જ્યારે સંઘે વાજપેયીની જગ્યાએ અડવાણીને વડા પ્રધાન બનવાની ઑફર કરી

ગુડ મૉર્નિંગસૌરભ શાહ

વાજપેયી સાથેના મતભેદો વિશે વાત કરતાં પહેલાં અડવાણીએ એક કિસ્સો લખ્યો છે. આ કિસ્સામાં એ બિટ્વીન ધ લાઈન્સ શું કહેવા માગે છે તે તમે સમજી જશો.

કિસ્સો 2002ના આરંભના મહિનાઓનો છે. ભાજપ તથા એના સહયોગી પક્ષો વચ્ચે ચર્ચા-વિચારણા થઈ રહી હતી કે જુલાઈમાં કે. આર. નારાયણની નિવૃત્તિ પછી નવા રાષ્ટ્રપતિ કોને બનાવવા. ભાજપે નક્કી કર્યું હતું કે રાષ્ટ્રપતિ ઉદાર વ્યક્તિત્વવાળી વ્યક્તિ હોવી જોઈએ અને બીજું, ભાજપની બહારની વ્યક્તિ હોવી જોઈએ જેથી સમગ્ર રાષ્ટ્રને સંદેશો પહોંચે કે ભાજપ સૌને સાથે લઈને ચાલવામાં માને છે.

શોધતાં શોધતાં ભાજપે એક એવું નામ નક્કી કર્યું જેમને ભાજપ સાથે તો કોઈ લેવાદેવા નહોતી જ, કૉંન્ગ્રેસના બે વડા પ્રધાનો સાથે એમને ગાઢસંબંધ હતો. ઈંદિરા ગાંધી તથા રાજીવ ગાંધીની નિકટ રહી ચૂકેલા મહારાષ્ટ્રના ગવર્નર ડૉ. પી. સી. એલેક્ઝાન્ડરનું નામ રાષ્ટ્રપતિપદના ઉમેદવાર તરીકે સૂચવવાનું અડવાણીને સૂઝ્યું હતું. એમણે વાજપેયી તથા એનડીએના અન્ય નેતાઓને આ નામ સૂચવ્યું. અડવાણીનું આ સૂચન સૌએ વધાવી લીધું, પણ વાંધો કોણે ઉઠાવ્યો? ખુદ કૉન્ગ્રેસે!

એલેક્ઝાન્ડરને બદલે એ. પી. જે. અબ્દુલ કલામને રાષ્ટ્રપતિ બનાવવાનું નક્કી થયું એ ગાળામાં અડવાણીએ ‘માય ક્ધટ્રી, માય લાઈફ’ શીર્ષકની આત્મકથામાં લખ્યું છે કે એક દિવસ એ વખતે જે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક હતા તે. પ્રો. રાજેન્દ્ર સિંહ (રજ્જુભૈયા)નો ફોન આવ્યો. એક મહત્ત્વના મુદ્દે મળવા માગતા હતા. અડવાણીએ એમને બીજે જ દિવસે સવારે બ્રેકફાસ્ટ માટે પોતાના નિવાસસ્થાને બોલાવ્યા. નાસ્તો કરતાં કરતાં રજ્જુભૈયાએ આગલી રાતે વાજપેયી સાથે થયેલી મીટિંંગ વિશે વાત કરી: ‘મેં પ્રાઈમ મિનિસ્ટરને કહ્યું કે તમે પોતે (વાજપેયી પોતે) રાષ્ટ્રપતિ કેમ નથી બની જતા? મેં આવા સૂચન પાછળનું મારું કારણ સમજાવતાં એમને કહ્યું કે તમને ઘૂંટણની તકલીફ છે તો રાષ્ટ્રપતિ તરીકેની જવાબદારીમાં ઝાઝી ભાગદોડ નથી હોતી તો જરા રાહત રહેશે. ઉપરાંત તમારા વ્યક્તિત્વ તથા અનુભવની દૃષ્ટિએ સૌ કોઈ (બધા જ પક્ષો) તમને રાષ્ટ્રપતિ તરીકે ચૂંટવાનું સ્વીકારશે.’

અડવાણીએ રજ્જુભૈયાને પૂછયું: ‘અટલજીએ શું કહ્યું?’

રજ્જુભૈયાએ જવાબ આપ્યો: ‘અટલજી ચૂપ રહ્યા. ન તો એમણે હા કહી, ન ના કહી. કંઈ બોલ્યા નહીં એટલે હું માનું છું કે મારા આ સૂચનનો એમણે અસ્વીકાર નથી કર્યો?’

આ તબક્કે અડવાણીએ રજ્જુભૈયાને જાણ કરી કે રાષ્ટ્રપતિનું નામ નક્કી કરવા માટે ત્રણ દિવસ પહેલાં મીટિંગ થઈ ચૂકી છે અને એનડીએના તમામ નેતાઓએ સર્વસંમતિથી નક્કી કર્યું છે કે ‘પ્રધાન મંત્રી જે નામ નક્કી કરશે તે નામ સૌને સ્વીકાર્ય રહેશે.’

અડવાણીએ આ કિસ્સો અહીં પૂરો કર્યો છે. હવે તમે બિટ્વીન ધ લાઈન્સ શું વાંચ્યું એમાં? તબિયતનું કે ઘૂંટણનું બહાનું આગળ ધરીને આરએસએસ વાજપેયીના સ્થાને અડવાણીને વડા પ્રધાનની જવાબદારી સોંપવા માગતો હતો. અડવાણીને એ જ વર્ષે (છઠ્ઠી ફેબ્રુઆરીએ ગૃહ મંત્રીના પદભાર ઉપરાંત ડેપ્યુટી પ્રાઈમ મિનિસ્ટર બનાવવામાં આવ્યા હતા. સ્વાભાવિક હતું કે વાજપેયી જો વડા પ્રધાનપદેથી ખસીને રાષ્ટ્રપતિપદ સંભાળી લે તો એમના ડેપ્યુટી પ્રાઈમ મિનિસ્ટરે જ પ્રાઈમ મિનિસ્ટર બનવાનું રહે.

અડવાણીને કેટલાક લોકોએ વડા પ્રધાનપદની રેસના ઉમેદવાર તરીકે, સત્તા લાલચુ તરીકે વારંવાર ચીતર્યા છે. અડવાણીએ ધાર્યું હોત તો રજ્જુભૈયા આ પ્રપોઝલને સ્વીકારીને સંઘના ટેકાથી વડા પ્રધાનપદ બની પણ ગયા હોત, પરંતુ જેમ વાજપેયી જુદી માટીના માણસ છે, એમ અડવાણીએ પણ પુરવાર કર્યું કે પોતે પણ જુદી માટીના માણસ છે. એમણે હાથમાં આવેલું વડા પ્રધાનપદું જતું કર્યું, પણ વાજપેયીનો વિશ્ર્વાસઘાત ન કર્યો. આવી સમજદારીવાળા બે સાથીઓ વચ્ચે મતભેદો સર્જાય તો એ મતભેદોની ગરિમા પણ કેટલી ઊંચી હોય તે કાલે જાણીએ.

આજનો વિચાર
મૈંને જન્મ નહીં માંગા થા,
ક્ધિતુ મરણ કી માંગ કરુંગા
જાને કિતની બાર જિયા હૂં
જાને કિતની બાર મરા હૂં
જન્મ મરણ કે ફેરે સે મૈં
ઈતના પહલે નહીં ડરા હૂં
અન્તહીન અંધિયાર જ્યોતિ કી
કબતક ઔર તલાશ કરુંગા?
મૈંને જન્મ નહીં માંગા થા
ક્ધિતુ મરણ કી માંગ કરુંગા
બચપન, યૌવન ઔર બુઢાપા
કુછ દશકો મેં ખત્મ કહાની
ફિર-ફિર જીના, ફિર-ફિર મરના
યહ મજબૂરી યા મનમાની?
પૂર્વ જન્મ કે પૂર્વ બસી
દુનિયા કા દ્વારાચાર કરુંગા
મૈંને જન્મ નહીં માંગા થા
ક્ધિતુ મરણ કી માંગ કરુંગા

અટલ બિહારી વાજપેયી

( મુંબઇ સમાચાર : શનિવાર, 1 સપ્ટેમ્બર 2018)

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here