મિત્રો,
આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરવા વડા પ્રધાને હર ઘર તિરંગાની જવાબદારી આપણને સોંપી છે.
મારાં એકબે સૂચન છે.
નૉર્મલી ઘરમાં (કે પછી કારમાં) આપણે ગણપતિની મૂર્તિ કે છબિ રાખી હોય તો રોજરોજ એની પૂજા નથી કરતા પણ ગણેશોત્સવ દરમ્યાન વિઘ્નહર્તા વિનાયકની આપણા ઘરે પધરામણી કરીએ ત્યારે રોજ અચૂક સ્તુતિ ગાઈને પૂજા કરીએ છીએ.
૧૩, ૧૪, ૧૫ ઑગસ્ટ દરમ્યાન ઘરમાં તિરંગાની સ્થાપના કરીએ ત્યારે સૂર્યોદય પછી અને સવારે નવ વાગતાં પહેલાં ઘરના સૌ સભ્યો નહાઈધોઈને રાષ્ટ્રધ્વજને સલામી આપીને રાષ્ટ્રગીત ગાઈને તિરંગાની વંદના કરીએ.
બીજું, આમ તો પ્રોટોકોલ મુજબ રાષ્ટ્રધ્વજ રાત્રે પણ લહેરાતો હોય તો તે સ્પષ્ટ રીતે દેખાય એવું લાઈટિંગ કરવું અનિવાર્ય છે, પણ ૧૩, ૧૪, ૧૫ ઑગસ્ટના હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત આવા કોઈ પ્રોટોકોલનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી એટલે રાત્રે ધ્વજ અંધારામાં લહેરાતો રહે તો કોઈ વાંધો નહીં. પણ આપણે એવું કરી શકીએ કે ઘરમાંથી જ એ પ્રકારની લાઈટ જો મળે અથવા તો ઈલેક્ટ્રિકનો સામાન વેચનારાની દુકાનેથી આઉટડોર માટેની એલઈડીવાળી ફ્લડલાઈટ લઈને એમાં એક્સ્ટ્રા વાયર નખાવીને ધ્વજ પાસે ગોઠવી શકીએ જેનું કનેક્શન ઘરના સ્વિચબોર્ડ સાથે હોય. મેં ગઈ કાલે જ આવી બે લાઈટ ખરીદી જે મને પંદરમી પછી યુ ટ્યુબ વીડિયો બનાવતી વખતે વધારાની લાઈટ તરીકે પણ કામ લાગશે.
આ બે વાત અમલમાં મૂકી શકાય તો સારું છે, કોઈ આગ્રહ નથી, માત્ર સૂચન છે.
આ ઉપરાંત એક વાત છે. રાષ્ટ્રધ્વજને લહેરાવ્યા પછી એને ઘરમાં સાચવીને મૂકી રાખવો હોય તો કેવી રીતે એની ગડી કરવી તેનો પણ પ્રોટોકોલ હોય છે. ‘મુંબૈયા ગુજરાતી’ મૅગેઝિને સવિસ્તર ગ્રાફિક્સ સાથે આ સમજાવ્યું છે. નજર નાખી લેશો.
છેલ્લી વાત. ફાટી ગયેલા કે ઝાંખા પડી ગયેલા કે પછી વાપરી ન શકાય તેવા બની ગયેલા રાષ્ટ્રધ્વજનું શું કરવું ? તેનો વિધિસર ત્યાગ કરવાનો પ્રોટોકોલ તો સરકારે આપ્યો જ છે પણ મને લાગે છે કે એવું બધું કરવાને બદલે દરેક ગામ-શહેરમાં પૂજાનાં ફૂલ વગેરે નદીમાં પધરાવીને જળ પ્રદુષિત ન થાય તે માટે સ્થાનિક શાસન મોટા કળશની કે પછી એવી જ કોઈ વ્યવસ્થા કરતી હોય છે. રાષ્ટ્રધ્વજને ગડી કરીને એક કાગળમાં વીંટાળીને પૂજાનાં ફૂલ વગેરેનું વિસર્જન કરતાં હોઈએ એવી ભાવનાથી લાગણીપૂર્વક એ પાત્રમાં મૂકી દેવા.
તહેવારોની શુભેચ્છા.
—સૌ. શા.