રિશી કપૂરની 51 અજાણી વાતો : સૌરભ શાહ

(ગુડ મૉર્નિંગ ક્લાસિક્સ: ગુરુવાર, 30 એપ્રિલ 2020)

‘મેરા નામ જોકર’ રિલીઝ થઈ એ જ વીકમાં મુંબઈના દાદર વિસ્તારમાં આવેલા ‘ચિત્રા’ સિનેમામાં જોઈ હતી. ગમી હતી. દસ વર્ષની ઉંમરે આવી લાંબી ફિલ્મ કેવી રીતે ગમે? લાંબી હતી એટલે જ ગમી. બે ઈન્ટરવલ હતા. બેઉમાં પપ્પાએ ઑરેન્જ કેન્ડી અને પૉપકૉર્ન લાવી આપ્યાં હતાં.

રિશી કપૂરની બેસ્ટ સેલર આત્મકથા ‘ખુલ્લમ્ ખુલ્લા’ વાંચીને કંઈ કેટલીય સ્મૃતિઓ લાઈફના આ સેવન્ટી એમ.એમ.ના પડદા પરથી પસાર થઈ ગઈ. ‘મેરા નામ જોકર’માં ટીનેજ રિશીને ટીચર સિમી ગરેવાલ પર ક્રશ હતો અને ૧૯૭૩ની ‘બૉબી’માં ડિમ્પલ કાપડિયા સાથેનો ભરપૂર રોમાન્સ. માટુંગાની ‘રિવોલી’ ટૉકીઝમાં છ મહિના સુધી ટિકિટ નહોતી મળતી અને બ્લેકમાં ખરીદવા જેટલા પૉકેટ મની નહોતા મળતા. સાતમા મહિને ‘બૉબી’ જોઈ ત્યાં સુધી એક દોસ્તના ઘરે રેડિયોગ્રામ પર એલ.પી. મૂકીને સાંભળતા રહ્યા, ઝૂમતા રહ્યાઃ મૈં શાયર તો નહીં…બાહર સે કોઈ અંદર ન આ સકે. મૈં મયકે ચલી જાઉંગી….મુઝે કુછ કહના હૈ અને બેશક મંદિર-મસ્જિદ તોડો…

મારું ચાલે તો રિશી કપૂરની આત્મકથાનો એકેએક શબ્દ અહીં તમારી સાથે શેર કરું પણ પ્રેક્ટિકલી એ શક્ય નથી. હિંદી ફિલ્મ ઈન્ડસ્ટ્રીને લગતી, પોતાના જબરજસ્ત ફેમિલીને લગતી અને પોતાની અંગત તેમ જ પ્રોફેશનલ લાઈફને લગતી તદ્દન નવી ઢગલાબંધ માહિતીનો ખજાનો છે એમાં. આત્મકથાના પુસ્તકના ઉઘડતા અસ્તર પરનો દુર્લભ ગ્રુપ ફોટો જોઈને તમને થાય કે કપૂર ખાનદાન ખરેખર હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું ફર્સ્ટ ફેમિલી છે. શશીકપૂર, સંજના કપૂર, કરણ કપૂર, કુણાલ કપૂર, કૃષ્ણા કપૂર (મિસિસ રાજ કપૂર), રાજીવ કપૂર, રણબીર કપૂર, કરીના, કરિશ્મા, રણધીર કપૂર, નીતુ કપૂર, રિશી કપૂર અને શમ્મી કપૂર અને શમ્મીપુત્ર આદિત્યરાજ કપૂર દસેક વર્ષ પહેલાં આ ફોટો લેવાયો હશે તે વખતે જેનીફર કપૂર, રાજકપૂર, ગીતા બાલિ (શ્રીમતી શમ્મી કપૂર) અને પૃથ્વી-રાજ કપૂર વિદ્યમાન નહોતા અને ફોટોમાં રણધીરકપૂરથી સેપરેટ થઈ ગયેલી કરિશ્મા-કરીનાની મમ્મી બબિતા ગેરહાજર છે. આવી અત્યાર સુધી અજાણી એવી 51 વાતો રિશી કપૂરની આત્મકથા ‘ખુલ્લમ્ ખુલ્લા’માંથી આજે દર કલાકે તમારી સાથે શેર કરવાનો લહાવો લેવાનો છે. રિશી કપૂર સ્વર્ગસ્થ નથી થયા, આપણા સૌનામાં આત્મસ્થ થયા છે.

૧. સૌ કોઈ જાણે છે કે અમિતાભ બચ્ચન કપૂર ખાનદાનના વેવાઈ થાય (શ્વેતા બચ્ચન રાજકપૂરનાં દીકરી રિતુ નન્દાના દીકરા નિખિલ સાથે પરણી છે. રિતુ નન્દા ચાર મહિના પહેલાં જ કેન્સરમાં ગુજરી ગયાં.) મનમોહન દેસાઈ તથા રમેશ સિપ્પી પણ કપૂર ખાનદાનના વેવાઈ છે. (શમ્મી કપૂરની દીકરી કાંચન મનજીના પુત્ર કેતન દેસાઈને અને શશીકપૂરનો દીકરો કુણાલ કપૂર શીના સિપ્પીને પરણ્યો છે), પણ કેટલાને ખબર છે કે ગુજરાતી સ્ટેજના અભિનેત્રી સરિતા જોષીને પણ કપૂર ખાનદાન સાથે દૂર દૂરનું સગપણ થાય? રાજ કપૂરનાં પત્ની કષ્ણા કપૂરનાં ચાર ભાઈબહેન પ્રેમનાથ, રાજેન્દ્રનાથ અને નરેન્દ્રનાથ અને બહેન ઉમા જે પ્રેમ ચોપરાને પરણ્યાં. પ્રેમ ચોપરાની ત્રણ દીકરી-રક્તિા, પુનિતા, પ્રરેણા જેમાંની છેલ્લી પ્રેરણા સરિતા જોષીના ભત્રીજા અને અભિનેતા અરવિંદ જોષીના દીકરા શર્મને જોષીને પરણી છે. પુસ્તકના આરંભે રિશી કપૂરે પોતાના ખાનદાનનું જે વટવૃક્ષ આપ્યું છે. તેમાંથી તમને આ માહિતી મળે છે.

૨. રિશી કપૂરે લખ્યું છે કે ૧૯૫૨માં રિશીનો જન્મ થયો ત્યારે પિતા રાજ ૨૮ વર્ષના હતા અને ઈન્ડસ્ટ્રીના યંગેસ્ટ સ્ટુડિયો ઓનર તરીકે ‘આગ’ (૧૯૪૮), ‘બરસાત'(૧૯૪૯) અને ‘આવારા’ (૧૯૫૧) બનાવી ચૂક્યા હતા અને ‘અનર્ફોચ્યુનેટલી મારી માને બદલે તેઓ બીજી એક સ્ત્રીના ગળાડૂબ પ્રેમમાં હતા જે એમની હીરોઈન હતી અને એ જમાનાની બિગેસ્ટ હિટ ફિલ્મો એમની સાથે કરી ચૂકી હતી.’ મોટોભાઈ ડબ્બુ (રણધીર કપૂર) તે વખતે ૪ વર્ષનો હતો અને બહેન રિતુ ત્રણ વર્ષની.

૨. રિશી કપૂરના (એટલે કે ચિન્ટુના) પરદાદા એટલે કે પૃથ્વીરાજ કપૂરના પિતા બસેશરનાથ તહેસિલદાર હતા અને ૩૬ વર્ષની ઉંમરે એ એમની ગર્લફ્રેન્ડના ઘર સુધીની સુરંગ ખોદતાં પકડાઈ ગયા એટલે એમને નોકરીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. (બાપ તેવા બેટા કહેવત જૂની થઈ ગઈ, પરદાદા જેવા પૌત્ર અને પ્રપૌત્ર અને પ્રપ્રપૌત્ર એવી નવી કહેવત બનાવવી પડે).

૩. દાદી રામસરણી/પૃથ્વીરાજ કપૂરનાં પત્ની)ની આંખો બ્લ્યૂ હતી. કપૂર ખાનદાનને આ આંખો વારસામાં મળી. પૃથ્વીરાજ કપૂર જીવનનાં પાછલાં વર્ષોમાં જુુહુમાં જ્યાં રહેતા તે જ પ્લૉટ પર ‘પૃથ્વી’ થિયેટર બાંધવામાં આવ્યું છે. ૧૯૫૮-૫૯ના અરસામાં પૃથ્વીરાજ કપૂર પોતાની નાનકડી ઓપેલ ગાડીમાં ત્રણેય પોતરાઓ-ડબ્બુ, રિતુ અને ચિન્ટુને લઈને એક બપોરે કે આસિફની ‘મોગલ-એ-આઝમ’ના સેટ પર લઈ ગયા હતા. જેમાં તેઓ અકબરનો રોલ કરતા હતા, દીકરો સલીમનો રોલ દિલીપકુમારનો હતો અને અનારકલી મધુબાલા હતી. તે વખતે મહાન અદાકારોને જોવાને બદલે ચિન્ટુને પ્લાસ્ટર ઓફ પેરિસમાંથી બનાવેલી તલવારો અને ભાલાઓમાં વધારે રસ પડયો. પાછા વળતી વખતે આસિફસા’બે નાનકડા રિશીને પ્લાસ્ટર ઑફ પેરિસનું ખંજર ભેટમાં આપ્યું હતું.

૪. પૃથ્વીરાજ કપૂરના અભિનયના પ્રશંસકોમાં ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોર પણ હતા. નાટકના રંગમંચ પરથી ફિલ્મોમાં એમને પ્રવેશ મળ્યો તે માટે ટાગોર જ કારણભૂત હતા. કોલકતામાં દુર્ગા ખોટેના પ્રોડકશનમાં ભજવાતા ‘સીતા’ નાટકમાં પૃથ્વીરાજ કપૂર દુર્ગા ખોટે (સીતા) ના પતિ રામનો રોલ કરે. ટાગોર આ નાટકમાં પૃથ્વીરાજનો અભિનય જોઈને ખૂબ પ્રભાવિત થયેલા. ટાગોરના મિત્ર અને ન્યૂ થિયેટર્સના સ્થાપક પ્રોડયૂસર બી.એન.સરકારે ‘સીતા’ નાટક પરથી એ જ નામનું ચલચિત્ર બનાવવાનું નક્કી કર્યું ત્યારે ટાગોરે સજેસ્ટ કરેલું કે ફિલ્મમાં પણ પૃથ્વીરાજ અને દુર્ગાને જ લેવાં જોઈએ.

૫. પૃથ્વીરાજ કપૂર તે વખતની ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એકલા એવા એક્ટર હતા જે બ્લેક મની રિજેક્ટ કરતા, કેશ પેમેન્ટ લેતા નહીં અને પોતાની પૂરેપૂરી આવક ઈન્કમ ટેક્સ રિટર્નમાં ડિક્લેર કરતા.

૬. રાજકપૂર સ્કૂલમાં હતા ત્યારે એક્ટર બનવાનું ખ્વાબ જોવાને બદલે બ્રિટિશ સરકારની ડફરિન નેવલ ટ્રેનિંગ સ્કૂલમાં તાલિમ લઈને ભારતીય નૌકાદળમાં દાખલ થવા માગતા હતા પણ સ્કૂલની ફાઈનલ પરીક્ષામાં એ ફેઈલ થયા અને દિગ્દર્શક કેદાર શર્માના આસિસ્ટન્ટ તરીકે ફિલ્મ લાઈનમાં જોડાઈ ગયા. કપૂર ખાનદાનમાં ગ્રેજ્યુએટ થનારા સૌથી છેલ્લાં પુરુષ હતા. પૃથ્વીરાજ કપૂર. એ પછીના તમામ કપૂર નબીરાઓ અંડર ગ્રેજ્યુએટ.

૭. રિશીકપૂર નાનપણથી પિતા રાજકપૂરને ‘પાપા’ કહેતા પણ ‘બૉબી’ના ગાળામાં ” સા’બ ” કહેતા થઈ ગયા. ત્રણ વર્ષના રિશીએ મોટી બહેન રિતુ અને મોટાભાઈ રણધીરની સાથે ‘શ્રી ૪૨૦’ (૧૯૫૫) ના ‘પ્યાર હુઆ ઈકરાર હુઆ’ ગીતની ‘મૈં ના રહૂંગી, તુમ ના રહોગે, ફિર ભી રહેંગી નિશાનિયાં…’ પંક્તિ વખતે સ્ટુડિયોમાં વરસતા ધોધમાર વરસાદમાં શૂટિંગ કરવાનું હતું ત્યારે રિશીની આંખમાં પાણી જતું રહેતું અને રિશી રડવાનું શરૂ કરી દે અને સેટ પર પાછા આવવાની ના પાડે. ફાઈનલી નરગીસે રીશીને કેડબરિની મિલ્ક ચૉકલેટ દેખાડીને કહ્યું કે શોટ ઓકે થઈ જશે એટલે તને આ મળશે અને રિશીએ પિતાને જેવો જોઈતો હતો તેવો શોટ આપ્યો.

૮. રાજ કપૂર પાસે પોતાની માલિકીનું ઘર નહોતું, જે કંઈ કમાણી થતી તે બધી જ ફિલ્મોમાં અને સ્ટુડિયોમાં ઈન્વેસ્ટ થતી. ‘મેરા નામ જોકર’ ફ્લોપ થયા પછી એમને લાગ્યું કે એક ઘર તો હોવું જોઈએ. ‘બૉબી’ સુપરહિટ ગયા પછી રાજ કપૂરે જિંદગીમાં પહેલીવાર પોતાની કમાણીમાંથી પોતાની માલિકીનું ઘર ખરીદ્યું.

૯. હિંદી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના એન્સાઈક્લોપીડિયા ગણાતા જયપ્રકાશ ચોક્સી રાજ કપૂરના ફેમિલીફ્રેન્ડ. એમના કહેવાથી રાજ કપૂરે સાડા ચાર કલાક લાંબી ‘મેરા નામ જોકર’નું ત્રણ કલાકનું એડિટેડ વર્ઝન રિલીઝના થોડા મહિના રિલીઝ કર્યું જેણે ઘણા થિયેટરોમાં હાઉસફુલનું પાટિયું જોયું. એડિટેડ વર્ઝનમાં જે સીન્સ કપાયા હતા તે બધા જ બીજા અને ત્રીજા ભાગના હતા. ફર્સ્ટ પાર્ટ અકબંધ રાખવામાં આવ્યો હતો. ઈનફેક્ટ, સત્યજિત રાયે રાજ કપૂરને કહ્યું હતું કે તમારે ફર્સ્ટ પાર્ટ સ્વતંત્ર ફિલ્મ તરીકે રિલીઝ કરવો જોઈએ, એમાં જે લિરિકલ સ્ટોરીટેલિંગ છે તેને લીધે એની ગણના વિશ્વની મહાન ફિલ્મોમાં થશે. રિશીને ‘મેરા નામ જોકર’ના અભિનય બદલ નેશનલ એવોર્ડ મળ્યો હતો.

૧૦. ‘મેરા નામ જોકર’ પછી ‘કલ આજ ઔર કલ’ પણ ના ચાલી. આ આર્થિક ભીંસમાંથી બહાર આવવા નવી ફિલ્મનું પ્લાનિંગ ચાલી રહ્યું હતું ત્યારે રાજેશ ખન્ના અને શર્મિલા ટાગોરની ફિલ્મો બોક્સ ઓફિસ ગજાવતી હતી અને રાજકપૂરની ફિલ્મમાં કામ કરવાની બેઉએ હા પાડી હોત. ધર્મેન્દ્રે અને મનોજકુમારે (બંને ‘મેરા નામ જોકર’માં કામ કરી ચૂકેલા) તો રાજકપૂરને એમની કોઈપણ નવી ફિલ્મમાં એક પૈસો લીધા વગર કામ કરવાની ઓફર કરી હતી પણ રાજકપૂરે એમને કહ્યું હતું, ‘તમે લોકો મોટા સ્ટાર્સ છો. હું ફરી પાછો મારા પગ પર ઊભો થઈ શકીશ ત્યારે તમારી પાસે આવીશ.’ રાજ કપૂર બહુ ભણ્યા નહોતા, એમનું વાંચન સીમિત હતું, પણ કૉમિક બુક્સનો બહુ શોખ. અમર ચિત્રકથા, આર્ચી કૉમિક્સ અને બેટમેનની કૉમિક્સનો થપ્પો એમની પાસે પડયો રહેતો. આર્ચી કૉમિક્સમાંથી એમને ટીનેજ રોમાન્સવાળી વાર્તા પરથી ફિલ્મ બનાવવાનો વિચાર આવ્યો. સ્કૂલમાં પાસ થઈને કૉલેજમાં પ્રવેશી રહેલા હીરો-હીરોઈનની વાર્તા એ જમાનામાં સાવ નવી હતી. આ આઈડિયાને ખ્વાજા અહમદ અબ્બાસ તથા વસંત પી.સાઠેએ ફાઈનલ સ્ક્રિપ્ટનું સ્વરૂપ આપ્યું.

વધુ વાતો હવે પછી.

6 COMMENTS

  1. Saurabhai I am reading your articles regularly… You have started an endless Library of Articles on various subjects,…..apart from informative they are fascinating and most interesting….. Bravo..

  2. Very nice article. Really well Summerised ..

    Rishikapoor – You are first and ever loverboy and will be immortal .

  3. સૌરભભાઈ, નમસ્કાર.
    લેખ ની શરૂઆત માં કપૂર ખાનદાન ના મેમ્બર્સ માં શક્તિ કપૂર નું નામ લખાયું છે. જે ખોટું હોવાની શક્યતા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here