આયુર્વેદ અને પરંપરાગત ચિકિત્સા પદ્ધતિઓના આધુનિક ગુજરાતી ઋષિઓ — બાપાલાલ વૈદ્યથી નરેન્દ્ર મોદી સુધી—હરદ્વારના યોગગ્રામમાં ૨૧મો દિવસ : સૌરભ શાહ

( ગુડ મૉર્નિંગ : ચૈત્ર વદ પાંચમ, વિક્રમ સંવત ૨૦૭૮. ગુરુવાર, ૨૧ એપ્રિલ ૨૦૨૨)

આજે સવારસવારમાં સ્વામીજીના માર્ગદર્શન હેઠળ યોગાભ્યાસ કરતી વખતે એમના મુખે જિંદગી બદલી નાખે એવું સૂત્ર સાંભળ્યું: ‘સંકલ્પો તૂટે છે ત્યારે તમે કમજોર થતા જાઓ છો.’ આ સૂત્ર વિશે આપણે દરેક જણે ખૂબ ઊંડું ચિંતન કરવું જોઈએ — પોતપોતાની જિંદગી, પોતપોતાની પરિસ્થિતિના સંદર્ભમાં.

આજે સ્વામીજીએ સ્વાસ્થ્ય અંગે વધુ એક સુવર્ણ ટિપ આપી: ‘ઊંઘ અને ભૂખ જેટલી વધારતા જશો એટલી વધતી જશે અને જેટલી ઘટાડતા જશો એટલી ઘટતી જશે.’

સ્વામીજીએ એ પણ કહ્યું કે, ‘કોઈ પણ રોગને શરીરમાં મહેમાન બનાવીને આશરો નહીં આપતા. એ આવે કે તરત જ એને ભગાડી દેવાનો.’

રોગ ભગાડવા માટેની ભારતીય ઉપચાર પદ્ધતિઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસોથી વિશ્વભરમાં માન્યતા મેળવતી થઈ છે. આપણે ઇન્ડિયાવાળા વાજબી રીતે જ વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન— WHO (‘યુનો’નું આરોગ્ય વિષયક સંગઠન)ને આંતરરાષ્ટ્રીય ડ્રગ માફિયા લૉબી અને મલ્ટિનૅશનલ ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓના હાથનું રમકડું માનીએ છીએ. પણ મોદીજીની સ્ટાઇલ અનોખી છે. ગમે તેવી સિસ્ટમોને પોતાના તરફી કરી લેવાની એમનામાં ગજબની આવડત છે. નવી સિસ્ટમો, પોતાના કામને-લક્ષ્યને અનુકૂળ થાય એવી સિસ્ટમો, ઊભી કરવામાં જેટલાં સમય-શક્તિ-સંસાધનો વપરાય એના કરતાં સોમા ભાગની એફર્ટ નાખીને જૂની સિસ્ટમોને જ પોતાના તરફી કામ કરતી કરી કેમ ન કરવી? એમની પાસેથી આ શીખવા જેવું છે. વડા પ્રધાનપદે ચૂંટાયા પછી એમણે જે અનેક ભગીરથ કામ કર્યાં તેમાનું એક ઘણું મોટું કાર્ય આરોગ્ય અને સ્વાસ્થ્ય ક્ષેત્રે કર્યું છે. એક તો, ‘યુનો’ પાસે 21મી જૂનનો દિવસ ‘આંતરરાષ્ટ્રીય યોગદિવસ’ તરીકે જાહેર કરાવીને યોગને વિશ્વભરમાં પહોંચાડવાની વ્યવસ્થા કરી. ઉપરાંત વડા પ્રધાનપદ સંભાળ્યાના 6 મહિનામાં એક આખી મિનિસ્ટ્રી આયુર્વેદ અને અન્ય પરંપરાગત ઉપચાર પદ્ધતિઓનાં પ્રચાર-સગવડ-મોનિટરિંગ માટે સ્થાપી-આયુષ (આયુર્વેદ, યોગનેચરોપથી, યુનાની, સિદ્ધ, હોમિયોપથી-AYUSH).

જોકે, વામપંથી વાંદરાઓને આ મિનિસ્ટ્રીની સ્થાપના પ્રત્યે પણ વાંધો છે. તેઓ આક્ષેપ લગાવે છે કે આયુષ મિનિસ્ટ્રી સ્યુડો-સાયન્સને પ્રમોટ કરે છે. પણ નરેન્દ્ર મોદી હાથીની ચાલે આગળ વધતા રહે છે. કૂતરાં એમની પાછળ ભસતાં રહે છે.

બે દિવસ પહેલાં; 19મી એપ્રિલે-વડા પ્રધાને જામનગરમાં WHO ગ્લોબલ સેન્ટર ફૉર ટ્રેડિશનલ મેડિસિનના વૈશ્વિક હેડ ક્વાર્ટર્સનો શિલાન્યાસ વિધિ કરવા માટે મોરેશિયસના વડા પ્રધાન પ્રવીણકુમાર જગન્નાથને લહાવો આપ્યો. આ પ્રસંગે WHOના સર્વોચ્ચ વડા ડાયરેક્ટર-જનરલ ડૉ. ટેડ્રો મુખ્ય અતિથિ હતા. કોરોનાના વખતમાં ટ્રેડોના માથે ઘણાં ટપલાં પડ્યાં, સૉર્ટ ઑફ વૈશ્વિક વિલન તરીકે અને એક બેવકૂફ માણસ તરીકે એમને ચીતરવામાં આવ્યા. મોદીજીએ ગુજરાતમાં આમંત્રીને ટેડ્રોને ગુજરાતી બોલતા કરી દીધા એટલું જ નહીં એમને ‘તુલસીભાઈ’ પણ બનાવી દીધા. આપણને મમ મમ સાથે કામ છે કે ટપ ટપ સાથે- આ મોદીજીનો મંત્ર છે.

આયુર્વેદનું હજારો વર્ષ જૂનું જ્ઞાન આપણા સૌના ઘરમાં પેઢીઓથી પ્રચલિત છે જેને આપણે ‘ઘરગથ્થુ વૈદક’ તરીકે ઓળખીએ છીએ…ગુજરાતના ખૂબ આદરણીય અને ચારેકોર પ્રસિદ્ધિ પામેલા વૈદ બાપાલાલ વૈદ્યનું ‘ઘરગથ્થુ વૈદક’ પુસ્તક ઘણું વંચાયું-વેચાયું છે

જામનગર ભારતનું પ્રમુખ અને ઘણું જૂનું આયુર્વેદિક કેન્દ્ર છે. પંચાવન-સાઠ વર્ષ પહેલાં, 1965માં જામનગરમાં આયુર્વેદ યુનિવર્સિટીની સ્થાપના થઈ જ્યાં ગ્રેજ્યુએટ-પોસ્ટ ગ્રેજ્યુએટ અને પીએચ.ડી.ના અભ્યાસ માટે દર વર્ષે દેશવિદેશથી હજારો વિદ્યાર્થીઓ આવે છે. યોગ અને પ્રાકૃતિક ચિકિત્સા વિદ્યા પણ અહીં શીખવાડાય છે. ન્યુરોલોજિકલ ડિસઑર્ડર્સ, પેરેલિસિસ, આર્થરાઇટિસ, સ્કિનના રોગો, ઑટો ઇમ્યુન ડિસીઝ વગેરેની સારવાર માટે 300 બેડની હૉસ્પિટલ આ યુનિવર્સિટી પાસે છે અને રોજના 1,500 પેશન્ટોની સારવાર કરી શકે એવી ઓ.પી.ડી. પણ છે. મોદીજીએ વાજબી રીતે જ જામનગરને આ ક્ષેત્રનું વૈશ્વિક કેન્દ્ર બનાવવાની WHOને પ્રેરણા આપી છે.

આયુર્વેદનું હજારો વર્ષ જૂનું જ્ઞાન આપણા સૌના ઘરમાં પેઢીઓથી પ્રચલિત છે જેને આપણે ‘ઘરગથ્થુ વૈદક’ તરીકે ઓળખીએ છીએ. રસોઈ કરતાં દાઝી ગયા? ઘી ચોપડી દેવાનું. ચપ્પુ વાગી ગયું? હળદર દબાવી દેવાની. પેટ ખરાબ છે? અજમો ફાકી જવાનો. આપણા રસોડામાં રહેતો મસાલાઓનો સ્ટીલનો ડબ્બો વાસ્તવમાં ઔષધોનો ડબ્બો છે. એમાંની એક એક આયટમના ઔષધીય ગુણો છે. દેવગઢ બારિયામાં મારાં દાદી મસાલાઓ મૂકવા રસોડામાં સ્ટીલનો ડબ્બો નહીં પણ લાકડાનો બાર ખાનાવાળો ચોરસ ડબ્બો વાપરતાં જેને ‘લક્કડિયું’ કહેતા.

ગુજરાતના ખૂબ આદરણીય અને ચારેકોર પ્રસિદ્ધિ પામેલા વૈદ બાપાલાલ વૈદ્યનું ‘ઘરગથ્થુ વૈદક’ પુસ્તક ઘણું વંચાયું-વેચાયું છે. લોકો દવાઓ પાછળ ખોટા પૈસા ખર્ચતાં અટકે, રોગિષ્ઠ મનોદશામાંથી બહાર આવે, આહારવિહારમાં એક વાક્યતા સાધે અને સામાન્ય રોગોનો ઉપાય પોતે જ કરી લે તે દૃષ્ટિથી બાપાલાલ વૈદ્યે ‘ઘરગથ્થુ વૈદક’ લખ્યું હતું. 500 પાનાંના આ પુસ્તકમાં પાચનતંત્રનાં દરદો, મેદના વિકારો, વાયુના રોગ, માનસ રોગો, મૂત્ર-રક્ત-કફ-શરદી-હૃદયના રોગો, તાવ, સ્ત્રીઓના રોગો, નાક-આંખ-કાન-દાંત સંબંધી ફરિયાદો અને બીજા અનેક નાનામોટા પરચૂરણ રોગો વિશે માહિતી આપીને એના ઘરગથ્થુ ઉપાય બતાવવામાં આવ્યા છે.

બાપાલાલ વૈદ્યનું બીજું એક જાણીતું પુસ્તક છે જેનું શીર્ષક છે ‘દિનચર્યા’. લગભગ નેવું વર્ષ પહેલાં લખાયેલા આ પુસ્તકની પ્રથમ આવૃત્તિ 1934માં પ્રગટ થઈ હતી. પુસ્તકના પહેલા જ પાના પર ‘અષ્ટાંગહૃદયમ’નો શ્લોક ટાંકીને બાપાલાલભાઈએ એની સમજૂતી આપી છે: ‘ધર્મ, અર્થ તથા વિવિધ સુખોના આધારભૂત દીર્ઘજીવનની ઇચ્છાવાળાઓએ આયુર્વેદના ઉપદેશમાં પરમ આદર રાખવો જોઈએ.’

મૂળ શ્લોક સંસ્કૃતમાં છેઃ આયુઃ કામયમાનેન ધર્માર્થસુખસાધનમ્, આયુર્વેદોપદેશેષુ વિધેયઃ પરમાદરઃ.

આપણે ત્યાં ‘ચરકસંહિતા’, ‘સુશ્રુતસંહિતા’ અને ‘અષ્ટાંગહૃદયમ્’ને બૃહત્રયી તરીકે ઓળખવામાં આવે છે. વાગ્ભટે લગભગ ત્રણ હજાર વર્ષ અગાઉ ‘અષ્ટાંગહૃદયમ્’ ગ્રંથની રચના કરી હતી જેમાં આયુર્વેદની દવાઓ તેમ જ શલ્યચિકિત્સા બેઉ વિશેની માહિતીનો ભંડાર છે.

બાપાલાલ ગરબડદાસ શાહ ખડાયતા વૈષ્ણવ હતા અને પંચમહાલ જિલ્લામાં જન્મેલા. (વૉટ અ કોઇન્સિડન્સ!) વખત જતાં બાપાલાલ વૈદ્ય તરીકે ઓળખાયા. 1896માં એમનો જન્મ. સત્તાણું વર્ષનું દીર્ઘ આયુષ્ય ભોગવીને 1993માં તેઓ સ્વર્ગવાસી થયા. કુલ પચ્ચીસેક પુસ્તકો લખ્યાં. જિંદગી આખી આયુર્વેદનો અભ્યાસ કર્યા, કરાવ્યો અને આ જ વિષયમાં ઊંડું સંશોધન કર્યું. વૈદ્ય તરીકે હજારો-લાખો લોકોને સાજા કર્યા.

ડૉ. પ્રકાશ કોઠારી આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત સેક્સોલોજિસ્ટ છે. 1985માં દિલ્હીમાં ભરાયેલી 7મી વર્લ્ડ કૉન્ગ્રેસ ઑફ સેક્સોલૉજિના તેઓ પ્રેસિડન્ટ હતા. 1989માં ‘ધ વર્લ્ડ એસોસિયેશન ઑફ સેક્સોલૉજી’એ એમને ‘મૅન ઑફ ધ યર’ ખિતાબ વડે નવાજ્યા અને 2002માં વાજપાયીજીની સરકારે એમનું ‘પદ્મશ્રી’થી બહુમાન કર્યું હતું. ડૉ. પ્રકાશ કોઠારી પાસે મેડિસીનની મોટી મોટી ડિગ્રીઓ છે અને પીએચ.ડી. પણ છે. આમ છતાં આયુર્વેદના ક્ષેત્રનું અગાધ જ્ઞાન એમની પાસે છે. કોઈ પણ સિનિયર આયુર્વેદાચાર્યની હારોહાર ઊભા રહી શકે એટલું નૉલેજ છે, અનુભવ પણ છે. તેઓ બાપાલાલ વૈદ્યને આ ક્ષેત્રના એક આદર્શ-પુરુષ માને છે. બાપાલાલ વૈદ્યનું નામ મને પહેલવહેલીવાર વર્ષો અગાઉ ડૉ. પ્રકાશભાઈ પાસેથી જ જાણવા મળ્યું હતું.

બાપાલાલ વૈદ્યે સવા બસો પાનાંના ‘દિનચર્યા’ પુસ્તકમાં અનેક કામની વાતો લખી છે. એક ચૅપ્ટરનું શીર્ષક છે: ‘આયુષ્યમાન થવાના ઉપાયો’.બાપાલાલભાઈએ મહાભારતનો રેફરન્સ આપીને આ આખું પ્રકરણ લખ્યું છે.

સાતથી દસ હજાર વર્ષ અગાઉ લખાયેલી આ વાતો ‘મહાભારત’ની રચના થઈ તે પહેલાં પણ પ્રસ્તુત હશે, તો જ તો વેદ વ્યાસે તે લખી હશે. આ વાતોનો વ્યવહારમાં અમલ પણ થતો હશે એ જમાનામાં.

બાપાલાલભાઈ લખે છે કે ‘મહાભારત’ના અનુશાસનપર્વમાં યુધિષ્ઠિર ભીષ્મ પિતામહને પ્રશ્ન પૂછે છે: ‘પિતામહ! વેદમાં કહ્યું છે કે પુરુષનું (એટલે કે માણસનું જેમાં સ્ત્રી પણ આવી જાય) આયુષ્ય સો વર્ષનું હોય છે. શું કરવાથી મનુષ્ય સંપૂર્ણ આયુષ્યમાન થઈ શકે? શું કરવાથી અલ્પ આયુષ્યવાળો થાય છે?’

આ પ્રશ્નોનો ઉત્તર ભીષ્મ પિતામહ લંબાણપૂર્વક આપે છે. ભીષ્મ પિતામહ કહે છે:

‘આચારથી જ પુરુષનું આયુષ્ય વધે છે, આચારથી જ લક્ષ્મીવાન થવાય છે અને આચારથી જ આ લોક અને પરલોકમાં કીર્તિ પ્રાપ્ત થાય છે. (પરલોકનું મારું ઇન્ટરપ્રીટેશન એ છે કે તમારા ગયા પછી પણ દાયકાઓ-સેંકડો-હજારો વર્ષ સુધી તમારી કીર્તિનાં ગુણગાન ગવાતાં રહે છે- રામ, કૃષ્ણ, મહાવીર, બુદ્ધ, નરસિંહ મહેતા, ગાંધીજી, સ્વામી વિવેકાનંદ, વીર સાવરકર, ડૉ. મહેરવાન ભમગરા, ડૉ. મનુ કોઠારી કે પછી નર્મદ, ઉમાશંકર, રમેશ પારેખ, હરકિસન મહેતા, ચંદ્રકાન્ત બક્ષી કે અશ્વિની ભટ્ટની જેમ —સૌ. શા.) દુરાચારી મનુષ્યોને આ જગતમાં દીર્ઘાયુષ્ય પ્રાપ્ત થતું નથી. માટે પોતાનું કલ્યાણ ઇચ્છનાર પ્રત્યેક મનુષ્યે સદાચારી થવું. (6-9)

‘ક્રોધનો ત્યાગ કરનાર, સત્યવાદી, પ્રાણીઓની હિંસા નહીં કરનાર, અસૂયા (ઈર્ષ્યા) રહિત અને નિષ્કપટી પુરુષ સો વરસ સુધી જીવી શકે છે. (14)

‘સવારમાં બ્રાહ્મમુહૂર્તમાં ઊઠીને ધર્મ-અર્થનો વિચાર કરવો. હંમેશાં નિત્ય સંધ્યા કરવી. નિત્ય સંધ્યા કરતા હતા એટલે જ ઋષિઓ દીર્ઘાયુષી હતા. (18)

‘કેશ પ્રસાધન (વાળમાં તેલ નાખવું, વાળ ઓળવા, સેટ કરવા વગેરે), આંખમાં અંજન કરવું તથા દેવતાઓનું પૂજન આદિ કાર્યો દિવસના પ્રથમ ભાગમાં જ કરી લેવાં. (23)

‘બીજાનાં મર્મસ્થાનોને પીડા થાય તેવાં વચનો બોલવાં નહીં, ક્રૂર વાક્યો બોલવાં નહીં, નીચ મનુષ્ય પાસેથી કોઈ પદાર્થ લેવો નહીં, જે વાણીથી બીજાને ઉદ્વેગ થાય તેવી રુક્ષ અને પાપી વાણી કદી બોલવી નહીં.(32-33)

‘ઉત્તર દિશામાં અને પશ્ચિમ દિશામાં માથું રાખી સૂવું નહીં. પૂર્વ અને દક્ષિણ દિશામાં માથું રાખી સૂવું (48)

‘કદી માથાના વાળ ખેંચવા નહીં કે કોઈના માથા ઉપર માર મારવો નહીં. બંને હાથે કદી માથું ન ખંજાળવું. વારંવાર શિર ઉપર જળ રેડી સ્નાન ન કરવું’ (અર્થાત્ બાલદી-લોટા વડે સ્નાન કરતા હો કે પછી શાવર નીચે ઊભા રહીને નહાતા હો-આખો વખત માથા પર જળધારા કર્યા કરવી નહીં. —સૌ.શા.) (70)

‘રાત્રે સૂતી વખતે દિવસે પહેરેલું વસ્ત્ર બદલીને નવું પહેરીને સૂઈ જવું. (86)’

(સ્વામી રામદેવે એક વખત યોગાભ્યાસ દરમ્યાન આ વાતનો ઉલ્લેખ કર્યો હતો. એમણે કહ્યું હતું કે પોતે કારમી ગરીબીમાં ઉછરેલા અને ત્યાર બાદ ગુરુકુળમાં વર્ષો વીતાવ્યાં એટલે ખબર જ નહીં કે રાત્રે કપડાં બદલીને સૂઈ જવાનું હોય. ‘અમે તો આખો દિવસ જે કપડાં પહેર્યાં હોય તે જ પહેરીને સૂઈ જતા.’)

‘પોતાનો જે જ્ઞાતિજન વૃદ્ધ હોય અને જે મિત્ર દરિદ્ર હોય તેને પોતાના ઘરમાં વસાવવો. આવું કરવાથી ધન અને આયુષ્યની વૃદ્ધિ થાય છે. (113)’

આવી બીજી ઘણી વાતો બાપાલાલભાઈએ અનુશાસન પર્વમાંથી ટાંકી છે અને લખ્યું છે કે, ‘આપણે (એ પર્વમાંથી) કેટલીક અગત્યની વાતો જ લીધી છે. આખું પ્રકરણ જોવાની ઇચ્છા રાખનારે મહાભારત વાંચવું.’

ભીષ્મ પિતામહે આ બધી વાતો યુધિષ્ઠિરને જણાવી. માત્ર એક જ વાત દાદાએ યુધિષ્ઠિરથી ખાનગી રાખી: ‘સો વર્ષ જીવવું હોય તો પચાસ દિવસ માટે હરદ્વારના સ્વામી રામદેવના યોગગ્રામમાં જઈને રહેવું!’

• • •

તાજા કલમ: તમને આમાં મઝા પડી રહી છે? તો કમેન્ટ બોક્સમાં તમારી લાગણી કેમ નથી લખતા! તમારા હોંકારા વગર અંધારામાં તીર ચલાવવા જેવું લાગે છે!
—સૌ.શા.

•••
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

15 COMMENTS

  1. ખૂબ માહિતી સભર લેખ આપો છો. ભારત તમારા જેવા અને તમે વર્ણવેલા લોકો થકી જ પોતાની સંસ્કૃતિ જાળવી શક્યો છે. ભગવાન તમને દીર્ઘાયુ અને સારું સ્વાસ્થ્ય આપે તેવી પ્રાર્થના.

  2. બહુજ સરસ અને સરળ સુંદર માહિતી આપી
    Thank you

  3. મજા પડી ગઈ… આદરણીય બાપાલાલજી મારા શબ્દ દેહે ગુરુ છે… આપના લખાણ માં બાપાલાલ વિશે ની માહિતી થોડીક 19-20 છે… એમના જીવનકવન વિશેની વિસ્તૃત માહિતી આ લિંક પરથી મેળવી શકાશે…
    ( અહિ પેસ્ટ નું ઓપ્શન આવતુ નથી… એટલે લિંક શેર નહી કરી શકાય)
    બાપાલાલે દેહ ત્યાગ 1983 માં કરેલ, બાપાલાલે 35 થી વધુ પુસ્તક લખેલ છે જે પૈકી 30 પુસ્તક મારી ટેલીગ્રામ ચેનલ પરથી PDF સ્વરૂપે ડાઉનલોડ કરી શકાય છે ફ્રી ઑફ કોસ્ટ

    આ લેખ બદલ આપને હૃદયથી અભિનંદન કેમ કે, આયુર્વેદ ના ચિકિત્સકો બાપાલાલ વિશે નથી જાણતાં… એ આપે જણાવેલ છે…

  4. બાપાલાલ વૈદ્ય….એટલે આયુર્વેદનો એક આખો યુગ સાંભરે…
    જે 150-200 વર્ષ પહેલાંના જમાનામાં આયુર્વેદ સાવ લુપ્તપ્રાય જેવી દશામાં હતો, અંગ્રેજો એ સાવ નિર્મૂળ કરી દીધો હતો અને જનમાનસમાં એલોપેથી એટલે જ ચિકિત્સા એમ થવા થવામાં હતું ત્યારે આયુર્વેદના કેટલાક મનિષીઓએ આયુર્વેદ પુનઃ પ્રતિષ્ઠા માટે ભારે જહેમત આદરી હતી. એ યુગની છેલ્લી કડીમાં બાપાલાલ આવે.

    આયુર્વેદના હસ્તલિખિત મૂળ ગ્રંથોને ખૂણે-ખૂણેથી શોધવા, ભારે મહેનતથી તેને સમિક્ષિત કરવા, અધિકૃત આવૃત્તિ બહાર પાડવી, અધિકૃત અનુવાદ કરવા, સંદિગ્ધ અને લુપ્ત ઔષધીઓને ઓળખવી, દવાઓ અને ચિકિત્સાની સિસ્ટમ ગોઠવવી, એજ્યુકેશન અને ટ્રેનિંગ – રિસર્ચ વગેરેનું માળખું ગોઠવવું આ બધાનું કામ કેટલાક લોકોએ ના કર્યું હોત તો આપણને અત્યારે આ આયુર્વેદ મળત જ નહિ. જાદવજી ત્રિકમજી આચાર્ય, પ્રિયવ્રત શર્મા, બાપાલાલ વૈદ્ય, ઝંડુ ભટ્ટજી, ભિક્ષુ અખંડાનંદ, જયકૃષ્ણ ઈન્દ્રજી, ચંદ્રકાંત શુક્લ, ડો. પી.એમ.મહેતા, વૈદ્ય શોભન, પ્રજારામ રાવળ કેટલા નામ ગણીએ!! બધાય અપ્રતિમ પુરુષાર્થના ધણી.

    બાપાલાલ ભાઈએ સતત લખ્યું છે. વગડે-વગડે સંશોધન, ચિકિત્સા ઉપરાંત રોજના આટલા પાના લખવા જ એવા એ કૃતનિશ્ચયી. તેમનો નિઘંટુ આદર્શ ગ્રંથ જો અંગ્રેજીમાં હોત તો તેને વિશ્વભરના સંશોધકોને ઘેલું લગાડયું હોત. અંગ્રેજી, લેટિન, હિન્દી, ગુજરાતી, સંસ્કૃત, મરાઠીમાંથી અઢળક સંદર્ભો ટાંકીને પોતાની વાત સમજાવે તેવા બહુશ્રુત વિદ્વાન. તેમના બીજા એક ગ્રંથનું નામ છે સંસ્કૃત સાહિત્યમાં વનસ્પતિ.

    તેમના ચરક સંહિતાના ઊંડા અભ્યાસને લઈને તેમને અમદાવાદની વી. એસ હોસ્પિટલના ડોક્ટરોએ વાર્તાલાપ માટે આમંત્ર્યા હતા. ચરકનો સ્વાધ્યાય એ પુસ્તકમાં આ ખૂબ ગહન અને માર્મિક વાર્તાલાપ સંગ્રહિત છે.

    બાપાલાલ વૈધનુ એક ચોટદાર વાક્ય “જ્યાં એક ચમચી હરડે કે એક ચમચી દિવેલની જ જરૂર હોય ત્યાં દર્દીને દવાખાનામાં દાખલ કરીને એકસ રે પાડીને સેલાઈન ચઢાવીને હેરાન કરવો એ ઊંટવૈદુ જ ગણાવું જોઈએ”

    તમારા લેખ નિમિત્તે આ બધું યાદ આવ્યું સૌરભભાઈ!
    તમને અને તમારા વાચકોને ગમશે.

  5. ખૂબ માહિતી મળી રહી છે. અગત્યની વાતો શીખવા મળી રહી છે. બદલાવ લાવવાની અને સુધારવાની પ્રકિયા શરૂ કરી દીધી છે. ખૂબ ખૂબ આભાર સૌરભભાઇ. તમારા 50 દિવસોનું વર્ણન અમારા જેવા કેટલાય લોકોને પ્રેરણા આપતું રહેશે.

  6. Saurabhbhai…you r lucky to hv this opertunity…u r writeup is meaningfull..usefull…keep it up ..bestluck…if convinent let me hv ur adress and ph.no pl.i am 77 young pravin panchal from Anand gujarat

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here