જે હું છું જ નહીં, તે હું શું કામ બનું? : સૌરભ શાહ

( જિંદગી જીવવાનાં દસ સુવર્ણ સૂત્રો: પાર્ટ ફોર )

( Newspremi.com : સોમવાર, 6 જુલાઈ 2020)

ગાલિબનો એક શેર છે :

ન હોતા ગર જુદા તન સે
તો ઝાનૂ પર ધરા હોતા

મારું છઠ્ઠું સૂત્ર ગાલિબનો આ શેર છે : મારું માથું મેં તનથી અલગ થવા ન દીધું હોત તો મારું શું થયું હોત? તો હું આજે માથું મારા ઘૂંટણ પર, ઝાનૂ પર, ઝુકાવીને તમારી સમક્ષ કાકલૂદી કરતો હોત.

જિંદગીમાં ક્યારેક ને ક્યારેક એવો પ્રસંગ આવે છે જ્યારે તમારી પાસે બે જ ચૉઈસ હોય છે : ઝૂકી જવું કાં તૂટી જવું.

જિંદગી આવી કસોટી વારંવાર નથી કરતી. પણ ક્યારેક એ તમને જરૂર ભઠ્ઠીમાં તપાવીને તપાસી લે છે કે તમારું ટિંબર કેવું છે, તમે કેટલા કૅરેટના માણસ છો.

મારા જીવનમાં પણ એક વાર એવો પ્રસંગ આવ્યો હતો જ્યારે મારે નક્કી કરવું પડે એમ હતું કે મારે ઝૂકી જવું છે કે તૂટી જવું છે. માથું ધડ પરથી અલગ થઈ જવા દેવું કે પછી ઘૂંટણ પર માથું ઝુકાવીને શરણાગતિ સ્વીકારી લેવી. એ ઘટના જે ગાળામાં બની તે વખતે આ આખીય વાત મેં વિક્રમ વકીલને ‘હૉટલાઈન’ માટે આપેલા ઈન્ટરવ્યુમાં વર્ણવી છે અને આ મુલાકાત મારા પુસ્તક ‘અયોધ્યાથી ગોધરા’ના પરિશિષ્ટમાં પણ પ્રકટ થઈ ચૂકી છે.

એ દિવસો 2002ના હતા. 27 ફેબ્રુઆરીએ ગોધરા જંકશન પર સાબરમતી એક્સપ્રેસના એસ-સિક્સ ડબ્બાના 59 હિંદુ પૅસેન્જર્સને મુસ્લિમ તોફાનીઓએ જીવતા સળગાવી દીધા હતા. (દસ વર્ષ કેસ ચાલ્યો, કેટલાક મુસ્લિમોને ફાંસીની સજા ફરમાવાઈ અને કેટલાકને જનમટીપની સજા થઈ આ કેસમાં.) 2002માં હું મુંબઈના ગુજરાતી દૈનિક ‘મિડ-ડે’નો તંત્રી હતો. મેં આ ઘટના વિશે ફ્રન્ટ પેજ તંત્રીલેખ લખ્યો : ‘ગોધરાના હત્યાકાંડની જવાબદારી કોની?’ આ હત્યાકાંડ વિશે અંગ્રેજી સેક્યુલર છાપાઓએ કોઈ ટિપ્પણી કરી નહીં. કેટલાકે તો આ ન્યૂઝને થોડેઘણે અંશે દબાવી દેવાની કોશિશ પણ કરી. ગોધરાકાંડની પ્રતિક્રિયારૂપે ગુજરાતમાં રમખાણો શરૂ થયાં ત્યારે સેક્યુલર છાપાં-ન્યૂઝ ચેનલોએ ગુજરાતને અને હિંદુઓને આડેધડ ચાબખા મારવાનું શરૂ કર્યું.

તંત્રીલેખના પહેલા જ વાક્યમાં મેં લખ્યું : ‘ગોધરાથી પસાર થતી ટ્રેનમાં અયોધ્યાથી પાછા આવતા કારસેવકોને બદલે હજયાત્રીઓ હોત અને હિન્દુઓએ ડબ્બા બહારથી બંધ કરીને અંદર કેરોસીનથી લથબથતાં ગોદડાં નાખી સળગતા કાકડા ફેંક્યા હોત તો? ….તો અંગ્રેજી છાપાંઓમાં જે કેટલાંક નાદાન, બેવકૂફ તથા સ્યુડો ઈન્ટલેક્ચ્યુઅલ છોકરા-છોકરીઓ કામ કરે છે એમણે કૂદાકૂદ કરી મૂકી હોત, ફ્રન્ટ પેજ પર કાગારોળ મચાવી દીધી હોત. પણ ગોધરાના હત્યાકાંડ પછી તેઓનાં લૅપટૉપ ચૂપ છે. કેટલાક અંગ્રેજી છાપાં આ ઘટનાને ચોક્કસ ઈરાદાથી અન્ડરપ્લે કરે છે તો કેટલાક નામ પૂરતાં બે વાક્યોમાં આ ઘટનાની સ્ટાન્ડર્ડ શબ્દોમાં (ઘાસ્ટલી એન્ડ ડાર્સ્ટડ્લી એક્ટ) ટીકા કરીને કહે છે કે : ‘પણ મુસ્લિમોની આ ઉશ્કેરણીનું કારણ શું? પંદરમી માર્ચથી રામ મંદિરનું બાંધકામ શરૂ કરવાની ઘોષણા.’ આટલું કહીને તેઓ હિન્દુઓને આડેધડ ઝૂડી કાઢે છે. દાઝ્યા પરના આ ડામ ઓછા હોય એમ એના પર નમક ઘસતાં તેઓ લખે છે : ‘ગોધરાની ઘટના માટે કોણ જવાબદાર છે તે વિશેની પોલીસ તપાસ કરતી વખતે સરકારે તકેદારી રાખવી જોઈએ કે લઘુમતી કોમને બિનજરૂરી હેરાનગતિ ન થાય.’

લગભગ બે હજાર શબ્દોનો આ લાંબો તંત્રીલેખ છપાયા પછી બે તીવ્ર પ્રત્યાઘાત આવ્યા. અસંખ્ય વાચકોએ રૂબરૂ મળીને, પત્ર લખીને, ફોન કરીને આ તંત્રી લેખ લખવા બદલ મને અભિનંદન આપ્યા. આમાંનો એક ફોન કરનાર વાચક હતા નરેન્દ્ર મોદી.

બીજા પ્રત્યાઘાત પણ એટલા જ આવેશભર્યા હતા. કેટલાક ઉર્દૂ-સેક્યુલર છાપાઓએ મારો ઉધડો લીધો. મને કોમવાદી કહ્યો. અંગ્રેજી છાપાંનાં તંત્રીઓએ મારી મૅનેજમેન્ટને ફરિયાદ કરી. મૅનેજમેન્ટે મને કહ્યું કે તમે કોમવાદી લખાણો લખવાનું બંધ કરો. મેં કહ્યું કે, ‘જો હું કોમવાદી હોઉં તો તમારે એક સેકન્ડ માટે પણ મને ચલાવી લેવો જોઈએ નહીં, એક કોમવાદીના હાથમાં તમે છાપાંની જવાબદારી કેવી રીતે સોંપી શકો?’

મને કહેવામાં આવ્યું કે તમે મુસ્લિમ વિરોધી છો. મેં કહ્યું મારા આ તંત્રીલેખમાં કે ફૉર ધેટ મેટર, મેં મારી કારકિર્દી દરમિયાન લખેલા કે છાપેલા કોઈ પણ લખાણમાં એકપણ લેખ કે રિપોર્ટ એવો બતાવો જે હિન્દુઓને ઉશ્કેરે એવો હોય. એક વાક્ય કે એક શબ્દ પણ એવો તો બતાવો. મેં ક્યારેય મુસ્લિમ પ્રજા વિરુદ્ધ કે ઈસ્લામ ધર્મ વિરુદ્ધ એક અક્ષર ડિરોગેટરી લખ્યો નથી. મુસ્લિમો તરફ મને જરા સરખો દ્વેષ નથી. મારો આક્રોશ મુસ્લિમોને ઉશ્કેરતા એમના નેતાઓ સામે છે, એમને સાથ આપતા સેક્યુલરવાદીઓ સામે છે અને વોટ બૅન્ક ગણીને એમની આળપંપાળ કરતા કેટલાક થર્ડ ક્લાસ હિન્દુ રાજકારણીઓ સામે છે, અને અફકોર્સ આ સૌની ઉશ્કેરણીથી અને એમના સાથથી ગલત કામ કરતા કેટલાક મુસ્લિમો સામે છે.

મારા છાપાની મૅનેજમેન્ટ માટે હું સોનાનાં ઈંડા મૂકતી મરઘી જેવો હતો. તેઓ મને જવા દેવા નહોતા માગતા. છેલ્લાં ત્રણ વર્ષમાં ‘મિડ-ડે’ની તમામ પ્રકારની પ્રગતિ સૌ કોઈએ જોઈ હતી. હું જોડાયો ત્યારે વાર્ષિક ખોટ લગભગ સવા કરોડ રૂપિયાની હતી જે ત્રણ વર્ષમાં ઘટીને સાવ મામૂલી આંકડા પર આવી પહોંચી હતી અને નેક્સ્ટ યરથી છાપું કમાણી કરતું થઈ જવાનું હતું એની મૅનેજમેન્ટને ખાતરી હતી.

મૅનેજમેન્ટે સામ-દામ-દંડ-ભેદની નીતિ અપનાવી. પહેલાં તો મને સમજાવવામાં આવ્યો કે મારા વિચારો ગેરમાર્ગે દોરાઈ ગયા છે, માટે હિંદુ જિંગોઈઝમ છોડીને મારે સેક્યુલરવાદના માર્ગે આગળ વધવું જોઈએ. એમની આ દલીલ સામે મેં લંબાણથી મારો તર્ક રજૂ કર્યો. મને સમજાવવાની તેમની સ્ટ્રેટેજી ફેલ ગઈ.

પછી દામ આવ્યા, લાલચની ભાષા વપરાઈ. મને કહેવામાં આવ્યું કે, ‘તમને ખબર છે કે યુ આર ધ હાઈએસ્ટ પેઈડ એડિટર ઈન ગુજરાતી જર્નલિઝમ?’ મેં સામે કહ્યું, ‘શું તમને ખબર છે કે હું અહીં તંત્રી તરીકે જોડાયો તે પહેલાં ફ્રીલાન્સર તરીકે કૉલમો, લેખો અને નવલકથાઓ લખીને હું અત્યારના પગાર કરતાં વધારે કમાણી કરતો?’

આ સાંભળીને મારી સામે દલીલ થઈ, ‘પણ કટારલેખકનું સ્ટેટસ વધારે કે અખબારના તંત્રીનું?’ મેં કહ્યું, ‘તમારી આ એડિટર્સ ચૅરને સ્ટેટસ કોણ આપતું હોય છે? હસમુખ ગાંધી તંત્રી હતા ત્યારે ‘સમકાલીન’ના તંત્રીની ખુરશીનું મૂલ્ય સુવર્ણ મયૂરાસન જેટલું હતું. એમના ગયા પછી એ ખુરશીનું મહત્ત્વ હેર કટિંગ સલૂનની ચેર જેટલુંય નથી રહ્યું…. ઉપરાંત મારે કંઈ તંત્રી બનીને આડા ધંધામાંથી કમાણી તો કરવી નથી. તમે જ સર્વે કરાવો : મુંબઈના ગુજરાતી વાચકોને પૂછો કે ‘મિડ-ડે’ના તંત્રી કોણ છે? સોમાંથી નેવું વાચકોને ખબર નહીં હોય કે કોણ છે. અને બીજો સર્વે કરાવો : મુંબઈના ગુજરાતી વાચકોને પૂછો કે સૌરભ શાહ કોણ છે, સોમાંથી નેવું ટકા વાચકોને ખબર હશે કે લેખક છે, પત્રકાર છે. ….હોદ્દાથી માણસ નથી શોભતો, માણસથી હોદ્દો શોભે છે….’

વાચકોની આંખમાં તમારી વિશ્વસનીયતાનું, ક્રેડિબિલિટીનું માપ રોજેરોજ નીકળતું હોય છે.

ભેદ. કંપનીમાં મને એકલો પાડી દેવાની ચાલ રમાઈ. દર મહિને થતા એડિટર્સ લંચમાં મને આમંત્રણ મળતું બંધ થઈ ગયું. મેનેજમેન્ટ સંભાળતા બીજા સિનિયર અધિકારીઓ જેઓ મારો પડ્યો બોલ ઝીલી લેતા તે બધા મારાથી મોઢું ફેરવી લેતા થઈ ગયા. સારી વાત એ બની કે મારો સ્ટાફ—તંત્રી વિભાગના મારા સાથીઓ—સંપૂર્ણ રીતે મારી પડખે ઉભા રહ્યા. છેવટે દંડ. કંપનીએ આટલાં વર્ષોમાં પહેલી વાર નવી કન્ટેન્ટ પૉલિસી બનાવી. આ લેખિત નીતિ મુજબ મારે મારા વિચારો ‘સેક્યુલર’ બનાવી દેવાના હતા. મારે રાજદીપ સરદેસાઈ, કરન થાપર, નગીનદાસ સંઘવી, પ્રકાશ ન. શાહ અને બરખા દત્ત જેવા બની જવાનું હતું. ખૂબ ચર્ચાઓ બાદ એક તબક્કે એવી પરિસ્થિતિ આવીને ઊભી રહી, જ્યારે મારે નક્કી કરવાનું હતું કે મૅનેજમેન્ટે મને આપેલી આચારસંહિતા મુજબ છાપું એડિટ કરવું કે પછી મારા સિદ્ધાંતોને, વિચારોને, આદર્શોને વળગી રહેવું અને નોકરી ગુમાવી દેવી.

મેં કહ્યું : પડખે ઊભા રહેવું એટલે શું? મેં નોકરી છોડી ત્યારે શું એ આશાએ છોડી હતી કે મારા પ્રત્યે સહાનુભૂતિ ધરાવતા મિત્રો, લેખકો કે વાચકો પોતાના ઘરેથી મારા માટે રોજ એક-એક ટંકનું ટિફિન મોકલશે?

હું કોઈ હિન્દુવાદી રાજકારણી નથી કે નથી કોઈ નેતા. બીજા કેટલાક પત્રકારોની જેમ રાજકારણીઓ પાસેથી મને કોઈ લાભની અપેક્ષા નથી. હું એક જવાબદાર વ્યવસાયમાં છું, જ્યાં મને ન મૂર્ખામી પરવડે, ન લાગણીશીલ થવું પરવડે. પત્રકારત્વ મારી આજીવિકા છે. પણ આ ક્ષેત્રમાં વ્યક્તિની દાળરોટી કરતાં, તંત્રીને મળતા પગારો કરતાં અનેકગણા વધારે મહત્ત્વના છે – એનાં સિદ્ધાંતો, મૂલ્યો અને વિચારો. જો તમારે ઠરીઠામ થઈને સલામત જિંદગી જીવવી હોય તો પત્રકારત્વમાં પગ પણ ન મૂકવો જોઈએ. આ ક્ષેત્ર તમને સતત અસલામતી આપે છે અને એટલે જ તો એમાં તંગ દોરડા પર બૅલેન્સિંગ રાખીને ચાલવા જેવો રોમાંચ મળે છે. પત્રકારત્વમાં મેં સમાધાનો નથી કર્યાં એવું નથી, કારણ કે કંપનીનું પચાસ-પંચોતેર કરોડ રૂપિયાનું ટર્ન ઓવર જે બૅન્કમાં થતું હોય તે બૅન્કના કર્મચારીઓના વાર્ષિકોત્સવની ઉજવણી વિશેના બે ફકરા છઠ્ઠા પાને છેલ્લી કૉલમમાં છાપી નાખવામાં કશો વાંધો નથી, પણ એ જ બૅન્કનું ધારો કે કોઈ નાણાંકીય કૌભાંડ હોય તો એને તમારે પહેલે પાને છાપવું જ પડે. વાચકોની આંખમાં તમારી વિશ્વસનીયતાનું, ક્રેડિબિલિટીનું માપ રોજેરોજ નીકળતું હોય છે.

એક રાત્રે આવા મનોમંથનમાંથી પસાર થયા પછી મેં બીજે દિવસે ઑફિસે જઈને મારા રાજીનામાના કાગળ સાથે કંપનીએ મને અઢી-ત્રણ વરસ પહેલાં વાપરવા આપેલી નવી નક્કોર મારુતિ એસ્ટીમની ચાવી એચ.આર. ડીપાર્ટમેન્ટને મોકલી આપી. એસ્ટીમ પાછી આપીને મેં મારી સેલ્ફ-એસ્ટીમ જાળવી લીધી.

છૂટા પડતી વખતે મારા પ્યૂનથી માંડીને મારા કમ્પ્યૂટર ઑપરેટર્સ, પત્રકાર મિત્રો, પ્રૂફ રીડર્સ સૌની આંખો છલકાતી હતી. એમનાં આંસુ આજે પણ મારા માટે સૌથી મોટી મિરાત છે.

મેં રાજીનામું આપ્યું છે એવા સમાચાર સ્પ્રેડ થયા અને મારા પર મિત્રોના ફોન આવવા માંડ્યા. એક મિત્રે પૂછ્યું, ‘તને લાગે છે કે કહેવાતા હિન્દુવાદીઓ તારી પડખે ઊભા રહેશે?’ મેં કહ્યું : પડખે ઊભા રહેવું એટલે શું? મેં નોકરી છોડી ત્યારે શું એ આશાએ છોડી હતી કે મારા પ્રત્યે સહાનુભૂતિ ધરાવતા મિત્રો, લેખકો કે વાચકો પોતાના ઘરેથી મારા માટે રોજ એક-એક ટંકનું ટિફિન મોકલશે? અહીં દરેક જણે પોતાનો ક્રોસ પોતાને ખભે ઊંચકવાનો હોય છે. જે દિવસે મેં ‘મિડ-ડે’માં મારો વિદાયપીસ લખ્યો તે આખો દિવસ વાચકોના ફોન સતત આવતા રહ્યા. સાંજે બે ફોન વચ્ચેની મિનિટોમાં હું મારી કેબિનમાં બેઠાં બેઠાં વિચારતો હતો કે મારા સાથી પત્રકારો, મારા વાચકો, મારા અંગત મિત્રો આ રીતે મને હૂંફ આપે છે તે કેટલું સારું લાગે છે. પણ ધારો કે આ તમામે મને આકરાં વેણ કહીને ઉતારી પાડ્યો હોત તો? મારી સખત ટીકા કરીને, મારાથી અંતર રાખતા થઈ ગયા હોત તો? હું તદ્દન એકલો પડી ગયો હોત તો શું મેં જે પગલું ભર્યું તેમાંથી હું પાછો હટી ગયો હોત? શું મને રાજીનામાનો નિર્ણય ખોટો લાગ્યો હોત? લોકો તમારી સાથે હોય ત્યારે જે હૂંફ મળે છે તે ચોક્કસ તમને ગમતી હોય છે અને લોકો તમારી વિરુદ્ધ હોય ત્યારે આકરો તાપ પણ તમને લાગતો હોય છે. કબૂલ. પણ આવી બેઉ પરિસ્થિતિઓમાં તમારે તો તમને જે સાચું લાગે અને જે સારું લાગે તે જ કરવાનું. લોકો તમારી સાથે હોય ત્યાં સુધી એમના હાથમાં હાથ પરોવીને ચાલવાનું અને કોઈ સાથે ન હોય ત્યારે એકલા એકલા, એ જ ઝડપે, આગળ વધવાનું. ટૂંકમાં ચાલતા રહેવાનું, અટકવાનું નહીં.

‘મિડ-ડે’ના પેરન્ટ ઉર્દૂ દૈનિક ‘ઈન્કિલાબ’ના સિનિયર પત્રકાર જાવેદે ઈ-મેલ પર મને ખૂબ લાગણીભર્યો સંદેશો મોકલેલો. ‘ઈન્કિલાબ’નો પ્યૂન સુદ્ધાં મને આવીને આંખમાં આંસુ સાથે કહે, ‘સા’બ આપ બડે અચ્છે આદમી હૈ.’

‘મિડ-ડે’ના એડિટોરિયલ સ્ટાફમાં બધાની મીટિંગ બોલાવીને રાજીનામાની જાહેરાત કરી ત્યારે સૌને આઘાત લાગ્યો હતો. પછી વિગતે વાત કરી ત્યારે દરેકની પ્રતિક્રિયા એવી હતી કે જે કારણોસર હું છૂટો થાઉં છું તે વાજબી છે અને આવા સંજોગોમાં તંત્રીએ આ જ પગલું ભરવું જોઈએ. અંગતપણે, મારી સાથેની આત્મીયતાને કારણે, સૌ કોઈ દુઃખી હતું. મને પોતાને, રાજીનામું આપવાનો રંજ નહોતો પણ મારા સ્ટાફના મિત્રોથી છૂટા પડવાનો ગમ જરૂર હતો. છૂટા પડતી વખતે મારા પ્યૂનથી માંડીને મારા કમ્પ્યૂટર ઑપરેટર્સ, પત્રકાર મિત્રો, પ્રૂફ રીડર્સ સૌની આંખો છલકાતી હતી. એમનાં આંસુ આજે પણ મારા માટે સૌથી મોટી મિરાત છે. ‘મિડ-ડે’ના સુરતના સંવાદદાતા આરીફ નાલબંધે મને ફોન કરીને કહ્યું, ‘સૌરભભાઈ, આ ત્રણ વર્ષ દરમિયાન તમે મને ક્યારેય લાગવા દીધું નથી કે તમે હિન્દુ છો અને હું મુસલમાન છું. એટલું જ નહીં, ક્યારેય કોઈની પાસેથી મેં એવું સાંભળ્યું નથી કે તમે મારા વિશે, હું મુસલમાન હોવાને કારણે સહેજ પણ ઘસાતું બોલ્યા હો. ‘મિડ-ડે’ના પેરન્ટ ઉર્દૂ દૈનિક ‘ઈન્કિલાબ’ના સિનિયર પત્રકાર જાવેદે ઈ-મેલ પર મને ખૂબ લાગણીભર્યો સંદેશો મોકલેલો. ‘ઈન્કિલાબ’નો પ્યૂન સુદ્ધાં મને આવીને આંખમાં આંસુ સાથે કહે, ‘સા’બ આપ બડે અચ્છે આદમી હૈ.’ મારા માટે ખરા અર્થમાં સેક્યુલર હોવાનાં આનાથી વધુ સર્ટિફિકેટ બીજાં કયાં હોઈ શકે. 20મી જૂન 2002ના રોજ, તંત્રી તરીકેની નોકરીના મારા છેલ્લા દિવસે મુંબઈની સૌથી મોંઘી ગણાતી રેસ્ટોરાંમાં જેની ગણના થતી તે નેલ્સન વાંગની ‘ચાઈના ગાર્ડન’માં ‘મિડ-ડેના મૅનેજમેન્ટની આખી ટીમે મને લંચપાર્ટી આપીને વિદાયમાન આપ્યું. મારા તંત્રી વિભાગના તમામ સ્ટાફે ગ્રાન્ટ રોડની એક સરસ ટેરેસ રેસ્ટોરાંમાં મારા માટે ફેરવેલ કૉકટેલ પાર્ટી આપી અને મોડી રાત સુધી અમે જલસા કર્યા.

વડીલમિત્રોમાંથી ગુણવંત શાહે ‘અભિયાન’માં મને ટેકો આપતો લેખ લખ્યો. ગુણવંતભાઈ મને ફોન કરીને કહે : ‘મને આર્થિક બાબતે તારી ચિંતા થાય છે, તેં થોડી બચત તો કરી છે ને?’ મેં કહ્યું, ‘પાંચેક પૈસા બચાવ્યા છે, એ ખૂટશે એટલે…’ મારું વાક્ય પૂરું થાય એ પહેલાં ગુણવંતભાઈ હસીને કહે, ‘એ ખૂટે એટલે તું વડોદરા આવી જજે, આખી જિંદગી ‘ટહુકો’માં સાથે રહીશું…’ આવા વડીલમિત્રો હોય તો પછી કોને સાહસ કરવાનું મન ન થાય. મારા માટે તદ્દન અજાણ્યા હોય એવા વાચકો કહે કે તમારા રાજીનામાના સમાચાર વાંચીને બપોરે જમવા બેઠો તો કોળિયો ગળે ન ઊતર્યો અને ડૂમો ભરાઈ ગયો.

બીજા વર્ષે ‘સંદેશ’માં તમામ આવૃત્તિઓના એક્ઝિક્યુટિવ એડિટર તરીકે જોડાવા અમદાવાદ સ્થાયી થયો ત્યારે ‘મિડ-ડે’ના મૅનેજિંગ ડિરેક્ટર અને મારા મિત્ર તારિક અન્સારીએ પર્સનલ લેટર લખીને મને નવા કામ માટે શુભેચ્છાઓ આપી. તારિક અન્સારી, હું મુંબઈ પાછો આવ્યો તે પછી પણ, બીજા લોકોને જરૂર હોય ત્યાં મારું નામ રેકમેન્ડ કરીને મારા વિશે સારામાં સારા રેફરન્સ આપતા રહે છે.

માથું ભલે કપાઈ જાય પણ એ માથું ઘૂંટણિયે રાખીને કરગરવામાં મઝા નથી, એવી જિંદગીની ફિલસૂફી સમજાવનાર ગાલિબના એ શેરની સાથે મને કેટલીક ગુજરાતી અને અંગ્રેજી પંક્તિઓ યાદ આવે છે. મારા કવિમિત્ર હેમેન શાહના આ બે શેર મારા રાજીનામાના સમાચાર પ્રગટ થયા પછી વિરારથી અતુલભાઈ નામના મારા એક નિયમિત વાચકે મને પોસ્ટકાર્ડ પર લખીને મોકલ્યા હતા :

મન ન માને એ જગ્યાઓ પર જવાનું છોડીએ
કોઈના દરબારમાં હાજર થવાનું છોડીએ

આવશે જે આવવાનું હશે એ, ખુદબખુદ
અહીં કે ત્યાં, આજે કે કાલે, શોધવાનું છોડીએ

હેમેનની આ જ ગઝલનો વધુ એક શેર :

કંઠમાં શોભે તો શોભે માત્ર પોતાનો અવાજ
પારકી રૂપાળી કંઠી બાંધવાનું છોડીએ

અને છેલ્લે ‘બૉયઝોન’ નામના જાણીતા ગ્રુપનું આ ખૂબ લોકપ્રિય ગીત ‘નો મૅટર વૉટ’, જેની કેટલીક પંક્તિઓ ટાંકીને મેં ‘મિડ-ડે’ના તમામ વિભાગોના મારા કલીગ્સને ઈ-મેલ કરીને વિદાય લીધી :

નો મૅટર વૉટ ધે ટેલ અસ
નો મૅટર વૉટ ધે ડુ,
નો મૅટર વૉટ ધે ટીચ અસ
વૉટ વી બિલીવ ઈઝ ટ્રુ.
નો મૅટર વૉટ ધે કૉલ અસ
હાઉએવર ધે ઍટેક,
નો મૅટર વ્હેર ધે ટેક અસ
વી વિલ ફાઈન્ડ અવર ઓન વે બૅક.
આય કાન્ટ ડિનાય વૉટ આય બિલીવ
આય કાન્ટ બી વૉટ આયમ નોટ….

આજનો વિચાર

મને મારી દરકાર છે. હું જેટલું એકાંતમય જીવીશ, મિત્રો વગર જીવીશ, બીજાઓના આધાર અને ટેકા વિના જીવીશ, એટલો મને પોતાને વધારે આદર આપતો થઈ જઈશ.
-શાર્લોટ બ્રોન્ટે
(‘જેન આયર’માં)

( વધુ પરમ દિવસે: બુધવાર, 8 જુલાઈ 2020)

••• ••• •••

આટલું વાંચ્યું છે તો બે મિનિટ રોકાઈને થોડું વધુ વાંચી લો.

‘ન્યુઝપ્રેમી’ને સપોર્ટ કરવા માટેની અપીલ : સૌરભ શાહ

પ્રિય વાચકો,

ગુજરાતી ભાષાના સૌથી વધુ વંચાતા, વખણાતા અને ચર્ચાતા લેખક-પત્રકારોમાંના એક સૌરભ શાહ તમને રોજ ‘ન્યુઝપ્રેમી’ દ્વારા મળે છે.

તમે જાણો છો એમ ‘ન્યુઝપ્રેમી’ કોઈપણ જાતના કૉર્પોરેટ ફન્ડિંગ વિના ચાલતું સ્વતંત્ર, તથા કોઈનીય સાડીબારી ન રાખતું ડિજિટલ મિડિયા છે અને એટલે એ ભરોસાપાત્ર છે.

‘ન્યુઝપ્રેમી’ની તમામ વાચનસામગ્રી સૌ કોઈ માટે ઓપન છે, વિના મુલ્યે ઉપલબ્ધ છે.

વધુ ને વધુ વાચકો સમજી રહ્યા છે કે મિડિયાની વિશ્વસનીયતા સામે પ્રશ્નો ઊભા થતા જાય છે એટલે કાણાને કાણો કહેવાની હિંમત રાખનારા અને સજ્જનો તથા રાષ્ટ્રપ્રેમીઓનો નિર્ભીક બનીને પક્ષ લેનારા ‘ન્યુઝપ્રેમી’ જેવા પ્લેટફૉર્મને અડીખમ રાખવા તમારા સપોર્ટની જરૂર છે.

‘ધ ક્વિન્ટ’, ‘ધ પ્રિન્ટ’, ‘ધ વાયર’, ‘સ્ક્રોલ’ કે બીજાં ડઝનેક તોતિંગ અંગ્રેજી ડિજિટલ મિડિયા કરોડો રૂપિયાનું ફંડિંગ ઉભું કરીને પોતાના એજન્ડાને— કામકાજને આગળ વધારી રહ્યા છે. ‘ન્યુઝપ્રેમી’ આવી રીતે કામકાજ કરવામાં માનતું નથી. ઇન્વેસ્ટર્સ પાસેથી કરોડો રૂપિયા ઉઘરાવ્યા પછી અમુક મિડિયા કરોડરજ્જુ વિનાનાં બની જતાં હોય છે. ઇન્વેસ્ટરોનો વેસ્ટેડ ઇન્ટરેસ્ટ રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓને ઉત્તેજન આપવાથી સચવાતો હોય ત્યારે મિડિયાએ પણ વાચકોનો દ્રોહ કરીને, વાચકોને ઊંધા રવાડે ચડાવીને એન્ટી-નેશનલ ન્યુઝ અને એન્ટી-નેશનલ વ્યુઝ આપવાની પ્રવૃત્તિમાં જોરશોરથી ભાગ લેવો પડતો હોય છે.

આ જ કારણોસર ‘ન્યુઝપ્રેમી’માં જાહેરખબરો પણ ઉઘરાવવામાં નથી આવતી. જે ઘડીએ એડવર્ટાઇઝરના વેસ્ટેડ ઇન્ટરેસ્ટ ન જળવાય એ જ ઘડીએ કાં તો તમારો હાથ આમળીને તમારી પાસે તેઓ પોતાનું ધાર્યું કરાવતા થઈ જાય અને વાચકો ગેરમાર્ગે દોરવાઈ જાય, કાં પછી તમારી નૌકાને મધદરિયે હાલકડોલક કરીને ડુબાડી દેવાની ધમકી આપવામાં આવે.

કોઈ પણ સારી પ્રવૃત્તિ ટકાવી રાખવી હોય અને એને ફેલાવવી હોય તો એ માટે બે મુખ્ય બાબતોની ખાસ આવશ્યકતા હોવાની. પરસેવો અને પૈસો. ‘ન્યુઝપ્રેમી’ને હજારો વાચકોમાંથી લાખો અને લાખોમાંથી કરોડો સુધી લઈ જવાની મહેનત વન પેન આર્મીસમા સૌરભ શાહ દ્વારા 24×7 થઈ રહી છે. ( એક વાચકે ‘ વન કેન’—one pen, one man, one can—નું બિરૂદ આપ્યું છે. કોઈ એક લેખની કમેન્ટમાં છે.)

‘ન્યુઝપ્રેમી’નું લેખન-સંપાદન તથા એની સાજસજ્જા મુંબઈમાં થાય છે. ટાઇપસેટિંગ ભાવનગર અને અમદાવાદમાં થાય છે. ‘ન્યુઝપ્રેમી’ના એડમિનિસ્ટ્રેશનની જવાબદારી પૂણેથી નિભાવવામાં આવે છે અને ‘ન્યુઝપ્રેમી’ને ટેક્નિકલ સપોર્ટ બેંગ્લોર સ્થિત ગુજરાતી ટેકનોક્રેટ આપે છે. ‘ન્યુઝપ્રેમી’ની હિન્દી આવૃત્તિ માટેનું અનુવાદકાર્ય મુંબઈ – અમદાવાદમાં થાય છે.

તમારા સપોર્ટની આશાએ ‘ન્યુઝપ્રેમી’ના દરેક આર્ટિકલમાં જાહેરખબરોની જગ્યાએ અપીલની સૂચના/લિન્ક મૂકાય છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક આર્થિક સપોર્ટથી અડીખમ રહી શકશે, વધુ વાચકો સુધી પહોંચી શકશે અને નિયમિત ધોરણે સમૃદ્ધ વાચનસામગ્રી ક્રિયેટ કરી શકશે. તમારામાંના દરેકે દરેક વાચકનો સ્વૈચ્છિક સહયોગ મળે તે આવકાર્ય છે. તમારા તરફથી મળનારી કોઈ પણ નાની કે મોટી રકમ ‘ન્યુઝપ્રેમી’ માટે ખૂબ ઉપયોગી થવાની છે.

દર એક-બે અઠવાડિયે કે મહિને-બે મહિને મળતો તમારો નિયમિત પ્રતિસાદ ‘ન્યુઝપ્રેમી’ની ઇમ્યુનિટી વધારશે અને ઝંઝાવાતો સામે ટકી રહેવાની ક્ષમતામાં ઉમેરો કરશે.

‘ન્યુઝપ્રેમી’ને તમે બેન્ક ટ્રાન્સફર દ્વારા કે પછી પેટીએમ, ગુગલ પે કે યુપીઆઈ ટ્રાન્સફર દ્વારા રકમ મોકલીને સ્ક્રીન શૉટ 9004099112 પર વૉટ્સએપ કરો અથવા HiSaurabhShah@gmail.com પર મેઇલ કરો.

‘ન્યુઝપ્રેમી’ને ઑલરેડી સપોર્ટ કરી રહેલા વાચકોનો હ્રદયપૂર્વક આભાર અને સૌ કોઈ માટે સદભાવ તથા શુભેચ્છાઓ.

‘ન્યુઝપ્રેમી’ વિશે વધુ જાણવાની ઇચ્છા થાય તો આ લિન્ક ક્લિક કરો : https://www.newspremi.com/gujarati/support-newspremi/

16 COMMENTS

  1. રાજ્ય સભામાં જ્યારે જયા બચ્ચને નરેન્દ્ર મોદીને તમારું સત્યાનાશ જશે એવા કંઈક એવા મતલબનો શ્રાપ આપેલો
    ત્યારે મુંબઈ સમાચારમાં એક સેક્યુલર યા લેખકે એમ લખેલું કે જયા બચ્ચનના શ્રાપ સાચા પડે છે અને એવો દાખલો આપેલો કે એક વખત રાજેશ ખન્નાએ અમિતાભનું અપમાન કર્યું હતું ત્યારે જયા બચ્ચને એને એમ કહ્યું હતું કે જો જો અમિતાભ ક્યાંનો ક્યાં નીકળી જશે અને એવું જ થયું
    બોલો કેટલી હદે મોદીદ્વેષ

  2. SUPERB, GREAT SIR, TAMARA JEVA LEKHKKO KHUBA J OCCHA CHE JE BADHAJ TOPIC UPER SHACCHA VICHARO SATHE KOI NEE PAN PARVVA KARYYA VAGER SIDHANTTO SATHE KOI BHANDH CHOOD KARTTA N HOI.

  3. અભિનંદન સર ખરેખર તમારી હિંમત અને ખુમારી માટે એક સાચા પત્રકાર જ આ જુસ્સો બતાવી સકે

  4. ‘ મીડ ડે ‘ ની જેમ ‘ મુંબઈ સમાચાર ‘ ની ગુડ મોર્નિંગ કોલમ બંધ કરી દીધી એ બાબત પણ ખુલાસો કરતો એક લેખ આપશો તો મારા જેવા ન્યુજ પ્રેમી ના વાચકમિત્રો ને સાચી માહિતી મળશે. હું મોળેકથો ન્યુજ પ્રેમીમાં જોઈન્ટ થયો છું એટલે અગાઉથી એ બાબત આપેલ હોય તો લીંક મોકલાવવા મહેરબાની કરશો.

  5. ખૂબ સરસ પ્રેરણાત્મક લેખ. તમારી ખુમારી નો હું સાક્ષી છું. તમે જ્યારે મીડ-ડેના તંત્રી તરીકે રાજીનામું આપ્યું ત્યારે ફોન કરીને આખી ઘટના જણાવી હતી . ખલીલ ધનતેજવીનો શેર યાદ આવે છે “ ખુમારી તો ખરેખર વારસાગત ટેવ છે મારી…. હું મારી ટેવ છોડીને તને મળવા નહિ આવું ……”પેઈડ ન્યુઝ” ના આજના જમાનામાં તમારા જેટલી હિમ્મત અને નીડરતા બહુ ઓછા પત્રકારોમાં જોવા મળે છે. દરેક ગુજરાતી વાચકે આ ન્યુઝપ્રેમી. કોમને સહયોગરુપે ફાળો આપવો જોઈએ. ફરીથી ખૂબખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ.

  6. ખૂબ સરસ પ્રેરણાત્મક લેખ. તમારી ખુમારીનો હું સાક્ષી છું. આ લેખ વાંચીને ખુમારી વિષેનો ખલીલ ધનતેજવીનો શેર યાદ આવી ગયો..” ખુમારી તો ખરેખર વારસાગત ટેવ છે મારી, હું મારી ટેવ છોડીને તને મળવા નહિ આવું. તું દરિયો છે તો હું ઝાકળ છું એ જાણી લે. નદીની જેમ દોડીને તને મળવા નહિ આવું. તમે જ્યારે મીડ ડેમાંથી રાજીનામું આપ્યું ત્યારે ફોન કરીને આ આખી ઘટના મને જણાવી હતી. તમારા જેટલી હિમ્મત અને ખુમારી મે આજ સુધી કોઈ પત્રકારમાં જોઈ નથી. પેઈડ ન્યુઝના આજના સમયમાં તમે ન્યુઝપ્રેમી . કોમ શરુ કર્યું છે તે માટે તમને સલામ. સાચા સમાચાર અને નીડર અભિપ્રાયો માટે દરેક ગુજરાતીએ તમારી આ પહેલને સહયોગ આપવો જોઈએ.

  7. Hi Saurabh bhai,
    Something similar to this, must have happened in Mumbai Samachar when Good Morning column was discontinued. Today, without Good Morning, this daily looks fikkoo, (tasteless).
    I am the regular reader and admirer of your column. Please keep it up your spirit.

  8. સર , આપનો આ લેખ… આપની અડગ મનોવૃત્તિ મને ખૂબ સ્પર્શી ગયાં છે. એક નવુ બળ મળ્યુ જાણે કે !! સાચે , આવુ પગલુ લેતા પહેલા મજબૂત છાતી જોઈએ. વાંચી જવુ સરળ છે અને ખરા અર્થમાં સામનો કરવો એ અઘરુ !! It was a bad luck of Mid-day , not yours. કદાચ એ કારણે જ અમને વધુ ઘડાયેલા , કસાયેલા સ્પષ્ટવકતા એવા સૌરભ શાહ મળ્યા.

  9. લેખમાં ઉલ્લેખ કરેલ પ્રકાશ શાહ કોણ છે?

  10. Sir
    જે મીડિયા માં તમે તટસ્થ રહી, કોઈ ખોટા કામ કર્યું ના હોય, તે જ મીડિયા કોઈ કારણસર છોડવાનો નિર્ણય કરવો તે બહુ મુશ્કેલ કાર્ય છે.. મીડિયા છોડ્યા પછી, વાચકો સાથે નો સમ્પર્ક તૂટવો, અન્ય મીડિયા માં તે સંદર્ભે કેટલીક ખોટી વાતો ફેલાય.. આ બધું બહુ દર્દ આપનાર છે.. અન્ય કેટલાક મીડિયા કર્મી ઓ, ઉઘાડે છોગ સમાધાન કરી લહેર કરતા હોય.. મોટા રાજકારણી, વગદાર હસ્તી ઓ, સમાધાન કરનાર મીડિયા કર્મી ઓ સાથે ઘનિષ્ઠ સંબંધ રાખતા હોય તો એક તબક્કે, પોતાના સિદ્ધાતો પ્રત્યે અફસોસ પણ થાય, પણ એ અફસોસ ખંખેરીને આગળ વધવું જરૂરી છે (મારા પોતાનો અનુભવ છે.. અલબત્ત મેં તો આ મીડિયા લાઇન જ છોડી દીધી)
    આપ સાહેબ ને big big big salute.

  11. આદરણીય સૌરભ ભાઈ, ખરેખર આપનો હું એટલો બધો આદર કરું છું, મારાં આ મન્તવ્ય માટે મને ખત્રી છે જ, આજે આ લેખ વાંચી, ખૂબ માન વધ્યું છે. આપની એ રોજ ગુડ મોર્નિંગ ની કૉલમ કૉલેજ માં લેક્ચરર એવી હું રીસેસ માં થોડું મોટેથી વાંચી મિત્રો ને સંભળાવતી અને આ હા હા ! શું લખે છે સૌરભ શાહ, બહુ સરસ એવા ભાવો સાથે રીસેસ ની 10 મિનિટ ચહા પિતા તમને સાંભળી વસુલ થયાં નો ભાવ અનુભવી સૌ ખુશ થતાં. સરસ્વતી ને પ્રથમ, લક્ષ્મી ને દ્વિતીય સ્થાન આપનાં જેવાં કોઈ વિરલાં જ હોય,. જય શ્રી કૃષ્ણ, જય હિન્દ.

  12. શ્રી સૌરભભાઈ,
    તમારા બધાં વિષયોના લેખો મૂલ્યવાન અને જ્ઞાનવર્ધક હોય છે. જીવનના મોટા ભાગના ક્ષેત્રોને અસરકર્તા હોય છે.
    તમારા લેખો હંમેશા મોકો મળ્યે રસથી વાંચ્યા છે અને જાણ્યે અજાણ્યે જીવનમાં ઉતર્યા છે. જીવનની ઘટમાળમાં શક્ય નથી બન્યું કે તેનું આકંઠ પાન કરી શકું, પણ હવે નીવૃતિકમાં અને ખાસ કરીને તમારા આ બ્લોગથી તેની પૂર્તિ થઇ રહી છે તેનો આનંદ છે.
    તમારા આ સોનેરીસુત્રો પારસમણિ સમાન લાગે છે. આભાર માની કૃતાર્થ થવાની લાગણી સાથે પ્રણામ.

  13. શહીદ ભગતસિંહ યાદ આવી ગયા સર કટાયગે લેકિન

    સર જુકાયગે નહી
    Sabash
    ભડવીર છો

  14. મને એવા વ્યક્તિત્વો કાયમ પસંદ છે જે ખુમારી અને સ્વાભિમાન સાથે બાંધછોડ કરતા નથી કારણ કે આ સ્વભાવ મારે પણ કેળવાયેલો છે. ..-હિરલ ઠાકર, ચીફ ઓફિસર પેટલાદ નગરપાલિકા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here