માલગુડીમાં રેલવે સ્ટેશન બંધાયું ત્યારની વાત

ગુડ મૉર્નિંગસૌરભ શાહ

આર. કે. નારાયણે ‘ગાઈડ’ નવલકથામાં લખેલી જે મઝેદાર વાતો દેવ આનંદની લૅન્ડમાર્ક ફિલ્મમાં છૂટી ગઈ છે તેની વાત કરીએ છીએ.

રાજુ ગાઈડ ભોલાની સામે પોતાની જિંદગીની સ્મૃતિઓ ઠાલવતો રહે છે. રોઝી અને માર્કો રાજુનો નજીકનો ભૂતકાળ છે. એમના વિશે વાત કરીને પોતે ગાઈડ કેવી રીતે બન્યો એની લાંબી અને ભારે ઈન્ટરેસ્ટિંગ દાસ્તાન રાજુ સંભળાવે છે.

નાનપણથી જ રાજુનું રેલવે સાથેનું અનુસંધાન રહ્યું છે. એનું ઘર માલગુડી સ્ટેશનની સામે જ હતું. પિતાએ પોતાના હાથે ઘર બાંધ્યું હતું. એ જમાનામાં હજુ રેલવે આવી નહોતી. ગામથી જરા દૂર ઘર બાંધવાનું પિતાજીને શું કામ સૂઝયું? જમીનનો નાનો ટુકડો સાવ મફતના ભાવમાં મળતો હતો. પિતાજીએ માટી જાતે જ ખોદી હતી, કૂવામાંથી પાણી કાઢીને એને ગૂંદી હતી, ઘરની દીવાલો ચણી હતી અને છાપરે નાળિયેરીનાં પાંદડાં ગોઠવ્યાં હતાં. ઘરની આજુબાજુ પપૈયાનાં ઝાડ વાવ્યાં હતાં. વખત જતાં પપૈયાં લાગ્યાં એટલે એમણે એની ચીરીઓ કરીને વેચવાનું શરૂ કર્યું. એક પપૈયામાંથી આઠ આના જેવું એમને મળી રહેતું. ઘરની બાજુમાં જ એમણે જંગલી લાકડાના ખપાટિયા અને શણની ગુણીઓ ખોલીને છાપરી જેવી એક નાનકડી દુકાન બનાવી હતી. એ જગ્યાએથી મોટો ટ્રન્ક રોડ પસાર થતો. ગાડાંમાં ઘણા પ્રવાસીઓ ત્યાંથી અવરજવર કરતા. ખેડૂતોનાં ટોળાં પણ એક ગામથી બીજે ગામ જતા હોય ત્યારે ત્યાંથી પસાર થતા. રાજુના પિતાની દુકાનમાં તમાકુ, પાન, ફળફળાદિ, પીપરમિન્ટ, ચણા વગેરે જોઈને મુસાફરો બેઘડી આરામ કરવા રોકાઈ જતા અને ધીમે ધીમે દુકાનનો ધંધો વધવા લાગ્યો. બાપા બિઝી બિઝી થઈ ગયા. જમવાની પણ ફુરસદ ન મળે. મા બહુ આગ્રહ કરે ત્યારે ગલ્લા પર દીકરાને બેસાડીને પિતા ઘરે જમવા જતા અને સૂચના આપતા જતા: ‘જે કંઈ આપે તેની સામે પૈસા લેવાનું ભૂલવાનું નહીં. અને જે કંઈ ખાવાનું છે તે તારે નથી ખાવાનું, એ બધું જ વેચવા માટે છે. કંઈ પૂછવું કરવું હોય તો મને બૂમ પાડજે.’

એક ગ્રાહક આવ્યો. રાજુએ બાપાને બૂમ પાડીને પૂછયું, ‘અડધા આનામાં કેટલી પીપરમિન્ટ આપવાની?’

બાપાએ ઘરમાંથી જમતાં જમતાં મોટેથી જવાબ આપ્યો, ‘ત્રણ’ અને ઉમેર્યું, ‘જો એ પોણો આનાની લે તો એને…’ પિતાએ કંઈક અટપટી ગણતરી સમજાવી પણ રાજુને પલ્લે પડી નહીં. એણે ગ્રાહકને કહ્યું, ‘મને ખાલી અડધો જ આનો આપજો’ અને બદલામાં રાજુએ એને ત્રણ પીપરમિન્ટ ગણીને કાઢી આપી. ક્યારેક બરણીમાંથી ત્રણને બદલે ચાર પીપરમિન્ટ નીકળી જતી તો ગણતરીની ઝાઝી લપ્પનછપ્પનમાં પડવું ના પડે એટલે રાજુ વધારાની પીપરમિન્ટ પોતાના મોઢામાં મૂકી દેતો.

ક્યારેક પિતાજી બાજુના મોટા ગામે દુકાન માટે ખરીદી કરવા જતા તો રાજુને સાથે લઈ જતા. એ તરફ જતા કોઈ બળદગાડાને રોકીને બેસી જવાનું. બજારમાં જઈને પિતાજી રાજુના ખિસ્સામાં શિંગ અને મીઠાઈ ભરી આપતા, પોતે ઓળખીતાઓની દુકાને જઈ જઈને માલ ખરીદતા. રાજુ દૂર બેઠાબેઠાં ભાવતાલ કરતા લોકોને જોતો રહેતો, ક્યારેક એ લોકો હસતા, ક્યારેક ઘાંટા પાડતા, ક્યારેક ગાળાગાળ કરતા. રાજુને આ બધું જોવાની મજા આવતી, પણ એક સવાલ એને વારંવાર થયા કરતો: પિતાજીની પોતાની દુકાન છે તો એ બીજા લોકોની દુકાનેથી શું કામ ખરીદી કરતા હશે. રાજુ પિતાજીને પૂછતો પણ ખરો જેનો એને ક્યારેય જવાબ મળતો નહીં.

રાજુના પિતાનો ધંધો ધમધોકાર ચાલતો હતો. અધરાત-મધરાતે ત્યાંથી પસાર થતાં નાળિયેર અને બીજી ચીજોથી ભરેલાં ગાડાં પસાર થતાં. દુકાને રોકાઈને બળદોને બે ઘડી છુટા કરતા અને પોતે રાજુના પિતા સાથે અલકમલકની વાતો કરતા.

એક દિવસ અચાનક ઘરની આસપાસ ખૂબ ચહલપહલ થતી હતી. રોજ સવારે મોટા શહેરથી માણસો આવતા અને આખો દિવસ કંઈક ને કંઈ કામકાજમાં ખૂંપી જતા. ખબર પડી કે નવી રેલવે લાઈન બંધાઈ રહી છે અને પાટા અહીં જ નખાવાના છે. એ લોકો નાસ્તાપાણી માટે પિતાની દુકાને આવતા. પિતા પૂછતા, ‘તે હેં, હવે અમારા ગામમાં રેલગાડી આવવાની? ક્યારે આવવાની?’

‘કોને ખબર? હજુ છ-આઠ મહિના તો નીકળી જવાના.’

ખટારા ભરીને લાકડાના સ્લિપર્સ અને લોખંડના પાટા આવતા. સાથે જાતજાતનો બીજો સામાન પણ આવતો. દરમ્યાન, રાજુની ઉંમર સ્કૂલે જઈને ભણવા જેટલી થઈ ગઈ. ગામની આલ્બર્ટ મિશન સ્કૂલમાં એની અનિચ્છાએ ઍડ્મિશન લેવામાં આવ્યું.

અને એક દિવસ રાજુએ જોયું કે જે આમલીના ઝાડ નીચે એ રોજ રમતો તેની પાસે સ્ટેશનનું મકાન ખડું થઈ ગયું. પાટા નખાઈ ગયા હતા. સિગ્નલના થાંભલા ખોડાઈ ગયા હતા.

‘આવતી કાલે સ્કૂલમાં રજા છે. કાલે આપણા ગામમાં રેલગાડી આવવાની છે.’ જાહેરાત થઈ. સ્ટેશનનું મકાન શણગારાઈ ગયું હતું. બૅન્ડવાજાં વાગવા માંડ્યાં હતાં. પાટા પર શ્રીફળ વધેરાયાં. દૂરથી રેલના ડબ્બાઓ ખેંચીને આવતું ઍન્જિન દેખાયું. પ્લેટફોર્મ પર કલેક્ટર, પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ, મ્યુનિસિપલ ચૅરમેન સહિત ગામના મોટા વેપારીઓ અને મોભીઓ ગાડીના સ્વાગત માટે હાજર હતા. લીલા રંગની આમંત્રણપત્રિકા વિના કોઈ આ સમારંભમાં ઘૂસી ન જાય એ માટે પોલીસનો પાકો બંદોબસ્ત હતો. રાજુને કોઈએ આમંત્રણ આપ્યું નહોતું જેનું એને ભારે માઠું લાગ્યું હતું. (ક્રમશ:)

આજનો વિચાર

બહેનોના સિનિયર સિટીઝન ગ્રુપમાં ચર્ચા: આપણે તો માની લીધેલું કે ચાલો, પતિ પર નજર રાખવાની ઉંમર વીતી ગઈ, પણ આ અનુપ જલોટાએ તો નવું તોફાન શરૂ કરી દીધું.

– વૉટ્સઍપ પર વાંચેલું

એક મિનિટ!

સવાલ: ભારતમાં ગરીબી ક્યારથી આવી?

જવાબ: 26 મે, 2014થી. એ પહેલાં તો દેશના ભિખારીઓ પણ મર્સિડિસમાં બેસીને ફાઈવ સ્ટારમાં કોલ્ડકૉફી પીવા જતા હતા.

( મુંબઇ સમાચાર : શુક્રવાર, 21 સપ્ટેમ્બર 2018)

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here