે આ વાક્ય શેર કર્યું હતું.

જીવનની નાની-મોટી દરેક ઘટના વખતે જાણે મારા કાનમાં એમના બેરિટોન અવાજમાં એ શબ્દો ગૂંજતા : ‘અપને મન કા હો તો અચ્છા, ના હો તો ઔર ભી અચ્છા.’

ઈન્ટરવ્યૂ પૂરો કર્યા પછી મેં એમને એક નાનકડું અંગ્રેજી પુસ્તક ભેટ આપ્યું. એમણે પાનાં ફેરવીને કહ્યું, ‘ઈન્ટરેસ્ટિંગ… હું જરૂર વાંચીશ.’ મેં એમનો આભાર માનીને વિદાય લીધી અને પાછા વળતાં મનોમન વિચાર્યું કેટલા વિવેકી માણસ છે, મને ખરાબ ન લાગે એટલે વચન આપ્યું કે હું પુસ્તક વાંચીશ…

ત્રણેક મહિના પછી ‘સ્ટારડસ્ટ’માં એમણે લખેલો એક લેખ પ્રગટ થયો. સરપ્રાઈઝ, સરપ્રાઈઝ. બચ્ચનજીએ એ લેખમાં પેલા પુસ્તકમાંથી કેટલાંક અવતરણો ટાંકીને પોતાની વાત રજૂ કરી હતી. એ પુસ્તક હ્યુ પ્રેથરનું ‘નોટ્સ ટુ માયસેલ્ફ’. અને આ બન્યું એના આગલા વર્ષે મેં એમાંના ક્વોટ્સના આધારે કાન્તિ ભટ્ટના સાપ્તાહિક ‘અભિયાન’ના યુવા વિશેષાંકમાં મારા પત્રકારત્વના અનુભવો વિશે લેખ લખ્યો હતો જેનું રમતિયાળ અને સચોટ મથાળું શીલા ભટ્ટે સૂચવ્યું હતું: ‘ આડી લાઇને ચડેલા સૌરભ શાહ’. બચ્ચનજીને પણ એ જ પુસ્તકમાંથી અવતરણો ટાંકીને પોતાના જીવન વિશે વાત કરવાનું મન થયું એ કેવો યોગાનુયોગ!

ખૈર, બચ્ચનજીના મોઢે સાંભળેલા એમના બાબુજીના એ શબ્દો મારા મનમાં સખત જડાઈ ગયા. જીવનની નાની-મોટી દરેક ઘટના વખતે જાણે મારા કાનમાં એમના બેરિટોન અવાજમાં એ શબ્દો ગૂંજતા : ‘અપને મન કા હો તો અચ્છા, ના હો તો ઔર ભી અચ્છા.’

કટ ટુ 1997. બારમી માર્ચે ગુણવંત શાહની ષષ્ટિપૂર્તિની પ્રાઈવેટ ઉજવણી હતી. એમના વડોદરાના ‘ટહુકો’ બંગલામાં જ. ગણીને માત્ર 60 આમંત્રિતો હતા. ભાઈ માટે (એમના વર્તુળમાં તેઓ આ જ નામે જાણીતા છે. કેવું કહેવાય, આવા પ્યોર અને સિમ્પલ માણસ માટે પણ ‘ભાઈ’ વપરાય અને એમનાથી તદ્દન સામેના છેડે મૂકાતા લોકો માટે પણ ‘ભાઈ’ વપરાય) મને એમના માટે પિતાતુલ્ય આદર અને એમને મારા માટે અપાર વાત્સલ્યભાવ. ‘વિરાટને હિંડોળે’ નિબંધસંગ્રહ એમણે મને અર્પણ કર્યો છે. એ પછી થોડાંક વર્ષો બાદ પ્રગટ થયેલું મારું પુસ્તક ‘સંબંધોનું મેનેજમેન્ટ’ મેં એમને અર્પણ કર્યું. ‘વિરાટને હિંડોળે’ની અર્પણ પંક્તિમાં એમણે લખ્યું : ‘મૈત્રી તો ધરતીકંપનું મૌન પણ પચાવી શકે.’ મારા પુસ્તકની અર્પણપંક્તિ હતી : ‘એક અંતિમવાદીને મધ્યમમાર્ગી બનાવવાના તમારા પ્રયત્નોને સફળતા મળે એવી પ્રાર્થના.’

ત્યારથી આજ દિવસ સુધીની જિંદગીમાં જે કંઈ અપ્રિય ઘટનાઓ બની છે, જ્યારે જ્યારે મારા ધાર્યા મુજબનું, મારી ઈચ્છા કે મારા પ્લાનિંગ મુજબનું નથી થયું ત્યારે ત્યારે જે ઘડીએ મારું મન કહે કે સૌરભ, હવે બહુ ખેંચવામાં માલ નથી.

બારમી માર્ચે સવારે વડોદરા પહોંચવા માટે ટ્રેનની ટિકિટ ન મળે, ફ્લાઈટ્સ પણ બધી બુક્ડ. ખૂબ ફાંફાં માર્યા પણ કોઈ મેળ ખાધો નહીં. છેવટે મારા પત્રકાર મિત્ર વિક્રમ વકીલના સજેશનથી હું બસમાં વડોદરા જવા તૈયાર થયો. નૉર્મલી ઓવરનાઈટ બસ જર્ની હું અવૉઈડ કરું છું. બસની ટિકિટ માટેના પ્રયત્નો પણ નિષ્ફળ ગયા. ખબર નહીં કેમ પણ મુંબઈથી વડોદરા પહોંચવા માટે, સતત બોંત્તેર કલાક સુધી કરેલા બધા જ પ્રયત્નો નાકામિયાબ નીવડ્યા. વડોદરાથી બે વખત ફોન આવી ગયો. મેં કહ્યું કે હું કોઈપણ ભોગે ત્યાં પહોંચું જ છું. છેવટે મુંબઈથી મોડી રાત્રે ઉપડતી કોઈ બસમાં ચાન્સ લાગશે એવી આશાએ હું બોરીવલી નેશનલ પાર્ક પાસે બહારગામની બસો માટેની જગ્યાએ જઈને ઊભો રહ્યો. એકેય બસમાં ચાન્સ ન લાગ્યો. થાકી-હારીને મધરાત પછી ઘરે પાછો આવી ગયો, કારણકે હવે તો છેલ્લી ટ્રેન પણ ઉપડી ગઈ હતી, જેના જનરલ ડબ્બામાં ઘૂસ મારીને ઊભાં ઊભાં કદાચ પહોંચી શક્યો હોત.

મધરાત વીતી ચૂકી હતી એટલે વિચાર્યું કે સવારે વડોદરા ફોન કરીને જન્મદિવસના અભિનંદન આપીને કહી દઈશ કે આવું આવું થયું અને નથી પહોંચી શક્યો. સવારે મુંબઈથી ફોન કર્યો. ફોન પર તરત જ ભાઈએ કહ્યું : ‘વડોદરા સ્ટેશને પહોંચી ગયોને? ઘરેથી ગાડીમાં તને કોઈ લેવા આવે છે.’ મેં આખી વાત સમજાવી. એ દુઃખી થયા, હું તો દુઃખી હતો જ. છેવટે ૫૯ મહેમાનોના સાન્નિધ્યમાં એમની 60મી વર્ષગાંઠ ઉજવાઈ.

તમારા તમામ પ્રયત્નોની નિષ્ફળતા પાછળ કોઈક એવું કારણ જરૂર હશે, જેને કારણે તમને ભવિષ્યમાં લાગશે કે તે વખતે તમને સફળતા ન મળી તે સારું જ થયું.

આ પ્રસંગથી મને જીવનમાં એક વાત સમજાઈ ગઈ. જે કરવું છે તે કરવાના પ્રયત્નો છેવટ સુધી કરવાના, છોડવાના નહીં. કશું અધૂરું મૂકવાનું નહીં કે નસીબ પર છોડી દેવાનું પણ નહીં. પણ એક તબક્કે જ્યારે તમને લાગે કે બધી જ કોશિશો નાકામિયાબ નીવડી છે ત્યાર પછી ધમપછાડા કરવાનું બંધ કરવાનું. શાંત થઈ જવાનું. તમારા તમામ પ્રયત્નોની નિષ્ફળતા પાછળ કોઈક એવું કારણ જરૂર હશે, જેને કારણે તમને ભવિષ્યમાં લાગશે કે તે વખતે તમને સફળતા ન મળી તે સારું જ થયું.

માર્ચમાં વડોદરા ન જઈ શક્યો એ પછીના થોડાક જ મહિનાઓ બાદ મારી પર્સનલ લાઈફમાં કંઈક એવી ઘટનાઓ બનવા માંડી જેને કારણે મને રિયલાઈઝ થયું કે તે વખતે બરોડા ન જઈ શકાયું એની પાછળ કુદરતનો જ કોઈક સંકેત હતો. કુદરત નહોતી ઈચ્છતી કે આ વખતે હું વડોદરા જાઉં.

ત્યારથી આજ દિવસ સુધીની જિંદગીમાં જે કંઈ અપ્રિય ઘટનાઓ બની છે, જ્યારે જ્યારે મારા ધાર્યા મુજબનું, મારી ઈચ્છા કે મારા પ્લાનિંગ મુજબનું નથી થયું ત્યારે ત્યારે જે ઘડીએ મારું મન કહે કે સૌરભ, હવે બહુ ખેંચવામાં માલ નથી. છોડી દે, નહીં તો આખી વાત રબ્બરની જેમ ખેંચાઈ ખેંચાઈને તૂટી જશે. તે ઘડીએ હું મારાં હથિયારો હેઠાં મૂકીને, મારા પ્રયત્નોની નિષ્ફળતાને સ્વીકારીને ભગવાનને શરણે જતો રહું છું. કારણ કે બચ્ચનજીની જેમ હવે મને પણ ખબર છે કે: અપને મન કા હો તો અચ્છા, ન હો તો ઔર ભી અચ્છા.’ આ થયું ત્રીજું સૂત્ર. પહેલાં બે સૂત્રો આગલા લેખમાં જોઈ ગયા.

આપણે સૌ આ જ રીતે જીવવા માગતા હોઈએ છીએ, જેમાં ક્યારેક સફળ જઈએ છીએ, ક્યારેક નથી જતા.

ચોથું સૂત્ર સાહિર લુધિયાનવીનો આ શેર છે :

લે દે કે અપને પાસ ફકત એક નઝર તો હૈ

ક્યૂં દેખેં ઝિન્દગી કો કિસી કી નઝર સે હમ

સાહિર વિશેની, ગુજરાતી ડેઈલી કૉલમોના ઈતિહાસમાં સૌથી લાંબી ચાલેલી સિરીઝ ‘મુંબઈ સમાચાર’માં સતત 17 દિવસ લખતી વખતે આ શેર મેં વાંચ્યો અને ક્વોટ પણ કર્યો. અને મને લાગ્યું કે, સાહિરસા‘બે તો આમાં મારી જ જિંદગીની, મારી જ જિદની વાત કરી. મારા પત્રકાર-લેખકમિત્ર જય વસાવડાને પણ આ શેર એટલો ગમી ગયો કે બે-એક અઠવાડિયા સુધી એમણે વૉટ્સ એપના પોતાના સ્ટેટસ તરીકે એને મૂક્યો હતો. કદાચ આપણા બધાની જિંદગીના અનુભવોની કે પછી સપનાંની વાત એમાં છે. આપણે સૌ આ જ રીતે જીવવા માગતા હોઈએ છીએ, જેમાં ક્યારેક સફળ જઈએ છીએ, ક્યારેક નથી જતા.

કદાચ આ જીદ, આ સપનું નાનપણથી જ મારામાં હોવાં જોઈએ. એ શું કામ હતાં એનું મૂળ શોધવું અશક્ય તો નહીં પણ મુશ્કેલ જરૂર છે. એસ.એસ.સી. પછી, ભણવામાં બ્રાઈટ હોવા છતાં, મારે સાયન્સ લઈને ડૉક્ટર-એન્જિનિયર નહોતું બનવું. વાંચવાનો શોખ (શોખ કહો તો શોખ કે ગાંડપણ કહો તો તે) આઠ-દસ વરસની ઉંમરથી મારામાં પ્રવેશી ગયો હતો. નાનાભાઈ ભટ્ટનાં ‘રામાયણનાં પાત્રો’, ‘મહાભારતનાં પાત્રો’, ‘રમકડું’ માસિક વગેરેથી શરૂ કરીને દસમા ધોરણ સુધીમાં કાકાસાહેબ અને મશરૂવાળાનાં પુસ્તકો હું મારા પૉકેટ મનીમાંથી લેતો થઈ ગયો હતો.

એ વખતે આર્ટ્સમાં તો છોકરીઓ જ જાય એવું મનાતું, અને આમે ય મારે બી.એ., એમ.એ. થઈને ગુજરાતીના પ્રાધ્યાપક વગેરે તો થવું પણ નહોતું. તે વખતે ખારની ગુજરાત રિસર્ચ સોસાયટીમાં વોકેશનલ ગાઈડન્સ અને આઈ.ક્યુ.ના ટેસ્ટ લેવાતા. મારો આઈ.ક્યુ. 140ની આસપાસ આવ્યો. એપ્ટિટ્યુડ ટેસ્ટમાં આર્ટ્સ આવ્યું પણ વોકેશનલ ગાઈડન્સવાળાએ મને કહ્યું કે, તમારી બુદ્ધિશક્તિનો ખરો ઉપયોગ કૉમર્સમાં જ થશે, આર્ટ્સ-બાર્ટ્સ રહેવા દો.

નોકરીમાં જોડાઈ ગયા પછી આખો દિવસ કામ કરીને ઘરે આવ્યા બાદ રાત્રે જમતાં જમતાં મેં પપ્પાને વાત કરી: ‘મેં નોકરી લીધી છે? બાપાજી સડક. શું?

એવું નહોતું કે એણે પચ્ચીસ રૂપિયાની ફીઝ લઈને સલાહ આપી એટલે જ હું કૉમર્સમાં ગયો. એ ભાઈને હું બ્લેમ કરું છું એવું નથી. અમારું કુટુંબ સિવિલ એન્જિનિયર્સનું – પપ્પા, એમના કઝીન્સ, એમના કાકા બધા જ સિવિલ એન્જિનિયર્સ. એટલે આપણને એમ કે કંઈક જુદું કરવું જોઈએ. જુદું એટલે શું? જુદું એટલે સિવિલ એન્જિનિયરિંગ સિવાયનું, એટલી જ સમજ. હા. પણ એટલે શું? તો કહે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ. કેમ? મારા એકમાત્ર સગા કાકા, મારા પપ્પાના સગા નાના ભાઈ, સી.એ. થઈને અમેરિકા સેટલ થયા હતા અને ત્યાંની સી.પી.એ.ની પરીક્ષા પાસ કરીને સારી રીતે ગોઠવાઈ ગયા હતા. ન્યૂ યોર્કના ધનિક લતામાં બંગલો, તે જમાનાથી ઘરમાં મર્સીડીસ વગેરે ગાડીઓ. આપણે પણ અજિતકાકાની જેમ સી.એ. થઈને સરસ રીતે લાઈફમાં ગોઠવાઈ જઈશું. પપ્પા કહે, ઓ.કે. કૉમર્સ. સિડ્નહૅમ કૉલેજ તે વખતે કૉમર્સના અભ્યાસ માટે સૌથી પ્રતિષ્ઠિત ગણાતી. તરત ઍડમિશન મળી ગયું.

પણ કૉલેજમાં જઈને ભણવાનું ઓછું ને ઈતર પ્રવૃત્તિઓ વધારે. ઈતર પ્રવૃત્તિમાં છોકરીઓ પટાવવા-બટાવવાની કે ફેરવવાની ઝાઝી ઝંઝટ નહીં (અત્યારે જોકે અફસોસ થાય છે.) મારું બધું જ ધ્યાન કૉલેજના ગુજરાતી સાહિત્ય મંડળની પ્રવૃત્તિમાં. કંઈ ને કંઈ કડાકૂટ ચાલુ જ હોય. એ પ્રવૃત્તિમાં કામ ન લાગે એવા મિત્રો પણ ન બનાવું. બાકી તે વખતના બેડમિન્ટનના નેશનલ ચેમ્પિયન પ્રકાશ પાદુકોણ મારી જ કૉલેજમાં ભણે. (એ કોણ બોલ્યું કે : સારું થયું એમને તમે મિત્ર ન બનાવ્યા નહીં તો એમની મોટી મોટી થઈ ગયેલી દીકરી દીપિકા અત્યારે તમને ‘કાકા કાકા’ કહીને વહાલ કરતી હોત ને તમારે પણ દોસ્તારની દીકરી છે એટલે એને પુત્રીની જેમ જ જોવી પડતી હોત. બચી ગયા.)

‘સાહેબ, આ છોકરાને તમે નોકરીમાંથી કાઢી મૂકો.’

સંજોગો એવા થયા કે સિડ્નહૅમમાંથી મને ગુજરાતી વિદ્યાર્થીઓના હક માટે મરાઠી પ્રિન્સિપાલ સાથે જાહેરમાં ઝઘડો કરવા બદલ કાઢી મૂકવામાં આવ્યો ને હું નરસી મોનજી કૉલેજમાં દાખલ થયો. એ ગાળામાં ‘ગ્રંથ’ અને ‘પરિચય પુસ્તિકા’ પ્રગટ કરતી સંસ્થા ‘પરિચય ટ્રસ્ટ’માં નાનું-મોટું છૂટક કામ કરવા માટે હું અવર-જવર કરતો થઈ ગયેલો. ત્યાં જ એમની ઑફિસમાં એક જગ્યા ખાલી પડી. સંપાદકીય સહાયક. પગાર પ્યૂન કરતાંય ઓછો. મેં એપ્લાય કર્યું, ટેસ્ટ લેવાઈ. અને ત્રણસો રૂપિયા મહિનાના પગારે અઢાર વરસની ઉંમરે પહેલી ઓક્ટૉબર 1978થી નોકરી શરૂ કરી. નોકરીમાં જોડાઈ ગયા પછી આખો દિવસ કામ કરીને ઘરે આવ્યા બાદ રાત્રે જમતાં જમતાં મેં પપ્પાને વાત કરી: ‘મેં નોકરી લીધી છે? બાપાજી સડક. શું? મેં વિગતો આપી. પપ્પા સમસમીને સાંભળતા રહ્યા, આપણે તો બેફિકરાઈથી જમીને ઊભા થઈ ગયા. બીજે દિવસે સાડા દસ વાગ્યે નોકરી પર હાજર. કલાકમાં પપ્પા મારી ઑફિસે આવી ગયા. મારા તંત્રી યશવંતભાઈ દોશી (જેમને વખત જતાં મેં મારા પત્રકારત્વના ત્રણ ગુરુઓમાંના પ્રથમપદે સ્થાપ્યા. બીજા બે : હસમુખ ગાંધી અને હરકિસન મહેતા)ની કેબિનમાં ગયા. યશવંતભાઈએ મને બોલાવ્યો. મારી હાજરીમાં પપ્પાએ યશવંતભાઈને કહ્યું : ‘સાહેબ, આ છોકરાને તમે નોકરીમાંથી કાઢી મૂકો.’

યશવંતભાઈ કહે : ‘કેમ? કામ તો સારું કરે છે. હું છ મહિનાથી એની પાસે છૂટક નાનું-મોટું કામ કરાવું છું.’

પપ્પા : ‘એ ઠીક છે પણ એ નોકરી કરશે તો એનું ભણવાનું રખડી જશે. આ વરસે સી.એ. એન્ટ્રન્સની એક્ઝામમાં બેસવાનું છે.’

યશવંતભાઈ : ‘એણે મને કહ્યું છે કે હવે કૉલેજમાં એની સવારની શિફ્ટ છે અને ભણવાનું પૂરું કરશે.’

પપ્પા : ‘સાહેબ, નહીં ભણે.’ આ બધા સાહિત્યના રવાડે ચડી જશે તો સી.એ. કરવાનું રહી જશે.’

યશવંતભાઈ : ‘સી.એ. નહીં કરે તો બીજું કંઈ કરશે, મને તો છોકરો તેજસ્વી લાગે છે. ભવિષ્યમાં ઉપર આવશે.’

પપ્પા : ‘એ આ ક્ષેત્રમાંથી શું કમાવાનો છે? સી.એ. બનશે તો જ લાઈફમાં સેટલ થશે.’

યશવંતભાઈ : ‘સાહિત્યના ક્ષેત્રમાં તમે કહો છો એમ સી.એ.ની લાઈન જેટલા પૈસા નહીં હોય પણ સંતોષ કેટલો બધો હોય છે. એને મનગમતું કામ મળી ગયું છે તો કરવા દો.’

પપ્પા : ‘તે હું ક્યાં ના પાડું છું સી.એ. થઈ ગયા પછી એને જે લખવું હોય તે લખે ને. અત્યારે તો એની ભણવાની ઉંમર છે.’

યશવંતભાઈએ બાપ-દીકરાને ચા પીવડાવી. પપ્પાની વિનંતીથી યશવંતભાઈએ એ દિવસ પૂરતી મને રજાની મંજૂરી આપી. પપ્પા મને એમની ઑફિસે લઈ ગયા, એમના પાર્ટનર મનુભાઈ પટેલ પાસે. મનુભાઈ સિવિલ એન્જિનિયર તો ખરા જ ઉપરાંત મિશિગન યુનિવર્સિટીમાંથી સ્ટ્રક્ચરલ ડિઝાઈનિંગમાં પીએચ.ડી.

ભણવાનું મહત્ત્વ એટલે શું એ વિશે મનુકાકાએ મને શાંતિથી સમજાવ્યું. એમના ટિફિનમાંથી જમાડ્યો. બપોર પછી પપ્પા મને સાઈટ પર લઈ ગયા. કંપનીના ત્રીજા પાર્ટનર શાંતિભાઈ પટેલ ઊર્ફે બટુકકાકા. અત્યંત ભલા અને પ્રેક્ટિકલ માણસ પણ અંગૂઠાછાપ. મને વહાલથી બટુકકાકા કહે, ‘જો બેટા, નહીં ભણીને હું પસ્તાઉં છું. તારા પપ્પા અને મનુકાકાની જેમ હું પણ ભણ્યો હોત તો સારું થાત. આ તો એ બંનેની પાર્ટનરશિપને કારણે મારા પ્રેક્ટિકલ નૉલેજની કદર થાય છે. બાકી આજના જમાનામાં તો ભણતર નહીં હોય તો તું રખડી જઈશ.’

બટુકકાકાએ તપી ગયેલા પતરાવાળી સાઈટ ઑફિસમાં મને ઠંડી મૅન્ગોલા પીવડાવી અને રાત્રે હું પપ્પા સાથે ઘેર પાછો આવ્યો. બીજે દિવસે પપ્પા જાગે એ પહેલાં જ કૉલેજ જાઉં છું એમ કહીને ઘરેથી નીકળી ગયો. વહેલો પહોંચીને પરિચય ટ્રસ્ટની ઑફિસના દરવાજા ખુલે એની રાહ જોતો રહ્યો. યશવંતભાઈ આવ્યા પછી મેં એમને અલમોસ્ટ રડતાં રડતાં કહ્યું, ‘મને કાઢી નહીં મૂકતા, મારે અહીં જ રહેવું છે, મારું કામ પસંદ ન પડે તો મને ટોકજો, શીખવાડજો, પણ પપ્પાના કહેવાથી મારી નોકરી પાછી નહીં લઈ લેતા…’

યશવંતભાઈએ મને સાંત્વન આપીને ગઈકાલને ભૂલી જવાનું કહ્યું. બે-ત્રણ મહિનામાં જ મેં એન.એમ. કૉલેજની હૉસ્ટેલમાં સ્થાનિક વિદ્યાર્થીઓને એડમિશન નહોતું મળતું છતાં, કંઈક ચક્કર ચલાવીને પ્રવેશ મેળવી લીધો અને પ્રવેશ કન્ફર્મ થયાના બીજા દિવસે સવારે મમ્મીને કહીને ઘર છોડી દીધું. પપ્પા સૂતા હતા.

વર્ષો પછી મમ્મીએ મને કહ્યું હતું કે, ‘તે રાત્રે પછી પપ્પા સૂતા જ નહીં. પપ્પાની તો એ દિવસે વર્ષગાંઠ હતી.’ મને તો ખબર જ નહીં.

મારી જિંદગીને મેં માત્ર મારી નજરથી જ જોવાની જિદ રાખી એનો નતીજો છે કે, આજે હું જ્યાં છું ત્યાં છું. બીજા લોકોની નજરના માપદંડથી હું જાતને માપતો રહ્યો હોત તો સાહિરની એ જ ગઝલનો એ પછીનો શેર મને સમજાતો ન હોત :

માના કિ ઈસ ઝમીં કો ન ગુલઝાર કર સકે

કુછ ખાર કમ તો કર ગયે, ગુઝરે જિધર સે હમ

આજનો વિચાર

લખીએ છીએ ત્યારે જિંદગીને બે વાર જીવી લીધાનો રોમાંચ મળે છે. પહેલી વાર જે ક્ષણ વિશે લખ્યું તે ક્ષણ સર્જાઈ તે વખતનો અને બીજી વાર એ ક્ષણને યાદ કરીને કાગળ પર ઉતારવાનો.

-અનાઈસ નીન (ફ્રેન્ચ લેખિકા જેણે ટૂંકીવાર્તા અને નિબંધો ઉપરાંત ઈરોટિક લિટરેચરનું સર્જન પણ કર્યુઃ ૧૯૦૩-૧૯૭૭.)

( પાંચમા સૂત્ર વિશે વાત પરમ દિવસે: શનિવાર, 4 જુલાઈ 2020)

12 COMMENTS

  1. Honest and open hearted article. Inspiring and as usual your majical touch makes each article to read over and over. Good to know that you studied from N.M College. I was junior from Mithibai college.

  2. Superb Saurabh Bhai.. મજા પડી ગઈ.. હું પહેલાં પણ તમારો ચાહક હતો..2nd innings સમયે પણ હતો.. અને હજી પણ છું…keep inspiring..

  3. I read your articles regularly.
    Very interesting and inspiring.
    Today’s highlight is Harivansrai’s quote.All for the best.

  4. Inspiring tale. Work is not burdensome, when
    it is done voluntarily. Your job was of your liking
    and in spite of pressure of your father you did not give up.
    That moulded you. That made you, what you are today, unique and on top of the world.
    I read your articles regularly.
    Needless to say that I am impressed.

  5. ખુબ જ સુંદર અને પ્રેરણાદાયી લેખ છે,આજ ની જનરેશન માટે બહુ ફાયદાકારક છે

  6. આપના લખાણ માં એવો અનુભવ થાય છે જાણે કે વાચક પોતે એ બધામાંથી પસાર થઈ રહ્યો હોય. આજ નો લેખ વાંચતી વખતે ૨૦૦૩ ના પર્યુષણ ના દિવસો યાદ આવી ગયા જ્યારે હું લાયન્સ ક્લબ ઓફ મુલુન્ડ નો પ્રેસિડેન્ટ હતો અને અમારા ક્લબ ના પ્રોગ્રામ “પર્યુષણ વ્યખાનમાળા” માં આપ મુખ્ય અતિથિ તરીકે પધાર્યા હતા.
    એસ. કે. પટેલ.
    મુલુન્ડ(પ).

  7. તમારી નિજ.કથા માં સચ્ચાઈ અને નિખાલતશા ને લઈને વાંચવાની ઇન્તેજારી વધતી જાય છે.જાણે ધરાવહી. ના હપ્તા ની રાહ જોતા હોય એવી.

  8. તમારી જિંદગી ને તમારી નજર થી જોવાની જિદ્દ માં અમ વાંચકો ને લાભ થઈ ગયો. તમારાં અનુભવોને કારણે તમારા દરેક લેખમાં એક ઊંડાણ હોય છે જે અમારા હૃદયને સ્પર્શી જાય છે.

  9. મારા જીવન જીવના ના ત્રીજા ગુરુ તમે છો…ભાઈ જેટલી ઉદારતા થી લખો છો તેટલીજ પ્રમાણિકતા દેખાઈ આવે છે….. ખૂબ ખૂબ ધન્યવાદ…. For being in my life…

  10. Very good article..it touched my heart. Read it in one go. Savar sudhari gayi, e pan hospital ma betha jyare test na result ni rah joiye chiye.

  11. સહજ સરળ ગમે એવી ભાષા માં પ્રેરક સાહિત્ય. ઘણા લોકોને સરસ કડવા અનુભવો થાય છે જે પ્રેરણાદાયક હોય પણ લખવાની પ્રસ્તુતિ ના હોય. આગળના લેખોની પ્રતિક્ષા રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here