આત્મા-પરમાત્મા અને મોક્ષથી પુનર્જન્મ સુધીઃ સૌરભ શાહ

(લાઉડ માઉથઃ ‘સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, બુધવાર 2 માર્ચ 2022)

જમાનામાં અમારા ફૅમિલી ડૉક્ટર પ્રિસ્ક્રિપ્શન નહોતા આપતા. બાટલીમાં દવા ભરીને સાથે પડીકીઓ આપતા. બજારમાં જે સ્ટાન્ડર્ડ ટેબ્લેટ્સ મળે તેની જથ્થાબંધ ખરીદી કરીને કમ્પાઉન્ડર પાસે ખલમાં વટાવીને પડીકીઓ બનાવતા અને અમારો તાવ ઉતારતા કે અમારી શરદી-ખાંસી દૂર કરતા.

એક વખત અમે જાણી ગયા કે એ કઈ ટેબ્લેટ્સ વાટીને પડીકીઓ બનાવે છે તે પછી અમે સીધા જ દવાની દુકાન પરથી એ ટેબ્લેટની સ્ટ્રિપ ખરીદતા થઈ ગયા. પાંચ રૂપિયા ખર્ચવાને બદલે આઠ-બાર આનામાં અમે સાજા થઈ જતા.

આવું જ આયુર્વેદિક દવાઓની બાબતમાં. વૈદ્યરાજે જે ચૂર્ણ, ચાટણ કે ઘનવટી આપ્યાં હોય એમાં એમણે શું વાપર્યું છે તે પૂછવા છતાંય કોઈ કહેતું નહીં. આજે તો બજારમાં મળતી તમામ આયુર્વેદિક દવાઓમાં શું કેટલા પ્રમાણમાં વપરાયું છે તેની યાદી વાંચવા મળે છે અને પ્રામાણિક વૈદ્યરાજો તો તમને સામેથી કહે છે કે અમારી પાસે આવવાની જરૂર જ નથી, તમતમારે આટલી આટલી ચીજો આટલા પ્રમાણમાં લઈને સેવન કરો તમારું દર્દ ગાયબ થઈ જશે.

દરેક જાણીતા ખાવાનું વેચવાવાળાની સિક્રેટ રેસિપી હોય છે- આ રેસિપી એ ક્યારેય તમારી સાથે શેર નહીં કરે, કરે તો એનો ધંધો પડી ભાંગે. બીજાઓ એની કૉમ્પીટિશનમાં ઉતરશે અથવા લોકો પોતે ઘરમાં એ રેસિપી મુજબ વાનગી બનાવતા થઈ જશે.

અમારા ગુરુજીએ શીખવાડ્યું તે ખોટું અને તમે જ એકલા ડાહ્યા? હજારો વર્ષથી ચાલી આવતી વાતો નકામી અને તમે જે આજકાલ કહી રહ્યા છો તે વાતો સાચી?

ધર્મ-અધ્યાત્મ-મોટિવેશન વગેરે ક્ષેત્રોમાં પણ આવું જ ચાલતું આવ્યું છે. મૂળ કન્સેપ્ટ તો સમજવામાં અત્યંત સાદી સીધી સરળ હોય છે. પ્રજા જો એ સમજી જાય તો ધરમનો ધંધો ઠપ થઈ જાય. હજારો વર્ષથી આ સરળ કન્સેપ્ટ્સને ગૂંચવી નાખવામાં આવી છે. ખલમાં વાટીને એનો એવો ભુક્કો બનાવી દેવામાં આવ્યો છે કે એનું મૂળ સ્વરૂપ શું છે તે કોઈ સમજી શકતું નથી અને ભૂલેચૂકે ય કોઈ હિંમત કરીને એનું મૂળ સ્વરૂપ દેખાડવાની કોશિશ કરે તો એની પાછળ શાસ્ત્રોનાં થોથાં લઈને લોકો તૂટી પડે છે- અમારા ગુરુજીએ શીખવાડ્યું તે ખોટું અને તમે જ એકલા ડાહ્યા? હજારો વર્ષથી ચાલી આવતી વાતો નકામી અને તમે જે આજકાલ કહી રહ્યા છો તે વાતો સાચી?

અરે ભાઈ, કોઈ કહેતું નથી કે તમારા ગુરુજી કે શાસ્ત્રો ખોટાં છે, નકામાં છે. એ સૌને અમારાં સાષ્ટાંગ પ્રણામ. એ લોકો સૌ પોતપોતાના મૉલ, શૉપિંગ સેન્ટર ભલે ચલાવતા અમારી તો આ એક ટપરી છે અને તે પણ પરબડી જેવી જ્યાં પાણી પીવાનો એક પૈસોય ચાર્જ લેવાતો નથી.

ઠીક છે.

ચાર મેજર જાણીતી કન્સેપ્ટ્સ લઈએ જેના વિશે અપરંપાર ગૂંચવાડો કે વ્યાપક ગેરસમજ છે.

ગીતામાં કહ્યું છે તેમ આત્મા અમર છે. એનો અર્થ શું થયો? શું આત્મા કોઈ એવી ચીજ છે જેને તમે પ્રયોગશાળામાં લઈ જઈને એની અમરતા સિદ્ધ કરી શકો એમ છો? ના. એવી કંઈ જરૂર જ નથી. ધર્મ-અધ્યાત્મની વાતો પ્રયોગશાળામાં પુરવાર કરવાની નથી હોતી. આ વાતોને તર્કથી સમજવાની હોય છે અને તર્ક જ્યાં ઓછો પડે ત્યાં મનોવિજ્ઞાનથી તથા શ્રદ્ધાથી એને પામવાની હોય છે.

આપણા સૌનામાં રામ, કૃષ્ણ, બુદ્ધ, મહાવીરના આત્માના અંશ પણ છે

આત્મા એટલે આ શરીરમાં રહેલું શરીર સિવાયનું એક તત્ત્વ. શરીર એટલે હૃદય, મગજ, ફેફસાં, વિવિધ અંગો, પ્રવાહીઓ વગેરે. આ સિવાય શરીરમાં બીજું શું હોય છે? વિચાર. આપણે જે કંઈ જીવ્યા તેના અનુભવોનો નીચોડ અને આપણે જે કંઈ જોયું-વાંચ્યું તેનો નીચોડ. આમાંથી વિચાર બને. આ વિચારોને કારણે આપણું આગવું વ્યક્તિત્વ બને. તમારા વિચારોનો જથ્થો તમારો આત્મા છે. તમે આ દુનિયાને છોડીને જશો ત્યારે તમારું શરીર પંચ મહાભૂતમાં ભળી જશે પણ તમારો આત્મા નહીં મરે. જિંદગી દરમ્યાન તમે જે જે લોકોના સીધા યા આડકતરા સંપર્કમાં આવ્યા છો, જે જે લોકો સીધી યા આડકતરી રીતે તમારાથી પ્રભાવિત થયા છે (અથવા તો જે જે લોકોએ તમારી ઇર્ષ્યા કરી છે તે પણ) એ બધા જ લોકોના વિચારોમાં-એમના આત્મામાં-તમારો એક અંશ ભળી ગયો છે. તમે ભલે પ્રભુને પ્યારા થયા પણ આ બધા જ લોકો જીવશે ત્યાં સુધી એ સૌનામાં તમારો એક-એક અંશ જીવવાનો છે.

એ બધા લોકો મૃત્યુ પામશે ત્યારે તેઓ જેમના સંપર્કમાં હતા એ સૌનામાં એમના આત્માનો એક એક અંશ જીવશે. અને આ દરેક અંશમાં પાછો તમારા આત્માનો એક અંશ તો છે જ. આ જ રીતે ચાલ્યા કરશે, કારણ કે આ જ રીતે ચાલતું આવ્યું છે. આવી સમજણ કેળવી હશે તો સમજી શકાશે કે આપણા સૌનામાં રામ, કૃષ્ણ, બુદ્ધ, મહાવીરના આત્માના અંશ પણ છે.

આત્માની આ બિલકુલ સાદી સમજ સ્વીકારવાથી જીવન ઘણી બધી અગવડોમાં મૂકાતું બંધ થઈ જશે.

પરમાત્માનું પણ એવું જ છે. તમારું જીવન સ્વયં પરમાત્મા છે એવી રજનીશજીની વ્યાખ્યા સૌને સ્વીકાર્ય હોય કે ન હોય,મને છે. પરમાત્મા કોઈ બહારની વ્યક્તિ છે જ નહીં. આત્મા અને પરમાત્માનું મિલન મર્યા પછી નથી થવાનું, જીવતે જીવ થશે – જે ઘડીએ તમે વિચારશો કે તમારી અંદર જે કંઈ શક્તિઓ ભરેલી છે તેના થકી જ તમારે તમારા જીવનને સજાવવાનું છે તે જ ઘડીએ સમજો કે તમારા આત્માનું મિલન પરમાત્મા સાથે થઈ ગયું. એ માટે પરમાત્માની શોધમાં નીકળી પડવાની કોઈ જરૂર નથી. આ રીતે જ્યારે તમે તમારી ભ્રમણાઓને ત્યાગીને તમારા પોતાનામાં સ્થિર થઈને જીવન જીવવાનું નક્કી કરો છો ત્યારે જે પ્રાપ્ત થાય છે તેને જ મોક્ષ કહે છે.

મોક્ષ એટલે મુક્તિ. શેમાંથી મુક્તિ? જીવન જીવવાની ચિંતાઓમાંથી મુક્તિ. શાંત ચિત્તે જીવન જીવવાની શરૂઆત કરવા મળે એ માટે આ મોક્ષ જરૂરી.

આત્મા-પરમાત્માની કન્સેપ્ટ સમજીને જીવવાનું શરૂ કરીએ છીએ ત્યારે જે શાંતિ મનમાં વ્યાપે છે તે જ મોક્ષ છે. મર્યા પછીના મોક્ષની વાતો ખરલમાં ભુક્કો બનાવી દીધેલી ટેબ્લેટની પડીકીઓ જેવી હોય છે.

હૃદય બંધ પડી જાય અને અંત્યેષ્ટિ થઈ જાય (ઇષ્ટિ એટલે યજ્ઞ, અંત્યેષ્ટિ એટલે અંતિમ યજ્ઞ) એ પછી શું પુનર્જન્મ થતો હોય છે? હું ગયા જન્મમાં ફલાણો હતો અને તમે આ જન્મમાં આવું કરશો તો તમારો પુનર્જન્મ ફલાણા તરીકે થશે એવી વાતોનો સાર કાઢીને આપણે એ વાતોને આપણા સંદર્ભમાં સમજવાની હોય.

પુનર્જન્મ એક કન્સેપ્ટ છે. માણસ જીવતે જીવ સારાં કામ કરતો થાય અને ખરાબ કર્મોથી દૂર રહે એવી સમજણ સામાન્ય માણસો સુધી પહોંચાડવા માટે ઋષિમુનિઓએ આ કન્સેપ્ટ સર્જી છે.

આપણે ત્યાં એવી ઘણી બધી ઉમદા વાતો છે જેને વૈજ્ઞાનિક આધાર છે પણ સામાન્ય જન સુધી એને પહોંચાડવા માટે એને ધાર્મિક વાઘા પહેરાવી દેવામાં આવ્યા છે જે સારું જ થયું છે.ઉપવાસ, ચોવિયાર વગેરે જેવી ડઝનબંધ વૈજ્ઞાનિક તથ્યો ધરાવતી વાતો આપણા જનજીવનમાં સહજ રીતે જોડાઈ ગઈ તેનું કારણ એ કે એને ધર્મ સાથે જોડી દેવામાં આવી. આવું ન થયું હોય તો આ બધી વાતો કદાચ આપણા જીવનનો ભાગ ન બની શકી હોત.

જીવન સતત બદલાતું રહે છે. પળે પળે એમાંથી જૂનું નીકળીને નવું પ્રવેશતું રહે છે. નદીના વહેતા જળની જેમ જીવન પણ ક્યારેય ભૂતકાળને સંઘરી રાખતું નથી, ભવિષ્યની કે આવનારા સમયની પળોને પણ જીવી શકતું નથી. તે વર્તમાનમાં જીવાય છે. ભૂતકાળની ક્ષણો વહી જાય છે એનો સૌથી મોટો ફાયદો એ કે ભૂતકાળની ભૂલો, ભૂતકાળના માઠા બનાવો, ભૂતકાળનાં અપમાનો, ભૂતકાળની નિષ્ફળતાઓ વર્તમાનમાં પાછળ છૂટી ગયેલી હોય છે. જે વીતી ગયું છે તે એક જીવન હતું. જે જીવાઈ રહ્યું છે તે બીજું જીવન છે. અને કદાચ જે જીવાવાનું છે ત્રીજું જ જીવન હશે. પુનર્જીવનની ઘટમાળ સતત ચાલતી રહે છે – આપણા જીવતેજીવ આપણે એક, બે, ત્રણ તો ક્યારેક ચાર-પાંચ વાર નવું જીવન પામતા રહીએ છીએ તે પ્રભુની મોટી કૃપા છે. આ રીતે પુનર્જીવન ન મળતું હોત તો આપણે ગંઠાઈ ગયા હોત, સ્થગિત થઈ ગયા હોત. કદાચ જીવન જીવવાનો રસ ગુમાવી દીધો હોત, કદાચ જીવનમાંથી આશાનું તત્ત્વ ઊડી ગયું હોત. વિવિધ તબક્કે પુનર્જીવન પામતા રહીએ છીએ એટલે જ સતત તાજું-નવું જીવન મળતું રહે છે.

મારી આટલી સમજ છે. શાસ્ત્રો, ગુરુઓ અને બીજાઓ જે કહે છે તેનો ખરો નીચોડ આ જ છે એવું મારું માનવું છે. અને જો કોઈને મારી વાત સાથે વિરોધ હોય તો એમની જોડે મારે કોઈ જીભાજોડી કરવી નથી. તમે જે કહો તે સાચું, બસ?

સાયલન્સ પ્લીઝ!

એક જ વખત આ જીવન મળવાનું છે. પણ જો જીવતાં આવડ્યું હશે તો આ એક વખત પણ પૂરતું છે.
-અજ્ઞાત્

• • •

તાજા કલમ: તમને આમાં મઝા પડી રહી છે? તો કમેન્ટ બોક્સમાં તમારી લાગણી કેમ નથી લખતા! તમારા હોંકારા વગર અંધારામાં તીર ચલાવવા જેવું લાગે છે!
—સૌ.શા.

•••
આ લેખ તમને ગમ્યો? ન્યુઝપ્રેમીને સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

7 COMMENTS

  1. દરેક વિષય મા આપની છણાવટ અદ્ભુત છે, ધણા વખત થયા વિચાર છું, આપણી અત્યાર ની અતિ વિલંબીત ન્યાય વ્યવસ્થા ખુબજ ગંભીર છે જે, વ્યક્તિ સમાજ ને છીનભિન કરે છે. આપનુ મંતવ્ય જણાવશો ?

  2. સ્વામી સચ્ચિદાનંદ ની જેમ જ તમારી પણ એક આગવી જ શૈલી છે….ક્રિકેટ ના એકદમ સીઝન પ્લેયર જેવી…બહુ જ સરસ લેખ…

  3. Wah, actually aa lekh tamari sathe fari ne share karyo, pahelapan waramwar vachyo chhe. Pan poornar rupe samajata waar lagshe. You are superb

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here