‘છોડી જૂનું વતન નવી નગરી જવું પડે’ : સૌરભ શાહ

(ગુડ મૉર્નિંગ ક્લાસિક્સ : સોમવાર, ૧૮ જાન્યુઆરી ૨૦૨૧)

આપણી આસપાસના લોકો સાથે હળીમળીને રહીએ એ સારી વાત છે. જે પરિસ્થિતિમાં હોઈએ તેમાં ખુશ રહીએ એ પણ સારી વાત છે. જે મળ્યું એમાં સંતોષ માણીએ એ તો સૌથી સારી વાત થઈ. પણ આ જ બધાનો સરવાળો આપણી પ્રગતિને બાધક છે, આપણા વિકાસ માટે નડતરરૂપ છે.

આપણે જ્યાં સુધી પહોંચવાનું છે ત્યાં નહીં પહોંચવા દેવા માટેનાં સૌથી મોટાં વિઘ્નો આ જ છે. આ વિઘ્નોને આપણે કમ્ફર્ટ ઝોન તરીકે ઓળખીએ.

ઘણા માણસો ભગવાન શિવ જેવા આશુતોષ હોય છે. તેઓ ઝડપથી સંતોષાઈ જાય, પ્રસન્ન થઈ જાય. આવા લોકો ભગવાનના માણસ તરીકે પણ બીજાઓમાં ઓળખાય. ઓછી જરૂરિયાતો અને ઓછી માગણીઓથી સાદગીભર્યું જીવન જીવનારાઓ સૌને ગમે. પણ આ દુનિયા ‘અસંતુષ્ટો’થી ચાલે છે. આ દુનિયા પોતાની પરિસ્થિતિથી જેઓ નાખુશ છે એવા લોકોને કારણે આગળ વધે છે. આ દુનિયા પોતાની પરિસ્થિતિથી જે નાખુશ છે એવા લોકોને કારણે જ આગળ વધી છે. આ દુનિયાની પ્રગતિ એવા લોકોથી થાય છે જેઓ પોતાની આસપાસના લોકો સાથે હળીમળી શકતા નથી, એમને કોઈક બીજા જ સ્તરના લોકો સુધી પહોંચવું છે, બહુ વિશાળ લોકો સુધી પહોંચવું છે.

દરેક માણસને અમુક અવસ્થા સુધી એને કમ્ફર્ટ ઝોનની જરૂર પડવાની. કૂંપળમાંથી છોડ બનીને પાંગરતા વૃક્ષને બકરી ચાવી ન જાય એ માટે વાડની જરૂર પડે એવું જ કંઈક. પણ આ બાલ્યાવસ્થા પૂરી થયા પછી વાડ દૂર થઈ જવી જોઈએ અને ક્રમશઃ એની કાળજી લેવાનું પણ બંધ થઈ જવું જોઈએ, એને સામેથી અપાતાં ખાતર-પાણી મળવાનું બંધ થઈ જવું જોઈએ. તો જ એક તબક્કો એવો આવશે જ્યારે એ જમીનમાં પોતાનાં મૂળિયાં દૂર દૂર સુધી ફેલાવી પોતાને જોઈતાં પોષણ મેળવી લેશે અને ડાળીઓ ફેલાવીને સૂર્યનો પ્રકાશ પણ શોધી લેશે.

કમનસીબે, કેટલાય લોકો ઉંમર વધ્યા પછી પણ બાલ્યાવસ્થામાં જ રહે છે. ન એમના માબાપને સૂઝે છે કે હવે એમને એમના કમ્ફર્ટ ઝોનમાંથી બહાર જવા દેવા જોઈએ( અને ન જાય તો ધકેલવા જોઈએ) કે ન એમને પોતાને કમ્ફર્ટ ઝોનના કુંડાળાની બહાર પગ મૂકવાનો વિચાર આવે છે.

ટીન એજમાં પ્રવેશતાંની સાથે જ પેરેન્ટ્‌સે સંતાનને ઘરકુકડી બનાવી નાખનારા કમ્ફર્ટ ઝોનની બહાર ધકેલી દેવું જોઈએ. અગિયાર-બાર-તેર વર્ષની કિશોર અવસ્થાએ પહોંચતાંની સાથે જ દીકરાદીકરીને બહારની, જેવી છે એવી, દુનિયાનો ભરપૂર પરિચય થતો રહે, રોજેરોજ થતો રહે, કડવા-મીઠા તમામ પ્રકારના અનુભવોનો સામનો કરવાના કે એને માણવાના અવસરો મળતા રહે એવી પરિસ્થિતિનું સર્જન કરવાની જવાબદારી મમ્મીની છે, પપ્પાની છે, ઘરમાં રહેતા કુટુંબના બીજા સભ્યોની છે. પણ જે માબાપ પોતે હજુય પોતાના કમ્ફર્ટ ઝોનની બહાર નીકળતાં જ ડરે છે તેઓ પોતાના સંતાનને છાંયડો આપતી છત્રીની બહાર નીકળીને તડકામાં તપવાનું કેવી રીતે કહેવાના. આવાં સંતાનો જો ભવિષ્યમાં જાતે પડીઆખડીને પોતાના વાતાવરણની બહાર નીકળે, નવી દુનિયાઓનો અનુભવ લેતા થઈ જાય એવું બની શકે. ઘણાં સંતાનો આવા નસીબદાર નથી હોતા. તેઓ મોટા થયા પછી પણ ઘરના સુરક્ષિત વાતાવરણ જેવા પોતાની આસપાસ સર્જાયેલા સોફાના પોચા પોચા ખોળા જેવા કમ્ફર્ટ ઝોનમાં સડ્યા કરે છે અને પોતે જિંદગીમાં કશું ઉકાળી શક્યા નથી એ માટે બીજાઓને, સંજોગોને અને નસીબને દોષી ઠેરવતા રહે છે.

આપણામાંના મોટા ભાગના લોકોને તો અંદાજ પણ નથી કે આપણી પ્રગતિ નહીં થવાનું કારણ, આપણે જ્યાં હતા ત્યાં જ હજુ સુધી છીએ એનું કારણ કમ્ફર્ટ ઝોનમાં પડ્યા રહેવાની આપણી આદત છે.

ગુજરાતી સુગમ સંગીત ક્ષેત્રના બુલંદ સિતારાસમા ગાયક-સ્વરકાર પુરૂષોત્તમ ઉપાધ્યાયે વર્ષો પહેલાં ‘ગુલમહોર’ નામના કૅસેટ આલ્બમમાં કવિ રવિ ઉપાધ્યાયની એક રચના સ્વરબધ્ધ કરીને પોતાના કંઠે ગાઈ હતી. આજે પણ એના શબ્દો અક્ષરશઃ કાનમાં ગૂંજે છે. રાધર, એ શબ્દો જીવનનું ચાલકબળ છે, આજીવન રહેવાનું છે.

કવિ રવિ ઉપાધ્યાયના શબ્દો છેઃ ‘મંઝિલને ઢૂંઢવા દિશા કપરી જવું પડે/ છોડી જૂનું વતન નવી નગરી જવું પડે.’

(આ લેખ પૂરતું આ પ્રથમ પંક્તિનું જ મહત્વ છે. બાકી આખી રચના વાંચવા જેવી છેઃ યુગોથી મીટ માંડવી તપ એનું નામ છે/ શ્રીરામને જમાડવા શબરી થવું પડે… બદલાની અપેક્ષા વિના સત્કર્મ જો કરો/ પત્થરના દેવને કદી પ્રગટી જવું પડે… સન્માન કેવું પામશો મૃત્યુ પછી ‘રવિ’/ જોવા તમાશો એકવાર ગુજરી જવું પડે…)

જે લોકોએ આ દુનિયામાં કંઈક કામ કરી દેખાડ્યું છે તે સૌ પોતપોતાના કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવ્યા છે ત્યારે ઝળક્યા છે. આ તમામ લોકો નામી કે સુપ્રસિદ્ધ હોય એ જરૂરી નથી. એમનું નામ કે એમનું કામ આપણા સુધી ન પહોંચ્યું હોય એવું બને. મહત્ત્વ નામનું નથી, કામનું છે. તેઓ પોતાના લોકોને, પોતાના સંજોગોને અને આ લોકો-સંજોગોને કારણે ઘડાયેલી પોતાની માનસિકતાને છોડીને આગળ વધ્યા ત્યારે જીવનમાં કંઈક કરી શક્યા. પોતાની આસપાસના લોકોને એમણે ક્યારેક નારાજ કર્યા કારણ કે એક તબક્કે એમને છોડી દેવા પડ્યા. અસલામતી ભોગવવી પડી કારણ કે હવે એ જૂના સંબંધો કામ નથી લાગવાના. તમે જેને સંકટ સમયની સાંકળ માનતા રહ્યા એને તમે જ તોડી નાખી, સમયસર તોડી નાખી, અન્યથા એ સાંકળ તમારા માટે પગની બેડી બની જવાની હતી.

માથે છાપરું હોય, કોઈનો આશ્રય હોય કે પછી પોતાના સુખદુઃખમાં સહભાગી બને એવા સાથીઓ હોય એવું કોને ના ગમે? પણ આ બધી જ વાતોની આદત આપણને આગળ વધતાં રોકે છે, આ સીમા આપણી મર્યાદા બની જાય છે. કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવવું એટલે આ મર્યાદાને ઓળંગીને ખુલ્લી તાજી હવામાં શ્વાસ લેવો.

આજનો વિચાર

બધું જ જાણીતું હોય ત્યાં તમે અત્યાર સુધી મળેલી સફળતાઓને સાચવીને બેસી રહેવાના છો. કશુંક અણધાર્યું બને, અત્યાર સુધી ક્યારેય ન જોયેલી સફળતા જોવા મળે એ માટે તમારે આ પરિચિત વાતાવરણમાંથી બહાર આવવું જ પડે.

— અજ્ઞાત

••• ••• •••

આટલું વાંચ્યું છે તો બે મિનિટ રોકાઈને થોડું વધુ વાંચી લો.

‘ન્યુઝપ્રેમી’ને આર્થિક સપોર્ટ આપો : સૌરભ શાહ

પ્રિય વાચક,

તમે જાણો છો એમ ‘ન્યુઝપ્રેમી’ કોઈપણ જાતના કૉર્પોરેટ ફન્ડિંગ વિના કે જાહેરખબરોની આવક વિના ચાલતું કોઈનીય સાડીબારી ન રાખતું એક વિશ્વસનીય ડિજિટલ મિડિયા છે.

‘ન્યુઝપ્રેમી’ની તમામ વાચનસામગ્રી સૌ કોઈ માટે ઓપન છે, વિના મુલ્યે ઉપલબ્ધ છે.

વધુ ને વધુ વાચકો સમજી રહ્યા છે કે મિડિયાની વિશ્વસનીયતા સામે પ્રશ્નો ઊભા થતા જાય છે એટલે કાણાને કાણો કહેવાની હિંમત રાખનારા અને સજ્જનોનો તથા રાષ્ટ્રપ્રેમીઓનો નિર્ભીક બનીને પક્ષ લેનારા ‘ન્યુઝપ્રેમી’ જેવા સ્વતંત્ર પ્લેટફૉર્મની આજે સખત જરૂર છે.

કોઈ પણ સારી પ્રવૃત્તિ ટકાવી રાખવી હોય અને એને ફેલાવવી હોય તો એ માટે બે મુખ્ય બાબતોની ખાસ આવશ્યકતા હોવાની. પરસેવો અને પૈસો. ‘ન્યુઝપ્રેમી’ને હજારો વાચકોમાંથી લાખો અને લાખોમાંથી કરોડો સુધી લઈ જવાની મહેનત વન પેન આર્મી એવા પત્રકાર સૌરભ શાહ દ્વારા થઈ રહી છે. પૈસાની અપેક્ષા તમારે પૂરી કરવાની છે.

તમારા સપોર્ટની આશાએ ‘ન્યુઝપ્રેમી’ના દરેક આર્ટિકલમાં જાહેરખબરોની જગ્યાએ અપીલની સૂચના/લિન્ક મૂકાય છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક આર્થિક સપોર્ટથી અડીખમ રહી શકશે, વધુ વાચકો સુધી પહોંચી શકશે અને નિયમિત ધોરણે સમૃદ્ધ વાચનસામગ્રી ક્રિયેટ કરી શકશે. તમારામાંના દરેકે દરેક વાચકનો સ્વૈચ્છિક સહયોગ મળે તે આવકાર્ય છે. તમારા તરફથી મળનારી કોઈ પણ નાની કે મોટી રકમ ‘ન્યુઝપ્રેમી’ માટે ખૂબ ઉપયોગી થવાની છે.

દર એક-બે અઠવાડિયે કે મહિને-બે મહિને મળતો તમારો નિયમિત પ્રતિસાદ ‘ન્યુઝપ્રેમી’ની ઇમ્યુનિટી વધારશે અને ઝંઝાવાતો સામે ટકી રહેવાની ક્ષમતામાં ઉમેરો કરશે.

‘ન્યુઝપ્રેમી’ને તમે બેન્ક ટ્રાન્સફર દ્વારા કે પછી પેટીએમ, ગુગલ પે કે યુપીcomઆઈ ટ્રાન્સફર દ્વારા રકમ મોકલીને સ્ક્રીન શૉટ 9004099112 પર વૉટ્સએપ કરો અથવા HiSaurabhShah@gmail.com પર મેઇલ કરો.

‘ન્યુઝપ્રેમી’ને ઑલરેડી સપોર્ટ કરી રહેલા વાચકોનો હ્રદયપૂર્વક આભાર અને સૌ કોઈ માટે સદભાવ તથા શુભેચ્છાઓ.

‘ન્યુઝપ્રેમી’ વિશે વધુ જાણવાની ઇચ્છા થાય તો આ લિન્ક ક્લિક કરો : https://www.newspremi.com/gujarati/support-newspremi/

2 COMMENTS

  1. સમાજે સ્વીકારેલા સફળતા ના માપદંડ ના દાયરા ને ધ્યાન માં રાખીએ તો લેખક ના વિચારો સાથે સંપૂર્ણ સહમત થઈ શકાય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here