પડતી થતાં જે ઓલવાઈ જતો નથી તે સદાચારી છે—વિદુરનીતિ : સૌરભ શાહ

(ગુડ મૉર્નિંગ એક્‌સક્લુઝિવ: બુધવાર, ૧૫ એપ્રિલ ૨૦૨૦)

વિદુરજી ડહાપણનો ભંડાર છે. ‘મહાભારત’ના ઉદ્યોગપર્વના ૩૩મા અધ્યાયથી ૪૧મા અધ્યાય સુધી વિસ્તારેલા ધૃતરાષ્ટ્ર-વિદુર સંવાદને આપણે ‘વિદુરનીતિ’ તરીકે ઓળખીએ છીએ. ‘ભગવદ્‌ ગીતા’ના નામે ઓળખાતા શ્રીકૃષ્ણ-અર્જુન સંવાદની જેમ ‘વિદુરનીતિ’ પણ ‘મહાભારત’ની એક ઘણી મોટી ભેટ છે.

તેંત્રીસમા અધ્યાયના ત્રણ શ્લોક (૩૧,૩૪,૩૫)માંથી ગમતી વાતોને સાંકળી લઈને એક વાક્યમાં મૂકવી હોય તો કહી શકીએ કે જે પોતાને કરવાનું છે તે કામ કરતો નથી અને બીજાનું કામ લઈ બેસે છે, જે ઝડપથી પતી શકે એવાં કામમાં ખોટો વિલંબ કરે છે અને જે વગર પૂછ્યે ઘણું બધું બોલે છે તે મૂઢ છે.

આમાંનું એકેય લક્ષણ તમારામાં હોય તો ચેતી જજો. (અમારી તો વાત જ નહીં કરતા. અમારામાં ત્રણે ત્રણ અપલક્ષણો છે અથવા તો કહો કે હતાં પણ વિદુરનીતિનો અભ્યાસ કર્યા પછી ઓગળી ગયાં.)

‘વિદુરનીતિ’ના ૩૩ થી ૪૧મા અધ્યાયના કેટલાક શ્લોક એકબીજા સાથે મૂકીને વાત કરવામાં સરળતા રહે એમ છે એટલે મારી નોંધ પ્રમાણે અને સમજણની સગવડતા મુજબ આગળ વધીશું. મૂળ ગ્રંથમાં તમને આ ક્રમ નહીં મળે કારણ કે અહીં ગાડીના ડબ્બાઓ ગોઠવવામાં શન્ટિંગ થયેલું છે. જોકે, એકેય કોચ ઘરનો નથી ઉમેર્યો. આપણું એ ગજું પણ નથી, એવું દુઃસાહસ કરવાની હિંમત પણ નથી.

એક બહુ સરસ વાત વિદુરજીએ આજના શેખચલ્લીઓ માટે કહી છે. વગર મહેનતે રાતોરાત પૈસાદાર કે પ્રસિદ્ધ કે સત્તાશાળી થઈ જવાનાં સપનાં સેવનારાઓને સણસણતી લપડાક મારતાં વિદુરજી ૩૭મા શ્લોકમાં કહે છે: ‘પોતાની શક્તિને ઓળખ્યા સિવાય જે માણસ ધર્મ તેમ જ અર્થને પુરુષાર્થ વિના મેળવવા ઈચ્છે છે, જે વ્યક્તિ કામ કર્યા વગર મેળવી જ ન શકાય એવી વસ્તુઓ પામવા માગે છે તે મૂઢ બુદ્ધિ ધરાવે છે.’

આ જ વાત બાવનમા શ્લોકમાં જરા જુદી રીતે છેઃ ‘જે સ્વયં નિર્ધન છે છતાં બીજા પાસેથી બહુમૂલ્ય વસ્તુને ઈચ્છે છે અને માલિક ન હોવા છતાં ક્રોધ કરે છે – તે બન્ને (પ્રકારના માણસો) તીક્ષ્ણ કાંટા જેવા છે અને પોતાના શરીરને સૂકવનારા છે.’

વિદુરજીએ શાંતિપૂર્વક મનને સ્થિર રાખીને કેટલું બધું ચિંતન કર્યું હશે. અનેક સમારંભોમાં તમે જોયું હશે કે પોતાને દેવના દીધેલ માનનારા સેલ્ફ પ્રોક્લેમ્ડ વીઆઈપીઓને સભાગૃહમાં પ્રથમ હરોળમાં કોઈ ન બેસાડે તો માઠું લાગી જતું હોય છે. ધાર્મિક સમારંભોમાં તો ખાસ આવું જોવા મળે. ૯૦મા શ્લોકમાં વિદુરજીએ આ વાત ઉપરાંત બીજી ત્રણ-ચાર વાતોને ઠાંસી ઠાંસીને ભરી છે. વારાફરતી સમજીએ: ઉતાવળિયા મનુષ્યો શું કામ ઉતાવળ કરતા હશે? વિદુરજીના કહેવા પ્રમાણે ધર્મ, અર્થ, કામ કે ક્રોધથી પ્રેરાઈને લોકો કાર્યનો આરંભ કરવાની ઉતાવળ કરે છે. આવા કોઈ પ્રેરણાબળથી શરૂ થતો કામનો આરંભ નુકસાનકારક છે.

કોઈ તમને કંઈ પૂછે તો મીંઢાની જેમ ચૂપ ન રહેવું, પૂછવામાં આવે ત્યારે જે સાચું છે તે કહી દેવાનું હોય ( સિવાય કે કોઈ તમારા મોઢામાં આંગળાં નાખીને વાત કઢાવવા માગતું હોય, પોતાના વેસ્ટેડ ઈન્ટરેસ્ટ કે બદઈરાદાઓને પાર પાડવા કોઈ પરાણે તમારી પાસેથી વાત કઢાવવા માગે તો ચેતી જવું – આવા સમયે વિદુરજીની નહીં ચાણક્યની વાતો યાદ રાખવાની.)

ઘણા લોકો એટલા બધા નિયમપ્રેમી હોય છે કે ઘરમાં કે હાઉસિંગ સોસાયટીમાં કે જ્ઞાતિ સંસ્થામાં કે પછી એવી બીજી હજાર જગ્યાઓએ નિયમ મુજબ કામ ન થતું હોય તો તરત જ ઝંપલાવી દે – પોતે ગાંધીજીના એકમાત્ર વરસદાર હોય એમ. પોતાને સતના પૂતળા ગણનારા આવા લોકોને ખબર નથી હોતી કે નિયમથી ચાતરીને થતાં બધાં કામ કંઈ અપ્રામાણિક કે ભ્રષ્ટાચારયુક્ત નથી હોતાં. સૌનું ભલું થાય એમ હોય ત્યારે કે સંજોગો બદલાઈ ગયા હોય ત્યારે નિયમોમાં અપવાદ કરવા પણ પડે – કુરુક્ષેત્રના યુદ્ધમાં ખુદ ભગવાન શ્રીકૃષ્ણે કેટલાક નિયમોને ચાતરીને સૌનું કલ્યાણ કર્યું હતું.

નેવુંમા શ્લોકમાં વિદુરજીએ આ બધી લાંબીલચક વાતોને લાઘવભરી શૈલીમાં કેટલી સુંદર રીતે કહી છેઃ ‘જે બુદ્ધિમાન મનુષ્ય ધર્મ, અર્થ કે કામ, ક્રોધથી વશ થઈને ઉતાવળે કાર્યનો આરંભ કરતો નથી, પૂછતા ખરી વાત બતાવે છે, નિયમો માટે ઝગડો નથી કરતો તથા આદર ન મળતા ગુસ્સે થતો નથી તેવો પુરુષ સર્વત્ર પ્રશંસા પામે છે.’
આગળ વધતાં વિદુરજી કહે છે કે, ‘જે બીજાની સાથે પોતાનાં પરાક્રમોનાં વખાણ કરતો નથી, ક્રોધથી વિહ્‌વળ થવા છતાં કટુવાણી નથી ઉચ્ચારતો તેવા મનુષ્યને લોકો સદૈવ પોતાનો પ્રિય બનાવી લે છે.’

અન્ય એક શ્લોકમાં કહે છે: ‘જે શાંત થયેલા (વેરભાવના) અગ્નિને પુનઃ પ્રજ્‌વલિત કરતો નથી, અભિમાન કરતો નથી, પડતી થતાં જે ઓલવાઈ જતો નથી અને હું વિપત્તિમાં છું એમ માનીને જે અયોગ્ય કામ કરતો નથી તેને આર્યજનો ઉત્તમ આચરણવાળા સદાચારી તરીકે ઓળખે છે.’

વિદ્વાનોએ કેવી રીતે સમાજ-વ્યવહારો રાખવા એનું માર્ગદર્શન આપતાં વિદુરજીએ જણાવ્યું છેઃ ‘જે પોતાની બરાબરીનો છે તેવા લોકો સાથે લગ્ન વ્યવહાર, મૈત્રી, (સામાજિક) વ્યવહાર તેમ જ વાતચીતના સંબંધો રાખે છે તથા અધમ કોટિના લોકો સાથે વ્યવહાર નથી કરતો તથા ગુણોમાં અધિક હોય એવા લોકોને સન્માને છે તે વિદ્વાનની નીતિ શ્રેષ્ઠ નીતિ કહેવાય છે.’

શ્રીમંતો અને વિદ્યાપુરુષો બે પ્રકારના હોવાના – એક: અહંકારી અને બે: સરળ વ્યક્તિત્વ ધરાવનારા. વિદુરજી કહે છે: ‘જે મોટું ધન, વિદ્યા તેમજ ઐશ્વર્યને મેળવ્યા બાદ પણ ઉદ્દંડતા દાખવતો નથી તેને જ પંડિત કહેવાય છે.’
વિદુરજીએ એવી સલાહ પણ આપી છે કે, ‘આ જગતમાં બે કાર્ય કરનારા લોકો વધુ શોભા પામે છે – કઠોર વાણી ન બોલનારા તથા દુષ્ટ પુરુષોનો આદર નહીં કરનારા. ’
કઠોર વાણીવાળી વાત તો આપણે સૌએ જાણી છે પણ બીજી વાત નવી છે. કેટલાય લોકો પોતાના અંગત કે પારિવારિક કે ધંધાને લગતા સ્વાર્થને વશ થઈને કે પછી પોતાની કોઈક ચોક્કસ વિચારસરણીને કારણે અથવા અન્ય કોઈનો વિરોધ કરવાના આશયથી દુષ્ટ પુરુષોનો આદર કરતા હોય છે. અહીં કેજરીવાલનો આદર કરનારા પત્રકારોનો ઉલ્લેખ કરીને આપણી વાતને સીમિત નથી બનાવી દેવી. પણ વાત કેટલી સાચી છે આ. ધ્યાનથી વિચાર કરીશું તો લાગશે કે જિંદગીમાં અનેક દુષ્ટ માણસોને આપણે આપણા સંકુચિત સ્વાર્થને કારણે આદર આપતા રહ્યા છીએ. લૉકડાઉનના નિરાંતના વખતમાં મોબાઈલની ફોનબુક ખોલીને એક પછી એક કોન્ટેક્‌ટને તપાસતાં જાઓ. ડઝન-બે ડઝન તો આરામથી આઈડેન્ટિફાય કરી શકશો. ડીલીટ કરો સાલાઓને.

સંપત્તિ અને દાન વિશે અનેક મહાપુરુષોએ ઘણી ઊંચી ઊંચી વાતો કરી. પણ વિદુરજીની આ વાત તદ્દન નોખી લાગી, ઘણી સત્તવશીલ લાગી: ‘ન્યાયથી મેળવેલી સંપત્તિનો માત્ર બે જ પ્રકારે દુરૂપયોગ શક્ય છે. એક તો જે વ્યક્તિની પાત્રતા ન હોવા છતાં તેને દાન કરવું. અને બીજું, સુપાત્રજનને દાન ન આપવું.’
અહીં એક વાત માર્ક કરી તમે? ‘ન્યાય’થી મેળવેલી સંપત્તિના દુરૂપયોગની વાત છે. કારણ કે ‘અન્યાય’થી મેળવેલી સંપત્તિનો દુરૂપયોગ કરવાના તો ઘણા માર્ગ હોય છે.

વિદુરજીએ આ સલાહ રાજાને આપી છે પણ આપણને સૌને લાગુ પડે છે.( આમ તો આખી વિદુરનીતિ રાજા ધૃતરાષ્ટ્રને અપાયેલી સલાહો જ છે જે આપણને સૌને લાગુ પડે છે.) વિદુરજી કહે છે: ‘અલ્પ બુદ્ધિવાળા, દીર્ઘસૂત્રી, આળસુ તથા ભાટાઈ કરનારાઓ સાથે કદાપિ રાજાએ ગુપ્ત સલાહ ન લેવી. આ ચાર બાબતો મહાબલી રાજાએ ત્યાગ કરવા યોગ્ય છે. વિદ્વાન લોકો આવા લોકોને ઓળખી લે છે.’

દીર્ઘસૂત્રી માણસ એને કહેવાય જે જલદી કામ થઈ શકે તેવા કામમાં પણ મોડું કરે અંગ્રેજીમાં જેને પ્રોક્રેસ્ટિનેશન કહીએ તે.
વિદુરજી કહે છે: ‘જગતમાં ઐશ્વર્ય મેળવવાની ઈચ્છાવાળા પુરુષને ઊંઘ, તંદ્રા(સુસ્તી), ભય, ક્રોધ, આળસ અને દીર્ઘસૂત્રીપણું – આ છ દોષો ત્યાગવા જોઈએ.’

વિદુરજી કહે છે: ‘સમુદ્રનો પ્રવાસ કરનાર જેમ તૂટી ગયેલી નૌકાને છોડી દે છે તેમ, ઉપદેશ ન આપતા આચાર્યને, અધ્યયન વગરના ઋત્વિજને( અર્થાત્‌ બ્રાહ્મણ, પુરોહિત કે પછી વિદ્વાનને), રક્ષણ ન કરનાર રાજાને, અપ્રિય બોલનારી પત્નીને, ગામમાં જ રહેવા ઈચ્છતા ગોવાળને તથા જંગલમાં રહેવા ઈચ્છતા વાળંદને – આ છને ત્યજી દેવાં જોઈએ( કારણ કે આ છ એની તૂટી ગયેલી નૌકાની જેમ) તમને આજે નહીં તો કાલે, ડૂબાડશે.’

વિદુરજીએ દસ પ્રકારની વ્યક્તિઓનો ક્યારેય સંગ નહીં કરવો એવું કહ્યું છે. આ રહી યાદીઃ મદ્યપાનથી ભાન ભૂલેલો,( પોતાના કાર્યમાં) અસાવધ, પાગલ, શ્રમિત( થાકી ગયેલો, જિંદગીથી હારી ગયેલો), ક્રોધે ભરાયેલો, ભૂખ્યો, ઉતાવળિયો, ડરપોક, લોભી અને કામી.

રાજાને લગતી એક બીજી સલાહ પણ કૉમન મૅન માટે છેઃ ‘જે રાજા કોઈ દુર્બળ પુરુષનું અપમાન નથી કરતો, શત્રુ સાથે સદા સાવધાનીપૂર્વક અને બુદ્ધિપૂર્વક વ્યવહાર કરે છે, બળવાનો સાથે યુદ્ધ કરવાનું પસંદ નથી કરતો તથા સમય આવ્યે પોતાનું પરાક્રમ બતાવે છે તે ધીર ભૂપ કહેવાય છે.’

આ ઉપરાંત: ‘જે પોતાના સુખમાં છકી જતો નથી, બીજાના દુઃખે જેને આનંદ નથી આવતો, આપ્યા પછી જે અફસોસ નથી કરતો તેને લોકો સત્વશીલ આર્યપુરુષ કહે છે.’

અને છેલ્લે: ‘જે પોતાના આશ્રિતજનોમાં સરખે ભાગે વહેંચ્યા પછી જ થોડું ભોજન કરે છે, ઘણું બધું કામ કર્યા બાદ થોડું સૂએ છે તથા શત્રુઓ પણ યાચના કરે તો તેને પણ આપે છે તેની પાસે અનર્થો કદી ફરકતા નથી.’

તેંત્રીસમા અધ્યાયના છેલ્લા, શ્લોક નં. ૧૦૪માં, વિદુરજી કહે છેઃ ‘હે તાત!( હે ધૃતરાષ્ટ્ર!) તેમને( પાંડવોને) તેમનો ન્યાયોચિત રાજ્યભાગ આપી દઈને, આપ આપના પુત્રો સાથે આનંદ ભોગવો. હે નરેન્દ્ર! આમ કરવાથી ન તો દેવતાઓ કે ન તો મનુષ્યો તમારી તરફ શંકાની નજરે જોશે.’

લઘુબંધુ વિદુરની આ સલાહ જ્યેષ્ઠ ભ્રાતાશ્રી રાજા ધૃતરાષ્ટ્રે અમલમાં મૂકી હોત તો મહાભારત સર્જાયું જ ન હોત. અને જો એવું થયું હોત તો અત્યારે ન આપણી પાસે વિદુરનીતિ હોત, ન ભગવદ્‌ ગીતા હોત કે લૉકડાઉનમાં સમય પસાર કરાવતી ‘મહાભારત’ની સિરિયલ હોત.

છોટી સી બાત

પત્નીએ બનાવેલા પનીરના શાકમાં પનીર નહીં દેખાતાં બકાએ હિમ્મત કરીને પત્નીને પૂછ્યું: શેનું શાક છે?

પત્ની: ચૂપચાપ ખાઈ લો, શાકનું નામ છે – ખોયા પનીર…

5 COMMENTS

  1. બહુ જલદી પર્િનટ મિડીયા માં જેાવા ની આશા છે. તરૂણ ભટટ.

  2. ઘણાં લાંબા સમય બાદ નિરાંતે ગુજરાતી માત્રુભાષામાં આપના લેખ દ્વારા મધુરતા માણવાનો ખુબ સમય ઇશ્વરે આપ્યો છે. Thanks to saurabh bhai and thanks to Lock-down.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here