મૂળ ‘રામાયણ’ અને ‘મહાભારત’નાં તથ્યો અને એમાં પ્રવેશેલાં અતથ્યો

લાઉડમાઉથ : સૌરભ શાહ
(‘સંદેશ’,‘અર્ધસાપ્તાહિક’ પૂર્તિ, બુધવાર, ૧૫ એપ્રિલ ૨૦૨૦)

લૉકડાઉન દરમ્યાન દૂરદર્શન પર રોજ બબ્બે વાર ‘રામાયણ’ અને ‘મહાભારત’ના એપિસોડ્‌સ જોનારા કરોડો દર્શકોમાં આપનો વિશ્વાસુ પણ છે. આ ઉપરાંત ‘ચાણક્ય’ અને ‘બુનિયાદ’ની સિરિયલો પણ ખરી. જિંદગીમાં ક્યારેય કલ્પના નહોતી કરી કે આવા લૉકડાઉન જેવા દિવસો આવશે. અને ક્યારેય એવી કલ્પના પણ ક્યાં કરી હતી કે એક જ દિવસમાં આટલી બધી સિરિયલો એકસામટી દૂરદર્શન પર જોવાનો લ્હાવો મળશે.

ટીવી સિરિયલનું ‘રામાયણ’ અને ટીવી સિરિયલનું ‘મહાભારત’ મૂળ ગ્રંથો કરતાં ક્યાંક ક્યાંક ઘણાં જુદાં છે. સિરિયલના નિર્માતાઓની મર્યાદિત સમજણ અને એમની કમર્શિયલ મજબૂરી હોવની. મૂળ રામાયણ વાલ્મીકિએ લખ્યું અને એ પછી ડઝનબંધ મહાપુરુષોએ આ મહાન ગ્રંથમાં પોતાની સમજ તથા કલ્પના ઉમેરીને એનું રિ-મિક્‌સ વર્ઝન બનાવ્યું. ગોસ્વામી તુલસીદાસ રચિત ‘રામચરિત માનસ’ આવું જ એક અદ્‌ભુત, ભાવવાહી તથા સર્જનાત્મક રિ-મિક્‌સ્ડ વર્ઝન છે. તુલસીદાસ તો સંત હતા. એમની નિષ્ઠા અને આધ્યાત્મિક ઊંચાઈ સર્વોચ્ચ કક્ષાનાં હતાં. અને એટલે જ રામચરિત માનસ પાંચસો વર્ષ પછી પણ જનમાનસના હ્રદયમાં વસી ગયું છે.

‘રામાયણ’માં સીતા ત્યાગવાળો જે પ્રસંગ આવે છે તે ‘ઉત્તરકાંડ’માં છે. પાછળથી ઉમેરાયેલો છે. મૂળમાં નથી. શબરીના બોરવાળો પ્રસંગ મૂળ ‘રામાયણ’માં નથી. રાવણની અંતિમ ક્ષણો દરમ્યાન રામે લક્ષ્મણને એની પાસે જ્ઞાન લેવા મોકલ્યો એવી કોઈ વાત ન તો વાલ્મિકી રામાયણમાં છે ન તુલસીના રામચરિત માનસમાં. એ જ રીતે ઓરિજિનલ ‘મહાભારત’માં ભગવાન શ્રીકૃષ્ણની બાળલીલાઓના પ્રસંગો નથી. ન તો રાધા છે, ન કાલિ નાગનું દમન છે. આ બધું તો ‘મહાભારત’ની રચનાના હજારો વર્ષ પછી સર્જાયેલા ‘શ્રીમદ્‌ ભાગવત’ નામના પુરાણને કારણે જનમાનસ સુધી પહોંચ્યું. ‘મહાભારત’ સિરિયલમાં આ બધી ભેળસેળ જોવા મળે તેને મનોરંજન ગણીને માણી લેવાની.

જે જમાનામાં પ્રિન્ટિંગની સુવિધા નહોતી તે જમાનામાં મૂળ પવિત્ર ગ્રંથોમાં ઘાલમેલ કરવાનું કામ ત્યારના વામપંથીઓ દ્વારા થયું. જેમ કે મૂળ ‘મહાભારત’માં ‘નરો વા કુંજરો વા’વાળો શ્લોક છે જ નહીં . મૂળ ‘મહાભારત’માં કુંતી માતા ક્યાંય એવું નથી કહેતાં કેઃ ‘પુત્રો, તમે જે લાવ્યા છો તે પાંચેયમાં વહેંચી લો.’ આપણે લોકો એવું વાંચીને-સાંભળીને મોટા થયા કે અર્જુન એના ચાર ભાઈઓ સાથે દ્રૌપદી સ્વયંવરમાં ત્રાજવા પર ઊભો રહીને માછલીનું પ્રતિબિંબ જોઈ મત્સવેધ કરીને આવ્યો ત્યારે એણે કુટિરની બહારથી માને સાદ પાડીને કહ્યું કે મા, જુઓ હું શું લાવ્યો છું. અને માએ કહ્યું કેઃ પાંચેય ભાઈઓ વહેંચી લેજો. અને પછી દ્રૌપદી પાંચેય ભાઈઓની પત્ની બની ગઈ.
આ આખીય ઉપજાવી કાઢેલી કથા ‘મહાભારત’માં એ જમાનાના વિઘ્નસંતોષીઓ અને ભાંગફોડિયા વામપંથીઓએ નાખેલી છે. આ વાત સિદ્ધ થયેલી છે કે દ્રૌપદીને ‘વહેંચી’ લેવાવાળો પ્રસંગ મૂળ ‘મહાભારત’માં છે જ નહીં. પણ આપણે ત્યાં એટલી પૉપ્યુલર થઈ ગઈ છે કે એના વિશે મજાકો થઈ, વલ્ગર કલ્પનાઓ થઈ, દ્રૌપદીની ‘વેદના’ વિશેની લાંબી લાંબી નવલકથાઓ કંઈ કેટલીય ભાષાઓમાં લખાઈ અને રૂપાંતરિત થઈ, કવિઓ પણ મંડી પડ્યા.

‘મહાભારત’માં પાંચેય પાંડવોની પોતપોતાની પત્નીઓ છે અને એમનાં આ લગ્નો કેવી રીતે થયાં એનું બૅકગ્રાઉન્ડ આપતી કથાઓ પણ છે. દ્રૌપદી માત્ર અર્જુનની પત્ની હતી. કુંતી માતાને ખબર હતી કે અર્જુન પોતાના ભાઈઓને લઈને દ્રૌપદીના સ્વયંવરમાં જાય છે. એટલે પાંચેય ભાઈઓ પાછા આવ્યા ત્યારે તેઓ ભિક્ષા લઈને પાછા આવે છે એવું માતા માની લે તે સ્વાભાવિક નથી. આ બનાવટી પ્રસંગને રચીને ‘મહાભારત’માં ઘુસાડવાની ધૃષ્ટતા કરનારા તે જમાનાના વામપંથીઓ બીજી એક વાત પણ ચૂકી ગયા. માતા કુંતી ક્યારેય ભિક્ષા લાવનારા પુત્રોને કહેતા નહીં કેઃ ‘પાંચેય સરખે ભાગે વહેંચી લેજો.’ ભિક્ષા વહેંચવાની સિસ્ટમ કુંતીમાતાએ બુદ્ધિપૂર્વક અમલમાં મૂકવાનું શરૂ કરી દીધેલું. રોજરોજ માતાએ સૂચના આપવાની જરૂર પડે જ નહીં. માતા કુંતીની યોજના મુજબ પાંચેય ભાઈઓ જે ભિક્ષા લઈને આવ્યા હોય તે ભોજન એકત્રિત થાય અને એના બે સરખા ભાગ પડે. એક ભાગ ભીમને મળે અને બીજા ભાગમાંથી પાંચ ભાગ પડે જેમાંનો એક માતા માટે અને બીજા ચાર ભાગ ચારેય ભાઈઓને મળે. માટે માતાની ‘આજ્ઞા’ને માથે ચડાવીને પાંચેય ભાઈઓએ દ્રૌપદીને ‘સરખે ભાગે’ વહેંચી લીધી એવી કલ્પના કરનારાઓ અને એવી કલ્પનાના આધારે દ્રૌપદીની ‘વેદના’ વિશે લખનારાઓ તથા વાંચનારાઓ પોતાની પોર્નોગ્રાફિક જરૂરિયાતોને સંતોષે છે નહીં કે આ મહાન ગ્રંથ ‘મહાભારત’નું પારાયણ કરે છે.

વાલ્મીકિ ‘રામાયણ’ વિશે મોટો અભ્યાસ હોવાનો દાવો કરનારાઓ કહે છે કે એમાં લખ્યું છે કે રામ તો માંસાહારી – આમ કહીને તેઓ મૂળ શ્લોકો પણ ટાંકતા હોય છે. પોતાને બુદ્ધિજીવી ગણાવવાની હોંશમાં આવા તથાકથિત વિદ્વાનો ભૂલી જતા હોય છે કે વાલ્મીકિએ એક કરતાં વધારે વાર ‘માંસ’ શબ્દને ફળના ગર તરીકે વાપર્યો છે, નહીં કે પશુ-પંખીના શરીરના કોઈ હિસ્સા તરીકે. રામ ફળાહાર કરતા હતા, માંસ નહોતા ખાતા. આ અંગે વિશદ અભ્યાસ થઈ ચૂક્યો છે. જેમને રસ હોય એમણે સંસ્કૃતની પાકી જાણકારી ધરાવનારા પ્રામાણિક વિદ્વાન સાથે બેસીને ઋષિ વાલ્મીકિ રચિત ‘રામાયણ’ના મૂળ ગ્રંથનો અભ્યાસ કરી લેવો.

મહર્ષિ વેદ વ્યાસ રચિત ‘મહાભારત’ સાથે પણ આ જ થયું. વ્યાસજી બોલતા જાય અને ગણપતિ પોતાના સુંદર મોતીના દાણા જેવા અક્ષરોમાં લખતા જાય એવી કલ્પના તો પાછળથી જોડાઈ – ‘મહાભારત’ની રચનાના હજારો વર્ષો બાદ પુરાણો રચાયાં ત્યારે. સુંદર કલ્પના છે પણ મૂળ ‘મહાભારત’ સાથે એને કોઈ લેવાદેવા નથી કારણ કે તે જમાનામાં લખવાની કોઈ લિપિ શોધાઈ જ નહોતી. વેદ વ્યાસ અને ગણપતિ વચ્ચે જે શરતો થઈ તે એક સુંદર નવલકથાનો એક ભાગ બની શકે – ‘મહાભારત’ના ઇતિહાસનો નહીં. વેદ વ્યાસે ગણપતિને આ કામ સોંપ્યું ત્યારે ગણપતિએ લહિયાનું કામ સ્વીકારતાં પહેલાં કહ્યું કે મારી પાસે ટાઈમ નથી. હું બિઝી છું માટે તમે એકવાર લખાવવાનું શરૂ કરો પછી અટકતા નહીં. જો અટક્યા તો હું કામ અધૂરું છોડીને જતો રહીશ. વેદવ્યાસે મનમાં વિચાર્યું કે આ તો ભારે પડે, મહાભારત લખાવવાનું છે – કોઈ સરકારી લેટર થોડો ડિક્‌ટેટ કરાવવાનો છે – પ્રસંગો યાદ કરતાં થોડો સમય જાય પણ ખરો. એટલે વ્યાસજીએ ગૂગલી ફેંકીને ગણપતિને કહ્યુંઃ ‘તમારી શરત મંજૂર છે પણ સામે મારીય એક શરત છે. તમે જે કંઈ લખો તે સમજીને લખો. સમજ્યા વિના એક પણ શબ્દ લખવો નહીં. કોઈ શ્લોકનો અર્થ તમને ન સમજાય તો તમારે પહેલાં એને મનોમન સમજવાની કોશિશ કરવાની, પછી જ એને ભોજપત્ર પર લખવાનો.

ગણપતિ કહે મંજૂર. પછી ગણપતિની લખવાની સ્પીડની સાથે વ્યાસજી તાલ મિલાવી ન શકે ત્યારે એકાદ એવો અઘરો શ્લોક રચી કાઢતા કે ગણપતિએ લખતાં લખતાં રોકાઈ જવું પડે અને ગણપતિ એ શ્લોકનો અર્થ સમજવાની ગડમથલ કરતા હોય ત્યારે વ્યાસજી એ સમયનો લાભ લઈને આગળના બીજા શ્લોકની રચના કરી નાખે. કેવી સુંદર કલ્પના છે. પણ ‘મહાભારત’ની રચના પછીના હજારો વર્ષ બાદ થયેલી આ કલ્પના છે.

‘મહાભારત’ રચાયું ત્યારે આમાંનું કશું જ લખાયું નહોતું. માત્ર બોલાયું હતું. વેદ વ્યાસે એમના શિષ્યોને સંભળાવ્યું હતું. શ્રુતિ-સ્મૃતિની પરંપરા હતી એ જમાનામાં. શ્રુતિ એટલે સાંભળવું, સ્મૃતિ એટલે યાદ રાખવું. ગુરુ જે રચના કરે તે બોલે, શિષ્યો સાંભળે અને યાદ રાખી લે. વર્ષો બાદ આ જ શિષ્યો મોટા થાય, ગુરુ બને, પોતાના શિષ્યોને સંભળાવે, એ શિષ્યો આ વાતો યાદ રાખે. હજારો વર્ષ સુધી આ જ રીતે આપણા મહાન ગ્રંથો સચવાયા. લિપિ તો પાછળથી શોધાઈ. લખવા માટેનાં ભોજપત્રો ઈત્યાદિ પણ પાછળથી આવ્યાં. પ્રિન્ટિંગ ટેક્‌નોલોજી તો જાણે હજુ ગઈ કાલની વાત ગણાય.
શ્રુતિ-સ્મૃતિના જમાનામાં તેમ જ તે પછીના કાળમાં ઘણા બધા વેસ્ટેડ ઈન્ટરેસ્ટવાળા લોકોએ આપણા મૂળ ગ્રંથો સાથે ચેડાં કરીને એમાં જે કંઈ વાતો ઘૂસાડી દીધી હોય, જોડી દીધી હોય, તેને ક્ષેપક કહેવાય. આવા ક્ષેપકો દૂર કર્યા પછી જ મૂળ ગ્રંથોને એની પવિત્રતા પાછી મળે.

પૂણેની ભાંડારકર ઓરિયેન્ટલ ઈન્સ્ટિટ્યુટે પચાસ વર્ષ સુધી અનેક વિદ્વાનોની સહાય લીધા પછી ‘મહાભારત’ના તમામ વર્ઝન્સનો અભ્યાસ આદર્યો. પચાસ વર્ષ પછી ૧૯૬૬માં ‘મહાભારત’નું સર્વમાન્ય સંસ્કૃત વર્ઝન તૈયાર કર્યું. આ ફાઈનલ વર્ઝનના અનુવાદ ઘણી ભારતીય ભાષાઓમાં થયા, ગુજરાતીમાં પણ સુંદર કામ થયું છે – વીસ ગ્રંથોરૂપે એનું પ્રકાશન થયું છે.
ઇતિહાસ એની જગ્યાએ છે અને પુરાણો એની જગાએ.

વેદ-ઉપનિષદ તથા રામાયણ-મહાભારતમાં પુરાણોની કથાઓ ઘૂસી જાય ત્યારે મનોરંજન મળે પણ તથ્યો સાથે સમાધાન થઈ જાય. આટલું ધ્યાનમાં રાખીને ટીવીની સિરિયલો જોવાની. નવથી દસની ‘રામાયણ’ પૂરી થઈ ગઈ. હવે બાર વાગ્યે ‘મહાભારત’ શરૂ થવાની તૈયારીમાં છે. માટે પૂરું કરીએ.

સાયલન્સ પ્લીઝ

વિચારું છું કે લૉકડાઉન લંબાયું છે તો ઉનાળાની રજઓ ગાળવા બીજા રૂમમાં જતો રહું.
–વૉટ્‌સએપ પર વાંચેલું.

34 COMMENTS

  1. સર,
    તમારા દરેક આર્ટીકલ મા એકદમ સચોટ અને સુંદર વિશ્લેષણ હોય છે. આવ સુંદર માહિતી સભર લેખ વાંચવા ની ખુબ જ મઝા આવે છે.
    આભાર.

  2. Sir mrutyu vishe aaje lakyu chhe te khub gamyu 70 ni umer chhe wife 13 varash pahela mrutyu pami chhe . 3 dikrio parni ne sukhi chhe. Bhagvan ni meherbani thi ghar ma 5 cancer patients . Father ,widow foi , 3 sister , 1 sistee jive chhe . Avi akri parksha ma wife na sathware ladi sakyo. Have mot no dar nathi ne vicharto pan nathi. Jindgi ne mari rite manu chhu. Pan aap no aajno lekh gana nirashvadi ne aasha vadi banavse. Badha e javanu chhe to eno vichar kari ne hal no anand sha mate khovo. Khub saras lakhan mate abhinandan.

    • જી,ના. લાયબ્રેરીમાં જઈને વાંચી શકો અથવા અગિયાર હજાર રૂપિયા ખર્ચીને ઘરે લાવવું પડે.

    • જી હા, ભંડારકર ઓરિએન્ટલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની મહાભારતની ક્રિટિકલ એડિશનના અઢારે – અઢાર પર્વ દેવનાગરી લિપિમાં PDF ફોર્મેટમાં વિનામુલ્ય ઉપલબ્ધ છે.

      ગુગલમાં “Sanskrit documents Mahabharata BORI critical edition” ટાઇપ કરવું. sanskritdocuments.org ની વેબસાઇટ ઉપરથી વિનામુલ્યે ડાઉનલોડ કરી શકાશે.

      આ એડિશનનો શબ્દશઃ અંગ્રેજી અનુવાદ શ્રી બિબેક દેબરોયે કર્યો છે જે ૧૦ ભાગમાં પેન્ગ્વિન ઇન્ડિયાએ પબ્લિશ કર્યો છે. કિંમત છે ₹૩,૭૦૦ એમેઝોન પર. Happy reading…

        • PDF ની પ્રિન્ટ લઈ શકાય. મોટા ફોન્ટમાં સુંદર રીતે ફોર્મેટ કરેલું છે. દરેક પર્વ અલગ બાઇન્ડ કરીને શ્રી બિબેક દેબરોયના અનુવાદ સાથે વાંચી શકાય.

      • આ બંને ઇતિહાસ ગ્રંથો ઉપર અમી ગણાત્રાએ લખેલા બે પુસ્તકો ‘Mahabharata Unravelled’ અને ‘Ramayana Unravelled’ પણ ખૂબ સુંદર છે.

  3. હજુ સંશોધન કરવા જોઈએ. સરસ બહુજ સરસ ? ? ?

  4. અતુલ કુમાર ચંદ્રકાંત મહેતા, ભાવનગર વાળા.

    નમસ્તે, પ્રણામ “સૌરભ જી” ને,
    આ રામાયણ – મહાભારત અંગે ની વાતો ના સંદર્ભમાં મારે કહેવું છે કે, 2014 માં રઘુનાથ ગઢ, જિલ્લો સીકર, રાજસ્થાન માં થયેલી મહાભારત કથા કે જે એક મહીનો ચાલેલી તે સૌએ સાંભળવી જોઈએ તેવો આદર પૂવૅક ? આગ્રહ કરું છું. કથાકાર પૂ. શ્રી દેવાચાયૅ રાજેન્દ્રદાસ જી મહારાજ, મલૂકપિઠાધિશ્ચર. તેની લીંક પણ મોકલું છું. ધન્યવાદ જી.

  5. Sir good
    Maney em lagtu ke kunta mata jeva buddhishali vyakti ek stri ne panch purusho vacche bhag padva nu kahe teri gale utaratu nahotu
    Pan koi hakikat judi hoy sake
    Su kaaran hatu ke dropadi ne paanch pandvo sathe rahevu padyu
    Aapni pase koi mahiti hoy to janaavso
    Ne mahabharat ma ghani evi babto che jena vise pan ghani ger samjan thay che to tena vishesh pan ek lekhmala shakya hoy to rakhso
    Tame amari sachi mahiti na google baba cho

  6. ખુબજ સરસ અને સાચી માહિતી આપી. અભિનંદન સર

  7. ખુબ જ રસપ્રદ માહિતી મળી સાહેબ,
    આપના લેખો હંમેશા થી કંઈક અલગ અને નવી માહિતી થી સભર હોય છે, અને વાંચવા ની
    ખુબ મજા આવે છે. આ તબક્કે હું એક વાત જણાવવા માંગુ છું કે યુ ટ્યુબ પર વાલ્મિકી રામાયણ ની એક સાચી સિરીઝ અવેલેબલ છે, જે ખરેખર દરેક વ્યક્તિ એ જોવાલાયક છે, ટીવી ની રામાયણ કરતાં તે સિરીઝ ખરેખર ખાસ સમજવા લાયક પણ છે. ઉપરાંત સાહેબ શ્રી, આપે જે રામાયણ ના તથ્યો સમજાવ્યા તે વિશે પણ એક ખાસ સિરીઝ યુ ટ્યુબ પર છે. આપનો ખુબ ખુબ આભાર, આપણો ઐતિહાસિક વારસાને યોગ્ય રીતે અને યોગ્ય સમયે લોકો ને આપવા બદલ.
    જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ.

    • Dear Mr. Ripal kumar,

      can you please tell exact tiltle of valmiki ramayan series on you tube becayse if we type valmiki ramayan, their is so many videos appear.

  8. તો સૌરભ સર ખરેખર રામાયણ અને મહાભારત ખરા અર્થ માં અને સાચું વાંચવું હોય તો કોનું અને કયું ? (ગુજરાતી ભાષા માં)

  9. Very nice article. I request you to discuss the event of Eklavya thumb and its facts.

  10. Your article has inspired me to ask a question. Did Guru Dron really asked Eklavya to present him his thumb or it is just a symbolic event and later it became evident that Dron asked for the thumb? Plz clarify the topic.

  11. રામાયણ વિશે અભ્યાસ પૂર્ણ લેખો શ્રી નગીન ભાઈ સંઘવી એ સમકાલીન પેપર માં જ્યારે શ્રી હસમુખ ભાઈ તંત્રી હતા ત્યારે લખ્યા હતા. તેમણે પણ તે લેખો દ્વારા ઘણી માન્યતાઓ નો છેદ ઉડાડી દીધો હતો. આપ ને પણ આ સંશોધન ઊપર પ્રકાશ પાડવા ઊપર વિનંતી.

    • Well, with due respect to Sanghvisaheb, he wrote that Ram was a meat eater. He misinterpreted मांस with mutton forgetting that Valmiki had used that word for the pulp (ગર)of a fruit. Since he is leftist and secularist his many observations and interpretations are warped. But I have immense respect for his intellectual ability and his integrity. He taught me Political Science in college.

      • એટલે સૌરભભાઇ તમારા કહેવા પ્રમાણે વાલ્મિકી રામાયણમાં જ્યાં પ્રસંગ છે કે લક્ષ્મણે હરણ માર્યું અને તેને અગ્નિમાં રાંધ્યું પણ જ્યારે તે બંને ભાઈઓએ ખાધું એવો ઉલ્લેખ આવે ત્યારે હરણને ફળ સમજી લેવાનું.

        सुराघटसहस्रेण मांसभूतोदनेन च ।
        यक्ष्यते त्वां प्रयता देवी पुरीं पुनरुपागता ॥
        (२-५२-८९)

        વનવાસમાં જતા સમયે સીતા ગંગા નદીને પ્રાર્થના કરે છે કે, હે દેવી (વનવાસમાંથી) અયોધ્યા પાછા આવ્યા પછી सुराघटशस्रेण એક હજાર ઘડા સુરા (મદિરા) અને मांसभूतोदनेन, ओदन એટલે રાંધેલા ચોખા – ભાત; માંસભૂતોદનેન એટલે માંસ નાખીને રાંધેલો ભાત તમને અર્પણ કરીશ.
        (વાલ્મિકી રામાયણ – અયોધ્યા કાંડ – સર્ગ – ૫૨, શ્લોક – ૮૯)

        હવે આ શ્લોકમાં ફળનો ગર ક્યાં શોધીશું?

        આવા તો કેટલાય પ્રસંગો છે જ્યાં માંસ શબ્દને ફળના ગરના અર્થમાં લઈ શકાય તેવી કોઇ શક્યતા જ નથી.

        આપણા ધાર્મિક પૂર્વગ્રહો વાલ્મિકી રામાયણ પર થોપવા તે કેટલું યોગ્ય છે?

        તે સમયે રાજાઓ મૃગયા કરવાકરવા એટલે કે શિકાર કરવા જતાં (રાજા દશરથ જ શિકાર કરવા જાય છે તેનો પ્રસંગ રામાયણમાં છે) શિકાર કરીને પાછાઆવીને શું ટીંડોળાનું શાક અને દાળ – ભાત ખાતાં હતાં ?

        શ્રીરામ ક્ષત્રિય કુળમાં જન્મ્યા હતાં અને ક્ષત્રિયો માટે શિકાર કરવો અને શિકારનું ભક્ષણ કરવું તેમાં કશું અજુગતું નહોતું.

        અહીં લાંબો જવાબ લખવો શક્ય નથી. emai id આપી શકો તો શ્લોકો સાથે તમને વિગત મોકલું પછી તમે જાતે નક્કી કરો

        સંદીપના વંદન

        • તે વખતે જે વામપંથીઓ હતા એમણે આ બધા શ્લોક રચીને આપણા પવિત્ર ગ્રંથોમાં ક્ષેપકો ઉમેર્યા છે. ભગવાન રામ હરણ રાંધીને ખાતા એવું વાંચીને આજના વામપંથીઓ, જેઓની વિચારસરણી નાસ્તિક હોવાની તેઓ, ગેલમાં આવી જતા હોય છે.ક્યારેક તો માણસે પોતાની નીરક્ષીર વિવેક બુદ્ધિનો ઉપયોગ કરવો જોઈએ, જો હોય તો.

          • સૌરભભાઇ, તમે મારા પ્રિય લેખકોમાંના એક છો પણ નગીનદાસ સંઘવી સાહેબ જેવા અભ્યાસુ, વિદ્વાન અને બહુશ્રુત વ્યક્તિ પર વામપંથી અને સેક્યુલરનું લેબલ લગાડી તેમના અભિપ્રાયોને પરખ્યા વિના ડિસ્કાઉન્ટ કરી નાખવા તેમાં વળી કઈ બુદ્ધિમાની છે?

            અને જેટલુું આપણા માટે inconvenient છે તે બધું ક્ષેપક – interpolated છે એમ કહી છટકી જવું તે એક રીતની intellectual dishonesty છે.

            અને તમારી છેલ્લી કોમેન્ટ “વિવેક બુદ્ધિનો ઉપયોગ કરવો જોઇએ, જો હોય તો.” was definitely in bad taste.

      • એવું લાગે છે કે તમે પણ મીઠીબાઈ કોલેજના વિદ્યાર્થી રહી ચુક્યા છો.

        હું પણ મીઠીબાઈ કોલેજમાં સાયન્સનો વિદ્યાર્થી હતો. કદાચ તમારા કરતાં થોડા વર્ષ પહેલાં. અમૃતલાલ યાજ્ઞિક પ્રિન્સિપલ હતાં, નગીનદાસ સંઘવી સાહેબ અને ચન્દ્રકાંત બક્ષી પોલિટિકલ સાયન્સ અને હિસ્ટ્રીના પ્રોફેસરો અને સિતાંશુ યશશ્ચન્દ્ર થોડા સમય માટે ગુજરાતીના પ્રોફેસર હતાં.

        શું એ દિવસો હતાં !

  12. Wonderful information and eye opening clarification of
    misinterpretation on Ramayan and Mahabharat
    Do write more and more on above epic Granth

  13. સર, ખાલી ગ્રંથોમાજ ચેડા કર્યા છે કે, પછી આપાણી શિક્ષણ વ્યવસ્થામાં પણ થયા હશે?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here