ડૉ. પ્રકાશ કોઠારી @ 80—જિવેત્ શરદઃ શતમ્ શતમ્ : સૌરભ શાહ

 

( ગુડ મૉર્નિંગ એક્સક્લુઝિવ : શનિવાર, 7 મે 2022)

આજે સાતમી મે—મારા પ્રિય કવિ રવીન્દ્રનાથ ટાગોરની વર્ષગાંઠ. આવતી કાલે આઠમી મે—મારા પ્રિય વડીલ, સ્વજન અને પ્રેરણાસ્તોત્ર ડૉ. પ્રકાશ કોઠારી આયુષ્યના આઠ દાયકા પૂરા કરીને નવમા દાયકામાં પ્રવેશશે.

ડૉક્ટરસાહેબની એનર્જી જુઓ અને એમની સાથે વાત કરો તો લાગે નહીં કે 80 વર્ષના થયા. 8મી મે એમની સાચી વર્ષગાંઠ છે. અમુક જગ્યાએ એપ્રિલની તારીખ છે- એનું કારણ શું? પ્રકાશભાઈ હસીને કહેતા હોય છે કે મેમાં સ્કૂલમાં વૅકેશન હોય એટલે ક્લાસમાં કોઈ છોકરાઓ મને વિશ કરી શકે નહીં, મેં જાતે જ બદલાવીને થોડા દિવસ આગળ કરી નાખી જે હવે પાસપોર્ટ વગેરે બધી જ જગ્યાએ લખાય છે પણ જન્મ 8મી મે 1942ના રોજ. પ્રકાશભાઈ મુંબઈની પ્રતિષ્ઠિત ન્યુ ઈરા સ્કૂલમાં ભણ્યા.

1981માં શેર હાઇટ નામની એક ખૂબ જાણીતી અમેરિકન-જર્મન સેક્સોલોજિસ્ટના રિસર્ચ પરથી ‘ધ હાઇટ રિપોર્ટ ઑન મેન ઍન્ડ મેલ સેક્સ્યુઆલિટી’ પ્રગટ થયો હતો. (બે વર્ષ પહેલાં જ 77 વર્ષની ઉંમરે શેર હાઇટનું અવસાન થયું.) માસ્ટર્સ ઍન્ડ જ્હોન્સન અને આલ્ફ્રેડ કિન્સેના આ વિષય પરના સંશોધનને શેર હાઇટે આગળ વધાર્યું હતું. પોતે પાક્કાં નારીવાદી અને ઍક્ટિવિસ્ટ એટલે એમનાં સેક્સને લગતાં સંશોધનો નિષ્ણાતોમાં ચકચાર જગાવે. 1976માં ‘ધ હાઇટ રિપોર્ટ ઑન ફીમેલ સેક્સ્યુઆલિટી’ પ્રગટ થયો ત્યારે પણ હોહા થઈ હતી. 1981માં શેર હાઇટનું જે સંશોધન બહાર થયું એ વખતે હું ‘નિખાલસ’ સાપ્તાહિક એડિટ કરતો હતો. મારી ઉંમર 21 વર્ષની. આ રિપોર્ટ આવતાં જ નક્કી કર્યું કે એમાંનાં તારણો વિશે કવર સ્ટોરી કરવી જોઈએ. ‘ચિત્રલેખા’ કે ‘યુવદર્શન’ તો આ વિષયને હાથ લગાડવાના નહોતા એવી ખાતરી હતી. પણ કવર સ્ટોરી લખતાં પહેલાં આ કપરા વિષયના નિષ્ણાતનું માર્ગદર્શન મેળવવું અનિવાર્ય હતું. શેર હાઇટના સંશોધન વિશેનો આધારભૂત અભિપ્રાય મેળવવો પણ જરૂરી હતો.

કોને મળવું?

તે વખતે મુંબઈમાં જ નહીં, આખા ભારતમાં, સેક્સોલોજિસ્ટ તરીકે એક જ નામ લોકોની જીભે પડે. ડૉ. પ્રકાશ કોઠારી. હું એમનો ફોન નંબર શોધીને એપોઇન્ટમેન્ટ લઈને ઑપેરા હાઉસ વિસ્તારના મોસ્ટ ફેમસ બિલ્ડિંગ ‘સુખ-સાગર’ના એમના કન્સલ્ટિંગ રૂમ્સ પર જઈને એમને મળ્યો. એમણે મને નિરાંત કાઢીને વિગતવાર શૅર હાઇટના રિપોર્ટ વિશે સમજણ આપી, ઇન્ટરવ્યુ પણ આપ્યો.

41 વર્ષ પહેલાંની આ વાત. પહેલી જ મુલાકાત પછી એવો ઘરોબો બંધાતો ગયો કે આજે મને હું એટલો સદ્‌ભાગી લાગી રહ્યો છું કે મારા જીવનમાં ડૉ.પ્રકાશ કોઠારી અને વેણુબેન જેવાં અંગત સ્વજનો છે જેઓ મને મારાં નિકટતમ કુટુંબીજનો જેટલો નિર્દોષ, નિર્વ્યાજ અને નિરંતર પ્રેમ આપે છે.

પ્રકાશભાઈ મારી ખૂબ કાળજી રાખે. 1985-86થી 1990 સુધીનાં ચારેક વર્ષ દરમ્યાન હું ‘ગુજરાતમિત્ર’માં (અને ત્યાર બાદ ‘ઉત્સવ’માં) કામ કરવા મુંબઈ છોડીને સુરત રહેતો. (વચ્ચે ‘અભિયાન’ માટે મુંબઈ આવતો). બે-ત્રણ મહિને સુરતથી ઘરે આવું ત્યારે મમ્મી-પપ્પા મને મારા માટે આવેલા ફોન સંદેશાઓની યાદી આપે જેમાં અચૂક પ્રકાશભાઈનો ફોન હોય. મને નવાઈ લાગે કે પ્રકાશભાઈને મારું શું કામ પડ્યું હશે? હું પપ્પાને પૂછું, ‘એમણે કહ્યું કે શું કામ હતું? કંઈ અર્જન્ટ હતું?’ પપ્પા કહેઃ ‘ના, કંઈ કામ નહોતું. માત્ર તારી તબિયતના ખબર-અંતર પૂછવા માટે ફોન કર્યો હતો.’

આ સિલસિલો લાંબો ચાલ્યો. જયારે જ્યારે મુંબઈ આવું ત્યારે મને મમ્મી કે પપ્પા કહે, ‘ડૉ. પ્રકાશ કોઠારીનો ફોન હતો. તારી તબિયતના ખબર-અંતર પૂછતા હતા.’

ત્રણ-ચાર વખત આવા સંદેશા મળ્યા પછી એક વખત પ્રકાશભાઈને રૂબરૂ મળીને મેં કહ્યું, ‘સાહેબ, તમે મારી આટલી કાળજી રાખો છો તે મને ખૂબ ગમે છે. પણ મહેરબાની કરીને હવે જ્યારે પણ તમે મારા ઘરે ફોન કરો તો મારી ‘તબિયત’ના ખબરઅંતર નહીં પૂછતા—મારા પપ્પા-મમ્મીને મારા માટે ડાઉટ થઈ જાય છે!’

(તે વખતે મારાં લગ્ન ઑલરેડી થઈ ગયાં હતાં પણ પાંચ વર્ષ સુધી બાળક નથી કરવાં એવું પ્લાનિંગ હતું. 1990માં પ્રથમ સંતાન જન્મ્યું અને તે પછી તો કુદરતી રીતે ટ્વિન્સ પણ જન્મ્યાં).

પ્રકાશભાઈ મારી આ મૂંઝવણ સાંભળીને ખડખડાટ હસી પડ્યા. મને કહેઃ ‘તારી વાત મારા ગળે ઉતરે છે. અહીં મારા કન્સલ્ટિંગ રૂમમાં આવતા પેશન્ટોમાંથી કોઈ મને જો પાર્ટી, સમારંભ કે જાહેર કાર્યક્રમમાં મળી જાય તો હું એવો જ દેખાવ કરું જાણે અમે ક્યારેય મળ્યા જ નથી જેથી પેશન્ટની પ્રાઇવસી સચવાય. અને જો કોઈ કૉમન ફ્રેન્ડ એ પેશન્ટ સાથે મારી ઓળખાણ કરાવે તો હું હાથ મિલાવીને, જાણે પહેલી જ વાર મળતો હોઉં એવી રીતે કહું, ‘નાઇસ મીટિંગ યુ’ પછી માત્ર એને જ સંભળાય તે રીતે કહું, ‘અગેઇન!’

ભારતના ટોચના ઉદ્યોગપતિઓ, ફિલ્મજગતના માણસો, રાજકારણીઓ અને બીજા કેટલાય ક્ષેત્રની વ્યક્તિઓના પ્રૉબ્લેમ્સ ડૉ.પ્રકાશ કોઠારીએ સોલ્વ કર્યા છે પણ એમાંના કોઈના ય વિશે તેઓ ભૂલેચૂકેય બોસ્ટિંગ નહીં કરે. ઇનફેક્ટ નેમ ડ્રૉપિંગ કે બોસ્ટિંગ એમના સ્વભાવમાં જ નથી. એકદમ ડાઉન ટુ અર્થ માણસ.

વારંવાર આંતરરાષ્ટ્રીય રેકગ્નિશન પામતા રહ્યા છે. પણ એમની સિદ્ધિઓ વિશે તમે ઉલ્લેખ કરો તો હંમેશાં એક જ જવાબ એમના હોઠ પર હોય. હથેળી બતાવીને કહે, ‘મારા નસીબની રેખા બળવાન છે. બાકી, આ ફિલ્ડમાં દુનિયામાં, ભારતમાં અને મુંબઈમાં મારા કરતાં વધારે નૉલેજેબલ બીજા કેટલાય છે!’

1991-92ના અરસામાં મારા કવિમિત્ર ડૉ.મુકુલ ચોક્સીએ ભણવાનું પૂરું કરીને ડૉ. પ્રકાશ કોઠારી પાસે ટ્રેનિંગ લીધી અને પછી સુરતમાં પોતાની કન્સલ્ટન્સી શરૂ કરી જેનું ઉદ્ઘાટન કરવા પ્રકાશભાઈ આવ્યા હતા. નાનપુરાના ગાંધીસ્મૃતિમાં ભવ્ય સમારંભ. પ્રકાશભાઈને સાંભળવા ધોધમાર વરસતા વરસાદમાં રવિવારની સવારે દસ વાગ્યે આખું સુરત એકઠું થયેલું. ઑડિટોરિયમમાં પગ રાખવાની જગ્યા નહીં. પ્રકાશભાઈ બોલતા હતા ત્યાં જ લાઇટ ગઈ. માઇક બંધ. પ્રકાશભાઈએ સ્ટેજની નીચે આવીને વગર માઇકે બોલવાનું શરૂ કર્યુઃ ‘છેલ્લી રો સુધી મારો અવાજ સંભળાય છે?’

બધાનો જવાબ આવ્યોઃ ‘હા…હા…’

બુલંદ અવાજે પ્રવચન ચાલુ રહ્યું, માઇક પાછું ચાલુ થયું ત્યાં સુધી.

આજે પણ એટલો જ બુલંદ અવાજ છે એમનો. ખાવા-પીવાનું બધું જ. પણ પ્રમાણસર. કસરત-યોગ વગેરે નિયમિત. એમની તંદુરસ્તીથી ભલભલાને પ્રેરણા મળે. ‘યોગગ્રામ’ આવવાના બે દિવસ પહેલાં હું એમના આશીર્વાદ લેવા મરીન ડ્રાઇવના ક્વીન્સ નેકલેસ પરના એમના નિવાસસ્થાને ગયો હતો. ઘરમાંથી સામે જ અરબી સમુદ્ર ઘૂઘવતો દેખાય. પ્રકાશભાઈ કહેઃ ‘મને તેં પહેલેથી કહ્યું હોત તો હું અને વેણુ પણ સાથે આવત-પચાસ દિવસ માટે!’

મને પાનો ચડાવવા જ એમણે કહ્યું હશે. બાકી એમનું સ્વાસ્થ્ય જોતાં કોઈને પણ ખાતરી થાય કે તેઓ શતાયુ જ નહીં, સવાસો વર્ષના થશે. હું એમને કહેતો હોઉં છું કે, ‘મારાં સો વર્ષની ઉજવણીના સમારંભમાં તમારે પ્રમુખસ્થાન સંભાળવાનું છે!’

સતત બીજાઓનો જ વિચાર કરતા રહે. નાનામાં નાના માણસને પણ સાચવે. કે.ઇ.એમ.માં દર બુધવારે એમની ઓપીડી રહેતી. એંશી-સો-દોઢસો પેશન્ટો થઈ જાય. સૌને ભેગા કરીને એક ઑડિયો-વિઝ્યુઅલ બતાવે જે એમણે વર્ષોના પોતાના અનુભવોના નીચોડરૂપે તૈયાર કર્યું હતું. એંશી ટકા લોકોની સમસ્યાઓ આને કારણે જ ઉકલી જાય. બાકીનાઓ સાથે એક પછી એક પર્સનલી વાત કરે અને એમને પણ એમના પ્રૉબ્લેમ્સનું સમાધાન આપે. જેમને વધારે ગંભીર, જૂની કે અસાધ્ય સમસ્યા હોય એમને પોતાના વિઝિટિંગ કાર્ડ પર નિશાની કરીને ક્લિનિક પર બોલાવે. પેલો પેશન્ટ સંકોચાય. આટલા મોટા ડૉક્ટરની ફી કેટલી હશે. ( આજની તારીખે પણ એક સેશનની એમની તોતિંગ ફી છે. આમ છતાં એપોઇન્ટમેન્ટ માટે રાહ જોવી પડે. છેક ગલ્ફ કન્ટ્રીઝથી પેશન્ટો આવે અને સાજા થઈને પાછા જાય.) પ્રકાશભાઈ કે.ઈ.એમ.માં પેલા ગરીબ દરદીના ખભા પર હાથ મૂકીને કહે, ‘આ કાર્ડ લઈને મારા રિસેપ્શનિસ્ટને આપજો. કન્સલ્ટેશનનો એક પૈસો નહીં આપવો પડે અને દવાઓ પણ જો મોંઘી લાગશે તો હું અપાવી દઈશ.’

ભલમનસાઈ અને માનવતાની સાક્ષાત મૂર્તિ. મને તો એમની સાથેના સંપર્કના બહુ થોડા સમયમાં પ્રતીતિ થઈ ગઈ હતી. મેં બીજી કોઈ નોકરી કે કામ શોધ્યા વિના ‘નિખાલસ’ છોડ્યું ત્યારે પ્રકાશભાઈ ‘સેવન્થ વર્લ્ડ કૉન્ગ્રેસ ઑફ સેક્સોલૉજિ’ના પ્રમુખ નિમાયા હતા અને આટલી મોટી કૉન્ફરન્સના આયોજનની જવાબદારી પણ એમણે ઉપાડી લીધી હતી. મને કહે, ‘આ કૉન્ગ્રેસનું ઘણું કામ રહેશે. મેં ક્લિનિકમાં જ કૉન્ગ્રેસની તૈયારીઓ કરવા માટે એક જગ્યા કરીને ઑફિસ બનાવી છે- તું સંભાળી લે, પછી બીજી કોઈ નોકરી તારા ફિલ્ડની મળે ત્યારે મારું કામ છોડી દેજે.’

મારા માટે આ ઘણી મોટી હૂંફ હતી પણ મારે પત્રકારત્વ-લેખન સિવાય બીજા કોઈ કામમાંથી આજીવિકા રળવી નથી એવી તે વખતથી જ મારી જીદ. મેં વિવેકથી ના પાડી હતી. હમણાં મેં આ વાત યાદ કરાવી તો એમને યાદ પણ નહીં. નેકી કર અને દરિયામાં નાખ એનું સાક્ષાત ઉદાહરણ.

મુકુલના ક્લિનિકનું ઉદ્‌ઘાટન કરીને બીજે દિવસે મુંબઈ પાછા આવ્યા બાદ સુરતથી— દક્ષિણ ગુજરાતથી એમને સતત ફોન આવ્યા કરે, ‘અમને અપોઇન્ટમેન્ટ આપો, આ પ્રોબ્લેમ છે, પેલો પ્રોબ્લેમ છે.’

દરેકને એક જ જવાબ આપેઃ ‘સુરતમાં ડૉ. મુકુલ ચોક્સી છે. મારા જે અહીંના ડિફિકલ્ટ કેસીસ હોય છે તે હું એમને જ મોકલી આપું છું! તમે પણ ડૉ. મુકુલ ચોક્સી પાસે જ જાઓ.’

‘મિડ-ડે’માં હતો ત્યારે મેં એક અઠવાડિક સિરીઝ શરૂ કરી હતી —ઇટિંગ આઉટ વિથ અ સેલિબ્રિટી. ગુજરાતી હસ્તીને ‘મિડ-ડે’ના ખર્ચે એમની ફેવરિટ જગ્યાએ લંચ-ડિનર માટે લઈ જવાની અને ત્યાં એમના ખાવાપીવા વિશે અને જીવનના ચડાવ-ઉતાર વિશે વાતો કરવાની જે સતસવીર ‘મિડ-ડે’માં છપાય. ફાલ્ગુની પાઠક વગેરે બીજી ઘણી સેલિબ્રિટીઓને લઈને મુંબઈની વિવિધ જાણીતી રેસ્ટોરાંમાં જવાનું થતું. પ્રકાશભાઈને વાત કરી. એમણે પૂછ્યું, ‘રેસ્ટોરાંમાં જ જવું જરૂરી છે?’ મેં કહ્યું, ‘કેમ? ખાવા માટે તો રેસ્ટોરાંમાં જ જવું પડે ને.’ એ કહે, ‘સ્ટ્રીટ ફૂડની સૈર કરીએ તો? મારા ફેવરિટ જોઇન્ટ્સ પર તને લઈ જઉં!’

મેં કહ્યું, ‘મઝા તો આવે પણ તમારી ઇમેજનું શું? આટલા મોટા ડૉક્ટર થઈને સ્ટ્રીટ ફૂડ ખાતાં તમને કોઈ જોઈ જાય તો? વળી, મારી સાથે તો ‘મિડ-ડે’નો ફોટોગ્રાફર પણ હોય. તમારા ફોટા પેપરમાં છપાશે!’

‘તું શું કામ ફિકર કરે છે. બોલ, ક્યારે જવું છે?’

અને એક શનિવાર નક્કી કરીને સાંજે પ્રકાશભાઈ મને પહેલાં તો બાબુલનાથના પાણીપુરીવાળા પાસે લઈ ગયા. વૃદ્ધ ભૈયાને કહે, ‘પહેચાના મુઝે? કૉલેજમાં હતો ત્યારે તમારો ખુમચો સામેના બિલ્ડિંગમાં લાગતો. એ વખતે બહુ પાણીપુરીઓ ખાધી છે અહીંની… મારી ઉધારી ચાલતી તમારે ત્યાં…’ પછી હસીને કહે, ‘હિસાબ તપાસજો, હજુ પણ મારે તમને આપવાના બાકી હશે!’

બાબુલનાથથી પછી ન્યુ ઇરા સ્કૂલની પાછળના ડોસાવાળાને ત્યાં ગયા. એમ ત્રણ-ચાર જગ્યાએ ફરીને ઇટિંગ આઉટની કૉલમ માટે જલસા પડી જાય એવી સૈર કરાવી.

એક વખત ઇન્ડિયન મર્ચન્ટ્સ ચેમ્બરના એક કાર્યક્રમમાં તેઓ પ્રમુખપદે હતા. હું એમને સાંભળવા ગયો હતો. કાર્યક્રમ પછી મને પૂછે, ‘ગાડી લાવ્યો છે?’ મારી પાસે ‘મિડ-ડે’એ આપેલી મારુતિ-એસ્ટીમ હતી. મેં કહ્યું, ‘હા.’ એમણે પોતાની મર્સીડીઝ કોઈ કામ માટે ઘરે મોકલવાની હશે તેની ગોઠવણ કરી દીધી અને કહ્યું કે, ‘હું તારી સાથે આવીશ. મને ઘરે મૂકી દેજે…’

તે વખતે તેઓ ચોપાટી ભવન્સની સામેવાળી ગલીમાં હરેકૃષ્ણ મંદિરની પડોશમાં રહે. મરીન ડ્રાઇવવાળા ઘરમાં હજુ શિફ્ટ થયા નહોતા. ભવન્સ પાસે આવ્યા અને ડાબી તરફ ટર્ન લઇએ તે પહેલાં જ મારી ગાડી બંધ પડી ગઈ. ડ્રાઇવર કહે કે, ‘પેટ્રોલ ખલાસ!’

પ્રકાશભાઈનું ઘર ગલીમાં ચોથા જ મકાનમાં. મેં કહ્યું, ‘સૉરી, તમે જાઓ. હું ને ડ્રાયવર ધક્કો મારીને સામેના પેટ્રોલ પમ્પ પર લઈ જઈશું.’

પ્રકાશભાઈએ ધરાર ના પાડી પાડી. મારો ખૂબ આગ્રહ હોવા છતાં તેઓ ઘરે ના ગયા. એમણે સૂટ પહેરેલો. મારી સાથે ગાડીને ધક્કો મારીને પેટ્રોલ પમ્પ પર પહોંચાડી. મને ભારે ક્ષોભ થાય. મારો સંકોચ તોડવા એ કંઈ ને કંઈ રમૂજ કરતા રહે. મેં હસીને કહ્યું, ‘સારું છે અત્યારે મારી સાથે ફોટોગ્રાફર નથી. નહીં તો કાલે સવારે ગુજરાતી જ નહીં, અંગ્રેજી મિડ-ડેના ફ્રન્ટ પેજ પર પણ તમારો આ ફોટો છપાઈ જાત!’

મારી ‘મહારાજ’ નવલકથાને ગુજરાત સાહિત્ય અકાદમીનો અવૉર્ડ મળ્યો છે એવું છાપામાં વાંચીને એમણે અભિનંદન આપવા ફોન કર્યો. ઉમળકો વ્યક્ત કરીને કહે, ‘મારે તને પાર્ટી આપવી છે.’

‘પાર્ટી મારે તમને આપવાની હોય, સર!’

‘એ પછી ક્યારેક. અત્યારે મારે પાર્ટી આપવી છે. મારા ઘરે. અને તારી સાથે તારા પંદરવીસ ગેસ્ટ્સને તું લઈ આવ. પચીસ થાય તો પણ વાંધો નહીં. મારા કોઈ પણ ગેસ્ટ નહીં હોય – બધા જ તેં બોલાવેલા મહેમાનો હશે.’

હું તો ચકિત થઈ ગયો. મારા મહેમાનોને લઈને મારે પ્રકાશભાઈને ત્યાં જઈને પાર્ટી કરવાની! એકદમ ખુશ ખુશ.

‘મહારાજ’ નવલકથા પરથી બનેલા નાટકની ટીમના કેટલાક મિત્રો ઉપરાંત બીજા મિત્રોને બોલાવ્યા. સોહરાબુદ્દીન કેસમાં જેમને ખોટી રીતે ફસાવવામાં આવેલા તે ડીજીપી વણઝારા સાહેબ તે વખતે જામીન પર છૂટીને તડીપારી હતી એટલે મુંબઈમાં રહેતા હતા અને મારે એમની સાથે અંગત સંબંધ, એટલે એ અને એમનાં પત્નીને પણ બોલાવ્યાં. એમ કરીને મારા વીસેક મહેમાનો સાથે પ્રકાશભાઈના ક્વીન્સ નેકલેસવાળા ફ્લેટમાં ‘મહારાજ’ના એવોર્ડની ઉજવણી કરી. આ પ્રસંગને વધારે યાદગાર બનાવવા પ્રકાશભાઈએ વિખ્યાત ગઝલગાયક અશોક ખોસલાને એમના સાથીવાદકો સાથે બોલાવી લીધા હતા. મઝાની સાંજ હતી.

મારાં લખાણો, મારાં પુસ્તકો વાંચવાનું એમને ખૂબ ગમે. મને બહુ માથે ચડાવે. એ અને વેણુબેન બેઉ વારંવાર ભારપૂર્વક મારાં લેખો વિશે મને વાત કરે. પણ આપણને આપણી ઔકાત ખબર હોય એટલે જાણીએ કે વહાલ વરસાવવાની એમની આ રીત છે. બાકી ગુજરાતી સાહિત્યના ટોચના લેખકો-કવિઓ સાથે એમનો દાયકાઓથી ઘરોબો. હરકિસન મહેતા, હરીન્દ્ર દવે, સુરેશ દલાલ, મરીઝ, શૂન્ય પાલનપુરી, સૈફ પાલનપુરીથી માંડીને મુકુલ, ઉદયન, હેમેન-સૌ કોઈના મિત્ર. ગુજરાતી કવિતા વિશે એક વખત બિરલા માતુશ્રીમાં એમનું પ્રવચન ચાલતું હતું ત્યારે પ્રમુખસ્થાને સ્ટેજ પર બિરાજમાન પૂ. મોરારીબાપુ પોતાની ખુરશી પોડિયમની દિશામાં ગોઠવીને તન્મયતાથી સાંભળતા હતા જેનો હું સાક્ષી છું.

કોરોના પહેલાંની વાત. મારી આંખ ઘણા સમયથી ધૂંધળી થતી જતી હતી. મનમાં ફડકો પેસી ગયેલો કે કંઈ લાંબુંચોડું ના નીકળે. આ ડરને કારણે જ તપાસ ઠેલ્યા કરતો. પછી મારા અંગત મિત્રોએ મને ડૉ. કુલીન કોઠારી પાસે મોકલી દીધો. નૉર્મલ મોતિયાનું જ ઑપરેશન કરવાનું હતું. પ્રકાશભાઈને ખબર પડી. મને કહે, ‘ઑપરેશન પછી પવઈ જવાને બદલે રાત મારે ત્યાં રોકાવા આવી જવાનું છે. લાંબા ડિસ્ટન્સ સુધી બાય રોડ જવાને બદલે ચોવીસ કલાક આરામ કરીને જજે.’

મેં કહ્યું કે, ‘ તમે જાણો છો કે હવે તો આવા ઑપરેશન પછી અડધા કલાકમાં ઘરે જવા દે છે, ક્યાં કોઈ જોખમ છે.’

પણ એમના આગ્રહ આગળ મારું કંઈ ન ચાલે. ડૉ. કુલીનભાઈના બાબુલનાથ પર આવેલા ક્લિનિકથી પ્રકાશભાઈનું ઘર બાય રોડ પાંચ મિનિટ દૂર. ઑપરેશન પછી હું પ્રકાશભાઈના ઘરે પહોંચ્યો ત્યારે એ પોતાના કન્સલ્ટિંગ રૂમ્સ પર જવાનું મોડું કરીને હું આવું એની રાહ જોઈ રહ્યા હતા. મારી સાથે વિગતવાર વાત કરી. કહ્યું કે કુલીનભાઈએ એમને મેસેજ કરીને જણાવી દીધું હતું કે સર્જરી વિના વિઘ્ને પાર પડી છે અને હવે કોઈ કૉમ્પ્લિકેશન નથી. એ સાંજે પ્રકાશભાઈ મને કંપની આપવા વહેલા ઘરે પાછા આવી ગયા. ટીવી પર આપણા બહાદુર ફાઇટર પાયલટ અભિનંદન વર્ધમાનને પાકિસ્તાને છોડવા પડ્યા અને વાઘા સરહદ ક્રૉસ કરીને તેઓ ગૌરવભેર સ્વદેશ પરત આવી રહ્યા છે એમ સમાચાર ચાલતા હતા. પ્રકાશભાઈના આવતાં પહેલાં મેં એક લેખ ‘સંદેશ’ ની વીકલી કૉલમ માટે અને એક લેખ ‘મુંબઈ સમાચાર’ની ડેઇલી કૉલમ માટે —એમ બે લેખ લખી નાખ્યા હતા. એક જમાનો હતો જ્યારે મોતિયાના ઑપરેશન પછી દિવસો સુધી આંખે પાટો રહે અને હૉસ્પિટલના અંધારા ઓરડામાં રાખે અને કેટલા વખત લગી કાળાં ચશ્માં પહેરવાનાં હોય. બીજા દિવસે બ્રેકફાસ્ટના કલાક પહેલાં મેં જોયું કે તાજી હળદરનો અર્ક પીવાનો છે. મેં કહ્યું કે હું રોજ મારા મિત્રે આપેલા સ્લો જ્યુસરમાં તાજાં આમળાંનો રસ કાઢીને પીઉં છું. પ્રકાશભાઈ કહે હવેથી એમાં તાજી હળદર ઉમેરજે. ત્યારથી હું રોજ આમળાં-હળદરનો રસ પીતો થઈ ગયો છું. રાત્રે પ્રકાશભાઈની ગાડી મરીન ડ્રાઇવથી છેક પવઈ સુધી મને મૂકવા આવી. ઘરે પાછા આવીને મને લાગ્યું કે મારાં માતાપિતા હયાત હોત તો એમણે મારી આ જ રીતે કાળજી લીધી હોત. ચાર દાયકાના દીર્ઘકાલીન સંબંધ દરમિયાન પ્રકાશભાઈ અને વેણુબેન અમારા માટે માતાપિતા, બંધુ, અને સખા  બની ગયાં છે.

પ્રકાશભાઈ એન્ટિક ચીજોના ખૂબ મોટા સંગ્રાહક છે. દુનિયાની સૌથી પ્રાચીન ગણપતિની સર્ટિફાઇડ મૂર્તિ એમની પાસે છે. રિસન્ટલી પૂણેની ભાંડારકર ઓરિયેન્ટલ રિસર્ચ સંસ્થાના નિષ્ણાતો તરફથી પણ આ બાબતે એમને એક ઔર સર્ટિફિકેટ પ્રાપ્ત થયું. આ વિશે મેં અઢી ત્રણ વર્ષ પહેલાં એક આખો લેખ ન્યુઝપ્રેમી પર મૂક્યો છે. આ લિન્ક પર જઈને જરૂર વાંચજો.

આવતી કાલે મારા માટે ઘણો મોટો સપરમો દિવસ છે. ગુરુ ગોવિંદસિંહજીનો જન્મદિવસ પ્રકાશ-પર્વ તરીકે ઓળખાય છે. મારા માટે 8મી મેનો દિવસ પણ આવો જ એક પ્રકાશ-પર્વનો તહેવાર છે. આશા રાખું કે ડૉ. પ્રકાશ કોઠારીનો સવાસોમો જન્મદિવસ ઉજવાશે ત્યારે એ પાર્ટીનું સઘળું આયોજન કરવાની જવાબદારી મારા માથે હોય.

जीवेत शरद: शतम् शतम्,
सुदिनं सुदिनं जन्मदिनम्!
भवतु मंगलम् विजयीभव सर्वदा,
जन्मदिनस्य हार्दिक शुभेच्छा:।

6 COMMENTS

  1. Very nice Saurabh bhai. For me you r equally the same bold Writer like Respected Dr. Prakash Kothari. In fact very few pioneer sexologist I admire and in that Dr Prakash bhai is the first one. In my teens I used to get correct knowledge of sexual issues due to Dr. Prakash bhai Kothari.
    Wonderful Saurabh bhai

  2. આટલાં મહાન વ્યક્તિ અને આટલા સરળ અને સહજ.. આપને એમનો નિર્ભેળ પ્રેમ મળ્યો એ આપનું અહોભાગ્ય..

  3. નમસ્તે. ખૂબ સરસ !
    પછી આપે ડોક્ટર પ્રકાશ કોઠારી ને મળીજે વિષય નો લેખ લખવાનો હતો તે લખેલ હોય તો અનુકૂળતાએ મુકશો જી

  4. Very nice….આજના જમાનામા આવા માણસો મળવા મૂશકીલ છે…..the one who cares n the the ones who values it n appreciate it.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here