દેવ આનંદે પરિણીત રણધીર-રિશીને પૂછયું કે તમને બંનેને ગર્લફેન્ડઝ છે કે નહીં : સૌરભ શાહ

( ગુડ મૉર્નિંગ ક્લાસિક્સ: ગુરુવાર, 30 એપ્રિલ 2020)

( રિશી કપૂરની 51 અજાણી વાતો : લેખ 2)

૧૧. ‘મેરા નામ જોકર’ ફલોપ થઈ ગઈ પછી ‘કલ આજ ઔર કલ’ પણ ડૂબી ગઈ. આ બાજુ રિશી કપૂર સિનિયર કેમ્બ્રિજની એકઝામમાં ફેઈલ થયા અને એમને ‘બૉબી’માં લેવામાં આવ્યા. સ્કૂલમાં પાસ થઈ ગયા હોત તો રિશીની જિંદગીમાં ઈંગ્લેન્ડ જઈને બીજા મિત્રોની જેમ બિઝનેસ એડમિનિસ્ટ્રેશનની ડિગ્રી લઈને ધંધો કરવાનું લખાયું હતું. ‘બૉબી’ હિટ થયા પછી રિશી કપૂરની ડિમાન્ડ જબરજસ્ત વધી ગઈ. એક ફિલ્મના એમને પાંચ લાખ રૂપિયા મળવા લાગ્યા. (‘બૉબી’ના બે વર્ષ પછી, ૧૯૭૫માં રિલીઝ થયેલી ‘શોલે’ માટે બચ્ચનજીને રૂપિયા એક લાખ મળેલા.)

૧૨. ‘બૉબી’ પછીની બીજી ફિલ્મ જે રિલીઝ થઈ તે ‘ઝહરીલા ઈન્સાન’ (ઓ હંસિની, મેરી હંસિની… કહાં ઊડ ચલી, મેરે અરમાનોં કે પંખ લગા કે… આર. ડી. બર્મન ) નીતુ સિંહ અને મૌસમી ચેટર્જી સાથેની મુછોવાળા રિશી કપૂરની આ ફિલ્મ હિટ સૉન્ગ હોવા છતાં સુપર ફ્લોપ ગઈ. ‘બૉબી’ની સફળતા ફ્લ્યુકમાં મળી ગઈ હતી એવું બોલાવા લાગ્યું. ત્રીજી ફિલ્મ ‘રફુચક્કર’ આવી. અગેન હીરોઈન નીતુ સિંહ. પહેલી ફિલ્મમાં લક્ષ્મીકાંત-પ્યારેલાલનું સંગીત હતું, બીજીમાં આર.ડી.બર્મનનું અને ત્રીજીમાં કલ્યાણજી-આણંદજીનું. તુમ કો… મેરે દિલને પુકારા હૈ…., કિસી પે દિલ અગર આ જાયે તો ક્યા હોતા હૈ…, છૂક છુક છક છક બોમ્બે સે બરોડા તક….’રફુચક્કર’ સુપર હિટ નહોતી તોય ઠીક ચાલી. પણ એ જ વર્ષે ૧૯૭૫ના મેમાં રવિ ટંડનની ‘ખેલ ખેલ મેં’ આવી અને રિશી કપૂર-નીતુ સિંહની સિંગિંગ-ડાન્સિંગ જોડી સુપરહિટ પુરવાર થઈ. ફિલ્મ ખૂબ ચાલી. એમાં મસ્તી હતી અને થ્રિલરનો પ્લોટ હતો. રાકેશ રોશન સેકન્ડ લીડમાં હતા. આર.ડી.બર્મનના સંગીતમાં બધાં જ ગીતો સુપરહિટ થયાં. આજે, ચાળીસ વર્ષ પછી પણ એ ગીતો લોકોને યાદ છે. એક મૈં ઔર એક તૂ…., હમને તુમ કો દેખા…, સપના મેરા ટૂટ ગયા અને ખુલ્લમ્ ખુલ્લા પ્યાર કરેંગે હમ દોનોં… આ ગીતના શબ્દો પરથી રિશી કપૂરે પોતાની આત્મકથાનું શીર્ષક લીધું.

૧૩. એ જમાનામાં ફિલ્મના હીરો અને દિગ્દર્શક વચ્ચે કેવા સંબંધ રહેતા? એ જમાનામાં એટલે રિશી કપૂરના જમાનામાં નહીં. એમના પિતા રાજ કપૂરના જમાનામાં. મહેબૂબ ખાને ૧૯૪૯માં ‘અંદાઝ’ બનાવી (ઝૂમ ઝૂમ કે નાચો આજ…, હમ આ જ કહીં દિલ ખો બૈઠે…, ઉઠાયે જા ઉનકે સિતમ…’ નરગિસની સાથે રાજ કપૂર અને દિલીપકુમાર હતા. બેઉ હીરો મોટા સ્ટાર બની ચૂકેલા. પણ રાજકપૂર રિશીને કહેતાઃ ‘હમ મહેબૂબ ખાન સા’બસે આંખ નહીં મિલાતે થે.’

૧૪. ૧૯૮૪માં રિશી કપૂરે જાવેદ અખ્તરની લખેલી ફિલ્મ ‘દુનિયા’માં કામ કર્યું. રમેશ તલવાર દિગ્દર્શક હતા અને કરન જોહરના પિતા યશ જોહર એના પ્રોડયૂસર હતા. દિલીપકુમાર સાથે કામ કરવાનો રિશી કપૂરનો આ પહેલો મોકો. એ વખતે દિલીપકુમારના અસ્મા નામની યુવતી સાથે ખાનગીમાં નિકાહ થયાના ન્યૂઝ ખૂબ ચગેલા. એક દિવસ ‘દુનિયા’ના સેટ પર દિલીપકુમાર, પ્રાણ, અશોકકુમાર, અમરિશ પુરી, પ્રેમ ચોપરા, હીરોઈન અમૃતા સિંહ અને હીરો રિશી કપૂર કોઈ એક જબરજસ્ત નાટયાત્મક સીનનું શૂટિંગ કરી રહ્યા હતા અને દિલીપકુમાર એક જોરદાર ડાયલોગ બોલવાની તૈયારીમાં હતા ત્યાં એકાએક અશોકકુમારને શું સૂઝયું કે એમણે પૂછયું: ‘યુસુફ, મુઝે યે બતાઓ, હમસે એક બીવી સંભાલી નહીં જાતી, તુમ કૈસે દો બિવિયોં કો સંભાલતે હો?’ બધા જ સ્તબ્ધ થઈ ગયા. રિશીને લાગ્યું કે હમણાં વીજળીના કડકાભડાકા સાથે વાદળ ગરજવાના પણ દિલીપકુમારે બિલકુલ શાંતિથી, માથા પર બરફની લાદી રાખી હોય એવા અવાજે કહ્યું, ‘અશોકભૈયા, આ સીન પૂરો કરીને આપણે એ વિશે વાત કરીએ.’ બેઉ મહારથી. બેઉ દાયકાઓથી એકબીજાના હમદમ. અશોકકુમાર આ દાવે દિલીપકુમારને કંઈ પણ કહી શકવાનો હક્ક ધરાવતા.

૧૫. ૧૯૯૯માં રાજકપૂરના સૌથી નાના દીકરા રાજીવ કપૂર (ચિમ્પુ)ની શાદી હતી. માતા કૃષ્ણાએ બેઉ મોટા દીકરાઓને કહ્યું કે દિલીપકુમાર અને દેવ આનંદ બેઉને ત્યાં તમારે રૂબરૂ કંકોત્રી આપવા જવાનું છે. રિશીની જેમ આ બેઉ મહાનુભવો બાન્દ્રાના પાલિ હિલમાં જ રહેતા. પહેલાં યુસુફસા’બને ત્યાં ગયા. કંકોત્રી આપવાની ઔપચારિક્તા જ કરવાની હતી. પણ દિલીપકુમારે રણધીર-રિશીને વાતોએ વળગાડયા તો છેક બે કલાક સુધી ઊભા જ થવા ન દીધા. કારદારસા’બ અને મહેબૂબસા’બથી લઈને મોદીસા’બ (નરેન્દ્ર નહીં, સોહરાબ) સુધીના મહાન ફિલ્મકારોની વાતો વાગોળી. આવેલા મહેમાનોના દાદા પૃથ્વીરાજ કપૂર વિશેના સંસ્મરણોનો દાબડો ખોલ્યો, રાજકપૂર વિશેની વાતો તો હોવાની જ. સાયરાજી ચા સાથે ચીઝ ટોસ્ટ બનાવી લાવ્યા અને કહેઃ ‘રાજને બહુ ભાવે.’ યુસુફસા’બે કહ્યું કે લગ્નમાં જરૂર આવીશ અને સજોડે આવ્યા પણ ખરા.

૧૬. ત્યાંથી થોડેક જ દૂર દેવ આનંદના રેકૉર્ડિંગ સ્ટુડિયો પર જવાનું હતું. ત્યાં એમની રહેવાની જગ્યા પણ હતી. યલો પેન્ટ, ઑરેન્જ શર્ટ, ગ્રીન સ્વેટર અને મફલર પહેરીને દેવ આનંદ પ્રગટ થયા. કહેવા લાગ્યાઃ ‘હાય બોયઝ, હાઉ આર યુ? યુ ગાયઝ આર લુકિંગ ડેમ ગુડ.’ પછી કંકોત્રી હાથમાં લઈને કહેઃ ‘ઓહ ચિમ્પુ લગ્ન કરે છે. ગુડ,ગુડ,ગુડ, ગુડ. અચ્છી બાત હૈ, શાદી કરો, હેવ ગર્લફ્રેન્ડઝ. તમને બંનેને ગર્લફ્રેન્ડ્ઝ છે કે નહીં!’ ભરપૂર એનર્જી સાથે દેવ આનંદે રાજ કપૂરના બેઉ સુપુત્રોની આગતાસ્વાગતા કરી.

૧૭. દિલીપકુમારનો જન્મ ૧૧ ડિસેમ્બર ૧૯૨૨ના રોજ. ચારેક વર્ષ પહેલાં એમની ૯૦મી વર્ષગાંઠે એમને વધાઈ આપવા કૃષ્ણાજી ગયાં-રાજ કપૂરનાં પત્ની, રિશીનાં માતા. દિલીપકુમારને સ્મૃતિભ્રંશ થઈ ગયો હતો. કૃષ્ણાજીને એ પૂછયા કરેઃ ‘રાજ નહીં આયા?’ અને ત્યાં હાજર રહેલાં સાયરાજી સહિતના સૌ કોઈની આંખો છલકાઈ જાય.

૧૮. રિશી કપૂર આત્મકથામાં લખે છે કે મારા પિતા અમારા માટે માત્ર પાપા હતા, અમને એ સ્ટાર જેવા લાગતા જ નહીં! પણ શમ્મીઅંકલ અમને રિયલ સ્ટાર લાગતા! ગજબની સ્ટાઈલ હતી એમનામાં. એકદમ ફ્લેમબોયન્ટ. મુંબઈમાં ચેમ્બુર-દેવનારમાં રાજ કપૂરના ઘરેથી થોડેક જ દૂર શમ્મી કપૂરનો બંગલો હતો. એમના ઘરમાં એક પાંજરામાં વાઘના બે બચ્ચાં પણ પાળ્યાં હતાં જે મોટા થઈ ગયાં પછી પ્રાણી સંગ્રહાલયમાં મોકલી દેવાં પડયાં. એમના ઘરમાં પ્રોજેક્ટર હતું અને મોટાભાઈનાં સંતાનો આવે ત્યારે એના પર પોતાની ફિલ્મો દેખાડતા. તે વખતે ચેમ્બુર-દેવનારનો વિસ્તાર સાવ નિર્જન હતો. ત્રણ બંગલો હતા. એકમાં રાજસા’બ અને રિશી કપૂર વગેરે રહેતાં. બીજો શમ્મી કપૂરનો અને ત્રીજો બીજા કોઈકનો. રાજ કપૂરની દીકરી રિતુનાં લગ્ન હતાં ત્યારે જાનૈયાઓને ઘર સુધી આવવાની અગવડ ના પડે તે માટે રાજ કપૂરે એક ગુજરાતી સિવિલ એન્જિનિયર-કોન્ટ્રાકટરની કંપની પાસે પોતાના ખર્ચે જાહેર રસ્તો બનાવડાવ્યો હતો. એ જ ગાળામાં ‘મેરા નામ જોકર’નું શૂટિંગ માહિમ કોઝવે પર ચાલતું. એ જોવા આર.કે. સ્ટુડિયોમાંથી પાસ આવતા. લગ્નના રિસેપ્શનનું પર્સનલ આમંત્રણ હતું.

૧૯. રિશી કપૂરને માતા કૃષ્ણાજીનાં સગા ભાઈ પ્રેમનાથ સાથે ઘણું બને. મામા-ભાણા વચ્ચે સારી દોસ્તી. બેઉ જણા એકબીજા સાથે મસ્તી કર્યા કરે. ક્યારેક મામા પ્રેમનાથ ભાણાભાઈ રિશીને ફોન કરીને અવાજ બદલીને કહેઃ ‘(માર્લોન) બ્રાન્ડો સ્પીકિંગ!’ તો કયારેક પાછલી ઉંમરે ભાણાભાઈ મામાની ટાંગ ખેંચીને પ્રેમનાથના આસિસ્ટન્ટને ફોન કરીને કહેઃ ‘પ્રેમસા’બને કહો કે સોનિયા ગાંધી એમની સાથે વાત કરવા માંગે છે.’ તે વખતે રાજીવ નવા નવા વડા પ્રધાન બન્યા હતા.

૨૦. તમારા નસીબમાં જે લખાયેલું હોય તે જ તમને મળે. આવું રિશી કપૂર સાથે પણ વારંવાર બનતું રહ્યું. કે.સી.બોકડિયા એક મહિના સુધી રિશી કપૂરને મનાવતા રહ્યા કે મારી નેકસ્ટ ફિલ્મ તમે કરો પણ રિશી એમને મળે જ નહીં કારણ કે એ ફિલ્મમાં હીરો છ વર્ષના દીકરાનો બાપ હતો. જ્યારે આ બાજુ રિશીની રોમેન્ટિક હીરોવાળી નાસિર હુસૈનની ફિલ્મ ‘ઝમાને કો દિખાતા હૈ’ (૧૯૮૧) રિલીઝ થવાની તૈયારીમાં. છેવટે એ ફિલ્મ મોડે મોડે પણ કે.સી. બોકડિયાએ બનાવી જેમાં હીરોનો રોલ કરીને મિથુન ચક્રવર્તી ‘એ’ ગ્રેડ ફિલ્મોમાં આવી ગયા-‘પ્યાર ઝૂકતા નહીં.’ (૧૯૮૫). એવું જ પિતા રાજકપૂર સાથે થયેલું. સૌ કોઈ જાણે છે એમ ‘આનંદ’માં રાજેશ ખન્નાને લેતાં પહેલાં ઋષિકેશ મુખર્જી એમના મિત્ર રાજ કપૂરને એ રોલ આપવા માંગતા હતા. ‘રાજ કપૂર વહાલથી ઋષિકેશ મુખરજીને બાબુમોશાય કહેતા. પણ રાજકપૂરે એલ.બી. પ્રસાદની ‘મિલન’ (૧૯૬૭) કરવાના હતા એની બહુ ઓછાને ખબર હશે. ‘સાવન કા મહિના પવન કરે સોર…’ સહિતનાં તમામ ગીતો રાજકપૂરને જ ધ્યાનમાં રાખીને લક્ષ્મીકાંત-પ્યારેલાલે મુકેશના કંઠમાં રેકોર્ડ કરાવી લીધાં હતાં. પણ એ વખતે રાજકપૂરની પોતાની ફિલ્મ ‘સંગમ’ (૧૯૬૪) ડીલે થઈ અને પ્રોડયૂસર એલ.બી.પ્રસાદે ઓલરેડી ત્રણ મહિના રાહ જોઈ હતી એટલે રાજકપૂરે ‘મિલન’ માટે કોઈ બીજા હીરોને લેવાનું કહીને પ્રોજેક્ટમાંથી ખસી ગયા. સુનીલ દત્તના નસીબમાં જ ‘મિલન’ લખાઈ હતી.

વધુ વાતો પછી.

9 COMMENTS

  1. સામાન્ય વ્યક્તિ આપણા માં પારદર્શકતા નો અભાવ હોય છે ત્યારે રીલ લાઇફ, રીયલ લાઇફ વચ્ચે એકદમ ભરપુર મુક્ત જીવન રૂશીકપુર જેવા વિરલા જીવી જાણે. બોલીવુડમાં આવા સીતારાની ચમકતા રહેશે. ખુલ્લમ ખુલ્લા નાં આચમન બદલ આભાર.

  2. એકજ સ્વાશે વાંચી ગયો…..
    ખૂબજ રસાળ શૈલીમાં રજૂઆત…

  3. ભાઈ સૌરભ,
    ષિના ના જીવનની કિતાબ ખોલી આપી. તારો આભાર!

  4. Fantabulous informative article, though incomplete. Worth reading. Anxiously awaiting for the next part.

  5. Most fascinating! Hats off Saurabhbhai! There cannot be a better tribute to Rishi Kapoor than these reminiscences!

  6. ચાલુ રાખો, વાંચવું ગમે છે….
    RD બર્મન ના , ગાઈડ ના લેખો પણ ખૂબ ગમ્યા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here