આપણાં સપનાં સાકાર કેમ નથી થતાં : સૌરભ શાહ

(ગુડ મૉર્નિંગ ક્લાસિક્સ : મંગળવાર, ૧૯ જાન્યુઆરી ૨૦૨૧)

સપનાં કહો એને, પ્લાનિંગ કહો કે પછી જીવનનો હેતુ કહો. આપણે જે કામ કરવાનું નક્કી કર્યું છે એ કેમ નથી કરી શકતા? વારંવાર એમાં વિઘ્નો કેમ આવે છે? બીજા બધા જ લોકો આગળ વધી જાય છે ને આપણે કેમ, છીએ ત્યાંના ત્યાં જ રહી જઈએ છીએ?

ઘણાં બધાં કારણો છે. સૌથી અગત્યનું કારણ એ છે કે આપણું ફોકસ નથી આપણા ધ્યેય પર. અર્જુનનું ફોકસ હતું. આપણને તો પંખીની આંખ ઉપરાંત ઝાડ પરનાં તમામ પંખીઓના માળા દેખાય છે, એવા કેટલાંય ઝાડ દેખાય છે, જંગલમાં બીજું ઘણું બધું દેખાય છે.

આપણે વહેંચાઈ ગયેલા છીએ. સચિન તેન્ડુલકર કે વિરાટ કોહલી બનવું હોય તો ક્રિકેટ સિવાય બીજી કોઈ પણ બાબત તરફ ધ્યાન ન ખેંચાવું જોઈએ. આપણે તો રોજ દોસ્તારો-બહેનપણીઓ સાથે પાર્ટી કરવી છે. કોઈની બર્થડેમાં, કોઈના લગ્નમાં, કોઈના સારામાઠા પ્રસંગે જવું છે. શરીરને ચુસ્ત-દુરસ્ત રાખે એવી દિનચર્યા કે એવી ખાણીપીણીનું શેડ્યુલ રોજ કોઈને કોઈ બહાનું કરીને તોડી નાખીએ છીએ. અંગત મોજમઝા, કૌટુંબિક જવાબદારીઓ, સામાજિક કમિટમેન્ટ્‌સ, આજીવિકાની દોડધામ – આ બધું જ, હા આ બધું જ, છોડી દેવું પડે જો તમારે તમારા ઉચ્ચ લક્ષ્ય તરફ આગળ વધવું હોય તો. જેમને તમે એ લક્ષ્ય સુધી પહોંચી ગયેલા જુઓ છો એ સૌ લોકોએ આ બધું જ છોડી દીધા પછી પોતાના લક્ષ્ય સુધી પહોંચી શક્યા છે. ચાહે એ પી.એમ. હોય, બચ્ચનજી હોય, અંબાણી હોય કે વિરાટ કોહલી. જીવનમાં એક માત્ર ધ્યેય તમારું સપનું સાકાર કરવાનું હોવું જોઈએ. એ સિવાય સપનાંઓ સાકાર નથી થતા. એવું નહીં કરી શકનારાઓ છેવટે પ્રોવિડન્ટ ફન્ડ અને ગ્રેજ્યુઈટીની ગણતરીમાં વ્યસ્ત થઈ જાય છે.

બીજું કારણ પણ છે. આપણામાં ધીરજ નથી. ટ્રેન મોડી આવવાની છે એ જાણીને આપણે ગંતવ્યસ્થાન ભણી ચાલવાનું શરૂ કરી દેવાની મૂર્ખાઈ કરતા હોઈએ છીએ. આ રીતે કંઈ લક્ષ્ય સુધી પહોંચાવાનું નથી. આપણી અધીરાઈ આપણો બોજો વધારે છે, આપણને રસ્તામાં જ થકવી નાખે છે. વિલંબો, અકસ્માતો અને સમસ્યાઓ તો હોવાનાં જ છે માર્ગમાં. એની સાથે ધીરજપૂર્વક ડીલ કરવું પડે. સંજોગો સાથે બાથ ભીડવા જઈશું તો શક્તિઓ આપણી જ ખર્ચાઈ જવાની છે.

હજુ એક ત્રીજું કારણ છે. આપણે સપનાં જોઈએ છીએ પણ એ સપનાંને કસોટીના પથ્થર પર ઘસતા નથી. આપણું સપનું ખરેખર સાકાર થઈ શકે એવું છે કે નહીં એની પરખ કરવાનો આપણને ડર લાગતો હોય છે. એટલે જ એ સપનાને સપના તરીકે સાચવીને બેસી રહીએ છીએ, એને સાકાર કરવા વાસ્તવની ભૂમિ પર એકાદ નક્કર પગલું પણ ભરતા નથી. આપણને ડર છે કે સપનું સાકાર કરવા માટે એકાદ ડગલું ભરીશું તો આપણે જ આપણી જાત આગળ ઉઘાડા પડી જઈશું કે આપણું સપનું સાકાર થઈ શકે એવું છે જ નહીં. અને એટલે જ આપણે જાતને અને બીજાઓને માત્ર કહ્યા જ કરીએ છીએ કે હું આમ કરીશ ને હું તેમ કરીશ. પણ જે કરવું છે તે માટે એકાદ નક્કર પગલું નહીં ભરીએ.

ચોથું કારણ. આપણું સપનું સાકાર નથી થતું એના માટે આપણે બીજાઓને બ્લેમ કરતા રહીએ છીએ. કોણ નડી ગયું અને કોનામાં ચાલાકી ઠાંસી ઠાંસીને ભરેલી છે એવી વાતો કરીને તમે તમારી જાતને યુધિષ્ઠિર જેવા સત્યપ્રિય ગણાવવાની કોશિશ કરતા રહો છો. મારી પ્રામાણિકતા, મારા સિદ્ધાંતો અને મારા આદર્શોના ભોગે હું કંઈ જ નહીં કરું એવું કહીને તમે જતાવ્યા કરો છો કે બીજાઓ પોતાનાં સપનાં સાકાર કરી રહ્યા છે એનું કારણ એ જ છે કે એમને સિદ્ધાંતની સાથે કોઈ લેવાદેવા નથી, એમના જેવા ચલતાપૂર્જા લોકો સફળ થવાના જ છે, આપણને કંઈ એવું કરીને સફળતા નથી જોઈતી. હકીકત એ છે કે તમે સિદ્ધાંતો અને આદર્શોના નામે તમારી આળસ અને અણાઅવડતોને પંપાળો છો, પોષો છો. તમને લોકો સાથે હળીમળીને કામ કરતાં નથી આવડતું, તમે બીજાઓને મદદરૂપ બનવા માટે તત્પર નથી હોતા, તમે હંમેશાં તમારો જ કક્કો ખરો છે એવો ઍટિટ્‌યુડ દેખાડતા રહો છો અને પછી ફરિયાદ કરો છો કે લોકો મારી સાથે કામ કરવા માગતા નથી, લોકો મને મદદરૂપ થતા નથી, લોકો મારો વિરોધ કરે છે. તમારા સપનાં સાકાર ન થતાં હોય ત્યારે તમારી વ્યવહારુ આવડત, તમારો ઈ.ક્યુ. ઓછો પડે છે એવું વિચારતા નથી તમે અને વાંક બીજાઓનો કાઢ્યા કરો છો.

પાંચમું કારણ પણ છે હજુ. તમે જે ક્ષેત્રમાં છો અને એ ક્ષેત્રની સર્વોત્તમ ઊંચાઈએ પહોંચવા માગો છો પણ એ સપનું પૂરું કરવા માટે તમારે તમારી પ્રોફેશનલ સ્કિલ્સ વધારવી પડશે એનો તમને ખ્યાલ જ નથી. દુનિયા સતત આગળ વધતી જાય છે. તમારે તમારા ક્ષેત્રમાં સતત અપગ્રેડ થવું પડે. જૂની સફળતાઓના આધારે ક્યાં સુધી બેસી રહેવાનું છે. નવાં કામ કરવા માટે, આગળ વધવા માટે નવું નવું જાણવું પડે, શીખવું પડે, પ્રેક્ટિસ કરવી પડે. પણ આપણે તો સૂંઠના ગાંગડે ગાંધી થઈ જવું છે, નવું નવું શીખવાની તસ્દી કોણ લે?

આ બધાં જ કારણોમાં જે વાત ઊડીને આંખે વળગતી નથી, સદાય પ્રચ્છન્ન રહી જાય છે, તે એ કે દરેક વાતે આપણે બીજાઓ માટેના ઈમોશન્સમાં તણાઈ જઈએ છીએ. મારે મારા ફ્રેન્ડ માટે આટલું તો કરવું જ પડે, ફૅમિલી માટે આટલો સમય તો આપવો જ પડે, આના માટે – તેના માટે આટલું તો ખેંચાવું જ પડે એવું માનીને આપણે લાગણીઓના વહેણમાં તણાઈ જતા હોઈએ છીએ. આપણું લક્ષ્ય બાજુએ મૂકીને બીજાનાં લક્ષ્યો સિદ્ધ કરવા દોડી જતા હોઈએ છીએ. લાગણીહીન બની જઈએ એવું નથી પણ લાગણીઓથી દોરવાઈ ન જવાય. દરેક લાગણી ટેમ્પરરી હોય છે. એવી લાગણીથી દોરવાઈને આપણું પરમેનેન્ટ નુકસાન થતું હોય તો પહેલેથી જ બચીએ એવી વાતોથી.

સપનાં સાકાર કરવાં હશે તો મહેણાંટોણાં ખાવાની તૈયારી રાખવી પડશે. લોકોની વાંકીચૂંકી વર્તણૂકોને સહન કરીને પણ એમને તમારી સાથે જોડવા પડશે. દિવસરાત જાગ્રત રહીને કામમાં જોતરાયેલા રહેવું પડશે. આપત્તિઓથી ઝૂક્યા વિના, લાલચોથી દોરવાયા વિના, એક એક કદમ મૂકીને, ધીરજથી આગળ વધવું પડશે. સહેલું નથી સપનાંઓને સાકાર કરવાનું. ખ્વાબ જોવાનું આસાન છે. શેખચલ્લી બની જવાનું આસાન છે. દરેક સપનાને દરેકે દરેક ક્ષણની મહેનત દ્વારા એક એક ઈંચ કરીને એના લક્ષ્ય સુધી પહોંચવું પડતું હોય છે. વરસ, બે વરસ, દસ વરસ, વીસ વરસ, ક્યારેક આખો જન્મારો વીતી જતો હોય છે. ભલે. એ જ તો જીવન છે. સપનાંઓ સાકાર કરવામાં ગૂંથાયેલા રહીએ એ માટે જ તો આ જિંદગી આપી છે ભગવાને. બાકી, ખાઈપીને મઝા તો બધા જ કરે છે. પરણીને, કમાઈને, છોકરાંઓ પેદા કરીને, મોતિયો ઉતરાવીને, ઘૂંટણની ઢાંકણી બદલાવીને, બેન્ક બૅલેન્સ ગણ્યા કરીને, ચાર ધામની જાત્રા કરીને અને મરણમૂડી સાચવીને જીવવું હોય તો તમારી મરજી છે. પછી ફરિયાદ નહીં કરવાની કે અમારાં સપનાં કેમ સાકાર નથી થતાં.

••• ••• •••

આટલું વાંચ્યું છે તો બે મિનિટ રોકાઈને થોડું વધુ વાંચી લો.

‘ન્યુઝપ્રેમી’ને આર્થિક સપોર્ટ આપો : સૌરભ શાહ

પ્રિય વાચક,

તમે જાણો છો એમ ‘ન્યુઝપ્રેમી’ કોઈપણ જાતના કૉર્પોરેટ ફન્ડિંગ વિના કે જાહેરખબરોની આવક વિના ચાલતું કોઈનીય સાડીબારી ન રાખતું એક વિશ્વસનીય ડિજિટલ મિડિયા છે.

‘ન્યુઝપ્રેમી’ની તમામ વાચનસામગ્રી સૌ કોઈ માટે ઓપન છે, વિના મુલ્યે ઉપલબ્ધ છે.

વધુ ને વધુ વાચકો સમજી રહ્યા છે કે મિડિયાની વિશ્વસનીયતા સામે પ્રશ્નો ઊભા થતા જાય છે એટલે કાણાને કાણો કહેવાની હિંમત રાખનારા અને સજ્જનોનો તથા રાષ્ટ્રપ્રેમીઓનો નિર્ભીક બનીને પક્ષ લેનારા ‘ન્યુઝપ્રેમી’ જેવા સ્વતંત્ર પ્લેટફૉર્મની આજે સખત જરૂર છે.

કોઈ પણ સારી પ્રવૃત્તિ ટકાવી રાખવી હોય અને એને ફેલાવવી હોય તો એ માટે બે મુખ્ય બાબતોની ખાસ આવશ્યકતા હોવાની. પરસેવો અને પૈસો. ‘ન્યુઝપ્રેમી’ને હજારો વાચકોમાંથી લાખો અને લાખોમાંથી કરોડો સુધી લઈ જવાની મહેનત વન પેન આર્મી એવા પત્રકાર સૌરભ શાહ દ્વારા થઈ રહી છે. પૈસાની અપેક્ષા તમારે પૂરી કરવાની છે.

તમારા સપોર્ટની આશાએ ‘ન્યુઝપ્રેમી’ના દરેક આર્ટિકલમાં જાહેરખબરોની જગ્યાએ અપીલની સૂચના/લિન્ક મૂકાય છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક આર્થિક સપોર્ટથી અડીખમ રહી શકશે, વધુ વાચકો સુધી પહોંચી શકશે અને નિયમિત ધોરણે સમૃદ્ધ વાચનસામગ્રી ક્રિયેટ કરી શકશે. તમારામાંના દરેકે દરેક વાચકનો સ્વૈચ્છિક સહયોગ મળે તે આવકાર્ય છે. તમારા તરફથી મળનારી કોઈ પણ નાની કે મોટી રકમ ‘ન્યુઝપ્રેમી’ માટે ખૂબ ઉપયોગી થવાની છે.

દર એક-બે અઠવાડિયે કે મહિને-બે મહિને મળતો તમારો નિયમિત પ્રતિસાદ ‘ન્યુઝપ્રેમી’ની ઇમ્યુનિટી વધારશે અને ઝંઝાવાતો સામે ટકી રહેવાની ક્ષમતામાં ઉમેરો કરશે.

‘ન્યુઝપ્રેમી’ને તમે બેન્ક ટ્રાન્સફર દ્વારા કે પછી પેટીએમ, ગુગલ પે કે યુપીcomઆઈ ટ્રાન્સફર દ્વારા રકમ મોકલીને સ્ક્રીન શૉટ 9004099112 પર વૉટ્સએપ કરો અથવા HiSaurabhShah@gmail.com પર મેઇલ કરો.

‘ન્યુઝપ્રેમી’ને ઑલરેડી સપોર્ટ કરી રહેલા વાચકોનો હ્રદયપૂર્વક આભાર અને સૌ કોઈ માટે સદભાવ તથા શુભેચ્છાઓ.

‘ન્યુઝપ્રેમી’ વિશે વધુ જાણવાની ઇચ્છા થાય તો આ લિન્ક ક્લિક કરો : https://www.newspremi.com/gujarati/support-newspremi/

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here