યોગગ્રામમાં શક્તિ કપૂર? આ ઉઉ…!— સત્યાવીસમો દિવસ : સૌરભ શાહ

( ગુડ મૉર્નિંગ: ચૈત્ર વદ બારસ, વિક્રમ સંવત ૨૦૭૮. બુધવાર, ૨૭ એપ્રિલ ૨૦૨૨)

[ આ સિરીઝમાં પહેલેથી જ એવી વ્યવસ્થા રાખી છે કે જે દિવસની ડાયરીની નોંધ હોય એ જ દિવસની તારીખ લેખના મથાળે લખવાની, જે દિવસે લેખ પોસ્ટ થાય એ દિવસની નહીં. ]

સ્વામી રામદેવ જ્યારે મેડિકલ માફિયા કે ડ્રગ માફિયા જેવા શબ્દોથી આધુનિક મેડિકલ વિજ્ઞાનનો ગેરલાભ લેનારાઓ પ્રત્યેનો રોષ વ્યક્ત કરતા હોય છે ત્યારે તેઓ મેડિકલ સાયન્સની અવગણના નથી કરતા. કેવી રીતે અવગણે? સ્વામીજી આધુનિક ડાયગ્નોસ્ટિક પદ્ધતિઓનો, નિદાનની રીતરસમોનો આદર કરે જ છે. શ્યુગર, બીપી, થાઇરોઇડ વગેરેની તકલીફો માટે બ્લડ રિપોર્ટ્સ તેમજ અન્ય રિપોર્ટ્સ તૈયાર કરવાની લેબોરેટરી પતંજલિ આયુર્વેદ હૉસ્ટિપલનો એક હિસ્સો છે. આ રિપોર્ટ્સના આધારે તેઓએ યોગ-પ્રાણાયામ, આયુર્વેદ, નેચરોપથી ઇત્યાદિની ઇન્ટીગ્રેટેડ થેરપી વિકસાવી છે. એટલું જ નહીં તેઓ વારંવાર કહેતા હોય છે કે ઇમરજન્સી કેસમાં (માત્ર ઇમરજન્સીમાં જ) એલોપથીની ટ્રીટમેન્ટ લેવી પડે તો લઈ લેવાની; પણ એ કોઈ કાયમી ઇલાજ નથી અને એ દવાઓ કે પ્રોસિજર વગેરેને કારણે જે આડઅસરો થવાની છે તે તો તમારે ધ્યાનમાં રાખવાની જ હોય.

સ્વામી રામદેવના 2022માં બોલાતા ‘મેડિકલ માફિયા’ કે ‘ડ્રગ માફિયા’ શબ્દો આજકાલના નથી. એમણે પોતે દસ કે તેથી વધુ વર્ષોથી આ શબ્દપ્રયોગ પ્રચલિત કર્યા છે. વિદેશમાં તો મેડિકલ સાયન્સનો ગેરલાભ લેનારી મલ્ટીનૅશનલ ફાર્માલૉબી તેમજ મેડિકલ પ્રેક્ટિશનર્સની લૉબી તેમજ મેડિકલ ઇક્વિપમેન્ટ્સના મેન્યુફેક્ચરર્સની લૉબીની ગોબાચારી ઉઘાડી પાડતી પ્રવૃત્તિઓ, સ્વામીજીએ આ બે શબ્દો પ્રચલિત કર્યા તેના ઘણા વખત પહેલાં શરૂ થઈ ગઈ છે.

જોકે, આ ગેરરીતિઓ ઉઘાડી પાડનારાઓમાંથી ભાગ્યે જ કોઈની પાસે સ્વામી રામદેવ જેવું ઇન્ટીગ્રેટેડ થેરપીનું વિઝન હતું.

ખુદ આપણા જ દેશમાં, આજથી ત્રણ-ચાર દાયકા અગાઉ એક ડૉક્ટર-ઋષિએ ‘મેડિકલ માફિયા’ કે ‘ડ્રગ માફિયા’ શબ્દો વાપર્યા વિના આ જ વાત કહી હતીઃ

‘ડૉક્ટર એટલે સફેદ કોટમાં સજ્જ થયેલા એક દેવદૂત – કોઈ પણ સામાન્ય માનવીના મનમાં ડૉક્ટરના નામ સાથે આવું ચિત્ર ઊપસે છે. ભાગ્યે જ કોઈને એવો ખ્યાલ આવે કે આ એક ભ્રમણા છે અને સત્ય હકીકત કંઈ અલગ છે. આધુનિક તબીબી વ્યવસાયના તાણાવાણામાં હિંસા ગૂંથાયેલી છે… (જે) વ્યક્તિગત રીતે અને સમાજના સ્તરે આર્થિક સ્થિતિને વણસાવી નાખે છે.’

આ શબ્દો છે મુંબઈની પ્રતિષ્ઠિત કે.ઈ.એમ. કૉલેજ સાથે સંકળાયેલી શેઠ જી.એસ. મેડિકલ કૉલેજના શરીર રચના વિભાગ (ડિપાર્ટમેન્ટ ઑફ એનેટોમી)ના વડા (ડીન) ડૉ. મનુ કોઠારીના. 1990માં જેની પ્રથમ આવૃત્તિ પ્રગટ થઈ હતી તે પુસ્તક ‘તબીબી ક્ષેત્રે હિંસા’માં ડૉ. મનુ કોઠારી – ડૉ. લોપા મહેતાએ આ વાત લખી છે. ડૉ. મનુભાઈના આ વિચારો પુસ્તકરૂપે 19990માં, આજથી 32 વર્ષ પહેલાં, પ્રગટ થયા પણ છાપાં-મેગેઝિન દ્વારા, મેડિકલ સેમિનરો અને પ્રવચનો દ્વારા તેમ જ જાહેર વાર્તાલાપો દ્વારા એમણે એના અનેક વર્ષ અગાઉથી આ વિચારો પ્રગટ કરીને સમાજને જાગૃત કરવાનું કામ શરૂ કરી દીધું હતું.

જે જમાનામાં ભારતનું ભવિષ્ય ચિંતાજનક લાગતું હતું (એટલે કે જે જમાનામાં હજુ નરેન્દ્ર મોદી સક્રિય રાજકારણમાં પ્રવેશીને ગુજરાતના સી.એમ. નહોતા બન્યા) તે જમાનામાં ડૉ. મનુભાઈના પરિચય આપતાં મેં જાહેરમાં કહ્યું હતું કે, ‘ભારતના દરેક જિલ્લામાં એક-એક સ્વામી સચ્ચિદાનંદ અને એક-એક ડૉ. મનુભાઈ કોઠારી હોય તો ભારતનો સુવર્ણયુગ ફરી પાછો આવી જાય.’

આજની તારીખે પત્રકારત્વનું ભણાવતી ઇન્સ્ટિટ્યુટ ઓફ જર્નલિઝમના વડામાં પણ એવી નૈતિક હિંમત નહીં હોય જે પોતાના જ ક્ષેત્રમાં ગોબાચારી કરી રહેલા પોતાના જ કમજાત ભાઈઓને ઉઘાડા પાડીને મીડિયાનું કાળું સત્ય હિંમતપૂર્વક લોકો સુધી પહોંચાડવામાં મદદ કરે. ડૉક્ટરસાહેબમાં એ નૈતિક હિંમત હતી.

યોગગ્રામના મારા રૂમનો એક કોર્નર પચાસ દિવસ માટે મારો સ્ટડી રૂમ બની ગયો. રોજેરોજના ભરચક ટાઇમ ટેબલમાંથી સમય ચોરીને ‘ન્યુઝપ્રેમી’ની સિરીઝ માટે લખવા બેસી જવાનું. એક દિવસ યોગ શિબિરમાં જવાને બદલે લખવા બેસી ગયો ત્યારે અહીંના સૌથી સિનિયર ડૉક્ટર સાહેબ ડૉ. મહેશ્વરીએ પોતાની કેબિનમાં મારો ક્લાસ લીધો : ‘ અહીં પચાસ દિવસ તમે  યોગ કરવા  આવ્યા  છો કે લખવા આવ્યા છો? થઈ રહ્યો તમારો કાયાકલ્પ.’

ડૉ.મનુભાઈના સંશોધન લેખો આંતરરાષ્ટ્રીય ખ્યાતિ અને સ્વીકૃતિ પ્રાપ્ત ‘લાન્સેટ’ જેવાં પ્રખ્યાત મેડિકલ જર્નલોમાં પ્રગટ થતા, ‘ઇન્ડિયન જર્નલ ઑફ સર્જરી’ તેમ જ ‘ઇન્ડિયન જર્નલ ઑફ મેડિકલ સાયન્સ’માં પ્રગટ થતા.

1993માં તેઓ નિવૃત્ત થયા એ પછી એ જ કૉલેજે એમને ‘પ્રોફેસર એમિરિટ્સ’ બનાવીને પૂરા સન્માન સાથે એમની શૈક્ષણિક સેવાઓ લેવાનું ચાલુ રાખ્યું હતું.

કે.ઇ.એમ હૉસ્પિટલે એમને એથિક્સ કમિટીના ચૅરમેન બનાવ્યા હતા. એમ.બી.બી.એસ થયા પછી એમણે બે વાર માસ્ટર્સની ડિગ્રી લીધી હતી. એમનું કૅન્સર વિશેનું પાથ બ્રેકિંગ સંશોધન આખા વિશ્વમાં પ્રચલિત છે અને હવે તો માન્યતાપ્રાપ્ત પણ છે.

ડૉ.મનુભાઈ સ્વભાવના ઋજુ, સૌમ્ય અને પ્રેમાળ જીવ હતા. મારા જેવા તો કંઈ કેટલાય લોકો એમનો નિર્વ્યાજ પ્રેમ પામ્યા છે. પણ જયાં પોતાના ક્ષેત્રમાં ચાલતી ગેરરીતિઓની વાત આવે ત્યારે એમની જુબાન તલવારની જેમ એક ઘા ને બે કટકા કરતાં અચકાતી નહીં :

‘તબીબી હિંસાનાં અંકુરો વિવિધ રીતે ફૂટે છે. ડૉક્ટર પોતે સર્વશક્તિમાન છે એવું ઘમંડ સેવતાં આ હિંસા આચરવા પ્રેરાય છે. વ્યવસાયી વિજ્ઞાન એની ઝાકઝમાળથી બધાને આંજી નાખે છે. સામાન્ય માણસ તો માત્ર બાહ્ય દેખાવથી જ ભોળવાઈ જાય છે. ભ્રમની પરાકાષ્ઠા તરીકે ડૉક્ટરો અને સામાન્ય માણસ એમ જ માને છે કે તબીબી ક્ષેત્રના દરેક પ્રશ્નનો જવાબ શક્ય છે, ખામી માત્ર પૈસાની છે. જેવો પૈસો ખર્ચો એટલે તબીબી ક્ષેત્રના દરેકે દરેક પ્રશ્નનો જવાબ આપવો (મોટા ડૉક્ટરો) માટે તો ડાબા હાથનો ખેલ છે.’

ડૉ. મનુભાઈ છાતી ઠોકીને કહેતા કે ‘…અત્યારે અમેરિકા, ઇંગ્લેન્ડ, ભારત કે પશ્ચિમી દેશોનું આંધળું અનુકરણ કરતા દેશોમાં (આધુનિક તબીબી શાસ્ત્રવાળાઓ) નાણાંની પાયમાલી કરીને તેનો દુર્વ્યય કરે છે… ઘણીયે વાર સારા ઇરાદાથી આપવામાં આવેલ ઇલાજની થતી માઠી અસરથી ડૉક્ટરો અને દર્દીઓ સજાગ રહેતા નથી. બકરું કાઢતાં ઊંટ પેસે છે. રોગ કાં તો ખૂબ વિફરે છે અથવા તો દવાની કોઈ અન્ય સ્વતંત્ર વિપરીત અસર થાય છે. ઘણી વાર તો આવી પરિસ્થિતિ જાનની પણ ખુવારી કરી બેસે છે… તબીબીશાસ્ત્રીઓ સત્યનો પ્રકાશ બુઝાવી આમ જનતાને અંધારામાં આંટીઘૂંટીમાં ફેરવે રાખે છે. સર્વ સત્ય હકીકતોના દીવડા નીચે આમ જનતા સુધી પહોંચવા દો. આમ જનતાથી કોઈ પણ સત્ય છુપાવો નહીં… કૅન્સર, હૃદયરોગ, પક્ષઘાત પેરેલિસિસ- સ્ટ્રોક, (લકવો), મધુપ્રમેહ (ડાયાબીટીસ) વગેરેમાં ડૉક્ટરો કંઈ કરી શકતા નથી એટલે હાર્યા જુગારી બમણું રમે એમ હારેલો ડૉક્ટર દર્દીના શરીર ક્ષેત્રમાં વધુ ઉગ્ર પહારો કરે છે. આ લડતમાં બિચારા દર્દીનું શરીર કારમી પીડા ભોગવે છે.’

આધુનિક મેડિકલ સાયન્સની તરફદારી કરનારાઓ કહે છે કે અમારામાં તો સાયન્ટિફિક એપ્રોચ રાખીને પ્રયોગશાળામાં પુરવાર કરીને, દર્દીઓની ઉપચાર પદ્ધતિ નક્કી કરવામાં આવે છે. ડૉ. મનુ કોઠારી મેડિકલ ક્ષેત્રના લોકોના ‘સાયન્સ’ શબ્દ માટેના ઉપયોગનો જ વિરોધ કરે છેઃ

‘તબીબીશાસ્ત્ર પાછળ વિજ્ઞાનનું પીઠબળ નથી. વિજ્ઞાન અને તબીબી શાસ્ત્રનો સંયોગ અને સાદૃશતા દેખાવ પૂરતાં છે. તબીબીશાસ્ત્રજ્ઞોને વિજ્ઞાનની છત્રછાયા નીચે આશરો લેવામાં પોતાનો સ્વાર્થ સમાયેલો દેખાય છે. વિજ્ઞાન તબીબીશાસ્ત્ર પર યોગ્યતાનો સિક્કો મારીને પરોપકારવૃત્તિનું મહોરું પહેરાવે છે. માનવજાતને લાગુ પડતા ઉંમરસહજ રોગોમાં તબીબીશાસ્ત્ર કંઈ પણ કરવા અસમર્થ છે… ક્યાંય પણ રોગનું એકાદ ચિહ્ન પણ દેખાય એટલે ડૉક્ટર તરત એને ડફણું મારીને દબાવી દે છે… એન્ટિબાયોટિક્સ આપી દે છે જે શરીરમાં રહેલાં ઉપયોગી જીવાણુઓનો પણ તરત જ સત્યનાશ બોલાવી દે છે. આને કારણે શરીર અને જીવાણુ વચ્ચેના શાંતિભર્યા સંવાદમાં ભંગાણ પડે છે. વાર્તાલાપથી શરીરની પ્રતિક્રિયાશક્તિ સહજ રીતે વધે છે. પણ અહીં વાર્તાલાપને અવકાશ ન રહેતાં પ્રતિકારશક્તિ વધવાને બદલે ઘટે છે.’

ડૉ.મનુ કોઠારી બિનજરૂરી નિદાન કરાવવાના સખત વિરોધી હતાઃ ‘તંદુરસ્ત આધેડ વયની વ્યક્તિઓને નિયમિત શારીરિક તપાસ (રેગ્યુલર મેડિકલ ચેકઅપ) કરાવતાં રહેવાનું સૂચન કરવામાં આવે છે. ડૉક્ટરો માટે તો આ એક પૈસા કમાવાનો નવો નુસખો છે પણ જેણે તપાસ કરાવી હોય તે વ્યક્તિનાં તો મોતિયા મરી જાય છે. હૃષ્ટપુષ્ટ, નિરોગી અને આનંદપૂર્વક જીવનાર એકાએક ચિંતાતુર અને ઢીલોઢસ રોગી બની જાય છે… તબીબીશાસ્ત્રનું એક પણ એવું પાસું નથી જ્યાં (આવી અ-નીતિ) અપનાવવામાં ન આવી હોય અને જેને કારણે વ્યક્તિને શારીરિક, માનસિક, સામાજિક અને આર્થિક હાનિ ન પહોંચી હોય.’

એક જમાનામાં સંધિવા માટે ‘બેનોક્સીપ્રોફેન’ નામની દવાની બોલબાલા હતી. સાંધાના અને અન્ય રોગોમાં થતા દુખાવા માટે આ દવા અક્સીર ગણાતી. લેભાગુ અને ખરીદાયેલા મીડિયાએ જોરશોરથી આ દવાનાં ગુણગાન ગાયાં હતાં. એ પછી આ દવાથી દર્દીઓ મૃત્યુ પણ પામે છે એવું સંશોધન બહાર પડ્યું. દુનિયાભરમાં સંધિવા સામે વપરાતી સાત દવાઓ કઈ રીતે જીવલેણ નીવડે છે એવા સંશોધન પછી મીડિયાએ પલટી મારી અને આ દવાની વિરુદ્ધ પ્રચાર શરૂ કર્યો. હકીકતમાં આ જ પેઇડ મીડિયાએ દવાનાં ગુણગાન ગાવામાં કોઈ કસર નહોતી છોડી.

ફાર્મા કંપનીઓ, ડૉક્ટરો, મીડિયા અને સરકારો – આ ચંડાળ ચોકડીનાં જીવલેણ કાવતરાઓનો ભોગ દર્દી બને છે. સાઠ-પાંસઠ વર્ષ પહેલાં ગર્ભનિરોધક ગોળીઓને કારણે હાથે-પગે ખોડવાળાં બાળકો જન્મતાં થઈ ગયાં હતાં. (આ લખનારનો એક હમઉમ્ર પરિચિત આ જ રીતે ટૂંકા વિકલાંગ હાથ સાથે જીવે છે). માનસિક રોગોની દવા ‘પ્રોઝેક’ પણ ખૂબ વપરાતી અને પછી એનાથી થતું નુકસાન બહાર આવ્યું ત્યારે ‘ટાઇમ’ સાપ્તાહિકે કવર સ્ટોરી છાપીને પોતાના વાચકોને ચેતવતા હોય એમ હોલીઅર ધૅન ધાઉ બનીને મીડિયા તરીકેની પોતાની પવિત્ર ફરજ બજાવી છે એવો દેખાવ કર્યો હતો. છેલ્લાં થોડાક વર્ષથી ડાયાબીટીસ માટે વપરાતી ‘મેટફૉર્મિન’ (અને અન્ય બ્રાન્ડ નેમવાળી) દવાઓ કિડની ઉપરાંત શરીરનાં અડધો ડઝન કરતાં વધુ અંગને કૅન્સરગ્રસ્ત કરે છે એવું પુરવાર થયા પછી અમેરિકામાં આ દવાઓ બનાવતી કંપનીઓ પર કોર્ટમાં ક્લાસ-સૂટ દાખલ કરીને અબજો રૂપિયાની નુકસાની માગતા કેસ ચાલી રહ્યા છે. આ લખનારના વડીલ સ્વજને આ દવાની આડઅસરને લીધે એક કિડની કઢાવી નાખવી પડી છે.

ડૉ. મનુ કોઠારી નોંધે છે કે, ‘વિશ્વવ્યાપી તબીબી સંશોધન કરાયા પછી એમ અનુમાન કરવામાં આવ્યું છે કે દર 10માંથી 9 દવા કે અન્ય ઉપચારો બિનજરૂરી છે.’

આધુનિક મેડિકલ સાયન્સ વાળાઓ માનવજાત પર ઉપકાર કરવાની મોટી મોટી વાતો કરતા હોય છે. પ્રજાને રોગમુક્ત કરવાની વાત કરતા હોય છે. એરણની ચોરી કરીને સોયનું દાન કરવામાં તેઓ સહેજ પણ લજ્જાતા નથી. અમેરિકા-યુરોપમાં ઉઘાડી પડી ગયેલી એમની દવાઓને આફ્રિકા-એશિયાના ગરીબ દેશોમાં વેચીને પૈસા કમાઈ લે છે. બેઝિકલી આ કોઈ ‘સેવા’ નથી પણ માત્ર અને માત્ર પૈસાનો ખેલ છે.

ડૉ.મનુ કોઠારી કહે છેઃ ‘અમેરિકામાં દર પાંચમાંથી એક વ્યક્તિનું દેવાળું નીકળવાનું કારણ તબીબી ખર્ચાનો ગગનચુંબી આંકડો છે. ભારતનાં મોટાં શહેરોમાં પણ હવે આ પરિસ્થિતિ ફેલાઈ રહી છે. કૅન્સર, હૃદય-કિડનીના રોગ જેવી ગંભીર-અસાધ્ય બીમારીઓ પછી દર્દી તબીબી સારવાર લીધાનાં થોડાક જ સમય બાદ મૃત્યુ પામે છે અને એની સામે આખા કુટુંબને આર્થિક પાયમાલિથી મારતો જાય છે.’

ડૉ. કોઠારીનું સ્પષ્ટ મંતવ્ય છેઃ ‘ડૉક્ટરો રોગ વિશે બહુ જ ઓછું જાણે છે અને સમજે છે.’

કેટલાય રોગોમાં નાના નાના બનાવો તો શરીરમાં અવારનવાર કંઈ પણ તકલીફ આપ્યા વિના બનતા જ રહેતા હોય છે. પછી ઓચિંતો એ રોગ એનાં બાહ્ય ચિહ્નો દરેક દેખાડે છે. ડૉ.મનુભાઈ કહે છેઃ ‘કેન્સર અને હૃદયરોગનો હુમલો જેવા ઉંમરસહજ અંતર્ગત રોગો હંમેશાં અંતિમ તબક્કે જ દેખાતા હોવા છતાં હૃદયનિષ્ણાતો અને કૅન્સર નિષ્ણાતો વહેલું નિદાન કરાવવા માટે દરેક વ્યક્તિઓએ નિયમિત તપાસ કરાવવી એવો આગ્રહ રાખે છે. આ હિમાયતથી ડૉક્ટરને ફાયદો થાય છે. દર્દી જો જીવે તો તેનો સર્વ યશ ડૉક્ટરને મળે છે. દર્દી જો મરી જાય તો વાંક બધો દર્દીનો જ કહેવાય – દર્દીએ પોતે સમયસર નિદાન અને ઇલાજ માટે કેમ તકેદારી ન રાખી!’

ડૉક્ટર મનુ કોઠારીએ વિવિધ પાસાંને આવરી લઈને આધુનિક તબીબીશાસ્ત્રના રવાડે ચડેલાઓને વારંવાર લાલબત્તી દેખાડવાનું પુણ્યકાર્ય કર્યું છે.

મનુભાઈની હજુ બીજી ઘણી વાતો તમારી સાથે શેર કરવાની છે. અહીં યોગગ્રામમાં બેઠાં બેઠાં મનુભાઈ ખૂબ યાદ આવી રહ્યા છે. બહુ સારા માણસ હતા. વિદ્વાન હતા. ઋષિ જેવું જીવન જીવ્યા. આઠ વર્ષ અગાઉ, ઑક્ટોબર 2014માં તેઓ ગુજરી ગયા. એમના જવાથી એમનાં અનેક સ્વજનોને, ચાહકોને, પેશન્ટોને તે ખોટ પડી જ પડી – આ સમગ્ર દુનિયાને પણ પોતાને જાગૃત કરનાર એક પ્રહરીની જબરજસ્ત ખોટ પડી.

આજે બપોર પછી એક્યુપ્રેશર લેવા જવાનું હતું. હથેળીના પ્રેશર પૉઇન્ટ્સ કુશળતાપૂર્વક જોરથી પ્રેસ કરવામાં આવે ત્યારે હવે મઝા આવે છે. પણ પગના તળિયા માટે પ્લાસ્ટિકના જાડા કાંટાવાળી ડિસ્ક પર ઊભા રહેવું પડે ત્યારે સાત પેઢીઓ યાદ આવી જાય. ચિકિત્સક કહે: ‘ધીમે ધીમે ટેવાઈ જશો.’

પણ મારાથી તો ઉઘાડા પગે સાદી જમીન ઉપર પણ બે ડગલાં ચલાતું નથી એનું શું? ઘરમાં અને બાથરૂમમાં પણ પગરખાં હોય તો જ કમ્ફર્ટેબલ લાગે (નવાઈની વાત છે કે મંદિરમાં ઉઘાડા પગે ચાલુ છું તો કોઈ વાંધો નથી આવતો).

એક્યુપ્રેશર માટે ત્રણ ડેસ્ક છે. જે ખાલી હોય ત્યાં જતા રહો. હું એક યુવાન ચિકિત્સક પાસે જ હંમેશાં જઉં. વાતો કરવાની મઝા આવે. એ યોગશિક્ષક પણ છે. પતંજલિ યુનિવર્સિટીનો ગ્રેજ્યુએટ છે. કૉલેજમાં ગોલ્ફની ગેમના એક વેરિયેશન જેવી ટુર્નામેન્ટમાં રાષ્ટ્રીય સ્તરે ચેમ્પિયન બન્યો છે.

એક્યુપ્રેશર વિભાગમાં બીજી બે પ્રશિક્ષક યુવતીઓ છે. એ બંને પણ સાંજે છથી સાડા સાત યોગના ક્લાસમાં તાલીમ આપવા આવતી હોય છે.

આ બેમાંની એક યુવતીએ મને જોતાં જ કહ્યું : ‘સર, આજ આપ કો બહોત બડા કૉમ્પ્લિમેન્ટ્સ મિલા!’

મેં પૂછ્યું: ‘કેમ, શું થયું?’

એ હિન્દીમાં બોલી : ‘પેલી લેડી જાય છે ને… એણે દૂરથી તમને આવતા જોયા અને મને કહે—અરે,વાહ! અબ તો શકિત કપૂર ભી યોગગ્રામ આ ગયે, રોજ સુબહ હમારે સાથ પ્રાણાયામ કરેંગે!’

મેં એને મજાકમાં કહ્યું : ‘ક્યા મૈં આપ લોગોં કો વિલન દીખતા હૂં!’

પેલી બીચારી શરમાઈને ખુલાસો કરવા લાગી : ‘નહીં, નહીં, સર! ઉન કા યે મતલબ નહીં થા. આપ કી પર્સનાલિટી બોલિવૂડ કે બડે સ્ટાર જૈસી હૈ ના, ઇસલિયે…’

એક્યુપ્રેશર લઈને ઇવનિંગ વૉક માટે જતાં પહેલાં મેં રૂમમાં આવીને અરીસામાં જોયું અને મારા મોઢામાંથી અવાજ નીકળી ગયો : ‘આ ઉઉ…’

યોગગ્રામમાં એક્યુપ્રેશર આપતી અને પ્રાણાયામ શીખવાડતી યોગાચાર્ય “શક્તિ કપૂર” સાથે!

• • •

તાજા કલમ: તમને આમાં મઝા પડી રહી છે? તો કમેન્ટ બોક્સમાં તમારી લાગણી કેમ નથી લખતા! તમારા હોંકારા વગર અંધારામાં તીર ચલાવવા જેવું લાગે છે!
—સૌ.શા.

•••
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

15 COMMENTS

  1. બહુ ખુલ્લા મનથી લખો છો.સત્વ અને તત્વ સાથે તમારે ઘરોબો છે

  2. આપની વાત તો ખરી છે કે દરેક જગ્યાએ એક ડોકટર મનું કોઠારી અને એક સ્વામી સચ્ચિદાનંદ હોય તો ભારતનો ઉદ્ધાર થઈ જાય! પરંતુ સચ્ચાઈ અને કડવી હકીકત એ છે કે આ ભારતની પબ્લિક છે! છેલ્લા પાંચ હજાર વર્ષથી આવી નઘરોળ છે! આ પબ્લિક તમે કહ્યું એવા એક એક મહાપુરુષ અમુક જગ્યાએ તો ઠીક, પણ જો ગલીએ ગલીએ અને શેરીએ શેરીએ હોયને, તો પણ કોઈને ગાંઠે એમ નથી! ખુદ શ્રી રામ અને કૃષ્ણ પણ અવતાર ધરી ચૂક્યા અને છતાં પણ આપણી પબ્લીકને સુધારી ના શક્યા, તો આ બે બિચારા શું કરી શકવાના?
    इनको सुधारना बेवकूफी है। इन्हे इनके हाल पे छोड़ दो, इन्हे तुम से कुछ भी ना चाहिए…

  3. સુંદર લેખમાં સિનેમા -સંલગ્ન વ્યક્તિને યાદ કરી, સારું ન લાગ્યું.

  4. આપનું દરેક લખાણ ખરેખર દિલ થી લખાયેલું હોય છે. વાચક ને લાભદાયક કે જુસ્સો ભરતું કે જાગૃત કરતું કે નવા સ્ફૂર્તીદાયક વિચાર આપતું હોય છે.

  5. *અભિનંદનીય ને સ્તુત્ય મૌલીક આલેખન*
    આપ બીલકુલ અલંકાર વિહીન સાદી ભાષામાં સમજાવો છો. મનુભાઈ કોઠારી નામ સાંભળેલું પરંતુ વિગતવાર તમારી પાસેથી જાણવા મળ્યું.
    આપ ઉછીના જ્ઞાન ની ક્રેડીટ કદી લેતા નથી.
    જે તે ક્ષેત્રના નિષ્ણાંત ને નામે જ આપો છે.
    🙏💕🙏💕 આભાર 🙏💕🙏💕

  6. મનુભાઈ બેશક નીડર અને બેબાક એલોપેથી નિષણાત હતા. એલોપેથી ની બોલબાલા કેમ વધી. આયુર્વેદ જે આપણી મૂળ વર્ષો જૂની ચિકિત્સા પદ્ધતિ હતી, તેનો ક્ષય આપણે બ્રિટિશરો ના ગુલામ હતા તે સમય માં ખુબજ થયો. આપ તે બાબતે પણ લેખ લખી પ્રકાશ પડશોજી…

  7. અબ આયા અસલી મઝા.
    મંદિર માં ઉઘાડા પગે ચાલવા માં વાંધો નથી આવતો એની corollary; જે લોકો ને ચશ્મા વગર ધૂંધળું દેખાય છે એ લોકો ને પણ નહાતી વખતે બાથરૂમ માં કઈં ધૂંધળું લાગતું નથી. એટલે આ તો ટેવ ની વાત છે.

  8. મેડિકલ માફિયા ના ચુંગલ માંથી બચવા માટે આપનો આ લેખ ખૂબ સુંદર અને લાભ દાયક છે. આવી જાણકારી અને લેખ માટે દિલ થી ધન્યવાદ. 🙏

  9. સૌરભભાઇ તમારા વાળ બેશક શક્તિ કપુર જેવા છે પરંતુ તમારી આંખો નરેન્દ્રભાઇ મોદી જેવી તેજસ્વી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here