વિનોદ ભટ્ટ: મરક મરકથી ખડખડાટ

ગુડ મૉર્નિંગ

સૌરભ શાહ

 

સોપો પડી ગયો.

કાનમાં ધાક પેસી ગઈ હોય એવું લાગ્યું જ્યારે બપોરે પોણાબાર-બારના સુમારે વિનોદ ભટ્ટના સમાચાર મળ્યા ત્યારે.

નિરંજન ભગત ક્યારે ગુજરી ગયા. ફેબ્રુઆરીની પહેલીએ. એ જ દિવસે રાત્રે વિનોદ ભટ્ટને ફોન કરીને નિરંજનભાઈ વિશે એમણે લખેલાં અને મેં ભગતસાહેબ વિશેના બીજા દિવસે પ્રગટ થનારા લેખમાં ક્વોટ કરેલાં સંસ્મરણો વાગોળ્યાં હતાં. વિનોદ ભટ્ટ સાથેનાં સાડાત્રણ દાયકા કરતાં વધુ સમયની સ્મૃતિઓ કોની સાથે વાગોળું, સમજ પડતી નથી. મન ખાટું થઈ જાય છે. હવે એવું કોઈ રહ્યું નહીં.

બકુલ ત્રિપાઠી, વિનોદ ભટ્ટ અને તારક મહેતા. ગુજરાતી ભાષાની આ દિગ્ગજ હાસ્યત્રિપુટીએ એક આખા યુગ દરમ્યાન આપણને મરક મરકથી ખડખડાટ સુધીનું હાસ્ય આપીને હળવાફૂલ બનાવ્યા. આ ત્રણેય વિરાટ હાસ્યકારોના કેટલાક સમકાલીન હાસ્યલેખકો વિદ્યમાન છે, પ્રભુ એમને સો વર્ષનું આયુષ્ય આપે.

ગુજરાતી સાહિત્યનું સદ્નસીબ છે. ‘ભદ્રંભદ્ર’ના રચયિતા રમણભાઈ નીલકંઠની પછીની પેઢીમાં જ્યોતીન્દ્ર દવે આપણને મળ્યા. જ્યોતીન્દ્ર પછી આ (સદ્ગત) ત્રિપુટી આવી. એમના પછી બીજી બે પેઢીના હાસ્ય સાહિત્યકારો અત્યારે ઉત્તમ કાર્ય કરી રહ્યા છે.

પણ અત્યારે મન ખાટું થઈ ગયું છે. જેમની સાથે વ્યવસાયને કારણે નિકટના સંબંધો બંધાયા એ ત્રણેય મારા મનગમતા હાસ્ય સાહિત્યકારો એક પછી એક છેલ્લા સવા-દોઢ દાયકામાં જતા રહ્યા. બકુલ ત્રિપાઠી સાથે આ ત્રણેયમાં સૌથી વધુ નિકટતા હતી. મારાં લગ્નમાં ખાસ અમદાવાદથી આશીર્વાદ આપવા આવ્યા હતા. ગજબના વિદ્વાન. જ્યોતીન્દ્ર દવેને ત્યાં કૉલેજના દિવસોમાં ગયો હતો અને કૉલેજના એક ફંકશનમાં મન ભરીને એમને સાંભળ્યા હતા. તારક મહેતાનાં મુંબઈનાં પાછલાં વર્ષો દરમ્યાન નિકટતા કેળવાઈ. પણ વિનોદ ભટ્ટ સાથે અર્લી એઈટીઝથી આત્મીયતા. અમદાવાદની અવરજવર દરમ્યાન અચૂક મળવાનું થાય. છેક કાંકરિયા પાસે, વેદ મંદિર રોડની ધર્મયુગ કૉલોનીમાં રહેતા એટલે અમદાવાદમાં કામકાજ માટે હોઈએ તોય એમનું ઘર ઘણું આઘું પડે, પણ ફોન કર્યો હોય તો ક્યારે પ્રતિકૂળતા ઢાંકીને પણ ‘તમને જ્યારે સમય હોય ત્યારે આવો, પણ આવો જ’ કહીને આવકાર આપે. એટલે કાંકરિયા સુધીનું લાંબું અંતર ઝડપથી કપાઈ જાય.

પોતાની પ્રશંસા સાંભળવા કરતાં બીજાઓ વિશેની સારી સારી વાતો જાણવા માટે ખૂબ આતુર. હસમુખ ગાંધીના જબરા ફૅન. ગાંધીભાઈના ગયા પછી એક વખત અમદાવાદની મુલાકાત દરમ્યાન સળંગ બે કલાક સુધી મારી પાસેથી એમણે ગાંધીભાઈ વિશેની વાતો સાંભળી. વચ્ચે વચ્ચે કહેતા જાય કે આ બધું તમારે કાગળ પર ઉતારી લેવું જોઈએ. વિદાય વખતે કહે કે તમારી આત્મકથામાં ગાંધીભાઈ વિશે એક સેપરેટ ચેપ્ટર લખજો. મેં કહેલું કે હું તો આત્મકથા ક્યારેય લખવાનો જ નથી.

પણ એમણે લખી. ‘એવા રે અમે એવા’ નરસિંહ મહેતાની પંક્તિનો કેવો સરસ ઉપયોગ કર્યો શીર્ષકમાં. વિનોદ ભટ્ટની આત્મકથા રવિવારના છાપામાં ધારાવાહિક પ્રગટ થતી હતી ત્યારે એક પ્રકરણ વાંચીને હું ખૂબ રડ્યો. કલાક સુધી સૂનમૂન બેસી રહ્યો પછી વિનોદભાઈ સાથે એસ.ટી.ડી. પર વાત કરી ત્યારે જરા સુધ વળી.

પ્રસંગ કંઈક એવો લખ્યો હતો એમણે કે બાળપણમાં સ્કૂલે જવા માટે ઘરમાં છોકરાંઓને ચંપલ આપવામાં ન આવે, એવી ગરીબી. ઉઘાડા પગે જવાનું. એક દિવસ નાના વિનુને એવું તોફાન સૂઝયું કે બાપાનાં ચંપલ પહેરીને સ્કૂલમાં વટ પાડીએ. પિતાને ખબર ન પડે એ રીતે એમનાં ચંપલ પહેરીને વિનોદ ભટ્ટ સ્કૂલે ગયા. બે-ચાર પિરિયડ પછી બાપા સ્કૂલમાં દેખાયા, વિનોદ ભટ્ટે વિચાર્યું કે, ‘આવી બન્યું.’ બાપાએ વર્ગમાં આવીને શિક્ષકને વિનંતી કરી કે મારા દીકરાને જરા વાર બહાર મોકલો, મારે કામ છે. વિનોદભાઈ સમજી ગયા કે આજે તો શાળામાં બધાંની વચ્ચે બાપાના હાથનો માર ખાવાનો છે. વિનોદ ભટ્ટ બહાર જાય છે. બાપા કોઈ જુએ નહીં એ રીતે એમને પોતાની પાસે લઈને કહે છે, ‘બેસણામાં જવાનું છે. ચંપલ આપી દઈશ મને.’ બાપાની આંખમાં ઝળઝળિયાં હોય છે.

‘વિનોદની નજરે’માં એમણે ભલભલાની ફિરકી ઉતારી. ‘કુમાર’માં ૧૯૭૭ના અરસામાં આ સિરીઝ ચાલી. ત્યારથી વિનોદ ભટ્ટ અમુક લોકોની આંખમાં વસી ગયા અને કેટલાકની નજરમાં ખટકવા લાગ્યા. આ સિરીઝમાં છેલ્લે એમણે પોતાની પણ ફિરકી ઉતારેલી.

સંપાદનો કરવાની એમને બહુ હોંશ અને કાબિલ પણ ખરા. ગુજરાતી સાહિત્યમાં લખાયેલી ‘એ પ્રકારની’ ટૂંકી વાર્તાઓ શોધી શોધીને સંપાદન કર્યું જે ‘શ્ર્લીલ અશ્ર્લીલ’ના નામે પ્રગટ થયું. ‘ગ્રંથ’માં ચંદ્રકાન્ત બક્ષીએ એનો રિવ્યુ કરેલો અને આબિદ સુરતીની ‘બિલ્લી’ કે એવા કોઈ શીર્ષકવાળી વાર્તાનો ત્રણ જ શબ્દોમાં વાજબી રીતે કચરો કરી નાખેલો: ‘મનહૂસ બિલ્લી, મ્યાઉં!’ જોકે, આ સંપાદનમાં પ્રગટ થયેલી ‘કુત્તી’ વાર્તાને લીધે બક્ષી પોતે જ મુસીબતમાં મુકાયેલા જેની કથા અહીં અપ્રસ્તુત છે. પણ એ વાત જરૂર પ્રસ્તુત છે કે ‘વિનોદની નજરે’માં બક્ષી વિશે લખાયા પછી બક્ષી વિનોદ ભટ્ટને પોતાના દુશ્મન માનતા થઈ ગયા હતા. આવી માન્યતાને લીધે નુકસાન બક્ષીને જ થતું. વિનોદ ભટ્ટ હાસ્યલેખક તરીકે વધુ ને વધુ ઊજળો હિસાબ આપતા થયેલા.

મારી લાઈબ્રેરી ફંફોસતાં ‘પ્રિય સૌરભભાઈને સપ્રેમ’ લખીને વિનોદ ભટ્ટના હસ્તાક્ષર સાથેનું એક પુસ્તક મળી આવે છે જેમાં ૪-૫-૮૭ની તારીખ છે. ચંદ્રવદન ચી. મહેતાનાં આત્મકથનાત્મક પુસ્તકો તથા પ્રવાસગાથાઓનાં પુસ્તકોમાંથી વીણી વીણીને કરેલું સંપાદન છે: ‘પ્રસન્ન ગઠરિયાં.’

ચં. ચી. વિશે એમણે ‘વિનોદની નજરે’માં લખેલી એક વાત યાદ આવે છે. પુસ્તક બાજુમાં જ છે પણ પાનાં જર્જરિત છે. સ્મૃતિમાંથી લખું છું: ચંદ્રવદન મહેતા જેમને પરણ્યા હતા તે સ્ત્રી ચંદ્રવદનના ખાસ મિત્રના પ્રેમમાં પડી અને એને પરણી પણ ગઈ. એ સ્ત્રી જ્યારે મૃત્યુ પામી ત્યારે ચં.ચી. ખરખરો કરવા ગયા. એમનો મિત્ર એમના ખભા પર માથું નાખીને ધ્રુસકે ધ્રુસકે રડે. ચં.ચી.એ એને છાનો રાખતાં કહ્યું: હવે રડવાનું બંધ કર. હું બીજી વાર પરણવાનો છું.’

વિનોદ ભટ્ટની કાતિલ સેન્સ ઓફ હ્યુમરનાં સેમ્પલ્સ તમને ‘વિનોદની નજરે’ના પાને પાને વાંચવા મળે, ખૂબ લખ્યું, એમણે સાપ્તાહિક કૉલમ વર્ષો સુધી ચલાવી. એમાંથી સમયના ચાકડે ચડી શકે એવા લેખોનાં પુસ્તકો થયાં. અમદાવાદ શહેરની તાસીર વિશેની એક અદ્ભુત સિરીઝ લખી. મન્ટો, ચાર્લી ચેપ્લીન વગેરે વિશેની નાની પણ ખૂબ ઊંડાણભર્યા અભ્યાસનો હિસાબ આપતી પુસ્તિકાઓ આપી. ‘વિનોદ વિમર્શ’માં હાસ્યની પીએચ.ડી. માટેના શોધનિબંધની ગરજ સારે એવું કામ કર્યું.

ગુજરાતી સાહિત્યના રાજકારણથી ખૂબ સારી રીતે પરિચિત. શંકરસિંહ વાઘેલા મુખ્યમંત્રી હતા ત્યારે વિનોદ ભટ્ટ પરિષદના પ્રમુખ. સરકાર પાસેથી ૫૧ લાખ રૂપિયા સંસ્થાને અપાવેલા. આટલી વગ છતાં પોતાની લાઈફ સ્ટાઈલ સાદી. ટોટલી નૉન-કરપ્ટ. અમદાવાદમાં સાહિત્યના કોઈ ફંક્શનમાં માઈક પરથી વિનોદ ભટ્ટે મંચસ્થ સી.એમ. નરેન્દ્ર મોદીને ટકોર કરી હતી કે તમારે પણ સાહિત્ય પરિષદમાં ઍક્ટિવ થવું જોઈએ. મોદીએ જ્યારે પોતાનો વારો આવ્યો ત્યારે માઈક પરથી વિનોદ ભટ્ટના પ્રપોઝલના જવાબમાં સિક્સર લગાવી હતી: ‘હું તો ભૈ, લિમિટેડ પોલિટિક્સનો માણસ છું. તમારા લોકોના રાજકારણમાં મારો ગજ ના વાગે!’

પહેલી ફેબ્રુઆરીએ વિનોદ ભટ્ટ સાથે છેલ્લી વાત થઈ. કાલે ત્રેવીસમી મે. વચ્ચે એમને હૉસ્પિટલાઈઝ કર્યા પછી વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા અને એમનું અવસાન થયું એવા સમાચાર આવ્યા જે સદ્નસીબે અફવા પુરવાર થયા હતા.

જિંદગીમાં કેટલાક માણસો એવા મળે છે જેમના મૃત્યુના સમાચાર અફવા હોય તો સારું એવું માનવાનું મન થાય.

આજનો વિચાર

‘સમયની પાબંદીનો રોગ પણ તેને ખરો. પણ તેથીય મોટો રોગ વહેલા પડવાનો છે. સવારે છ વાગ્યાની ટ્રેઈનમાં બહારગામ જવાનું હોય તો ચિંતામાં ને ચિંતામાં ચાર વાગ્યા સુધી બરાબર ઊંઘી શકે નહિ; ને વચ્ચે એકાદ ઝોકું આવી જાય તો એમાંય સપનું તો ટ્રેન ચૂકી ગયાનું જ આવે; એટલે પછી પાંચ વાગ્યા સ્ટેશન પર ગાડીની વાટ જોતો બેસી જાય.

– વિનોદ ભટ્ટ ‘વિનોદની નજરે’માં પોતાના વિશે.

(મુંબઇ સમાચાર : મંગળવાર, ગુરુવાર, 24 મે 2018)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here