સાચું બોલવું પણ ક્યાં, ક્યારે, કેટલું? : સૌરભ શાહ

( લાઉડમાઉથ : ‘સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ. બુધવાર, ૨૯ નવેમ્બર ૨૦૨૩)

મેં તો એમને મોઢા પર સંભળાવી દીધું એવું કહીને તમને ઈમ્પ્રેસ કરનારાઓ ઘણી વખત હિંમત બતાવનારા નહીં પણ ભવાડો કરનારા હોય છે એવું વિચાર્યું છે ક્યારેય?

એક કિસ્સો યાદ આવે છે.

વિખ્યાત પત્રકાર એમ. જે. અકબર અત્યારે પોલિટિશ્યન તરીકે વધારે જાણીતા છે. મોદીસરકારમાં રાજ્યકક્ષાના વિદેશમંત્રી હતા, પણ આ વાત એ જમાનાની છે જ્યારે તેઓ રાજીવ ગાંધીને ‘મદદ કરવા’ માટે પત્રકારત્વ છોડીને કૉંગ્રેસમાં જોડાઈ ગયા હતા અને ૧૯૮૯ના જનરલ ઈલેક્શનમાં બિહારની કિશનગંજ લોકસભા બેઠક પરથી કૉંગ્રેસની ટિકિટ પર ચૂંટાઈને આવ્યા હતા.

અકબર પત્રકાર તરીકે ખૂબ પ્રતિભાશાળી અને પ્રભાવશાળી હતા. ખુશવંત સિંહના હાથ નીચે ‘વીકલી’માં ટ્રેઈની હતા. ઈમરજન્સી દરમિયાન બંગાળના આનંદ બઝાર પત્રિકા જૂથે ‘સન્ડે’ સાપ્તાહિક શરૂ કરીને એનું સુકાન અકબરને સોંપ્યું ત્યારે તેઓ માંડ ૨૫ વર્ષના હતા. ‘સન્ડે’ના પત્રકારત્વથી પ્રભાવિત થનારી એક આખી જર્નલિસ્ટ જનરેશનમાં આ લખનારનો પણ સમાવેશ થાય.

ત્યાર બાદ ૧૯૮૨માં એ જ પબ્લિશર્સ તરફથી એમ. જે. અકબરના તંત્રીપદે ‘ટેલીગ્રાફ’ નામનું એકદમ તડકભડક દૈનિક કલકત્તાથી શરૂ થયું. ભલભલા લોકો આ દૈનિકથી ઈમ્પ્રેસ થતા. આટલા તેજસ્વી પત્રકાર પોતાનું ક્ષેત્ર છોડીને ૧૯૮૯માં રાજકારણમાં ઝંપલાવે એનું આશ્ર્ચર્ય કરતાં એનો આઘાત વધારે હતો.

૧૯૮૯ની ચૂંટણીનાં પરિણામો આવતાં હતાં ત્યારે હું દિલ્હી હતો. વિનોદ દુઆ સાથે મારે તે વખતે જાનપહેચાન હતી. મારા ઘરે જમવા પણ આવી ગયેલા. એમને ફોન કરીને મળવાનું નક્કી કર્યું. સાંજે એક ફાઈવ સ્ટારના બારમાં બેઠા. વિનોદ દુઆએે કહ્યું, ‘હું ઉપર દસ મિનિટ અકબરને મળીને એમની જીત બદલ અભિનંદન આપીને આવું.’

મેં કહ્યું, ‘એમ. જે. અકબર જો આ જ હૉટેલમાં હોય તો મારે પણ એમને મળવું છે. હું એમનો વર્ષોથી પ્રશંસક છું, પણ મેં ક્યારેય એમને જોયા નથી.’ વિનોદ દુઆએ કહ્યું કે ‘ભલે, હું મળી લઉં પછી તમને ઉપર બોલાવું છું.’

દસપંદર મિનિટ પછી મને સંદેશો મળ્યો એટલે હું ઉપર ગયો. વિનોદ દુઆએ ઘણી સારી રીતે મારી ઓળખાણ કરાવી. મેં અકબર માટેનો મારો અહોભાવ પ્રગટ કરીને , હું એમને મળીને કેટલી ધન્યતા અનુભવી રહ્યો છું એવાં બેચાર ગોખેલાં ઈંગ્લિશ વાક્યો કહ્યાં, પણ પછી એક વાક્ય મેં એવું કહ્યું જે મને હજુ સુધી ખટક્યા કરે છે અને જીવનભર ખૂંચ્યા કરશે. લોકસભાની ચૂંટણીમાં એમની જીત બદલ અભિનંદન આપીને મેં કહ્યું કે, ‘પર્સનલી મને તમે રાજકારણમાં ગયા તે નથી ગમ્યું. તમારે પત્રકારત્વ નહોતું છોડવું જોઈતું.’ અકબરે હસતા મોઢે સાંભળી લીધું. હું નીચે આવીને વિનોદ દુઆની રાહ જોવા લાગ્યો.

દુઆએ આવતાંવેંત મને કહ્યું, ‘તારા ગયા પછી અકબરે મને શું કહ્યું ખબર?’ ‘શું?’ ‘એ કહે કે: આ ગુજરાતી જર્નલિસ્ટ હવે જઈને બધાને કહેશે કે મેં તો એમ. જે. અકબરના મોઢા પર સંભળાવી દીધું કે પોલિટિક્સમાં જઈને તમે ખોટું કર્યું.’

આય વૉઝ શૉક્ડ. મને તરત સમજાયું કે મેં મોટું બ્લન્ડર કરી નાખ્યું આવું કહીને. મારું મોઢું પડી ગયેલું જોઈને વિનોદ દુઆ હસતાં હસતાં કહે: ‘ડૉન્ટ વરી. મેં અકબરને કહ્યું કે એ કંઈ બધાને કહેવા જવાનો નથી કે પોતે અકબરને મળી આવ્યો ને શું કહી આવ્યો.’

વિનોદ દુઆની વાત સાચી હતી કે હું કંઈ કોઈને કહેવા જવાનો નહોતો કે મેં એમ. જે. અકબરને શું કહ્યું. આજે પહેલી વાર અહીં કહી રહ્યો છું, અલમોસ્ટ સાડા ત્રણ દાયકા પછી. પણ આ કિસ્સાએ મને વિચારતો કરી મૂક્યો હતો.

હું કંઈ એમ. જે. અકબરનો મિત્ર તો શું પરિચિત પણ નહોતો. વિનોદ દુઆ ન હોત તો એક ફૅન કે એક વાચક તરીકે પણ એમને મળવું એ વખતે મારા માટે દુર્લભ હતું. અકબર મને મળ્યા કારણ કે એમના મિત્ર વિનોદ દુઆએ વિનંતી કરી કે એક તમારો ચાહક જે પત્રકાર પણ છે તે તમને મળવા માગે છે. અકબર એમના અગણિત ચાહકોમાંના એકને મળી રહ્યા હતા, નહીં કે કોઈ પત્રકારને બાઈટ આપવા માટે એમણે બોલાવ્યો હતો. મારે મારી ફૅન તરીકેની મર્યાદામાં રહી, માત્ર એમને રૂબરૂ મળવાની મારી ખુશી, મારો આનંદ વ્યક્ત કરીને, એમનો આભાર માનીને કે એમને શુભેચ્છા આપીને પાછા બારમાં આવીને બેસી જવાનું હતું. રાજકારણમાં એ પ્રવેશ્યા તે જો મને ન ગમ્યું હોય તો એ મારો અંગત અભિપ્રાય ફૅન તરીકે મારાથી એમને પહોંચાડાય નહીં. આ નાના મોઢે મોટી વાત થઈ.

અમિતાભ બચ્ચનને તમે જો બે મિનિટ માટે મળો કે લતા મંગેશકર કે પછી કોઈનેય બે મિનિટ માટે ફૅન તરીકે મળતા હો તો એમની કઈ ફિલ્મો તમને નથી ગમી કે એમનું કયું ગીત સાંભળવાની મઝા તમને નથી આવતી એવા અભિપ્રાયો તમારે તે વખતે એમની સામે ફેંકવાના ન હોય. તમે જો એમની સાથે ચર્ચા કરવાને લાયક હો અને એમને પણ એવું લાગે કે તમે એમની સાથે ચર્ચા કરવાને લાયક છો અને તમને પંદર મિનિટ – અડધો કલાકનો સમય આપીને તેઓ તમારી સાથે ચા પીએ અને તમે આવા કોઈ મુદ્દા ડિસ્કસ કરો તો કદાચ બરાબર છે, કારણ કે બે મિનિટમાં તો એ તમારા અભિપ્રાયની સામે કશું જ બોલી શકવાના નથી. પોતે શું કામ રાજકારણમાં પ્રવેશ્યા કે શું કામ એ ફિલ્મ કરી કે શું કામ એ ગીત ગાયું એ વિશે કંઈ પણ જસ્ટિફિકેશન આપી શકવાના નથી. (નૉટ ધૅટ કે આવું કોઈ જસ્ટિફિકેશન આપણા જેવા સમક્ષ આપવાની એમને જરૂર પણ હોય).

મને તો તે વખતે કે એ પછી કે ઈવન અત્યારેય લાગ્યું નથી કે મેં કેવું એમ. જે. અકબરને એમના મોઢા પર સંભળાવી દીધું. ઑન ધ કૉન્ટરરી મને અફસોસ છે કે મેં એમને કહ્યું કે, તમે પત્રકારત્વ છોડી દીધું છે તે મને ન ગમ્યું. ખૂબ રંજ છે. અને આ એક અપવાદ સિવાય મેં ક્યારેય કોઈ પણ સેલિબ્રિટીને મળતી વખતે કે એમનો ઈન્ટરવ્યૂ લેતી વખતે કે પછી એમની સાથે નિરાંતે ગપ્પાં મારતી વખતે એવું એક પણ વાક્ય કહ્યું નથી જે સાંભળીને એમને થાય કે ‘હવે આ માણસ જઈને બધાને કહેશે કે જોયું, મેં તો આમને આવું સંભળાવી દીધું.’

સાચું બોલવાની હિંમત હોવી જરૂરી છે, પણ સાચું ક્યારે બોલવું, કોની સમક્ષ બોલવું અને કયા સમયે બોલવું તે નક્કી કરવાની હિંમત વધારે જરૂરી છે. આપણું નુકસાન થતું હોય તો પણ સાચું બોલીએ ત્યારે એમાં હિંમત છે, પણ બીજાનું નુકસાન કરીને આપણી ઈમેજ બનાવવાની ઈચ્છા રાખીને સાચું બોલીએ છીએ ત્યારે જાણવું કે આવું કરવામાં હિંમત ઓછી, ભવાડા કરવાની દાનત વધુ છે. સામેની વ્યક્તિ સેલિબ્રિટી હોય કે સામાન્ય હોય. કોઈનીય સમક્ષ સાચું બોલતી વખતે પહેલાં નક્કી કરી લેવું કે હું મોઢામોઢ સંભળાવવાની હિંમત કરી રહ્યો છું કે પછી બ્રૅવાડો કરી રહ્યો છું.

સાયલન્સ પ્લીઝ

સત્ય બ્યુટિફુલ છે અને ટેરિબલ પણ. માટે જ એને બહુ સાવચેતીથી વાપરવું જોઈએ.

– જે. કે. રોલિંગ (‘હૅરી પૉટર’માં ડમ્બલડોરનો સંવાદ)

• • •

( સૌરભ શાહના આવા સેંકડો લેખો વાંચવા Newspremi.comના આર્કાઇવ્ઝનો લાભ લો. સૌરભ શાહના રોજેરોજ લખાતા લેખોની જાણકારી મેળવવા વૉટ્સઍપ નંબર ⁨090040 99112⁩ પર તમારું નામ મોકલીને સૌરભ શાહના ગ્રુપમાં જોડાઈ જાઓ.)

• • •

ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

2 COMMENTS

  1. કાણા ને કાણો નવ કહીએ, કડવા લાગે વેણ,
    ધીરે રહીને પૂછીએ,ભાઈ શીદ ગુમાવ્યું નેણ..

  2. બહુ જ મહત્વની વાત કરી સૌરભભાઈ તમે સામાન્ય રીતે મોટાભાગના લોકો જે ભૂલ કરતા હોય છે તેના તરફ આપે પોતાનો જ દાખલો આપીને એકદમ ગળે ઉતરી જાય તેવું ઉદાહરણ આપીને બહુ મોટી વાત કરી દીધી. મને લાગે છે કે આપનો આ લેખ વાંચ્યા પછી કોઈપણ સમજુ વ્યક્તિ ભવિષ્યમાં આવી ભૂલ નહીં કરે અને ભૂતકાળમાં જો કરી હશે તો તેના પર વિચાર કરીને ‘થઈ ગયું તે થઈ ગયું, હવે કદી આવું નહીં કરું’. તેવી મનો ભાવના પણ અનુભવતા હશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here