તમે જગજિતને સાંભળ્યા, જગજિત કોને સાંભળતા : સૌરભ શાહ

તુમ ઈતના જો મુસ્કુરા રહે હો
ક્યા ગમ હૈ જિસ કો છુપા રહે હો

જિન ઝખ્મોં કો વક્ત ભર ચલા હૈ
તુમ ક્યોં ઉન્હેં છેડે જા રહે હો

‘અર્થ’ ફિલ્મમાં જગજિત સિંહે સંગીત આપ્યું અને ગાયું. મહેશ ભટ્ટ, શબાના આઝમી, સ્મિતા પાટિલ, કૈફી આઝમી અને જગજિત સિંહ. ‘અર્થ’નું આ કૉમ્બિનેશન ડેડલી હતું. કુલભૂષણ ખરબંદા લટકામાં. ‘સાથ સાથ’ પછી ‘અર્થ’માં ફરી એક વાર જગજિત સિંહે સાબિત કરી બતાવ્યું કે પ્રાઈવેટ આલ્બમો હોય, કૉન્સર્ટસ હોય કે ફિલ્મ સંગીત – જગજિત સિંહ હંમેશાં પોતાનું શ્રેષ્ઠ આપે છે અને સર્વોચ્ચ સ્થાને રહે છે. જોકે, આ સાબિત કોની પાસે કરવાનું હતું? લોકોએ તો એમને સ્વીકાર્યા જ છે, બલકે ઉમળકાભેર વધાવ્યા છે. ‘અર્થ’નાં અર્થસભર ગીતો-ગઝલો જગજિત સિંહ માટે એક ઘણો મોટો માઈલસ્ટોન હતો. અગાઉ ‘ઐ મેરે દિલ’ જેવી ફિલ્મોમાં સંગીત આપીને જગજિત પોતે અને એમના ચાહકો – બેઉ નિરાશ થયા હતા. પણ ‘અર્થ’નું સંગીત આજે પણ, ક્લિશ વાપરીએ તો, હૃદયના તાર ઝણઝણાવી જાય. ચિત્રાજીએ ગાયેલી ઈફ્તિખાર ઈમામ સિદ્દીકીની આ રચના – તુ નહીં તો ઝિંદગી મેં ઔર ક્યા રહ જાયેગા, દૂર તક તન્હાઈઓં કા સિલસિલા રહ જાયેગા – હોય કે પછી જગજિતે ગાયેલી રાજિન્દર નાથ ‘રહેબર’નું માત્ર આટલી જ પંક્તિઓનું ‘ગીત’ – તેરે ખુશ્બો મેં બસે ખત મૈં જલાતા કૈસે, પ્યાર મેં ડૂબે હુએ ખત મૈં જલાતા કૈસે, તેરે હાથોં કે લિખે ખત મૈં જલાતા કૈસે… અને હવે ક્લાઈમેક્સનો ભાવપલટો જુઓ… તેરે ખત આજ મૈં ગંગા મેં બહા આયા હૂં, આગ પાની મેં લગા આયા હૂં!

આ ઉપરાંત જગજિતે ગાયેલી કૈફી આઝમીની આ રચના પણ એટલી જ યાદગાર: કોઇ યે કૈસે બતાયે કિ વો તન્હા ક્યોં હૈ, યહી દુનિયા હૈ તો ફિર ઐસી યે દુનિયા ક્યોં હૈ, યહી હોતા હૈ તો આખિર યહી હોતા ક્યોં હૈ… જોકે, આ બધામાં ‘અર્થ’નો માસ્ટરપીસ શોધવો હોય તો એ ઈલકાબ જગજિતે ગાયેલી કૈફી આઝમીની આ ગઝલને જ આપવો પડે:

ઝૂકી ઝૂકી સી નઝર બેકરાર હૈ કિ નહીં
દબા દબા સા સહી દિલ મેં પ્યાર હૈ કિ નહીં

વો પલ કિ જિસ મેં મોહબ્બત જવાન હોતી હૈ;
ઉસ એક પલ કા તુઝે ઈન્તેઝાર હૈ કિ નહીં

તેરી ઉમ્મીદ સે ઠુકરા રહા હૂં દુનિયા કો
તુઝે ભી અપને પે ઐતબાર હૈ કિ નહીં

આરંભની નિષ્ફળતા છતાં, પોતાની પ્રતિભા પર ઐતબાર હતો એમને. ‘અર્થ’ અને ‘સાથ સાથ’ (અને હા, ‘પ્રેમગીત’ પણ: હોઠોં સે છૂ લો તુમ, મેરા ગીત અમર કર દો) સાથે મળેલી ફિલ્મ ઉદ્યોગની સફળતાના ઘણા સમય પહેલાં છેક ૧૯૭૩-૭૪માં સંગીતકાર કનુ રૉયે જગજિત-ચિત્રા પાસે બાસુ ભટ્ટાચાર્યની આર્ટ ફિલ્મ આવિષ્કાર (રાજેશ ખન્ના, શર્મિલા ટાગોર)માં એક પરંપરિત ઠુમરી શૈલીમાં ગવડાવ્યું હતું. દાયકાઓ અગાઉ કે. એલ. સાયગલના કંઠમાં લોકપ્રિય બની ચૂકેલી અને અનેક શાસ્ત્રીય સંગીતકારો દ્વારા કમાલની રીતે ગવાઈ ચૂકેલી રચનાને ફરીથી ગાઈને લોકપ્રિયતાની એ જ ઊંચાઈએ પહોંચાડવી એ ઘણો મોટો પડકાર હતો. જગજિત સિંહે એને બરાબર ઝીલ્યો:

બાબુલ મોરા નૈહર છૂટો હી જાય
ચાર કહાર મિલૈ મોરી ડોલિયા સજાય રે
મોરા અપના-બેગાના છૂટો જાય
અંગના તો પરબત ભયો
ડયોઢી ભઈ બિદેસ
લે બાબુલ ઘર આ અપના
મૈં ચલી પિયા કે દેસ…

ફિલ્મોમાંની સફળતા છતાં જગજિત સિંહનું પિયર એમનાં પ્રાઈવેટ આલ્બમો જ ગણાય. છેલ્લા બે દાયકામાં (૧૯૯૬ સુધીમાં) લગભગ ત્રણ ડઝન આલ્બમો એમણે આપ્યાં. કેટલાક અપવાદ સિવાય બાકીનાં બધાં જ એચ.એમ.વી. (હવે સારેગામા) માટે બનાવ્યાં. ‘ધઅનફર્ગેટેબલ્સ’(૧૯૭૬), ‘ધ ઈટર્નિટી’ (૧૯૭૮), ‘અ માઈલસ્ટોન’(૧૯૮૦), ‘મૈં ઔર મેરી તન્હાઈ’ (૧૯૮૧), ‘ધ લેટેસ્ટ’ (૧૯૮૨), ‘એક્સટસીઝ’ (૧૯૮૪), ‘અ સાઉન્ડ અફેર’ (૧૯૮૫), ‘એકોઝ-૧ અને ૨’ (૧૯૮૬), ‘પેશન્સ’ (૧૯૮૭), ‘બિયોન્ડ ટાઈમ-૧ અને ૨’ (૧૯૮૮), ‘મિર્ઝા ગાલિબ ૧ અને ૨’ (૧૯૮૮), ‘સમવન સમવ્હેર’ (૧૯૯૦), ‘હોપ’ (૧૯૯૧), ‘કહકશાં’ (૧૯૯૧), ‘સજદા-૧ અને ૨’ (૧૯૯૧), ‘ઈન સર્ચ’ (૧૯૯૨), ‘ઈન્સાઈટ’ (૧૯૯૪), ‘ફેવરિટ્સ-૧ અને ૨’ (૧૯૯૫), ‘મિરાજ’ (૧૯૯૬) અને ‘યુનિક’ (૧૯૯૬). આ ઉપરાંત એચ.એમ.વી.ના ગોલ્ડન કલેક્શનમાં ‘ફિલ્મ હિટ્સ ઑફ જગજિત-ચિત્રા’નાં બે વોલ્યુમ, કૃષ્ણ ભજનનું એક આલ્બમ તેમ જ ‘ડિઝાયર્સ’, ‘વિઝન્સ-૧ અને ૨’, ‘ફેસ ટુ ફેસ’, ‘એન્કોર’ અને ‘ઈમોશન્સ’. જગજિત સિંહનાં લગભગ તમામ આલ્બમની યાદી આમાં આવી જાય છે. કેટલાંક ખૂટતાં હશે. સીડી-કૉમ્પેક્ટ ડિસ્કનાં નામ કૅસેટ કરતાં ક્યારેક જુદાં હોય છે તો ક્યારેક અલગ અલગ કૅસેટમાંથી પસંદ કરીને એક નવું નામ આપીને સીડી બનતી હોય છે. (આ યાદી ૧૯૯૬ની છે. ગૂગલ કે વીકીપીડિયાનો એ જમાનો નહોતો. મારા પોતાના કલેક્શનમાંથી શોધીને યાદી બનાવી હતી).

 

જગજિત સિંહના ચાહકો વારંવાર જગજિતજીએ ગાયેલી ચીજ સાંભળતા રહે છે. જગજિત પોતે પોતાની ગઝલો સાંભળે છે?

‘હા, સાંભળવી તો પડે જ. મેં કેવું ગાયું છે, ક્યાં ભૂલ કરી છે એ જાણવા માટે પણ હું મેં ગાયેલી ગઝલો સાંભળું છું.’

અમે પૂછયું, ‘ના, ટેક્નિકલ ખામીઓ શોધવા નહીં, શ્રવણના આનંદ માટે તમે તમારી ગઝલો સાંભળો ખરા?’

જગજિત કહે, ‘આનંદ માટે હું બીજાએ ગાયેલી ગઝલો સાંભળતો હોઉં છું. ગુલામ અલી, નુસરત ફતેહ અલી, હરિહરન… આ બધાને સાંભળવા મને ગમે.’

અને અમે લોકો જેમ વિરહમાં હોઈએ ત્યારે તમારી કૅસેટો સાંભળીને ઊંડા વિચારોમાં ખોવાઈ જઈએ એમ તમે એવા મૂડમાં શું સાંભળો?

‘વિરહને હું વિયોગ ગણું છું – વિશિષ્ટ યોગ. આવો યોગ તો દુર્લભ કહેવાય.’ આટલું કહીને જગજિત ચૂપ થઈ જાય છે. જાણે કોઈને યાદ કરી કરીને માણસ થાકી ગયો હોય અને વિચારતો હોય:

થક ગયા મૈં કરતે કરતે યાદ તુઝકો
અબ તુઝે મૈં યાદ આના ચાહતા હૂં

અપને હોઠોં પર સજાના ચાહતા હૂં
આ તુઝે મૈં ગુનગુનાના ચાહતા હૂં

સહેજ અટકીને આગળ ચાલીએ છીએ. સફર મેં ધૂપ તો હોગી, જો ચલ સકો તો ચલો…

જગજિત સિંહને તમે પૂછો કે તમને પહેલવહેલીવાર ક્યારે લાગ્યું કે આ ક્ષેત્રમાં હવે જબરદસ્ત સફળતા મળી રહી છે, ત્યારે તમને એ કહેશે ‘સફળતા? સફળતા હજુ પણ ક્યાં મળી છે? મારા માટે દરેક નવું આલ્બમ, દરેક નવી કૉન્સર્ટ એક સ્ટ્રગલ છે. હા, જ્યાં સુધી પૈસાનો સવાલ છે ત્યાં સુધી એ બાબતની નિશ્ર્ચિંતતા છે કે જિંદગીમાં ભૂખે મરવાનો સવાલ નહીં આવે. જોકે, એવો સવાલ ક્યારેય ઊભો નથી થયો. કૉલેજકાળથી જ સંગીત દ્વારા મેં મારા ખપ પૂરતું કમાઈ લીધું છે.’

કૉલેજના જમાનામાં અને ગાયક તરીકેના આરંભના કાળમાં જગજિત જાહેર સ્ટેજ પરથી તલત મહેમૂદ અને હેમંતકુમારનાં ગીતો-ગઝલો ગાતા…આજે હવે શું એવું લાગે છે કે જે પૈસો મળ્યો છે તે પૂરતો છે, હવે વધારે કમાવું નથી?

‘શું વાત કરો છો? કમાવું તો પડે જ ને! નહીં તો આ બધા ખર્ચા ક્યાંથી નીકળે? માણસ વધારે કમાય એમ એના ખર્ચા વધતા જાય. અને ખર્ચા વધે એટલે એણે ઔર કમાવું પડે. પૂરતા પૈસા થઈ ગયા છે એવું ક્યારેય કોઈને લાગ્યું છે!’

જગજિત સિંહે ૧૯૬૭માં જિંદગીની સૌથી પહેલી ગાડી ખરીદી. સેકન્ડ હૅન્ડ સ્ટાન્ડર્ડ હેરલ્ડ. પછી એ કાઢીને એક ટેક્સી કૅન્સલ્ડ ફિયાટ લીધી. એને રંગરોગાન કરીને વાપરી. પછી બજારમાં આવતી દરેક ગાડી એમની પાસે આવતી ગઈ. આજે (૧૯૯૬માં) ઝેન છે, એક વાન છે અને લેફ્ટ હૅન્ડ ડ્રાઈવ પીજો છે. કુટુંબ વિશાળ છે. માબાપ, ભાઈઓ-એમનું કુટુંબ…બધા જુદા રહે છે પણ વારતહેવારે તથા સારાંમાઠાં પ્રસંગોએ ખર્ચ ઉપાડી લેવામાં જગજિત આગળ હોય છે. પોતાના સ્ટાફમાં છેલ્લા ત્રણ દાયકાથી સાથે હોય એવા તબલાંવાદક નારાયણ અને હરીશ છે. એક તબલાંવાળો ગુજરી ગયો એ પછી એના કુટુંબની દેખભાળ જગજિત રાખે છે. આ તમામ ખર્ચાઓનો સરવાળો ઘણો મોટો થાય. ભારતમાં જગજિત સિંહની કૉન્સર્ટ યોજવાનો ખર્ચ પણ નાનો નથી થતો. પર શૉ પોણા બે લાખ રૂપિયા જેટલી એમની ફી હશે. કદાચ વધારે. (યાદ રાખો, ૧૯૯૬ની આ વાત છે, જ્યારે સોનું દસ ગ્રામના ચાર હજારના ભાવે હતું). જગજિત સિંહે સત્કાર્ય માટે ફંડ ઉઘરાવવાના ચેરિટી શો અનેક વખત વિનામૂલ્યે પણ કર્યા છે. મુંબઈની લિલાવતી હૉસ્પિટલમાં પુત્ર વિવેકના નામે ચાલતી સખાવત માટે અને વિવેકની સ્કૂલમાં લાઈબ્રેરી ફંડ માટે રૂપિયા એક કરોડ સુધી પહોંચે એટલું ભંડોળ એકઠું કરી આપવામાં જગજિતની કૉર્ન્સ્ટસે ઘણો મોટો ફાળો આપ્યો છે.

અને આમ છતાં, યે તો પબ્લિક હૈ, લોકો તો કંઈ પણ આડુંતેડું બોલતા રહેવાના. જગજિત સિંહે દિલ્હીથી આવેલા એક પત્ર સાથે જોડેલું ‘હિન્દુસ્તાન ટાઈમ્સ’નું કટિંગ વંચાવ્યું. જગજિતની બે શિષ્યાઓના જાહેર કાર્યક્રમમાં જગજિતને મુખ્ય મહેમાન તરીકે આમંત્રણ આપવામાં આવ્યું હતું. સ્ટેજ પરથી ચાલુ ફંકશને આયોજકો તરફથી જગજિતને વિનંતી કરવામાં આવી કે તેઓશ્રી શ્રોતાઓને કશુંક ગાઈ સંભળાવે. જગજિતે ના પાડી. કહ્યું કે: ચીફ ગેસ્ટે ગાવાનું ન હોય, કાર્યક્રમ જેનો છે એમને તમે સાંભળો, અમારી તો કૅસેટો બજારમાં મળે છે, કૉન્સર્ટો થાય છે, પૈસા ખર્ચીને અમને સાંભળી શકો છો…

‘હિન્દુસ્તાન ટાઈમ્સ’ના મ્યુઝિક ક્રિટિકે આકરો રિવ્યૂ લખ્યો. છાપ એવી ઊભી કરી કે જાણે જગજિત પૈસાના ભૂખ્યા છે. આવી ટીકાઓ વાંચીને-સાંભળીને કેવું લાગે?

‘કોઈ અસર થતી નથી હવે. તમે જેટલા ઊંચે જાઓ એટલી વધુ ટીકા તમારી થવાની જ. મારા માટે હવે હાથી ચલે અપની ચાલ જેવું થઈ ગયું છે. જેને શ્વાન બનવું હોય તે ભલે બને. વીસ-પચીસ વર્ષ પહેલાં કોઈ મારી ટીકા કરતું નહોતું. બધા સારું સારું કહેતા-લખતા કે પ્રોમિસિંગ આર્ટિસ્ટ છે. હવે તો જેલસીને કારણે લોકો બહુ બોલે. શું કરીએ આપણે?’

(૧૯૯૬માં સ્વ. બાલુભાઈ પટેલનો આ શેર કદાચ સાંભળ્યો નહોતો. ખબર હોત તો જગજિતજીને જરૂર સંભળાવ્યો હોત: પગમાં પડી રહે તો કોઈ પૂછતું નથી/કાપે છે અહીં લોક સૌ ઊડતા પતંગને)

જગજિત સિંહની આ ઍટિટયૂડ એમણે જ ગાયેલી એક ગઝલના આ શૅરમાંથી પ્રગટે છે:

લોગ હર મોડ પર રુક રુક કે સંભલતે ક્યોં હ
ઈતના ડરતે હૈ તો ફિર ઘર સે નિકલતે ક્યોં હૈ

ઘરેથી નીકળવું જરૂરી હોય છે જ્યાં જવું હોય ત્યાં પહોંચવા માટે જ્યાં હોઈએ એ જગ્યા છોડી દેવી જરૂરી છે. જગજિત સિંહે ૮ ફેબ્રુઆરી ૧૯૪૧ના રોજ જન્મ્યા પછી પંચાવન વર્ષ સુધી ખૂબ સફર કરી. આ સફર દરમિયાન પ્રોફેશનલ અને પર્સનલ લાઈફની ધૂપછાંવ જોઈ. મેં પૂછ્યું, ‘તમે માનો છો કે તમે નસીબદાર છો અને જિંદગીથી એકદમ ખુશ છો?’

એમણે તરત જવાબ આપ્યો, ‘નસીબદાર-હા. પણ ખુશ? ખુશ ન કહી શકો. ખુશ કોઈ નથી હોતું. જે પાગલ હોય એ જ ખુશ રહી શકે, કાં તો પછી એ બાળક હોય…’

જગજિતના આ જવાબમાં એમણે કાપેલા માઈલો લાંબા વાંકાચૂંકા રસ્તાઓનો નકશો છે. નિદા ફાઝલી (મૂળ છપાયેલા લેખમાં પ્રૂફ રીડર મહાશયે અહીં નિદા ફાઝલીની જગ્યાએ નિંદા ફાઝલી કરી નાખ્યું છે!)ની એક મશહૂર ગઝલ જગજિતના કમ્પોઝિશનમાં ચિત્રાજીએ ગાઈ છે:

કિસી કે વાસતે રાહેં કહાં બદલતી હૈ
તુમ અપને આપ કો, ખુદ હી બદલ સકો તો ચલો

યહી હૈ ઝિન્દગી: કુછ ખ્વાબ, ચંદ ઉમ્મીંદેં
ઈન્હીં ખિલૌનોં સે તુમ ભી બહલ સકો તો ચલો

સફર મેં ધૂપ તો હોગી, જો ચલ સકો તો ચલ
સભી હૈ ભીડ મેં તુમ હી નિકલ સકો તો ચલો.

જીવનમાં ખુશી નથી તો ગમ કયા છે? ક્યાં ક્યાં છે? કળાકારના હૃદયમાં વિષાદ હોય તો એની સર્જનશીલતા ખીલી ઉઠતી હોય છે?

જગજિત સિંહ મારો આ સવાલ સાંભળતા રહે છે. સવાલ પૂરો થયા પછી મૌન રહે છે. છેવટે સાઝ વિના ગઝલ ગાતા હોય એટલી કુમાશથી એક એક શબ્દને લાડ લડાવતાં કહે છે: ‘યાર, ઝ્યાદા ડિટેલ મેં મત જાઈએ…’

વિગતોમાં ઉતરી પડવું એટલે શું એની આ લખનારને ખબર છે. કિનારે પાછા આવી ગયા પછી હોઠ સીવી લેવાના હોય. મઝધારે શું બની ગયું એનો દોષ કોઈના પર ઢોળી દેવાનો કે પોતાના માથે લઈ લેવાનો પણ અર્થ નથી હોતો. દુનિયા જીદ કરતી હોય છે. ખુલાસાઓ અને સ્પષ્ટતા માગતી હોય છે. વાસ્તવમાં લોકોને ફરિયાદ સાંભળવાની આશા હોય છે, નિંદા સાંભળવાની લાલચ હોય છે:

બાત નિકલેગી તો ફિર દૂ…ર તલક જાયેગી
લોગ બેવજહ ઉદાસી કા સબબ પૂછેંગે
યે ભી પૂછેંગે કિ તુમ ઈતની પરેશાં ક્યું હો
ઉંગલિયાં ઉઠેગી સુખે રુખે બાલોં કી તરફ
એક નઝર દેખેંગે ગુઝરે હુએ સાલોં કી તરફ
લોગ ઝાલિમ હૈ, હરેક બાત કા તાના દેંગે
બાતોં બાતોં મેં મેરા ઝિક્ર ભીલે આયેંગે
ઉન કી બાતોં કા ઝરા સા ભી અસર મત લેના
વર્ના ચહેરે કે નાસૂર સે સમઝ જાયેંગે
ચાહે કુછ ભી હો સવાલાત ન કરના ઉન સે
મેરે બારે મેં કોઈ બાત ન કરના ઉન સે
બાત નિકલેગી તો ફિર દૂ…ર તલક જાયેગી…

દેશવિદેશમાં જાહેર કાર્યક્રમો કરતી વખતે અનેક વિઘ્નો આવતાં હોય છે. આરંભ ઑર્ગેનાઈઝરના સ્તરથી થાય છે. બજારમાં કાંદા-બટાકા લેવા નીકળ્યા હોય એ જ આદતથી રીતસર કળાકાર સાથે ભાવતાલ કરે: સરજી, ઈતના પૈસા દેંગે તો હમ મર જાયેંગે, હમ કયા કમાયેંગે, હમારે બીબી-બચ્ચોં કા તો ખ્યાલ કરો… જગજિત સિંહ જોકે, આવા બધાથી હવે ટેવાઈ ગયા છે. ચૅરિટીના નામે કોઈ મફત શોની માગણી કરે અને દાળમાં કાળું જણાય તો સ્પષ્ટ કહી દે: ‘મારી ફીઝ તમારે પૂરેપૂરી ચૂકવવાની રહેશે. તમારે ત્યાં આવ્યા પછી તમારી પ્રવૃત્તિઓથી હું પ્રભાવિત થઈશ તો એમાંના થોડાક હિસ્સાની રકમ અથવા તો બધેબધી રકમ તમારી સંસ્થાને આપી દેવાની જાહેરાત માઈક પરથી કરી દઈશ.’ અને આવું અનેક વખત જગજિત સિંહે કર્યું છે. આયોજકો ફીની થપ્પીઓ લઈને હૉટેલના રૂમમાં પહોંચે ત્યારે જગજિત અમુક થપ્પી બાજુએ કાઢીને એમને પાછી આપી દે: આ તમારી સંસ્થા માટે, મારા તરફથી.

ભારતનાં અનેક શહેરોમાં કૉર્ન્સ્ટ્સ, બેઠકો કરવાની. વિદેશયાત્રાએ જવાનું. ઈંગ્લેન્ડ, અમેરિકા, સાઉથ આફ્રિકા, ઑસ્ટ્રેલિયા. નવા દેશો, નવી જગ્યા, નવા લોકો. કાર્યક્રમ વખતે ચિક્કાર ચાહકો વચ્ચે ઘેરાયેલા રહેવાનું. પછી હૉટેલની રૂમમાં આવીને તદ્દન એકલા પડી જવાનું. થાક હોય, આનંદ હોય, ઉદાસી પણ હોય. એકાંતની આવી ક્ષણોમાં કોઈની તસવીર આંખ સામે ઝબકીને પાછી ખોવાઈ જાય અને સલીમ કૌસર તથા મુઝફ્ફર વારસીની સરખા શબ્દો, સરખા ભાવવાળી બે ગઝલો યાદ આવી જાય:

મૈં ખયાલ હૂં કિસી ઔર કા, મુઝે સોચતા કોઈ ઔર હૈ
સરે આઈના મેરા અક્સ હૈ, પસે આઈના કોઈ ઔર હૈ

મૈં નસીબ હું કિસી ઔર કા, મુઝે માંગતા કોઈ ઔર હૈ
મેરી ઝિંદગી કિસી ઔર કી, મેરે નામ કા કોઈ ઔર હૈ

મેરા અક્સ હૈ સરે આઈના, પસે આઈના કોઈ ઔર હૈ
વો મેરી તરફ નિગરૉં રહે, મેરા ધ્યાન જાને કહાં રહે

મેરી આંખ મેં કઈ સૂરતેં, મુઝે ચાહતા કોઈ ઔર હૈ

જગજિત સિંહ કહે છે, ‘૨૦૦૧ની સાલ પછી હું ગાવાનું બંધ કરી દઈશ…’ તમે ચોંકીને પ્રતિક્રિયા આપો એ પહેલાં સ્પષ્ટતા કરે છે: ‘એટલે કે આ રીતે ગાવાનું બંધ કરી દઈશ… આ શું જ્યારે ને ત્યારે બોરિયા બિસ્તર લઈને આજે દિલ્હી, કાલે ઈન્દોર, પરમ દિવસે ફિલાડેલ્ફિયા… ૨૦૦૧ પછી હું મારા માટે ગાઈશ. મારા આનંદ માટે. ખૂબ સીમિત રેકૉડિંગ્સ કરીશ.’

જગજિત સિંહ સાઠ વર્ષની ઉંમર પછી પોતાની મરજી મુજબ ગાવા-જીવવા માગે છે. પણ અત્યારે તેઓ મરજી નથી, મૂડ નથી એવું કહી શકતા નથી, કહેવા માગતા નથી.

‘ઘણી વાર કોઈ ઑડિટોરિયમમાં માઈકની વ્યવસ્થા બરાબર નથી થઈ એની ખબર ત્યાં જઈને જ પડે. ક્ષતિગ્રસ્ત સિસ્ટમ ચલાવી લેવી પડે, તમારી ગાયકીને શ્રેષ્ઠ બનાવી લેવાની. પણ નહીં ગાઉં એવું ન કહેવાય. ઑડિયો સિસ્ટમ સારી નથી એટલે ગાવાનો મૂડ નહીં બને એવું કેવી રીતે કહેવાય? મૂડ ન બનવાનો હોય તો પૈસા સ્વીકાર્યા શું કામ? પાછા આપી દો, સાથે આયોજકોએ કરેલો ખર્ચ પણ ચૂકવી દો. જાહેર કાર્યક્રમમાં તમે તમારી મરજીના માલિક નથી હોતા.’

અને ક્યારેક અંગત જીવનમાં પણ તમે તમારી મરજીના માલિક નથી હોતા. ખરું?

અપની મર્ઝી સે કહાં અપને સફર કે હમ હૈ
રુખ હવાઓં કા જિધર કા હૈ, ઉધર કે હમ હૈ

દરો દીવાર કહીં ઔર હૈ, હમ ઔર કહીં
સિર્ફ એક નામકી તખ્તી સે હી ઘર કે હમ હૈ

પહલે હર ચીઝ થી અપની, મગર અબ લગતા હૈ
અપને હી ઘર મેં કિસી દૂસરે ઘર કે હમ હૈ

જગજિત સિંહ માટેના પ્રશ્ર્નો પૂરા થયા નથી. પ્રશ્ર્નો કયારેય પૂરા થતા નથી. ઉત્તરો જ ખૂટી પડતા હોય છે. આ એક સફરમાં અતીતની બે યાત્રાઓ થઈ – તમારી પોતાની અને હવે પરિચિત લાગતી, તમારી પોતાની લાગતી, મશહૂર વ્યક્તિની. પણ એ વ્યક્તિને દોસ્ત કહી દેવાની ઉતાવળ હજુ કરવા જેવી નથી. માઝીના, અતીતના, ભૂતકાળના ઘા હજુ ખુલ્લા છે:

ઐ નયે દોસ્ત, મૈં સમઝૂંગા તુઝે ભી અપના
પહલે માઝી કા કોઈ ઝખ્મ તો ભર જાને દે
આગ દુનિયા કી લગાઈ હુઈ બુઝ જાયેગી
કોઈ આંસૂ મેરે દામન પે બિખર જાને દે
અપની આંખોં કે સમંદર મેં ડૂબ જાને દે

વાત પૂરી.

• • •

( સૌરભ શાહના આવા સેંકડો લેખો વાંચવા Newspremi.comના આર્કાઇવ્ઝનો લાભ લો. સૌરભ શાહના રોજેરોજ લખાતા લેખોની જાણકારી મેળવવા વૉટ્સઍપ નંબર ⁨090040 99112⁩ પર તમારું નામ મોકલીને સૌરભ શાહના ગ્રુપમાં જોડાઈ જાઓ.)

••• ••• •••

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ

નવા કૅલેન્ડર વર્ષનો આરંભ થઈ ગયો છે. આપ સૌનું 2024નું વર્ષ શુભદાયી અને સુખદાયી નીવડે. આ વર્ષે બે દિવાળી આવે છે તે યાદ રાખશો. આસોની અમાસે તો ખરી જ, 22 જાન્યુઆરીએ પણ દીપોત્સવ છે જે 500 વર્ષ રાહ જોયા પછી ઉજવાશે.

મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.

‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.

જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.

દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.

‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.

આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)

તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:

BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis

Paytm-
90040 99112

Net Banking / NEFT / RTGS-

Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings

A/c No. : 33520100000251

IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)

Branch Pin Code : 400076

તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.

આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.

તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.

જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.

સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).

HiSaurabhShah@gmail.com

Twitter.com/hisaurabhshah

Facebook.com/saurabh.a.shah

• • •

ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

1 COMMENT

  1. માતા અને પિતા બંને સંગીત ના શોખીન, સાંજે બન્ને ક્યારેs બેસી ને ગીતો ગાતા. એમણે નાનપણ થી અનેક પ્રકાર નું સંગીત સંભળાવ્યું. બોની એમ થી માંડી ને લોસ લોબોસ, કુલથૂમ થી ગુલામ અલી અને હબીબ વલી મહમદ, બોબ ડીલન
    અને રૉક હું દોસ્તો પાસે થી સાંભળતા શીખ્યો.

    પણ જગજીતસિંઘ જી ને સાંભળ્યા પછી બીજા કોઈ મન હેઠે ના આવ્યા.

    આ લેખ માટે આપનો આભાર!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here