બાયલા બનીને તટસ્થ રહેવું કે જે સાચું છે તેનો હિંમતભેર પક્ષ લેવો

ગુડ મૉર્નિંગ

સૌરભ શાહ

આ તટસ્થતાવાળું ક્યાંથી ઘૂસી ગયું છે ખબર છે? જેઓ પોતે કોઈ એક ચોક્કસ વિચારસરણીનો પક્ષ લઈ રહ્યા હોય છે પણ પક્ષપાતી દેખાવા નથી માગતા એટલે પોતાની ભાષાને તર્કજાળમાં લપેટી દેવાની આવડત જેમણે કેળવી છે તેઓ બીજાના મનમાં ભેરવી દેતા હોય છે કે તમારે પણ તટસ્થ રહેવું જોઈએ – જુઓ અમે કેવા તટસ્થ છીએ.

તટસ્થતાને અધ્યાત્મ સાથે સંબંધ હોઈ શકે – રાજકારણ કે વ્યવહારના જગત સાથે નહીં. જિંદગીમાં સુખ આવે કે દુ:ખ આવે તમે તટસ્થ બનીને સમતા રાખીને જીવ્યા કરો. આવી ફિલોસોફિકલ ઍટિટ્યુડનો જ્યાં સવાલ છે ત્યાં તટસ્થતા બરાબર છે. પણ બાકી તમારાથી તટસ્થ રહેવાય જ નહીં. ખુદ અદાલતનો ન્યાયાધીશ પણ તટસ્થ હોઈ શકે નહીં. એણે જે સાચું છે, સૌના માટે સારું છે તેનો પક્ષ લેવાનો જ હોય. આ અર્થમાં તે પક્ષ લેનાર કે પક્ષપાતી છે અને હોવો જ જોઈએ. કોઈ કહેશે કે આરોપી તરીકે એનો ભત્રીજો આવ્યો અને ગુનેગાર હોવા છતાં એને છોડી દીધો તો એ પક્ષપાતી વલણ ન કહેવાય. મિત્રો, એને પક્ષપાત નહીં કરપ્શન કહેવાય, ભ્રષ્ટાચાર કહેવાય અને એવા ભ્રષ્ટાચાર બદલ તો ખુદ ન્યાયાધીશને જેલમાં નાખી દેવો જોઈએ. કોઈ સરકારી બાબુ પોતાના સાળાને ટેન્ડર આપી દે એને પણ પક્ષપાત નહીં કરપ્શન કહેવાય. ભ્રષ્ટાચાર, સમજ્યા?

જાહેર જીવનમાં જે લોકો તમને તટસ્થ રહેવાની સલાહ આપતા ફરે છે તેઓ અંદરથી ડરી ગયેલા હોય છે. ખોંખારો ખાઈને, કૃત્રિમ ઈમેજની પરવા કર્યા વિના તમે જ્યારે દેશમાં જે લોકો સારું કરે છે, સાચું કરે છે એમનો પક્ષ લો છો ત્યારે જિંદગી ત્રાજવાનાં બે પલ્લાં સમતોલ રાખવામાં જેમણે પોતાનાં સમય-શક્તિ-નાણાં ખર્ચ્યા છે એમને ડર જ લાગવાનો. મોદી અને રાહુલની સરખામણી કરતી વખતે તમે ત્રાજવાનાં બે પલ્લાં સમતોલ કેવી રીતે રાખી શકો. ભાજપ વત્તા આરએસએસ એક તરફ અને કૉન્ગ્રેસ વત્તા સેક્યુલરો બીજી તરફ – આ બેની વચ્ચે સરખામણી કરતી વખતે તમે સમતોલ કેવી રીતે રાખી શકો. હિન્દુસ્તાન અને પાકિસ્તાન વચ્ચેની સરખામણી કરતી વખતે તમે ત્રાજવાનાં બે પલ્લાં સરખાં રાખી શકવાના છો? સ્વામી વિવેકાનંદ અને ઓવૈસી વચ્ચે કે રતન તાતા અને વિજય માલ્યા વચ્ચે કે પછી સ્વામી રામદેવ અને આર્કબિશપ ઑફ દિલ્હી વચ્ચે સરખામણી કરતી વખતે તમે ત્રાજવાના બે પલ્લાં સમતોલ કેવી રીતે રાખી શકવાના છો?

તટસ્થતા તકવાદી હોવાની, ક્ધફયુઝ્ડ હોવાની ભાનભૂલેલા હોવાની (એટલે કે મિસગાઈડેડ હોવાની) અથવા શિયર લોભી કે ચાલાક હોવાની નિશાની છે. ક્યારેક નર્યા ડરપોક હોવાની પણ નિશાની છે.

તમે જ્યારે તમારું બધું જ દાવ પર લગાવીને સાચા-સારાનો પક્ષ લગાવતા થઈ જાઓ છો ત્યારે જેનો પક્ષ લો છો એનું પલ્લું ભારે થઈ જાય છે. તમારામાં પ્રવેશેલા આ પોઝિટિવ ઝનૂન જોઈને, તમને મરણિયા બનેલા યૌદ્ધાની જેમ વર્તતા જોઈને પેલા દંભી તટસ્થતાવાદીઓ ચોંકી જાય છે. એમને ડર લાગે છે કે હમણાં એમનો તટસ્થતાનો દેખાવ ખુલ્લો પડી જશે અને પોેતે ઉઘાડા થઈ જશે. આવા તટસ્થ લોકો ખાનગીમાં એકદમ નૉન-તટસ્થ થઈ જશે. ખાનગીમાં પ્રિયતમાને મળતી વખતે દિલ ફાડીને એને પ્યાર કરશે કે જુબાન નીચોવીને ગાળાગાળ પણ કરશે. પરંતુ પત્ની સાથે તેઓ તટસ્થ રહેશે – થોડો પ્યાર અને થોડી તકરાર – બધું પ્રમાણસર. કારણ કે કુટુંબમાં પડોશીઓમાં પતિપત્નીના વ્યવહારોની નોંધ લેવાતી હોય છે. પ્રિયતમા સાથે તો એકાંતમાં જ મળવાનું હોય છે એટલે ત્યાં દંભની જરૂર નથી હોતી. પણ આપણને કોઈની પર્સનલ લાઈફમાં રસ નથી. આ તો સમજવા ખાતર એક ઉદાહરણ આપ્યું.

મેં તો વારંવાર લખ્યું છે અને જાહેરમાં અનેકવાર કહ્યું છે કે હું તટસ્થ નથી, મને જે સારું લાગે છે – સારું લાગે છે તેનો પક્ષ હું ઉઘાડે છોગે લઉં છું અને મારો પૂર્વગ્રહો અને તમારા પૂર્વગ્રહો જ્યારે એકમેક સાથે મૅચ થાય છે ત્યારે તમને હું તટસ્થ લાગું છું અને મૅચ નથી થતા ત્યારે મને પૂછવામાં આવે છે કે તમને આ બધું લખવાના મોદી કેટલા પૈસા આપે છે.

જેને તમે ચાહતા હો એમની તમારે ખોડખાંપણ કાઢ્યા કરવાની ન હોય. આ એક વાત. બીજી વાત એ કે ગાંધીજી પાસે ગાંધીજી જે કામ કરી ગયાં એવાં કામની જ અપેક્ષા રાખવાની હોય. ગાંધીજી દારાસિંહ સાથે કુસ્તી લડીને બતાવે તો માનું કે એ મહાત્મા છે એવું બોલનારાઓના મોઢા પર તો તમાચો મારવા પણ ન જવાનું હોય, એમને નિગ્લેક્ટ કરવાના હોય.

તમને કોઈ માણસ સારો લાગતો હોય અને કોઈ એના વિશે તમારો મત પૂછે તો કહો કે એ કેટલો સારો છે. પાણી પહેલાં પાળ બાંધવાના ઈરાદે એના નેગૅટિવ્સ ગણાવવા નહીં બેસતા. અન્યથા અભિપ્રાય જ નહીં આપતા. મેં ઘણા એવા માણસો જોયા છે, ઘણા એટલે ઘણા જ, જેઓ હાથમાં ત્રાજવું જ લઈને ફરતા હોય. ઊંઘમાં પણ ત્રાજવું તોળતા હોય એમ બેઉ પલ્લાં સમતોલ રાખ્યા કરશે. કોઈના વિશે બે શબ્દો સારા બોલશે તો તરત બે શબ્દો અવળા પણ ઉચ્ચારી નાખશે. ક્યારેક કોઈનું ઘસાતું બોલાઈ જશે તો તરત બે વખાણ પણ ઉમેરી દેશે. આવા લોકો સાવ ભીરું હોય છે. નિર્વીર્ય અને ફિસ્સા.

તટસ્થ બનવાની હોંશ રાખ્યા વિના જે સાચું લાગ્યું, સારું લાગ્યું તેના પડખે રહેવામાં હિંમત જોઈએ, કશુંક ગુમાવવાની તૈયારી જોઈએ. કારણ કે પક્ષ લેનારાઓ યુ ટર્ન મારી શકતા નથી. તટસ્થવાળાઓ મનફાવે ત્યારે યુ ટર્ન મારીને જે પંગતમાં લાડવા પીરસાતા હોય ત્યાં જઈને બેસી જતા હોય છે. આવા લોકો બેઉ બાજુના વિચારોને વારાફરતી બિરદાવતા રહેશે અને લાગ મળ્યે બેઉ બાજુના લોકોને વારાફરતી ધોલધપાટ પણ કરતા રહેશે. દુનિયાના પ્રદૂષણમાં ઉમેરો કરનારા આવા તટસ્થોની જમાત કંઈ નાનીસૂની નથી. પત્રકારત્વમાં જ નહીં દરેક ક્ષેત્રમાં આવા લોકો તમને ભટકાયા કરતા હશે.

નાના માણસોને પોતે તટસ્થ દેખાશે તો જ પોતાને રેક્ગ્નિશ્ન મળશે એવી ખબર પડી ગઈ હોય છે. એટલે તેઓ પોતાના તકવાદને, પોતાની ભીરુતાને, પોતાના ક્ધફ્યુઝનને અને પોતાની લાલચોને તટસ્થતાના મહોરાથી ઢાંકીને ફરતા રહે છે.

નેક્સ્ટ ટાઈમ તમને કોઈ તટસ્થ માણસ દેખાય તો એણે ઓઢેલો અંચળો ખેંચી જોજો અને એનો અસલી ચહેરો કેવો છે એ જણાવજો મને.

આજનો વિચાર

મોદીજીની સોગંદવિધિમાં ૧૩ દેશોના વડા પ્રધાનો/ રાષ્ટ્રપ્રમુખો આવ્યા હતા. કુમારસ્વામીની શપથવિધિમાં વડા પ્રધાનપદના ૧૩ દાવેદાર આવ્યા.

– વૉટસએપ પર વાંચેલું

એક મિનિટ!

બકો: માથાના દુખાવાની ગોળી આપો.

કેમિસ્ટ: પ્રિસ્ક્રિપ્શન લાવ્યા છો સાથે?

બકો: આ લો…

કેમિસ્ટ: અત્યારે ચલાવી લઉં છું. નેકસ્ટ ટાઈમ ડૉકટરનું પ્રિસ્ક્રિપ્શન જોઈશે, દર વખતે મૅરેજ સર્ટિફિકેટ બતાવીને લઈ જાઓ છો…

( મુંબઇ સમાચાર : શુક્રવાર, 25 મે 2018)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here