અહીં આવીને તમારી સૌથી મોટી પ્રાપ્તિ કઈ?—હરદ્વારના યોગગ્રામમાં ૨૦મો દિવસ : સૌરભ શાહ

( ગુડ મૉર્નિંગ : ચૈત્ર વદ ચોથ, વિક્રમ સંવત ૨૦૭૮. બુધવાર, ૨૦ એપ્રિલ ૨૦૨૨)

મુંબઈથી સોળસો-સત્તરસો કિલોમીટર દૂર આવેલા યોગગ્રામમાં રહીને શરીરમાં જેમ આંતરિક-બાહ્ય ફેરફારો આવી રહ્યા છે એમ હું જોઈ રહ્યો છું કે મારી માનસિકતામાં પણ ઘણું મહત્ત્વનું પરિવર્તન આવી રહ્યું છે.

એનું એક કારણ એ હશે કે શારીરિક ફેરફારો આવતાં જ મનની સ્ફૂર્તિ-એનર્જી ઘણી વધી જતી હશે. બીજું એ પણ ખરું કે ઘરથી આટલે દૂર અને આટલા બધા વખત માટે રહીને, પ્રેક્ટિકલી તમામ પરિચિતો-મિત્રો-સગાંવહાલાંથી દૂર રહીને, કહોને કે એકાન્તમાં રહીને તમે ડિટેચ્ડ થઈને ઘણા નવા પર્સપેક્ટિવથી વિચારવા લાગો. ફોન-વૉટ્સઍપથી પણ દુનિયા સાથે બહુ ઓછો સંપર્કમાં છું.

ઘણા ફેરફારો આવ્યા છે મારી માનસિકતામાં. લખવું મારા માટે શ્વાસ લેવા સમાન છે એ બરાબર પણ લખવાની સાથે મારે ‘જીવવું’ પણ જોઈએ એવું અત્યારે મને લાગી રહ્યું છે. ‘જીવવા’થી મારો મતલબ છે આ વિશાળ દુનિયાને આખેઆખી મારા સ્ટડીરૂમમાં સમાવી દેવાને બદલે મારે મારા ટાપુમાંથી બહાર નીકળવું જોઈએ. અલગઅલગ જગ્યાઓએ ફરવું જોઈએ. નવા નવા લોકોને જઈને મળવું જોઈએ. મુંબઈમાં, મુંબઈની આસપાસના નજીકના સ્થળોએ, મહારાષ્ટ્રના ઇન્ટિરિયરમાં જ્યાં બહુ ઓછી જગ્યાઓએ હું ગયો છું ત્યાં પણ જવું જોઈએ. ગુજરાતના એકેએક જિલ્લામાં હું અનેક પ્રવાસો કરી ચૂક્યો છું, ખૂબ રખડ્યો છું. એ બધી જગ્યાઓએ ફરી જવું જોઈએ. મારા વતનના ગામ દેવગઢ બારિયા જઈને ત્યાંના પરિચિતોને-વડીલોને મળવું જોઈએ. બાપદાદાઓનું ઘર હવે ત્યાં નથી પણ એ ઘરમાં જેટલું વાત્સલ્ય મળતું એવી જ હૂંફ આપનારા સ્વજનો ત્યાં છે. વડોદરા મોસાળે જવું જોઈએ. ભારતના અલગ અલગ પ્રદેશોમાં જઈને અઠવાડિયું-પંદર દિવસ જવું જોઈએ. મુંબઈમાં, અમદાવાદમાં, સુરત-રાજકોટ-વડોદરા અને બીજાં અનેક શહેરોમાં રહેતા મારા મિત્રો-પરિચિતો-સ્વજનો-સ્નેહીઓ— બધા સાથે મળીને ખાવાનો, જમવાનો કાર્યક્રમ કરવો જોઈએ. વન-ડે પિકનિક-પર્યટનો પર ઉપડી જવું જોઈએ.

મારી જિંદગી છેલ્લાં વર્ષોમાં મારા વાંચન-લેખન ઉપરાંત નાટકો-ફિલ્મો-શાસ્ત્રીય સંગીતના કાર્યક્રમો અને મુંબઈની ચારછ ફેવરિટ જગ્યાઓએ જઈને ખાવા પૂરતી સીમિત થઈ ગઈ હતી. ક્યારેક મિત્રોને પણ મળીએ તો ક્યારેક વાચકોને પણ મળીએ. પરંતુ ક્યારેક જ, રેગ્યુલરલી નહીં.

મારે હવે આ સીમિત જિંદગીની સીમાઓ વિસ્તારવી છે. અફકોર્સ, વચ્ચે કોરોનાકાળનાં બે વર્ષ ગયાં એટલે ઘરમાં પૂરાઈ રહેવામાં જ સલામતી હતી અને અમને લોકોને કોરાના ન થયો એમાં આ સાવચેતી પણ જરૂર કારણભૂત હશે. પણ કોરોના ન હોત તો પણ મારી, મોર ઓર લેસ એકાંતપ્રિય, જિંદગીમાં બહુ મોટા ફેરફારો ન થયો હોત.

‘જીવવું’ એટલે લેખન-વાચન-મનન ઉપરાંતના કલાકોમાં સૌની સાથે, આખી દુનિયા સાથે જોડાયેલા રહેવું—જે હવે હું શરૂ કરવાનો છું. કારણ કે ખાવાપીવાથી માંડીને બીજી ઘણી ટેવો બદલાઈ રહી છે જેને કારણે મારી શારીરિક ક્ષમતા અને મારું માનસિક વાતાવરણ પણ બદલાઈ રહ્યાં છે.

આ બધું પરિવર્તન યોગગ્રામના શુદ્ધ, પ્રદૂષણ રહિત, સાત્વિક અને આવકારભર્યા વાતાવરણને આભારી છે. બીજે ક્યાંય જઈને આવું રિયલાઇઝેશન ન થયું હોત

જૂનમાં અમદાવાદ જવાનું પ્લાનિંગ કરી રહ્યો છું. ત્યાંથી દંતાલિમાં સ્વામી સચ્ચિદાનંદને અને વડોદરા ગુણવંત શાહને તથા મામાને મળવા જવાનો વિચાર છે. ડાકોર ઘણા વખતથી નથી જવાયું. રણછોડજીનાં દર્શન કરવાં છે. નાથદ્વારા પણ નથી જવાયું. કોરોનાના આગલા વર્ષે ગયો હતો. એક જમાનો હતો વર્ષમાં કમ સે કમ એક વાર, ક્યારેક બે વાર શ્રીજીબાવાનાં દર્શને જતો. દિવાળી પહેલાં એ પણ ગોઠવીશું. શિયાળાના વખતમાં ગુજરાતની બુકટુર ગોઠવવાની છે. દિવાળી પછી મારાં કેટલાંક પુસ્તકો, હરદ્વારના યોગગ્રામમાં 50 દિવસ સહિતનાં કેટલાંક પુસ્તકો, પ્રગટ થવાનાં છે. એને પ્રમોટ કરવા દક્ષિણ ગુજરાતનાં વાપી, વલસાડ, નવસારી, બિલીમોરા, બારડોલી, સુરત, ભરૂચથી શરૂ કરીશું પછી રાજકોટ જઈને સૌરાષ્ટ્રની સર્કિટમાં ફરી વળીશું.

આ ઉપરાંત એક નવલકથા લખવા માટેનો જબરજસ્ત પ્લૉટ તૈયાર છે. એક આખો મહિનો ક્યાંક ઉપડીને એનો ફર્સ્ટ ડ્રાફ્ટ લખવાનો પ્લાન છે. કદાચ સાઉથ ગુજરાતમાં કોઈ રમણીય અને એકાંતભર્યા સ્થાને અથવા તો પછી મસૂરી જતો રહીશ. એ પહેલાં બાળસાહિત્યનાં પુસ્તકોનો એક સેટ લખવાનો છે જેના માટે એકાદ અઠવાડિયું મુંબઈની નજીક ક્યાંક જતો રહીશ. મે બી માથેરાન.

લખવું અને પુસ્તકો તૈયાર કરવાં એ તો મારું કામ છે, મઝાનું કામ છે અને ભરપૂર પૅશન છે, મારી એકમાત્ર આજીવિકા છે; પણ એના સિવાયની પણ દુનિયા છે, જે ઘણી મોટી છે અને એ હવે મારે એક્સપ્લોર કરવાની છે.

આ બધું પરિવર્તન યોગગ્રામના શુદ્ધ, પ્રદૂષણ રહિત, સાત્વિક અને આવકારભર્યા વાતાવરણને આભારી છે. બીજે ક્યાંય જઈને આવું રિયલાઇઝેશન ન થયું હોત. બીજે ક્યાંય જઈને પચાસ દિવસ રહેવાનો પ્લાન જ ન બન્યો હોત.

અને હા, એક વાત રહી ગઈ. હમણાંથી ઘરમાં હું કિચનમાં ભાગ્યે જ જઉં. નાસ્તાના ડબ્બા ખંખોળવા સિવાય રસોડામાં પગ પણ ન મૂકું. એક જમાનો હતો જ્યારે હું જાતજાતની વાનગીઓ બનાવતો. પપ્પા-મમ્મીની સાથે રહેતો ત્યારે તો કોઈ વખત હું મોડો આવું તો પપ્પા મારી રાહ જુએ—સૌરભના હાથે જમવાની વધારે મઝા આવશે, ભલે થોડું મોડું થતું—એવું કહે. મારાં સગાં-મિત્રો-નિકટવર્તુળમાં મારી બનાવેલી અનેક વાનગીઓ વખણાતી. મને પણ ખાવાનું બનાવવાની અને સૌને આગ્રહ કરી કરીને ખવડાવવાની ખૂબ મઝા આવે. પણ ક્રમશઃ હું રસોડામાં જતો જ બંધ થઈ ગયો. રસોઈ બનાવવાનો મને ઉત્સાહ જ ન રહ્યો. ઘરમાં મારી રેસિપીઓ ફૉલો થાય એટલું ઘણું. કોરોનાએ ખરેખર કાળો કેર વર્તાવી દીધો.

હવે મારામાં એવો ઉત્સાહ જાગ્યો છે કે રોજ હું બ્રેકફાસ્ટ, લંચ કે ડિનરમાંથી એક વખતનું જમવાનું તો જાતે બનાવીશ જ, પૂરું નહીં તો એટલીસ્ટ એકાદ આયટમ. સાંજના નાસ્તા પણ ઘરમાં તાજા બનાવીશ. ઘરનાં બીજાં નાનાંમોટાં કામો માટે પણ સમય ફાળવી શકીશ.

મારા માટે આ ઘણું મોટું પરિવર્તન છે. યોગગ્રામમાં આવીને મારી જૂની ઉંમર, મારી જેની લાઇફ, મારી જૂની ફિઝિકલ અને મેન્ટલ એનર્જી મને પાછી મળી રહી છે.

થોડાં વર્ષો પહેલાં પૂજ્ય મોરારી બાપુની ઘરે પધરામણી થઈ ત્યારે કે પછી ક્યારેક કવિ રઇશ મનીઆર કે સુરેશ રાજડા- સંજય ગોરડિયા-વિપુલ મહેતા-કૌસ્તુભ ત્રિવેદી-મનોજ શાહ જેવા નાટ્યકાર મિત્રો આવે ત્યારે કે પછી વડીલ સાહિત્યકાર મધુ રાય કે પછી કાજલ ઓઝા વૈદ્ય કે ક્યારેક જય વસાવડા જેવાં લેખકમિત્રો આવ્યાં હોય ત્યારે કે પછી દોસ્તો સાથે આર.ડી. બર્મનની જન્મ જયંતિ ઉજવતાં હોઈએ ત્યારે કે ઘરમાં થર્ટી ફર્સ્ટની પાર્ટી હોય ત્યારે હું ફુલ્લી એક્ટિવ રહેતો. પાણીપુરી, ભેળપુરી, સેવપુરી ઉપરાંત પાઉંભાજી, રગડાપેટિસ, સાબુદાણાની ખીચડી, નિદા ફાઝલીની ખીચડીથી માંડીને ડઝનબંધ મન્ચિંગ્સ અને બીજા ઘણા નાસ્તાઓ બનાવતો. ખૂબ મઝા આવતી.

પણ ધીમે ધીમે હું એમાંથી વિથ્ડ્રો થતો ગયો. ખબર નહીં શું કામ.

હવે ફરી પાછો પ્રવૃત્ત થઈ જઈશ. રસોડામાં ફરી પ્રવૃત્ત થવાની પ્રેરણાનું એક કારણ નિગમ ઠક્કર રેસિપીઝની યુટ્યુબ ચેનલ પણ છે જે અહીં યોગગ્રામમાં આવીને ક્યારેક દસેક મિનિટની ફુરસદ હોય તો શાંતિથી જોઈ લઉં છું. ટ્રેડિશનલ ગુજરાતી વાનગીઓ નિગમ ઠક્કર બહુ સરસ રીતે બનાવે છે, શીખવાડે છે.

અહીં આવીને મારી માનસિકતામાં જે પરિવર્તન આવી રહ્યું છે એનું હજુ એક કારણ મને દેખાઈ રહ્યું છે. યોગગ્રામમાં રહીને મનમાં છુપાઈ રહેલાં ઉચાટ, સ્ટ્રેસ, ચિંતા, ભય, ઉદ્વેગ— જે નામ આપો તે એ બધું જ જાણે છૂ થઈ રહ્યું છે. હળવાફૂલ બની ગયા છીએ. એનું કારણ માત્ર શારીરિક વજન ઓછું થઈ ગયું છે તે જ નથી, મગજ પર સંઘરી રાખેલો ઘણો બધો ભાર, વજનદાર અને ભારેખમ બની ગયેલો બોજો પણ ઊતરી ગયો છે.

હું વિચારું છું કે આવું શું કામ બન્યું હશે? કેવી રીતે બન્યું હશે? યોગાસન અને પ્રાણાયામની અસર તો હશે જ હશે. સ્વામી રામદેવના સાન્નિધ્યમાં પાંગરેલા આ પરિસરના વાઇબ્રેશન્સ પણ હશે. આ ઉપરાંત મને લાગે છે કે બ્રાહ્મમુહૂર્તમાં ઉઠીને પ્રવૃત્ત થઈ જવાની જે મઝા આવે છે તે ટેવ પણ આ ઉચાટ વગેરેને ભગાડી દેવામાં કારણભૂત હોવી જોઈએ. કેવી રીતે? બ્રાહ્મમુહૂર્તમાં સાડા ત્રણ વાગ્યે ઊઠી જવાથી, તમે નવ-દસ વાગ્યા સુધીમાં એટલી બધી પ્રવૃત્તિ કરી નાખો છો, એટલું બધું કામ પૂરું કરી શકો છો જે કરતાં, અગાઉ નૉર્મલી એક આખો દિવસ પૂરો થઈ જતો. સાડા ત્રણથી દસ ગણો તો સાડા છ કલાક થયા. આ સમય ગાળાની એનર્જી એટલી બધી હોય કે તમારું દરેક કાર્ય તમારી સ્ફૂર્તિને કારણે અડધા સમયમાં થઈ જાય એટલું જ નહીં એ કામની ગુણવત્તા અને ચોક્સાઈ ડબલ થઈ જાય. આમ છએક કલાકમાં જ તમે દસ-બાર કલાક જેટલું કામ પૂરું કરી નાખો અને તેય વધારે એફિશ્યન્ટલી.

સવારના દસ વાગ્યા પછી તમારી પાસે હજુ બીજા બાર કલાક હોવાના. એટલે કે એક આખો દિવસ હોવાનો. આ રીતે તમે એક દિવસમાં એટલું કામ કરી શકો જેટલું કામ પૂરું કરતાં અગાઉ બે દિવસ લાગતા. આને કારણે તમારો એક દિવસ ૪૮ કલાકનો થઈ ગયો હોય એવું લાગે!

તમે જિંદગીમાં જે કંઈ કરવા માગો છો તે કરવાનો હવે બમણો સમય મળી રહ્યો છે અથવા તો બમણી ઝડપ સાથે તમે તમારા લક્ષ્ય સુધી આગળ વધી રહ્યા છો એવી ફીલિંગ થાય. આને કારણે મન નિશ્ચિંત બની જતું હશે, ઉચાટ-ઉદ્વેગ વગેરેથી મુક્ત બની જતું હશે, વધુ પ્રસન્નતા અનુભવતું થઈ જતું હશે.

આ બધું હું મારા અનુભવને કારણે વિચારું છું. મને જેવું લાગે છે તે મેં તમારી સાથે વહેંચી દીધું.

હું મારા સ્ટડી રૂમમાં લખતો હોઉં ત્યારે મને એટલો જ આનંદ આવે છે જેટલો મને મારી કોઈ ફેવરિટ મૂવી જોતી વખતે આવતો હોય છે. હું એનસીપીએ કે ષણ્મુખાનંદમાં કોઈ શો જોતો હોઉં ત્યારે મને એટલો જ આનંદ આવે છે જેટલો મને સાંતાક્રુઝ જઈને રામશ્યામની સેવપુરી ખાધા પછી ગોકુળનો સંચાનો આઈસ્ક્રીમ ખાતાં આવે છે

મુંબઈ પાછા જઈને અગાઉના કરતાં અતિ વ્યસ્ત એવું જીવન જીવવાની શરૂઆત કરવાની મહેચ્છા પ્રગટી હોવા છતાં સહેજ પણ એવો સ્ટ્રેસ નથી કે લખવા વગેરેની સાથે આ બધી દોડાદોડને હું કેવી રીતે પહોંચી શકીશ. કોઈ ઉચાટ નથી. આગળ કહ્યું એમ હવે મને એક દિવસમાં બે દિવસ જેટલો સમય વાપરવા માટે મળે છે. એટલે એમાંનો અડધોઅડધ સમય હું લખવા-વાંચવા-મનન કરવા પાછળ વાપરું, મને ગમતી મૂવીઝ જોવા પાછળ કે પૃથ્વી-એનસીપીએનાં નાટકો પાછળ કે ષણ્મુખાનંદના કાર્યક્રમો પાછળ કે પછી મારી ફેવરિટ ખાવાપીવાની જગ્યાઓ પાછળ ગાળું તો પણ મને અગાઉ જેટલો જ સમય આ બધી પ્રવૃત્તિઓ માટે મળતો રહેશે. બાકીનો અડધો વખત નવી જગ્યાઓએ જવામાં, સૌની સાથે હળવામળવામાં ગાળું તો મારે મારી એ જૂની પ્રવૃત્તિઓના સમયમાં કોઈ કાપ મૂકવો નહીં પડે. એ બધી જ જૂની પ્રવૃત્તિઓ મારા માટે એક જબરજસ્ત કમ્ફર્ટ ઝોન છે. હું મારા સ્ટડી રૂમમાં લખતો હોઉં ત્યારે મને એટલો જ આનંદ આવે છે જેટલો મને મારી કોઈ ફેવરિટ મૂવી જોતી વખતે આવતો હોય છે. હું એનસીપીએ કે ષણ્મુખાનંદમાં કોઈ શો જોતો હોઉં ત્યારે મને એટલો જ આનંદ આવે છે જેટલો મને સાંતાક્રુઝ જઈને રામશ્યામની સેવપુરી ખાધા પછી ગોકુળનો સંચાનો આઈસ્ક્રીમ ખાતાં આવે છે. આ બધી પ્રવૃત્તિઓ મારા જીવનનું અનિવાર્ય અંગ છે અને મને એમાં રચ્યાપચ્યા રહેવું ગમે છે. કારણ કે મને એનાથી પોષણ મળે છે. કોઈ દિવસ હું ન લખું કે ઓછું લખું તો મને અસુખ લાગે. કોઈ દિવસ મારાં મનગમતાં પુસ્તકોમાંથી કોઈ એક હું ન વાચું તો મને અસુખ લાગે. મને ગમતી મૂવી જોવાનું મન થાય અને ન જોઈ શકું તો મને અસુખ લાગે. મહિને એકવાર દાદરના ‘પ્રકાશ’ ઉપાહાર ગૃહમાં જઈને જેમની સાથે ત્રણચાર દાયકાથી ઓળખાણ છે એવા શાંતારામ વગેરે વેઇટરોએ પીરસેલાં દહીંમિસળ, બટાટાપૂરી અને પીયૂષ ન માણું તો મને અસુખ લાગે. આ બધું જ મારો કમ્ફર્ટ ઝોન છે. એને કારણે જ હું પાંગરું છું.

મારી માનસિકતામાં પરિવર્તન આવ્યા પછી હું જે દોડાદોડી કરવા માગું છું એ માટે મારે મારા આ કમ્ફર્ટ ઝોનના ભોગે કશું કરવાનું નથી. કારણ કે હવે રોજેરોજ મારી પાસે વાપરવા માટે અગાઉ કરતાં ડબલ સમય છે.

યોગગ્રામમાં આવીને તમારી સૌથી મોટી પ્રાપ્તિ કઈ એવું કોઈ પૂછે તો હું કહીશ કે આ જ મારી સૌથી મોટી ઉપલબ્ધિ છે. એમાં જ મારાં સમય-શક્તિ-નાણાંનું પૂરેપૂરું વળતર મને મળી ગયું. બાકી યોગગાભ્યાસને લીધે જે કંઈ શારીરિક ફાયદાઓ થયા છે, થઈ રહ્યા છે, થવાના છે તે તો બોનસ છે. નેચરોપથી અને આયુર્વેદ, પંચકર્મ-ષટકર્મને કારણે નાનામોટા રોગો ભાગી રહ્યા છે અને ભવિષ્યમાં આવનારા રોગો સામે જે સુરક્ષાચક્ર તૈયાર થઈ રહ્યું છે તે ડબલ બોનસ છે. અને સ્વામી રામદેવ જ્યારે મારા માથે હાથ મૂકીને આશીર્વાદ આપે છે ત્યારે તો લાગે છે કે બોનસની મૂશળધાર વર્ષા થઈ રહી છે.

• • •

તાજા કલમ: તમને આમાં મઝા પડી રહી છે? તો કમેન્ટ બોક્સમાં તમારી લાગણી કેમ નથી લખતા! તમારા હોંકારા વગર અંધારામાં તીર ચલાવવા જેવું લાગે છે!
—સૌ.શા.

•••
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

13 COMMENTS

  1. Inspirational….good attitude towards life….

    And one more thing…

    We have body we need to servicing….to maintain long time fit and fine….👍👍❤❤

  2. Enjoy your stay at Patanjali Aashram. Your articals gives me a feeling that I am also present there & enjoying every moment. Thanks for all information & making me feel like being in Haridwar sitting here in Mumbai

  3. આપના જેવા લેખન પ્રત્યે પ્રતિબદ્ધ અને દૈનિક સમયપત્રકમાં ચૂસ્તપણે રહી શકનારા વ્યક્તિને પણ જો આ સ્થળ આટલા નવા વિચારોથી પ્રભાવિત કરીને મનને ભરી દેતું હોય, અને અનેક નવી પ્રવૃત્તિઓ કરવા પ્રેરિત કરતું હોય, તો એ કેટલી અદ્ભુત વાત કહેવાય! ખૂબ જ સરસ નવા વિચારો રજૂ કર્યા છે.
    વાહ… આ એ સ્થળની દિનચર્યા, અપાતી સારવાર અને શુદ્ધ માહોલ છે, જેના લીધે તમે આવા વિચારો કર્યા છે.
    રોજિંદી ઘટમાળમાંથી દૂર… આ તન-મનથી તરોતાજા થવાનું સ્થળ છે…

  4. Thank you again & again Saurabhji 😊 Forty-eight hours and your self-talk……very very inspiring. The photos of ‘ Yoggram’ are so cool.

  5. નમસ્તે સરજી
    આપ અમારા જેવાં અનેક વાંચન ભૂખ્યા લોકો માટે સોનું હતાં જ પણ યોગગામ ના ૫૦ દિવસો પછી એ જ સોના માં સુગંધ સામેલ હશે અને એનો લાભ અમને આપના લેખો દ્વારા મળવાનો જ છે

  6. જીવન જીવવાની ખરી કલા તમારા લેખ વાંચવાથી મળી રહી છે, યોગગ્રામ માં આપની સાથે રહેવાની અને વિચાર વિમર્શ કરવાની
    ઈચ્છા થઈ આવે છે, અવિરત લેખન દ્વારા વિચાર આપતાં રહેશો🙏🙏

  7. Saurabhbhai,
    Very good.
    Very good realisation for yourself and motivation to us. Now key is how long disciplined you/we remain in these type of mindset?. Is this realisation is what we religiously call ” Sakshatkar”?

    I wish you all the best in finding your new uplifted version and motivate all of us.
    Thank you once again
    Deepak

  8. આજનો લેખ વાંચવાની ખૂબ મઝા આવી . મન હળવું થયું. જુનમાં અમદાવાદ આવવાનું થાય રુબરુ મળવાની ખૂબ ઈરછા છે.
    નમસ્તે

  9. અહીં બેઠા બેઠા આટલી મઝા આવે છે તો ત્યાં હકીકત માં કેટલી મઝા આવતી હશે,ખૂબ જ પ્રેરણાદાયી, વાચવા વાળા ઘણા બધા લોકો જોડાશે તેવું લાગે છે

  10. ખૂબ પ્રેરણા મળી. રોજનું timetable modify કરવાની. આજથી કોશિશ ચાલુ.

  11. તમારા લેખો વાંચીને મને પણ યોગગ્રામ નો 50 દિવસ નો પ્લાન બનવાનું મન થયું છે… આ સિરીઝ ખુબ ગમી…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here